ઊંટ
મારા ગામની આડશે નાનેરી
બદામરંગી ટેકરી જેવું બેઠું છે ઊંટ.
સુક્કા કોઈ તળાવની તરડાયેલી માટીમાં
ચોંટેલ ક્યાંક માછલાં દેખાય એની આંખોમાં
ને પ્રતિબિંબાય મારી આંખોનાં ઝાંઝવાં.
બાળકનાં હીબકાં થઈ
એના લમણાં ઉપર દડદડતાં દડદડતાં
થંભી ગયો છે રેતાળ વરસાદ.
વિપરીત બન્યાની કોઈ
માઠી અસરથી લંબાવું હોઠ
એમ એનો લાંબોલચ લબડતો હોઠ.
ડોક–જાણે લંબાઈને વાંકી વળી ગયેલી ઇચ્છાઓ;
ઉપર ઊભા બે મારામાં પ્રશ્નાય ટટ્ટાર કાન;
પીઠના ઢેકા પર સુકાઈ ગયેલ વાળનું ખડ,
સપનાંના તકિયા જેવા પગને તળિયે
ચંપાઈ ગયાં છે
પીઠ ઉપર ભાર વહી જઈ
રાતોરાત ટુંકાવી દીધેલાં લાંબાં લાંબાં રણ.
ધીમે ધીમે ગાંગરે...ને
જાણે સપનામાં
રણની યે પેલી પાર રહ્યા
દાદાના હુક્કાનો આછોતરો સાંભળું અવાજ.
થતું :
એની પીઠ ઉપર ચડી જઈ
રણો વટાવતો વટાવતો નીકળી જાઉં
જોજનના જોજન દૂ...ર.
૧૪-૫-૧૯૭૦