ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/લોમશ બિલાડા અને પલિત ઉંદરની કથા

From Ekatra Wiki
Revision as of 10:33, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લોમશ બિલાડા અને પલિત ઉંદરની કથા

કોઈ એક મહા વનમાં લતાજાળવાળું, અનેક પક્ષીઓ ધરાવતું વિશાળ વટવૃક્ષ હતું. મોટી મોટી શાખાઓને કારણે તે મેઘ જેવું દેખાતું હતું. શીતળ છાયાવાળું એ મનોરમ વૃક્ષ સાપ, મૃગોથી છવાયેલું હતું. ત્યાં એક પલિત નામનો બુદ્ધિશાળી ઉંદર તે વડના મૂળિયાના આધારે સો દ્વારવાળું દર બનાવીને તેમાં રહેતો હતો. પક્ષીઓનો આહાર કરનારો લોમશ નામનો બિલાડો પહેલેથી જ તે વૃક્ષની શાખાનો આધાર લઈને નિરાંતે રહેતો હતો. કોઈ વનવાસી ચાંડાળ દરરોજ સાંજે સૂર્ય આથમે ત્યારે તે વૃક્ષની પાસે આવીને પશુપક્ષીઓને ફસાવવા જાળ બિછાવતો હતો. તે ચાંડાળ યથારીતિ જાળ પાથરીને ઘેર જઈને સૂઈ જતો અને રાત વીત્યે, સવાર પડે તે ત્યાં આવી ચઢતો હતો. પોતાનો સદાનો આતતાયી શત્રુ બિલાડો જાળમાં બંધાઈ ગયો એટલે પલિત ઉંદર તક શોધીને દરની બહાર આવ્યો અને નિર્ભય બનીને ચારે બાજુ ઘૂમવા લાગ્યો. ઉંદર વિશ્વસ્ત થઈને ખોરાકની શોધમાં ફરી રહ્યો હતો. થોડા સમય પછી તેણે જાળમાં મુકાયેલું માંસ જોયું. ઉંદર જાળ પર ચઢીને માંસ ખાવા લાગ્યો, અને જાળમાં ફસાયેલા શત્રુની મનમાં ને મનમાં મજાક ઉડાડવા લાગ્યો. તે માંસભક્ષણમાં લીન થયો હતો તે જ વખતે તેની નજર બીજી બાજુ ગઈ. તેણે એક બીજા ઘોર શત્રુને પોતાની પાસે આવતો જોયો. પૃથ્વી પર દર કરીને રહેનારા તે નોળિયાનું શરીર શરપુષ્પો જેવું હતું, તેની આંખો લાલ હતી અને તે ખૂબ જ ચંચળ હતો, તેનું નામ હરિ હતું. તે ઉંદરની ગંધે ત્વરાથી આવી ચઢ્યો હતો, તેનું ભક્ષણ કરવા જીભ લપલપાવતો મોં ઊંચું કરીને જમીન પર ઊભો રહ્યો. આ બાજુ તે વૃક્ષની બખોલમાં રહેનાર, નિશાચર, મોટા તીર જેવી ચાંચવાળું ચન્દ્રક નામનું ઘુવડ આવી ચઢ્યું. આ બંનેનું લક્ષ્ય ઉંદર, એટલે તે ભયભીત થઈને ચિંતા કરવા લાગ્યો. ‘આ અત્યંત દુઃખદ આપત્તિના સમયે ચારે બાજુથી ભય ઉત્પન્ન થયો છે, મૃત્યુ ઉપસ્થિત થયું હોય ત્યારે હિતૈષી પુરુષે શું કરવું જોઈએ?’ આમ ચારે બાજુથી ઘેરાયેલો અને ચારે બાજુ ભય વ્યાપેલો જોઈ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવા લાગ્યો. વિપદા નષ્ટ કરવાના ઉપાયો દ્વારા ક્લેશનિવારણ કરીને જીવનને વધાવવું યોગ્ય છે પરંતુ ચારે બાજુથી મારી સમીપ આ સંશયયુક્ત આપત્તિ આવી ચઢી છે. જો હું ધરતી પર જઈશ તો નોળિયો મને ખાઈ જશે. અહીં રહીશ તો ઘુવડ કોળિયો કરી જશે અને જાળ કાતરીને અંદર જઈશ તો બિલાડો ત્યાં ને ત્યાં મને ખાઈ જશે. પરંતુ મારા જેવા પ્રાજ્ઞે કદી પણ મોહ પામવો ન જોઈએ. જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી જીવનરક્ષા માટે પ્રયત્ન કરતો રહીશ. નીતિશાસ્ત્રના વિશારદો (જાણકારો), બુદ્ધિમાન, જ્ઞાની પુરુષ ભયાનક. આપદા આવે ત્યારે એમાં ડૂબી જતા નથી, એમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે. આ સમયે બિલાડા ઉપર ઉપકાર કરવા સિવાય બીજો કોઈ ઉપાય મને સૂઝતો નથી, આ મારો કટ્ટર શત્રુ વિપત્તિમાં મુકાયો છે, એના પર મોટો ઉપકાર કરવો મને યોગ્ય લાગે છે. અત્યારે ત્રણ શત્રુઓથી ઘેરાઈને હું કેવી રીતે જીવનરક્ષા કરી શકીશ? આ બિલાડો મારો શત્રુ છે તો પણ એનો આશ્રય લેવો યોગ્ય લાગે છે. હું ક્ષત્રવિદ્યાનો આશ્રય લઈને તેના હિત માટે ઉપદેશ કરીશ, એના દ્વારા જ આ બધા શત્રુઓની બુદ્ધિપૂર્વક વંચના કરીને બચી જઈશ. આ મૂર્ખ બિલાડો મારો નિત્યશત્રુ છે, પરંતુ અત્યારે તે વિપત્તિમાં મુકાયો છે, સ્વાર્થ સાધવા માટે સંગતિ કરવા સિવાય જીવનરક્ષા થઈ શકે એમ નથી. એ આપત્તિગ્રસ્ત છે એટલે મારી સાથે સંધિ પણ કરી શકે. બળવાન પુરુષે આપત્તિના સમયે જીવનરક્ષા માટે નિકટવર્તી શત્રુ સાથે સંધિ કરવી જોઈને એવું આચાર્યો કહે છે. વિદ્વાન શત્રુ સારો, મૂર્ખ મિત્ર ક્યારેય ઉત્તમ ન કહેવાય. અત્યારે મારા શત્રુ બિલાડા પાસે જ મારા જીવનનો આધાર છે. જે હોય તે, હું એને આત્મમુક્તિનો ઉપાય બતાવીશ, આ શત્રુ મૂર્ખ હોવા છતાં મારા સહવાસથી પંડિત થઈ શકશે. એટલે સંધિવિગ્રહના સમય તથા પ્રયોજન પાર પાડવાનું જાણનાર ઉંદર ધીરજપૂર્વક બિલાડાને કહેવા લાગ્યો, ‘હે બિલાડા, હું મિત્રભાવે તને કહું છું, તું જીવે તો છે ને? હું તારા જીવનની રક્ષા ઇચ્છું છું કારણ કે આપણા બંને માટે તે શ્રેયસ્કર (કલ્યાણકારી) છે. હે સૌમ્ય, તું ભય ન પામીશ. તું પહેલાંની જેમ જ જીવતો રહીશ. હું તને આ આપત્તિમાંથી ઉગારીશ, તારા માટે હું પ્રાણ ત્યાગ કરીશ. આ બાબતમાં એક ઉપાય છે અને મારા અંત:કરણમાં તે પ્રતીત થાય છે, એના વડે તું મારી સહાયથી વિપદમાંથી છૂટીશ અને હું પણ શ્રેય પામીશ. મેં મારી બુદ્ધિ વડે બહુ વિચારીને આપણા બંનેના કલ્યાણ માટે એક ઉપાય વિચાર્યો છે, તે મારા અને તારા બંને માટે કલ્યાણકારી છે. હે માર્જાર, આ નોળિયો અને ઘુવડ પાપબુદ્ધિનો આધાર લઈ મારી સામે બેઠા છે, આ બંને જ્યાં સુધી આક્રમણ નથી કરતા ત્યાં સુધી મારા માટે મંગલ છે. આ વૃક્ષની ડાળી ઉપર બેઠેલો પાપાત્મા ઘુવડ ચીસો પાડીને મને જોઈ રહ્યો છે, એટલે હું તેનાથી બીને વ્યાકુળ થઈ રહ્યો છું. સાધુઓ તો સાત ડગલાં સાથે ચાલીને મિત્ર બની જાય છે, તું મારો વિદ્વાન મિત્ર છે, તું અને હું તો સર્વદા સાથે રહીએ છીએ, એટલે હું તારી સાથે મૈત્રીપૂર્ણ કાર્ય કરીશ, હવે તારે મૃત્યુથી ડરવાનું નથી. હે માર્જાર, તું મારા વગર તારી જાતે આ જાળ કાપી શકીશ નહીં, જો તું મારી હિંસા ન કરીશ તો હું તારું બંધન કાપી નાખીશ. તું આ વૃક્ષના આગલા ભાગમાં અને હું આ વૃક્ષના મૂળના આધારે વસી રહ્યો છું. આપણે બંને બહુ દિવસોથી આ વૃક્ષનો આશ્રય લઈને વસીએ છીએ, આ વાત તારાથી છાની નથી. જે બીજાનો વિશ્વાસ નથી કરતો અને જેનો કોઈ વિશ્વાસ નથી કરતું એવા બંનેની પંડિતો પ્રશંસા કરતા નથી. એટલે આપણા બંનેના સહવાસ અને પ્રીતિ નિત્ય વૃદ્ધિ પામે, પ્રયોજનનો સમય વીતી જાય તેની પંડિતો પ્રશંસા કરતા નથી. એટલે આ બાબતમાં આ જ યથાર્થ યુક્તિ સમજ. તું જો મારી જીવનરક્ષાની ઇચ્છા કરીશ તો હું પણ તારી જીવનરક્ષાની ઇચ્છા કરીશ. કોઈ મનુષ્ય લાકડીની મદદથી ઊંડી નદીને પાર કરે છે ત્યારે તે લાકડીને પણ કિનારે મૂકી દે છે, અને તે લાકડી પણ તેને ઉગારવામાં મદદ કરે છે. આ પ્રકારે આપણા બંનેના મિલનનું પરિણામ સુખદ રહેશે. હું તને જાળમાંથી છોડાવીશ અને તું પણ મને આપત્તિમાંથી ઉગારીશ.’ પલિત ઉંદર આ પ્રકારે બંને માટે હિતકારક, યુક્તિપૂર્ણ અને ગ્રહણીય વચન કહીને ઉત્તરની રાહ જોતો તેની સામે જોવા લાગ્યો.

