સંજુ વાળાનાં કાવ્યો/ખનન

From Ekatra Wiki
Revision as of 01:03, 22 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ખનન

પ્રશ્નો
અથડાય આડેધડ
ક્યારેક ગોફણમાંથી છટકી
વીંઝાય
તે પડે છેક સમુદ્રધુનિઓ ભેદતા,
કરાલ ભેખડો ભાંગી,
આવી ચડે છીછરાં જળમાં,
માઈક્રોબ્સમાં ઊછરે;

ક્યારેક વ્હાલછોયા થઈ આળોટી પડે પગમાં
ઘૂમરાય ભમરડા થઈ
ઘેઘૂર સાદે રાગડા તાણી રજૂ થાય
ચાટે, ચપ્ ચપ્ લબકારા લેતા
સૂંઘે
સજાતીય સાથે હાથ મેળવી હરખાય, અને
વિજાતીયથી આકર્ષાઈને એકમાંથી થાય અનેક
બેવડાય, બદલાય, ધારણા મુજબના રંગ ધારણ કરે
તાણો તો તણાય
લાંબાલચ્ચ થઈ પહોળા પટે પડ્યા રહે
દાબો તો દબાતી સ્પ્રિંગ
પ્રશ્નો- પથ્થર, પ્રાણી, ભીડ, નટબજાણીઆ, કાચની આંખો
જે હોય પણ ભાળે નહીં કાંઈ
કાચંડા
પ્રશ્નો–
Not to be loose shunted
જોયાં કરવાની હારમાળાંઓ...
લાંબી અકળામણો
કીકીઓને છારી બાઝે
હાથ ખરડાય,
ગોઠણ-ઘૂંટીઓ વચ્ચે વિસ્તરે કળતર
આગ આગ પ્રસરે આદેશ આપતી આંટીઘૂંટીઓમાં
તારણો
નિષ્કર્ષો પછી
ઊઠે અસ્ત્ર
બોરના ઠળિયામાં છુપાઈ રહેલું
ખણી કાઢવા, થાય બ્રહ્માસ્ત્ર કે અગ્ન્યસ્ત્ર
છૂટે તેવો
પ્રહાર
ને માત્ર છરકો પડે ટચલી આંગળી પર
થડકો, ઊંહકાર
કોઈ સાંભળે ન સાંભળે ત્યાં તો
પ્રગટે ઊગતા સૂરજનો પણ
વહે અટકી અટકીને
પ્રસરે
ભીની આંખે લાલ લિસોટા વળગે
રાખ ઉડાડતા પંખી થઈ
રક્તકણો ફોડી, ફેદી
હુહુકારા
ખિખિયાટા કરતી, ઘેરી વળે
બોંતેર પેઢીઓ
નાગ, વૃષભ, વરાહ આવે
આવે મચ્છ, કચ્છપ ને કલ્કિ
લાઈનો લાગે
અચરજને આંબવાનાં હવાતિયાં
ડ્હોળાય
જુએ મૂંગામંતર બની
ધીમે ધીમે ઘટતું
ખૂટે
ધક્કે ચડે, અથડાય
સ્પર્શે, ચાખે, ચાવે, ઉતરડે
ચામડીનાં પડળ ચૂંથે
છેક તળમાંથી બોર્નમેરોના મુઠ્ઠા ભરાય
રંગબેરંગી દ્રાવણોમાં ભેળવાય, ઝબોળાય
નિરીક્ષણો નોંધાય
કણકણ તપાસાય
તોળાય...

બધાં ક્રિયાપદો ખૂટે પછી
અકર્મણ્યભાવથી ભોળવાઈને તાકી રહે,
’ને શરૂ થાય
શબ્દવિહીન માત્ર ઘુરકિયાં...

એકબીજા સાથે ઝઘડતા હે મારા પૂર્વજો
તમારી તીક્ષ્ણ વિલક્ષણતાઓ
શતરંજની ચાલની રીતે અજમાવતાં
પરિણામ તો મળશે
પણ ફંટાઈ જશો અણધાર્યા જ.
પછી
પેઢી દરપેઢી
શતરંજો ગોઠવાશે
ચાલો ચલાશે
નિર્ણયો
ગૂંચવણો
તાત્પર્યોની તીણી પિપૂડીઓ
ગજવશે ઐરાવતોનાં કુંભસ્થળો
મદઝરતાં વ્હેણો વહેશે
તણાશે
તરશે ટીપું થયેલો સૂરજ.

જાતિ-પ્રજાતિ, સરિસૃપ અને સ્તનધારી
જળચર-ખેચર-ભૂચર વિશે,
બોલતાં-બબડતાં-વિચારતાં વિશે વિગતો મેળવાશે
હિમોગ્લૉબિનના આંક
અને શુગરના ટકા નોંધાશે
ગૌત્ર અને ગૃપ નક્કી થશે
પરંતુ
અધ્ધરતાલ લટકતા જ રહેશે
પ્રશ્નો
ખીંટીએ ભેરવાઈને જુગપુરાણા ઘરની ભીંતે
તોરણોમાં, આવતાં-જતાં અથડાતા, માથું ફોડતા
ટોડલીઆં-ભીંતેલીઆંમાં ઝગારા મારતા
ઝીણું ઝબૂકતા
ચાકળાઓમાં વર્ષો જૂના.
પ્રશ્નો - ભોંકાતા,
ભસતા, ધાવણ ધાવતા, ગૂંચવાયેલા, ગતકડાં
પ્રશ્નો - સલામછાપ,
બેડરૂમના,
અંગતતા ઓઢી ગોઠણ ઘસડતા,
મુખવટો પહેરેલ સ્મિતસભર બેઠકખંડના
ફેરફુદરડી ફરતા ફળિયાના,
ચર્ચાની તાણખેંચે ચડેલ
શ્વાન-શિયાળની લડાઈમાં, છેવટે
શેરી બાજુ ઢસડાતા,
વંઠેલ,
ગામને મોઢે ગળણું બાંધતા, ચૌટાના
ચર્ચાતા, ચૂંથાતા
સમરાંગણ સર્જતા
અગણિત
અણઉકેલ
હારમાળાંઓ...

આવવું છે તારણ પર?
ચાલો, થોડી ચાવીઓ આપું.
આ આંખો જુઓ,
તેમાં ઊંડા ઊતરો
તપાસો
પૂર્ણ થતાં પહેલાં કોઈ હલકટ મનોવૃત્તિથી
ખૂલી ગયેલા વ્યૂહની
તૂટી પડેલ દૃશ્યાવલિઓમાં સ્થિર
યુદ્ધમુદ્રાઓ,
કીકીઓ પર ઝાંખા ધુમાડિયા રંગના ફરફરતા પરદા
માનું છું વહેલી સવારે જોએલું ધુમ્મસ છે, અથવા
વાતાવરણમાં ઓગળેલ કાર્બનડાયોક્સાઈડ.
આગળ વધો.
ઘ્રાણેન્દ્રિયમાં પ્રસરેલ ગંધનાં પડળ ખોલો.
સાચાં છો તમે
આ એ જ અપ્સરાઓ અને યક્ષિણીઓની
કર્ણબૂટો, બાજુબંધો અને વૈજયન્તીમાળાઓમાં સ્થિત
કલ્પલત્તાઓનો પમરાટ, અને
દાવાનળોમાં સળગેલાં આલાલીલાં વૃક્ષોના ઝરતા રસની
ગંધ,
છેલ્લા અણુધડાકા વખતે ફેલાએલી
બળેલા દારૂગોળાની અને આ માટીની

જીભમાંથી એકાદ ટુકડો લો,
આ સ્વાદ,
જેમાં ભળ્યો અશ્વપાલના હાથનો ગરમાવો
વૃત્તિનો થોડો કડવો,
સ્વાદેન્દ્રિયને મૃત કરતો
કારખાનામાંથી વહી આવતાં લાલપાણીનો
એસિડિક,
ન ઓળખાયેલો પણ નોંધો.
આમ જ બધી ઇન્દ્રિયો, ગ્રંથિઓ
અરે! વાત્-પિત્ત-કફ સુધીનું તપાસો
પરંતુ આમ,
યાદીઓ આપવાથી કશું ક્યાં નક્કી થાય છે?

પામવું જ હોય કેન્દ્ર, તો
ભેદવા પડશે પરિઘ,
સંમત.
ક્યારેક વિકલ્પના બધા દરવાજા બંધ થાય
ત્યારે, સંકટસમયની બારી જેમ બચે છે.
માત્ર હકાર
એવી જ કોઈક પળે
તેં આપ્યો નવો વળાંક
પરિઘબદ્ધતાની આસપાસ ઘૂમરાતી મારી શાશ્વતીને.
હવે આવીશ સમ્મુખ
અકાળે ખરી પડેલ કોઈ ઉલ્કાને મુઠ્ઠીમાં લઈ
રહસ્યલિપિ ઉકેલવા,
નિહારિકાઓને વાળશું મરજી મુજબના પ્રદેશોમાં
રાશિઓ, નક્ષત્રો રમશે
રમમાણ થશે ભાખમાં
નવજાત આકાશ,
સૂર્ય, ચંદ્ર, તારા અને ગ્રહો
આપણા તાલે નાચશે, ઠેક લઈ લઈ તાતાધિન
ધિનતા ધિનતા ઓદિરધિન્ના ધિન્ ધિન્ ધિન્
સદીઓ, સહસ્રાબ્દીઓ પાછા હટી
નિહાળશું નરવી આંખે
લુપ્ત નદીઓ,
પીગળેલા પહાડો
ઊધઈ ખવાયેલ બારી–
બારણાઓમાં આવી ચડેલાં જંગલો
ફેકટરીઓમાં દળાતા,
દાળ-શાકને સ્વાદિષ્ટ કરતા સમુદ્રો
લીસ્સાલપ્પટ થયેલા
જૈ શિવશંકરના શોરબકોરથી ત્રાસી ગયેલા પથ્થરો
દટાઈ-દબાઈ ભોં ભીતર થયેલાં
અવશેષરૂપ,
કાચી ઈંટમાટીનાં
અસ્તિનાં ઓવારે ઊભેલાં, નકશાવિહીન
ઇમારતો - મહેલો - અટ્ટાલિકાઓ અને બૂરજોમાં સ્થિત
કસબા અને નગરીઓ
કાળજીપૂર્વકનાં કોતરકામ, ચિતરામણો, શિલ્પો
અધતૂટેલાં, અધબળેલાં, આકારબદ્ધ
નિરાકારી, નામી-અનામીને
આપશું આંકડાઓની પરિભાષા, ઉકેલશું
પ્રથમ દૃષ્ટિથી ઊઠતા ભાવની ભાષા, ઘડશું
નવા અર્થ
નિષ્કરણો તા૨વશું
તો પણ,
કશું નક્કી તો થાય જ નહીં...

ઊંડે ઊતરવું પડશે
શાંત જ્વાળામુખીઓ ભેદી
અશ્મિઓ ખોળી-ફંફોળી લઈ જવાં પડશે.
રેડિયોએક્ટીવ કાર્બન-૧૪ તળે લૅબૉરેટરીઝમાં
કોષો, કરચલીઓ ઝીણવટથી ઉકેલી
લૂણો લાગેલ કંકાલો, કટકીઓ, કરચો જોડી,
સાંધેસાંધા મેળવી સારવવાનો સમય, અને
તારવવાના એક એક ખંડ, સમયાન્તરો.
ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ-ને અભ્યાસવાના
રંગસૂત્રો, હિરેડિટરિ હૉર્મોન્સ એકઠા કરી
તપાસી, તાવી શોધાય મૂળ
ઓળખાય આદિપુરુષ
હૉમોઈરેક્ટ્સ કે હૉમોસેપિયનના
ગોટાળે ચડાવતી ગડમથલો ઉકેલાય
પછીથી હૉમિનોઈડ તરીકે સ્થાપી
ગોઠવી દઈશું અદ્યતન મૉડેલમાં
એના મુખમાંથી પ્રગટતો અગ્નિ
અને નાભિસ્થાનેથી પ્રસ્ફૂટતાં તેજવલયો
આકારશું આબેહૂબ

