વિદ્યાવિનાશને માર્ગે/૭

From Ekatra Wiki
Revision as of 11:28, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭| સુરેશ જોષી}} {{Poem2Open}} વિદ્યાપીઠનાં કાર્યક્ષેત્ર અને લક્ષ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુરેશ જોષી

વિદ્યાપીઠનાં કાર્યક્ષેત્ર અને લક્ષ્ય વિશે ફરીથી વિચારવાનો સમય આવી ગયો છે. વિદ્યાપીઠના તન્ત્રવાહકો એના સંચાલન માટેનાં ધારાધોરણો કાયદાની કુનેહથી બરાબર ઘડી કાઢે છે. પણ એ બધાં વહીવટી પ્રપંચની સાભિપ્રાયતા જેના પર આધાર રાખે છે તે મૂળ હેતુ વિશે કશી સ્પષ્ટતા છે ખરી? સામાન્ય રીતે એમ કહેવાતું આવ્યું છે કે, વ્યાપક દૃષ્ટિએ જોતાં, યુવાનોને કેળવવા તે વિદ્યાપીઠનું લક્ષ્ય છે. સહેજ સરખું કારણ મળતાં કે કારણ ન હોય ત્યારે આ કે તે પક્ષનો હાથો બનીને દંગલ મચાવનાર આજના વિદ્યાર્થીને આપણે કેળવાયેલો કે કેળવણી પામવાના હેતુથી વિદ્યાપીઠમાં આવેલો ગણી શકીશું?

આજની વિદ્યાપીઠોમાં શિક્ષણ પરત્વે ત્રણ લક્ષ્યને સ્વીકારવામાં આવ્યાં હોય એવી સમજ પ્રવર્તે છે. ક્રમિક રૂપે એ ત્રણ લક્ષ્ય આ પ્રમાણે છે : વિદ્વાનો અને તે તે વિષયના તદ્વિદોએ પ્રાપ્ત કરેલું જ્ઞાન તથા ભૂતકાળમાં પ્રાપ્ત થયેલું અને પુસ્તકાલયોમાં સંચિત થયેલું જ્ઞાન વિદ્યાથીઓને આપવું; વિદ્યાર્થીઓને ભવિષ્યમાં એ જે વ્યવસાય કે કારકિર્દી સ્વીકારવા માંગતા હોય તે માટેની સજ્જતા પ્રાપ્ત કરાવવી; માનવી, એ જે જગતમાં રહે છે તે અને તેનું પોતાના સન્દર્ભ વિશેનું જ્ઞાન – આ વિશે જે વિચારાયું છે અને વિચારાઈ રહ્યું છે તેનું પરીક્ષણ અને મૂલ્યાંકન કરવાની સજ્જતા કેળવવી. મને લાગે છે કે આ પરત્વે તો ઝાઝો મતભેદ હોવાનો સમ્ભવ નથી. કોઈ પણ વિદ્યાપીઠ પોતાના વિદ્યાર્થીને એની સમકાલીન વિચારણાને આલોચનાત્મક રીતે તપાસીને પોતાના વ્યવહાર માટે વિવેક કરવાની શક્તિ આપી શકતી ન હોય તો એ પોતાના મૂળભૂત ઉદ્દેશમાં નિષ્ફળ ગઈ છે એમ જ કહેવાનું રહે. પ્લેટોની અકાદમીથી માંડીને આપણે જેના આદર્શને દૃષ્ટિ સમક્ષ રાખીને આપણી વિદ્યાપીઠોને સ્થાપી હતી તે ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ આ છેલ્લા હેતુને ચૂકી જઈને નિષ્ફળતા વહોરી લેવાનું સ્વીકારે નહિ. એ બધાને માટે એ જ તો સૌથી મહત્ત્વની શૈક્ષણિક પ્રવૃત્તિ હતી. અમેરિકામાં તો ઘણી મહત્ત્વની ઇજનેરી અને ટેકનોલોજીનું શિક્ષણ આપનારી સંસ્થાઓ આ હેતુનો પોતાના અભ્યાસક્રમમાં સમાવેશ કરે છે. આપણે ત્યાં તો વિજ્ઞાન અને વાણિજ્યના વિદ્યાર્થીઓ ભાષાજ્ઞાનને પણ વધારાના બોજારૂપ વિષય ગણીને વિરોધ કરતા રહ્યા છે. સંકુચિત ઉપયોગિતાવાદી દૃષ્ટિબિન્દુને સ્વીકારી લેવાથી હવે સર્વાંગીણ કેળવણી કે ‘લિબરલ એજ્યુકેશન’ની વાત કરવાનો કશો અર્થ રહ્યો નથી.

