નારીસંપદાઃ વિવેચન/એકાંતના સો વર્ષઃ પેઢીઓ પર્યંત વિસ્તરતી એકલતાની કુળકથા

From Ekatra Wiki
Revision as of 01:28, 18 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૬

‘એકાંતના સો વર્ષ : પેઢીઓ પર્યંત વિસ્તરતી એકલતાની કુળકથા
ઉર્વશી પંડ્યા

One Hundred Years of Solitude –એ મહાકાવ્ય-સંદેશ નવલકથાનાં લૅટિન અમેરિકન સર્જક ગ્રેબિઅલ ગાર્સિઆ માર્ક્વેઝ વૈશ્વિક સ્તરે આધુનિક-અનુઆધુનિક સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ હસ્તાક્ષર તરીકે લેખાયા અને પોંખાયા છે. ઈ. સ. ૧૯૫૦ના વર્ષથી પત્રકાર તરીકે કારકિર્દીનો આરંભ અને બાર વર્ષ લગી અવિરત સંઘર્ષો બાદ ૧૯૫૪માં કોલંબિયાનાં પ્રતિષ્ઠિત પત્રકાર તરીકે નામના મેળવનાર આ સર્જક ઈ.સ. ૧૯૮૨માં 'One Hundred Years of Solitude' નિમિત્તે જ નોબેલ પારિતોષિક વિજેતા પણ બને છે. અહીં એ પણ નોંધવું આવશ્યક બને કે લૅટિન અમેરિકાના સમસ્ત આધુનિક કથાસાહિત્યમાં માર્ક્વેઝની આ કૃતિને વાચકો- ભાવકો અને વિવેચકોનો અભૂતપૂર્વ પ્રતિભાવ સાંપડયો. સ્પેઈન અને લેટિન અમેરિકામાં બેસ્ટસેલર બની ચૂકેલી આ કૃતિએ સમાયાંતરે ક્રમશઃ વૈશ્વિક સ્તરે પણ જે લોકપ્રિયતા હાસલ કરી તેવી ચાહના અને સન્માન વિદેશી ભાષાની ઘણી ઓછી કૃતિઓ પામી છે. વિશ્વની મોટા ભાગની મહત્ત્વની ભાષાઓમાં એનો અનુવાદ થઈ ચૂક્યો છે. ઈ. સ. ૧૯૫૪માં નામાંકિત પત્રકાર તરીકે ઠરીઠામ થયા બાદ અનેક શહેરો-પ્રાંતોમાં સ્થાનાંતર, પત્રકારત્વની સાથોસાથ પટકથાલેખન અને આ બેઉની સમાંતરે જ સાહિત્ય - સર્જનમાં પ્રવૃત્ત માર્ક્વેઝ પાસેથી બાર વર્ષમાં પ્રકાશિત અનેક નવલકથા અને વાર્તાઓ મળે છે જેમાં તેમની લઘુનવલ No One Writes to the Colonel (૧૯૬૧) અને નવલકથા In Evil Hour (૧૯૬૨) તથા એક વાર્તાસંગ્રહ Big Mana's Funeral (૧૯૬૨) મળે છે; જેના થકી માર્ક્વેઝ સાહિત્યવિશ્વમાં સર્જક તરીકે ઉલ્લેખનીય સ્થાન પ્રાપ્ત કરે છે. ૧૯૬૭માં માર્ક્વેઝ પાસેથી વિશ્વસાહિત્યની હરોળમાં બેસી શકે તેવી સમર્થ અને ઉત્કૃષ્ટ નવલકથા કૃતિ One Hundred Years of Solitude (૧૯૬૭). આ નવલકથા ખૂબ જ ઓછા સમયમાં માર્ક્વેઝને સશક્ત સર્જક તરીકેની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવે છે. આ નવલકથાના પ્રકાશન વર્ષ ઈ. સ. ૧૯૬૭થી માંડી માર્ક્વેઝ નોબેલ પારિતોષિકથી સન્માનિત થયાં તે વર્ષ ઈ. સ. ૧૯૮૨ લગી - એટલે કે પંદર વર્ષ દરમ્યાન આમેય માર્ક્વેઝ પોતાનાં કલાકીય ગુણવત્તાથી સભર લેખિની અને સંખ્યાબાહુલ્યની દૃષ્ટિએ પણ સમૃદ્ધ એવા કથાસાહિત્ય દ્વારા પોતાની સિદ્ધહસ્ત સમર્થ સર્જક તરીકેની સુરેખ છભિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉપસાવી ચૂક્યાં હતાં. Innocent Erendira (૧૯૭૮). The Autumn of the Patriarch (૧૯૭૫), Chronicle of a Death Foretold (૧૯૮૧), Love in the Time of Cholera (૧૯૮૫), The General in His Labyrinth (૧૯૮૯) Oot leave and Other Demons (૧૯૯૪) જેવી કથાકૃતિઓનો સમાવેશ કરી શકાય. આ નવલકથામાંથી પસાર થતો પેહલાં માર્ક્વેઝની સર્જકતા જે પાર્શ્વધરાતલ આધારિત રચાય છે તે લૅટિન અમેરિકાના સામાજિક-સાંસ્કૃતિક વાસ્તવને અને એ વાસ્તવની શ્યામ-શ્વેત છાયાથી રચાયેલાં રસાયેલાં સર્જકના મનોવાસ્તવને જાણી- સમજી લેવું અનિવાર્ય બને છે, કારણ કે માર્ક્વેઝની સર્જકતાની બુનિયાદ જ મેજિક રિયાલિઝમ એટલે કે જાદુઈ/તિલસ્મી વાસ્તવવાદ પર રચાય છે. માનવજીવન અને માનવાનુભવના યથાર્થનું યથાતથ પ્રતિબિંબ હોય તે પ્રકારના પરંપરાગત વાસ્તવવાદી લેખન પ્રત્યે માર્ક્વેઝનો આ જાદુઈ વાસ્તવવાદ (Magic Realism) સંશયની નજરે જુએ છે. આ પરંપરાગત વાસ્તવવાદી લેખન માનવજીવન, તેના અનુભવો અને તે અનુભવોની તેના મનમાં ઊંડાણમાં પડતી અસરને તપાસવાથી વિશેષ સ્થૂળ દસ્તાવેજી નિરૂપણ પર જ પોતાનું લક્ષ કેન્દ્રિત કરવાનું વલણ ધરાવે છે, તેમ માર્ક્વેઝ માને છે. તેથી જ માર્ક્વેઝ સ્થૂળ હકકીતલક્ષી કથાસાહિત્યથી ઉફરા જઈ વાસ્તવનિરૂપણની પોતાની આગવી અને અનોખી શૈલી તથા આલેખનરીતિ નિર્માણ કરે છે. જેમાં વાસ્તવને ફરતી ભ્રામક, કાલ્પનિક કે માયાવી સૃષ્ટિની નિર્મિતી સર્જક કરે છે જે ખરા અર્થમાં માનવના બાહ્યવાસ્તવ અને મનોવાસ્તવને સૂક્ષ્મ સ્તરે તેની પ્રત્યેક અવસ્થા અને શક્યતાઓને તપાસવાનો ઉપક્રમ રચે છે. માર્ક્વેઝનો આ જાદુઈ વાસ્તવવાદ એ રીતે માનવતાવાદી વલણ ધરાવતો જણાય છે. જાદુઈ વાસ્તવવાદ (Magic Realism) મૂળ તો સહેવા-વહેવા અસંભવ છતાં અનિવાર્ય એવા માનવજીવનના (ખાસ તો લૅટિન અમેરિકા જેવા દેશના) કડવા-કપરા દુર્નિવાર વાસ્તવ, એ વાસ્તવને ખમતા મનુષ્યની અકળ મનોસૃષ્ટિનાં અસીમ સ્પંદનો અને સંચલનો તેમ જ માનવચિત્તમાં નિતનવીન આકાર લેતી કાલ્પનિક સૃષ્ટિનાં રહસ્યોનાં મૂળ-આ બેઉનું