ત્યાર પછી ઉંદરના શત્રુ એવા વિચક્ષણ બિલાડાએ તેનું યુક્તિપૂર્ણ તથા માનવા યોગ્ય સુંદર વચન સાંભળીને ઉત્તર આપ્યો, તે બુદ્ધિમાન અને વાક્યનિપુણ બિલાડાએ ઉંદરનાં વચન મનમાં બેવડાવીને પોતાની અવસ્થા જોઈને નીતિપૂર્વક તેની પ્રશંસા કરી. ત્યાર પછી તીક્ષ્ણ દાંતવાળા અને વૈડૂર્યમણિ જેવી આંખોવાળા લોમશ બિલાડાએ ઉંદરને ધીરે ધીરે જોઈને કહ્યું, ‘હે સૌમ્ય, તારું કલ્યાણ થાઓ. તું મારી જીવનરક્ષા માટે પ્રયત્નો કરે છે તેનાથી હું અત્યંત આનંદિત થઈને તને અભિનંદું છું. તું જો આપણા કલ્યાણનો ઉપાય જાણે છે તો કર, વિલંબ ન કર. હું આપત્તિમાં છું, તું મારાથી વધારે આપત્તિમાં છે. આપણે બંને આપદ્ગ્રસ્તોની સંધિ થવી જોઈએ. વિલંબનો અર્થ નથી. જેનાથી આપણું કાર્ય સિદ્ધ થાય તે જ કર; હું આ ક્લેશકારી વિપદામાંથી છૂટીને તારા કરેલા ઉપકારને ભૂલી નહીં જઉં, હું તને એનો બદલો વાળી આપીશ. હું મારા માનપાન ત્યજીને તારો અનુરક્ત, ભક્ત, શિષ્ય, તારો હિતેચ્છુ થઈ તારી આજ્ઞા પાળીશ, હું તારા શરણે છું.’