પોતાના વ્યવસાય કે કારકિર્દીને માટેનું જરૂરી શિક્ષણ મેળવતી વેળાએ પણ એ સમાજના વિકાસના હિતને ઉપકારક થઈ પડે એ વાત ભૂલવાની હોતી નથી. શિક્ષણ ક્યારેક કેવળ વૈયક્તિક ઉત્કર્ષની મનોવૃત્તિને જ કેન્દ્રમાં રાખતું નથી. એવી મનોવૃત્તિ અનુચિત સ્પર્ધાનું વાતાવરણ રચે છે જે સામાજિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ હાનિકારક નીવડે છે. અહીં પણ પોતાના વ્યવસાય અને સમાજ સાથેના સમ્બન્ધોની વિચારણા તથા તેની આલોચના જરૂરી ગણાય છે.

કોઈ પણ ઊંચું નિશાન તાકતી વિદ્યાપીઠ કેવળ પ્રાપ્ત જ્ઞાનના વિતરણથી સન્તોષ માનતી નથી, જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાનો પુરુષાર્થ મહત્ત્વનો લેખાય છે. એ ક્ષેત્રમાં નવું અર્પણ કરવાની મહત્ત્વાકાંક્ષા દરેક વિદ્યાપીઠ ધરાવતી હોય છે. જ્ઞાનનાં જુદાંજુદાં ક્ષેત્રો વચ્ચેના સમ્બન્ધો સમજવાની ભૂમિકા પણ સિદ્ધ કરવાની રહે છે. સમાજવિદ્યા, અર્થશાસ્ત્ર, દાર્શનિક વિચારણા, વિજ્ઞાન – આ બધાંનું તાકિર્ક પૃથક્કરણ અને તેના તારતમ્યનો વિવેક કેળવવો એ કોઈ પણ વિદ્યાપીઠ માટે આવશ્યક લેખાવું જોઈએ.

આમ પ્રાપ્ત જ્ઞાનનું આલોચનાત્મક મૂલ્યાંકન અને જ્ઞાનની નવી ક્ષિતિજોની શોધ આ બે વિદ્યાપીઠનાં મહત્ત્વનાં કાર્યો છે. વિદ્યાપીઠે તૈયાર કરેલા ઈજનેર, દાક્તર કે વિજ્ઞાનીનું જો આ પાસું નબળું હોય તો એનો શૈક્ષણિક વિકાસ અધૂરો જ લેખાવો જોઈએ. આ બાબતમાં વિદ્યાપીઠના વાતાવરણમાં સર્ગગ્રાહિતા અને ઉદારતા હોવાં જોઈએ. નહિ તો વિદ્યાપીઠો આ કે તે નીતિ કે વાદના પ્રચારના અખાડા જેવી બની જાય છે. ગાંધીવાદને સમજવાનો આગ્રહ રાખનારે એને અન્ય વિચારણાઓના સન્દર્ભમાં જ સમજવો જોઈએ. ઘણી વાર પહેલેથી આ કે તે વિચારણાની કે અભિગમની સ્વીકૃતિ થઈ ચૂકી હોય છે તો કહેવાતી બૌદ્ધિક આલોચનાની પ્રવૃત્તિ કેવળ એનાં સમર્થનો ઊભા કરવા પૂરતી જ મર્યાદિત રહે છે. અથવા તો પોતાને અભિમત નહિ એવી વિચારણા પર આક્રમણ કરવાનો સંકુચિત હેતુ જ એમાં સ્વીકારાયો હોય છે. કેટલીક વાર તો અમુક એક વ્યક્તિની કે અમુક જૂથની વિચારણા કે કાર્યક્રમના પ્રચારનું સાધન વિદ્યાપીઠને બનાવી દેવામાં આવે છે. આવાં કશાં સામાજિક કે રાજકીય દબાણોથી વિદ્યાપીઠને મુક્ત રાખી શકે એવું કૌવત ધરાવનારાના હાથમાં જ એનું સંચાલન હોવું જોઈએ. એણે તટસ્થ વસ્તુલક્ષી દૃષ્ટિ સ્વીકારીને વિદ્યાપીઠોમાં, નવી વિચારણાને પોષણ મળે એવું, વાતાવરણ ઊભું કરવું જોઈએ. જ્યાં આ બનતું નથી ત્યાં વિદ્યાપીઠમાં જ્ઞાનવિકાસને માટે અનિવાર્ય સ્વાતન્ત્ર્ય જાળવી શકાતું નથી.

