ઇતરા/કદાચ હું કાલે નહીં હોઉં
Revision as of 04:57, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કદાચ હું કાલે નહીં હોઉં| સુરેશ જોષી}} <poem> કદાચ હું કાલે નહીં...")
કદાચ હું કાલે નહીં હોઉં
સુરેશ જોષી
કદાચ હું કાલે નહીં હોઉં
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાએલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે;
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;
કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;
કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રકટાવવી બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં.
ઓગસ્ટ: 1962