ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/સત્યવાન અને સાવિત્રીની કથા

From Ekatra Wiki
Revision as of 06:46, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સત્યવાન અને સાવિત્રીની કથા}} {{Poem2Open}} મદ્ર દેશમાં અશ્વપતિ નામના એક રાજા. તે ધર્મજ્ઞ, બ્રાહ્મણભક્ત, સત્યવાદી, જિતેન્દ્રિય, દાનેશ્વરી, પ્રજાપ્રિય, પ્રાણીહિતરક્ષક હતા. ક્ષમાશીલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સત્યવાન અને સાવિત્રીની કથા

મદ્ર દેશમાં અશ્વપતિ નામના એક રાજા. તે ધર્મજ્ઞ, બ્રાહ્મણભક્ત, સત્યવાદી, જિતેન્દ્રિય, દાનેશ્વરી, પ્રજાપ્રિય, પ્રાણીહિતરક્ષક હતા. ક્ષમાશીલ આ રાજા ખાસ્સા ઉમ્મરલાયક થયા તો પણ તેમને ત્યાં કોઈ સંતાન ન હતું, એટલે તેઓ દુઃખી દુઃખી હતા. પુત્ર પ્રાપ્તિ માટે આકરા નિયમ-વ્રતો પાળતા હતા. અવારનવાર થોડું થોડું ભોજન કરીને જિતેન્દ્રિય રહેતા હતા. આમ અઢાર વર્ષ નિયમપૂર્વક વીતાવ્યાં, ત્યારે છેલ્લે સાવિત્રી પ્રસન્ન થયાં. અગ્નિહોમમાં પ્રગટ થયાં, અને રાજાને કહ્યું, ‘હું તમારા બ્રહ્મચર્ય, યમનિયમ, ભક્તિથી પ્રસન્ન છું. તમારે જે વરદાન જોઈતું હોય તે માગો. ધર્મપાલનમાં કદી આળસ ન કરતાં.’ રાજાએ કહ્યું, ‘બ્રાહ્મણોએ મને કહ્યું હતું, પુત્ર જ પરમ ધર્મ છે. તો જો તમે પ્રસન્ન થયા હો તો આ વરદાન આપો. પુત્રપ્રાપ્તિ માટે આ યજ્ઞ કર્યો છે. મારા વંશને વધારનારા પુત્રો આપો.’

સાવિત્રીએ કહ્યું, ‘હે રાજન્, હું તમારા મનની વાત પહેલેથી જાણી ગઈ હતી, મેં બ્રહ્માને વાત કરી હતી, બ્રહ્માની કૃપાથી તમને નજીકમાં જ કન્યા પ્રાપ્ત થશે. હવે તમે કશું બોલતા નહીં, બ્રહ્માના કહેવાથી તમને વરદાન આપું છું.’

સાવિત્રીનું વરદાન રાજાએ સ્વીકારી લીધું અને દેવી અંતર્ધાન થયા પછી રાજા નગરમાં આવીને પ્રજાપાલન કરવા લાગ્યા. રાજાની પટરાણી સગર્ભા થઈ. આકાશમાં શુક્લપક્ષનો ચંદ્ર વિકસે તેમ તેનો ગર્ભ પણ વિકસવા લાગ્યો. પૂરા સમયે રાણીએ કમલનેત્રી કન્યાને જન્મ આપ્યો. પછી રાજાએ તેના સંસ્કારધર્મ કરાવ્યા. સાવિત્રીની કૃપાથી આ કન્યાનો જન્મ થયો હતો એટલે બધાએ તેનું નામ સાવિત્રી પાડ્યું. આ રાજકન્યા લક્ષ્મીની જેમ મોટી થવા લાગી અને થોડા સમયમાં યૌવનાવસ્થા પામી. પાતળી કટિ અને ઉત્તમ નિતંબોવાળી કન્યા કાંચનપ્રતિમા જેવી દેખાતી હતી એટલે બધાએ તેને દેવકન્યા જ માની. એનું એટલું બધું તેજ જોઈને કોઈ તેને પરણવાની ઇચ્છા કરતું ન હતંુ. એક દિવસ સાવિત્રીએ વ્રત કરી, માથાબોળ સ્નાન કરી અગ્નિની પૂજા કરીને વિધિવત્ બ્રાહ્મણો સાથે વેદપાઠ કરાવ્યા. પછી લક્ષ્મીરૂપા તે કન્યા દેવતાનો પ્રસાદ લઈ પિતા પાસે જઈ પહોંચી.

પિતાને પ્રસાદ આપીને વંદન કરતી તે ત્યાં બેઠી. પોતાની પુત્રી દેવકન્યા જેવી રૂપવાન હોવા છતાં તેને લાયક કોઈ પતિ મળતો ન હતો એટલે તે દુઃખી થઈ ગયા. રાજાએ કહ્યું, ‘તું વિવાહયોગ્ય થઈ ગઈ છે પણ હજુ કોઈ સામે ચાલીને તારું માગું કરવા આવતું નથી. એટલે હવે તું તારા જ જેવા કોઈ ગુણવાનને શોધી કાઢ. તું જેની સાથે લગ્ન કરવાનું નક્કી કરે તે મને દેખાડજે, હું જોઈ કરીને તેની સાથે તારું લગ્ન કરાવી આપીશ. એટલે કોઈ સુપાત્ર ખોળી લે. મેં પંડિતો પાસેથી જે સાંભળ્યું છે તે તું સાંભળ. જે પિતા કન્યાનો વિવાહ ન કરે તે નિંદાયોગ્ય છે. જે પતિ પત્નીના ઋતુકાળમાં તેની ઇચ્છા ન સંતોષે તે નિંદાયોગ્ય છે. જે પુત્ર વિધવા માતાની રક્ષા ન કરે તે નિંદાયોગ્ય છે. એટલે તું વેળાસર પતિને શોધવા જા. દેવતાઓ મારી નંદાિ ન કરે એ તું જોજે.’

એ પ્રમાણે પોતાની પુત્રીને કહી મંત્રીઓને યાત્રા માટે જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરવા કહ્યું, અને પુત્રીને જવાની આજ્ઞા આપી. મનસ્વિની સાવિત્રી પિતાની વાત માનીને કોઈ પણ જાતના સંકોચ વિના લજ્જા પામતી, પિતાની વંદના કરીને ચાલી નીકળી. વનમાં જઈને વૃદ્ધ અને વડીલોને પ્રણામ કરતી કરતી બધા વનવિસ્તારમાં ઘૂમવા લાગી. તીર્થોમાં ધનદાન કરતી, બ્રાહ્મણોની સેવા કરતી રાજકન્યા બધા દેશોમાં ફરવા લાગી. એક દિવસ મદ્રરાજ સભામાં નારદ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે ઘણા બધા તીર્થોમાં અને આશ્રમોમાં ભમીભમીને સાવિત્રી મંત્રીઓની સાથે પિતાને ત્યાં પાછી આવી. તેણે પિતાને અને નારદને પ્રણામ કર્યા.

નારદે કહ્યું, ‘આ તમારી પુત્રી ક્યાં ગઈ હતી? ક્યાંથી આવી? તમે એનું લગ્ન કેમ કરતા નથી?’

