ગાતાં ઝરણાં/કંટકની સુવાસ

From Ekatra Wiki
Revision as of 02:05, 13 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કંટકની સુવાસ



હૃદયને ભૂખ હતી, આંખડીને પ્યાસ હતી,
ખુદાનો પાડ એ સોગાદ તારી પાસે હતી!
સદા એ તેજ-તિમિરની જ આસપાસ હતી,
પૂનમ કદી, તો કદી જિંદગી અમાસ હતી.
ફનાગીરી જ અમરતાનો અંશ ખાસ હતી,
કે આપ લક્ષ્ય હતાં, જિંદગી પ્રવાસ હતી.
સુણી એ વાત, વળ્યો છે ફૂલોને ૫રસેવો,
ચમનમાં પ્રસરી તે કંટક તણી સુવાસ હતી.
એ વર્ષગાંઠ હતી પાનખરની ઉપવનમાં,
વસંત ચાર દિવસ, રેશમી લિબાસ હતી.
રૂપેરી ચાંદનીમાં શ્યામ કેશ લહેરાયા,
પૂનમની રાતમાં ખીલી ઊઠી અમાસ હતી.
દુખી જીવનને હતી ઝંખનાઓ કોઈની,
કે જન્નતો ય જહન્નમની આસપાસ હતી.
અજબ સ્વભાવ હતો નિત્યની નિરાશાનો,
મુસીબતોની પળેપળ, સ્વયં વિલાસ હતી.
ગમીની વાત કરું છું ઘણી ખુશીથી ‘ગની’,
ખુશીની વાત અધર પર બહુ ઉદાસ હતી.

૨૫-૬-૧૯૫૩