પોતાના કાર્યને જાણનારા પલિતે બિલાડાની એ વાત સાંભળીને તેને પોતાના વશમાં આવેલો જાણી અર્થયુક્ત હિતકારક કહ્યું, ‘તેં જે ઉદાર વચન કહ્યાં તે તારા જેવા માટે વિચિત્ર નથી, બંનેના હિત માટે મેં જે ઉપાય વિચાર્યો છે તે સાંભળ. મને નોળિયાનો બહુ ડર લાગે છે. એટલે હું તારી નજીક જાળમાં પ્રવેશીશ, હું તારી રક્ષા કરવા સમર્થ છું, એટલે મારી રક્ષા કરજે, મને મારી નાખીશ નહીં. આ બાજુ આ ક્ષુદ્ર ઘુવડ મારા પર આક્રમણ કરવા માગે છે તેનાથી પણ મને બચાવ. હે મિત્ર, હું સત્ય કહું છું કે તારાં બંધન કાપી નાખીશ.’

લોમશે પલિતની સુસંગત, યુક્તિપૂર્ણ વાત સાંભળીને આનંદમાં આવી જઈને તેને સ્વાગતવચનથી આવકાર્યો. પલિતની આ પ્રકારે પ્રશંસા કરી, પૂજા કરી તે વીર માર્જાર સુહૃદભાવ રાખીને પ્રસન્નતાથી અને ત્વરાથી પલિતને સન્માની આગળ બોલ્યો, ‘હે મિત્ર, જલદી આવ. તારું મંગલ થાય. તું મારો પ્રાણપ્રિય મિત્ર છે. હે બુદ્ધિમાન, તારી કૃપાથી જ હું નવજીવન પ્રાપ્ત કરીશ. આ સંકટ સમયે હું તારા પર જે કંઈ ઉપકાર કરી શકું તે તું મને કહે, હું એમ જ કરીશ. હે મિત્ર, આપણા બેમાં મૈત્રી જ રહે. આ વિપત્તિમાંથી મુક્ત થઈને હું મારા મિત્રો અને બંધુજનોની સાથે તારાં જે કંઈ પ્રિય અને હિતકર કાર્ય થશે તે બધા સિદ્ધ કરીશ. હે સૌમ્ય, આ આપત્તિમાંથી છૂટીને હું તારા હૃદયમાં પ્રીતિ જન્માવીશ, તું મારું પ્રિય કરનાર છે એટલે તારી પ્રસન્નતા અને સત્કાર પ્રાપ્ત કરીશ.’

ઉંદરે સ્વાર્થથી પ્રેરાઈને બિલાડાને આમ સંમત કરીને વિશ્વાસપૂર્વક શત્રુના પ્રદેશમાં પ્રવેશ કર્યો. બુદ્ધિમાન ઉંદર બિલાડાથી આશ્વસ્ત થઈને માતાપિતાની જેમ વિશ્વસ્ત થઈ તેની છાતી પર સૂઈ ગયો. બિલાડાના શરીરે ઉંદરને વીંટળાયેલો જોઈ નોળિયો અને ઘુવડ નિરાશ થયા અને પોતાના નિવાસે ચાલ્યા ગયા. ત્યાર પછી દેશકાળની ગતિને જાણનારો પલિત સમયની પ્રતીક્ષા કરતો બિલાડાના શરીરમાં છુપાઈને તેનાં બંધન થોડા થોડા કાપવા લાગ્યો. ત્યાર પછી બંધનના દુઃખથી ક્લેશ પામીને, બંધન કાપવામાં ઉંદર સ્ફૂર્તિરહિત થઈ, વિલંબ કરતો હતો તે જોઈને, બંધન કાપવામાં ત્વરા ન કરતા પલિતને પ્રોત્સાહિત કરતા બિલાડો બોલ્યો, ‘હે મિત્ર, તું વિલંબ કેમ કરે છે? પોતે કૃતાર્થ થયો એટલે અવજ્ઞા કરે છે? હે શત્રુનાશી, પારધિ આવી રહ્યો છે એટલે જલદી મારા બંધન છેદ.’

