નીરખ ને/તમે મૃતદેહને બાળો છો? ગાયને પૂજો છો?-

From Ekatra Wiki
Revision as of 02:27, 11 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મેં ઘણા વખત પહેલાં ‘આઉટસાઈડર’ નવલકથાને એક જ વાક્યમાં વર્ણવી હતી : ‘આપણા સમાજમાં જે વ્યક્તિ પોતાની માની દફનક્રિયા વખતે રડતો નથી એ દેહાંતદંડનું જોખમ વહોરે છે.’ મારા પુસ્તકનો નાયક ગુનેગાર ઠરે છે, કારણ કે એ નિયમોને વળગી રહેતો નથી... જો એમ પૂછવામાં આવે કે નાયક મરસો કેવી રીતે નિયમાનુસાર રહેવાનું નકારે છે તો પાત્ર માટે વધુ સાચો ખ્યાલ આવે; કમમાં કમ લેખકના આશયની ઘણી વધુ નજીક તો જવાય જ. એ જૂઠું બોલવાની ના પાડે છે; જૂઠું બોલવું એટલે માત્ર જે વસ્તુસ્થિતિ નથી એ છે એમ કહેવું એમ નહીં, પણ સવિશેષપણે તો વસ્તુસ્થિતિ હોય એ કરતાં વધુ બતાવવી; અને જ્યાં સુધી માણસના હૃદયને નિસ્બત છે ત્યાં સુધી આપણને લાગે એ કરતાં વધારે બતાવવું. જીવનને સરળ બનાવવા માટે આપણે બધા રોજ આ કરતા હોઈએ છીએ. મરસો જીવનને સરળ બનાવવાનું ઇચ્છતો નથી; એ જે છે એ કહે છે; પોતાની લાગણીઓની અતિશયોક્તિ કરતો નથી; તરત જ સમાજ પોતા ઉપર મોટી આપત્તિ આવી પડી હોય એમ વર્તવા લાગે છે. દાખલા તરીકે મરસોને કહેવામાં આવે છે કે સમાજને માન્ય રીતે એ ગુન્હા બદલ ખેદ વ્યક્ત કરે. એ જવાબ આપે છે કે સાચા ખેદ કરતા વધુ તો એને એક પ્રકારનો કંટાળો આવે છે અને અર્થની આ છાયા એને ગુનેગાર કરાવે છે. મારે માટે મરસો સામાજિક રીતે ભાંગી પડેલી વ્યક્તિ નહીં, પણ એ એવી વ્યક્તિ છે જે નગ્ન છે, ગરીબ છે, પડછાયા વગરના સૂર્યને પ્રેમ કરનારી છે. લાગણીઓનું ખાલીપણું તો નહીં જ, પણ એવા આવેગથી પ્રેરિત છે જે જિદ્દી હોવાને કારણે ઊંડો છે; એ પૂર્ણતા અને સત્ય માટેનો આવેગ છે. આ સત્ય હજી નકારાત્મક છે – આપણે જે છીએ અને આપણને જે લાગે છે તે સત્ય. પણ એ વગર આપણી પોતાની કે વિશ્વની જીત ક્યારેય શક્ય નહીં થાય. એટલે કોઈ જો ‘આઉટસાઈડર’ને એવા માણસની કથા ગણે જે કશા ખોટા વીરત્વ વગર સત્ય માટે મરવાનું સ્વીકારે છે તો એ ખાસ ભૂલ કરતો નથી. મેં એમ પણ કહ્યું છે કે મારા પાત્રમાં માત્ર આપણા લાયકનો ઈશુ રજૂ કરવાનો મેં યત્ન કર્યો છે. મારા આ ખુલાસાઓ પછી એટલું તો સમજાશે કે મેં કોઈ ધાર્મિક ભાવનાથી નહીં પણ એક કળાકારને પોતાનાં પાત્રો માટે થોડો માર્મિક સ્નેહ હોવાના અધિકારને નાતે આ કહ્યું છે.