અશ્વપતિએ કહ્યું, ‘મેં એટલા જ માટે તેને મોકલી હતી. તે આજે જ પાછી આવી છે. એની પાસેથી જ સાંભળો ત્યારે.’

‘સાવિત્રી, તું વિગતે બધી વાત કર.’ એમ જ્યારે પિતાએ કહ્યું ત્યારે સાવિત્રી બોલી, ‘શાલ્વ દેશમાં એક દ્યુમત્સેન રાજા છે, પાછળથી તે આંધળા થઈ ગયા. તે વેળા પુત્ર બહુ નાનો હતો. રાજાનું રાજ્ય શત્રુઓએ પડાવી લીધું. એટલે રાજા પત્ની અને બાળકને લઈને વનમાં જતા રહ્યા અને ત્યાં તપ કરવા લાગ્યા. એટલે રાજા પત્ની અને બાળકને લઈને વનમાં જતા રહ્યા. તે પુત્ર ત્યાં જ મોટો થયો, તે સત્યવાન મારો પતિ થઈ શકે.’

નારદ બોલી પડ્યા, ‘અરે, આ સાવિત્રીએ તો બહુ ખોટંુ કર્યું છે. જાણ્યા કર્યા વિના સત્યવાનની પસંદગી કરી બેઠી. એના માતાપિતા સત્યવાદી છે, એટલે જ બ્રાહ્મણોએ તેનું નામ સત્યવાન પાડ્યું. નાનપણથી તેને ઘોડા બહુ ગમતા હતા. એ માટીના ઘોડા બનાવ્યા કરતો, ચિત્રો પણ દોરતો. એ કારણે તેનું નામ ચિત્રાશ્વ પણ છે.

રાજાએ પૂછ્યું, ‘સત્યવાન તેજસ્વી, બુદ્ધિશાળી, માતાપિતાને આનંદ આપનારો તો છે ને!’

નારદે કહ્યું, ‘આ બાળક સૂર્ય જેવો તેજસ્વી, બૃહસ્પતિ જેવો બુદ્ધિશાળી, ઇન્દ્ર જેવો પરાક્રમી અને પૃથ્વી જેવો ક્ષમાવાન છે.’

‘સત્યવાન દાતા, બ્રાહ્મણભકત, રૂપવાન, ઉદાર છે કે નહીં?’

‘એ રતિદેવની જેમ દાન આપનારો છે, શિબિ જેવો સત્યવાદી છે. યયાતિ જેવો ઉદાર, ચંદ્ર જેવો સુંદર, અશ્વિનીકુમાર જેવો બળવાન અને રૂપવાન છે. તે જિતેન્દ્રિય છે, નમ્ર છે, વીર છે, ઇન્દ્રિયનિગ્રહી છે, તે બધાની સાથે મિત્રોની જેમ વર્તે છે, ઇર્ષાળુ તો છે જ નહીં, સંકોચશીલ છે.’

રાજાએ કહ્યું, ‘તમે એના ગુણો કહ્યા, તો દોષો કહો જોઉં.’

‘એક જ દોષ છે. બીજો દોષ નથી. આજથી એક વર્ષ પછી તેનું મૃત્યુ થશે.’

આ સાંભળી રાજાએ કહ્યું, ‘સાવિત્રી, તું કોઈ બીજો પતિ શોધી કાઢ. આના એક જ દોષે બધા ગુણને ઢાંકી દીધા છે. એક જ વરસ પછી તો તે મૃત્યુ પામશે.’

સાવિત્રીએ ઉત્તર આપ્યો, ‘પૈતૃક સંપત્તિ એક જ વાર વહેંચાય, કન્યાદાન એક જ વાર થાય, ‘હું આપું છું’ એમ એક જ વાર કહેવાય, તે દીર્ઘાયુષ્યવાળો હોય કે અલ્પ આયુષ્યવાળો, ગુણવાન હોય કે ગુણહીન હોય. મેં એક વાર પતિ તરીકે તેની પસંદગી કરી લીધી છે, હવે બીજો કોઈ પસંદ ન કરું. મનમાં નક્કી કર્યા પછી જ વાણી દ્વારા રજૂ થાય છે, અને પછી જ કર્મ થાય. મારું સાક્ષી મન છે.’

નારદે કહ્યું, ‘તમારી પુત્રી સાવિત્રી દૃઢ બુદ્ધિવાળી છે. એને તેના ધર્મથી કોઈ પણ રીતે વિચલિત કરી નહીં શકાય. સત્યવાનમાં જે ગુણ છે તે બીજામાં નથી. એટલે મારી દૃષ્ટિએ તે ભલે સત્યવાન સાથે લગ્ન કરે.’

રાજાએ નારદની વાત સ્વીકારી લીધી. સાવિત્રીના લગ્ન માટે શુભેચ્છાઓ આપી નારદે વિદાય લીધી. પછી રાજા પોતાની પુત્રીના લગ્નની તૈયારીમાં પડ્યા. પછી વૃદ્ધ બ્રાહ્મણ, ઋત્વિજ, પુરોહિત તથા સાવિત્રી સાથે દ્યુમત્સેનના આશ્રમે પહોંચ્યા. ત્યાં અંધ રાજા શાલ વૃક્ષ નીચે કુશના આસન પર બેઠા હતા. અશ્વપતિએ રાજષિર્ દ્યુમત્સેનનો સારી રીતે સત્કાર કરીને નમ્રતાથી પોતાના આગમનનું કારણ જણાવ્યું, ‘આ સાવિત્રી મારી પુત્રી છે, તમે પુત્રવધુ રૂપે તેનો સ્વીકાર કરો.’

‘રાજન્, અમે રાજ્ય ગુમાવી ચૂક્યા છીએ. વનમાં રહી તપસ્વીઓની જેમ જીવીએ છીએ. વનવાસ માટે તમારી પુત્રી તો ટેવાઈ નથી, તે આશ્રમમાં રહીને અહીંનાં બધાં દુઃખો કેવી રીતે વેઠશે?’

અશ્વપતિએ કહ્યું, ‘સુખદુઃખ તો આવે છે ને જાય છે. એ હું જાણું છું અને મારી પુત્રી પણ જાણે છે, તમે આવું ન બોલો. હું ચોક્કસ નિર્ણય કરીને જ અહીં આવ્યો છું. તમે મારું મન રાખો. હું પ્રેમપૂર્વક આવ્યો છું. મને નિરાશ ન કરો. આ સંબંધ બંનેને અનુરૂપ છે. આપણે બંને સરખા છીએ. એટલે મારી કન્યાને પુત્રવધૂ બનાવી સત્યવાન સાથે તેને પરણાવો.’

દ્યુમત્સેન બોલ્યા, ‘હું પહેલાં તમારી સાથે આ સંબંધ બાંધવાનો વિચાર કરતો જ હતો પણ અત્યારે રાજ્ય ઝૂંટવાઈ ગયું છે એટલે આમ કહું છું. મારી જૂની ઇચ્છા પાર પડી. તમે તો મારા અતિથિ છો એટલે ઇચ્છા હોય તે પાર પાડો.’