શીઘ્રતા કરવાવાળા બિલાડાને આમ કહેતો જોઈ બુદ્ધિમાન પલિતે અપક્વ બુદ્ધિવાળા બિલાડાને આત્મહિતક વાત કહી,

‘હે સૌમ્ય, તું મૌન ધારણ કર. શીઘ્રતા ન કર, ભય ન કર. હું સમયજ્ઞ છું, એટલે હું સમય ચૂકીશ નહીં, યોગ્ય અવસર ચૂકી નહીં જઉં. હે મિત્ર, કટાણે આરંભેલું કાર્ય તેના કર્તાને ફળદાયક નીવડતું નથી, અને એ કાર્ય સમય આવે કરવામાં આવે તો તેનાથી મહાન અર્થ સિદ્ધ થાય છે. તું કસમયે છૂટી જાય તો તારાથી મને ભયની સંભાવના છે, એટલે હે મિત્ર, સમયની પ્રતીક્ષા કર, શીઘ્રતા શા માટે કરે છે? હું જ્યારે સશસ્ત્ર ચાંડાલને અહીં આવતો જોઈશ ત્યારે તારા ઉપર સાધારણ જેવો ભય ઉપસ્થિત થશે ત્યારે તરત જ તારી જાળ કાપી નાખીશ. તે જ વખતે તું બંધનમુક્ત થઈને વૃક્ષની ઉપર જઈશ અને તને તારી જીવનરક્ષા સિવાય બીજું કોઈ કાર્ય જરૂરી નહીં લાગે. હે લોમશ, તું ત્રસ્ત થઈને, બી જઈને ભાગીશ એટલે હું દરમાં પેસી જઈશ, તું પણ વૃક્ષની શાખાનો આધાર લઈશ.’

ઉંદરે જ્યારે બિલાડાને આમ કહ્યું ત્યારે જીવવાની ઇચ્છાવાળા, વાક્યમર્મજ્ઞ મહામતિ લોમશે પોતાના હિતની વાત કરતાં કહ્યું, આત્મકાર્ય પૂરેપૂરી રીતે સિદ્ધ કરવા માટે ઉતાવળ કરીને લોમશે વિનયપૂર્વક વર્તાવ કરી બંધન છોડવામાં વિલંબ કરી રહેલા ઉંદરને કહ્યું, ‘સાધુઓ મિત્રકાર્ય પ્રીતિથી કરે છે, તારી જેમ નહીં. મેં જેવી ત્વરાથી તને આપત્તિમાંથી મુક્ત કર્યો તેવી રીતે તારે પણ ઉતાવળ કરીને મારું હિત સાધવું જોઈએ. હે મહાપ્રાજ્ઞ (બુદ્ધિમાન) અત્યારે જેનાથી આપણા બંનેનું કલ્યાણ થાય તે કરવા પ્રયત્ન કર. અથવા જો તું જૂના વેરને યાદ કરીને સમય વેડફીશ તો હે દુષ્ટ, આ પાપને કારણે તું મારી આવરદા ખતમ થતી જોઈશ. જો અજ્ઞાનવશ ભૂતકાળમાં મેં થોડાં પાપ કર્યાં હોય તો તે મનમાં ન લાવતો. હું ક્ષમા માગું છું, તું મારા પર પ્રસન્ન થા.’

બિલાડાએ આ પ્રકારે કહ્યું એટલે શાસ્ત્રના જાણકાર બુદ્ધિમાન ઉંદરે તે વેળા તેને આવું હિતકારક કહ્યું, ‘હે માર્જાર, તેં પોતાનું પ્રયોજન પાર પાડવા વ્યાકુળ થઈને જે કહ્યું તે મેં સાંભળ્યું, મેં પણ મારું પ્રયોજન પાર પાડવા જે કંઈ કહ્યું તે તું જાણે છે. જે અત્યંત ભયભીત પ્રાણી દ્વારા મિત્ર થયો છે અને જે જાતે જ ભયથી વિચલિત થઈને તેનો મિત્ર બન્યો છે, તે બંને મિત્રોની રક્ષા થવી જોઈએ. સાપના મોઢામાંથી પોતાનો હાથ જેમ બચાવીએ છીએ તેમ તેમની યથારીતિથી રક્ષા કરવી જોઈએ. જે વ્યક્તિ બળવાન સાથે સંધિ કરીને આત્મરક્ષાનો ઉપાય નથી કરતો તેમનો સુમેળ અપથ્ય અન્નની જેમ ઉપકારક નથી થતો. આ જગતમાં વિના કારણે કોઈ કોઈનો મિત્ર કે સુહૃદ નથી થતો, જેવી રીતે પાળેલા હાથીઓ વડે જંગલી હાથીઓને બાંધીએ છીએ તેવી રીતે સ્વાર્થની સહાયથી જ સ્વાર્થ સાધન બને છે. કાર્ય પૂરું થયા પછી કોઈ કાર્ય કરનાર સામે જોતું નથી, એટલે જ બધાં કાર્ય અધૂરાં રાખવાં જોઈએ. જ્યારે પેલો ચાંડાલ આવશે ત્યારે તે સમયે તેના ભયથી પીડિત થઈને તું ભાગી જવામાં રોકાયો હોઈશ, એટલે મને પકડી નહીં શકે. મેં ઘણા બધા તાંતણા કાપી નાખ્યા છે, હવે માત્ર એક જ તાંતણો બાકી છે. લોમશ, તું નિશ્ચંતિ રહે, એ પણ જલદી કાપી નાખીશ.’

