નારીસંપદાઃ વિવેચન/નારીવિમર્શઃ મહાદેવી વર્મા તથા વર્જિનિયા વૂલ્ફના વિશેષ સંદર્ભમાં

From Ekatra Wiki
Revision as of 01:26, 18 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૫

નારીવિમર્શ :મહાદેવી વર્મા તથા વર્જિનિયા વૂલ્ફના વિશેષ સંદર્ભે
નિવ્યા પટેલ

ભારતમાં ૧૯મી સદીના નવજાગરણ વખતે નારીવિમર્શ કેન્દ્રમાં આવ્યો હતો. બ્રિટિશ સંસ્કૃતિના પરિચયે આપણી સંસ્કૃતિનાં સારાં અને નરસાં પાસાંઓ ખુલ્લા પાડ્યા હતાં. પ્રકાંડ પંડિત રાજા રામમોહન રાય અંગત જીવનની એક જ ઘટનાને કારણે વિક્ષુબ્ધ થઈને સતીપ્રથા વિશે જંગ છેડે છે. રામકૃષ્ણમિશન, આર્યસમાજ, પ્રાર્થનાસમાજ જેવી સંસ્થાઓ દ્વારા વિધવાવિવાહ, પુનઃલગ્ન પર ભાર મુકાય છે. બાળલગ્નો અને કજોડા-વિવાહનો વિરોધ થાય છે. ભગિની નિવેદિતા જેવી સ્ત્રીઓ આમાં ભાગ ભજવે છે. જે શિકાગો ધર્મપરિષદમાં વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિની અનન્યતા પ્રસ્થાપિત કરી હતી એ જ પરિષદમાં પંડિતા રમાબાઈએ એક હિંદુ વિધવાની દારુણ વ્યથાનો પણ ખ્યાલ આપ્યો હતો. નવજાગરણકાલીન આ નારીવિમર્શ કહી શકાય કે લગભગ ઉચ્ચ મધ્યમવર્ગીય સ્ત્રીકેન્દ્રી હતો. એને તમામ વર્ગોની સ્ત્રી સુધી જ્યોતિબા ફૂલે જેવા પહોંચાડે છે. કર્મશીલ તરીકે એમણે જે કેટલાંક કામો કર્યા છે, જેમ કે એ વખતે ભ્રૂણહત્યા સામે કરેલું સમભાવપૂર્વક આંદોલન આ સંદર્ભે યાદ કરી શકાય. પોતાનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેને એમણે શિક્ષિત બનાવ્યાં અને દલિતો માટેની શાળાનાં શિક્ષિકા પણ બનાવ્યાં. જ્યોતિબા ફૂલે નિમિત્તે દલિતવિમર્શ, નારીવિમર્શ અને શિક્ષણવિમર્શ એકસાથે ભેગા થાય છે. રાજા રામમોહનરાય કે જ્યોતિબા ફૂલેના નિબંધોમાં નારીવિમર્શ કેન્દ્રમાં છે. રાજા રામમોહનરાયની વિચારસરણીનો પ્રભાવ ટાગોરના નારીવિમર્શમાં પણ જોઈ શકાય છે. 'સ્ત્રીનો પત્ર', 'પહેલો નંબર', 'દૃષ્ટિહીન', 'જીવતી મરેલી', 'સુભા' જેવી ઘણી બધી વાર્તાઓ નારીવેદનાને અને નવી નારીની છબીને પણ આકારે છે. આ પરંપરામાં જ રાષ્ટ્રીય આંદોલન વખતે સ્ત્રી ઘરનો ઉંબર ઓળગી આંદોલનમાં ભાગ લેતી થઈ, સત્યાગ્રહી બની, સશસ્ત્રક્રાંતિકારિણી બની, દારૂના અડ્ડા પર પિકેટિંગ કરવા ગઈ અને આને પરિણામે સ્ત્રીસશક્તિકરણનું એક નવું પરિમાણ રાષ્ટ્રીય આંદોલનના પરિણામે ઊઘડ્યું. તો બીજી તરફ વૈશ્વિક સ્તરે રશિયન ક્રાંતિના પરિણામે રશિયાનાં ખેતરોમાં ધમધમાટ ટ્રેક્ટરો ચલાવતી સ્ત્રી આવી ચૂકી હતી. બે વિશ્વયુદ્ધના વચ્ચેના ગાળામાં પ્રગતિશીલ સર્જકો દ્વારા શોષણમુક્ત સમાજનું મુક્તિપર્વ આરંભાયું હતું જેના રંગે રંગાયેલા અનેક લેખકો સર્જનાત્મક સ્તરે અને ચિંતનાત્મક સ્તરે એની અભિવ્યક્તિ કરતા રહ્યા. ૧૯૨૯માં વર્જિનિયા વૂલ્ફનું પ્રગટ થયેલું 'એ રૂમ ઑફ વન્સ ઓન' જેનો ગુજરાતી અનુવાદ ‘પોત્તાનો ઓરડો' નામે રંજના હરીશે કર્યો છે, એ પુસ્તક હાંસિયામાં ધકેલાઈ ગયેલી સ્ત્રીને ચર્ચે છે. તો ૧૯૩૦માં ‘ચાંદ સામયિકમાં એમના જ સમકાલીન ભારતીય લેખિકા મહાદેવી વર્મા 'શૃંખલા કી કડિયાઁ' નામે, જેનું ઉપશીર્ષક 'ભારતીય નારી કી સમસ્યાઓં કા વિવેચન’ છે તે આરંભે છે અને ૧૯૪૯માં સિમોન દ બૂવા ‘ધ સેકન્ડ સેક્સ' આપે છે. પરંતુ આપણે ત્યાં જેટલી ચર્ચા વર્જિનિયા વૂલ્ફની કે સિમોન દ્ બૂવાની થઈ છે એના દસમા ભાગની ચર્ચા પણ મહાદેવી વર્માના ગ્રંથની થઈ નથી ! આ ભારતીય લેખિકાનો નારીવિમર્શ આજે પણ પ્રસ્તુત છે. વિશેષતઃ આ તો એમની શતાબ્દીનું વર્ષ છે તેથી મેં અહીંયાં એવો ઉપક્રમ રાખ્યો છે કે વર્જિનિયા વૂલ્ફ અને મહાદેવી વમએિ સ્ત્રીપ્રશ્નો વિશે લખેલા ચિંતનાત્મક નિબંધોનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરવો. અગાઉ જોવું તેમ આ બન્ને કૃતિઓ એક જ સમયગાળામાં પ્રગટ થઈ છે પણ બન્ને લેખિકાઓના પરિવેશ જુદો હતો. વર્જિનિયા વૂલ્ફનો ઇંગ્લેન્ડનો સમાજ છે તો મહાદેવી વર્માંનો ભારતીય સમાજ. પણ બન્ને સમાજમાં સ્ત્રીઓની દશા એક તુચ્છ જંતુથીય બદતર હતી. ‘પોત્તાનો ઓરડો' વૂલ્ફ જ્યારે પ્રગટ કરે છે ત્યારે તેમની ઉંમર ૪૬ વર્ષની હતી. આ પુસ્તક પ્રગટ થાય છે એ પૂર્વે એમની અનેક નવલકથાઓ પ્રગટ થઈ ચૂકી હતી એટલે એમના વિચારોની પ્રૌઢિ આ પુસ્તકમાં જોવા મળે છે. જ્યારે મહાદેવી વર્મા 'શૃંખલા કી કડિયાં' પ્રગટ કરે છે ત્યારે એમની ઉંમર ૨૩ વર્ષની હતી. વર્જિનિયા વૂલ્ફથી બરાબર અડધી. હજુ તો તેઓ એમ.એ.માં અભ્યાસ કરી રહ્યા હતાં. ત્રેવીસ વર્ષની ઉંમરે કવિતા લખી શકાય પણ વિદ્યાર્થી અવસ્થામાં 'શૃંખલા કી કડિયાં' જેવો સીમાચિહ્નરૂપ ગ્રંથ વિચારોની પ્રૌઢિ સાથે તેઓ કેવી રીતે લખી શક્યા એ આજે આપણને પ્રશ્ન થાય. આપણે જાણીએ છીએ કે ભારતમાં ૧૯૩૦ના દાયકામાં તો રાષ્ટ્રીય આંદોલનની પરિપકવતા આવી હતી અને સાથે સાથે સાહિત્યમાં પણ પ્રગતિશીલ આંદોલનો શરૂ થયાં હતાં. વળી 'સ્ત્રીદર્પણ', 'ગૃહલક્ષ્મી', 'આર્ય મહિલા', 'મહિલા સર્વસ્વ', 'ચાંદ' જેવાં સામયિકોમાં પણ સ્ત્રીજીવનની સમસ્યાઓ અને સ્ત્રીમુક્તિના સંઘર્ષોના લેખો છપાતા હતા, આજે પણ સ્ત્રીઓને લગતા અનેક સામયિક બહાર પડે છે જેમાં સ્ત્રી કેન્દ્રમાં છે. નારીવિમર્શ છે પણ એ દેહ સુધી સીમિત બનીને રહી ગયો છે. ફરીથી નારીદેહના ચક્રવ્યૂહમાં ફસાઈ રહી છે. સમગ્ર ચર્ચા, લેખો, ચિંતાના વિષયો બદલાઈ ગયાં છે ! લગ્નો, લગ્ન પૂર્વે - પછીની તૈયારીઓ, જાતીય સંબંધો, કુવારા માતૃત્વ, ફેશનો, વાનગી, જેવા વિષયો આજે ક્રાંતિના પર્યાય બની ગયા છે ! એ વખતનો આખો માહોલ જ જુદો હતો ને વળી મહાદેવી વર્મા પોતે સર્જક તો ખરા, સાથે સાથે સમાજસુધારક અને ક્રાંતિકારી હતા એટલે આ બધા વાતાવરણને લીધે તેમના ચિંતનમાં પ્રૌઢતા દેખાતી હતી. વર્જિનિયા વૂલ્ફ 'પોત્તાનો ઓરડો' રૂપે વાત કહી રહ્યા છે ત્યારે ૧૮મી સદી સુધી ઈંગ્લૅન્ડમાં સ્ત્રીઓને ભણવાની તક નહોતી, ન મિલકત ધરાવાનો અધિકાર ક નહોતો મતાધિકાર, જ્યારે મહાદેવી વર્મા 'શૃંખલા કી કડિયાઁ' લઈને આવે છે ત્યારે આપણે ત્યાં તો સ્ત્રીઓની પરિસ્થિતિ એથીય બદતર હતી. ૧૯મી સદીમાં આપણે ત્યાં તો એવું વાતાવરણ હતું કે સ્ત્રી ભણે તો વિધવા થાય, જેવી અફવાઓનું જોર ફેલાયેલું હતું. આ ઉપરાંત સતીપ્રથા, બાળલગ્નો, કજોડાં લગ્નો, વિધવાઓની બદતર સ્થિતિ જેવા અનેક પ્રશ્નો હતા. આ બન્ને લેખિકાઓની લેખનશૈલી જુદી જુદી છે. ૧૯૨૮માં વૂલ્ફને એક કૉલેજમાં સ્ત્રીલેખન પર વ્યાખ્યાન આપવા આમંત્રેલાં ત્યારે એમણે સ્ત્રી તથા તેન