નારીસંપદાઃ વિવેચન/પારસી કવિઓ

From Ekatra Wiki
Revision as of 16:26, 13 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પારસી કવિઓ
પેરીન દારા ડ્રાઈવર

ગુજરાતને માતૃભૂમિ બનાવી ચૂકેલી પારસી પ્રજાએ, પોતાને પ્રાપ્ત થઈ તે ગુજરાતી ભાષાસ્થિતિનાં વિવિધ સ્થિત્યંતરો કાળક્રમે પચાવીને, પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ અને ભાષાનો સ્થાનિક ભાષા સાથેનો એવો મુકાબલો રચ્યો જે પ્રજાકીય સંપર્કોની તવારીખનું એક રસિક પ્રકરણ બની ગયું છે. ઈસુની આઠમી સદીમાં ઈરાનથી ભારતમાં આવીને વસેલી પારસી પ્રજાએ તેરમીચૌદમી સદીથી સંસ્કૃત અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં લેખનકાર્ય શરૂ કર્યું હતું. એર્વદ રાણા કામદીને ઈ.૧૪૧૫માં પોતાના પૂર્વજોએ સંસ્કૃત ભાષામાં અનુવાદિત કરેલા ‘ખોરદેહ અવસ્તા’, ‘બહમન યશ્ત’ અને ‘અર્દા વિરાફનામા’ના તત્કાલીન જૂની ગુજરાતીમાં અનુવાદો કર્યા હતા. એ પછી ઈ.૧૪૫૧માં બહિરામસુત લક્ષ્મીધરે પારસીઓના મહત્ત્વના આચારગ્રંથ ‘અર્દા વિરાફનામા'નો અનુવાદ જૂની ગુજરાતીમાં કર્યો હતો. છતાં ગુજરાતી સાહિત્યમાં સ્થાન પામી શકે એવા એ અનુવાદો ન હતા, એનું કારણ પારસી પ્રજાની ભાષા આમજનતાની વ્યાપક ભાષા-ગુજરાતી-સાથે સમરૂપતા સાધે ત્યાં સુધી એમણે અપનાવેલા ભાષાસ્વરૂપમાં શિષ્ટ ગ્રંથો રચાય એ અશક્ય હતું. ગુજરાતમાં આવીને તત્કાલીન ભાષાસ્થિતિને પચાવતાં લગભગ આઠ સૈકા વીત્યા બાદ પારસીઓએ સાચી સર્જકતા ખિલવ્યાનાં એંધાણ સત્તરમા શતકના કવિ રુસ્તમની રચનાઓમાં પ્રથમવાર દૃષ્ટિગોચાર થાય છે, ત્યારથી પારસી ગુજરાતી સાહિત્યની શરૂઆત થયેલી ગણાય. એ સાહિત્યમાં મોટે ભાગે અભિવ્યક્તિની પક્વતા અને ઊંડાણ કરતાં સપાટી પરનું ચાંચલ્ય વિશેષ દેખાય છે, જેનું કારણ અપનાવેલી ભાષાનાં મૂળ અને પા૨સીઓની ધર્મસંસ્કૃતિની પરિભાષાનાં મૂળ વિભિન્ન રહ્યાં છે તે હોઈ શકે. તદુપરાંત એ પ્રજાએ મધ્યકાળથી અપનાવેલાં ગુજરાતી ભાષાનાં ઉચ્ચારનાં સ્પર્શસ્થાનોમાં જે સૂક્ષ્મ તફાવત અનિવાર્ય રીતે રહી જાય છે તે પ્રજાકીય અને સાંસ્કૃતિ સમન્વય (racial and cultural assimilation)ની ગૂઢ પ્રક્રિયાનું મહત્ત્વનું દૃષ્ટાંત છે. એમ છતાં મધ્યકાલીન સાહિત્યમાં દૃષ્ટિગોચર થતા સાંસ્કૃતિક પરિભાષાભેદને બાદ કરતા મધ્યકાળની વ્યાપક ગુજરાતી ભાષા અને પા૨સીઓની ગુજરાતી ભાષા વચ્ચે ભાષા સ્થિતિ અંગે ઝાઝો ભેદ વર્તાતો નથી. ગુજરાતી ભાષાને વિકસાવવામાં જ નહિ પણ તેને પારિભાષિક શબ્દો વડે અલંકૃત કરવામાં પણ ઠેઠ મધ્યકાળની શરૂઆતથી જ પારસીઓએ પોતાનો ફાળો નોંધાવ્યો છે. વિશિષ્ટ સંસ્કૃતિનો વારસો લઈને આવેલી પારસી પ્રજાની અનુકૂલનશક્તિ જાણીતી છે, તેથી જ પરાઈ ભાષા અને સાહિત્યનાં એને ઇષ્ટ લાગ્યાં તેવાં તે તત્ત્વો એણે અપનાવી લીધાં. સ્વરૂપ અને ટેકનિકની બાબતમાં અને ભાષા પ્રયોજવાની બાબતમાં સમકાલીન સાહિત્ય પ્રવાહની અસર ઝીલવી શક્ય હતી તેથી બહુમતી કોમ–હિંદુ-ના સાહિત્યથી પ્રભાવિત થઈને લઘુમતી પારસી કોમે લોકરુચિને પોષતા આખ્યાનપ્રકારને પોતાના વિચારોને દર્શાવવાના એક વિશિષ્ટ ને અનુકૂળ સાધન તરીકે અપનાવ્યો અને તેમાં તેને ઘણે અંશે સફ્ળતા સાંપડી. આખ્યાન સિવાય મધ્યકાલીન કાવ્યસાહિત્યના અન્ય પ્રકારો પરત્વે પારસીઓએ બહુધા નિષ્ક્રિયતા સેવી છે. આમ આખ્યાન જેવા લોકભોગ્ય સ્વરૂપને આત્મસાત્ કરીને તે દ્વારા પોતાના ધર્મ અને ઇતિહાસપુરાણનું જ્ઞાન પરાઈ પ્રજા સુધી પહોંચાડવાનો પારસીઓનો હેતુ એક લઘુમતી પ્રજા તરીકે પોતાની વ્યક્તિમત્તા અને વિશિષ્ટતાઓ દર્શાવીને બહુમતી પ્રજામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો હતો. આખ્યાનને અપનાવવાનું કારણ એ કાવ્યપ્રકારમાં ગેયતા હતી અને લાંબા કથાનકો દ્વારા લોકરંજન કરવાની એમાં ક્ષમતા હતી. મધ્યકાળમાં નાટ્યશાળાને અભાવે લોકોના મનોરંજનાર્થે આતશબહેરામના પ્રાંગણમાં કે જ્ઞાતિની વાડીઓમાં એ આખ્યાનો પારસી આખ્યાનકારો ગાતા. ધર્મની બાબતમાં આત્મરક્ષણની દૃષ્ટિએ ધર્મપલટાનો નિષેધ દર્શાવતી પારસી પ્રજા પોતાની દેવવાણી અવિસ્તારમાં લખાયેલી પ્રાર્થનાઓને ગુજરાતી ભજનોમાં ઉતારે એ અસંભવિત હતું એટલે પદો કે ભજનો પારસી કાવ્યસાહિત્યમાં જોવા મળતાં નથી. આખ્યાનોની રચના કરવામાં પા૨સીઓએ પોતાના ધાર્મિક અને સામાજિક આદર્શો, અપનાવેલી ભાષાની પરંપરાઓ અને જરથોસ્તી ધર્મની સાંસ્કૃતિક પરિભાષાનો આશ્રય લીધો છે. આથી આખ્યાનના પ્રકાર પરત્વે હિંદુ અને પારસી કવિઓએ યથાશક્તિ પ્રદાન કર્યું છે, છતાં એમ કરવામાં ગુજરાતી ભાષા કે સાહિત્યને વિકસાવવાનો અથવા તો કોઈ એક સાહિત્યસ્વરૂપના જુદા જુદા પ્રયોગો કરીને તેની શક્યતાઓ કે વિવિધ શક્તિઓને પ્રગટ કરવાનો આશય એ મધ્યકાલીન કવિઓનો ન હતો. પા૨સી આખ્યાનોમાં પ્રતિબિંબિત થતા મધ્યકાલીન ગુજરાતના પારસીઓનું સમાજજીવન, તેમના વેપારઉદ્યોગો, ધાર્મિક આગ્રહો અને રૂઢિરિવાજોને બાદ કરતાં પારસી અને હિંદુ આખ્યાનોના પ્રવાહ વચ્ચે ઝાઝો ભેદ વર્તાતો નથી. આજે પા૨સીઓ પાસે પોતાની પ્રજાનાં મધ્યકાલીન જીવનને જાણવાનું અન્ય કોઈ સાધન નથી ત્યારે આ આખ્યાનો તેમને માટે મૂલ્યવાન દસ્તાવેજો બની રહે એમ છે. વિસ્મૃતિના વંટોળમાં અટવાઈ જવાને કારણે ગુજરાતી કાવ્ય-સાહિત્યના ઇતિહાસમાં સ્થાન ન પામેલા એવા ચાર મધ્યકાલીન પારસી કવિઓ છે. એમાંના અદ્યાપિપર્યંત અજ્ઞાત કવિ રાંમ કાન્હક્ષ સોળમાં શતકમાં ભરૂચમાં થઈ ગયા હતા. મધ્યકાલીન પારસી ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ કવિ ગણી શકાય એવા સત્તરમા શતકના કવિ રુસ્તમનું વતન સુરત હોવાથી તેમને ‘હો૨મજદીઆર રાંમીઆર'ના ગોત્રથી ઊતરી આવેલા ને સુરતમાં વસવાટ કરતા ‘શૂરતીઆ' ધર્મગુરુ તરીકે ગણવામાં આવે છે. એ જ સૈકામાં નવસારીમાં અદ્યાપિપર્યંત અજ્ઞાત રહેલા કવિ બરજોર ફરેદૂન અને કવિ તેમ નકલનવેશ નોશેરવાંન જમશેદ થઈ ગયા હતા.