આલ્બેર કેમ્યૂ



તમે મૃતદેહને બાળો છો! ગાયને પૂજો છો! –
સંસ્કારબદ્ધતાની અભેદ્ય દીવાલો

પ્રત્યાયન (કોમ્યુનિકેશન) એક પેચીદો સવાલ છે. સાહિત્યિક સ્તરે એની મથામણ જુદી છે : સાહિત્યિક કૃતિના રસકીય ઐશ્વર્યને ભાવક સુધી સંક્રમણ કરવાની. પણ એ વાત આપણે અહીં નથી કરતા. આપણને લાગતી સાચી વાત કે કોઈ વિચાર ઘણીવાર ચાર મિત્રો સુધી પણ આપણે પહોંચાડી નથી શકતા. દરેકને પોતાનાં કારણો હોય છે, પોતાનાં અર્થઘટનો હોય છે, પોતાનું એક અનુભવવિશ્વ હોય છે. આપણે એક વિચાર વ્યક્ત કરીએ છીએ, અને સામેની વ્યક્તિનો પ્રતિભાવ એ સંકુલ મનઃસ્થિતિ અનુરૂપ હોય છે. હા, એ વાત ખરી કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે માનસિક સંવાદિતા હોય કે આધ્યાત્મિક ભાષામાં કહેવું હોય તો જ્યારે લોકો એક થરના હોય ત્યારે સંક્રમણ ઘણું આસાન બને. સંસ્થાકીય, સામાજિક, રાજકીય સ્તરે તો અનેક વિરોધી પરિબળો, પ્રસ્થાપિત હિતો, જમાનાનું દબાણ પ્રમાણિક વિચાર-વિનિમય નિષ્ફળ બનાવે છે. આપણી ટેવો, આપણા સંસ્કારો પણ એક અભેદ્ય દીવાલ રચી દેતા હોય છે. શ્રી અમિતવ ઘોષનું ઇજિપ્તના એક ગામમાં એમના નિવાસ દરમ્યાન થયેલા વિલક્ષણ અનુભવોનું વૃત્તાંત (અંગ્રેજી ‘ગ્રાન્ટા’, વિન્ટર, ૧૯૮૬ – સામયિકમાં પ્રગટ થયું છે.) આ સંક્રમણના સંદર્ભમાં આંખ ઉઘાડનારું છે – કંઈક અંશે ભીતિજનક દુઃસ્વપ્નસમ છે; કેટલુંક એ વૃત્તાંતમાંથી જોઈએ. આ ગામમાં એક વૃદ્ધ ઈમામ છે. મસ્જિદમાં પ્રાર્થનાઓ કરાવવાનું એનું કામ છે. સાથે સાથે વૈદું અને હજામનું કામ પણ એ કરતો હોય છે. પણ એની આ જાણકારીએ એની આબરૂમાં ખાસ વધારો આ ગામમાં કર્યો નથી. ગામના લોકોને વૈદું જાણનાર અને હજામત કરનાર ઈમામ હવે જોઈતો નહોતો. વનસ્પતિઓ ઉકાળતા આ હાસ્યાપદ ઈમામ કરતાં એમને કોઈ જુવાન, પ્રભાવશાળી વક્તા હોય, એમની નિયતિને સમજાવી શકતો હોય એવો ઈમામ જોઈતો હતો. લોકો આ વૃદ્ધ ઈમામની કોઈક ઐતિહાસિક ઇમારતની વાત કરતા હોય એમ ક્યારેક વાત કરતા. શ્રી અમિતવ ઘોષ, આ વૃત્તાંતના લેખક, ઈમામની મુલાકાતે ગયા. અમુક નમસ્કારવિધિ પછી લેખકે ઈમામની વૈદકીય પદ્ધતિઓ વિશે જાણવાની ઇચ્છા વ્યક્ત કરી. ઈમામને ખૂબ વિસ્મય થયું અને થોડો વખત તો મૌન જ જાળવ્યું. શ્રી ઘોષે ફરી પ્રશ્ન કર્યો ત્યારે ઈમામે જણાવ્યું કે ‘મારી જડીબુટ્ટીઓ માટે તમારે શા માટે જાણવું છે? તમારા જ દેશમાં પાછા જઈ તમારું જ કેમ જાણી લેતા નથી?’ ‘હા, એ તો છે જ’, ઘોષે કહ્યું, “પણ હમણાં તો મારે આપનું જાણવું છે.’ ઈમામ બેચેનીપૂર્વક બોલી ઊઠ્યો, ‘ના, ના. એ બધું ભૂલી જાઓ; હું પોતે પણ ભૂલી જવાનો પ્રયત્ન કરું છું.’ શ્રી ઘોષને ખાતરી થઈ ગઈ કે ઈમામ હવે જડીબુટ્ટીઓની વાત નહીં કરે. એની આંખમાંથી જ જડીબુટ્ટીઓની કિંમત ઊતરી ગઈ હતી. એને બદલે ઈમામે એક ટિનનો ડબ્બો ખોલ્યો, અને એમાંનો ઇંજેક્શનનો સરંજામ બતાવ્યો. પોતે ઇંજેક્શન આપવાની કળા શીખી રહ્યો હતો એમ જણાવ્યું. લેખક ઉપર પણ આ કળા અજમાવવાની વાત કરી. લેખકે પ્રતિકાર કરતા મુલાકાતનો અંત આવી ગયો. ગામમાં એક બીજી વિલક્ષણ વ્યક્તિ હતી. બધા એને ખામીઝ – ઉંદર કહેતા. ઉંદર એટલા માટે કે ઉંદર દાંતથી ખોતરે એમ એને બધી વસ્તુઓ જીભથી ખોતરવાની ટેવ હતી. એ બધી ચીજ પ્રત્યે હસી શકતો. બાપ, કોઈ સંત, વડીલો કે ઈમામ એમાંથી બાકાત ન રહેતા. લેખક એ ગામમાં ભારતીય ડૉક્ટર તરીકે જાણીતા હતા. ખામીઝના નિમંત્રણથી લેખક એની પાસે જઈને બેઠા. ખામીઝે લેખકની રમૂજ ઉડાવવાનું નક્કી કરી નાખ્યું : ‘અચ્છા, ડૉક્ટર! આ શું સાચું છે કે તમારા દેશમાં તમે મૃતદેહને બાળો છો?’ જેવું એણે આ પૂછ્યું કે બધી સ્ત્રીઓ ટોળે વળી ગઈ અને છાતીએ હાથ અડાડી ‘હરામ! હરામ!’ બોલવા લાગી. લેખક લખે છે કે આ સાંભળી મારું હૃદય બેસી ગયું. આ જાતની વાતચીત ઓછામાં ઓછી દિવસમાં એક વાર તો થતી જ, અને મને એનો અસહ્ય થાક લાગી ગયો હતો. લેખકે જવાબ આપ્યો, ‘હા, એ સાચું છે. કેટલાક લોકો મારા દેશમાં મૃતદેહને બાળે છે. ખામીઝે કૃત્રિમ કમકમાટી બતાવતાં કહ્યું, ‘શું તમે એમને લાકડાના ઢગલા ઉપર મૂકીને સળગાવો છો?’ લેખકે હા કહી; ખામીઝ પછી એના મંત્રમુગ્ધ શ્રોતાઓ તરફ ફર્યો, અને કહ્યું, ‘હું તમને કહું, શા માટે આ લોકો આમ કરે છે. આ લોકો આમ કરે છે કારણ કે કયામતના દિવસે પછી એ શરીરને સજા ન થાય.’ બધા વિસ્મયમાં હસી પડ્યા. એક છોકરી બોલી, ‘કેવા ચતુર! કેવો સરસ વિચાર! આપણે પણ આમ કરવું જોઈએ. પછી આપણે ગમે તે કરી શકીએ. અને જ્યારે મરી જઈએ અને કયામતનો દિવસ આવે ત્યારે ઇન્સાફ કરવા માટે કંઈ હોય જ નહીં ને.’ ખામીઝ હવે બીજી વાત તરફ વળ્યો. ‘અચ્છા, ડૉક્ટર! હવે એક બીજું કહો. તમારા દેશમાં બધા ગાયને પૂજે છે એ વાત સાચી છે? તે દિવસે તમે ખેતરમાંથી જતા હતા, અને એક માણસને તમે ગાયને મારતા જોયો એટલે તમે એટલા અસ્વસ્થ થઈ ગયા – તમારી આંખમાં આંસુ આવી ગયા, અને તમે દોડીને તમારા ખંડમાં ભરાઈ ગયા – વાત સાચી? લેખક – શ્રી ઘોષે કહ્યું, ‘તમારી વાત સાચી નથી. મારા દેશમાં લોકો ગાયને આખો વખત મારતા જ હોય છે.’ પણ સ્પષ્ટ હતું કે કોઈએ એ વાત માની નહીં. ખામીઝની પત્નીએ કહ્યું, ‘એમના દેશમાં બધું ઊંધું છે. ડૉક્ટર! કહો તો, તમારા દેશમાં અમારી જેમ અનાજ, ખેતર, નહેરો હોય છે?’ લેખકે જવાબ આપ્યો, ‘હા, અમારા દેશમાં અનાજ અને ખેતરો છે, પણ બધે નહેરો નથી હોતી, કારણ કે કેટલાક પ્રદેશોમાં બારે માસ વરસાદ પડે છે.’ ‘અરે બાપરે’, કપાળ કૂટતી એ બોલી ઊઠી, ‘સાંભળ્યું? યા ખુદા, એમના દેશમાં આખું વર્ષ વરસાદ પડે છે! તો પછી કહો તો, અમારી જેમ તમને દિવસ અને રાત હોય છે?’ ખામીઝે કહ્યું, ‘ચૂપ રહે. નથી જ હોતા વળી. એમને આખો વખત દિવસ હોય છે, દીવાઓ ઉપર પૈસા ખરચવા ન પડે ને માટે.’ બધા હસી પડ્યા. મહિનાએક પછી શ્રી ઘોષ ખામીઝ અને એના ભાઈઓ સાથે ખેતરથી ગામ પાછા ફરી રહ્યા હતા ત્યારે ખામીઝે મસ્જિદ તરફ જતા પગથિયા ઉપર ઈમામને બેઠેલો જોયો. ખામીઝના કોઈ અંગત કામ માટે શ્રી ઘોષ ઈમામ પાસે ગયા. લેખક કહે છે કે ઈમામે મને દૂરથી જ એની તરફ આવતો જોયો હતો, પણ એણે નજર સુધ્ધાં મારી તરફ નાખી નહીં, અને એની પાસે બેઠેલા દુકાનદારની સાથે વાતમાં મશગૂલ હોય એવો ડોળ કર્યો. મેં પાસે જઈ નમસ્કાર કર્યા એટલે એને મારી સામે જોવું તો પડ્યું, પણ ફરી પાછો દુકાનદારની સાથે વાતમાં ગૂંથાયો. હવે વૃદ્ધ દુકાનદાર મૂંઝાયો. દુકાનદારે મને કહ્યું, ‘કૃપા કરી બેસો. ખુરશી લાવું?’ પછી એ ઈમામ તરફ ફર્યો અને કહ્યું, ‘તમે આ ભારતીય ડૉક્ટરને ઓળખો છો ને? એ છેક ભારતથી એલેકઝેંડ્રિયા વિદ્યાપીઠમાં ભણવા આવ્યા છે.’ ઈમામે કહ્યું, ‘હું એમને ઓળખું છું. પણ વિદ્યાર્થી તરીકે એ શું શીખી શકવાના? એમને અરેબિકમાં લખતાં પણ નથી આવડતું.’ દુકાનદારે ડાહપણભરી સાવચેતીથી કહ્યું, ‘હા, એ સાચું છે. પણ એ પોતાની ભાષાઓમાં લખે છે. અને અંગ્રેજી આવડે છે.’ “ઓહ, એ ભાષાઓ! શો ઉપયોગ એમનો? એ તો દુનિયામાં સૌથી સહેલી ભાષાઓ છે. કોઈ પણ લખી શકે.’ આમ કહી ઈમામ, લેખક કહે છે કે મારી તરફ ફર્યો, અને ગુસ્સાથી વંકાતા મુખે મને પૂછ્યું, ‘કહો તો, તમે શા માટે ગાયની પૂજા કરો છો?’ હું એવો ડઘાઈ ગયો કે જવાબ આપવામાં તોતડાવા લાગ્યો. ઈમામ ફરી મને અવગણીને દુકાનદારને કહેવા લાગ્યો, ‘તમને ખબર છે એમના દેશમાં એ લોકો ગાયની પૂજા કરે છે!’ પછી એણે મારી તરફ તીરછી નજરે જોયું, અને બોલ્યો, ‘અને તમને ખબર છે બીજું એ લોકો શું કરે છે?’ પ્રશ્નની અસર થાય ત્યાં સુધી એ થંભ્યો, અને પછી ખૂબ મોટેથી ફૂંફાડા મારતાં બોલ્યો, ‘એ લોકો પોતાના મરેલા માણસને બાળે છે.’ દુકાનદાર, કોઈએ એને તમાચો માર્યો હોય એમ પાછો હઠી ગયો. બોલી ઊઠ્યો, “આહ ખુદા, યા અલ્લાહ.’ પછી અચાનક ઈમામ મારી તરફ ફર્યો અને ખૂબ ઝડપથી એ કહેવા લાગ્યો, “તમે એ થવા કેમ દો છો? તમને ખબર નથી કે આ એક આદિમ – પછાત રૂઢિ છે? તમે શું જંગલીઓ છો કે આવું ચલાવવા દો છો? તમારી તરફ જુઓ. તમે તો કંઈક ભણ્યા છો, તમને તો વધારે ખબર હોવી જોઈએ. નહીં તો આવું કર્યા કરશો તો તમારો દેશ વિકાસ કેમ સાધશે? તમે તો પશ્ચિમમાં પણ ગયા છો. તમે જોયું હશે કે એ લોકો કેટલા આગળ વધેલા છે! તમે કદી એમને મૃતદેહને બાળતાં જોયા છે?’ ઈમામ હવે બૂમો પાડતો હતો, અને જુવાનો અને છોકરાંઓનું એક ટોળું જામી ગયું હતું. એ બધાની વેધક દૃષ્ટિ નીચે મારી જીભ અચકાવા લાગી. મને મારી બિનઆવડત અને ઈમામ ઉપર ગુસ્સો આવવા લાગ્યો. ‘હા, પશ્ચિમમાં એ લોકો શબને બાળે છે. એમની પાસે ખાસ એ માટે વીજળીની ભઠ્ઠીઓ છે,’ મેં કોઈક રીતે કહેવાનું સામર્થ્ય ભેગું કર્યું. ઈમામ જોઈ શક્યો કે એણે મને દુભવ્યો હતો. એ હસ્યો, ‘એ જૂઠું બોલે છે. પશ્ચિમમાં મરેલા માણસને બાળતા નથી. એ લોકો કંઈ અજ્ઞાની નથી, આગળ વધેલા છે, ભણેલા છે. એમની પાસે વિજ્ઞાન છે, બંદૂકો છે, ટૅન્કો છે, બૉમ્બ છે.’ ‘અમારી પાસે પણ છે’ – મેં બૂમ પાડતાં કહ્યું. હું જેટલો ગુસ્સે હતો એટલો જ ગૂંચવાયેલો હતો. ‘અમારા દેશમાં પણ આ બધી વસ્તુઓ છે’, મેં ટોળાને કહ્યું. અમારી પાસે બંદૂકો છે, ટૅન્કો છે, બૉમ્બ છે અને તમારી પાસે કંઈ હોય એ કરતા ઘણાં વધારે સારાં છે. માત્ર અમે પશ્ચિમથી બીજે નંબરે છીએ. જૂઠું તો તમે બોલો છો. તમને આ વિશે કંઈ ખબર જ નથી. અમે તો અણુધડાકો પણ કર્યો છે. સો વર્ષે પણ તમે અમને પહોંચી શકો એમ નથી.’ એ ક્ષણે અમારી વચ્ચે અંતર છતાં અમે બન્ને એકબીજાને બરાબર સમજી શક્યા. હું એની સાથે અંગ્રેજી વિદ્યાપીઠની, મારી શિષ્યવૃત્તિઓની, ત્યાંના પ્રાધ્યાપકોની, સુપરહાઈવેની કે સેક્સ-શૉપની કે પિકાસોની વાત કરી શક્યો હોત. પણ એ કશું કામ લાગ્યું ન હોત; એ તો બધું ઉપરછલ્લું હતું. અંદરખાનેથી તો એને અને મારે માટે, અમારી આસપાસના કરોડો લોકો માટે પશ્ચિમનો અર્થ માત્ર વિજ્ઞાન, ટૅન્ક, બંદૂક અને બૉમ્બનો થતો હતો. એ ભગવાનનો માણસ અને હું માનવીય વિજ્ઞાનોનો વિદ્યાર્થી – અમે જોયું કે આ ચીજોની તાકાત અને શક્તિમાંથી નાસી છૂટવાની કોઈ છટકબારી નહોતી. આ ચીજોએ દલીલની બધી ભાષાઓની જગ્યા પચાવી પાડી હતી. એને ખબર હતી જેમ મને હતી કે ૧૪મી સદીમાં ભારતની મુસાફરીએ આવેલ ઇબ્ન બબૂતાએ જે કહ્યું હતું એમ એ કહી શકે એમ નહોતો – ‘તમારે આ કરવું જોઈએ કે તે કરવું જોઈએ કારણ કે એવી ભગવાનની ઇચ્છા છે.’ ઈમામ એમ ન કહી શક્યો, કારણ કે એ ભાષા મરી પરવારી હતી. એ ચીજો કહેવા જેવી રહી નહોની, કારણ કે ઍબ્સર્ડ લાગતી હતી. એને બદલે અનિવાર્યપણે એને બીજી ભાષા વાપરવી પડી; એ એવી તો સાર્વત્રિક હતી કે ગામના જૂનવાણી ઈમામને કે સૉલ્ટ (SALT) સંમેલનોના મહાન નેતાઓને એકસરખી લાગુ પડતી હતી. એણે મને કહેવું પડ્યું હતું – ‘તમારે આમ ન કરવું જોઈએ કારણ કે નહીં તો તમને બંદૂક, ટૅન્ક કે બૉમ્બ નહીં મળે.’ ભગવાનના માણસ હોવાને નાતે એની હાર મોટી હતી. એક ક્ષણ મને અસહ્ય ઈર્ષા થઈ આવી. હું પશ્ચિમનો માણસ હોત તો ઈમામે મને આ બધી વસ્તુઓ ન કહી હોત – એની હિંમત જ ન ચાલી હોત. મને જોઈતું હોત કે નહીં, મારી આસપાસ હિંસાની ટેક્નૉલૉજીની એક સંરક્ષણાત્મક આભા હોત. આ આભા મારી આજુબાજુ કાચના શીટની જેમ, બુલેટપ્રૂફ સ્ક્રીનની જેમ ફરી વળી હોત. અથવા તો એણે પ્રેસકાર્ડની જેમ તાવીજનું કામ કર્યું હોત; દુનિયામાં ભયંકરમાં ભયંકર ગણાતી જગ્યાઓએ હું એ મહિને જઈ શક્યો હોત – એકીટશે જોવા, વિસ્મય પામવા – અને પછી કદાચ મને પણ પુસ્તક માટે એવી સામગ્રી મળી હોત જેના વર્ણન માટે એક લીટી હોત – ભયંકર! ભયંકર!’ – કારણ કે કાચના શીટનો એ ગુણ છે કે એથી અંતરમાં જોવાની ફરજ પડતી નથી.’ જમાનાની માંગ અને સંસ્કારબદ્ધતા સંક્રમણની આડે કેવી તો અભેદ્ય દીવાલ રચી દે છે એનું ઉપરનું વૃત્તાંત સચોટ, હૈયા-સોંસરવું દૃષ્ટાંત છે. આપણે કોઈ રીતે સમજાવી શકતા નથી કે મૃતદેહને બાળવો એ એના નિકાલ માટેની બીજી બધી રીતો કરતાં વધુ વૈજ્ઞાનિક છે. પશ્ચિમના જાગ્રત લોકો એ સ્વીકારતા થયા છે. શૉ કે મૉમ જેવા એમના વીલમાં એમના શબને બાળવામાં આવે એવી ખાસ સૂચના આપી ગયા હતા, સાર્ત્રે પણ ખાસ એવી