યજ્ઞેશ દવેનાં કાવ્યો/વસ્તુઓ

From Ekatra Wiki
Revision as of 10:03, 18 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વસ્તુઓ

દાદાની લાકડી, ચશ્માં, જૂનું મકાન,
ખુરશી, પલંગ ને પ્રાઇમસ,
રેશમની સાડી, ટેરીનનું શર્ટ, સુક્કાં ફૂલો
ને અત્તરની શીશી :
વસ્તુઓ ધારણ કરે છે આપણને
સાંખ્યયોગના અદ્ભુત તાટસ્થ્યથી.
આપણી લાખલાખ માયા છતાં
વસ્તુઓ અળગી રહે છે સતત
આપણા ભાવથી,
આપણી માયાથી,
આપણી છાયાથી.
વસ્તુઓ ધુમાય છે, ધરબાય છે,
કટાય છે ને કજળે છે –
કોઈ આપણી પહેલાં, કોઈ આપણી પછી
કોઈ આપણી બહાર
તો કોઈ આપણી જાણ બહાર.
આપણી સામે જ કરમાતાં જતાં ફૂલથી ધીમે,
લીમડાની ડાળડાળ ને પત્રપત્ર પર સરકતા જતા
ચન્દ્રથીય ધીમે,
આપણાં માથાંમાંથી ખરતા જતા
વાળથીય ધીમે
સાવ ધીમે-ધીમે
વસ્તુઓ પામે છે કોઈ બાળકના હાથનો મસૃણ સ્પર્શ
કે
કોઈ બરછટ હાથનો રૂક્ષ તિરસ્કાર.
વસ્તુઓ ચહાય છે ઉપેક્ષાય છે આપણાથી.
કોઈ વિશુદ્ધ આત્માના શાશ્વત તત્ત્વની જેમ જ
વસ્તુઓ દેહ દેહાંતરિત
રૂપ રૂપાંતરિત થઈને આવે છે આપણી સમક્ષ.
અને આપણે તો જાણતા નથી
સાવ સીધી સાદી વસ્તુ-પારના
વસ્તુનું સત્ય.