સંમિશ્રણ છે. સૂક્ષ્મ રીતે તપાસતાં માણસને આવરી રહેલા બાહ્યવાસ્તવ અને તે વાસ્તવની માનવચિત્ત પર ઝિલાતી અસરોને ભ્રાંતિ અને ચમત્કારની કાલ્પનિક સૃષ્ટિ અને એવી જ ચમત્કૃતિપૂર્ણ ભાષા દ્વારા આલેખવામાં જ મેજિક રિયાલિઝમનું Magic રહેલું છે. આલેખનનું આ જાદુ જ વાચકને કૃતિના સમય, પાત્ર અને પાત્રના આંતરવિશ્વમાં એવો તો રમમાણ કરી દે છે કે કૃતિનું સત્ય અને પાત્રોનાં મનોસંચલનો ભાવક સ્વાનુભવની કક્ષાએ પ્રતીત કરે છે. આ ઉપરાંત મેજિક રિયાલિઝમનાં બીજાં પણ અનેક પાસાં છે. ‘હું એક સાંજે ભીડભર્યા વિસ્તારમાંથી જતી હતી. મારી નજર એક ટોળા પર પડી ત્યાં જઈ જોયું તો એક મદારી મોટા સર્પ અને નોળિયાનું યુદ્ધ કરાવતો હતો. અંતે લડાઈમાં સર્પ માર્યો ગયો, મૃત સર્પને કરંડિયામાં પૂરી ચાદર ઢાંકી મંત્ર ભણ્યો, પછી ચાદર હટાવી કરંડિયો ખોલ્યો તો તેમાંથી ફૂંફાડા મારતો સર્પ બેઠો થયો. મંત્ર ભણ્યો અને પછી ચાદર હટાવી અને કરંડિયો ખોલ્યો તો - આ વર્ણન ભારતમાં કોઈ પણ માણસ માટે અજાણ્યું કે આશ્ચર્યજનક નથી. આપણે માટે આ રિયાલિટી રિયાલિઝમ છે, જ્યારે અમેરિકાની ગગનચુંબી ઈમારતમાં રહેતા માણસ માટે તે મેજિક/મૅજિક રિયાલિઝમ છે. માર્ક્વેઝ પોતે The Fragrance of Guava (૧૯૮૨, with Plinio Apuleyo Mendoza) નામના પુસ્તકમાં એક ઠેકાણે કહે છે કે મારા લેખનમાં આવતી મોટા ભાગની ઘટનાઓ હકીકતમાં બનેલી છે. એ વાસ્તવિકતા જ છે — એમાં મેજિક તો અમેરિકનોને લાગે છે. – માર્ક્વેઝના આ વિધાનમાં બે અર્થ પડેલા છે. એક - ત્રીજા વિશ્વના દેશોમાં બનતી રોજિંદી ઘટનાઓથી અમેરિકા જેવા દેશોની વાસ્તવિકતા એટલી ભિન્ન છે કે એમને એ વાત ચમત્કાર લાગે. વળી લૅટિન અમેરિકાના દેશોમાં બનેલી માન્યામાં ન આવે તે પ્રકારની અજબગજબની વાસ્તવમાં બનેલી ઘટનાઓ આ સંદર્ભે નોંધવા જેવી છે. જેમ કે મૅક્સિકોના સરમુખત્યાર જનરલ સાન્તાનાએ પોતાનો જમણો પગ કપાઈ જતાં એ પગની ભવ્ય અંતિમયાત્રા યોજેલી એલ સાલ્વાડૉરના અત્યાચારી શાસક જનરલ માર્ટિનેઝે પોતાના ખોરાકમાં ભોજન પૂર્વે વિષપરીક્ષણ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા લોલકની શોધ કરેલી,અને રાજ્યમાં ફેલાયેલા જીવલેણ જ્વરને નાથવા સ્ટ્રીટ લૅમ્પ પર લાલ કાગળ ચોંટાડવાની પ્રથા શરૂ કરેલી. ઇક્વાડૉર પર સોળ વર્ષ શાસન કર્યા બાદ જનરલ મોરીનોના મૃત્ય બાદ સતત ત્રણ દિવસ સુધી તેના શબને પ્રમુખની ખુરશી પર ગણવેશ પહેરાવી બેસાડી રાખવામાં આવ્યું અને એને ત્રણ દિવસો દરમ્યાન શાહી સન્માન અપાયું હતું. ભારતમાં પણ નવાઈ લાગે તેવી ઘટનાઓનો તોટો નથી. જેમ કે માતાજી આવતાં ધૂણવા માંડતાં કે હાથમાંથી કંકુ ખેરવતાં સ્ત્રી-પુરુષો, અમરનાથમાં બરફનું સ્વયંભૂ શિવલિંગ, મદારીના જાદુઈ હાથચાલાકીના ખેલ, કૈલાસ પર્વતશિખરે શિવાકૃતિનું આપોઆપ રચાવું, નજર ઉતારવાના વિવિધ ટુચકા, મેલી વિદ્યાના અંધશ્રદ્ધાભર્યા અનેકાનેક બનાવો ઇત્યાદિ, વિશ્વમાં લાંબામાં લાંબા નખ અથવા સૌથી લાંબી મૂછ વધારી ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવતી સૌરાષ્ટ્રની પ્રજા અન્ય દેશો માટે મૅજિક રિયાલિઝમનો વિષય છે. ‘મેં અનુભવેલી ઘટના અમેરિકનો માટે મેજિક-રિયાલિઝમ છે’. — એવા માર્ક્વેઝના વિધાનને બીજી રીતે પણ તપાસી શકાય. ૧૯૮૨માં નોબેલ પારિતોષિક સ્વીકારતી વખતે લેટિન અમેરિકાના કઠોર જીવનની ભયાનકતાનો માર્ક્વેઝે ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “છેલ્લાં દશ વર્ષમાં લૅટિન અમેરિકામાં પાંચ યુદ્ધ અને સત્તર લશ્કરી બળવા થયાં છે. બે કરોડ બાળકો એક વર્ષનાં થતાં પહેલાં જ મૃત્યુ પામ્યાં અસંખ્ય સંગર્ભા સ્ત્રીઓની ધરપકડ થઈ અને જેલમાં પ્રસવેલાં તેમનાં બાળકોનો કોઈ જ પત્તો નથી.” હજારો નિર્દોષ નાગરિકોની હત્યા કરાઈ જેમણે અંધાધૂંધી સામે પોતાનો વિરોધ નોંધાવેલો માત્ર પચીસ લાખની વસ્તીવાળા ઉરુગ્વે દેશનો દસમાંથી દર પાંચમો માણસ દેશનિકાલ કરાવો છે. માર્ક્વેઝ લૅટિન અમેરિકાના આવા જીવનને 'આઉટસાઇઝ રિયાલિટી' તરીખે ઓળખાવતાં કહે છે કે, “...આવી અફાટ વાસ્તવિકતામાં જીવતાં અમારે સૌએ કલ્પનાનો જ આધારે લેવો પડે છે. કારણ કે અમારો સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમારું જીવન કોઈના માનવામાં આવી શકે તે રીતે વર્ણવવા લેખનમાં કોઈ જ પરંપરાગત સાધન ખપમાં નથી આવતાં." આમ મેજિક રિયાલિઝમ એ સાવ નવતર પ્રયોગ નથી સમસ્ત વિશ્વની પરીકથાઓ કપોળકલ્પિત હોય છે. આધુનિક સાહિત્યની મહત્ત્વની ચળવળ પરાવાસ્તવવાદે (Surrealism) પણ ઓટોમેટિક રાઇટિંગનો મહિમા કરી વાસ્તવને ભેદવાના પ્રયત્નોમાં અપ્રતિમ સાહિત્ય આણ્યું છે. મેજિક રિયાલિઝમની અન્ય સર્જનશૈલી/પ્રયુક્તિ સાથેની ભિન્નતા સંપૂર્ણ વાસ્તવિક વાતાવરણમાં રહસ્યમય અને ચમત્કારી ઘટનાઓ દ્વારા આશ્ચર્યકારક છતાં પ્રતીતિકર અને સાદ્યંત રસપ્રદ સાહિત્યનું સર્જન કરવાનું કામ કરે છે. આ પ્રકારના સર્જનમાં મોટે ભાગે સાવ સામાન્ય વાતાવરણમાં એકમાત્ર તદ્દન કપોળકલ્પિત ઘટનાનો વિનિયોગ કરવામાં આવે છે. આ સંદર્ભે માર્ક્વેઝની A Very Old Man with Enormous Wings, The Handsomest Drowned Man in the World, અને Blacaman the Good, Vendor of Miracles વાર્તાઓ તપાસી શકાય. આમ મૅજિક રિયાલિઝમ એક technique (પ્રયુક્તિ) છે, જેમાં કપોળકલ્પિત અને ચમત્કારી ઘટનાને તે જાણે સાવ સામાન્ય એવી રોજિંદી ઘટના હોય તે રીતે રજૂ કરવામાં આવે છે, જેમ કે ઉપર જણાવેલી વાર્તાઓમાં બને છે તેમ કોઈના ઘરના બગીચામાં અચાનક પાંખોવાળો આદમી આવી ચઢે, કોઈ મોંફાટ ઉદ્ધત છોકરી કરોળિયામાં ફેરવાઈ જાય એ સાવ સામાન્ય ઘટના હોય તે રીતે વર્ણવવામાં આવે છે. One Hundred Years of Solitudeમાં પણ રેમિદિયોસના સ્વર્ગારોહણની ઘટના તપાસીએ તો એક બપોરે ઘરના વાડામાં કપડાંની ઘડી કરતી વખતે રેમિદિયોસ હાથમાં ચાદર સાથે જ હવાનું એક ઝાપટું આવતાંવેંત જ ઉપર ભણી ઊડવા માંડે છે અને આકાશમાં અદૃશ્ય થઈ જાય છે. (જો કે આ કાલ્પનિક વર્ણન બાદ રેમિદિયોસના અલોપ થવાની ખરી બીનાનો પણ સર્જક સંકેત આપી જ દે છે.) આમ, પરીકથા, પુરાકલ્પન કે સ્વપ્નમાં બનતી ઘટનાઓ રોજની ઘરેડ સાથે ગોઠવાઈને વાચકને જકડી રાખતી કેલિડોસ્કોપિક વિવિધતા આપે છે. માર્ક્વેઝના કથારસના મેળામાં મ્હાલતો વાચક વાસ્તવ અને કપોળકલ્પિતના આ અવનવા મિશ્રણ અંગે શંકાશીલ નથી બનતો. One Hundred Years of Solitude ઉપરાંત માર્ક્વેઝના સમગ્ર સર્જનના પાયામાં રહેલા મેજિક રિયાલિઝમ પછી માર્ક્વેઝના જીવન ઘડતર/ ઉછેરની ઑથર/રાઇટર રિયાલિટી-સર્જકના (પોતીકા) વાસ્તવને પણ અંકે કરી લેવાનું જરૂરી બને છે, કારણ કે માર્ક્વેઝની કૃતિઓનાં વિષય, કથાબીજ, પાત્રસૃષ્ટિ અને ખાસ તો આ કૃતિઓની બાળવાર્તા સમી કથનશૈલી - બધું જ સર્જકના શૈશવથી માંડી પુખ્તતા સુધીના ઘડતરકાળના અનુભવોથી ખાસ્સું એવું પ્રભાવિત છે. ઈ. સ. ૧૯૨૮માં જન્મેલાં માર્ક્વેઝના જીવનના સાવ બુનિયાદી એવા બાળપણનાં નિર્ણાયક વર્ષો કોલંબિયાના ઉત્તરીય તટના (ઉષ્ણપ્રદેશી)ના કેરેબી ક્ષેત્રના આરાકાતાકા નામના નાનકડા શહેરમાં વીત્યાં. આમ તો આ વિસ્તારમાં થતા કેળોના પુષ્કળ ઉત્પાદનને કારણે વીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં જ ઉત્તર અમેરિકન યુનાઇટેડ ફ્રૂટ કંપનીએ આાકાતાકામાં પગપેસારો કર્યો હતો તેથી આ નાનકડું શહેર પણ ધમધમતું બની ગયું હતું. પણ માર્ક્વેઝના જન્મ સુધીમાં તો શહેરની ઝાકમઝોળ નષ્ટ થઈ ગઈ હતી અને ઈ. સ. ૧૯૪૧માં યુનાઇટેડ ફ્રૂટ કંપની કોલંબિયા પાછી જવાથી ઉત્તર તટના આ ક્ષેત્રની અર્થવ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થઈ ગઈ. થોડાંક વર્ષો પછી સર્જક માની સાથે દાદા-દાદીના ઘરને વેચવા આરાકાતાકા પાછાં આવ્યાં ત્યારે તેમણે જોયું કે ભૂતકાળમાં જાહોજલાલીથી ભર્યુંભાદર્યું શહેર જાણે નિર્જન ખંડેર બની ગયું હતું. પોતાના ઉછેરની વિશિષ્ટ પરિસ્થિતિઓને કારણે માર્ક્વેઝે બાળપણથી જ એકાકીપણાનો તીવ્રતર અનુભવ કરેલો પ્રતિષ્ઠિત અને સંપન્ન પરિવારની દીકરી લુઇસાએ માવતરની મરજી વિરુદ્ધ ગ્રેબિયલ એલિબિયો ગાર્સિંઆ નામના સામાન્ય ટેલિગ્રાફિસ્ટ સાથે લગ્ન તો કર્યાં, પણ માબાપની નારાજગી દૂર કરવા તે પોતાની પહેલી સુવાવડ કરવા પિયર આવી અને સંતાન માર્ક્વેઝને પિયરમાં જ મૂકી પતિગૃહે પાછી આવી. માર્ક્વેઝ માટે માણસોથી ભર્યુંભર્યું મોસાળ પણ એકાંતવાસ સમું હતું. ત્રણ માસીઓ અને આધેડ તથા વયોવૃદ્ધ સંબંધીઓ વચ્ચે આ વિશાળ હવેલીમાં માર્ક્વેઝ એકમાત્ર બાળક હોઈ તેનું એકાકીપણું સમયની સાથે સાથે તીવ્રતર બનતું ગયું. બાળપણથી કિશોરાવસ્થાના અનુભવો. આ એકલતાના શૂળને તધારે તીક્ષણ કરતા રહ્યા અને એની ઘોંચની પીડા આગળ જતાં માર્ક્વેઝના દરેકેદરેક લેખનમાં વ્યક્ત થતી રહી. ભલેને પછી એ હાસ્યકથા હોય, પરંતુ તેમાંય ક્યાંક ને ક્યાંક ખડખડાટ હાસ્યની પડછે પણ કરુણ શાંત સૂર રેલાય છે. આમ તો સમૃદ્ધ મોસાળમાં એમનો શૈશવકાળ કોઈ પણ અભાવ વિના આનંદમાં વીત્યો. નાના, નાની અને માસીઓનાં વહાલાં માર્ક્વેઝ વિશેષપણે દાદાનાં હેવાયાં હતાં. એક તરફથી સમવયસ્ક કોઈ જ ન હોવાથી એકાકીપણું અનુભવતાં માર્વેઝને માટે વૃદ્ધજનોનો સહવાસ ખૂબ મહત્ત્વપૂર્ણ પુરવાર થયો, કારણે કે આ બધા જ વડીલો પોતાના વંશ, પરિવાર અને આ દેશ તેમ જ શહેરના ભવ્ય ભૂતકાલીન વારસા અને ઇતિહાસ સાથે જોડાયેલી અનેક સત્ય ઘટનાઓ ઉપરાંત વાયકાઓ માર્ક્વેઝને સંભળાવતા. માર્ક્વેઝના દાદા કર્નલ નિકોલાસ માર્ક્વેઝ ઉદારવાદી હતા, અને સત્તાધારી રૂઢિવાદીઓ સામે ઈ. સ. ૧૮૯૯થી ૧૯૦૨ સુધીના 'સહસ્ત્રદિવસી યુદ્ધ’ના વિદ્રોહમાં સામેલ હતા. સમસ્ત કોલંબિયાને ધ્વસ્ત કરનારા અનેકાનેક