આપત્તિમાં મુકાયેલા ઉંદર અને બિલાડાની આ વાતચીત ચાલતી રહી, રાત્રિ વીતી અને સવાર પડી. રાત્રિ વીતી અને પ્રભાત થયું એટલે લોમશ ભયભીત થયો. ત્યાર પછી સવારે એક વિકૃત, કૃષ્ણ-પિંગલ વર્ણવાળો, સ્થૂળ નિતંબવાળો, કેશરહિત, ક્રૂરમૂર્તિ, કૂતરાઓને સાથે રાખીને, ઊંચા કાનવાળો, વિશાળ મોંવાળો, મલિન, ક્રૂર દેખાવવાળો, હાથમાં શસ્ત્ર ધારણ કરેલો પરિઘ નામે ચાંડાલ ત્યાં આવી ચડ્યો. બિલાડો એ યમદૂત જેવા ચાંડાલને જોઈને ત્રસ્ત, ભયભીત થયો અને પલિતને કહેવા લાગ્યો, ‘મિત્ર, હવે શું કરીશ?’ તે બંને અત્યંત ભયભીત હતા અને બીજી બાજુ ભયાનક દેખાવવાળા ચાંડાલને જોઈ નોળિયો અને ઘુવડ પણ નિરાશ થયા. તેઓ પોતે બળવાન અને બુદ્ધિશાળી હોવા છતાં, ઘાતમાં સાથે બેઠેલા હોવા છતાં પેલાઓના સંગઠનને કારણે તેમના પર આક્રમણ કરવા અશક્ત થઈ ગયા. ઉંદર અને બિલાડાને કાર્ય માટે સંધિમાં જોડાયેલા જોઈ ઘુવડ અને નોળિયો તરત જ પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. ત્યાર પછી ઉંદરે બિલાડાનું બંધન કાપી નાખ્યું. બિલાડો જાળમાંથી છૂટતા વેંત તે ઝાડ પર ચઢી ગયો. મહાઘોર શત્રુ અને ભયાનક ભયમાંથી મુક્ત થઈને પલિત દરમાં પેસી ગયો અને લોમશ વૃક્ષની ડાળી પર ચઢી ગયો. આ બાજુ ચાંડાલે જાળ ઉપાડી, ચારે બાજુથી ઊલટાવીને જોઈ અને તે નિરાશ થઈ પોતાના નિવાસે જતો રહ્યો.

વૃક્ષની ડાળી પર બેઠેલો બિલાડો હવે વિપત્તિમાંથી છૂટ્યો અને દુર્લભ જીવન પ્રાપ્ત થયું એટલે દરમાં બેઠેલા પલિતને સાદ પાડીને તેણે કહ્યું,

‘હે મિત્ર, તું મારી સાથે વાતચીત કર્યા વિના જ તારા દરમાં જતો રહ્યો, હું તારો આભારી છું, તેં મારું કલ્યાણ કર્યું છે આ જાણીને તું મારા પર શંકા તો નથી કરતો ને! હે મિત્ર, આપત્તિના સમયે તું મારો વિશ્વાસપાત્ર થયા અને તેં મને જીવતદાન આપ્યું, હવે મૈત્રીના સુખભોગ સમયે તું મારી પાસે કેમ નથી આવતો? જે પહેલાં બહુ મૈત્રી કરીને પછી તે મિત્રને સાચવતો નથી તે નીચબુદ્ધિ મનુષ્ય કષ્ટદાયક આપત્તિઓના સમયે તે મિત્રોનો લાભ કરવામાં સમર્થ નથી થતો. મિત્ર, તેં સામર્થ્ય પ્રમાણે મારો સત્કાર કર્યો છે. મેં પણ આત્મસુખમાં આસક્ત થઈને તારી સાથે મૈત્રી કરી છે. એટલે મારી સાથે સુખભોગ કરવો યોગ્ય છે. મારા બધા મિત્ર, બાંધવજનો તારો સત્કાર કરશે, જેમ શિષ્યો ગુરુની સેવા કરે છે તેમ. તું તારો પ્રાણદાતા છે, હું તારું અને તારા બાંધવોનું સમ્માન કરીશ, કયો કૃતજ્ઞ પુરુષ પોતાના જીવનદાતાની પૂજા નથી કરતો? તું મારા શરીર, ઘર અને સર્વ ધનનો સ્વામી બન, તેનો શાસક બન, અને મને ઉપદેશ આપ. હે પ્રાજ્ઞ, તું મારો અમાત્ય બન, પિતાની જેમ મને કર્તવ્યનો ઉપદેશ આપ. મારા જીવનના સોગંદ ખાઈને કહું છું કે અમારાથી તને કશો ભય નથી. તું બુદ્ધિકૌશલમાં સાક્ષાત્ શુક્રાચાર્ય છે તને મંત્રણા કરતા આવડે છે, કેવી રીતે વિજય પામવો તે તને આવડે છે.’