ઉકરડે ઊભરાતી એક પણ વસ્તુ
ક્યારેય જોતી નથી નરકની ખીણ કે દુરાત્માઓનો દેશ.
કશુંક બીજું જ શુભ
તેનાં બારણાં ખોલીને આમંત્રે છે,
પ્રકાશની છૉળછૉળમાં સત્કારે છે, સંસ્કારે છે, સંમાર્જે છે.
આપણી અવશિષ્ટ, ઉચ્છિષ્ટ
આપણી તિરસ્કૃત એકએક વસ્તુ
સડી ગળી
તપી તવાઈ
કટાઈ કોહવાઈને
ફરી પામે છે
કલિંગરનાં પીળાં ફૂલનાં ઝાકળમાં રમતા સૂર્યનું રહસ્ય.
કોઈ ધીરોદત્ત, ક્ષમાશીલ રાજવીની જેમ
સંગ્રહસ્થાનમાં સામસામે હાથ મિલાવતાં
ઊભાં રહે છે રોમન આયુધો ને કાર્થેજિયન શસ્ત્રો
મોગલ શિરત્રાણની હૂંકમાં જ ઢબુરાઈ બેસે છે મરાઠાઓની ઢાલ
ચન્દ્રખનીજની નજીક જ નદીના પાંચીકાની જેમ
રમ્યા કરે છે
કોઈ લુપ્ત સંસ્કૃતિનાં મૃત્તિકાપાત્રો.
કાળકાળના આઘાતોને સહે છે વસ્તુઓ,
– કોઈ પ્રગલ્ભ નારીની જેમ.
ઝાંખું થઈ ગયેલું કિનખાબ પરનું જરીકામ,
લીલા ડાઘાથી શિળિયાટું તામ્રપત્ર,
સૂર્ય, પવન ને કાળે વાંચી-વાંચી ઘસી નાખેલા શિલાલેખો,
થરથરતા ઊભા જીર્ણશીર્ણ સ્થંભો,
પોતાનાં વિવર્ણ અંગોને શોધતી
ખંડિત મૂર્તિઓ;
ધુમાઈ-ધુમાઈને ઊડી ગયેલાં
અક્ષરોવાળી ધૂસર હસ્તપ્રત,
અક્ષુણ્ણ પૃથ્વી પર પહેલીવહેલી
રમવા આવેલી વનસ્પતિઓના અશ્મિઓ,
સુવર્ણ-રૌપ્ય મુદ્રાઓ, ધાતુપાત્રો, ધૂપદાનો,
મૌક્તિક માલાઓ,
હજારો વરસો પહેલાંના ઘઉંના દાણાઓ,
જાણે હમણાં જ
રમતાં રમતાં તૂટી ગયેલાં રમકડાંઓ,
શિલાલેખો, શિલ્પો, નગરનગરના નકશાઓ
પિરામિડ કે પૉમ્પી બની ધરબાય છે ઊંડે
સૂર્યચંદ્રથી દૂર,
નક્ષત્રતેજથી દૂર,
વનસ્પતિના બુભુક્ષુ મૂળથીય દૂર,
પૃથ્વીના ઉષ્ણ ગર્ભમાં
મમી બની તેના કાળનો અસબાબ થઈ રહેવા.
ખન્ ન્ ન્
ઉત્ખનનમાં ફરી જુએ છે સૂર્યનું મોં
ફરી માનપાન પામે છે મ્યુઝિયમમાં.
શેરીઓ, શહેરો ને દુકાનો
રાજમાર્ગો, મહેલો ને ઉદ્યાનો
ફરી ફરી પામે છે
સાવ વળી કોઈ બીજું જ નામ,
ઓળખાય છે વળી કોઈ બીજા જ મહાનુભાવના નામથી.
અમારી એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ પર રાતોરાત જ ચીપકી ગયેલું
નવું નામ
‘મહાત્મા ગાંધી હાઈસ્કૂલ’
પણ એક વાર મેં જોયું છે કે
એક બાળક રમે છે પીળી લખોટીઓથી,
સહજ પ્રેમપૂર્વક.
ક્યોટોની એક સન્નારી
વાંસની ફૂલદાની હાથમાં લઈને સહેજ ઝૂકી છે
જાણે તેની કૂખનું જ બાળક
એક શિલ્પી સ્પર્શે છે ગ્રેનાઇટના કાળમીંઢ પથ્થરને હળવેકથી
રખે તેનાં ટેરવાંનોય ઘસરકો પડી જાય.
શાકવાળો ફેરિયો
દૂધીની લીલી છાલને સ્પર્શે છે,
પ્રિયાની સુંવાળી જંઘા પર હાથ પસવારતા યક્ષની જેમ.
પેલી વૃદ્ધા
છીંકણીની ડાબલીને એક બાળકની જેમ જાળવીને મૂકી દે છે
તેના જર્જરિત ખિસ્સાના હૂંફાળા અંધકારમાં
વૈદૂર્યમણિના મમત્વથી.
પેલો મૂછાળો ચાઉસ
તેની બેનાળીને સાફ કરે છે કશુંક ગણગણતો-ગણગણતો
એક સલૂકાઈભરી માવજતથી.

પણ
આ પૃથ્વી પર વસ્તુઓ
આવું બહુ બધું પામતી નથી વારંવાર.
કોઈ હાથનો પ્રેમપૂર્વક સંસ્પર્શ,
રૂપસિદ્ધ વળાંક, હેત, હૂંફ,
પોતાના શ્વાસ જેવો જ અંગત અનુબંધ પામેલી વસ્તુઓ
એક હાથથી બીજે હાથ
ને બીજે હાથથી બાવીસ હજાર હાથે
કોઈ હબસી ગુલામથીય વધુ પાશવી રીતે
વેચાતી ફરે છે

કોઈ બાર વરસની બાળા પરના બળાત્કારથીય વધુ ક્રૂરતાથી
ઉપભોગાય છે,
અભડાય છે,
અબોટાય છે,
ને ઓછાય છે આપણાથી.