એર્વદ રુસ્તમ મોગલ શહેનશાહ ઔરંગઝેબના રાજ્યઅમલ (ઈ.૧૬૫૭-૧૭૦૭) હેઠળના ગુજરાતમાં રાજકીય અશાંતિ અને ધર્માંધતા સર્વત્ર પ્રવર્તેલી હતી, છતાં પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એ સુવર્ણયુગમાં એર્વદ રુસ્તમ પેશુતન ખોરશેદ અસ્પંદીઆર હો૨મજદીઆરે આખ્યાનના પ્રકારને વિકસાવીને તેમાં ‘ક્લાસિક’ ગણી શકાય તેવાં કાવ્યો રચ્યાં. આખ્યાનકવિ પ્રેમાનંદને ગુજરાતનાં આબાલવૃદ્ધ ઓળખે છે પરંતુ આશ્ચર્ય અને સખેદ નોંધવું પડે છે કે બરાબર એ જ અરસામાં આશરે ઈ.૧૬૩૫થી ૧૬૯૦ સુધીમાં જીવિત એવા પારસી ગુજરાતી સાહિત્યના આદ્યકવિ અને પ્રેમાનંદના સમકાલીન એર્વદ રુસ્તમનું નામ ગુજરાતીઓ તો શું પા૨સીઓ પણ જવલ્લે જ જાણે છે. આજથી ત્રણસો વર્ષ પૂર્વે સમગ્ર ગુજરાતની ભાષામાં પૂર્વના (ઇરાનના) અતિ પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિના મર્મોને હિંદુસ્તાનની પ્રજા સમક્ષ બેપર્દા કરવાનું ગૌરવ કવિ રુસ્તમને ફાળે જાય છે. બે ભિન્નભિન્ન સંસ્કારોવાળી અને ભાષાવાળી પ્રજાઓને એક જ ભાષા દ્વારા એકાકાર કરનાર અને એમ કરીને એકબીજાથી વિભિન્ન સંસ્કૃતિ અને ભાષાનું સમર્થ રીતે એકીકરણ કરનાર કવિ રુસ્તમ પહેલા પારસી સાહિત્યકાર હતા. પારસીઓએ ભારતમાં આવીને સત્તરમાં શતક સુધીમાં ગુજરાતી ભાષામાં જે સાહિત્ય રચ્યું તેમાં કવિ રુસ્તમનો ફાળો સૌથી મહત્ત્વનો છે. પ્રણાલી પ્રમાણે આખ્યાનકાર રુસ્તમે પોતાનાં કેટલાંક આખ્યાનોમાં પોતાની પેઢીના આદ્ય પુરુષનો તેમ જ પોતાનાં જ્ઞાતિ, ગામ અને કાવ્યના રચનાકાળનો નિર્દેશ કર્યો છે. કવિ પોતાની ઓળખ સુરતના વતની એરવદ રુસ્તમ પશોતંન(પેસૂતન) સુત હોરમજદીઆર એરવદ રામીઆરરાંમીઆર તરીકે આપે છે. પોતાના પૂર્વજોની માફક દેશ-પરદેશ (ઈરાન) ખ્યાતિ પામેલા એ વિદ્વાન કવિનું ધર્મગુરુવર્ગમાં સારું માન હતું. કવિ રુસ્તમના ગુરુ નવસારીના વતની દસ્તૂર બરજોર કામદીન કેકોબાદ સંજાણા હતા. એ ખ્યાતનામ દસ્તૂર આગળ નવસારીમાં રહીને કવિ રુસ્તમે જરથોસ્તી ધર્મગ્રંથોનો અને વિશેષતઃ રેવાયતોનો અભ્યાસ કર્યો હતો. કવિએ અવસ્તા, પહેલવી, પાજંદ, ફારસી આદિ ભાષાઓ ઉપરાંત સંસ્કૃત, ગુજરાતી અને વ્રજ ભાષાની અસરો ઝીલી હતી. તેમની રચનાઓમાં એનો સુંદર વણાટ જોવા મળે છે. ભાગ્યે જ કોઈ પારસી રચનાઓમાં પરભાષામાંથી આયાત કરેલા શબ્દોનું આટલું વૈવિધ્ય જોવા મળે છે. એમણે પરભાષાની કહેવતો અને ચાટૂક્તિઓને સુધ્ધાં વિશિષ્ટ ગુજરાતી રૂપ આપેલું જોવા મળે છે. કવિ રુસ્તમ અધ્યારુ હોવાથી બેહદીનો નાનાભાઈ પૂજીઆ અને હીંરજી વાછા રામ જેવા બે સુરતનિવાસી મહાનુભાવો તેમના યજમાન અને આશ્રયદાતા હતા, જેમનાં જાહેર દાનની કદર કરીને કવિએ પ્રશસ્તિ કાવ્યો પણ લખ્યાં છે. નવસારીના કવિ નોશેરવાન, કવિ બરજોર ફરેદૂન, વિદ્વાન દસ્તૂરો જામાસ્ય આશા અને દારબ પાલન તેમ જ રેવાયતોના લેખક વલસાડના દસ્તૂર દારબ હોરમઝદયા૨ સંજાણા કવિ રુસ્તમના સમકાલીનો હતા. રુસ્તમે સમકાલીન કવિ પ્રેમાનંદની આખ્યાન શૈલીનાં કેટલાંક લક્ષણોનો ઉત્તમ વિનિયોગ કર્યો છે. પ્રેમાનંદને પોતાની પરંપરાગત ગુજરાતી ભાષામાં કાવ્યની રચના કરવાની હતી, જ્યારે કવિ રુસ્તમને પોતાની સંસ્કૃતિથી વિભિન્ન સંસ્કૃતિવાળી ગુજરાતી પ્રજાની પોતાને લગભગ અપરિચિત એવી ગુજરાતી ભાષાનાં અનેક મર્મસ્થાનો સમજીને, તેને અપનાવી પછી તે ભાષામાં પોતાનાં કાવ્યોની રચના કરવાની હતી. પારસી સમાજ જે ભાષાનો આશ્રય લેતો ચાલ્યો હતો તે જ ભાષાને વધુ સાહિત્યિક અને શિષ્ટ બનાવીને તેમ જ પરિભાષાનો પણ આશ્રય લઈને રુસ્તમે જરથોસ્તી ધર્મને લોકસુલભ બનાવ્યો. આમાં વ્યાપક પ્રવાહની સૂઝ અને સમજ દાખવીને ખાસ સભાન પ્રયત્નથી વિશાળ ગુજરાતી સમાજે ખિલવેલી ભાષા અને સાહિત્ય સ્વરૂપનો એણે ખપ કર્યો છે. રુસ્તમે જૂના વિચારના ધર્મગુરુઓનો વિરોધ વહોરીને પોતાના ધર્મના સિદ્ધાંતો પારસી અને ઇતર પ્રજામાં પ્રસારવાના હેતુથી સ્વેચ્છાએ અને શોખને ખાતર આખ્યાનો રચ્યાં એને પારસીઓના ઇતિહાસમાં જ નહીં પણ ગુર્જર સાહિત્યના ઇતિહાસમાં પણ શકવર્તી બનાવ ગણી શકાય. આ ભાષાને પોતાના સાહિત્યનું વાહન બનાવીને ફારસી ભાષામાંથી મૂળ કથાવસ્તુ લઇને તે પર પોતાની રસળતી બાની ને તળપદી ભાષાનો એવો ઓપ આ કવિએ ચઢાવ્યો છે કે તે કૃતિઓ જાણે કવિની સ્વતંત્ર કે મૌલિક કૃતિઓ જ બની ગઈ છે. રુસ્તમનાં આખ્યાનોમાં સ્વતંત્ર ને મૌલિક કૃતિઓ જેવાં ઊર્મિ-ગીતો જડે છે. પારસી સાહિત્યમાં ઊર્મિકાવ્યોના એ પ્રથમ રચયિતા હતા. મધ્યકાળથી ચાલ્યાં આવ્યાં હોય એવાં પારસી લગ્નગીતો જોતાં જણાય છે કે એ ગીતો ઉપર ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની પ્રબળ અસર પડી છે. મધ્યકાળમાં એ અસર રુસ્તમે જેટલી ઝીલી છે એટલી અન્ય કોઇ પારસી કવિએ ઝીલી હોય એમ જણાતું નથી. તેથી જ પારસી લગ્ન ગીતોને એ કવિએ પોતાના આખ્યાનમાં કુશળતાપૂર્વક વણી લીધાં છે. ઈ.૧૮૭૩માં સ્વ. તેહમુરસ દી. અંકલેસરીઆએ કવિ રુસ્તમે ઇ.૧૬૮૦માં રચેલું ‘સ્યાવશનામું' પ્રગટ કર્યું હતું. એ પછી એમના પુત્ર સ્વ.બેહરામગોરે કવિ રુસ્તમે ઈ.૧૬૭૪માં રચેલું ‘જરતોશ્તનામું' પ્રગટ કર્યું હતું. એ કવિએ લખેલાં અન્ય બે આખ્યાનો ‘અર્દાવિરાફનામું’ (ઈ.સ.૧૬૭૨) અને ‘સાત અમશાસ્પંદનું કાવ્ય' (આશરે ઈ.૧૬૭૩)નું શબ્દકોશ સહિતનું સંપાદન ‘સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા’ નામના મહાનિબંધમાં૧[1] કરવામાં આવ્યું છે. બીજું એક ‘સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય' એના કવિના કર્તૃત્વના આંતરિક પુરાવાને અભાવે બાહ્ય પુરાવા પરથી રુસ્તમનું હોવાનું માનીને તેનું વિવેચન પણ એ મહાનિબંધમાં કરવામાં આવ્યું છે. કવિ સમાજસુધારક હતા ને પા૨સી સમાજમાં બનતા બનાવોમાં પોતે સક્રિય ભાગ લેતા, એથી જ તત્કાલીન પારસી સમાજમાં બનેલા એક અતિ કરુણ પ્રસંગને અનુલક્ષીને કવિએ પોતાની છેલ્લી ઐતિહાસિક કૃતિ ‘સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય' આશરે ઈ.૧૬૮૭ના અરસામાં રચ્યું હોય. આમ આંગળીને વેઢે ગણાય તેટલાં આખ્યાનોની રચના રુસ્તમે કરી હોવા છતાં તેમાં નૈસર્ગિક કવિત્વશક્તિ અને પ્રાસાદિકતા કવિની આગવી છે. ભાવોચિત સરળ વાણી, લોકમાનસને ઓળખવાની સૂઝ અને માનવીના પ્રાસંગિક ભાવ, ભાવનાઓ અને ઊર્મિને અભિવ્યક્ત કરવાની કવિની શક્તિનો પરિચય કાવ્યમાંથી વાચકને મળી રહે છે. પ્રસંગને તાદૃશ કરવાની શક્તિને પરિણામે તેમનાં કાવ્યો આજ પર્યંત રસપ્રદ બની રહ્યાં છે. કવિમાં પ્રાસને અનાયાસે મેળવવાની અદ્ભુત શક્તિ હોવા ઉપરાંત રસોની જમાવટ કરવાની શક્તિ પણ પ્રશસ્ય હતી. ઘડાતી ભાષાનાં અસ્થિર રૂપોને અનેક સ્થળે ભિન્ન ભિન્ન સ્વરૂપે પ્રયોજવાની કવિની આવડત ખાસ ધ્યાન ખેંચે તેવી છે. છ–છ પંક્તિઓ સુધી અનાયાસે લંબાતા અસ્ખલિત ને એકધારા વહેતા પ્રાસ કવિની શબ્દશક્તિનો સાચો પરિચય કરાવે છે. કવિ રુસ્તમની વિશેષતા એ છે કે તે ફારસી અને ગુજરાતી બંને ભાષાની કહેવતોને પોતાનાં ગુજરાતી આખ્યાનોમાં સફળતાથી પ્રયોજી શક્યા છે.