પછી આશ્રમના બધા બ્રાહ્મણોને બોલાવી સાવિત્રી-સત્યવાનનો વિવાહ કરી દીધો. રાજા અશ્વપતિ કન્યાદાન કરીને, બીજાં અનેક દાન કરીને પોતાના નગરમાં ગયા. સત્યવાન અને સાવિત્રી એકબીજાને મેળવીને ખૂબ આનંદિત થયા. પિતાની વિદાય પછી સાવિત્રીએ વસ્ત્રાભૂષણ દૂર કર્યાં અને વલ્કલ તથા કાષાય વસ્ત્રો પહેરી લીધાં. સેવા, ગુણો, નમ્રતાથી સાવિત્રી બધાને આનંદ આપવા લાગી. સાસુની શરીર સેવા, સસરાની વસ્ત્રભોજન સેવા કરતાં કરતાં મીઠી વાણીથી બધાને પ્રસન્ન કરવા લાગી. એવી જ રીતે પતિને પણ મધુર વાણીથી, ચતુરતાથી રીઝવવા લાગી. આમ આશ્રમમાં રહીને તેનો સમય વીતવા લાગ્યો. પણ રાતદિવસ, સૂતાઊઠતા, સાવિત્રીના મનમાં નારદે કહેલી વાત વારંવાર તેને યાદ આવ્યા કરતી હતી.

હવે જે દિવસે સત્યવાનનું મૃત્યુ થવાનું હતું તે ગોઝારો દિવસ પણ આવી પહોંચ્યો. નારદની ચેતવણી સાવિત્રીના કાનોમાં ગૂંજ્યાં કરતી હતી, એટલે તે હંમેશા છેલ્લા દિવસો ગણ્યા જ કરતી હતી. હવે જ્યારે સત્યવાનના મૃત્યુના ચાર દિવસ બાકી રહ્યા ત્યારે તેણે ત્રણ દિવસના ઉપવાસ આદર્યા અને રાતદિવસ તે જાગતી રહી, સાવિત્રીના સસરા આ વ્રત વિશે જાણીને બહુ દુઃખી થયા અને સાવિત્રીને સમજાવવા બોલ્યા,

‘તેં આદરેલું વ્રત ભારે કઠિન છે. ત્રણ રાત ખાધાપીધા વિના કાઢવા કેવી રીતે!’

‘પિતાજી, તમે ચિંતા ન કરો, હું આ વ્રત પાર પાડીશ. કશોક સંકલ્પ કરીને મેં આ વ્રત શરૂ કર્યું છે, અને સંકલ્પ જ બધાં કાર્યોને પ્રેરે છે.

‘હું એવું તો નથી કહી શકતો કે તું આ વ્રત માંડી વાળ. અમારા જેવા તો તને એમ જ કહેશે કે વ્રત પૂરું કર.’ આમ કહીને રાજા ચૂપ થઈ ગયા, સાવિત્રી દૃઢ મનોબળથી એ વ્રત કરવા લાગી.

સત્યવાનના મૃત્યુના આગલા દિવસે સાવિત્રી દુઃખી થઈને બેસી જ રહી, અને એમ તેણે આખી રાત વીતાવી. છેલ્લે દિવસે અગ્નિ પ્રગટાવી હવન કર્યો. સૂર્યોદય થતાં જ તેણે બધી વિધિ પતાવ્યો, પછી આશ્રમના બધા વૃદ્ધ, બ્રાહ્મણો, સાસુસસરાને પ્રણામ કર્યા. બધા વનવાસી તપસ્વીઓએ તેને સૌભાગ્યના તથા હિતકારક આશીર્વાદ આપ્યા.

ધ્યાનમગ્ન અને યોગરત સાવિત્રીએ તેમના આશીર્વાદ બરાબર સાંભળ્યા અને મનોમન કહ્યું, ‘ભલે, એમ જ થાય.’ નારદે જે કહ્યું હતું તેના પર વિચાર કરતી દુઃખી સાવિત્રી સત્યવાનનાં મૃત્યુની પ્રતીક્ષા કરવા લાગી. એકલી બેસી રહેલી સાવિત્રીને તેના સાસુસસરાએ કહ્યું, ‘હવે તો તારું વ્રત પૂરું થઈ ગયું છે એટલે તું ખાઈ લે.’

‘સૂર્યાસ્ત થાય ત્યારે મારી મનોકામના પૂરી થશે, પછી જ હું ખાઈશ, મારો આ સંકલ્પ છે અને તે હું પાર પાડીશ.’

જે વાત સાવિત્રી આમ કહી રહી હતી ત્યારે સત્યવાન ખભે કુહાડી નાખીને વનમાં જવા નીકળ્યો.

‘તમારે એકલાએ વનમાં જવાનું નથી. આજે હું તમારી સાથે આવીશ. હું તમને એકલા નહીં જવા દઉં.’

‘આ પહેલાં તું ક્યારે વનમાં ગઈ નથી, વનના રસ્તા દુઃખદાયક હોય છે. વળી તું વ્રત કરીને થાકી ગઈ હઈશ, પગે ચાલીશ કેવી રીતે?

‘વ્રતનો મને થાક લાગ્યો નથી, એનો કશો ભાર નથી. તમારી સાથે જવાનો મારામાં ઉત્સાહ છે, એટલે મને ન રોકતા.’

‘જો ચાલવા માટેની તારી તૈયારી હોય તો માતાપિતાની આજ્ઞા લઈ લે, પછી મારો વાંક ન નીકળે.’

એટલે સાવિત્રીએ સાસુસસરા પાસે જઈ પ્રણામ કરી કહેવા લાગી, ‘મારા પતિ ફળ લાવવા વનમાં જઈ રહ્યા છે. તમારી આજ્ઞા લઈને હું પણ તેમની સાથે વનમાં જવા માગું છું. હું તેમનો વિરહ વેઠી નહીં શકું. ગુરુજનો માટે તથા અગ્નિહોમ માટે ફળ અને સમિધ લેવા તમારા પુત્ર વનમાં જઈ રહ્યા છે. એમને જતા રોકવા પણ યોગ્ય નથી. હા, તેઓ કોઈ બીજા કામસર વનમાં જતા હોત તો રોકી શકાત. મને અહીં આવે લગભગ વરસ થવા આવ્યું છે પણ આજ સુધી હું આશ્રમની બહાર નીકળી નથી. આજે મારી ઇચ્છા ફૂલોથી છલકાતા વનને જોવાની છે.’

આ સાંભળી રાજાએ કહ્યું, ‘જ્યારથી સાવિત્રી અહીં આવી છે ત્યારથી તેણે કશું માગ્યું હોય એવું મને યાદ નથી. એટલે ભલે આજે તેની ઇચ્છા પૂરી થાય. સત્યવાનના માર્ગમાં કશો પ્રમાદ ન કરતી.’

આમ સાસુસસરાની આજ્ઞા લઈ બહારથી હસતી અને હૈયે કકળતી સાવિત્રી નીકળી પડી. કમલનયના સાવિત્રીએ મોરથી ભરચક સુંદર વનને જોયું. સત્યવાને કહ્યું, ‘પવિત્ર પાણીથી ઊભરાતી અને ખીલેલા પુષ્પોવાળા આ પર્વતો જો.’

