પ્રત્યંચા/ત્રિજ્યા
Revision as of 06:32, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રિજ્યા| સુરેશ જોષી}} <poem> દૂરના વર્તુળની ત્રિજ્યા સમેટી ગ...")
ત્રિજ્યા
સુરેશ જોષી
દૂરના વર્તુળની ત્રિજ્યા સમેટી ગઈ મને,
કૈં કેટલી યે સ્પર્શરેખા વિસ્તરે ચારે દિશે:
મારી જંઘાથી વહેતાં શોણિતે ધોતો દીઠો
દ્રૌપદીની સાડીઓને મેં દુ:શાસન;
મારી શિરાઓને ઉતરડી અર્જુન
ગાંડીવકેરી પણછ કરતો તંગ;
મારાં જ તીણાં અસ્થિની આ બાણશય્યાની ઉપર
હું સૂતો છું ભીષ્મ સાથે રે સદાયે;
મારા જ નિ:શ્વાસે ઘડ્યો’તો શાપ જે ગાંધારીએ
આજે ય તે વીંધ્યા કરે છે કૃષ્ણને;
દ્રોણસુતની સાથ હું યે જુગજુગે ભમતો ફરું,
દૂઝતા વ્રણની ચિરંજીવતા સદા વેઠ્યા કરું.