કોઈ બેગાંનાં કૂટંમશે કરતાં ફૂલખાંપણ લાગે-લાજ !
જેમ કબૂતર બર કબૂતર ને બાઝ બર બાઝ ૨[2]

કવિને ફારસીનો સારો અભ્યાસ હોવા છતાં તે ભાષાના છંદો કે બેતોની તેમની ઉપર અસર થઈ નહીં. આથી ઊલટું કવિ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના રંગે રંગાયેલા હોવાથી પ્રાકૃત ભાષાના ઢાળો કે દેશીઓએ તેમની ઉપર ઠીક અસર કરી છે. એ કવિએ કાવ્યો લખ્યાં તે પહેલાં પારસી ગુજરાતી સાહિત્યમાં તાલબદ્ધ પદ્યરચના થયેલી જણાતી નથી. કવિ રુસ્તમની શૈલી છટાદાર ને ગતિશીલ છે. કવિ રુસ્તમનું ગમે તે કાવ્ય વાંચતાં તેમનાં ભાષાપ્રભુત્વ શબ્દસૂઝ, શબ્દલાલિત્ય અને પ્રસાદનો વાચકને પરિચય થાય છે. તદુપરાંત કવિએ અવસ્તા અને પાજંદ ભાષામાં લખાયેલા પારસીઓના ધર્મશ્લોકોને ગુજરાતી આખ્યાનમાં એવી રીતે વણી લીધા છે કે કાવ્યના રસમાં કે છંદમાં ભંગ પડતો નથી. અને પ્રાસ પણ અનાયાસે બેસી જાય છે. સ્વતંત્ર પ્રતિભાવાળા એ કવિની પાત્રાલેખનકલા તેમ જ રસનિરૂપણ અને રસસંક્રમણની કલાને લીધે જ પારસી પુરાણોમાં ભુલાઈ ગયેલાં પાત્રો પુનર્જીવન પામ્યાં હોય એમ લાગે છે. માનવીના જન્મ સાથે જન્મેલો પ્રેમભાવ, જીવનના વિકાસ સાથે લાલસા, લોલુપતા, વિષયવાસના કે કામનાથી વિરૂપ બનતો એ પ્રેમભાવ; જર, જમીન ને જોરુને ખાતર ખેલાતાં યુદ્ધોમાં અભિવ્યક્ત થતાં ઈર્ષાભાવ ને વેરવૃત્તિ–એમ અનેક ભિન્ન ભિન્ન ભાવોને પોતાનાં પાત્રો દ્વારા કવિ રુસ્તમે તાદૃશ આલેખ્યા છે. તેમાંયે ગ્રીક નાટક ‘ફીડ્રા’ને મળતાં આવતાં કથાવસ્તુવાળાં ‘સ્યાવશનામા’માં તો માનવજીવનની અને ભાવોની વિકૃતિની કથા-સાવકા પુત્ર ઉપર આશિક બનેલી યુવાન માતાને પસંદ કરવામાં કવિની પાત્રાલેખનની અને જનમનરંજનની ઊંડી સૂઝ અભિવ્યક્ત થાય છે. કવિની વૈવિધ્યભરી પાત્રસૃષ્ટિનાં એકબીજાથી વિભિન્ન સ્વભાવ ને રુચિવાળાં પાત્રો જ્યારે સુખ કે દુઃખનો અનુભવ કરે છે ત્યારે વાચક પણ એ સુખદુઃખની ક્ષણિક ઊર્મિને અનુભવે છે એ જ કવિની પાત્રાલેખનની સિદ્ધિ છે. એ સિદ્ધિના પાયામાં રહેલી પાત્રના ભાવને અનુરૂપ વાણીમાં અભિવ્યક્ત કરવાની કવિની કલા વાચકનું ખાસ ધ્યાન ખેંચે છે. ‘સ્યાવશનામા'નો નાયક સ્યાવક્ષ અને નાયિકા ફરંગેજ એ બે મધ્યકાલીન પારસી ગુજરાતી સાહિત્યમાં તેજસ્વી પાત્રો છે. રુસ્તમ જોકે ઉચ્ચ કોટિના હાસ્યરસનું સર્જન કરી શક્યા નથી છતાં એ સિવાયના અન્ય રસોની જમાવટમાં અને વિશેષતઃ તો કરુણરસના નિરૂપણમાં તેમણે પ્રશસ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એ કવિને રસસંક્રાંતિમાં પણ સફળતા મળી છે. રસનો પ્રવાહ અસ્ખલિત વહેવડાવી એક ૨સ પછી બીજા રસની નિષ્પત્તિ માટે નવા વિભાવાદિ શોધવા એ કવિને પ્રયત્ન કરવો પડતો નથી. એથી જ કવિનાં બધાં આખ્યાનોમાં ૨સોનું સંક્રમણ સહજ, સરળ અને આયાસ વિનાનું બને છે. કવિમાં જુદા જુદા રસની ક્ષમતા ધરાવતી ઘટનાઓને પારખી લેવાની અપૂર્વ દૃષ્ટિ છે એથી રસની તથા ભાવની સ૨સ માવજત કરીને તેમાં સફળ સંક્રાંતિ કવિ આણી શકે છે. મધ્યકાલીન આખ્યાનકારો મુખ્યત્વે ભક્તિભાવના ગાયકો હોવાથી કવિ રુસ્તમનાં બધાં જ આખ્યાનો ભક્તિનો મહિમા ગાય છે. બહુધા ભક્તિરસપ્રધાન એ કાવ્યોમાં પાત્રાલેખન એક સરખી કક્ષાએ થયું નથી, પરંતુ વર્ણનો તો એકસરખાં મનોરમ બન્યાં છે. એ વર્ણનોમાં કવિની અભિનવી કલ્પનાઓ જ્યારે આલંકારિક ભાષામાં શબ્દાકાર પામે છે ત્યારે ચિત્તાકર્ષક બને છે એ ‘સ્યાવશનામા'માં કવિએ કરેલા ઘોડાના વર્ણન ઉપરથી સમજાશેઃ