નવલકથા' વિષય પર બે વ્યાખ્યાનો આપેલાં. એ વ્યાખ્યાનોનું પુસ્તકદેહે પ્રાગટ્ય એટલે ‘અ રૂમ ઓફ વન્સ ઓન', જેમાં પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ સદીઓથી કેવી મુશ્કેલીઓ વેઠતી આવી છે, આગળ આવવા માટે કેવા કેવા સંઘર્ષો કરતી રહી છે તેની વાત કથાસાહિત્યની કલ્પનામિશ્રિત શૈલીમાં કરે છે. જોકે આ સ્ત્રીઓ ઉચ્ચ અને મધ્યમવર્ગ પૂરતી સીમિત રહે છે. જ્યારે મહાદેવી વર્માનું 'શૃંખલા કી કડિયાઁ' એ 'ચાંદ' સામયિકમાં નારીજીવનન વિવિધ વિષયોને લઈને લખેલા નિબંધાત્મક શૈલીના લેખો છે. જે પુસ્તકદેહે ૧૯૪૨થી પ્રગટ થયા છે. તેમાં ‘હમારી શૃંખલા કી કડિયાઁ', 'યુદ્ધ ઔર નારી', 'નારીત્વ કે અભિશાપ', 'આધુનિક નારી', ‘ઘર ઔર બાહર', 'હિંદુ સ્ત્રી કા પત્નીત્વ', 'સ્ત્રી કે અર્થસ્વાતંત્ર્ય કા પ્રશ્ન', 'જીવન કા વ્યવસાય', 'હમારી સમસ્યાએં', 'સમાજ ઔર વ્યક્તિ', 'જીને કી કલા' - જેવા વિષયો લઈને આદિમયુગથી શરૂ કરી સભ્યતાના વિકાસ સુધીના ભારતીય સમાજની ઉચ્ચવર્ગથી માંડીને દલિતવર્ગ સુધીની સ્ત્રીઓની દયનીય દશાનાં ચિત્રો લેખ રૂપે રજૂ કર્યા છે. વૂલ્ફે ‘પોત્તાનો ઓરડો' નિમિત્તે ‘સ્ત્રી તથા તેની નવલકથા' જેવા મર્યાદિત વિષયની વાત કરી હોવાથી સ્ત્રી એટલે શું ? એ લખે તે કેવું લખે ? સ્ત્રીઓ દ્વારા સ્ત્રી વિશે લખાયેલી નવલકથા કેવી હોય ? - જેવા પોતાના મનમાં ઊઠેલા પ્રશ્નો મેરી બેટન નામના એક કાલ્પનિક પાત્ર દ્વારા રજૂ કર્યા છે. જેથી તેઓ સ્ત્રીઓની આર્થિક, સામાજિક, વૈચારિક સ્વતંત્રતા, શિક્ષણ જેવા સીમિત પ્રશ્નોને વાચા આપી. શક્યા છે. જ્યારે મહાદેવી વર્માં પોતે કર્મશીલ હોવાથી સ્ત્રીસ્વાતંત્ર્ય, શિક્ષણ, દહેજ, વિધવા, વૈશ્યા, લગ્ન, સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવો જેવા અનેક પ્રશ્નોને વાચા આપી શક્યા છે. જે ભારતની વર્તમાન પરિસ્થિતિમાં અત્યંત પ્રસ્તુત છે. સૌપ્રથમ ‘પોત્તાનો ઓરડો’માંથી વર્જિનિયા વૂલ્ફનું નારીવિમર્શની વાત કરું તો છ પ્રકરણમાં વહેંચાયેલ આ વ્યાખ્યાનના પહેલા જ પ્રકરણમાં મેરી બેટન દ્વારા વૂલ્ફ સ્ત્રીલેખન માટે અનિવાર્ય બે બાબતો પર ભાર મૂકે છે કે સ્ત્રીએ લેખક બનવું હોય તો તેની પાસે પોતાનો અલાયદો ઓરડો હોવો જોઈએ, જે સમયે ઇંગ્લૅન્ડમાં સ્ત્રીઓની પાસે પોત્તાનો ઓરડી હોવાનું ચલલ નહોતું અને બીજુ એ કે સ્ત્રીઓ પાસે પોતાની આગવી મૂડી હોવી જોઈએ. આ આખા વ્યાખ્યાનનો કેન્દ્રસ્થ વિચાર છે. ‘અલાયદો પોત્તાનો ઓરડો' અહીં પ્રતીકાત્મક રીતે આવે છે, 'પોત્તાનો ઓરડો' એટલે વિચારસ્વાતંત્ર્ય, જ્યાં સ્ત્રી પોતાના વિશે વિચારી શકે, જ્યારે આગવી મૂડીની વાત વૂલ્ફ એટલે કરે છે કે સ્ત્રી પુરુષો પાસે હંમેશાં લાચાર, આશ્રિત ન રહે. સમગ્ર પુસ્તકમાં થયેલ સ્ત્રીલેખન વિષયક ચર્ચા મેરી બેટન આ વક્તવ્યની તૈયારી કરવામાં પોતે ગાળેલ બે દિવસની વાતના અનુભવોથી કરે છે. મેરી બેટન વ્યાખ્યાનની તૈયારી માટે લંડનની ઓક્સબ્રિજ યુનિવર્સિટીમાં જાય છે ત્યાં તે બગીચાની લોન પર ફરી રહી હતી કે ચોકીદારે તેને ટોકીને કહ્યું - ‘સંસ્થાના પુરૂષ ફેલોઝ અને સ્કૉલર્સ જ તે ઘાસ પર ચાલી શકે.' (૩૦), એણે તો પથ્થર જડેલ ફૂટપાથ પર ચાલવું પડે, ત્યાંથી આગળ એ લાઇબ્રેરી ભણી જાય છે ત્યાં દરવાજે એને રોકવામાં આવે છે અને કહેવામાં આવે છે - ‘આ યુનિવર્સિટીના કોઈ પણ પુરુષ ફેલો કે તેના ભલામણપત્ર વગર સ્ત્રીઓ આ લાઇબ્રેરીમાં પ્રવેશી શકે નહીં.’ (૩૧), આમ ૧૯મી સદીમાં સ્ત્રીઓની કેવી અવગણના થતી હતી તે બતાવે છે. વૂલ્ફ બીજા પ્રકરણમાં લખે છે - 'પુરુષ વાઇન પીએ તો સ્ત્રીએ કેમ પાણી જ પીવાનું? કેમ પુરુષજાતિ આટલી વૈભવશાળી જ્યારે સ્ત્રીજાતિ તદ્દન નિર્ધન? ગરીબાઈનો સાહિત્ય સાથે શો સંબંધ?' (૪૪) જેવા પ્રશ્નોના જવાબ શોધવા અનેક પુસ્તકો વાંચે છે. વિચારે છે કે સૅમ્યુઅલ બટલરે એવું કેમ કહેવું પડ્યું કે - 'બુદ્ધિમાન પુરુષો સ્ત્રીઓ વિશે પોતે શું વિચારે છે તે સ્ત્રીઓને જણાવતા નથી?' વળી એ કેવું વિચિત્ર હતું કે મહદ્અંશે પુરુષો સ્ત્રીઓ વિશે સરખું જ વિચારતા હતા ! સ્ત્રીવિમર્શ પર કામ કરવા, લખવા કે બોલવા માટે વૂલ્ફની એક અલગ શૈલી છે. વૂલ્ફ શેક્સપિયરના જમાનામાં સ્ત્રીજાતિની પરાધીનતા બતાવવા માટે કેટલાક વિચારકોને જવાબ આપે છે. લોકો કહેતા હતા કે સોળમી-સત્તરમી સદી સુધી સ્ત્રીજાતિમાં કોઈ લેખિકા શેક્સપિયર જેવી પ્રતિભાસંપન્ન પેદા થઈ નથી. તેઓને વૂફ કહે છે. માની લો કો શેક્સપિયર કોઈ બહેન હોય અને એ પણ શેક્સપિયરની જેમ પ્રતિભાસંપન્ન હોત, તોપણ શું એ સમયમાં એ શેક્સપિયર જેવી બની શી હોત? શું એને શેક્સપિયર જેવી સમાન સુવિધાઓ મળી શકી હોત ? આમ છતાંય, જો એ શેક્સપિયર બનવા ચાહતી હોત તો એનું શું ભવિષ્ય હોત? જોઈએ લેખિકાના જ શબ્દોમાં – ‘એક શિયાળાની રાતે પેલીએ આત્મહત્યા કરી લંડન ગામની જાહેર બસના ‘એલિફન્ટ એન્ડ કેસલ' બસસ્ટેન્ડ પાસે તે ચિર નિદ્રામાં પોઢી છે. તેને ત્યાં દફનાવવામાં આવી હતી.’ (૬૧) વૂલ્ફ વળી ઉમેરે છે - 'સોળમી સદીમાં જન્મેલ કોઈ પણ તેજસ્વી કવિહૃદય સ્ત્રી કાં તો ગાંડી થઈ જાત અને ગામ બહારની કોઈ ઝૂંપડીમાં ‘ડાકણ’ કે ગાંડીના નામે જીવન ગાળત કે પછી આત્મહત્યા કરત.’ (૬૨) આ વાક્યને વિવેચકોએ વૂલ્ફની આત્મહત્યાનું કારણ ગણ્યું છે જે વૂલ્ફ પોતાના સંદર્ભમાં જ જાણે કહી રહ્યાં હતાં ! 'ઇંગ્લૅન્ડનો ઇતિહાસ' વાંચતાં વૂલ્ફ સ્ત્રી શીર્ષક હેઠળ નજર કરે છે. પ્રોફેસર ટ્રેવેલિયન લખે છે : 'સ્ત્રીને મારવી એ પતિનો / પુરુષનો હક્ક મનાતો હતો અને સદીઓ સુધી આ હક્કનો પૂરેપૂરો ઉપયોગ દરેકેદરેક વર્ગના પુરુષપતિએ નિઃસંકોચ કરેલો... પિતાની પસંદગીના મૂરતિયાને પરણવાની ના પાડનાર છોકરીને પૂરી દેવાતી તેને ઢોર માર મરાતો... ઘણી વાર તો સગપણ બાળક ઘોડિયામાં હોય ત્યારે જ થઈ જતા...’ (૫૭) જોકે આ વાત ઈ.સ. ૧૪૭૦ આસપાસની છે પણ આપણે ત્યાં તો આજે પણ ઘણી જગ્યાએ આ થતું જ હોય છે. સ્ત્રીઓ આમ તો આદિ સમયથી આજ દિન સુધી સતત પુરુષોનાં કાવ્યોમાં દીવાદાંડીની જેમ ચમકતી રહી છે પણ વૂલ્ફ કહે છે કે સાહિત્ય પરથી સ્ત્રીની કલ્પના કરવી હોય તો સ્ત્રીના જેવું મહત્ત્વપૂર્ણ પ્રાણી અન્ય કોઈ નહીં હોય તેમ લાગે ! પણ નક્કર જીવનમાં તદ્દન સત્તાહીન પ્રાણી ! વૂલ્ફ એમ માને છે કે પરાપૂર્વથી સ્ત્રીઓનું સતત શોષણ થતું આવ્યું છે અને એ માટે પુરૂષપ્રધાન સમાજ જ જવાબદાર છે. છેક ૧૮મી સદી સુધી સ્ત્રીઓને સાહિત્ય, સંગીત, કલા વિજ્ઞાન જેવા કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવા માટેનું વાતાવરણ જ નહોતું જોકે એ માટે એ વખતનો સમાજ જ જવાબદાર હતો. સ્ત્રીઓએ પણ એ બધુ સહજ સ્વીકારી લીધું હતું એટલે સ્ત્રીસર્જકની સર્જકતા આવા બંધિયાર જીવનમાં જોખમાતી હતી એમ વૂલ્ફ ચોક્કસ માને છે. વૂલ્ફ કહે છે - 'ઓગણીસમી સદીની આરંભકાળની સ્ત્રી-લેખિકાઓ દીવાનખાનાની લેખિકા હતી. સતત દીવાનખાનામાં રહેવાને લીધે તેમને આવતા જતા મહેમાનોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવાની ટેવ હતી...' ૧૮૦૦ની સાલમાં જેન ઓસ્ટિન નામની લેખિકાએ તો મુસાફરી નહોતી કરી, તે ક્યારેય બગીમાં બેસીને લંડન ગામમાં પણ ફરી ન હતી. પોતાની મેળે તેણે ક્યાંય આંટો મારવા જેટલી હિંમત કરી ન હતી. (૭૪) એટલે બંધિયાર વાતાવરણને કારણે બહોળો અનુભવ ન હોવાથી વૂલ્ફ કહે છે-‘સ્ત્રીઓનાં પુસ્તકો તેમની જેમ ટૂંકા હોવાનાં. તે સઘન હોવાના. પુરુષો કરતાં તે સાવ જુદાં હોવાનાં.. કેમ કે સતત ખલેલ તેમના જીવનનું મુખ્ય અંગ છે.’ (૮૨) ઘણી વાર ખિસ્સાની નિર્ધનતા વિચારની નિર્ધનતા માટે કેટલી જવાબદાર હોય છે.’ (૪૨) જેના કારણે સ્ત્રીઓ પોતાની પાસે ક્ષમતા હોવા છતાં પણ સફળ કવયિત્રી કે લેખિકા બની શકતી નથી. અંતે વૂલ્ફ કહે છે કે જો આપણને સમગ્ર સ્ત્રીજાતને એક સદીનો સમય અને વર્ષે પાંચસો પાઉન્ડ અને પોત્તાનો અલાયદો ઓરડો મળે તો આપણે વ્યક્તિઓને દીવાનખાનાના પરિપ્રેક્ષ્યમાં જોવાનું છોડી વાસ્તવના સંદર્ભે જોવા માંડીશું એમ કહી સર્જકતાનો દુર્વ્યય ન થાય એવી ચિંતા વ્યક્ત કરતાં કહે છે - ‘જે દિવસે રત્રી પુરુષની જેમ લખશે. પુરુષ સમાં વસ્ત્રો પહેરશે, કે પુરુષ જેવી દેખાશે તે દિવસ આપણા માટે કમનસીબમાં કમનસીબ દિવસ હશે. કારણ કે બંને સેક્સ તદ્દન ભિન્ન છે અને કોઈ પણ એક સેક્સ વિના આ સંસાર ચાલવો અશક્ય છે. (૮૭) મહાદેવી વર્માએ 'શૃંખલા કી કડિયાં'માં ભારતીય સ્ત્રીઓને માત્ર રાજનીતિ જ નહીં, પણ માનવજીવનનાં દરેક ક્ષેત્રોમાં પુરુષોની સમકક્ષ અધિકાર મળવો જોઈએ એમ કહીને પોતાના પુસ્તકમાં નારીમુક્તિના કયા પ્રશ્નો લીધા છે તે જોઈએ. મહાદેવી વર્મા સ્ત્રી-સ્વાતંત્ર્યના કે આર્થિક સ્વાતંત્ર્યના પ્રશ્નોને એક સમાજશાસ્ત્રની દૃષ્ટિથી વિચારે છે. તેમનું માનવું છે કે શિક્ષણના અભાવને કારણે જ સ્ત્રીઓ સ્વતંત્ર નથી. જે લોકો સ્ત્રીશિક્ષણનો વિરોધ કરે છે અને કહે છે કે જો કન્યાઓ સ્વાવલંબી બની જશે તો લગ્ન નહીં કરે, જેનાથી ગૃહસ્થધર્મમાં અરાજકતા ઉત્પન્ન થશે. આવી વ્યક્તિઓને મહાદેવી વર્મા જબરજસ્ત જવાબ આપે છે .-વિવાહ મેં કિસી વ્યક્તિ કે સાહચર્ય કી ઇચચ્છા પ્રધાન હોની ચાહિયે, આર્થિક કઠિનાઇયોં કી વિવશતા નહીં.’ (૧૦૮) સ્ત્રીઓ જે સમયે સર્જન માટે સ્વતંત્ર નહોતી, જો પુરુષ સાહિત્યનું નિર્માણ કરી શકે, એને આજીવિકાનું સાધન બનાવી શકે તો સ્ત્રીઓ માટે કેમ નહીં ? અરે વકીલો કે પ્રોફેસરો પોતાની જરૂરિયાત મુજબનાં હજારો પુસ્તકો વસાવી શકે તો એમની પત્નીઓ દસ પુસ્તકો વસાવવા માટે પણ સ્વતંત્ર નહોતી. આવી પિતૃપ્રધાન સમાજની માનસિકતા સામે મહાદેવી વર્મા જણાવે છે કે- ‘સાહિત્ય યદિ સ્ત્રી કે સહયોગ સે શૂન્ય હો. તો ઉસે આધી માનવજાતિ કે પ્રતિનિધિત્વ સે શૂન્ય સમજના ચાહિયે. પુરુષ કે દ્વારા નારી કા ચરિત્ર અધિક આદર્શ બન સકતા હૈ, પરંતુ અધિક સત્ય નહિ, વિકૃત કે અધિક નિકટ પહુંચ સકતા હૈ, પરંતુ યથાર્થ કે અધિક સમીપ નહીં. પુરુષ કે લિયે નારીત્વ કલ્પના હૈ પરંતુ નારી કે લિયે અનુભવ.' (૯૨) મહાદેવી વમાં જે સમયની આપણને વાત કરે છે એ સમયે કન્યાશિક્ષણનું પ્રમાણ સાવ નહિવત્ હતું અને જે હતું એ પણ કન્યાઓના વિકાસ માટે નહોતું પણ એને લગ્નબજારમાં એની કિંમત વધારવા માટેનું હતું. (૧૧૦) આજના સંદર્ભે કહું તો કંકોત્રીમાં ડિગ્રી લખવા માટેનું ! ભારતીય સમાજમાં સ્ત્રીઓના આર્થિક સ્વાતંત્ર્ય બાબતે શ્રમજીવી વર્ગની બહેનોથી લઈને સંપન્ન વર્ગની બહેનો સુધી દયનીય સ્થિતિ રહી છે, સતત સ્ત્રીઓની અવગણના થતી રહી છે. સ્ત્રીને પિતાનું ઘર હોય કે પતિનું, બન્ને ઘરોમાં એ આર્થિક રીતે સ્વતંત્ર નથી. પિતાનું ઘર લગ્ન પછી પારકું બની જતું હોય છે. લગ્ન પછી એ વધારે ત્યાં રહી શકતી નથી, કોઈ ભૂલ કરી હોય તો એ જઈ શકતી નથી. કોઈ મુશ્કેલીના સમયે મુઠ્ઠી ધાનની પણ આશા રાખી શકતી નથી. આવી અભાગી જન્મભૂમિ છે જે મુશ્કેલીમાં કોઈ સહારો નથી આપતી. અને પતિના ઘરમાં એની સ્થિતિ કેવી છે તે વિશે મહાદેવી વર્મા કહે છે. 'ઉસકી સ્થિતિ પલ ભર ભી આશંકા સે રહિત નહિ. વદિ વહ વિદ્વાન પતિ કી ઇચ્છાનુકૂલ વિદૂષી નહીં હૈ તો. ઉસકા સ્થાન દૂસરી કો દિયા જા સકતા હૈ, યદિ વહ પતિ કામના કા વિચાર કરકે સંતાન વા પુત્રોં કી સેના નહિ દે સકતી તો ઉસે ઉસ ઘર મેં દાસત્વ સ્વીકાર કરના પડેગા.' (૪૬) મહાદેવી વર્મા આ સંદર્ભે કટાક્ષ કરતાં કહે છે - 'હમ પશુપક્ષિયોં કો, પાષાણોં કો, અપની સહાનુભૂતિ બાંટ સકતે હૈં, નારી કૌ. નિર્મમ આદેશ કે અતિરિક્ત ઔર કુછ નહીં દે પાતે. દેવતા કી ભૂખ સમજતે હૈં, પરંતુ માનવી કે નહીં.' (૪૯) મહાદેવી વર્મા એ સમયના યુવકોને ટકોર કરે છે જે આજના યુવકોને પણ લાગુ પડે તેમ છે. તેઓ કહે છે કે જે સમાજમાં રોજનાં બાર-તેર અપહરણ-બળાત્કારની ઘટના બનતી હોય. તેને શોધવા માટે વિશેષ પ્રયત્નો ન થતા હોય ત્યારે એ સમાજના યુવકો ચેનથી નિદ્રા લઈ રહ્યા હોય એ સંસારની આઠમી અજાયબી કહેવાય ! નારી-સ્વાતંત્ર્ય અંગેના મહાદેવી વર્માના વિચારો સમાજવાદથી પ્રભાવિત છે. તેઓ સ્ત્રીનું કાર્યક્ષેત્ર ઘરમાં અને પુરુષનું કાર્યક્ષેત્ર બહાર એમ કહેનારાનો સતત વિરોધ કરે છે અને એટલે જ તેઓ કહે છે- 'વાસ્તવ મેં સ્ત્રી ભી અબ કેવલ રમણી યા ભાર્યાં નહીં રહી. વરના ઘર તથા હર સમાજ કા એક વિશેષ અંગ તથા મહત્ત્વપૂર્ણ નાગરિક હૈ.’ (૬૯) જેમ મહાદેવી વર્મા નારી-સ્વતંત્રતા અંગે સમર્થન કરે છે તેમ એના દુરુપયોગ અંગે સાવધાન રહેવા માટે આગ્રહ પણ કરે છે, એમની દૃષ્ટિએ સ્વતંત્રતાનો અર્થ એ નથી થતો કે પોતાની ઇચ્છા મુજબ સ્ત્રીઓ વર્તવા માંડે અને જૂનાં નિયમો-બંધનો ઝટ તોડી નાખવામાં આવે શાસનવ્યવસ્થામાં પણ સ્ત્રીઓને સ્થાન ન મળવાથી અડધો નાગરિક સમાજ પ્રતિનિધિ વગરનો રહી જતો હોય છે. પરંતુ જો સ્ત્રીઓને સ્થાન મળે તો તેઓએ કેવળ પુરુષ પરિષદોને શોભાવનાર માત્ર પૂતળા નથી બની રહેવાનું એમ કહીને લેખિકા કટાક્ષ પણ કરે છે. સમાજની સંપન્ન અને શ્રમજીવી સ્ત્રીઓમાં લેખિકા કહે છે કે અજ્ઞાનતા