માર્જારે આ પ્રકારે ઉંદરને પરમ શાંતિપૂર્ણ વચન કહ્યાં, ત્યારે પરમાર્થને જાણનારો ઉંદર આત્મહિતવાળાં વચન કહેવા લાગ્યો,

‘હે લોમશ, તેં જે કહ્યું તે મેં સાંભળ્યું, આ વિશે મારા કેટલાક સિદ્ધ વિચારો છે તે સાંભળ. મિત્રોને જાણવા જોઈએ અને શત્રુઓને ઓળખવા જોઈએ. આ જગતમાં મિત્ર અને શત્રુ વિશેની જાણકારી અત્યંત સૂક્ષ્મ અને પ્રાજ્ઞ લોકો ધરાવે છે. શત્રુરૂપી મિત્રો અને મિત્રરૂપી શત્રુઓની સાથે સાંત્વના-સંધિ થઈ ગયા પછી પણ તેઓ જ્યારે રાગ અને લોભના વશમાં આવી જાય છે ત્યારે તેઓ મિત્ર છે કે શત્રુ તે સમજવું મુશ્કેલ થઈ પડે છે. આ જગતમાં કોઈ સ્વાભાવિક રીતે કોઈનો મિત્ર નથી અને કોઈનો શત્રુ નથી, કાર્યવશ જ લોકો એકબીજાના મિત્ર અને શત્રુ થતા હોય છે. જેના જીવતા રહેવાથી પોતાનું પ્રયોજન સિદ્ધ થતું લાગે છે તે ત્યાં સુધી તે તેનો મિત્ર બની રહે છે, એ ભાવ જ્યાં સુધી ટકી રહે છે ત્યાં સુધી તે તેનો મિત્ર બની રહે છે. મૈત્રી અને શત્રુતા સ્થાયી નથી, સ્વાર્થને કારણે જ શત્રુ કે મિત્ર થતા હોય છે. કાળક્રમે મિત્ર પણ શત્રુ થાય અને શત્રુ પણ મિત્ર થાય, એટલે સ્વાર્થ જ અત્યંત બળવાન છે. જે મનુષ્ય પ્રયોજન જાણ્યા વિના મિત્રોનો માત્ર વિશ્વાસ કરે છે અને શત્રુઓનો અવિશ્વાસ કરે છે તેનું જીવન વિચલિત થાય છે. શત્રુ કે મિત્રના સંદર્ભે અર્થનું પ્રયોજન ન જાણી જે મનુષ્ય ઉત્તમ બુદ્ધિ જ ધરાવે છે તેની બુદ્ધિ પણ ચંચળ માનવી જોઈએ. અવિશ્વાસીનો વિશ્વાસ ન કરો, વિશ્વાસીનો પણ અત્યન્ત વિશ્વાસ કરવા યોગ્ય નથી, કારણ કે વિશ્વાસથી ઉત્પન્ન થયેલો ભય વિશ્વાસના મૂળનું નિકંદન કાઢે છે. પિતા, માતા, મામા, ભાણેજો, સંબંધીઓ, બાંધવજનો સ્વાર્થને કારણે જ પ્રિય થતા હોય છે. પ્રિય પુત્ર જો પતિત થાય તો માતાપિતા તેને ત્યજી દે છે, બધા પોતાની જ રક્ષા કરે છે, એટલે સ્વાર્થ કેવો સારયુક્ત છે તે જાણ. હે બુદ્ધિમાન, જે વિપત્તિમાંથી બહાર આવીને શત્રુના સુખના અસંદિગ્ધ ઉપાયો શોધે છે તેને હું કૃતજ્ઞ માનું છું, તું ઉપકારનો બદલો શા માટે વાળવા માગે છે? તું વટવૃક્ષ પરથી અહીં ઊતર્યો હતો પણ અહીં તો પહેલેથી જાળ બિછાવેલી હતી. તું ચપલતાને કારણે તેને ઓળખી ન શક્યો. મનથી ચંચળ બીજું કશું નથી, જે ચપલ પ્રાણી પોતાનું જ હિત નથી સાધતો તે બીજાનું હિત તો શું કરવાનો છે? એટલે ચંચલ ચિત્તવાળો નિશ્ચય બધાં કાર્ય નષ્ટ કરી દે છે. અત્યારે તું જે મને મધુર વચનો કહે છે તેનાથી મને પ્રસન્નતા થાય છે, એ સારું પણ તેનું જે મિથ્યાપણું છે તે હું તને વિસ્તારથી કહું છું તે સાંભળ. આ સંસારમાં મનુષ્ય કારણ અનુસાર જ બધાનો પ્રિય છે, કારણ અનુસાર જ દ્વેષપાત્ર બને છે, જીવ માત્ર સ્વાર્થી છે, વિના કારણ કોઈ કોઈનો પ્રિય નથી થતો. બે સગા ભાઈઓનો અને પતિપત્નીનો પ્રેમ પણ કારણવશ છે, સ્વાર્થવશ છે, આ જગતમાં કોઈના ય પ્રેમને હું નિષ્કારણ નથી સમજતો. ક્યારેક ક્યારેક ભાઈ, પત્ની કોઈ કારણે ક્રોધે ભરાય તો પણ તેઓ પરસ્પર જેવો પ્રેમ રાખે છે તેવો બીજા લોકો રાખતા નથી. આ જગતમાં કોઈ દાન દ્વારા પ્રિય થાય છે, કોઈ પ્રિય વાક્યથી વહાલું થાય છે, બીજાનો કાર્યસિદ્ધિ માટે મંત્ર, હોમ અને જયથી પ્રીતિ પ્રાપ્ત કરે છે. આપણા બેની પ્રીતિ વિશેષ કારણથી પ્રગટી હતી, અત્યારે એ કારણ રહ્યું નથી, એટલે એ અત્યારે રહી પણ ન શકે. એ કારણ ન રહે ત્યારે એનાથી જન્મેલી પ્રીતિ પણ નિવૃત્ત થઈ જાય છે.