એ અસ્વ સીહાની ઘુઘટ ઈઆલ થનકથનક દીઠી ચાલ |
સરવ ખલક અજબ થાઈ કર લગાડેઓ જમને ગાલ ॥

શોલે શણગારમાંહાં શોહીએ જેમ સીસ જ ટીકી |
તે તખતરવાં આગલ કૂમેદ શોહીએ જેમ નેનમાં કાજલ કીકી ॥૩. [3]

ફારસી સાહિત્યની પરંપરાને અનુસરતી અને શામળની કવિતાનું ક્યારેક સ્મરણ કરાવી જતી અતિશયોક્તિઓ કવિના ‘સ્યાવશનામા'માં સવિશેષ જોવા મળે છે. કવિએ પરંપરાગત વર્ણનો ફારસી સાહિત્યમાંથી તો લીધાં છે જ, પરંતુ એ કવિને સંસ્કૃત સાહિત્યનો પણ અભ્યાસ હોઇ એમનાં કેટલાંક વર્ણનો સંસ્કૃત સાહિત્યમાં આવતાં વર્ણનોને મળતાં આવે છે. મધ્યકાલીન આખ્યાનકારોની માફક કવિ રુસ્તમે પારસી પુરાણોમાંથી આણેલાં ઈરાની પાત્રોનું ગુજરાતીકરણ કર્યું અને લોકરુચિને પોષવા માટે પોતાના સમયના વહેમો, માન્યતાઓ પણ આખ્યાનોમાં ઘુસાડી દઈને તેમાં સમકાલીન રંગપુરણી કરી છે. કવિએ વિવિધ આખ્યાનોમાં ઉપસાવેલાં ચિત્રો તે તત્કાલીન પારસી સમાજનાં, સમકાલીન પારસી, અસલ ઈરાની તેમજ હિંદુ અને મુસલમાન સંસ્કૃતિના રંગે રંગાયેલાં વિવિધરંગી ચિત્રો છે, જોકે સત્તરમા શતકના અજ્ઞાનદર્શક વહેમો, શુકન-અપશુકનો, માન્યતાઓ, ને રીતરિવાજો તેની સીમામર્યાદા બની રહે છે.


કવિ રાંમ રુસ્તમના નજીકના પુરોગામી કવિ રાંમ સોળમા શતકમાં ભૃગુકચ્છ (ભરૂચ)માં રામ કાંહ્યાન કે કાન્હક્ષને નામે જાણીતા થયેલા વિદ્વાન દસ્તૂર હતા. વિદ્વત્તાને માટે ખ્યાતિ પામેલા એ કવિના કુળમાં કવિ રાંમ અને તેમના પુત્ર પદમે પારસી ગુજરાતી સાહિત્યમાં યથાશક્તિ પ્રદાન કર્યું હતું. વિદ્વાન લેખક, અનુવાદક ને કવિ તરીકે જાણીતા થયેલા રાંમ જરથોસ્ત પયગંબરના જીવનચરિત્રમાંથી કેટલાક પ્રસંગો લઈને ‘જરથૂસ્ત પયગંબરનું ગીત' નામનું ૪૩૬ પંક્તિનું વર્ણનાત્મક ને મૌલિક ગણી શકાય તેવું કાવ્ય આશરે ઈ.૧૫૧૬માં રચ્યું હતું. એ વાતથી પારસીઓ પણ અદ્યાપિર્યંત અજ્ઞાત છે. કાવ્યાન્તે આવતી કેટલીક પંક્તિઓમાં જે ‘રાંમ’ શબ્દ બે વેળા વપરાયો છે તે કવિના નામનું સૂચન કરે છે.

એ કીશો નિ ઉદાપદ રામે કહેઆં ॥
મરંમ ભેદ શરવ મેરવીનિ કહેઆં॥ ...
તમો ઘર બિથાં શૂખે વાંચો શાશતર ॥
હરદે નાંમ રાખો દાદાર॥
રાંમ ભણિ પત વારૂ શાર ॥૪[4]


‘ચોપાઈ’ના ઢાળમાં ગાઈ શકાય એવા આ કાવ્યમાં ઇશ્વરસ્તુતિથી શરૂઆત કરીને કવિએ જરથોસ્ત સ્વર્ગમાં જઈને જે જુએ છે તેનું કવિત્વપૂર્ણ વર્ણન કર્યું છે. ‘માણક શરોવર મોતીની પાર'થી શરૂ થતા પચાસ પંક્તિઓ સુધી લંબાયેલા એ સ્વર્ગના વર્ણનમાં ઘણું ખરું અગત્યનાં આવાં બધાં જ ફળફૂલઝાડની અપાયેલી યાદી કવિની અવલોકન શક્તિની દ્યોતક છે.

હીમજ હરડે ને મોટી દરાખ ઘણી, ધોલી શેરદી શાકર તંણી॥...
ખાખર ખૂદો વાએ નહી ડોલે, મીથાં બોર શાકરને તોલે॥ ...
અઢાર ભાંત વનશપતી શઊ, અગર કશતૂરી બેહેકે બહૂ ॥૫[5]

પ્રસ્તુત કાવ્યમાં ગેયતા છે. તેના મધ્ય ખંડમાં આવતી ધ્રુવપંક્તિ ‘તે કિમ છૂતશે હો દાદા૨’। જોતાં એ ગીત કવિએ ગાવા માટે જ લખ્યું હોય એમ લાગે છે. પ્રસ્તુત કાવ્યમાં પયગંબર જરથોસ્તના જીવનના કેટલાક પ્રસંગોનું આલેખન હોવા છતાં કવિએ તેની વસ્તુગૂંથણી આખ્યાનના બંધારણ પ્રમાણે કરી ન હોવાને કારણે એ કાવ્યને એક આખ્યાન કહેવા કરતાં લાંબું કથાકાવ્ય કહેવું ઉચિત છે. મૌલિક ગણી શકાય એવા એ કાવ્યની ભાષા અને શૈલી સાવ સામાન્ય પ્રકારની ગણી શકાય, છતાં પણ રાંમની વર્ણનાત્મક શૈલીને પરિણામે એ કાવ્ય રસપ્રદ બન્યું છે. સોળમા શતકના પારસી સમાજનો અભ્યાસ કરવાની તક કિવ રાંમના આ એક જ કાવ્યથી સાંપડે છે.

