નારીસંપદાઃ વિવેચન/આત્મકથાનું સાહિત્યસ્વરૂપ

From Ekatra Wiki
Revision as of 00:16, 14 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૩

આત્મકથાનું સાહિત્યસ્વરૂપ
દક્ષા વિ. પટ્ટણી

આત્મકથાનું સાહિત્યસ્વરૂપ એ વિશે વાત કરતાં પહેલાં હું મારા વિષયક્ષેત્રની સીમાઓ સ્પષ્ટ કરી દઉં. આપણાં અનેક ગદ્યસ્વરૂપોની જેમ આત્મકથાનું ગદ્યસ્વરૂપ પશ્ચિમમાંથી આવ્યું તેમ તેનાં વિવેચનનાં ધોરણો પણ પશ્ચિમમાંથી આવ્યાં. આત્મકથાના સ્વરૂપ વિશે એનસાયક્લોપીડિયાથી માંડીને વિશ્વકોશ, વિવેચનગ્રંથો, સંપાદનો અને લેખોમાં જે સિદ્ધ થઈ ચૂક્યું છે તેની વાત મારે કરવી નથી. તેમજ અભ્યાસીને ઉપયોગી થાય તેમ ગોઠવવી પણ નથી. મારે તો માત્ર કૃતિઓ અને વિવેચનો વાંચતાં- વિચારતાં જે કંઈ બેચાર વાતો ક્યાંક પૂર્તિરૂપે તો ક્યાંક જરા જુદી રીતે કહેવા જેવી લાગી તે અને બેચાર પ્રશ્નો જે મારા મનમાં ઊભા થયા કરે છે તેની વાત કરવી છે. એટલે એવું બનશે કે આત્મકથાના સ્વરૂપના બધા જ મુદ્દાઓની વાત હું નહીં કરું; તેમ મારી વાતોમાં માત્ર એવી જ કૃતિના ઉલ્લેખો આવશે જેને મારા વિચારના મુદ્દા સાથે લેવાદેવા છે અને બીજી ઉત્તમ કૃતિઓ અને વિવેચનોનો ઉલ્લેખ પણ ન આવે તો એનો અર્થ માત્ર એટલો જ કે મારે કરવાની વાતમાં એ જરૂરી નથી એટલે મેં છોડી દીધું છે, અન્યથા તેની ઉત્તમતા વિશે શંકા નથી. વળી મારા મુદ્દાઓને ઉપયોગી દૃષ્ટાંતો પણ છોડીને હું માત્ર સિદ્ધાંતોની જ વાત કહીશ. આત્મકથાનાં સ્વરૂપલક્ષણોની વાત કરવા માટે હું આત્મકથાનું સ્વરૂપ અને તેનું વિવેચન જેના આધાર પર રચાયું તેવી ત્રણ પશ્ચિમની અને ત્રણ ગુજરાતી સાહિત્યની કૃતિ લઈને વાત કરવા માગું છું.

(૧) યુરોપીય સાહિત્યમાં સહુથી પહેલી ધ્યાનપાત્ર આત્મકથા એ ચોથી-પાંચમી સદીમાં લખાયેલ સેન્ટ ઑગસ્ટીનની ‘ધ કન્ફેશન્સ' છે અને તેણે તેમાં કૅથલિક ધર્મ વિશેનું સત્ય પોતાને કેવી રીતે પ્રાપ્ત થયું તેની વાત કરી છે.
(૨) ત્યાર પછી બીજી છેક સોળમી સદીમાં બેની વેન્ટુ સેલિની નામના એક કાંસ્ય શિલ્પીએ લખી. તેનું નામ પણ ‘ધ કન્ફેશન્સ' જ છે પણ તેણે તેમાં ઇટાલીના પુનર્જાગૃતિકાળનું એટલે કે રેનેસાંનું જીવંત ચિત્ર આલેખ્યું છે.
(૩) ત્રીજી ભૂમિકાએ અઢારમી સદીમાં આત્મકથાની આખી પરંપરા ઊભી કરવાનું માન રુસોને જાય છે. તેની આત્મકથાનું નામ પણ એ જ છે પણ તેણે તેમાં પોતાના ચિત્તની પ્રક્રિયાઓનો અભ્યાસ કરીને પોતાના મનોસંચલનોનું નિરૂપણ કર્યું છે. આ આત્મકથાએ આત્મકથા કેવી હોય તેનો માનદંડ ઊભો કરી દીધો. આથી એ પછી લખાયેલ આત્મકથાઓ પર આ પુસ્તકનો પ્રભાવ છે. (આટલી વિગતો એનસાયક્લોપીડિયામાં છે.)