ઇચ્છા પ્રગટ કરી હતી. હિંદુઓએ તો પહેલેથી મૃતદેહની કિંમત જોયેલી નહીં, અને કઈ રીતે જલ્દી એનો નિકાલ થાય એવી જ વ્યવસ્થા વિચારેલી. શંકરાચાર્ય તો કહે છે કે પતિનો મૃતદેહ જો ઘરમાં વધારે વાર પડી રહે તો પત્નીને પણ એની બીક લાગવા માંડે છે – બિભ્યતિ ભાર્યા. પણ જુદા જ સંસ્કારના લોકોને આ વાત સમજાવી શકાતી નથી. ઉપરાંત શ્રી ઘોષ કહે છે એમ આપણી વાત પાછળ પશ્ચિમની હિંસાની ટેક્નૉલૉજીનું પીઠબળ નથી. તત્કાળ જમાનાની માંગ, જે હવા પ્રવર્તતી હોય એ રીતે પ્રજાનું માનસ ઘડાતું હોય છે. આપણા જ દેશનાં ગામોમાં કે શહેરના અશિક્ષિત લોકોમાં અંગ્રેજી માધ્યમનું અપ્રતિમ આકર્ષણ છે, કારણ કે પ્રભાવક ઉચ્ચ વર્ગે એ ચીલો પાડ્યો છે. ગામોમાં ખાદી કે હાથશાળનું કપડું નહીં, પણ સિન્થેટિક જ વધારે પહેરાય. સંગઠિત કામદારોએ ટેરેલિન પેન્ટ માટે લડત ચલાવી છે. માતૃભાષા, ખાદી કે હેન્ડલૂમ તો એક નાના વિદગ્ધ લોકોના વર્તુળનો શોખ રહ્યો છે. પ્રસ્થાપિત હિતો તો જરૂર પડે હિંસાત્મક માર્ગે પણ પોતાનાં હિતોની રક્ષા કરે. પણ જ્યાં પોતાનું હિત સમાયું છે એ માર્ગને અવગણી બહુમતી જનતા પણ આ પ્રસ્થાપિત હિતોને અનુસરે છે. આવી જ્યાં પરિસ્થિતિ હોય ત્યારે શું લોકોને આપણે સમજાવી શકીએ કે કમમાં કમ અર્થવ્યવસ્થામાં ક્યારેય ગાંધી નહોતા એવા આજે પ્રસ્તુત છે? ઉદ્યોગોના વિકેન્દ્રીકરણ વગર આવાં તોતિંગ શહેરોનું વિષ ક્યારેય અટકાવી શકાવાનું નથી? અનિલ અગ્રવાલે એમના એક લેખમાં બતાવ્યું છે કે આજની ટેક્નૉલૉજીઓ ઘણુંબધું મૂડીરોકાણ અને ઉચ્ચ વિજ્ઞાનનું જ્ઞાન માંગી લે છે; વિકસતા દેશો માટે એ ખૂબ મુશ્કેલની વસ્તુ છે. આપણે આપણને અનુરૂપ ટેક્નૉલૉજી વિકસાવવી જોઈએ. સૂર્યશક્તિ, બાયોગૅસ વગેરેનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ. શહેરોમાં પણ એવી નીતિ હોવી જોઈએ કે ખાનગી રહેઠાણો કે વાહનો સાદાં અને સસ્તાં હોવાં જોઈએ. સિમેન્ટ અને ઈંટોનાં ઘરોને બદલે માટીનાં ઘરો માટે વિચારી શકાય; ખાનગી મોટરકારોની જગ્યાએ બાઇસિકલોનો ઉપયોગ વધારી શકાય. આથી ઊલટું જાહેર વાહનો – લોકો માટેના – ખૂબ સગવડભર્યાં અને અપ-ટુ-ડેટ રાખવા જોઈએ. સંક્રમણનાં બધાં બારી-બારણાં કેમ બંધ ન હોય, રસ્તો ગમે એટલો વિકટ કેમ ન હોય – આપણને લાગતા સાચના રસ્તે જવા સિવાય બીજો આરો નથી, બીજું કંઈ કરી શકીએ એમ નથી.


[ફેબ્રુઆરી, ૧૯૮૭