આંતરવિગ્રહોની હારમાળાનું એ અંતિમ યુદ્ધ હતું દાદાજી ઘણી વાર એ સમયના આ વિગ્રહોના સનસનાટીભર્યા વૃત્તાંત માર્ક્વેઝને સંભળાવતા. માર્ક્વેઝની દાદી અને ત્રણ માસીઓ ધાર્મિકવૃત્તિવાળી ભોળી અને દૈવી ચમત્કારોમાં, જાદુ-ટુચકાઓ વગેરેમાં આસ્થા રાખનારી, અંધશ્રદ્ધા ધરાવતી સ્ત્રીઓ હતી. આ ચારેય સ્ત્રીઓ પાસેથી પણ માર્ક્વેઝને જાદુઈ ઘટનાઓ, તિલસ્મી અકસ્માતો અને ચમત્કારોની વાતો સાવ સ્વાભાવિકરૂપે- જાણે વાસ્તવ જીવનમાં જ બનનારી ઘટનાઓ હોય એવી સહજતાથી સાંભળવા મળતી. માર્ક્વેઝે ઘણે ઠેકાણે નોંધ્યું છે કે, એમની લેખનશૈલી દાદીની વાર્તાકથનશૈલીની દેન છે. દાદા પાસેથી સાંભળેલી ઇતિહાસની વાતો અને દાદી પાસેથી સાંભળેલી ચમત્કારપૂર્ણ તિલસ્મી વાર્તાઓનું મિશ્રણ માર્ક્વેઝઝની કૃતિઓનાં વિષય, શૈલી અને તેના મેજિક રિયાલિઝમને ઘડનારો મહત્ત્વનાં પ્રભાવક પરિબળો છે. ઈ. સ. ૧૯૩૬માં દાદાના મૃત્યુ બાદ માર્ક્વેઝની જાદુઈ (કથા) સૃષ્ટિનો પણ અંત આવ્યો. માર્ક્વેઝના મત મુજબ એમના સમગ્ર જીવનનો એકેય ખંડ મોસાળમાં વિતાવેલાં એ આઠ વર્ષ જેટલો સમૃદ્ધ, રોમાંચક અને આનંદદાયક ન હતો. એ પછીનાં દશ વર્ષ રાજધાની બોગોતા નજીક સિપાકિરા શહેરમાં છાત્રાલયમાં રહી અભ્યાસ કર્યો અને એકવીસ વર્ષની ઉંમરે (૧૯૪૭માં) બોગોતાની નેશનલ યુનિવર્સિટીમાં કાયદાના અભ્યાસ માટે જોડાવા કેરીબી જેવા સાદા પ્રાંતમાંથી આવનાર માર્ક્વેઝને બોગોતાના ઍન્ડ્રીઝ વિસ્તારનું બિલકુલ ઔપચારિક અને પરંપરાવાદી વાતાવરણ અનુકૂળ ન આવ્યું અને બાળપણથી જ કથારસના રસિયા માર્ક્વેઝે વાચનમાં પોતાની જાત પરોવી માર્ક્વેઝ દાદા-દાદીની વારતાઓ ઉપરાંત પોતાની ભાવકવૃત્તિ અને સર્જન પર કાફકાની રચના ‘મેટામોરફોસિસ'નો પ્રભાવ પણ ગણાવે છે. A Very Old Man with Enormous Wingsમાં આ પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. ઈ. સ. ૧૯૪૮માં અભ્યાસ છોડી માર્ક્વેઝ ઉત્તર તટના ક્ષેત્રમાં પરત આવી કાર્તખેના અને ત્યાર બાદ (૧૯૫૦માં) બારાંકિલ્યામાં પત્રકાર તરીકે સ્થાયી થયા. બારાંકિલ્યામાં પત્રકાર તરીકેનો એ કાળખંડ માર્ક્વેઝ માટે મહત્ત્વપૂર્ણ રહ્યો જેમાં કળા-સાહિત્યના રસિક અને સુજ્ઞજનોની મૈત્રી મળી અને કાફકા, જેમ્સ જોયસ, ફોક્નર અને વુલ્ફ આદિ સર્જકોના સર્જનની મુખોમુખ થવાનું બન્યું. અહીં જ એમની સર્જનયાત્રા આરંભાઈ. તેમની શરૂઆતની કેટલીક