ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મુદ્ગલની કથા

From Ekatra Wiki
Revision as of 06:45, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મુદ્ગલની કથા

કુરુક્ષેત્રમાં મુદ્ગલ નામનો બ્રાહ્મણ રહેતા હતા. તે જિતેન્દ્રિય, શીલવાન, સત્યવાદી, કલંકરહિત, અતિથિપૂજક હતા. તેઓ કશાનો સંગ્રહ કરતા ન હતા. તે સ્ત્રી અને પુત્રો સાથે એક પખવાડિયે ભોજન કરતા અને એક પખવાડિયે કબૂતરની જેમ દાણ સંઘરતા. પૂનમે અને અમાસે યજ્ઞ કરતા હતા, બાકી જે વધે તે અતિથિઓને અને દેવતાઓને આપતા હતા. પછી જે બચે તે ખાઈને શરીરને ટકાવતા હતા. મુદ્ગલ ઋષિના આશ્રમમાં બધા પર્વમાં ત્રણે લોકના સ્વામી ઇન્દ્ર ત્યાં આવીને ઋષિનો યજ્ઞભાગ લેતા હતા. યજ્ઞ પૂરો થાય એટલે આનંદપૂર્વક અતિથિઓને અન્ન આપતા હતા, અને અન્નદાન કરનારા મુદ્ગલનું ધાન્ય અતિથિઓને જોઈને વૃદ્ધિ પામતું હતું. એ અન્ન વડે સો પંડિત બ્રાહ્મણો ભોજન કરતા હતા. ઋષિના ત્યાગબલ વડે અન્ન વધતું જતું હતું.

આવા દાનેશ્વરી મુદ્ગલની કીતિર્ સાંભળીને દુર્વાસા ઋષિ ત્યાં આવી ચઢ્યા. તેમણે પાગલનો વેશ ધર્યો અને જાતજાતની કઠોર વાણી બોલતા બોલતા મુદ્ગલને કહેવા લાગ્યા, ‘હું અન્નની ઇચ્છાથી અહીં આવ્યો છું.’

મુદ્ગલે તેમને આવકારી તેમનો સત્કાર કર્યો. પછી ભૂખ્યા દુર્વાસાને પોતાના તપ વડે મેળવેલું અન્ન આપ્યું, દુર્વાસાએ એ બધું સ્વાદિષ્ટ અન્ન ખાઈ લીધું, મુદ્ગલે બીજું અન્ન આપ્યું, ભોજન કરતાં વધેલું અન્ન શરીરે ચોપડીને જ્યાંથી આવ્યા હતા ત્યાં દુર્વાસા જતા રહ્યા. મુદ્ગલે બીજા પખવાડિયે યજ્ઞ કર્યો, એ જ રીતે દુર્વાસા ત્યાં ફરી આવીને બધું અન્ન ખાઈ ગયા. મહાત્મા મુદ્ગલ તો ભૂખ્યા જ રહ્યા. અને પોતાનું કામકાજ કરતા રહ્યા. તેમની પત્ની અને તેમનાં સંતાનો પણ ભૂખ્યાં રહ્યાં તો પણ મુદ્ગલના મનમાં ક્રોધ ન જાગ્યો, ઈર્ષ્યા ન થઈ, દુર્વાસા પ્રત્યે કોઈ દુર્ભાવ ન પ્રગટ્યો, એમની બુદ્ધિ કોઈ વિભ્રમને વશ થઈ.

આ રીતે દુર્વાસા ઋષિ છ વાર આવ્યા, અને મુદ્ગલના મનમાં કશોય વિકાર ન જોયો, તેમનું મન શુદ્ધ જ જોયું. દુર્વાસા ઋષિએ પ્રસન્ન થઈને કહ્યું, ‘આ લોકમાં તમારા જેવો ઈર્ષ્યાહીન, દાની બીજો કોઈ નથી. તમે ધૈર્યપૂર્વક ક્ષુધાધર્મ અને જિહ્વાશક્તિને પરાજિત કર્યા. આ જિહ્વા તો રસ ઇચ્છે છે, એટલે પુરુષને તે ખેંચી રાખે છે. પ્રાણ ભોજનમાં સ્થિર રહે છે, મન ખૂબ કઠિનતાથી વશમાં આવે છે. મનને એકાગ્ર કરીને ઇન્દ્રિયોને વશમાં રાખવું એ જ તપ કહેવાય. પુરુષાર્થ વડે મેળવેલા ધનને શુદ્ધ મન વડે આપવું બહુ અઘરું છે. તમે આ બધું સારી રીતે પાર પાડ્યું.

તમને મળીને હું બહુ રાજી થયો છું. તમે ઇન્દ્રિયજિત છો, તમારામાં ધીરજ છે, અન્ન વગેરેનું દાન કરવાની ઇચ્છા છે, શમ-દમ-સત્ય-ધર્મ તમારામાં વસે છે. તમે તમારાં કર્મ વડે સ્વર્ગને જીતી લીધું છે. તમારું દાન ધન્ય છે, દેવતાઓ પણ આ દાનની પ્રશંસા કરે છે, તમે સદેહે સ્વર્ગમાં જશો.’