આપણે ત્યાં આધુનિક યુગમાં નર્મદે પાશ્ચાત્ય સાહિત્યના અનુકરણમાં પરંપરાથી જુદું. કંઈક નવું કરી દેખાડવાની હોંશમાં 'મારી હકીકત' આપ્યું. મણિલાલે કબૂલાત રૂપે આત્મવૃત્તાંત આપ્યું અને પછી ગાંધીજીની ‘સત્યના પ્રયોગો' એક આદર્શ આત્મકથા બની ગઈ. પશ્ચિમમાં અને આપણે ત્યાં લખાયેલી આ કૃતિઓના ચીલે આપણું વિવેચન ચાલ્યું અને આત્મકથાનાં સ્વરૂપલક્ષણો, એનાં સર્જન પાછળનો ઉદ્દેશ વગેરે પશ્ચિમમાંથી લઈ આવી આજ સુધી તદ્દન જુદી રીતે લખાતી આત્મકથાને એ ફૂટપટ્ટીથી માપીને તેનું મૂલ્યાંકન કરીએ છીએ પણ બદલાયેલી પરિસ્થિતિમાં એ પુનર્વિચાર માગી લે છે.

[૧] ઉદ્દેશ: પશ્ચિમમાં અને આપણાં ઘણાં વિવેચનોમાંથી ઊઠતો પહેલો સૂર તે આ છે કે આત્મકથા લખવા પાછળનો સર્જકનો ઉદ્દેશ એ કન્ફેશન એટલે કે કબૂલાત છે. વળી આત્મકથા-લેખનના આ બધા જ પૂર્વસૂરિઓએ પોતાનાં સ્ખલનોની કબૂલાત કરી છે એટલે પોતે કરેલ ભૂલોની નિખાલસ કબૂલાત કરવાની વૃત્તિ તે આત્મકથાના સર્જન પાછળનું પ્રેરકબળ છે. આવું મોટા ભાગના વિવેચકોએ લખ્યું છે. પણ પછી ખેડાયેલ આત્મકથાના સ્વરૂપને વિશે આ કબૂલાત સિવાય બીજી ઘણી પ્રેરણાઓ દેખાય છે. જેમકે નર્મદે નવીનતા માટે, ગાંધીજીએ આત્મદર્શન માટે, ચં.ચી.એ પોતાના અનુભવના આનંદને વહેંચવા માટે, કાલેલકર, સ્વામી આનંદ કે જયંત પાઠકે બાળપણના નિર્દોષ આનંદને વ્યક્ત કરવા માટે -આવા તો અનેક ઉદ્દેશો દર્શાવી શકાય, પણ હું આ બધા ઉદ્દેશોના મૂળમાં રહેલ મૂળભૂત વૃત્તિબીજ તરફ ધ્યાન દોરું છું. તાજું જન્મેલું બાળક, કે ઇંડામાંથી બહાર નીકળેલું પક્ષીનું બચ્ચું જ્યારે આંખ ખોલીને જુએ છે ત્યારે તેની આંખમાં નર્યો વિસ્મય ભર્યો હોય છે. આ વિસ્મય એ આત્મકથાના ઉદ્દેશ પાછળની મૂળ વૃત્તિ છે. કોઈ પણ સભાનતાથી, વિચારપૂર્વક જીવતા માણસની સમજણની દૃષ્ટિ જ્યારે ખીલે છે ત્યારે તે પણ આવો જ વિસ્મય અનુભવે છે અને તેને બે પ્રશ્નો થાય છે.

(૧) પોતે શું છે? કેવો છે? શું કામ છે?

પોતે શું છે એટલે કે પોતાની અંદર આ ચૈતન્ય વિલસી રહ્યું છે તેની ગતિવિધિ શું છે એ જાણવાનું એને કુતૂહલ છે એટલે એ પોતાના વિશે, પોતાની શક્તિમર્યાદા વિશે વિચારતો થાય છે અને તેને તેમાં કશુંક ત્રુટક ત્રુટક આકાર પામતું દેખાય પછી એ જીવનમાં અને ક્યારેક મારી આત્મકથા લખીને તેમાં પોતાની એ આકૃતિને પૂર્ણ કરે છે.

(૨) બીજો પ્રશ્ન છે મારી આસપાસનું આ જગત શું છે? કેવું છે ?

તેનાં રહસ્યોને સમજવાનું કુતૂહલ : આ બે પ્રશ્નોમાંથી જગતનાં જ્ઞાનવિજ્ઞાનનો ઉદ્ભવ થયો. આત્મકથા લખવા પાછળના ઉદ્દેશમાં આ પોતા વિશેનું અને પોતાના પરિસર વિશેનું કુતૂહલ અને તેમાંથી પ્રાપ્ત થતી સમજણ એ બીજરૂપે દેખાય છે. કેમકે આત્મકથાનો લેખક હું તો પોતા વિશે અથવા પોતાની આસપાસની દુનિયા એટલે કે તેના પરિસરનું આલેખન કરે છે. પોતાની આસપાસ જે વ્યક્તિઓને એ જુએ છે, જે ઘટનાઓને એ પ્રમાણે છે તેમાંથી તે આઘાત-પ્રત્યાઘાત અનુભવે છે. પછી જ્યારે સ્વસ્થ બની એ વિચારે છે ત્યારે આ ઘટના પાછળનો અર્થ એને સમજાય છે. આ સમજણ અથવા દર્શનને તે આલેખે છે. જવાહરલાલ નેહરુ, જુગતરામ દવે, ઇન્દુલાલ યાજ્ઞિક કે રમણલાલ સોની આ બધાની આત્મકથામાં પરિસરનું જ મહત્ત્વ છે ને! દરેકની અનુભૂતિનો વિષય જુદો હોય છે પણ પ્રક્રિયા તો આ જ હોય છે. સમજણની પરિપક્વતામાંથી ઊભું થયેલું દર્શન પ્રાપ્ત થયા પહેલાં ઉત્તમ ચરિત્ર લખાતું નથી. ટૂંકમાં આત્મકથાના સર્જન પાછળનો સર્વસામાન્ય ઉદ્દેશ એ આવું એક સહજ કૌતુક છે. આ કૌતુકને પરિણામે જે કંઈ આનંદમય રહસ્યપૂર્ણ અનુભવ તેને થયો તેને પ્રગટ કરવાની ઇચ્છામાંથી આત્મકથા પ્રગટે છે. અન્ય કોઈ પણ સાહિત્ય સ્વરૂપની જેમ સર્જકને થયેલ અનુભવ એ આત્મદર્શનનો હોય કે જગતદર્શનનો, આત્મસાક્ષાત્કાર હોય કે વિશ્વરૂપ દર્શન, એ અનુભવને વ્યક્ત કર્યા વિના એ રહી શકતો નથી ત્યારે જ તેમાંથી કલાનું તેમ આત્મકથાનું પણ સર્જન થાય છે. કલા એટલે જ અન્તઃકરણના આનંદની ભૌતિક સાધન દ્વારા અભિવ્યક્તિ. ગાંધીજીને તો સાહિત્યકાર હોવાનો જરાયે વહેમ નથી અને એમણે તો પોતાની આત્મકથામાં એક વૈજ્ઞાનિક પ્રયોગપોથી લખતો હોય તેમ નરી તટસ્થતાથી સત્યના પ્રયોગ અને તેનાં પરિણામોની નોંધ કરી છે. છતાં એ લખવા પાછળનો ઉદ્દેશ શું છે? એ લખે છે: ‘જેનું હું ત્રીસ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ જ દૃષ્ટિએ છે.’ મને લાગે છે કે આ કન્ફેશન્સથી ઉપર ઊઠતું એવું એક નિર્દોષ આનંદનું, જીવનનાં રહસ્યોને પામ્યાનાં અનુભવનું આલેખન એ મોટા ભાગની સારી આત્મકથા કે ડાયરી લખવા પાછળનો ઉદ્દેશ હોય છે. પછી એ કાલેલકર, જયંત પાઠક, હરિકૃષ્ણ પાઠક કે ચંદ્રકાન્ત શેઠનાં શૈશવનાં મધુર સ્મરણો હોય કે પેલી યહૂદી છોકરી એટ્ટીની હૃદયવિદારક ઘટનાઓમાંથી શ્રદ્ધાને પ્રગટાવતી ડાયરી હોય. આમાં કયું કન્ફેશન હતું? એ મને સમજાતું નથી. આ ઉપરાંત જે આત્મકથાઓમાં કબૂલાતનું નિરૂપણ છે તેના વિશે પણ બે વાત વિચારવા જેવી છે.

(૧) આત્મકથામાં જો આ કબૂલાત સાચા અર્થમાં હોય તો એ પશ્ચાત્તાપના અગ્નિમાં તવાઈને એના શુદ્ધ થયેલ વ્યક્તિત્વમાં કાંતિ પ્રગટશે. જેમ ગાંધીજીની આત્મકથામાં આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ અને આત્મશુદ્ધિ એ ત્રણ પ્રક્રિયામાંથી પસાર થઈ એક નવું જ ચરિત્ર નિર્માણ પામે છે.
(૨) પણ બીજી વાત એ કે આત્મકથાનો લેખક પોતે કરેલ ભૂલોની માત્ર કબૂલાત જ કરે અને એ સ્ખલનોનાં વર્ણનમાં રાચે અથવા બચાવપ્રયુક્તિ માટે તેનું આલેખન કરે ત્યારે એ સર્જક અને ભાવક બન્ને માટે વિકારોમાં રાચવા માટેનું સાધન બની રહે છે. ટૂંકમાં આવી કબૂલાતો કંઈ બધી આત્મકથામાં હોતી નથી, હોવી જરૂરી પણ નથી એટલે કે કન્ફેશન એ આત્મકથાનો ઉદ્દેશ નથી તેમ તેનું લક્ષણ પણ નથી.