બરજોર ફરેદુન : આ કવિ સત્તરમા શતકના ઉત્તરાર્ધમાં નવસારીમાં થઈ ગયા હતા. એક અનુમાન પ્રમાણે તેમનો જન્મ આશરે ઈ.સ. ૧૬૬૦માં થયો હતો. માઝદયસ્ની દીન(ધર્મ)નું મહત્ત્વ પારસીઓને સમજાવવાને માટે કવિ બરજોરે ‘ભલી દીનની શફીઅત' નામનું ૨૭૨ પંક્તિનું કાવ્ય લખ્યું હતું. એમાં ‘વંદી દાદ’ જેવા જરથોસ્તી ધર્મગ્રંથોને આધારે ધર્મ સંબંધી ક્રિયાકાંડોનું આલેખન થયું હોવાથી કાવ્યના પ્રકાર પરત્વે એ એક ધર્મોપદેશથી સભર એવું લાંબુ વર્ણનાત્મક કાવ્ય છે. એ કવિએ ધર્મના ઘણા ખરા અગત્યના ક્રિયાકાંડોનું જે રીતે વર્ગીકરણ કરીને લાઘવયુક્ત રીતે તેનો મહિમા વર્ણવ્યો છે તે આ કૃતિની ખાસ ખૂબી છે. છંદની માત્રાઓમાં વધઘટ થયેલી જોવા મળે છે એમ છતાં એકંદરે જોતા કૃતિ માત્રામેળ ‘દોહરા'માં લખાયેલી છે. અવસ્તાના ભણતરના શ્લોકો કે પારિભાષિક શબ્દોને કાવ્યના છંદમાં બંધબેસતી રીતે ગોઠવવાની સૂઝ કવિ રુસ્તમ જેવી છે. કવિ બરજોરની એ સૂઝે કાવ્યને સુવાચ્ય ને સરળ બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. કાવ્યાન્તે કવિએ પોતાના ટૂંકા નામનો નિર્દેશ કર્યો છે:

હમેશાં રાખજો ચાલતૂ પૂન, દૂઆ કરી બરજોર ફરેદૂન ॥૬[6]

સત્તરમી સદીના સિદ્ધ કવિ રુસ્તમની ભાષાની જે ખામીઓ છે તે જ આ કવિની ભાષામાં પણ વર્તાય છે, તે ઉપરથી તેમજ કવિનો જન્મકાળ જોતાં પણ તે કાવ્ય સત્તરમા શતકમાં આશરે ઈ.સ. ૧૬૮૦થી ૧૭૦૦ સુધીમાં રચાયું હોય એમ જણાય છે. કવિ બરજોર ફરેદૂનની અને કવિ રાંમની કૃતિઓ નવસારીના મહેરજી રાણા ગ્રંથાલયમાંની યુ-૨૩ ક્રમાંક વાળા એક હસ્તપ્રતમાં નકલ થયેલી છે.

કવિ નોશેરવાંન જમશેદ : જાણીતા ઉદ્યોગપતિ નવલ તાતાના નવમી પેઢીના પૂર્વજ કવિ નોશે૨વાંન જમશેદ નવસારીના વતની હતા. એક અનુમાન પ્રમાણે તેમનો જન્મ આશરે (ઈ.સ.૧૬૫૬)માં થયો હતો. કવિના જન્મનું વર્ષ જોતાં તે કવિ પ્રેમાનંદ અને કવિ રુસ્તમના અનુગામી સમકાલીન ઠરે છે. પોતાની ત્રેવીસ વર્ષની વયે સુરતના કવિ રુસ્તમને ગુરુપદે સ્થાપીને તેમનાં કાવ્ય ‘સ્યાવશનામા’ની નકલ ઈ.સ. ૧૬૭૯માં કવિ નોશેરવાંને મરોડદાર હસ્તાક્ષરમાં કરી હતી. જે મુંબઈના જમશેદ કાત્રકના ખાનગી સંગ્રહાલયમાં જળવાઈ રહી છે. ઉત્તરાવસ્થામાં ત્રેપન વર્ષની વયે ઈ.સ. ૧૭૦૯માં ૨,૪૫૦ પંક્તિનું કાવ્ય ‘પંચ ગિહિ અને શશ ગહમ્બારની તમામ તમશીલ' તેમણે નવસારીમાં લખ્યું. એ ઉપરથી કવિનો લેખનકાળ ઈ.સ. ૧૬૭૯થી ૧૭૦૯ સુધીનો ગણી શકાય. કવિ નોશેરવાંને નકલ કરેલી ત્રણ હસ્તપ્રતો જડે છે, છતાં તેમની મૌલિક કૃતિઓમાં તો માત્ર એક જ કેટલાક વિદ્વાનોને પ્રાપ્ત થઈ હતી. એ કૃતિ આજે દુષ્પ્રાપ્ય બની છે. કાવ્યાન્તે કવિએ પોતાનાં નામ અને ઓળખ તેમજ કાવ્યની રચ્યાસાલ આપ્યાં છેઃ

નુશેરવાંન જમશેદ સૂત પદંમ બિહિરાંમ,
એ પંચ ગિહિ શશ ગહંબારની વાત કીધી તમાંમ...

નુશારી નગરીનિ અમ તાંહાં વાસિ રહી,
એ પંચ ગિહિ શશ ગહંબારની એ શફીઅત જ કહી...

શન એક હજાર હફતાદ ઓ અસ્ત એ નેક જ નાંમ;
મબારક માહા તસ્તર તીર અનિ રોજ મએનીઓ રાંમ.

