વાર્તાવિશેષ/૧૦. ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા : જયેશ ભોગાયતા

From Ekatra Wiki
Revision as of 16:32, 1 February 2024 by Meghdhanu (talk | contribs) (text replaced with proofed one)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦. ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા : જયેશ ભોગાયતા


પ્રો. જયેશ ભોગાયતાનું સંપાદન ‘ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા’ ૫૩૫ પૃષ્ઠનો ગ્રંથ છે. ડૉ. ભોગાયતા વાર્તાના અઠંગ અભ્યાસી છે. સાચા અર્થમાં સંશોધક છે. તેથી આવો મુશ્કેલ પ્રકલ્પ હાથમાં લઈ શકે છે. જૂનાં સામયિકો અને સંચયોમાંથી ત્રણસો વાર્તાઓ વાંચીને ચોપન વાર્તાઓ અહીં મૂકી છે. આરંભ કર્યો છે દલપતરામની કૃતિથી – શીર્ષક છે ‘હાસ્યમિશ્રિત અદ્ભુત રસની વાર્તા.’ એનું પ્રકાશન સને ૧૮૬૫માં ‘બુદ્ધિપ્રકાશ’માં થયેલું છે. દલપતરામની સાત પૃષ્ઠની આ વાર્તા કપોલકલ્પિત કથાનક ધરાવે છે. એક ગૃહસ્થ શરીરે બગાડ થવાથી ધંધો છોડી બે દિવસ ઘેર રહે છે. રમૂજમાં દહાડો જાય એ સારુ એક કવિને બોલાવે છે. એણે નીતિની કવિતા સાંભળવી નથી. રસિક વાત સાંભળવી છે. કવિ અદ્ભુત રસની વાર્તા કહે છે. શાહીબાગ તરફ સાભ્રમતીને કાંઠે બેત્રણ મિત્રો બેઠા હતા ત્યાં વાદળા જેવું દેખાય છે. એમાંથી વિરાટ માણસ ઊપસી આવે છે. એ નદીમાં ઊભો રહે છે, ટેકરે બેઠેલાઓ સામે એનું મોં આવે છે. પહેલાં અહીં એ વિરાટ માણસ જેવડાં સહુ હતાં, જોરાવર હતાં. ઉજેણનો મલ્લ સહુને પડકાર આપી સવા મણ સોનાનું પૂતળું મેળવી પગે બાંધે છે. એ રીતે પચાસ મણનાં ચાળીસ પૂતળાં એણે પગે બાંધ્યાં છે. અભિમાન સાથે અહીં આવે છે. જાણે છે કે એક ઘાંચી એનો સામનો કરે એવો છે. એને ઘેર ગયો, ઘાંચીની બાયડીએ કહ્યું કે ત્રીસ ગાઉ દૂર ખંભાત ગયા છે. સાંજે આવીને વાળુ કરશે. મલ્લ સામે ગયો. અરધે રસ્તે ઘાંચી સામે આવ્યો. વીસ ગાડાં એક દોરડે બાંધી એ ખેંચી આવતો હતો. એ લડવા તૈયાર થયો. બંને લડ્યા એમાં મલ્લના પગેથી પૂતળાં છૂટી ગયાં. પૃથ્વી વાંકીચૂંકી થઈ ગઈ. એવામાં એક કોળણ છાણાં વીણવા આવી ચઢી. એણે લોઢાની પાટો અને પૂતળાં ટોપલામાં ભરી લીધાં. પેલ્લા બે જણા થાકીને આવે છે તો કશાનો પત્તો નથી. ઘૂવડને પૂછે છે, કહેતો નથી, એને દિવસે નહીં દેખાય એવો શાપ આપે છે. પોપટ જવાબ આપે છે, તો તારી વાણી મધુરી થશે એવું વરદાન આપે છે. પેલા કોળણ પાછળ દોડે છે. પહોંચી શકતા નથી. પવનમાં કોળણનો ટોપલો ઊડી જાય છે, સોજીત્રા શહેરની રાણીની આંખમાં એ ટોપલો ભરાઈ જાય છે. પીડા થાય છે. હજામ કણ બહાર કાઢે છે, એમાંથી પચાસ મણ સોનું અને લોઢાની પાટ નીકળે છે. હજામ એનો ચીપિયો ઘડાવે છે. પરદેશી ખોજાના નાકમાંથી વાળ કાઢવા જતાં એના શ્વાસમાં ચીપિયો નાકમાં ખેંચાઈ જાય છે. હજામ ખોજાના નાકમાં પેસી જાય છે. અંદર એક ગામ આવે છે. ભરવાડ મળે છે. એની સાતસો સાંઢણીઓ ખોવાયેલી છે. છેવટે હજામ બોરડીઓનો ઢગલો સળગાવે છે. ખોજાને છીંક આવે છે. એમાંથી બધું બહાર આવે છે. હજામનું અભિમાન ઊતરી જાય છે. વાર્તા કહેનાર વિરાટપુરુષ જોગી ઉમેરે છે કે ખોજાનું અભિમાન ઉતારનાર પણ પછી મળી આવે છે. જોગી હિમાલય જવા નીકળે છે, સંધ્યા કરવા. પેલા નદી કાંઠે બેઠેલા શહેરમાં પાછા આવે છે. આધુનિક-અનુઆધુનિક વાર્તાકારોને દલપતરામની વાર્તા વાંચીને આશ્ચર્ય થશે. માણસમાંથી વંદો થઈ જવાની વાત કે સ્વરૂપાંતર સાધતી અન્ય કથાઓ, નાટ્યકૃતિઓની વિવેચકોએ ચર્ચા કરી છે. પહેલાં શું હતું એ વિશે વિચારવા ડૉ. ભોગાયતાએ અહીં નક્કર સામગ્રી આપી છે. ફરદુરજીના પુસ્તકની બીજી આવૃત્તિ સને ૧૮૪૮માં પ્રગટ થઈ હતી. દલપતરામની વાર્તાનાં સત્તર વર્ષ પહેલાં. ખીલી ઉપાડનાર વાનરની કથામાં શબ્દે શબ્દે પૂર્ણવિરામ છે. આવી ઘણી અવનવી વિગતો સંપાદકશ્રીએ શોધી કાઢી છે. પણ મુખ્યત્વે એમણે ધૂમકેતુ પૂર્વેની વાર્તાઓ ૧. ઐતિહાસિક, ૨. સાંસ્કૃતિક અને ૩. કથનકળાશાસ્ત્રની દૃષ્ટિએ પસંદ કરીને અહીં સમાવી છે. કહેવા-સાંભળવાની વાર્તા આગળ વધતાં લખવા-વાંચવાની વાર્તા બની. વાસ્તવજીવન અને વાર્તાના અંતનું મહત્ત્વ વધ્યું. પછી પાત્ર કેન્દ્રમાં આવ્યું : ‘આ વાર્તાકારોમાં કનૈયાલાલ મુનશી, ધનસુખલાલ મહેતા, કલ્યાણરાય જોશી અને લીલાવતી મુનશી મુખ્ય છે. આ વાર્તાકારોએ વાર્તાના પાત્રને કેન્દ્ર બનાવ્યાં. પાત્રના જીવનની કટોકટીભરી પરિસ્થિતિનું ભાવાત્મક નિરૂપણ જીવનની વિષમતાને રજૂ કરે છે.’ (પૃ. ૧૮, ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા) પ્રો. જયેશ ભોગાયતા (જન્મ ૧૯૫૪) ટૂંકીવાર્તાના સ્વરૂપ અને ઇતિહાસના જાણતલ છે. પોતે પ્રયોગશીલ વાર્તાકાર પણ છે. ‘આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ વિશે પીએચ. ડી. થયા છે. એની સારી-માઠી અસર એમના વાર્તાસંગ્રહ ‘હરકાન્ત મલ્કાની આફિકા ગયો નથી’માં જોવા મળે છે. નવ વાર્તાઓનો આ સંગ્રહ અનુઆધુનિક લેખકનો અભિગમ દાખવે છે. ઘટનાને દૃશ્યરૂપે આલેખતી વાર્તા ‘એક સુગંધી લીલું માંજર’ મને યાદ રહી ગઈ છે. આવા અદ્યતન પ્રયોગશીલ વાર્તાકાર ધૂમકેતુ પૂર્વેની વાર્તાઓનો બને એટલો વધુ અભ્યાસ કરીને સંશોધક-સંપાદકનો નેત્રદીપક નમૂનો રજૂ કરે છે. પોતે કૌટુંબિક વારસાને સ્વીકારે છે એ મૂડી પણ એમને મદદરૂપ થતી હશે. સને ૧૯૨૧માં ગ્રંથસ્થ થયેલી રણજિતરામ વાવાભાઈ મહેતાની નવલિકા ‘માસ્તર નંદનપ્રસાદ’ મારી પ્રિય કૃતિ છે. મુખ્ય પાત્રની મનોદશા આજના સંવેદનશીલ માણસનું વ્યક્તિત્વ નિરૂપે છે. આજે રણજિતરામના અવસાનને સો વર્ષ થયાં. જયેશભાઈ ‘માસ્તર નંદનપ્રસાદ’ના સંદર્ભમાં લખે છે : ‘ત્રસ્ત મનોદશાના સંકુલ સંચારીઓ મનુષ્યચેતના પર થયેલી નગરજીવનની યાંત્રિક જીવનશૈલીની ભયાનકતા સૂચવે છે.’ (પૃ. ૧૯) વિદ્વાનો અને વાર્તારસિકો સહુ માટે આ ગ્રંથ રસપ્રદ નીવડશે.

૨૦૧૭