[૨] આપણી પરંપરા અને આત્મકથા : એ વિશે પણ જરા જુદી રીતે વિચારી શકાય. આમ તો પોતા વિશે વાત કરવી એ આપણી ભારતીય પરંપરા નથી, પણ પોતાના અહમને ઓગાળી આત્મતત્ત્વને ઓળખવાના અનુભવની વાતો આપણી પરંપરામાં નિરંતર ચાલી આવે છે અને તેની ભૂમિકા ઈશ્વર સાથેના તાદાત્મ્ય સુધીની છે એ વાત તરફ ત્રિદીપ સુહૃદે બહુ સરસ સંકેત કર્યો છે. એ દિશામાં પણ ઘણું સરસ અને આધાર સાથે વિચારી શકાય તેવું છે. પણ પરંપરાની જ વાત છે ત્યારે ભાષાની દૃષ્ટિએ પણ એક વાત કરવાનું મન થાય છે. આપણામાંથી ઘણાંને ખ્યાલ હશે કે આપણા પ્રાચીન સંસ્કૃત વ્યાકરણમાં પહેલો પુરુષ અત્યારે જે હું અને અમે છે તે ત્રીજો પુરુષ હતો અને ત્રીજો પુરુષ તે અને તેઓ છે તે પહેલો પુરુષ હતો એટલે કે ત્રીજો પુરુષ એ સહુથી મહત્ત્વનું પાત્ર ગણાતું અને સહુથી પહેલું સ્થાન તેનું હતું અને પોતાની વાત છેલ્લે ત્રીજા પુરુષમાં આવતી. હવે આ પોતાની જાતને પહેલી મૂકવાની આખી પરંપરા જ પશ્ચિમમાંથી આવી છે. વ્યાકરણમાં આવી, જીવનમાંયે આવી અને સાહિત્યમાં પણ આવી. સાહિત્યમાં આત્મકથાનું સ્વરૂપ એટલે કે પોતા વિશે લખવાની પરંપરા ભલે પશ્ચિમમાંથી આવી પણ ભારતીય પરંપરાનો લેખક પોતાને નિમિત્ત બનાવીને પોતાની આસપાસ બનેલી ઘટનાઓનું આલેખન કરે છે પણ પછી પોતાને અને ઘટનાને પણ ઓગાળીને એ વાત તો ત્રીજા તત્ત્વની જ કરે છે. નરસિંહ મહેતા લખે કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, અને ગાંધીજી એમને થયેલ સત્યની ઝાંખી આત્મકથામાં આલેખે તેમાં ફરક માત્ર સાહિત્યસ્વરૂપનો જ છે ને ! આની જ સાથે સંકળાયેલી બીજી વાત એ આત્મકથા શબ્દની છે. આત્મકથા એ ઑટોબાયોગ્રાફીનો માત્ર અનુવાદ નથી. એ માત્ર પોતાની જાતની કથા નથી. આત્મ શબ્દ ઘણું વધારે સૂચવી જાય છે. આત્માના મુખ્ય ગુણધર્મો શાશ્વતતા અને સર્વવ્યાપકતા તેમાં સમાયેલાં છે. આત્મ એટલે પોતે એટલો જ અર્થ માત્ર નથી એમ વિચારીએ અને વિચારવું જોઈએ કેમકે મોટાભાગની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મતત્ત્વને ઓળખવાની, પિંડને બ્રહ્માંડના સંદર્ભમાં સમજવાની જ મથામણ અને તેમાંથી પ્રગટતું દર્શન છે. આપણે ત્યાં લખાયેલી વિવિધ પ્રકારની આત્મકથા કેમ ન હોય! અવનીન્દ્રનાથ ઠાકુર કે રવિશંકર રાવળની ચિત્રકારની દૃષ્ટિએ લખાઈ હોય કે ધર્માનંદ સ્વામી કે નાનાભાઈ ભટ્ટે પોતાની ઘડતરકથા રૂપે લખી હોય. ઇન્દુલાલ યાજ્ઞિક કે જુગતરામ દવેએ પોતે કરેલાં કાર્યોની પ્રયોગોની અનુભવકથા લખી હોય કે પછી અનેક સર્જકોએ શૈશવનાં મધુર સ્મરણો આલેખ્યાં હોય પણ આ આત્મતત્ત્વને ઓળખવાની મથામણ મોટા ભાગની ઉત્તમ આત્મકથામાં દેખાય છે. આ આત્મતત્ત્વ એટલે હું તત્ત્વજ્ઞાનની ભારેખમ વાત નથી કરતી. આત્મતત્ત્વ એટલે આપણા સહુમાં પડેલું એક ચૈતન્ય જેને સમજવાની આપણી મથામણ છે એટલો જ અર્થ હું કરું છું. હવે આત્મકથાના મૂલ્યાંકન વખતે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આત્મકથાનો લેખક જે કથા કરે છે તે આ આત્મતત્ત્વની કરે છે કે તેને વીંટળાઈને પડેલાં આવરણોની કરે છે? ભલે એ આવરણો અત્યંત આકર્ષક હોય, લલિત હોય પણ એ આવરણ છે એની પાછળ રહેલા આત્મતત્ત્વ સુધી આપણે પહોંચવાનું છે એટલી ખબર તો આપણને પડવી જોઈએ. આ વાત સર્જક અને વિવેચક બન્નેને લાગુ પડે છે. આપણે જાણીએ છીએ એ સૂત્ર - हिरण्यमयेन पात्रेण सत्यस्य अपिहितम् मुखम् । સત્યનું મુખ સુવર્ણના પાત્રથી ઢંકાયેલું છે. મને લાગે છે કે આપણી અનેક આકર્ષક લાગતી આત્મકથાઓ આ સુવર્ણપાત્રના વર્ણનથી આકર્ષક લાગતી હોય છે. નિર્ભેળ આનંદ સુધી એ લઈ જતી નથી અને ભાવક તરીકે સાપણે પેલા આકર્ષણથી એટલા અંજાઈ જઈએ છીએ કે તેની જ પ્રશંસા કરવા માંડીએ છીએ. પછી એ આકર્ષણ ઘટનાઓનું હોય, તેના નાટ્યાત્મક નિરૂપણનું હોય, વર્ણન છટાનું હોય, ચિત્રવિચિત્ર વૃત્તિઓનું હોય કે વિકૃતિનું હોય, ભાષાશૈલીનું હોય કે પછી નર્યા જુઠાણાનું -આ દરેકનાં દૃષ્ટાંતો પડ્યાં છે. મારે કહેવાની જરૂર નથી. [૩] ત્રીજી મહત્ત્વની વાત તેને લલિતેર સાહિત્યપ્રકાર ગણવા અંગેની છે. હું સમજું હું તે પ્રમાણે આપણી મીમાંસામાં લલિત અને લલિતેતર કલા એ વિભાગો તો કલાના સર્જન પાછળ સર્જકનો હેતુ શો છે? તેને આધારે નક્કી થતો હોય છે. એટલે કે સર્જક માત્ર આનંદની અભિવ્યક્તિ માટે લખે છે? તો એ લલિત છે પણ ગમે તેવી સુંદર કલા પણ ભૌતિક ઉપયોગિતા માટે તેનું સર્જન થયું હોય તો તે લલિતેતર છે. મોટા ભાગના આત્મકથાકાર કે જીવનકથાકાર જીવનની લીલાઓનું નિજાનંદ માટે આલેખન કરતા હોય છે. પોતાના કે અન્યના જીવનની ઘટનાઓને એ રસપૂર્ણ રીતે આલેખતા હોય છે. મને લાગે છે કે કોઈ પણ સાહિત્યકૃતિ જ્યારે કલાનો આકાર પામે છે ત્યારે એ લલિત બની જ ચૂકી હોય છે. કોઈ એક સમયે કદાચ એ વાત સાચી લાગતી હશે પણ શક્યતાઓનો વિચાર કરીએ તો એ અવૈજ્ઞાનિક ગણાય અને વાસ્તવિકતાની દૃષ્ટિએ જોઈએ તો આજે તો અંગ્રેજીમાં, હિન્દીમાં, બંગાળી, મરાઠી અને ઉર્દૂમાં એટલી બધી સુંદર આત્મકથાઓ લખાય છે જે ખરેખર મનોહર લલિત સાહિત્ય કરતાં જરાયે ઊતરતી નથી. કેટલાંક વિવેચનો ચટાકેદાર હોય છે પણ વિચાર કરીએ તો તેનો કોઈ અર્થ નીકળતો નથી. દા.ત. ડબલ્યુ. એચ. એસ.ને આત્મચરિત્રને પગ-માથા વિનાની આકૃતિ સાથે સરખાવી અને પછી આપણા વિવેચકોએ પણ લખ્યું કે 'આત્મકથામાં જીવનના આરંભ અને અંતની કથા નથી માટે એ ખંડિત સ્વરૂપ છે.' મને પ્રશ્ન થાય છે કે આવું કલાના વિવેચકો કેમ કહી શકે? કોઈ પણ સાહિત્યકૃતિને જીવનના આદિ, મધ્ય કે અંત સાથે કોઈ સંબંધ નથી. કલાકૃતિને તેનો પોતાનો જ આદિ, મધ્ય અને અંત હોય છે. કલાકૃતિ તરીકે એ અખંડ બની છે ? એ પ્રશ્ન જ અગત્યનો છે. જો જીવનની ઘટનાઓથી જોઈએ તો