આથી જ તો, આગળ કહ્યું તેમ, વિદ્યાપીઠને વર્ગવિગ્રહમાં એક શસ્ત્ર તરીકે વાપરી શકાય નહિ. આમ થાય તે અટકાવવાનું બહુ સહેલું નથી. કારણ કે કોઈ વિદ્યાપીઠ તેના સંચાલનની આથિર્ક વ્યવસ્થા પરત્વે આત્મનિર્ભર નથી હોતી. દરેક દાતા અને અનુદાન આપનારી સરકાર નિ:સ્વાર્થભાવે એવું કરતાં નથી. એમની સમક્ષ કેવળ જ્ઞાનના ઉત્કર્ષનો જ હેતુ હોતો નથી. એમની કેટલીક બીજી સ્વાર્થપ્રેરિત અપેક્ષાઓ હોય છે. આમ છતાં વિદ્યાપીઠોની સ્વાયત્તતાનો આગ્રહ રાખવો જરૂરી છે. કારણ કે સત્યનું અન્વેષણ પક્ષિલ મનોવૃત્તિથી દૂષિત નહિ થાય તો જ એનું સાચું ગૌરવ થઈ શકે. એના પર અનિચ્છનીય એવા કશા અંકુશો હોવા જોઈએ નહિ. આ આજે વધારે કપરું છે. કારણ કે ઘણી બધી સામાજિક અને રાજકીય સંસ્થાઓ વચ્ચે સત્તા ભોગવવા માટે ઉગ્ર સ્પર્ધા ચાલી રહી છે.

આ સ્વાયત્તતા કે સ્વતન્ત્રતાનો અર્થ એ નથી કે વિદ્યાપીઠ સમાજથી નિલિર્પ્ત રહે, આ બધાં આન્દોલનો પરત્વે નરી ઉદાસીનતા કેળવે. અમેરિકાની એક વિદ્યાપીઠમાં સેનેટર મેકાર્થી મુલાકાતે ગયેલા. ત્યાં રાજકારણના વિષયમાં સામ્યવાદનો પણ, એક મહત્ત્વની વિચારણા લેખે, અભ્યાસ કરાવવામાં આવતો હતો. તે જાણીને એમણે નારાજી પ્રકટ કરીને પૂછ્યું ‘આ અનિષ્ટ વિચારણાનું ઝેર અહીં શા માટે પ્રસારવામાં આવે છે?’ વિદ્યાપીઠમાંના એ વિષયના અધ્યાપકે જવાબ વાળ્યો ‘તો પછી આપણે દાક્તરી શીખવતા કેન્સર જેવા રોગનો અભ્યાસ શા માટે કરાવીએ છીએ?’ જેનો પ્રતિકાર કરવો હોય તે વિશે તો તટસ્થ બુદ્ધિથી પૂરેપૂરું જ્ઞાન મેળવી લેવું જોઈએ, તો જ પ્રતિકાર સમર્થ બને. વિદ્યાપીઠ જે છે તેને તે જ સ્વરૂપે સાચવી રાખવા માટેનું સંગ્રહસ્થાન નથી, એ સત્તાનું માળખું ટકાવી રાખવા માટેનું સાધન નથી. બધા જ ક્ષેત્રની સમસ્યાઓની તટસ્થ દૃષ્ટિએ આલોચના વિદ્યાપીઠમાં જ થઈ શકે. એને માટેનાં બૌદ્ધિક ઓજારો કુશળતાપૂર્વક વાપરવાની સજ્જતા અધ્યાપકોમાં હોવી ઘટે. વિદ્યાપીઠ પરિસ્થિતિનું સૂક્ષ્મ આલોચનાથી નિદાન કરી આપે છે અને એ રીતે એના ઉકેલ માટેની અનિવાર્ય એવી ભૂમિકા રચી આપે છે. ઘણા કેવળ કોઠાસૂઝથી બધી સમસ્યાનું નિરાકરણ કરવાનો દાવો કરતા હોય છે. એમના પર આધાર રાખનાર સમાજ જોખમ વહોરી લે છે. સત્યને જોવાની અવિચલિત સ્થિર દૃષ્ટિ કેળવી આપવાનું કામ વિદ્યાપીઠોનું છે.