ઇતરા/આ આપણા પ્રેમની વદાયનું મુહૂર્ત

From Ekatra Wiki
Revision as of 05:04, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આ આપણા પ્રેમની વદાયનું મુહૂર્ત| સુરેશ જોષી}} <poem> આ આપણા પ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આ આપણા પ્રેમની વદાયનું મુહૂર્ત

સુરેશ જોષી

આ આપણા પ્રેમની વદાયનું મુહૂર્ત.
જેને સાથે આવકાર્યો
તેનાથી છૂટાં પડતાં આપણે ય છૂટાં પડીશું?
ના.
પ્રેમ આપણાથી જશે દૂર દૂ…ર,
આપણે તો રહીશું એકબીજાની અડોઅડ
આપણી સાથે રહેશે એનું પ્રેત
અનિકેત.
આલંગિનનું પૂર્ણ વર્તુળ હવે ખણ્ડિત,
કાળ ઘૂઘવતો વહી જશે શિથિલ બન્ધવાળી
આંગળીઓનાં છિદ્રોમાંથી;
આંસુને ઝૂલે હિંચ્યા કરશે
કેવળ એનું પ્રેત.
શબ્દો તો બોલીશું
પણ તે મૌનનું પાતાળ પૂરવાને,
એકબીજાને સ્પર્શીશું
પ્રત્યેક સ્પર્શથી સ્પર્શની સ્મૃતિને ભૂંસી નાખવાને,
આંખમાં આંખ પરોવીશું,
દૃષ્ટિનો દૃષ્ટિથી છેદ ઉડાડી દેવાને,
સાથે મળીને કાળમત્સ્યના ઉદરમાં
પધરાવી દઈશું અભિજ્ઞાનની મુદ્રા.
કાળનાં બે પડ હવે જુદાં –
કયું તારું કયું મારું એનો કલહ હવે નહીં,
હૃદયના બે ધબકાર હવે જુદા –
કયો જીવનનો કયો મરણનો એની હવે પૃચ્છા નહીં.
ચરણોની દિશા એક
સ્મરણોની દિશા અનેક.
આ મુહૂર્ત પ્રેમની વદાયનું મુહૂર્ત
દિશાઓને કંઠે ડૂમો
હવાની આંખમાં ઝળઝળિયાં
સૂરજની સળગતી ચિતા
ચન્દ્રની ઊડતી રાખ
આ મુહૂર્ત પ્રેમની વદાયનું
પ્રત્યાખ્યાનનું મુહૂર્ત.

એપ્રિલ: 1963