ગાતાં ઝરણાં/કર્તા-પરિચય

From Ekatra Wiki
Revision as of 02:35, 12 February 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


સર્જક-પરિચય

દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ, ‘ગની દહીંવાલા’ (૧૭-૮-૧૯૦૮, ૫-૩-૧૯૮૭): કવિ. જન્મ વતન સુરતમાં. અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦થી સુરત જઈ દરજીની દુકાન. સુરતમાં 'સ્વરસંગમ' નામના સંગીતમંડળની સ્થાપના. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રવાસ. સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાત મિત્ર' દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન. ‘ગાતાં ઝરણાં’ (૧૯૫૩), ‘મહેક’ (૧૯૬૧), ‘મધુરપ’ (૧૯૭૧), ‘ગનીમત’ (૧૯૭૧) અને ‘નિરાંત’ (૧૯૮૧) એ એમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહો છે. ‘ભીખારણનું ગીત’ કે ‘ચાલ મજાની આંબાવાડી’ જેવી કેટલીક નોંધપાત્ર ગીતરચનાઓ આ સંગ્રહોમાં છે; પરંતુ કવિની વિશેષ સિદ્ધિ તો ગઝલમાં છે. નવા ગઝલકારોની પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ આ ગઝલોમાં દેખાય છે. પ્રણય-મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ, તેમ જ આધ્યાત્મિકતા કરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગઝલોમાં વિશેષ છે. રદીફ-કાફિયા પરનું પ્રભુત્વ અને છંદની સફાઈ એ આ ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે. ‘જશને શહાદત’ (૧૯૫૭) એ ૧૮૫૭ના બળવા વિશે એમણે હિંદીમાં લખેલી નૃત્યનાટિકા છે. ‘પહેલો માળ’ ૧૯૫૯-૬૦માં ભજવાયેલું, પરંતુ અગ્રંથસ્થ રહેલું એમનું ત્રિઅંકી નાટક છે.

—જયંત ગાડીત
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર