પ્રત્યંચા/સૂર્યા
Revision as of 06:27, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સૂર્યા| સુરેશ જોષી}} <poem> ઘુવડની આંખોમાં ઘુંટાઈને અન્ધકારન...")
સૂર્યા
સુરેશ જોષી
ઘુવડની આંખોમાં ઘુંટાઈને
અન્ધકારનું ટપકું બનેલા સૂર્યનું
લાવ તને કાજળ આંજું;
મધ્યાહ્ને પોતાનો પડછાયો શોધતા
એકાકી સૂર્યની આંખમાં ઝમેલા બળબળતા મોતીની
લાવ તને નથ પહેરાવું;
આદિકાળના જળની નગ્નતાના સ્પર્શે
સૂર્યને થયેલા રોમાંચનું
લાવ તને પાનેતર પહેરાવું;
અન્ધકારના ઉદરમાં નહિ જન્મેલા
લાખ્ખો સૂર્યના અધીરા સિત્કારનાં
લાવ તને ઝાંઝર પહેરાવું;
સાંજ વેળાએ સૂર્યનો પરપોટો ફૂટી જતાં
મુક્ત થતી રક્ત શૂન્યતામાં
લાવ તને ઢબૂરી દઉં.