સમાન છે. બન્નેમાં જાગૃતિનો અભાવ છે. એટલે મહિલા સંમેલનો ભરાય ત્યારે કટાક્ષ કરતાં કહે છે કે જ્યાં સુધી આ સ્ત્રીઓની અજ્ઞાનતા દૂર નહીં થાય ત્યાં સુધી આપણી જાગૃતિ પણ અપૂર્ણ જ રહેશે. શિક્ષણસંસ્થાઓ તથા હોસ્પિટલોમાં કામ કરતી જાગ્રત સ્ત્રીઓને પણ મહાદેવી વર્માં ટકોર કરતાં કહે છે - ‘ઇતની શિક્ષા, ઇતની બુદ્ધિ, ઇતને સાધન, ઇતના અવકાશ ઔર સ્વાવલંબન પાકર ભી યદિ વૈ અન્ય બહાનોં કી પ્રતિનિધિ ન બન સકી, વદિ વે અનેક ત્યાગમય જીવન કો અવજ્ઞા સે દેખતી રહી તો સારે સમાજ કા અનિષ્ટ હોને કી સંભાવના સત્ય કિયે બિના ન રહેગી.’ (૩૧) આપણે ત્યાં મોટે ભાગે પુરુષોની એવી માનસિકતા રહેલી છે કે પોતાનાથી વધુ ભણેલી, વધુ કાયદાકાનૂન જાણતી સ્ત્રીઓ પસંદ ન કરવી, પણ પોતાનાથી વધુ ફેશનેબલ-દેખાવડી સ્ત્રીઓ પસંદ કરવી. મોટે ભાગે પુરુષો સ્ત્રીઓને પસંદ કરતી વખતે એને ચલાવી, હસાવી, એની જાડાઈ, પાતળાઈ, એનો વાન જેવા નખશિખ વિષયમાં પોતાની પસંદગી ઢોળે છે પછી પોતે ભલે ગમે તેટલો જાડો, પાતળો, કાળો, ઊંચો, ઠીંગણો હોય. તેઓ એ નથી સમજતા કે પોતાની શક્તિ અને ઇચ્છાને ધ્યાનમાં રાખીને જો તે જીવનસંગિની પસંદ કરે તો લગ્નજીવન એને માટે તીર્થ જાવ ! પોતાનાથી અભ્યાસમાં ઊતરતી કક્ષાની સ્ત્રીઓ કેમ પસંદ કરે છે તે મહાદેવી વર્માં કટાક્ષ કરતાં કહે છે – જબ એક નિરક્ષર સ્ત્રી બડે સે બડે વિદ્વાન કાનૂન કા એક શબ્દ ન જાનનેવાલી, વકીલ યા બેરિસ્ટર સે ઓર કિસી રોગ કા ભી ન બતા સકનેવાલી, બડે સે બડે ડાક્ટર સે વિવાહ કરતે ભયભીત નહીં. તે તો પુરુષ હી અપને સમાન બુદ્ધિમાન તથા વિદ્વાન સ્ત્રી સે વિવાહ કરને મેં કયો ભયભીત હોતા હૈ ? ઇસ પ્રશ્ન કા ઉત્તર પુરુષ કે ઉસ સ્વાર્થ મેં મિલેગા જો સ્ત્રી અંધભક્તિ તથા મૂક અનુસરણ ચાહતા હૈ. વિદ્યા બુદ્ધિ મેં જો ઉસકે સમાન હોગ વહ અપને અધિકાર કે વિષય મેં કિસી દિન ભી પ્રશ્ન કર સકતી હૈ, સંતોષજનક ઉત્તર ન પાને પર વિદ્રોહ ભી કર સકતી હૈ, અતઃ પુરુષ ક્યોં ઐસી સ્ત્રી કો સંગિની બનાકર અપને સામ્રાજ્ય કી શાંતિ ભંગ કરે !' (૮૮) તો લગ્ન કર્યા પછી પુરુષો પત્નીના માત્ર શરીરને નહીં પણ મનને પણ સ્વતંત્ર નથી રહેવા દેતા. એને મન સ્ત્રી એક મનોરંજનનું સાધન છે. જેમ પોતાન ઉપયોગ માટે પુરુષ થોડાને પાળે કે મનોરંજન માટે પક્ષીઓ પાળે અને પછી સૈન ઉપર અધિકાર જમાવે તેમ સ્ત્રી ઉપર પણ અધિકાર જમાવે છે. આવા વિવેક વગરના જીવનનું સજીવ ચિત્ર જોવું હોય તો મહાદેવી વર્મા કહે છે : 'વિવાહ કે સમય ગુલાબ સી ખીલી હુઈ સ્વસ્થ બાલિકા કો પાંચ વર્ષ બાદ દેખિયે. ઉસ સમયા ઉસ અસમય પ્રૌઢા, કંઈ દુર્બલ સંતાનો કી રોગિની પીલી માતા મેં કૌન સી વિવશતા કૌન સી રુલા દેનેવાલી કરુણા ન મિલેગી, (૧૦૮) ભારત જેવા સભ્ય સમાજમાં આજે પણ સંપત્તિ અને સ્વામિત્વથી વંચિત અસંખ્ય સ્ત્રીઓનાં સોનેરી ભવિષ્યમય જીવન કીટાણુઓથી પણ તુચ્છ છે. સ્ત્રીઓને પુરુષના વૈભવની ઢીંગલી માત્ર બનાવી દેવામાં આવી છે. 