ઇતરા/ઓ રે ભાઈ કવિ
Revision as of 05:11, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઓ રે ભાઈ કવિ| સુરેશ જોષી}} <poem> ઓ રે ભાઈ કવિ, જાણું છું કે નથી ઠ...")
ઓ રે ભાઈ કવિ
સુરેશ જોષી
ઓ રે ભાઈ કવિ,
જાણું છું કે નથી ઠેકાણે તારો મિજાજ,
પણ મારી એક બે વાત તો સાંભળ:
સૂરજની બખોલમાં બાંધેલો ઘુવડનો માળો
ભલે હવે વીંખી નાખ
ને એની ઓથે સંતાડેલી કૃષ્ણની વાંસળી
કોઈક ભાવિક કવિજન માગતું હોય તો આપી દે.
પેલી ગરોળી પાછી માગે છે એની તૂટેલી પૂંછડી
એનો ઉપયોગ પૂરો થયો હોય તો પાછી વાળ
વડીલ કવિની શ્રદ્ધાની ધોળી બકરી
હલાલ કરવી છોડી દે
ચન્દ્રનો કાટ ખાઈ ગયેલો સિક્કો
ખિસ્સામાં શા લોભથી સંતાડી રાખ્યો છે?
ફગાવી દે એને આકાશમાં
ને ઈશ્વરના ખોળિયાને શા માટે રાખી મૂક્યું છે ઇસ્ત્રીબંધ
તારા વોર્ડરોબમાં?
એ બિચારો થથરતો ઊભો છે બહાર
હવે સૂર્યગ્રહણ થાય ત્યારે
એનું જ કરી દે ને એને દાન
ઓ રે ભાઈ કવિ,
આટલું જો તું કરે
મારે ખાતર જરાક હસે તો –
માગ માગ જે માગે તે આપું
અરે, આપી દઉં સાવ તાજાં બસો-અઢીસો હાઇકુ!
મે: 1968