આપણી કઈ નવલકથા કે મહાનવલ પણ અખંડ હોય છે? સર્જક આપણી ઉત્કંઠાને જાગ્રત કરે અને શમાવે ત્યાં કૃતિ પૂર્ણ થાય છે, નહીં કે જીવનના અંત સુધી એ લંબાય. [૪] આત્મકથાની સ્વરૂપચર્ચા સાથે સંકળાયેલો એક મહત્ત્વનો મુદ્દો સત્યનો છે. એવું કહેવાયું છે કે 'સત્યની અપેક્ષા જેટલી આ પ્રકારના સાહિત્ય પાસે રાખવામાં આવે છે તેટલી ઇતિહાસને બાદ કરતાં બીજા કોઈ પાસેથી રાખવામાં આવતી નથી.’ મને લાગે છે કે આ અપેક્ષાને પણ આપણે ઓળખી લઈએ. આત્મકથામાં નિરૂપાયેલું સત્ય એ માત્ર ઇતિહાસનું સત્ય નથી કે માત્ર બની ગયેલી ઘટનાઓનું નિરૂપણ નથી. તેને ઇતિહાસના સત્યનો આધાર જરૂર છે પણ સર્જક ત્યાં અટકતો નથી. એ પોતાની સમજણ દ્વારા એ ઘટનાઓમાં પડેલાં જીવનનાં સત્યને ઓળખીને પછી તેને પ્રગટ કરે છે ત્યારે જ તેનો વ્યક્તિગત અનુભવ સમષ્ટિગત બને છે. બાકી સ્થૂળ હકીકતનું સત્ય ગમે તેવું ઐતિહાસિક હોય તોયે તેમાંથી કશું પ્રાપ્ત થતું નથી. સિવાય કે લેખકની નિર્ભીકતા. ક્યારેક તો આપણને અરુચિ પણ થાય એવું સત્ય એ આત્મકથાનું અંગ છે એવું તો કેમ કહેવાય? એટલે હું એમ કહેવા નથી માગતી કે આત્મકથામાં સત્ય જરૂરી નથી પણ પ્રશ્ન એ છે કે આ ઇતિહાસનું સ્થૂળ સત્ય આપણને જીવનનાં, સમજણનાં સૂક્ષ્મ સત્ય સુધી લઈ જાય છે? તો જ તેનું મૂલ્ય છે. બાકી જેમ કવિતામાં છંદ, અલંકાર, પ્રાસ વગેરે ગોઠવવાથી કવિતા બનતી નથી તેમ માત્ર સત્યનું નિર્ભીકતાથી આકર્ષક આલેખન કરવાથી આત્મકથા બનતી નથી. વળી સર્જક જ્યારે કલાકૃતિ નિર્માણ કરે છે ત્યારે એ માત્ર જીવનનું નહીં, આકૃતિનું સત્ય તેણે આલેખવાનું હોય છે. મને લાગે છે કે આ વિચારની સ્પષ્ટતા માટે આ ત્રણ સત્યોને આપણે દૃષ્ટાંતથી ઓળખી લઈએ: (૧) ઘટનાનું સત્ય (૨) જીવનનું સત્ય અને (3) આકૃતિનું સત્ય. (૧) ઘટનાનું સત્ય: કોઈ પણ ઘટના જીવનમાં જેવી અને જેમ બની છે તેને તે જ સ્વરૂપે નિરૂપવી તે ઘટનાનું સત્ય. દા.ત. સુનિતા દેશપાંડેની આત્મકથા ‘મનોહર છે તોપણ'માં લેખિકાના જીવનનો સગાઈ થયા પછીનો અને લગ્ન પહેલાંનો પ્રસંગ છે. નાયિકા નાયક માટે તેણે મંગાવેલ સંતરાનો મોટો ટોપલો લઈને બહારગામથી આવવાની છે અને તેણે નાયકને લખ્યું છે કે સ્ટેશને સામો આવજે-ટ્રેન મોડી છે. રાત્રે દોઢ વાગે એ મુંબઈ ઊતરી. ખાતરી હતી કે પેલો આવશે જ, પણ ન જ આવ્યો. અંતે મહામુસીબતે મજૂર કરી માંડ માંડ ઘરે પહોંચે છે. હવે એને ચિંતા છે કે નક્કી પેલો બીમાર હશે નહીં તો ન આવે એવું બને નહીં. બીજે દિવસે રાહ જોઈ છેક બપોરે પેલાને ઘરે જાય છે તો ભાઈ સૂતા છે. ઊઠ્યા ત્યારે પૂછ્યું કે સ્ટેશને કેમ નહોતો આવ્યો તો જવાબ આપે છે કે આવ્યો હતો પણ ટ્રેન મોડી છે એમ ખબર પડી એટલે ઘરે આવીને સૂઈ ગયો. આ સાંભળીને લેખિકાને ખૂબ દુઃખ થાય છે અને ગુસ્સો આવે છે કે ટ્રેન આટલી મોડી અડધી રાત્રે આવવાની છે એ ખબર હતી તોયે એને ચિંતા પણ ન થઈ કે આ કેમ આવશે? આ ઘટના અને અકળામણનું આલેખન એ કરે છે ત્યાં સુધી એ ઘટનાનું સત્ય છે. પણ આ ઘટના એના જીવનને કયો આકાર આપે છે? એ ઘટનામાંથી એ શું પામે છે? એ લખે છે: 'હવે લગ્ન પછીના જીવનમાં આ જ પ્રકારના અનુભવ થાય તો મારે ફરિયાદ કેમ ને કોની પાસે કરવી? ને શા માટે ? આ સમજણ એ જીવનનું સત્ય છે જે આ દુઃખદ પ્રસંગમાંથી તેને મળ્યું છે પણ ભવિષ્યમાં બનનારી આવી અનેક ઘટનાઓમાં હવે એ આવો આઘાત નહીં અનુભવે એ એની ફલશ્રુતિ છે. જીવનમાં તેમ આત્મકથામાં ઘટનાનું સત્ય જીવનના સત્યને પ્રગટ કરે છે. જેની પાસે સમજણ છે તેને પણ આત્મકથામાં માત્ર જીવનનું સત્ય પણ ગમે તેવું સુંદર હોય, આકર્ષક હોય તોયે કલાકાર તેને આલેખતો નથી. જો તેણે નક્કી કરેલ વ્યક્તિત્વના નિર્માણમાં એ જરૂરી ન હોય તો. એટલે કે જીવનનું સત્ય આત્મકથામાં નિરૂપાયેલ વ્યક્તિત્વને આકાર આપવામાં ઉપયોગી છે ? તો જ તેનો અર્થ છે. દા.ત. ગાંધીજીએ આત્મકથામાં સત્યનું નિરૂપણ કર્યું છે પણ એટલા જ સત્યનું આલેખન કર્યું છે જે પોતાના લક્ષ્યમાં, કલાની આકૃતિમાં પોતાને અભિપ્રેત છે. આ આકૃતિ એટલે સત્યશોધકની આકૃતિ. એ સિવાયના મોહનદાસ નામના મનુષ્યના જીવનનાં અસંખ્ય સત્યોને એમણે સંયમના પથ્થર નીચે દાટી દીધાં છે અને બધા જ કલાકાર એમ જ કરતા હોય છે. આ ઉપરાંત નાયકે નિરૂપેલાં પોતાના જીવનનાં સ્ખલનોથી જ તેની સત્યનિષ્ઠા પ્રમાણી શકાતી નથી. જગતમાં એવાયે કેટલાક માણસો તો હશે જેને ક્યારેય ચોરી કરવાની, માંસ ખાવાની, ખોટું બોલવાની વૃત્તિ જ ન થતી હોય અને એ સિવાયનું ઘણુંબધું સુંદર હોય એવા માણસો આત્મકથા લખે ત્યારે શું લખે? સહુથી અગત્યની વાત એ છે કે આત્મકથાના સંવિધાનમાં લેખકનો અભિગમ શું છે? તેને આધારે એ ઘટનાઓનું આલેખન કરે છે અને એ સિવાયની મહત્ત્વની હોય તોયે છોડી દે છે. જેમ શિલ્પી શિલામાંથી પોતાની કલાકૃતિના નિર્માણમાં પોતાને અભિષ્ટ છે તે ભાગ રાખીને બાકીનો પથ્થર ગમે તેવો મોટો, સુંદર કે કીમતી હોય તોયે તેને કોતરીને છોડી દે છે તેમ જગતની જે જે આત્મકથા આપણને ઉત્તમ લાગી છે તેને આધારે એટલું તારવી શકાય કે તેમાં સત્યનું નિરૂપણ હોય છે પણ તેની ગતિ ધીમે ધીમે સ્થૂળ સત્યથી સૂક્ષ્મ સત્ય તરફની, ઇતિહાસના સત્યમાંથી જીવનના અને કલાના સત્ય તરફની હોય છે. [૫] આત્મકથાનો વિષય છે તેના સર્જકનું વીતી ગયેલું જીવન. પણ સમગ્ર જીવન એ આત્મકથાનો વિષય નથી. આત્મકથાનો સર્જક પોતાનું લક્ષ્ય નક્કી કરે છે અને એ પ્રમાણે ભૂતકાળમાં જીવી ગયેલા ખંડને એ નિરૂપે છે. એ ગમે તેટલી ટૂંકી હોય તોયે અધૂરી હોતી નથી. કેમકે સર્જક પોતાના અનુભવદર્શનને પ્રગટ કર્યા પહેલાં છોડી શકતો નથી. પૂર્ણતા અને અપૂર્ણતાને અનુભૂતિના અખંડ પ્રાગટ્ય સાથે સંબંધ છે. વળી તેના નિરૂપણમાં માત્ર ઘટનાઓ નથી