કંદમૂળ/અંધારાનાં બચ્ચાં
અંધારાનાં બચ્ચાં મોં ખોલે
અંધારાનાં બચ્ચાં પાણી પીએ
અંધારાનાં બચ્ચાં બોલતાં શીખે
અંધારાનાં બચ્ચાં ઊડતાં શીખે
પણ અંધારાનાં બચ્ચાં જન્મે જ આંધળાં.
ઊડાઊડ કરે અહીંથી તહીં
ને પડે આખડે આમથી તેમ.
અંધારાનાં બચ્ચાં અવાવરુ કૂવામાં જઈને
ઘટક ઘટક પાણી પીએ
ને કૂવાની બખોલમાં રાતવાસો કરે.
દિવસ ઊઘડતાં જ ગભરાટમાં ઊડે,
અથડાય કૂવાની દીવાલોમાં,
ને ખાબકે ઊંડાં કાળાં પાણીમાં.
ગામના મોટા મેળામાં
મોતના કૂવા ફરતે લટાર લગાવતાં
મોટરસાઇકલ સવારની આંખે બાંધેલી
કાળી પટ્ટીમાંથી
ફરી જન્મે આ અંધારાનાં બચ્ચાં.
મોતના કૂવામાં ફટફટિયાનો કાન ફાડી નાખે તેવો અવાજ
અને કૂવા ફરતે જુઓ તો.
ઉપર ઝળૂંબતા કંઈ કેટલાયે લોકો.
મેળામાં મહાલતા ને
જીવસટોસટનો ખેલ જોવા આવેલા લોકો.
અને પછી, એક દિવસ,
મોટરસાઇકલ સવારે પણ ગુમાવ્યું સંતુલન
અને જઈને પડ્યો મોતના કૂવામાં.
એક જીવલેણ ખેલનો આખરે આવ્યો અંત
અને ઊડી ગયાં કૂવામાંથી
અંધારાનાં બચ્ચાં,
હંમેશ માટે.