સાવિત્રી એકીટશે સત્યવાનની એકેએક હિલચાલ પર નજર નાખી રહી હતી. નારદ મુનિનાં વચનોને યાદ કરતી સાવિત્રીએ હવે પતિના મૃત્યુને નજીકમાં આવી રહેલું જોયું. પતિની પાછળ પાછળ ધીરેથી ચાલી રહેલી સાવિત્રી એ સમય વિશે વિચારતી હતી. એેને કારણે તેનું હૃદય ભાંગી ગયું હતું. બળવાન સત્યકામે પત્નીની સહાયથી ફળ વીણીને ટોપલીમાં ભર્યાં. પછી લાકડીઓ તોડવા લાગ્યા. એમ કરતાં સત્યકામને શરીરે પરસેવો વળી ગયો. તેનું માથું દુઃખવા લાગ્યું. તે સાવિત્રી પાસે જઈને થાકેલા સ્વરે બોલ્યા, ‘આ પરિશ્રમને કારણે મારું માથું દુઃખે છે. મારું શરીર તૂટે છે, હૃદય નબળું થયું લાગે છે. અત્યારે મને સારું નથી લાગતું. મારા માથામાં જાણે સોયો ભોંકાતી હોય એમ લાગે છે. એટલે મારે સૂઈ જવું છે, બેસવાની શક્તિ નથી રહી.’

સાવિત્રી પતિની પાસે જઈને તેનું માથું ખોળામાં મૂકીને જમીન પર બેસી ગઈ. નારદની વાત યાદ કરતી તે મુહૂર્ત, ક્ષણ, દિવસનો મેળ પાડવા લાગી. થોડી વારે તેણે પીળા વસ્ત્રવાળા, સૂર્ય જેવા તેજસ્વી, માથે મુગટ પહેરેલા એક પુરુષને જોયા. સત્યવાનની પાસે ઊભેલા તે કાળો દેહ ધરાવતા હતા. તેમની આંખો રાતી હતી, હાથમાં ફાંસો હતો, તે પુરુષ સત્યવાનને જોઈ રહ્યો હતો. તેને જોઈને સાવિત્રીએ સત્યવાનનું માથું જમીન પર મૂકીને સાવિત્રી ધૂ્રજતા હૈયે આર્ત સ્વરે બોલી, ‘મને એટલી ખબર છે કે તમે કોઈ દેવતા છો. મનુષ્યોનું શરીર આવું નથી હોતું. બોલો, તમે કોણ છો અને શું કરવા માગો છો?’

યમરાજે કહ્યું, ‘સાવિત્રી, તું પતિવ્રતા છે, તપોરત છે એટલે તારી સાથે બોલી રહ્યો છું. હું યમરાજ છું. તારા પતિ સત્યવાનની જીવાદોરી સમાપ્ત થઈ ગઈ છે. એટલે એને પાશમાં બાંધીને લઈ જવા આવ્યો છું.’ પછી સાવિત્રીને પ્રસન્ન કરવા બોલવા લાગ્યા, ‘આ ધામિર્ક, રૂપવાન અને ગુણવાન સત્યકામને મારા દૂતો લઈ જાય એ યોગ્ય ન કહેવાય એટલા માટે હું જાતે તેને લેવા આવ્યો છું.’

એમ કહી સત્યવાનના શરીરમાંથી પાશબદ્ધ થયેલા અંગૂઠા જેવડા જીવને યમરાજે બળપૂર્વક ખેંચ્યો. સત્યવાનનું શરીર પ્રાણહીન થઈ ગયું, તેના શ્વાસ અટકી ગયા, એટલે શરીર તેજરહિત થઈ ગયું. જીવ જતો રહ્યો એ કારણે તેનું શરીર જોવું ન ગમે તેવું થઈ ગયું. પછી યમ તેને લઈને દક્ષિણ દિશામાં ચાલી નીકળ્યા. નિયમબદ્ધ, વ્રતબદ્ધ, ભાગ્યશાળી, પતિવ્રતા દુઃખે આકળવિકળ થઈને યમની પાછળ પાછળ ચાલવા લાગી.

‘સાવિત્રી, પતિની સાથે જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી તું આવી. હવે તું પતિ પ્રત્યેના ઋણમાંથી મુક્ત થઈ છે. તું પાછી જા અને પતિની મરણોત્તર વિધિ કર.’

‘જ્યાં મારા પતિને કોઈ લઈ આવે કે તેઓ પોતાની જાતે આવી ચઢે, ત્યાં મારે પણ જવું જોઈએ. આ સનાતન ધર્મ છે. તપ, ગુરુભક્તિ, પતિપ્રેમ, વ્રત અને તમારી કૃપાથી મારી ગતિ ક્યાંય પણ અટકવાની નથી. તત્ત્વદર્શી પંડિતો સાત ડગલાં સાથે ચાલવાની ઘટનાને મિત્રતાનું લક્ષણ કહે છે. હું મૈત્રીભાવે જે કહું તે તમે સાંભળો.

અજ્ઞાનીઓ નથી તો વનમાં રહેતા, નથી ધર્મ પાળતા, નથી ગુરુકુલમાં રહેતા કે નથી પરિશ્રમ કરી શકતા. જ્ઞાનીઓ જ જ્ઞાની સાથે વાર્તાલાપ કરે છે. એટલે જ સાધુઓએ ધર્મમહિમા કહ્યો છે. સજ્જનો જેને ધર્મ માને છે તે એક જ ધર્મ બધાએ પાળવાનો, બીજાત્રીજા ધર્મની વાત બાજુ પર. એટલે જ ધર્મ પ્રધાન છે.’

યમ બોલ્યા, ‘સાવિત્રી, હું તારી આ સ્પષ્ટ વાતોથી પ્રસન્ન થયો છું. સત્યવાનના પ્રાણને છોડીને જે ઇચ્છામાં આવે તે વર માગ, હું તને આપીશ. હવે તું પાછી જા.’

‘આશ્રમમાં મારા સસરા અંધ છે, રાજ્ય છિનવાઈ ગયું હોવાને કારણે તેઓ અત્યારે વનવાસ ભોગવી રહ્યા છે. તેઓ તમારી કૃપાથી દેખતા થાય, બળવાન સૂર્ય અને અગ્નિ જેવા તેજસ્વી રાજા બને.’

‘સાવિત્રી, તેં જે માગ્યું છે તે બધું મેં આપ્યું. તેં જે કહ્યું તે બધું થશે. હવે લાગે છે કે ચાલી ચાલીને તને થાક લાગ્યો છે. એટલે હવે ઝાઝો શ્રમ ન કર. પાછી ફર.’

‘હે દેવ, હું મારા પતિ પાસે તો છું તો પછી મને થાક ક્યાંથી? મારો તો એક માત્ર આશ્રય પતિ. તમે મારા પતિને જ્યાં લઈ જાઓ છો ત્યાં હું આવીશ. મારી બીજી વાત પણ સાંભળો. સજ્જનો સાથે એક જ વાર મળીએ તો ઘણું છે, પહેલી વાર મળ્યા પછી તે સજ્જન મિત્ર બની જાય છે. સજ્જનોનો સહવાસ ક્યારેય એળે જતો નથી. એટલે હમેશાં સજજનોની નિકટ રહેવું જોઈએ.’

‘હે સાવિત્રી, તું જે કહે છે તે મનને અનુકૂળ છે, પંડિતોની બુદ્ધિ પણ તેનાથી વિકસી શકે એટલે સત્યવાનની જિંદગી સિવાય જે ઇચ્છા હોય તે કહે.’

‘તારા સસરા બહુ જલદી રાજ્ય પાછું મેળવશે, તે સદા ધામિર્ક રહેશે. હવે તારું કાર્ય મેં પાર પાડી દીધું. તું પાછી જા. હવે વધુ શ્રમ ન કરીશ.’

‘હે યમરાજ, તમે પ્રજાને નિયમમાં બાંધી રાખી છે. તમે જ બધાના નિયંતા છો. બધાને તેમનાં કર્મ પ્રમાણે ફળ આપો છો. એટલે જ તમારું નામ યમ જાણીતું છે. હવે મારી વાત સાંભળો. વચન અને કાયાથી કોઈ પ્રાણીનો દ્રોહ ન કરવો, બધા પર દયાભાવ દાખવવો, દાન આપવું: આ સજ્જનોનો ધર્મ છે. મારા પતિની જેમ બીજાઓ પણ ટૂંકી આવરદાવાળા હોય છે. આ જગતના લોકો શક્તિ વગરના, આવડત વિનાના છે. છતાં સાધુપુરુષો શરણે આવેલા શત્રુ પર પણ દયા કરે છે.’

‘જેવી રીતે એક તરસ્યાને પાણી આનંદ આપે છે તેવી રીતે તારી વાણી પણ પ્રસન્ન કરે એવી છે. સત્યવાનના જીવનદાન સિવાય બીજું કાંઈ પણ માગ.’

‘મારા માતાપિતા રાજા હોવા છતાં પુત્ર વિનાના છે. એટલે તેમને સો ઔરસ પુત્રો થાય, એટલે મારા પિતાનો વંશ ચાલુ રહે. આ ત્રીજો વર.’

‘તારા પિતાની વંશપરંપરા ચાલુ રહે એવા સો તેજસ્વી પુત્ર થશે. તારી ઇચ્છા પૂરી થશે. તું બહુ દૂર સુધી આવી ગઈ છે, હવે પાછી જા.’

‘આ તો ક્યાં દૂર છે? મારું મન તો પતિથી સાથે દૂર દૂર સુધી જવા માટે ખૂબ જ ઉત્સાહી છે. એટલે તમારી પાછળ પાછળ આવતાં હું કશુંક કહેવા માગું છું. તમે સાંભળો.

‘તમે સૂર્યપુત્ર છો, બહુ પ્રતાપી છો એટલે વિદ્વાનો તમને વૈવસ્વત કહે છે. પ્રજા તમારા શમ અને ધર્મ પ્રમાણે રહે છે. એટલે તમારું નામ ધર્મરાજ છે.

માનવીઓને જેવો વિશ્વાસ સજ્જનોમાં હોય છે તેવો પોતાના આત્મામાં પણ નથી હોતો. એટલે જ બધા સજ્જનોને વધુ ચાહે છે. બધાં પ્રાણીઓ ઉપર પ્રેમ રાખવાથી જ વિશ્વાસ જન્મે છે. એટલે જ બધાં પ્રાણી મહાત્માઓનો વિશ્વાસ કરે છે.’

‘તું જે વાણી સંભળાવી રહી છે તેવી તારા સિવાય કોઈની પાસેથી મેં સાંભળી નથી. હું બહુ જ પ્રસન્ન છું, સત્યવાનના જીવન સિવાય જે માગવું હોય તે માગ.’

‘હે દેવ, મને અને સત્યવાનને શક્તિશાળી સો પુત્ર જન્મે, તેમનાથી અમારાં કુળની કીતિર્ વધે. આ ચોથો વર.’

‘જા, તને આનંદ આપનારા સો પુત્ર થશે. હવે તું બહુ શ્રમ ન કર. પાછી ફર. બહુ દૂર સુધી તું આવી ગઈ છે.’

‘સજ્જનોની પ્રકૃતિ હમેશા ધર્મમાં જ બદ્ધ રહે છે. સજ્જનો કદી દુઃખી નથી થતા, તેઓ પસ્તાતા નથી. સજ્જનો અભયદાન આપ્યા પછી ફરી જતા નથી. તેઓ ભૂત-ભવિષ્યના આશ્રય છે. સત્ય વડે સજ્જનો સૂર્ય પણ લઈ જાય છે, તેઓ તપ વડે પૃથ્વીને ધારણ કરી શકે છે. આ વ્રત આર્યો દ્વારા કરવા યોગ્ય છે, આ સનાતન ધર્મને જાણીને સાધુઓ ઉપકાર કરે છે, તેઓ ઉપકારના બદલામાં કશું લેવા માગતા નથી. સજ્જનો દ્વારા થતી કૃપા વ્યર્થ જતી નથી. તેમની કૃપાને કારણે ન અર્થ એળે જાય કે ન માન. એટલે જ ધર્મ સાધુપુરુષો પાસે રહે છે; એટલે જ ઉત્તમ માણસો ધર્મની રક્ષા કરે છે.

‘તમે મને સો પુત્રોનું વરદાન તો આપ્યું જ છે, તે પુણ્યમય દાંપત્ય વિના સિદ્ધ ન થાય. બીજા વરદાનની જેમ આ અંતિમ વરદાન નથી. એટલે જ હું માગું છું કે મારા આ પતિ સત્યવાન જીવે, હું વગર પતિએ તો મરેલી જ છું. હું પતિ વિના કોઈ સુખ ભોગવવા માગતી નથી, પતિ સાથે ન હોય તો સ્વર્ગમાં પણ જવા માગતી નથી, પતિ ન હોય તો ઐશ્વર્ય શા કામનાં? પતિ વિના જીવવા પણ નથી માગતી. તમે મને વરદાન આપ્યું છે કે તારા પેટે સત્યવાનથી સો પુત્ર થશે. હવે તમે મારા પતિને જ લઈ જાઓ છો, તો પછી આ વરદાન ફળશે કેવી રીતે? એટલે જ હું વરદાન માગું છું કે મારા પતિ જીવી જાય. એ જીવે તો જ તમારી વાણી ફળે.’

સૂર્યપુત્ર યમરાજ સાવિત્રીની વાતોથી પ્રસન્ન થયા અને ‘ભલે’ કહીેને સત્યવાનને તેમણે પોતાના પાશમાંથી મુક્ત કરી કહ્યું, ‘લે, કુલનંદિની, આ તારા પતિને મૂકી દીધો. હવે તેને કોઈ રોગ નહીં; અનેક અર્થ સિદ્ધ કરશે, હવે તું એને લઈ જઈ શકીશ. તું એની સાથે ચારસો વર્ષ સુખેથી વીતાવીશ. તારી સાથે અનેક યજ્ઞો કરીને કીતિર્ મેળવશે. તેને તારાથી સો પુત્ર થશે તે બધા પુત્ર-પૌત્રો જગતમાં વિખ્યાત થશે, તારા નામથી પ્રસિદ્ધ થશે. તારા માતાપિતાને સો પુત્ર થશે. એ બધા માલવીના પેટે જન્મ્યા એટલે પુત્રપૌત્રોથી વીંટળાઈને ઘણો સમય વીતાવશે.’