હું તારો પ્રિય બની શકું એવું કયું કારણ છે? મને ખાઈ જવા સિવાય કોઈ કારણ છે? અત્યારે તારો જે સ્વાર્થ છે તે હું સારી રીતે જાણું છું. કાળ જ કારણને બદલે છે, સ્વાર્થ તેનું અનુસરણ કરે છે, બુદ્ધિમાન પુરુષ સ્વાર્થના વિષયને ઓળખે છે, એટલે જ લોકો પ્રાજ્ઞ પુરુષોનું અનુકરણ કરે છે. સ્વાર્થ જાણનારા વિદ્વાનો વિશે આવું વચન કહેવું તને યોગ્ય નથી. તું મારા માટે જે સ્નેહ દાખવે છે તે અસમય છે, તારા એ સ્નેહનું કારણ સ્વાર્થ છે. હું પણ મારા સ્વાર્થને કારણે વિચલિત થઈ શકતો નથી. સંધિ-વિગ્રહ વિશે મારો વિચાર સુનિશ્ચિત છે. આ બધા સંધિ-વિગ્રહો ક્ષણે ક્ષણે વાદળની જેમ અનેક રૂપ ધારણ કરે છે. તું આજે જ મારો શત્રુ થઈને અત્યારે મારો મિત્ર થઈ શકે છે, અને આજે પાછો મારો શત્રુ બની શકે છે. એ રીતે સ્વાર્થ-યોગોની કેવી ચપલતા છે તે જો. પહેલાં જ્યારે યોગ્ય કારણ હતું ત્યારે આપણી વચ્ચે મૈત્રી હતી, પણ કાળે જેનું નિર્માણ કર્યું હતું તે કારણ હવે નથી એટલે તે મૈત્રી પણ નથી. તું સ્વાભાવિક રીતે જ મારો શત્રુ હતો, પણ બીજા વેરીથી મારી રક્ષા કરવાનું સામર્થ્ય તારામાં હતું એટલે મિત્ર થયો હતો, એ મિત્રતાનું કાર્ય હવે પૂરું થયું છે, હવે તારા સ્વભાવે સહજ શત્રુભાવ મેળવી લીધો છે. હું પ્રાચીન આચાર્યોએ સર્જેલાં નીતિશાસ્ત્રોને જાણું છું, એટલે હું કેવી રીતે એ જાળમાં પ્રવેશું તે તું મને કહે. હું તારા શૌર્યને કારણે આપત્તિયુક્ત થયો છું, તું પણ મારી શક્તિના પ્રભાવે સંકટમુક્ત થયો છે, એટલે પરસ્પરનો અનુગ્રહ હવે નથી, એટલે હવે આપણે એકબીજાને મળવાની જરૂર નથી. હે સૌમ્ય, અત્યારે તું કૃતાર્થ થયો છે, મારું પ્રયોજન પણ પાર પડ્યું છે, એટલે મારું ભક્ષણ કરવા સિવાય તારે મારી સંગતનું કોઈ કાર્ય નથી. હું ભક્ષ્ય છું, તું ભોક્તા છે. હું નિર્બળ છું, તું બળવાન છે, આવા અસમાન સંબંધે આપણા બેની સંધિ થઈ શકતી નથી. અત્યારે તારા બુદ્ધિકૌશલના સંદર્ભે એમ જણાય છે કે આપત્તિમાં મુક્ત થયા પછી તું ભક્ષ્યની ઇચ્છા કરી રહ્યો છે. તું ભક્ષ્ય માટે જ બંધાયો હતો, મારી સહાય વડે મુક્ત થઈને હવે ભૂખે પીડાય છે. અત્યારે તું શાસ્ત્રસિદ્ધ બુદ્ધિનો આધાર લઈ મને ખાઈ જઈશ. મને ખબર છે કે તું ભૂખ્યો છે, તારા ભોજનનો સમય થયો છે. એટલે મને લક્ષ્ય બનાવીને તું સંધિ કરી, પોતાનું ભક્ષ્ય શોધી રહ્યો છે. મિત્ર, તું સ્ત્રી અને પુત્રોની વચ્ચે રહીને મારી સાથે સંધિ કરવા મથી રહ્યો છે. હું આ વાતમાં સંમત થતો નથી. તારી પ્રિય સ્ત્રી અને પુત્ર તારા ઉપર પ્રેમ રાખે છે, તારી સાથે તેઓ મને જોઈ આનંદિત થઈ મને શું નહીં ખાય? સમાગમનું કારણ પૂરું થયું છે, હવે હું તને ફરી મળીશ નહીં. જો તું મારા શુભ કર્મ માટે કૃતજ્ઞ છે તો મારા કલ્યાણની ચિંતા કર. જે અસત્ શત્રુ કલેશયુક્ત, ભૂખ્યો અને પોતાને માટે ભોજન શોધી રહ્યો હોય તેના સકંજામાં કયો બુદ્ધિમાન આવશે? તારું કલ્યાણ થાઓ. હું જઉં છું. હું તારાથી દૂર રહીને પણ વ્યાકુળ થઉં છું, હે લોમશ, એટલે હું તને મળી નહીં શકું, તું પાછો જા. બળવાન સાથે સંબંધ રાખવાનું દુર્બળ માટે ક્યારેય પ્રશંસાપાત્ર નીવડતું નથી. જે બળવાન હોય અને શાંતભાવથી જીવતો હોય તો પણ મારે એનાથી સદા ડરવું જોઈએ. તારે બીજું કોઈ પ્રયોજન હોય તો કહે, હું તારા માટે શું કરું? તારે જોઈતી બધી વસ્તુઓ આપી શકીશ. પરંતુ આત્મપ્રદાન નહીં કરી શકું. પોતાની જાત માટે સંતતિ, ધન, રત્ન, રાજ્યનો પણ ત્યાગ કરી શકાય છે, પોતાના સર્વસ્વનો ત્યાગ કરીને પણ પોતાની રક્ષા કરવી જોઈએ. મેં સાંભળ્યું છે કે પોતાની રક્ષા માટે જે ધન, રત્ન, ઐશ્વર્ય શત્રુને આપી દે છે તે સઘળું જીવતા રહો તો પાછું મળી શકે છે, આવું બન્યું છે. ધન, રત્નોની જેમ પોતાની જાતને શત્રુના હાથમાં સોંપી દેવી ઇષ્ટ નથી. પત્ની અને ધનનો ત્યાગ કરીને પણ પોતાની રક્ષા કરવી જોઈએ. જે પુરુષ આત્મરક્ષામાં તત્પર થઈને વિચારપૂર્વક કાર્ય કરે છે તેમને પોતાના દોષને કારણે આપત્તિ નડતી નથી. જે નિર્બળ પ્રાણી બળવાન શત્રુઓનો બરાબરનો તાગ મેળવે છે તેમની, આત્માર્થ પ્રગટ કરતી બુદ્ધિ કદી વિચલિત થતી નથી.