રોજ મએદીઓ રાંમ નિ ગાહા હાઉઅન જ લીધી,
અણિ દન એ સફીઅત શમાપૂર જ કીધી.૭[7]


ઉપર્યુક્ત પંક્તિઓ પરથી વિદિત થાય છે કે કવિ નોશેરવાંને આ કાવ્ય નવસારીમાં યઝદજર્દી સને ૧૦૭૮, રોજ (મીનો) રાંમ, માહ (તેશ્તર) તીર-(= ૭:૨:૧૭૦૯ ઈસ્વી)ને દિવસે લખીને સમાપ્ત કર્યું હતું. પ્રસ્તુત કાવ્યની હસ્તપ્રતની આલોચના કરતાં તેના સંશોધક જમશેદ કાત્રક પોતાના એક લેખમાં૮[8] લખે છે : ‘આ ૫ ગેહે, ૬ ઘહમબારનું કાવ્ય આપણાં એરવદ નોશે૨વાન જમશેદે પોતે રચ્યું છે, અને હસ્તલેખ નોશેરવાંને પોતાના હાથ દસ્તકે લખેલો છે. Ms.ના ૧૧૯ ફોલ્યો યાને વરક છે; અને દરેક પાનામાં ૧૧ લીટી છે. પહેલાં સાત પાનાં દીબાચારૂપે ગદ્યમાં છે. એટલે આ કાવ્યની બધી મલીને બે હજાર અને સાડી ચારસો કવિતાની લીટીઓ છે. ફોલ્યો ૧૧, તથા ૧૧૮, ૧૧૯માં કવિ કાવ્યનું નામ, તારીખ, ઠામ, વંશાવલી વગેરે આપે છે.’ પ્રસ્તુત કાવ્યનો અભ્યાસ કરીને પોતાના ઉપર્યુકત લેખમાં૯[9] અભિપ્રાય દર્શાવે છેઃ ‘ખોલ્લી રીતે નોશે૨વાને મોબેદ રુસ્તમના કાવ્યોની શૈલીની નકલ કરી છે. મી. બેહરામગોર કહે છે કે કવિ રુસ્તમ અને કવિ નોશે૨વાનના કાવ્યમાં એટલું બધું મલતાપણું છે કે એ બંને વચ્ચે કોઈક રીતનો અતલગનો સંબંધ હતો. સ્નેહનો, સગાઈનો કે ગુરુચેલાનો તે જાણવું ઉપયોગી થાય.' આજે એ હસ્તપ્રત દુષ્પ્રાપ્ય બની છે પણ એની જે પંક્તિઓ જાહેરમાં આવી છે તેની ભાષા-શૈલી ને કાવ્યપ્રકાર જોતા નોશેરવાંને પોતાના ગુરુ રુસ્તમનું અનુકરણ કર્યું હોય તેમ લાગે છે.

કવિ નશરવાનજી ટેહમુલજી દુરબીન : મધ્યકાલીન પારસી કાવ્યસાહિત્યના અંતિમ કવિ દુરબીન ૧૯મા શતકના પૂર્વાર્ધમાં મુંબઈમાં થઈ ગયા હતા. મુંબઈ સમાચારના તંત્રી મીનુ દેસાઈ પોતાના એક લેખમાં૧૦[10] લખે છેઃ ‘શ્રી નશ૨વાનજી તહેમુલજી દૂરબીન, કે જેઓ માત્ર ૩૫ વર્ષની વયે અવસાન પામેલા (ઈ.સ. ૧૮૧૨-૪૭) તેમણે ‘અરેબિયન નાઇટ્સ’નો ફારસી તથા અરેબિકમાંથી વાર્તા સ્વરૂપે ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો હતો. એથી જણાય છે કે ગુજરાતી ઉપરાંત ફારસી-અરબી ભાષાઓના અભ્યાસી કવિ નશ૨વાનજીનો જન્મ ઈ.સ. ૧૮૧૨માં થયો હતો, પરંતુ એ લેખમાં આપેલા કવિના દેહાંતના વર્ષ સાથે સંમત થઈ શકાતું નથી, કારણ ઈ.સ. ૧૮૩૬માં પોતાની ૨૪ વર્ષની વયે ‘ગુલજારે નશીહત ઈઆને નશીહતનો બાગ' નામનો જે કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો તેની ત્રણ આવૃત્તિ બહાર પડી હતી, તેમાં ઈ.સ. ૧૮૪૯માં છપાયેલી બીજી આવૃત્તિમાં કવિ કાવ્યાન્તે લખે છે:

બીજીવાર કેતાબ એ છપાઇ તે દને બારશોને અધાર એજદેજરદી શને....
તે શંગાથે ઈશવી શને જો ગને અધારશો ને ઓગણ પચાસ એને શને...
સમજ રાખ આ વાતની ધૈઆંનમો ભુલે નહીં તેને કોઈ નથી જેહાંનમા
માંઠે હું કહુ છેઉં હુઘાડુ શાફ કે ભુલચુક પડી હોએ તે કરજો માફ.

કવિના અવસાનનું વર્ષ મળ્યું નથી છતાં ઈ. સ. ૧૮૪૯માં પ્રસ્તૃત કાવ્યની બીજી આવૃત્તિ બહાર પડી ત્યારે કવિ હયાત હતા. ઈ.સ. ૧૮૮૧માં એજ પુસ્તકની ત્રીજી આવૃત્તિ કવિના ભાઈ ખુરશેદે પ્રગટ કરી હતી, એ ઉપરથી કવિની જીવનલીલા ઈ.સ. ૧૮૮૧ પહેલાં સંકેલાઈ ગઈ હોય એમ લાગે છે. એક મત પ્રમાણે કવિની અવટંક ‘આશાવઇદ' હતી. પરંતુ તેમણે ‘દુરબીન' (દૂરદર્શી) ઉપનામ હેઠળ ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યમાં પ્રદાન કર્યું હતું. ઈ.સ. ૧૮૫૧-૫૩ના ‘જગતપરેમી’ માસિકના અંકોમાં ‘દુરબીન’ પ્રેસમાં છપાયેલાં ચિત્રો જોવા મળે છે. એથી સાહિત્યના રસિયા કવિ એ જમાનામાં પોતાનું છાપખાનું પણ ચલાવતા હોય એવો સંભવ છે. કવિ નશ૨વાનજીએ 'ગુલજારે નશીહત' નામનો એક જ કાવ્યસંગ્રહ શીલા છાપમાં પ્રગટ કર્યો હોવા છતાં એ વાંચતાં કવિની કવિત્વશક્તિનો પરિચય વાચકને થાય છે. એ સંગ્રહના પૂર્વાર્ધમાં કવિએ ઉર્દૂ ભાષાના પ્રસિદ્ધ કવિ અમીર ખુસરોના ફારસી કાવ્ય ‘ખઈઆલાતે ખુસરવી'નો અનુવાદ એવી સફળતાથી કર્યો છે કે તે કાવ્યો કવિની મૌલિક કૃતિઓ જેવાં જ લાગે છે. એ સંગ્રહમાં અન્ય-ઉર્દૂ ફારસી કાવ્યોના અનુવાદો પણ કવિએ કર્યા છે. સંગ્રહને અંતે કવિએ મુંબઈની નામાંકિત પા૨સી વ્યક્તિઓ અને તેમના જીવનમાં બનેલા મહત્ત્વના પ્રસંગો પર મૌલિક કાવ્યો રચ્યાં છે. કાવ્યસંગ્રહના દીબાચા (પ્રસ્તાવના)માં કવિએ અહુરમઝદ અને પયગંબર જરથોસ્તની પ્રશંસામાં કેટલીક બેતો (કડીઓ) જોડી છે. શાહનામાની ઢબે લખાયેલી નીચેની બેતો કવિની પ્રાસ જાળવવાની ચીવટનો પણ પરિચય કરાવે છે.