પ્રતાપી યમરાજ આવાં વરદાન આપીને તથા સાવિત્રીને પરત મોકલીને પોતાના સ્થાને ચાલ્યા ગયા. સાવિત્રી પોતાના પતિને છોડાવીને જ્યાં સત્યવાનનું શબ પડ્યું હતું ત્યાં આવી ચઢી. પતિના શબ પાસે આવીને તેનું માથું પોતાના ખોળામાં મૂક્યું. સત્યવાન જાગીને સાવિત્રીને કહેવા લાગ્યા. તે દૂર દૂરથી આવેલું કોઈ પોતાની પત્નીને જોતું હોય તેમ તે જોવા લાગ્યા.

‘હું બહુ વાર સુધી સૂતો રહ્યો. તેં મને જગાડ્યો કેમ નહીં? પેલો કાળો પુરુષ મને ખેંચતો હતો તે ક્યાં જતો રહ્યો?

‘તમે મારા ખોળામાં ઘણો વખત સૂતા રહ્યા. બધાને નિયમમાં રાખનારા યમરાજ જતા રહ્યા. તમે બહુ થાકી ગયા છો અને હવે તમારી ઊંઘ પણ ઊડી ગઈ છે. જો તમારાથી ઊભા થઈ શકાતું હોય તો ઊઠો. અત્યારે મધરાત થઈ છે.’

તે જ વખતે સત્યવાન પૂરેપૂરા જાગી ગયા. ચારે દિશાઓ અને વનને જોઈને તે બોલ્યા, ‘હું આજે તારી સાથે ફળ લાવવા વનમાં આવ્યો હતો. પણ પછી લાકડાં ચીરતાં મારું માથું દુઃખવા લાગ્યું. બહુ પીડા થવાથી ઊભો રહી ન શક્યો. તારા ખોળામાં સૂઈ ગયો. આટલું મને યાદ છે. સૂઈ ગયો એટલે તરત જ ઊંઘી ગયો. પછી મને ઘોર અંધારું જણાયું. મેં એક તેજસ્વી પુરુષ જોયો. જો તું આ બધી ઘટના જાણતી હોય તો મને કહે. શું મેં સ્વપ્ન જોયું હતું કે પછી આ બધું સત્ય હતું.’

‘રાત ખાસ્સી થઈ ગઈ છે. એટલે હું તમને સવારે બધી વાત કરીશ. તમે હવે ઊભા થાઓ, ચાલો અને માતાપિતાને મળો. સૂરજ તો ક્યારનો ડૂબી ગયો, રાત અંધારી છે. ઘોર શબ્દ કરનારા નિશાચરો આનંદપૂર્વક ઘૂમી રહ્યા છે, વનમાં ભમતાં પશુઓનાં પગમાં પડતાં પાંદડાંનો અવાજ સંભળાય છે. શિયાળ દક્ષિણમાં જોઈને લાળી પાડે છે, ક્યારેક પશ્ચિમ દિશામાં મોં કરીને ચીસ પાડે છે. મારું હૃદય કાંપે છે.’

‘વનમાં તો કેટલું બધું અંધારું છે. રસ્તો દેખાતો નથી. તારાથી ચલાશે નહીં.’

‘આ વનમાં આગ લાગી છે, એક સૂકું વૃક્ષ સળગી રહ્યું છે. પવનને કારણે ક્યાંક ક્યાંક આગ દેખાય છે. હું ત્યાંથી આગ લાવીને આ લાકડીઓ સળગાવું છું. એટલે અજવાળું થશે, રસ્તો દેખાશે. તમે હવે સંતાપ ન કરો. તમે અસ્વસ્થ જણાઓ છો, જો તમે એને કારણે ચાલી ન શકો, અંધારામાં વનમાં રસ્તો ન દેખાય, તમે કહેતા હો તો રાત અહીં જ વીતાવીએ, સવારે આપણે નીકળીએ.’

‘હવે મારું માથું દુઃખતું નથી, શરીર પણ સાજુંસમું છે. થાય છે તારી સહાયથી ઘેર પહોંચીને માતાપિતાને મળીએ. હું ક્યારેય આટલો બધો સમય આશ્રમથી દૂર રહ્યો નથી. સાંજ પડે એટલે મારી માતા મને આશ્રમની બહાર જવા જ ન દે. દિવસે પણ હું ક્યાંક જઉં તો માતાપિતા ગભરાઈ જાય. ચોક્કસ મારા પિતા આશ્રમવાસીઓને લઈને મને શોધવા નીકળ્યા હશે. મને બહુ દુઃખ વેઠીને તેમણે ઉછેર્યો છે. તું બહુ મોડેથી આશ્રમમાં આવે છે એમ કહીને મને ઠપકો પણ બહુ આપ્યો છે. મને ચિંતા થાય છે, આજે મારા માટે તેઓ બંને કેટલી બધી ચિંતા કરતા હશે! તેમને ન મળીને મને પણ બહુ દુઃખ થાય છે, એક વખત રાતે રડતાં રડતાં તેમણે કહ્યું હતું, ‘અમે તારા વિના ઘડી પણ જીવી નહીં શકીએ. જ્યાં સુધી તું જીવતો રહીશ ત્યાં સુધી જ અમે જીવીશું. તું અમારી આંખ છે, આપણા વંશની પ્રતિષ્ઠા છે, તું પંડિદાતા છે એટલે કીતિર્ અને વંશને વિસ્તારનારો થા. મારા માબાપ બંને વૃદ્ધ છે. હું જ એમનો આધાર છું. આજે રાતે મને ન જોઈને એમના પર શું શું વીત્યું હશે? આ નિદ્રા આજે મને ક્યાંથી આવી ગઈ, એને કારણે જ આ દુઃખ આવી ચડ્યું. આ ઘોર આપત્તિમાં મારું જીવન સંશયગ્રસ્ત થઈ ગયું છે, માતાપિતાને મળ્યા વિના જીવી નહીં શકું. ચોક્કસ મારા અંધ પિતા ગભરાઈ જઈને કોઈ આશ્રમવાસીને પૂછી રહ્યા હશે. પિતા અને દૂબળી માતાની જેટલી મને ચિંતા થાય છે એટલી મારી ચિંતા હું કરતો નથી. તેઓ આજે મારે કારણે જ બહુ દુઃખમાં આવી પડ્યા છે. તેઓ જીવે તો જ હું જીવું. મારે એમનું પાલન કરવાનું છે. મારે એમનું પ્રિય કાર્ય કરવાનું છે એટલે જ જીવું છું.’

પિતૃપ્રેમી, પિતૃભક્ત, ધર્માત્મા સત્યવાન આમ કહી દુઃખે વ્યાકુળ થયા અને હાથ પ્રસારીને મોટે મોટેથી રડવા લાગ્યા. એટલે ધર્મપાલન કરનારી સાવિત્રી પતિને દુઃખી જોઈને પોતાના હાથ વડે તેનાં આંસુ લૂંછતાં બોલી, ‘જો મેં કશું તપ કર્યું હોય, અગ્નિમાં આહુતિ આપી હોય, તો એના પુણ્યથી મારા સાસુસસરાની રાત્રિ સુખે વીતે. મને યાદ નથી કે હું રમતગમતમાં પણ જૂઠું બોલી હોઉં. આ સત્યની શક્તિ તેમનું રક્ષણ કરે.’

‘સાવિત્રી, હું માતાપિતાને મળવા માગું છું, તું ચાલ, હવે મોડું ન કરીએ. હું મારા સોગંદ ખાઈને કહું છું કે જો તેમને કશું પણ થયું હશે તો હું જીવી નહીં શકું. જો તું ધર્મને અનુસરતી હો, મને જીવતો જોવા માગતી હો, મારું પ્રિય કરવા માગતી હો તો જલદી જલદી આશ્રમમાં જઈએ.’

પતિની આવી વાત સાંભળીને સાવિત્રી ઊભી થઈ, તેણે કેશ સરખા કર્યા, હાથ ઝાલીને પતિને બેઠા કર્યા. સત્યવાને ઊભા થઈને હાથ વડે શરીર લૂછ્યું, ચારે બાજુ જોયું, પછી ફળની ટોપલી જોઈ.

‘આ ફળને તમે સવારે લેવા આવજો. હું તમારી કુહાડી ઊંચકી લઉં છું.’ પછી સાવિત્રીએ ફળની એ ટોપલી એક વૃક્ષની ડાળીમાં પરોવી દીધી અને કુહાડી લઈને પતિ પાસે આવી. ડાબા ખભા પર સત્યવાનનો હાથ મૂક્યો અને જમણા હાથે સત્યવાનને વીંટળાઈને ચાલવા લાગી.

‘અહીં રોજેરોજ આવવાને કારણે બધા રસ્તા પરિચિત છે, વૃક્ષોની વચ્ચેથી ચાંદનીને કારણે બધા રસ્તા પણ દેખાય છે. હવે જે જગાએથી ફળ ચૂંટ્યાં હતાં તે જગા આવી ગઈ. હવે રસ્તાનો વિચાર કર્યા વિના નિરાંતે ચાલવા માંડ. આગળ જતાં બે રસ્તા પડશે, ઉત્તરના માર્ગે તું જલદી જલદી ચાલજે. હવે તો હું બહુ સ્વસ્થ અને બળવાન થયો છું. મારી ઇચ્છા માતાપિતાને તરત મળવાની છે.’

સત્યવાન અને સાવિત્રી આમ વાતો કરતાં કરતાં આશ્રમ તરફ જલદી જલદી ચાલવા લાગ્યા.

એ દરમિયાન રાજાની આંખો સારી થઈ ગઈ, તેઓ આજુબાજુની વસ્તુઓને જોવા લાગ્યા. પોતાની પત્ની શૈવ્યાને લઈને આશ્રમમાં પુત્ર શોધવા લાગ્યા, પરંતુ એ ન દેખાયો એટલે તે દુઃખી થઈ ગયા. બંને પતિપત્ની આશ્રમ, વન, નદી, સરોવરોમાં તેને શોધી વળ્યા. જરા પણ અવાજ થાય એટલે વહેમ પડે — સત્યવાન અને સાવિત્રી તો નથી ને! એટલે તરત ત્યાં જઈ ચઢતા. આમ પાગલની જેમ દોટ મૂકવાને કારણે તે બંનેના પગ ફાટી ગયા, ચીરા પડ્યા અને લોહી વહેવા લાગ્યું. કુશના કાંટા શરીરમાં બહુ ભોંકાયા. પછી આશ્રમવાસી બ્રાહ્મણો તેમની પાસે જઈને તેમને સમજાવી કરીને આશ્રમમાં લઈ આવ્યા. તપોધન બ્રાહ્મણોએ ભૂતકાળના રાજાઓની વાતો કરીને તેમને ધીરજ બંધાવી એટલે બંને શાંત થયા અને પુત્રના બાળપણને યાદ કરી કરીને તેઓ દુઃખી થયા, બંને કરુણ સ્વરે રુદન કરવા લાગ્યા, ‘અરે પુત્ર, અરે સાવિત્રી તમે બંને ક્યાં છો?’

સુવર્ચા બોલ્યા, ‘સત્યવાનની પત્ની સાવિત્રી તપ, દમ અને આચારયુકત છે. એટલે ચોક્કસ સત્યવાન જીવે જ છે.’

ગૌતમ બોલ્યા, ‘મેં વેદો અને તેનાં અંગોનો અભ્યાસ કર્યો છે. બહુ તપ કર્યું છે, બાળપણથી જ બ્રહ્મચર્ય પાળ્યું છે. ગુરુને — અગ્નિને સંતુષ્ટ કર્યા છે, બધાં જ વ્રત પાળ્યાં છે, વિધિપૂર્વક વાયુભક્ષણ કર્યું છે, ઉપવાસ કર્યા છે. આ તપના પ્રતાપે બધાનાં કર્મ જાણું છું, મારી વાત માનો — સત્યવાન જીવે જ છે.’

કોઈ શિષ્યે કહ્યું, ‘મારા ગુુરુના મોઢામાંથી નીકળેલી વાત કદી ખોટી ન પડે. એટલે હું પણ માનું છું કે સત્યવાન જીવે છે.

ઋષિઓએ કહ્યું, ‘સાવિત્રી વૈધવ્યનિવારણનાં બધાં લક્ષણો ધરાવે છે એટલે સત્યવાન જીવે જ છે.’

ભારદ્વાજ બોલ્યા, ‘સત્યવાનની પત્ની સાવિત્રી તપ, દમ, શુદ્ધાચાર ધરાવે છે. એટલે સત્યવાન જીવે છે એમ અમે માનીએ છીએ.’

દાલ્ભ્યે કહ્યું, ‘ જુઓ, જે રીતે તમને આંખો મળી, જે રીતે સાવિત્રીએ વ્રત કર્યાં, નિરન્તર કેટલાય ઉપવાસ કર્યા એટલે સત્યવાન જીવે છે.’

માંડવ્ય બોલ્યા, ‘આ શાન્ત દિશામાં પક્ષી, હરણ બોલે છે, તમે પણ રાજાને યોગ્ય ધર્મનું અનુષ્ઠાન કરી રહ્યા છો, એનાથી જણાય છે કે સત્યવાન જીવે છે.’

ધૌમ્યે કહ્યું, ‘તમારો પુત્ર બધી રીતે ગુણવાન છે, દીર્ઘ આયુષ્યનાં લક્ષણ ધરાવે છે, એટલે જણાય છે કે સત્યવાન જીવે છે.