સલામતી અને સુખસુવિધાઓની ચીવટ
મૂળભૂત જરૂરિયાતો, મનોરંજનની ઉચ્ચ સગવડો
એકાન્ત તેમજ ઉપસ્થિતિઓની ઝીણી ઝીણી જવાબદારી
બરાબર જાળવશું,
ચોવીસ કલાકના સહવાસ માટે
ફિલ્મ પોસ્ટરોમાંની અધખુલ્લી છબીઓ લટકશે આસપાસ
વારે-તહેવારે
પૉપ અને જૅઝ મ્યુઝિક ચેનલ્સની વ્યવસ્થા
ઝળાંહળાં નિઓન-સોડિઅમનાં છત્રોય આપશું
પીતામ્બર અને જરકશી જામા
હીરભરત પાઘડી અને રાઠોડી મોજડીમાં
ઓપશે અફલાતૂન, અદ્દલ
અબીલ-ગુલાલ અને અગરુ-ચંદનના અભિષેક રોજેરોજ
અને રોજેરોજ તપાસ,
તાવણી
વંશીય અને નૃવંશીય બાબતોનાં
થોથાંઓ ઉપરની ધૂળ ખંખેરી
અભિગમો અને આવિર્ભાવોના તાળા મેળવાશે;
તો કદીક,
બૂટ-શૂટ ટાઈથી સજ્જ જેન્ટલ્મૅન સ્ટાઈલ
મોગરો, હિના કે જૂઈ-ચમેલીનાં
અત્તરનાં પૂમડાંથી મહેક મહેક થતા કાન, વાળમાં તેલ-ફુલેલ
અથવા
હાફ્ફૅડ કૉટજિન્સ અને સ્ટૉનવૉશ શર્ટ-ટિશર્ટમાં
ચાર્લિ-ઈન્ટીમેટના આછા સ્પ્રેથી મઘમઘતો
ઉડઉડ થતા વાળ,
સ્પૉટ્ર્સશૂઝથી સજાવી-ધજાવી
સેપરેટ કે સંલગ્ન ફોટોફોલિઓમાંથી બહાર કાઢી
ઝબોળશું જુદાં જુદાં રસાયણોમાં
પછી નિરાંતવી પ્રોસેસ
એક્સ-રે અને સોનોગ્રાફી સુધીના નુસખાઓ
વાઢકાપ અને લેસર ટ્રીટ્મૅન્ટ
આયુર્વેદથી હોમિઑપથિ સુધી ફરી વળી
છેવટે
પાથરશું માતાનો પટ્ટ
દાણા જોવડાવશું, અરણી ગવડાવશું
સૌથી છેલ્લે મરેલાની રાખ ઢગલીમાંથી
ભસ્મ મેળવી, જમણા બાવડે બાંધશું પોટલી
લીલ પરણાવશું
સ્થાપશું શિકોતર, શૂરાપુરા કે સુરધન તરીકે
જરૂર પડ્યે જાતર આદરશું
કોઈ વાના બાકી નહીં રાખવાના
તે છતાંય તું
હા, તું
ક્યાં કશું નક્કી થવા દે છે.
તલભાર તું
અફીણની કાંકરી
તોળાય રાઈ-મીઠાના તોલે
ઘૂંટાય વંશપરંપરાગત વપરાતા
દાદા પરદાદાએ સાચવેલ લાકડાના ખરલમાં
પછીથી
સાતે કોઠે થતા દીવાનું અજવાળું તું
તું વિવસ્વાન
તું આદિત્ય, મિત્ર
પૂષા તું
સાવરકુંડલાની સંઘેડિયા બજારમાં
સાગ-સીસમ-સંખેડાનું છોડિયું તું
ભટકે
છોલાય, છેદાય, પરોવાય
ઘડાય ઘાટેઘાટે
રેષારેષામાંં રંગના લપેડા મરી
વેપારી સંઘેડિયા
ગોઠવી દે તને રમકડાંમાં
ઊંટ, હાથી અને ઢીંગલાઢીગલીનાં પારણામાં તું
અને તું જ આનંદક્રીડા કરે,
મ્હાલે.
આના-બેઆના-ના ભાવફેરે
પહોંચે મહાનગરોની ભીડમાં,
ત્યારે
પારખુ, ચાલબાજ નજરો શોધી કાઢે મૂળ
‘આના તે હોતા હશે આટલા’
કહી, કાઢી નાખે ‘ઘી’માંથી માખી-ની સિફતથી.
તનેય વયના સળ પડે
સર્વજ્ઞ, અમર્ત્ય કાળનો પામે પરચો
પંપાળે તારી જ મૃદુ આંગળીઓથી, પોપડીઓમાં બેઠેલ,
પ્રસરવું જ જેની નિયતિ છે તેવા કાળને
પણ
કાળી બકરી ધોળી ગાય
કે
ધોળી બકરી કાળી ગાય–ની
ભાંજગડમાં પડવાં કરતાં તો
કોઈ ચૂલાનું લાકડું થવાં
તત્પર થાય, ત્યારે મળે તારો ઉદ્ધારક
સવાયાં કે બમણાં આપીને લઈ જાય
પાંચ-પચ્ચીસને બતાવે
પછી ગોઠવી દે
ઍરકન્ડીશન્ડ ઓરડાનાં મહામૂલાં સૉ-કેઈસમાં
ને ત્યાં જ અટકી પડે બધી તપાસો અને તારવણીઓ.
ત્યારે,
આ કરતાં દીવાદાંડી થયા હોત તો સારું હતું
કોઈ ખરાબે ચડેલ વહાણને
કાંઠો તો બતાવી શકત
એવું બબડતા સાંભળ્યો છે તને,

