મનીષા જોષીની કવિતા/પ્રવેશદ્વાર
Revision as of 01:08, 2 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''પ્રવેશદ્વાર'''</big></big></center> <poem> કોઈ બારસાખ પર સૂઈ ગયેલા કબૂતરના શરીરમાંથી અનાયાસ ખરી પડેલાં સાદાં પીંછાં જેવા દિવસો પસાર થઈ રહ્યા છે. બહાર ભવ્ય તડકો પથરાયેલો રહે છે. છતાં આ નિ...")
કોઈ બારસાખ પર સૂઈ ગયેલા
કબૂતરના શરીરમાંથી
અનાયાસ ખરી પડેલાં
સાદાં પીંછાં જેવા દિવસો પસાર થઈ રહ્યા છે.
બહાર ભવ્ય તડકો પથરાયેલો રહે છે.
છતાં આ નિસ્તેજતા?
મન થાય છે કે
કોઈ આદિવાસીની નજરે ન ચડી હોય
એવી ગુફામાં ચાલી જઉં
અને પ્રવેશદ્વાર પર
પહાડ જેવો મોટો પથરો મૂકી દઉં.
ગુફાની ઉપર વરસાદનાં ફોરાં ટપકે તે અવાજને
ગુફાના હવડ અંધકારમાં હું સાંભળું.
વરસાદના મારાથી પોચી થઈ ગયેલી
ગુફાની દીવાલોને
હું મારી રિક્તતાથી ફરી મજબૂત બનાવું.
એ ગુફાની અંદર
કલાત્મક પ્રવેશદ્વારો બનાવું
અને પછી
કોઈના જ આવવાની
રાહ ન જોઉં.