ઇતરા/હું ડૂબું છું

From Ekatra Wiki
Revision as of 04:48, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું ડૂબું છું| સુરેશ જોષી}} <poem> હું ડૂબું છું ઉન્નિદ્ર નયનો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હું ડૂબું છું

સુરેશ જોષી

હું ડૂબું છું
ઉન્નિદ્ર નયનોની સ્નેહહીન શુષ્ક ઉષરતાના પાતાળમાં,
નિ:શ્વાસથી ધસી પડેલી શબ્દોની ભેખડોના ભંગારમાં;
ખરી જતાં ગુલાબોની પાંખડીઓમાંથી રઝળી પડેલા અનાથ અવકાશમાં,
ફળના ગર્ભમાં રહેલા કીટની નિ:સંગ બુભુક્ષાના અન્ધ કળણમાં;
ઘુવડે નસ્તર મૂકીને ફોડેલા રાત્રિના પુષ્ટ વ્રણના ઉષ્ણ દ્રવમાં;
હજાર ગરુડોની પ્રસારેલી પાંખોનાં ઊછળતાં મોજાંમાં
ક્ષિતિજના વલયની અશ્રુભંગુર ખંડિતતામાં,
આપણા ગૂંથાયેલા હાથ વચ્ચેથી ઘૂઘવતી નિર્જનતામાં,
મારા જ બે દૃષ્ટિક્ષેપ, વચ્ચેની અગાધ અપરિચિતતામાં;
વિસ્મૃતિના હળાહળને તળિયે ફુગાઈ ઊઠીને
હું તરી નીકળું છું.

જૂન: 1962