પ્રત્યંચા/પ્રલય
Revision as of 06:41, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રલય| સુરેશ જોષી}} <poem> મોટેરાંઓ અમે બધાં એક દિન વાતે વળ્યા...")
પ્રલય
સુરેશ જોષી
મોટેરાંઓ અમે બધાં એક દિન વાતે વળ્યાં,
સૃષ્ટિના પ્રલયતણી અટકળે સહુ ચઢ્યાં:
અમુક વરસ પછી ઠરી જાશે આ સૂરજ,
કોઈ જીવશે ના ત્યારે, કેવું ભારે અચરજ!
દાદા હસ્યા, દાદી હસ્યાં, મજા ભારે પડી,
એકાએક રડી ઊઠી કીકી મારી ટબૂકડી!
‘શું છે બેટા? થયું છે શું? કહે શાને રડે?’
પૂછતો હું જાઉં તેમ ડૂમો એને ભારે ચઢે.
નાનકડા બે હાથે એ ઢીંગલીને ઢાંકે,
બોલવાને જાય કશું, બોલી જ ના શકે.
‘ઢીંગલીનું તો શું થશે?’ બોલી એ ત્રુટક,
ફરી આંસુ વહી રહ્યાં ડબક ડબક!
ઉષ્ણ એના નિ:શ્વાસની આંચે
લાખ સૂર્ય સળગી શું નહિ ઊઠે સાચે?
આનો પુરોગામી કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ’ હવેથી રદ ગણવો.