કોઈક રૂપકડી શહેરી લલનાને
જરાક અમસ્તો સ્પર્શ કરવા, લટ્ટુ થતો
અસંખ્ય યોનિઓના ફેરા ફરતો
સાવ નિઃસહાય જોયો છે તને,
પાઈનની ટોચ ઉપર લટકતો
સુકાઈને લાકડું થયેલો ગર્ભ
અને કોઈપણ સ્વાદ વગરના મીંજમાં
ચાખ્યો છે તને.

સૂંઘ્યો છે,
સહજમૃત્યુ, આત્મહત્યા કે ખૂનની તપાસમાં
ઘોરમાંથી બહાર કઢાતો
કોહવાયેલો.

કેટકેટલાં રૂપે
તારા પ્રકટીકરણ અને સમાપ્તિઓ, સાથે
હરવખત રાખ્યું છે અનુસંધાન
સિક્કાની બીજીબાજુએ રહીને.

વળી,
ક્યારેક ધાતુરૂપ,
ક્યારેક ભૂર્જપત્રના કાણા–
કૂબડા કોતરાયેલ અક્ષરમાં
પૂર્ણરૂપ વિરાજમાન વામનવિરાટ તું.
જેની પ્રતિષ્ઠા માટે
ભણવા પડતા નથી મંત્રો
કે, આપવી પડતી નથી આહુતિઓ,
કે, ચડાવવા પડતા નથી બલિ,
એવાં સ્વરૂપે
વ્યથા-વ્યાધિની અસરરહિત
સંજવારી વાળતો,
શ્વાસોચ્છ્વાસ ચલાવતા જાણ્યો, પ્રમાણ્યો.
શોધાયો તો
સદીઓના કાટમાળ તળેથી
દટાયેલા ખંડેરોમાં
માટી સાથે માટી થયેલો
ધૂળમાંથી પ્રગટ્યો ધૂળધોયો.
તો કદીક
સ્પેશ-શટલમાંથી શહેરના છેવાડે
ઊતરે અનુઆધુનિક કહ્યાગરો.
રોજબરોજના વ્યવહારમાં
ખભેખભો મેળવી ચાલે
લથડતાને ટેકો દે, અણદીઠ
ને એ જ પાછો ફંગોળે
એક ફૂંકે સાતમાં આસમાને
બનાવી દે ધૂમકેતુ
ઉડાડે ક્ષણેકમાં છેક સૌરમંડળીમાં
ને બીજી ક્ષણે
પછાડે આ ધરાતલ પર પાછા.

પછીથી,
આરંભાય નવેસરથી, નવી રીતભાતે
ફરી ફરી આ પૃથ્વીગાથા.

તેથી તો –
હે આદિમ ચાહું છું તને,
ટચલી આંગળીએ પડેલા છરકાની
આસપાસ વીંટળાતા આખાય
ચેતનાતંત્રની
ત્વરાથી.