વસ્તુઓ જાણતી નથી કે
વસ્તુઓથી જ વિરોધાય છે વસ્તુઓ
ને વસ્તુઓથી જ અંકાય છે અવસ્તુતાનાં મૂલ.
વ્હાઇટ હાઉસ ક્યારેય હાંસી નથી ઉડાવતું
મારા આ પડુંપડું થતા ઘરની ને
આ ઇલેક્ટ્રૉનિક ટાઈમ વૉચ
ક્યારેય આગળ નીકળી જવા નથી માગતી
મારા દાદાના ગારલીંપ્યા ઓરડાની જૂની ડંકા ઘડિયાળથી.
ગુલાબ, પુસ્તક કે રૂમાલ
સંવહે છે આપણા પ્રેમને,
બને છે આપણી ઉષ્માનું આકાશ,
અને કદીક ક્યારેક તો
આપણાં પ્રિયજનોથીય વિશેષ
આપણે સચવાઈ રહીએ છીએ
વસ્તુઓના હૃદયમાં.

આપણા મરણોત્તર
વસ્તુઓ જાળવી રાખે છે આપણો સંબંધ,
સાચવી રાખે છે આપણી હૂંફ,
આપણા સ્પર્શની આપણા પ્રેમની.
તોપનું નાળચું બનાવવા માટે
ભઠ્ઠીમાં ભરખાઈ ગયેલી રમ્ય તામ્રમૂર્તિઓ,
ઇન્કાના પ્રાચીન ખંડેરોથી હિરોશીમાના ભગ્નાવશેષ
કોઈ પાગલના પ્રહારથી પાએટાની મૂર્તિના
હૃદય સુધી ઊંડી ઊતરેલી તિરાડો,
અજંતામાં શામળી રાજકુંવરીના ભીંતચિત્ર પર
કોઈના ઘાતકી ઉઝરડાથી ટશિયે-ટશિયે ઊભરાઈ આવેલ ચહેરો
હજાર હાથનો મેલ ખાધેલી
આપણા હાથના મેલ સમી રૂપિયાની નોટ,
ટેબલ પર આપણા ખૂની હાથોની સ્પષ્ટ છાપ,
હવામાં લટકતા રાંઢવાની ગૂંગળાવતી ગાંઠ,
આપણી પાશવી કામનાની સાક્ષી બનેલ
ચોળાયેલી ચાદર, ચૂંથાયેલું ઓશીકું :
વસ્તુઓ તો રહે છે
તટસ્થ, મૂક–
આપણા આતંકની,
આપણા અમાનુષી તાંડવની,
આપણી નિર્લજ્જતાની સાક્ષી બનીને.
ચન્દ્ર, મંગળ કે
કોઈ અક્ષુણ્ણ ગ્રહભૂમિ પર એ વસ્તુઓ જ
શ્વસે છે પૃથ્વીના પ્રાણમાં.
વસ્તુઓ જ હોય છે પૃથ્વીમંત્રથી દીક્ષિત.
દિક્કાળને ઉલ્લંઘીને દિગ્દિગંતમાં
એ વસ્તુઓ જ
ફેલાવે છે પૃથ્વીધર્મ.
તોય
વસ્તુઓના આ જગતમાં
વસ્તુઓ જ છે ચૂપ,
ઉપેક્ષિત.
‘વસ્તુમાત્ર વ્યયધર્મી છે
વસ્તુમાત્ર ક્ષયધર્મી છે.’
એ બુદ્ધમંત્ર જાણવા છતાંય
વસ્તુઓ અતિક્રમે છે વસ્તુત્વને,
વસ્તુઓ ઉલ્લંઘે છે આપણને,
આપણી સીમાને
આપણા મરણને,
અને
વસ્તુઓ જ રહે છે
તેમની હસ્તિમાં સ્થિત,
તેમના કાર્યમાં રત.