તે ચાહે તો કંગાલને આપે રાજ લીએ શહેનશાહોને માથેથી તાજ...
જેની ૫૨ તે શાહેબની થાએ મેહેર મીઠાઇ જેવું લાગે તે ખાએ જો; જેહર

ઈશ્વરસ્તુતિ કર્યા પછી કવિ પયગંબર જરથોસ્ત વિશે જે પંક્તિઓ લખે છે તેમાં કવિની કેટલીક આગવી કલ્પનાઓ અને તેમની શબ્દસૂઝ દૃષ્ટિગોચર થાય છેઃ

પરથવીના કાબેલો તેના ચેલ એ એક દરીઆ ને તે શઉ રેલા.

કવિએ પારસી બોલીની ભારોભાર અસર ઝીલી છે તો ગુજરાતી જોડણી જાળવવાના પણ પ્રયાસ કર્યા છે. ‘શવાદ’ (સ્વાદ), ‘હભેઆશ’ (અભ્યાસ), ‘આપડા’ (આપણા) અને ‘તેણાવો’ (તેઓ) જેવા પારસી બોલીના શબ્દો કવિએ વાપર્યા છે તો બીજે પક્ષે ‘પાણી’ની શુદ્ધ જોડણી આખા કાવ્ય દરમ્યાન જોવા મળે છે. ‘પાણી’ની ‘પાની’ જેવી અશુદ્ધ જોડણી તો ઈ.સ. ૧૮૫૦ પછીનાં પારસી ગુજરાતી કાવ્યોમાં દૃષ્ટિગોચર થાય છે. આખા સંગ્રહમાં ખાસ ધ્યાન ખેંચે એવાં જે બેચાર કાવ્યો છે તેમાં એક ફકીર અને રાજાનું કથાત્મક કાવ્ય (પૃ. ૧૨૦-૧૨૩) છે. એમાં કવિની વિવિધરંગી કલ્પનાઓને સારો આવિષ્કાર મળ્યો છે. કવિનાં એવાં મૌલિક કાવ્યોમાં ઊંડી શબ્દસૂઝ અને તળપદી ભાષામાં અપાયેલા જ્ઞાનનો સુમેળ સધાયો છે. એ મધ્યકાલીન કવિનાં કાવ્યો ઉપદેશાત્મક છે. તત્કાલીન કવિઓની માફક આ કવિ પણ પ્રાસની જેટલી ચીવટ રાખે છે એટલી છંદની રાખતા નથી. કવિની વર્ણનશક્તિ સારી છે. કથાવાર્તામાં કવિ સુંદર ચિત્રો ઉપસાવી શકે છે. કવિએ સુરતના દુકાળનું વર્ણન કર્યું છે એ ખૂબ હૃદયસ્પર્શી બન્યું છે:

નબલાઓનો ભુખે થાઓ હેવો હાલ=લાગી નીકલવા દીલ પરથી ખાલ.

મધ્યકાળને અંતે કવિ દુરબીનનાં કાવ્યથી પારસી ગુજરાતી કાવ્યસાહિત્યમાં અંગ્રેજી શબ્દોનો પગપેસારો થયો લાગે છે. કવિએ ‘ખાટલા'ને માટે 'કોચ' શબ્દ વાપર્યો છે. મધ્યકાળમાં પારસી ગુજરાતી કાવ્યોને શિષ્ટબદ્ધ શીર્ષકો અપાયાં નથી. કવિએ પોતાનાં મૌલિક કાવ્યોને ‘કવેતો ઈઆદગારીનાં’, ‘કવેતો નાંમદારીનાં’ વગેરે શીર્ષકો આપીને નવો જ ચીલો પાડ્યો છે. મધ્યકાલીન પ્રથાનુસાર કવિએ ક્યારેક સંસ્કૃત શ્લોકોને પણ કાવ્યમાં વણી લીધા છે. પારસીબોલીના શબ્દો આ કવિએ વારંવાર ઉપયોગમાં લીધા છે. એકંદરે જોતાં મધ્યકાળના પારસી આખ્યાનસાહિત્યનો જથ્થો વિપુલ નથી છતાં પણ શિષ્ટતા, રસ તેમજ ભાષાની દૃષ્ટિએ જોતાં એ કાવ્યો આખ્યાનના ગુણોથી સંપન્ન છે એમ કહી શકાય. પારસી પ્રજાનો મધ્યકાળના અંત સુધીના ગુજરાતના વસવાટનો ઇતિહાસ એ કાવ્યોમાં પ્રતિબિંબિત થયો છે.


ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૨, ખંડ-૨, શોધિત-વર્ધિત આવૃત્તિ, પૃ.૨૬૮-૨૮૦, ૨૦૧૫



સંદર્ભનોંધ :

  1. ૧. શ્રીમતી પેરીન દારાં ડ્રાઈવરે ઈ.૧૯૭૨માં ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ કરેલો મહાનિબંધ-‘સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા,’ વૉ-૧-૨
  2. ૨. સ્વ. તેહમુરસ દી. અંકલેસરીઆએ ઈ.૧૮૭૩માં સંપાદિત કરેલું કવિ રુસ્તમનું રચેલું ‘સ્થાવાશનામુ’, પૃ. ૪૯.
  3. ૩. એ જ, પૃ. ૧૭-૧૮.
  4. ૪. નવસારીના મહે૨જી રાણા ગ્રંથાલયની હસ્તપ્રત, ક્રમાંક-યુ. - ૨૩.
  5. પ. એ જ.
  6. ૬. એ જ.
  7. ૭. સ્વ. બહેરામગોર તે. અંકલેસરીઆએ ઈ.સ. ૧૯૩૨માં સંપાદિત કરેલું કવિ રુસ્તમનું રચેલું, ‘જરતોશ્તનામું’, પ્રસ્તાવના, પૃ. ૨૯-૩૦.
  8. ૮. જમશેદ કા. કાત્રકે 'સાંજ વર્તમાન'ના ઈ.સ. ૧૯૫૨ના પતેતી અંકમાં લખેલો લેખઃ ‘અઢિ સદી પરના પારસી મોબેદ કવિ' -પૃ. ૧૧૮.
  9. ૯. એજન.
  10. ૧૦. મીનુ દેસાઈએ ‘ગ્રંથ' (ડિસેમ્બર, ૧૯૬૬)ના અંકમાં લખેલો લેખઃ ‘પારસી નવલકથાકારો.’