દુર્વાસા આમ કહેતા હતા ત્યારે દેવતાઓના એક દૂત વિમાનમાં બેસીને આવ્યા.

એ વિમાન સુવાસિત હતું, ઝાંઝરવાળું હતું; ત્યાં હંસ-સારસ હતા, ઇચ્છા પ્રમાણે તે વિહાર કરી શકતું હતું. તે દેવદૂતે કહ્યું, ‘હે મહર્ષિ, તમારાં કર્મો વડે આ વિમાન તમને મળ્યું છે, હવે તેમાં બેસો.’

મુદ્ગલ ઋષિએ દેવદૂતને પૂછ્યું, ‘હું તમારા મોઢે સ્વર્ગવાસીઓના ગુણ જાણવા માગું છું. તેમનું તપ કેવું હોય છે, ત્યાં કેવાં સુખ-દુઃખ હોય છે? તમને હું મિત્ર માનીને પૂછું છું. સાત ડગલાં સાથે ચાલવાથી સજ્જનો મિત્ર બની જાય છે એવું સંતપુરુષો કહે છે. મારા પ્રશ્નોનો જે સાચો, યોગ્ય ઉત્તર હોય તે નિ:સંકોચ કહો. તમારી વાત સાંભળ્યા પછી મને જે ઠીક લાગશે તે કરીશ.

દેવદૂતે કહ્યું, ‘હે મહર્ષિ, તમારી બુદ્ધિ અકાર્યમાં કેમ રમે છે? તમે ઉત્તમ મનાતા સ્વર્ગના સુખ વિશે પણ મૂર્ખની જેમ પૂછી રહ્યા છો? આ લોકની ઉપર સ્વર્ગલોક છે, તેને સ્વર્લોક પણ કહે છે. તેની ઉપર દેવોનો માર્ગ છે, તેમાં દેવોના વિમાનોની આવજા થયા કરે છે. જેણે તપ કર્યું ન હોય કે મહાયજ્ઞ કર્યો ન હોય તે ત્યાં જઈ જ ન શકે. અસત્યવાદી અને નાસ્તિકો ત્યાં જઈ ન શકે. અહીં તો ધર્માત્મા, સંયમી, શાંત, જિતેન્દ્રિય, સાધુ, દાનધર્મ કરનારા અને યુદ્ધમાં વીરગતિ પામેલા જ જઈ શકે. એ પુણ્યશાળીઓના લોકમાં શમ, દમ રૂપી ધર્મ વડે ઉત્તમ કર્મો કરનારા જ જઈ શકે. દેવતા, સાધ્ય, મરુત, મહર્ષિ, યામ, ધામ, ગંધર્વ અને અપ્સરાઓના વિવિધ લોક છે. તે બધા લોક પરમ પ્રકાશિત, સુખ-તેજવાળા, સુંદર છે. ત્યાં તેત્રીસ હજાર યોજન વિસ્તારમાં ફેલાયેલો સુવર્ણમય મેરુપર્વત છે, દેવતાઓના ઉદ્યાનો છે. તેની ઉપર નંદન વગેરે ઉપવન છે. ત્યાં પુણ્યકર્મ કરનારા વિહાર કરે છે. ત્યાં ભૂખતરસ નથી, ત્યાં થાક નથી લાગતો, ઠંડી ગરમી નથી. ભયાનક કશું નથી. રોગ નથી. ત્યાં ખૂબ જ સુવાસ આવે છે. વાયુ શીતળ અને સુખદાયક છે, ત્યાં ઉચ્ચારાતા શબ્દો કર્ણપ્રિય હોય છે, સ્વર્ગમાં શોક નથી, વૃદ્ધાવસ્થા નથી, પ્રાયશ્ચિત્ત નથી, દુઃખ નથી. માનવી પોતે જે કાર્ય કરે છે તેના વડે આ લોક પ્રાપ્ત થાય છે. પોતપોતાનાં કર્મ અનુસાર સ્વર્ગવાસીઓનાં શરીર અગ્નિમય હોય છે, ત્યાં કોઈ માતા-પિતાથી જન્મ લેતું નથી. અહીં કોઈને પરસેવો થતો નથી, દુર્ગન્ધ આવતી નથી. ઝાડોપેશાબ નથી થતા, કોઈનાં વસ્ત્ર મેલાં થતાં નથી. દેવતાઓએ પહેરેલી દિવ્ય સુવાસવાળી, સુંદર માળાઓ કદી કરમાતી નથી. સ્વર્ગવાસીઓ દિવ્ય વિમાનોમાં બેસીને વિહાર કરે છે. ત્યાંના લોકો શોક, થાક, મોહ, દુષ્ટતાથી પર હોય છે. આ ઇન્દ્રલોકથી પણ ચઢિયાતો બીજો લોક નીચેના લોક કરતાં ઉપરનો લોક વધુ ચઢિયાતો છે. એ બધાથી ઉપરનો બ્રહ્માનો લોક સુંદર, દિવ્ય તેજથી ભરેલો છે. શુભ કર્મોથી પવિત્ર થયેલા ઋષિઓ ત્યાં જાય છે. ત્યાં ઋભુ નામના દેવ રહે છે. તે દેવોના પણ દેવ છે. તેમના પોતાના તેજથી પ્રકાશિત રહે છે. ત્યાં બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યાં જે રહે છે તેમને સ્ત્રી, ધન બાબતે કશું દુઃખ નથી. તેઓ આહુતિ વડે જીવતા નથી, અમૃતભોજન કરતા નથી. તેમનું શરીર દિવ્ય છે, તેઓ શરીર ધરાવતા નથી. તેમને સુખની કશી ઇચ્છા થતી નથી. જો ત્યાં હર્ષ ન હોય, પ્રેમ ન હોય, સુખ ન હોય તો પછી ઘરડાપો કે મૃત્યુ તો હોય જ ક્યાંથી? સુખ નથી- તો દુઃખ નથી. રાગદ્વેષ પછી હોય ક્યાંથી? દેવતાઓ પણ આ દુર્લભ ગતિ ઝંખે છે. કામવશ, ઇન્દ્રિયભોક્તાઓ આ ગતિ પામી શકતા નથી. આ તેત્રીસ પ્રકારના લોક છે, અહીં બુદ્ધિશાળીઓ, દાનેશ્વરીઓ, કર્મબદ્ધ, નિયમબદ્ધ અને દાનધર્મ કરનારા જઈ શકે છે. તમને દાનેશ્વરીની ગતિ મળી છે. હવે તમે તમારા તપોબળથી જે સુખ મળ્યું છે તે હવે ભોગવો. અહીં જેઓ ઉત્તમ લોકો આવે છે તે બધા આનંદ પામે છે, સ્વર્ગના ગુણ તમે સાંભળ્યા, હવે તેના દોષ સાંભળો.

