પરકીયા/સંવાદ
Revision as of 07:28, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંવાદ| સુરેશ જોષી}} <poem> પ્રકૃતિ મન્દિર એક, જીવન્ત આ સ્તમ્ભર...")
સંવાદ
સુરેશ જોષી
પ્રકૃતિ મન્દિર એક, જીવન્ત આ સ્તમ્ભરાજિ એની
કદી કદી ધ્વનિત કરે છે કશો અસ્પષ્ટ સંલાપ!
માનવી વિહાર કરે પ્રતીકોનાં વનમહીં અહીં,
વન પણ નિરખી રહે પરિચિત નયનથી એને.
પ્રલમ્બિત પ્રતિધ્વનિ જેમ ભળે જઈ દૂર દૂરે
ગહન ને ઘન કશા અન્ધકારે થાય એકાકાર;
રાત્રિ શા વિશાળ અને પ્રકાશ શા વ્યાપ્ત
વર્ણ ગન્ધ અને સૂર વચ્ચે ચાલતો સંવાદ.
કોઈક સુગન્ધ શીળી મૃદુ જાણે શિશુતણી કાયા,
વાદ્યતણા સૂર શી મધુર કોઈ, હરિત કો ખેતર શી;
અને અન્ય ઐશ્વર્યથી પૂર્ણ, કલુષિત ને પ્રભાવશાળી.
વિસ્તારી દે આ દિગન્ત અનન્તનો અસીમ પ્રસાર,
અમ્બર કસ્તૂરી ધૂપ લોબાનની જેમ,
ગુંજી રહે ઇન્દ્રિય ને હૃદયનું હર્ષગાન.