જયદેવ શુક્લની કવિતા/બિલાડી, બચ્ચું, લખોટી અને તું
Jump to navigation
Jump to search
બિલાડી, બચ્ચું, લખોટી અને તું
બિલાડી.
કાળા પટા ને ધોળાં ટપકાંવાળો નાનકો વાઘ!
બચ્ચું.
ધોળું, જાણે રૂનું રમકડું,
ઊછળે દડાની જેમ.
લખોટી.
કાળી, પાણીદાર,
સરે રેલાની જેમ.
સરકતા રેલા પર
ઊછળતો દડો તરાપ મારે,
નાનકો વાઘ
ચોકી કરે.
બચ્ચું
લખોટી પકડી છોડી દે છે તરત.
‘પપ્પા, આટલા નાના બચ્ચાને
નખ મારવાનું કેવી રીતે આવડી જતું હશે?’
‘તને લોહી તો નથી નીકળ્યું ને?’
પૂછતાં ખૂલી જાય છે આંખો.
ત્રાટકે છે કાળો વાઘ.