'શૃંખલા કી કડિયાં’માં વિધવાઓની સ્થિતિ વિશે મહાદેવી વર્મા વાત કરતાં નોંધે છે : 'એક પુરુષ કે ન હોને પર ન સ્ત્રી કે જીવન કા કોઈ ઉપયોગ હી રહી જાતા હૈ, ન સમાજ યા ગૃહ મેં ઉસકો કહીં નિશ્ચિત સ્થાન હી મિલ સકતા હૈ, જબ જલા સકતે થે તબ ઇચ્છા યા અનિચ્છા સે ઉસે જીવિત હી ભસ્મ કરકે સ્વર્ગ મેં પતિ કે વિનોદાર્થ ભેજ દેતે થે, પરંતુ અબ ઉસે મૃત પતિ કા ઐસા નિર્જીવ સ્મારક બન કર જીના પડતા હૈ જિસ કે સંમુખ શ્રદ્ધા સે નતમસ્તક હોના તો દૂર રહા કોઈ ઉસે મલિન કરને કી ઇચ્છા ભી રોકના નહીં ચાહતા.’(૨૩) દહેજપ્રથા પર મહાદેવી વર્માએ જે કટાક્ષ કર્યો છે એ આજે પણ પ્રસ્તુત છે - પતિ હોને કે ઇચ્છુક યુવકોં કી મનોવૃત્તિ કે વિષય મેં તો કુછ કહના વ્યર્થ હી હૈ. વે પ્રાય પત્ની કે ભરણપોષણ કા ભાર ગ્રહણ કરને કે પહલે ભાવી શ્વસુર સે કન્યા કો જન્મ દેને ભારી સે ભારી કર વસૂલ કરના ચાહતે હૈં. એક વિલાયત જાને કા ખર્ચ ચાહતા હૈ, દૂસરા યુનિવર્સિટી કિ પઢાઈ સમાપ્ત કરને કે લિયે રૂપયા ચાહતા હૈ, તીસરા વ્યવસાય કે લિયે પ્રચુર ધન માંગતા હૈ. સારાંશ યહ કિ સભી અપને આપકો ઊંચી રો ઊંચી બોલી કે નિલામ પર ચઢાયે હુએ હૈં. પ્રશ્ન ઊઠતા હૈ કિ ક્યા યહ ક્રય-વિક્રય, યહ વ્યવસાય સ્ત્રી કે જીવન કા પવિત્રતમ બંધન કહા જા સકેગા ? કયા ઇન્હીં પુરુષાર્થ ઔર પરાક્રમહીન પરાવલંબી પતિયોં સે વહ સૌભાગ્યવતી બન સકેગી ?' (૧૦૧) વેશ્યાજીવનની ચર્ચા કરતાં મહાદેવી વર્માએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે માત્ર પુરુષ સમાજે જ એને એ સ્થિતિ સુધી પહોંચાડી છે. કોઈ પણ સ્ત્રી પોતાની ઇચ્છા અનુસાર આવો વ્યવસાય પસંદ કરતી નથી કે જેમાં પોતાની કોમળ લાગણીઓની કોઈ કિંમત હોતી નથી. સમાજે જ એને બજારમાં ઊભી રહેવા મજબૂર કરી છે. મહાદેવી વર્માં આ પુસ્તકમાં એક જગ્યાએ નોંધે છે કે સમાજમાં બે પ્રકારની સ્ત્રીઓ છે. એક એવી કે જેને પોતાને ખબર જ નથી કે આ પિતૃસત્તાક સમાજમાં પોતાનું શોષણ થઈ રહ્યું છે અને બીજી એવા પ્રકારની સ્ત્રીઓ છે કે જેઓ સમાજમાં પુરુષ સમકક્ષ અધિકાર મેળવવા આંધળું અનુકરણ કરી રહી છે, પણ એને ખબર નથી કે સમાજ એવી સ્ત્રીઓની હાંસી ઉડાવે છે. મહાદેવી વર્મા તો પ્રાચીન અને આધુનિક વિચારસરણીનો સમન્વય કરવા ઇચ્છે છે. તેઓ એમ પણ નથી ઇચ્છતા કે પુરુષ સ્ત્રીઓને રમકડું સમજતા રહે, વળી એમ પણ નથી ઇચ્છતા કે સ્ત્રીને પતિથી જરા પણ મતભેદ થાય તો દોડીને કોર્ટ-કચેરીએ પહોંચી જાવ. પરંતુ મહાદેવી વર્મા એવું કહેવા માંગે છે કે સ્ત્રીઓએ પોતાના સમાજને સાથે રાખીને શૃંખલાની એક એક કડીને જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે જ એને આદર-સન્માન મળશે, આ રીતે આ પુસ્તક અભિશાપરૂપ સ્ત્રીઓના અભિશાપને દૂર કરવા માટે એક મહત્ત્વની કડીરૂપ ચિંતનનું પુસ્તક છે. આમ આપણે જોયું કે મહાદેવી વર્માનું નારીચિંતન ‘પોત્તાનો ઓરડો' જેટલું ખ્યાતિપ્રાપ્ત ભલે ન હોય પરંતુ એમાં દલિતવિમર્શ અને નારીવિમર્શના સમન્વયનો અવકાશ છે. એમના નારીચિંતનમાં ભારતીય પરિવેશમાં કચડાઈ રહેલી ઉચ્ચથી માંડી દલિતવર્ગ સુધીની સ્ત્રીઓના સંદર્ભે ચાલતા નારીવિમર્શનું પ્રસ્થાનબિંદુ બની શકે તેમ છે. વૂલ્ફ અને મહાદેવી વર્મા બેઉ પ્રસ્તુત છે પરંતુ આ બેઉ સંચયોમાંથી પસાર થતાં મેં અનુભવ્યું છે કે મહાદેવી વર્માની પ્રસ્તુતતા વધુ છે. મહાદેવી વર્માના વ્યાપ, વર્ગવિસ્તાર સંદર્ભે આમ કહેવું જ પડે.


સ્ત્રી વિમર્શ, ૨૦૧૩,પૃ.૭૪થી ૮૩