કંદમૂળ/બાંદ્રા રિક્લેમેશન લૅન્ડ
નાખ,
હજી થોડી વધુ રેતી
આ દરિયાના પટમાં.
પાછી લઈ લે આ જમીન
સ્વાર્થી દરિયા પાસેથી.
ચણ,
આ પોલી જમીન પર
એક દીવાલ ને બે બારી.
ડૂબકી માર,
હજી ઊંડે
ને પાછાં લઈ લે આ દરિયા પાસેથી
મારા ભીજાયેલાં વસ્ત્રો
ને કોરી કાંસકી.
ખંખેર,
મારા વાળમાંથી
દરિયાની રેતી
ને બાંધ અહીં,
મારા અને દરિયા વચ્ચેની
આ વિખવાદિત જમીન પર,
એક ઘર.
દરિયો નક્કી આવશે એક દિવસ પાછો
આપણું આ ઘર લઈ જવા.
પણ ત્યાં સુધી
વધેર,
એક નારિયેળ
ને કર અહીં ભૂમિપૂજન.
લટકાવ,
મારા આંગણે પાણીનાં તોરણ
ને સજાવ,
મારી પથારી પર
તૂટેલા શંખ.
ભલે જગાડે મને ભરઊંઘમાંથી,
જળચરોના ડંખ
હું નહીં ખસું અહીંથી,
આ રિક્લેઇમ કરેલી ભૂમિ પરથી.