પલિત ઉંદરે જ્યારે માર્જારની સ્પષ્ટ નિંદા કરી ત્યારે માર્જાર શરમાઈ જઈને ઉંદરને કહેવા લાગ્યો,

‘હું જાણું છું કે તું મારો હિતેચ્છુ છું, અને આ તારી ઉત્તમ બુદ્ધિનું પરિણામ છે, તેં અર્થશાસ્ત્રની યથાર્થ આલોચના કરીને નીતિશાસ્ત્રનો સાર કહ્યો અને મારો ભિન્ન ભાવ જોઈ આ બધી વાત કરી. હે સાધુ, મને ખોટી રીતે સમજવાનું તારા માટે અયોગ્ય છે. તેં મને જીવતદાન આપ્યું છે એટલે મારી તારી મૈત્રી થઈ છે. હું ધર્મજ્ઞ, ગુણજ્ઞ, વિશેષ કરીને કૃતજ્ઞ અને મિત્રવત્સલ છું તારામાં અનુરક્ત થયો છું. એટલે મારી આગળ આવું આચરણ કરવું યોગ્ય નથી. તું કહે તો હું બાંધવો સમેત પ્રાણત્યાગ પણ કરી શકું છું. હે ધર્મજ્ઞ, પંડિતોએ મારા જેવા મનસ્વી પુરુષોના સંદર્ભે મરણને ધિક્કારથી જ જોયું છે. મારા વિશે તારે શંકા કરવાની જરૂર નથી.’

બિલાડાએ આ પ્રકારે પ્રશંસા કરી તે છતાં ઉંદરે માનસિક રીતે ગંભીર બિલાડાને કહ્યું,

‘હે મિત્ર, તું સાધુ છે આ વાત મેં સાંભળી. તારી વાતનો મર્મ જાણીને હું પ્રસન્ન છું, પરંતુ અત્યારે હું તારા પર વિશ્વાસ મૂકી શકતો નથી. તું પ્રશંસા કરીને કે ધન વડે મને વશ કરી શકીશ નહીં. હે સખા, પ્રાજ્ઞ પુરુષ વિના કારણે શત્રુના વશમાં નથી આવતા. આ વિશે શુક્રાચાર્યે બે ગાથા કહી છે તે સાંભળ:

જ્યારે પોતા ઉપર અને શત્રુ ઉપર એક જ પ્રકારની વિપત્તિ આવે ત્યારે નિર્બળ મનુષ્ય બળવાન શત્રુ સાથે સંધિ કરી સાવધ રહી પોતાનું કાર્ય પૂરું કરે અને કાર્ય પૂરું થયા પછી શત્રુનો વિશ્વાસ ન કરે. આ બધી અવસ્થાઓમાં પોતાના જીવનની રક્ષા કરવી યોગ્ય છે. જીવતા રહો તો જ દ્રવ્ય, સંતતિ રહે છે. કોઈનોય વિશ્વાસ ન કરવો શ્રેષ્ઠ છે. આ બધાં જ નીતિશાસ્ત્રોનો સંક્ષિપ્ત ઉપદેશ છે. મનુષ્ય માત્રનો અવિશ્વાસ કરવો પોતાના માટે અત્યંત હિતકારક છે. મનુષ્ય નિર્બળ હોવા છતાં સાવધાન રહીને કોઈનો વિશ્વાસ નહીં કરે તો તે શત્રુઓથી હણાશે નહીં, અને જો મનુષ્ય બળવાન થઈને પણ શત્રુનો વિશ્વાસ કરશે તો તે દુર્બળ શત્રુઓ દ્વારા પણ નાશ પામશે. હે માર્જાર, એટલે તારા જેવાઓથી બચીને આત્મરક્ષા કરવી યોગ્ય છે. તું પણ તારા શત્રુ, પાપી જાતિ ચાંડાલથી તારી રક્ષા કર.’

બિલાડો ઉંદરનું આવું વચન સાંભળીને ચાંડાળથી ભય પામીને શીઘ્રતાથી ત્યાંથી ભાગીને પોતાના દરમાં ઘૂસી ગયો. શાસ્ત્રાર્થ અને તત્ત્વનો જાણકાર ઉંદર પોતાની બુદ્ધિનું સામર્થ્ય પ્રદર્શિત કરી બીજા દરમાં પ્રવેશ્યો.

આ રીતે બુદ્ધિશાળી પલિત ઉંદરે એકલો અને નિર્બળ હોવા છતાં પોતાના બુદ્ધિબળ વડે શત્રુઓને સમીપથી જ પરાજિત કરી મુક્તિ મેળવી.


(શાંતિપર્વ, ૧૩૬)