ઇતરા/કોઈ ઘૂંટે છે ગરલ
Revision as of 04:58, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોઈ ઘૂંટે છે ગરલ| સુરેશ જોષી}} <poem> કોઈ ઘૂંટે છે ગરલ ચન્દ્રના...")
કોઈ ઘૂંટે છે ગરલ
સુરેશ જોષી
કોઈ ઘૂંટે છે ગરલ
ચન્દ્રના ખરલમાં.
લીલ બાઝેલી તળાવડી જેવી આંખોમાં
ઝમે છે લીલુંછમ ઝેર;
કટાક્ષની અણીએ વિષ કાઢે છે તીક્ષ્ણ ધાર;
આંગળીને ટેરવે ટેરવે ટપકે છે દાહક રસ;
અન્ધકારનાં સૂજેલાં પોપચાંની ભીતર વિષનો ધબકાર;
સૂર્યનો ઊકળતો વિષચરુ
પુષ્પોના મધુકોષમાં
શબ્દ અને મૌનના ભીંસાઈ ગયેલા શૂન્યમાં,
ટીપે ટીપે
ક્ષણોના ભંગુર પાત્રમાં
સ્રવે છે
વિષરસ.
હવાની લપકતી જીભ ચાટે છે વિષ,
જળના ગર્ભમાં વિષની પુષ્ટતા,
મોતીના મર્મમાં વિષની કાન્તિ,
કાળના મ્હૌઅરમાં વિષનો ફુત્કાર.
વિષથી તસતસ આપણે ફાટું ફાટું થતા બે બુદ્બુદ્.
કોઈ ઘૂંટે છે ગરલ
ચન્દ્રના ખરલમાં.
એપ્રિલ: 1963