માનવી સ્વર્ગમાં જઈ કર્માનુસાર ફળ ભોગવે છે, બીજું કોઈ કામ તે કરી શકતો નથી. એટલે તે કર્મથી દૂર દૂર નીકળી જાય છે. કર્મફળ ભોગવી લીધા પછી મનુષ્યનું સ્વર્ગમાંથી પતન થાય છે. સદા સુખમાં રહેનારા લોકોનું આ પતન દુઃખદ ગણાય. સ્વર્ગમાં ઉપલા લોકની વધારે લક્ષ્મી જોઈને નીચલા લોકમાં રહેનારાઓને અસંતોષ થાય છે. ત્યાંથી પતન પામનારની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તે રજોગુણી થઈ જાય છે. જે સમયે સ્વર્ગમાંથી પતન થવાનું હોય છે તે સમયે તેની પુષ્પમાળા કરમાવા લાગે છે, ત્યારથી તેને પતનની બીક લાગવા માંડે છે. આ ભયાનક દુઃખ બ્રહ્મલોકમાં પણ જોવા મળે છે. સ્વર્ગમાંથી પતન પામનારાઓનો જન્મ મનુષ્ય તરીકે થાય છે. તે માનવી તરીકે ભાગ્યશાળી હોય છે, સુખી હોય છે. જો ત્યાં સારાં કર્મ ન કર્યાં તો નીચ અવસ્થા પામે છે. મૃત્યુલોકમાં કરેલાં કર્મનું ફળ સ્વર્ગલોકમાં ભોગવાય છે, એટલે કે મર્ત્યલોક કર્મભૂમિ છે અને સ્વર્ગલોક ફળભૂમિ છે. મુદ્ગલ, તમે જે પ્રશ્નો પૂછ્યા તેનો મેં ઉત્તર આપ્યો, હવે ચાલો, વિલંબ ન કરો.

દેવદૂતની આ બધી વાતો સાંભળીને મુદ્ગલ વિચારમાં પડ્યા અને પછી દેવદૂતને તેમણે કહ્યું, ‘તમને વંદન. તમારી ઇચ્છા થાય ત્યાં હવે તમે જાઓ. આવા દોષ-આવા સુખથી ભરેલા સ્વર્ગનું મારે કશું કામ નથી. જે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થવાનું હોય ત્યારે બહુ દુઃખ વેઠવું પડે, ઝાઝો પશ્ચાત્તાપ કરવો પડે એવા સ્વર્ગમાં મારે જવું નથી. જ્યાં લોકો શોક ન કરે, વ્યથા ન અનુભવે, ભ્રષ્ટ ન થાય એવા જ શાશ્વત સુખના પ્રદેશમાં હું તો જવા માગું છું.’

એમ કહીને મુદ્ગલે દેવદૂતને વિદાય કર્યા, પોતે ધર્મપૂર્વક જીવવા લાગ્યા. સ્તુતિ, નિંદા, ધૂળ, લાકડું, પથ્થર અને સોનામાં કશો ભેદ નથી એમ માન્યું. આમ ધ્યાન, જ્ઞાન અને યોગથી પવિત્ર થઈને થોડા સમયમાં સનાતન મોક્ષ પામ્યા.

(આરણ્યક પર્વ ૨૪૬)