મનીષા જોષીની કવિતા/દાણા
દાણા
સિબિલી[2]ઓ ટોળે વળી બેઠી છે.
થોડુંક ધીમેથી, થોડુંક ઊંચા અવાજે
કંઈક બોલી રહી છે.
એમની મુઠ્ઠીમાં દાણા છે.
ખૂબ ઊંચે ઉછાળી પંખીઓ પાસે ફેંકે છે.
પંખીઓ દૂર દૂર વેરાયેલા દાણાઓ
ચાંચમાં ભરી લેવા દોડે છે
સિબિલીઓ હવે આંધળોપાટો રમી રહી છે.
અને પંખીઓ જઈ પહોંચ્યાં છે, એમનાં ઘરોમાં,
ઢાંકેલી રસોઈ ખાવા.
થાકેલી સિબિલીઓ ઘેર પાછી ફરે છે.
અધખુલ્લાં વાસણો જોઈ બોલી ઊઠે છે,
નક્કી આ પક્ષીઓ!
બધું જ જાણી લેતી આ સિબિલીઓને
શાપ આપતાં નથી આવડતું.
ધાન ભરેલી કોઠીઓ પાસે બેસી એ ડૂસકાં ભરે છે.
ગ્રીસના રસ્તાઓ પર નીકળે છે તો એમની આગળ
પક્ષીઓનો કલબલાટ હોય છે.
લોકોને એમના શબ્દો કંઈ જ સંભળાતા નથી.
આ સિબિલીઓ આમ ને આમ મરી જશે.
પક્ષીઓનું પણ પેટ ફાટશે.
બચ્ચાંઓ ઊડ્યા વગરનાં રોશે
લોકો તો ખૂબ પસ્તાશે.
સિબિલીઓનાં ઘરમાં રોજ નવા નવા હાથ ઊગશે.
દરેકને પોતાના શરીર પરના નવા તલની જેમ
એની ચિંતા થશે.
અને આમ, સિબિલીઓ વેર વાળશે.