સત્યવાદી તપસ્વી ઋષિઓની આવી આવી વાતો સાંભળીને રાજા દ્યુમત્સેન થોડા શાંત થયા, અને થોડી જ વારે પ્રસન્ન સાવિત્રી સત્યવાન સાથે આશ્રમમાં પ્રવેશી, બ્રાહ્મણોએ એ જોઈને કહ્યું, ‘તમારી આંખો પાછી આવી અને પુત્રને જુઓ છો એટલે અમને બહુ જ આનંદ થાય છે. અમે તમારી પ્રગતિ ઇચ્છીએ છીએ. તમને તમારો પુત્ર મળી ગયો, સાવિત્રી પણ આવી પહોંચી, તમને તમારી દૃષ્ટિ પાછી મળી ગઈ- આ ત્રણેને મેળવીને તમે સૌભાગ્યવૃદ્ધિ કરી રહ્યા છો. અમે બધાએ પહેલાં જે કહ્યું હતું તે જ પ્રમાણે થશે. એમાં જરાય શંકા નથી, બહુ જલદી સમૃદ્ધિ મળશે. તે સમયે તે બધા બ્રાહ્મણોએ અગ્નિ પ્રગટાવ્યો અને રાજાની પાસે બેસીને અગ્નિહોત્ર કરવા લાગ્યા. તે યજ્ઞમાં શૈવ્યા, સાવિત્રી અને સત્યવાન બ્રાહ્મણોની આજ્ઞાથી એક ખૂણામાં પ્રસન્ન થઈને બેઠા. પછી ઋષિઓએ જિજ્ઞાસાવશ થઈને સત્યવાનને પૂછ્યું, ‘ભાઈ, તું પત્નીને લઈને વેળાસર કેમ ન આવ્યો? આટલી મોડી રાતે કેમ આવ્યો? એવું તે શું કામ આવી પડ્યું હતું? તું ન આવ્યો એટલે તારા માતાપિતા અને અમે બધા પણ કેટલા દુઃખી દુઃખી થઈ ગયા. આ કોઈ અકસ્માત તો નથી જ, એટલે કહે જોઈએ.’

સત્યવાને કહ્યું, ‘હું પિતાની આજ્ઞા લઈને સાવિત્રી સાથે વનમાં ગયો, ત્યાં લાકડાં કાપતાં મારું માથું દુઃખવા લાગ્યું. મને લાગે છે કે એ દુઃખાવાને કારણે હું બહુ લાંબા સમય સુધી સૂતો જ રહ્યો. આવી રીતે હું આ પહેલાં કદી સૂતો નહતો. તમે દુઃખી ન થાઓ એટલે આટલી મોડી રાતે પણ આવ્યા. આ સિવાય બીજું કોઈ કારણ નથી.’

ગૌતમે કહ્યું, ‘તારા પિતાને આકસ્મિક રીતે આંખો મળી ગઈ. તેનું કારણ તને ખબર નથી. એ સાવિત્રી કહી શકશે. સાવિત્રી, તું જો આ આખી વાત જાણતી હોય તો મારે સાંભળવી છે. તારું તેજ સાવિત્રી જેવું જ છે. જો આમાં કશું ખાનગી ન હોય તો તું કહે. તું આ બધું જાણે છે, એટલે સાચેસાચું કહી દે.’

સાવિત્રી બોલી, ‘તમે જે કહ્યું તે સત્ય છે. તમારો કોઈ સંકલ્પ ખોટો નથી અને આમાં કશું ખાનગી નથી. હવે મારી વાત સાંભળો. હું જ્યારે પિતાને ત્યાં હતી ત્યારે મને નારદ ઋષિએ સત્યવાનના મૃત્યુની વાત કહી હતી. એ દિવસ આજે જ હતો, એટલે હું તેમની સાથે ને સાથે રહી. તે જ્યારે વનમાં સૂઈ ગયા ત્યારે યમરાજા પોતાના સેવકો સાથે આવી ચઢ્યા અને સત્યવાનને પાશબદ્ધ કરીને પિતૃઓ દ્વારા સેવિત દક્ષિણ દિશામાં જવા લાગ્યા. તે વખતે મેં યમરાજની વંદના કરી અને તેમણે મને પાંચ વરદાન આપ્યા. મેં માગ્યું — મારા સસરાને આંખો મળે, છિનવાઈ ગયેલું રાજ્ય મળે. આ બે વરદાન મારા સસરા માટે. મારા પિતાને સો પુત્રો થાય, મને સો પુત્રો થાય એ માગ્યું. પાંચમું વરદાન પતિ માટે માગ્યું, એનાથી સત્યવાનનું આયુષ્ય ચારસો વર્ષનું માગ્યું. મારા પતિ જીવે એટલા માટે વ્રત કર્યું હતું. મેં બધી વાત તમને કરી, હું બહુ આનંદમાં આજે છું — મારું બધું દુઃખ શમી ગયું.’

ઋષિઓએ કહ્યું, ‘સાવિત્રી, દુઃખને કારણે અંધકારથી ભરેલા સરોવરમાં ડૂબતા રાજાના કુલીન વંશમાં જન્મીને ધર્મ પાળીને પુણ્યશાલિની થઈ તેં ઉદ્ધાર કર્યો. આમ બધા ઋષિમુનિઓએ પતિવ્રતા સાવિત્રીની પ્રશંસા કરી અને પોતપોતાના ઘેર ગયા.

રાત્રિ પૂરી થતાં સવારે બધા મુનિઓ પોતપોતાનાં કાર્ય સમેટીને રાજા પાસે આવ્યા. બધા ઋષિઓ સાવિત્રીની કથા કહેતાં ધરાતા ન હતા. એટલે વારે વારે તેઓ રાજાને કહેતા હતા. એ દરમિયાન શાલ્વ દેશથી દ્યુમત્સેનના લોકો આવ્યા, અને મંત્રીએ રાજાને કહ્યું, ‘તમારો શત્રુ રાજા તેના પોતાના મંત્રીને હાથે જ માર્યો ગયો છે, રાજા ભલે અંધ હોય કે ન હોય, અમે તો તેમને જ રાજા બનાવીશું. એટલે અમે બધા અહીં આવ્યા છે. ચતુરંગિણી સેના તૈયાર છે અને રથ પણ. નગરમાં તમારી વિજય ઘોષણા થઈ ચૂકી છે, હવે તમે ચાલો અને લાંબા સમય સુધી પિતાપિતામહનું રાજ્ય ભોગવો.’

મંત્રીઓએ રાજાને દૃષ્ટિવાન, તેજસ્વી જોયા ત્યારે તેમની આંખો કૂતુહલથી પહોળી થઈ ગઈ અને બધા તેમના પગે પડ્યા. રાજાએ આશ્રમના બધા વૃદ્ધ બ્રાહ્મણોને વંદન કર્યા અને મંત્રીઓની સાથે નગરભણી ચાલી નીકળ્યા. શૈવ્યા સાવિત્રીની સાથે સ્વચ્છ વસ્ત્રો પાથરેલી પાલખીમાં બેઠી. નગરમાં પુરોહિતોએ પ્રેમથી રાજાનો અભિષેક કર્યો અને સત્યવાનને યુવરાજપદે બેસાડ્યો. ઘણા સમય પછી સાવિત્રીને સો પુત્રો જન્મ્યા. તે બધા પોતાના કુળની કીતિર્ વધારનારા, યુદ્ધવીર અને પીછેહઠ ન કરનારા હતા. એ જ રીતે માલવદેશની પટરાણીએ અશ્વપતિથી સો પુત્રોને જન્મ આપ્યો. આમ સાવિત્રીએ માતાપિતા, સાસુસસરા, પતિ — આ બધાનો ઉદ્ધાર કર્યો.

(આરણ્યક પર્વ, ૨૭૭-૨૮૩)