હોતી પરંતુ એ અનુભવમાંથી જીવનને એ જે રીતે સમજે છે તે દૃષ્ટિ, દર્શન કે સમજણનું પણ એ જાણ્યે અજાણ્યે નિરૂપણ કરતો જાય છે. એ દર્શન ગમે તેટલું વ્યક્તિગત કે સીમિત કેમ ન હોય, પણ એ જ વિવિધ પ્રસંગોને ગૂંથનાર દોર બની રહે છે. મને લાગે છે કે આત્મકથામાં બે સ્વરૂપ એકસાથે પ્રગટ થતાં હોય છે : (૧) સાહિત્યકૃતિનું સ્વરૂપ અને (૨) બીજું તે કૃતિમાં નિરૂપાયું છે તે સર્જકનું સ્વરૂપ. આ બન્ને સ્વરૂપો નિરંતર બદલાતાં રહે છે, બદલાતાં રહેશે અને બદલાતાં રહેવાં જોઈએ. સપાટ જીવન આત્મકથાનો વિષય બની શકે નહીં. [૬] આત્મકથાની ભાષા કેવી હોવી જોઈએ? આવા પ્રશ્નોનો કોઈ જ અર્થ નથી કેમકે પ્રત્યેક કલાનુભવ પોતાની ભાષા લઈને જ આવે છે. એ અનુભવ કાવ્યમય હશે તો ભાષા પણ કાવ્યમય હશે. અનુભવ સંયમની તીવ્રતાનો સૂચક હોય તો ભાષા પણ ભારેખમ પથ્થર બનીને આવશે. એક જ સર્જકમાં અનુભવભેદે ભાષા બદલાય. ટૂંકમાં ભાષાને સાહિત્યસ્વરૂપ સાથે નહીં પણ સર્જકના અનુભવ સાથે સીધો સંબંધ છે. ક્યારેક તો એવું પણ બને કે અનુભવ અને ભાષા બન્ને આકર્ષક હોય તોયે આત્મકથાનો આકાર બંધાય નહીં. બધું વેરવિખેર થઈ જતું હોય તેવું લાગે. છતાં આવી કૃતિઓ પણ ક્યારેક આપણને સ્પર્શી જાય છે. તેની પાછળ સર્જક સાથેનું આપણું રુચિસામ્ય કારણરૂપ હોય છે. આત્મકથાનો લેખક પોતાના અનુભવોને મૂર્ત કરવા ગદ્યના માધ્યમનો કલાત્મક ઉપયોગ કરે જ છે. પણ માત્ર વાણીવિલાસ કે કલાચાતુર્ય તેની મર્યાદા બને. ક્યારેક મને લાગે છે કે શૈલીના વૈવિધ્યને, અભિવ્યક્તિનાં ઊંડાણોને સમજવાની દૃષ્ટિ આપણે કેળવવાની બાકી છે. ઉત્તમ સર્જક જ્યારે આત્મકથા લખે છે ત્યારે જીવનના દુ:ખદ અને અધમ લાગતા પ્રસંગો પણ તેના વ્યક્તિત્વની રેખાઓને ઉઠાવ આપે છે. એ જીવનની વરવી વાસ્તવિકતાને આલેખે ત્યારે પણ તેમાંથી વાસ્તવની વિરૂપતા નહીં પરંતુ નાયકને પડેલા ઘાથી તેના વ્યક્તિત્વનું જે પાસું ઉઠાવ પામ્યું તેનું આલેખન સહજપણે થઈ જાય છે. તેમાં લેખનની કલા નથી. જીવનની કલા છે, મને લાગે છે કે ઉત્તમ જીવનશૈલીના ઘડતર વિના આત્મકથા લખવી એ મુશ્કેલ નહીં તોયે ભ્રમણા તો જરૂર છે. [૭] કોઈ આત્મકથાકાર કલાની ગમે તેવી સૂઝ અને આવડત હોય તોયે પોતાના આંતરિક વ્યક્તિત્વને છુપાવી શકતો નથી. પછી એ મુનશી હોય કે ચંદ્રવદન, અમૃતા હોય કે સુનિતા. કલાનું, ભાષાશૈલીનું આવરણ ગમે તેવું સમૃદ્ધ કેમ ન હોય! એ વ્યક્તિત્વના સત્યને સંપૂર્ણપણે આચ્છાદી શકે નહીં. ટૂંકમાં અન્ય સાહિત્યસ્વરૂપની જેમ આત્મકથા પણ સુગ્રથિત હોવી જોઈએ. સર્જકે કથા જે અભિગમથી લખી છે એ અભિગમ તેની સંરચનામાં મહત્ત્વનું તત્ત્વ છે. આપણે તપાસવી જોઈએ તે સંરચનાની એકતાને. કૃતિની સંરચના એકત્વને પામી છે? તો એ સફળ કલાકૃતિ એટલું જ માત્ર આત્મકથાના કલાસ્વરૂપ વિશે હું કહી શકું.


પરબ, મે, પૃ.૪૭-૫૪,૨૦૦૩