– અને ભૌમિતિકા/ઘાસ

From Ekatra Wiki
Revision as of 16:17, 16 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઘાસ

આંખોમાં લીલીછમ ઈર્ષ્યા ઉગાડી દેતું આ ઘાસ
પવનનાં ટેરવાં થઈ સળવળે ચારે કોર.
મારી પાંપણ પર સ્થિર થવા મથતી
માખી જેવી ક્ષણ તો
ઘાસ ઉપર અસવાર થઈને ફેલાઈ જાય અહીંથી દૂ....ર.
ચરણ તો પરિચિત આ ભૂમિથી
જેમાં પગલાંની કૈં રેખાઓ ઉપસેલી એક વાર
કે છૂટાં પડ્યાંનો ભેદ પડ્યો હતો
તમારી ને મારી વચ્ચે અવકાશ થઈને.
એ તો લહેરાય હવે સમતલ મૌન થઈને
મારી આંખોમાં મારી સામે.

મૌનને ઝાકળભીની કીકીઓમાં ભંડારું
ઉપર પાંપણનું ઘાસ પાથરું
કે આંખોમાં વેરાતા લીલા ઘેનમાં
ઊઘડે કોઈ આઘેનું વન.
શકુંતલા ત્યાં ઘાસ નીરતી,
હરણ તો બાળક થઈને ગેલ કરતાં કૂદે,
કૂદતાં કૂદતાં સાવ લગોલગ આવે મારી પાસે
ને અચાનક મારી પાંપણોનું ઘાસ ફરકી જાય...
કે પેલું વન સરકી જાય...જોજન દૂ...ર જોજન દૂ...ર
ને જોઉં તો શકુંતલાની ઓઢણીમાંથી
હમણાં જ ફૂટેલો તાજો તડકો
પીળી ચકલી થઈને ઘાસ ઉપર ઝોલાં ખાય.
હજી ય પડઘાય પેલાં દોડી આવેલાં હરણોનાં પગલાં
મારી આંખોમાં.
કીકીઓમાંથી પગલાં પાછાં શમણાં થઈને
ઘાસ ઉપરથી વહેતાં ચાલે;
પીછાં જેવો આમતેમ આળોટું
ને મારી કીકીઓની સાવ નજીક
કીડીઓના હાથી ઘાસના વનમાં મ્હાલે;
આ ગોકળગાય તો મામાની મોટી ગાય
ધીમે ધીમે ચાલે;
ને આ નાની લીલી ઈયળ
મારા સ્વપ્નલોકની નગરીના રસ્તામાં જાણે
ઘાસની બે પત્તીઓ વચ્ચે પુલ થઈને ઝૂલે;
ને આ લીલો તીતીઘોડો
કોઈ સોનેરી નગરીના રાજકુમારના ઘોડા જેવો
ઘડીક રંગમાં ભળતો
ઘડીક પડતો આખડતો ઊડે બૂડે.

ઘાસનો લય આળોટે મારામાં–
ને હું રોમેરોમ જન્મી શકુંશતવાર :
છાતી ઉપર ધબકતા આકાશને ઓઢી લઉં,
ઝાકળમાં સૂરજને તોલું
ચરતાં અશ્વ અને વન્યપશુના ઉચ્છ્વાસ માણી લઉં

ઑગસ્ટ ૧૯૬૯