વાર્તાઓ અને પહેલી નવલકથા Leaf Stromનું સર્જન થયું. જો કે વાર્તાકાર/નવલકથાકાર તરીકે પ્રસ્થાપિત થવાના આ પ્રયત્નોનાં વર્ષોમાં માર્ક્વેઝ નામાંકિત પત્રકાર તરીકે ખ્યાતિ પામી ચૂકેલા. Leaf Strom ૧૯૫૫માં પ્રકાશિત થઈ તેના એક વર્ષ પહેલાં એટલે કે ૧૯૫૪માં બોગોતાના પ્રતિષ્ઠિત અખબાર ‘એલ એસ્પેક્તોદોરને'માં જોડાયા અને જોતજોતામાં જ તેમની ગણના કોલંબિયાના નોંધપાત્ર પત્રકારોમાં થવા લાગી ઈ. સ. ૧૯૪૮માં ઉદારમતવાદી ગાઈતાનની હત્યાથી માર્ક્વેઝ ખૂબ હતાશ થયા. અને આ હત્યાના ફલસ્વરૂપ પ્રસરેલી અને વકરેલી હિંસાને કારણે (૧૯૪૯થી ૧૯૬૨) તેર વર્ષના લાંબા સમયખંડ દરમ્યાન અઢીથી ત્રણ લાખ માણસો માર્યા ગયા. આ નરસંહારના ભીષણ સમયમાં (૧૯૫૩થી ૧૯૫૭) પાંચ વર્ષ કોલંબિયા તાનાશાહી શાસનના તાબામાં રહ્યું. આ બધી ઘટનાઓએ માર્ક્વેઝના ચિત્ત પર ઊંડો પ્રભાવ પાડ્યો. બાળપણમાં જ ચિત્તને પ્રભાવિત કરનારા કાન્તિકારી, ઉદારમતવાદી દાદાજીના સહવાસે અને પોતાના જન્મ સમયે (૧૯૨૮માં) સિએનાગામાં યુનાઇટેડ ફ્રૂટ કંપનીના મજૂરોની હત્યાના બાળપણમાં સાંભળેલા વૃત્તાંતે આમેય તેમને વિચારતા કરેલા. સિપાકારાની શાળાના વિદ્યાર્થીકાળમાં પણ વામપંથી અધ્યાપકો થકી માર્ક્સવાદી વિચારધારાથી પરિચિત થયેલા. આમ બાળપણથી માંડી છેક તેમની નોંધપાત્ર પત્રકાર અને પ્રતિષ્ઠિત સર્જક તરીકે ઓળખ ઊભી થવા સુધીના આ અનુભવોના પ્રભાવને કારણે તેઓ તામપંથમાં શ્રદ્ધા ધરાવતા થયા અને તેમનું દૃઢપણે માનવું છે કે માનવજાત અને માનવતા - બેઉનું ભાવિ સમાજવાદ પર નિર્ભર છે. ૧૯૫૫માં એલ એસ્પેક્તાદોર અખબાર દ્વારા માર્ક્વેઝ વિદેશી સંવાદદાતા તરીકે યુરોપ જાય છે, પરંતુ પૅરિસ પહોંચે છે ત્યારે જાણ થાય છે કે અખબાર સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે. ઘણા સંઘર્ષો બાદ ૧૯૫૭માં વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં બે વર્ષ સુધી પત્રકારત્વમાં પ્રવૃત્ત રહે છે. ૧૯૫૯માં ક્યુબન ક્રાન્તિ બાદ ક્યુબન ન્યૂઝ એજન્સી ‘પ્રેન્સા લાવીના’માં જોડાયાં. એમ પહેલાં બોગ્રોતા પછી ક્યુબા અને ત્યાર બાદ ન્યૂયોર્ક - આમ સતત ભ્રમણ અને સંઘર્ષ કરતાં કરતાં ૧૯૫૮માં લગ્ન કરી ૧૯૬૧માં મેક્સિકોમાં સ્થાયી થાય છે. આ સઘળા ૨ઝળપાટમાં પત્રકાર તરીકેની વ્યાવસાયિક જવાબદારીઓ, પટકથાલેખન અને સાહિત્ય-સર્જનયાત્રા વણથંભ રહે છે અને અંતે આગળ નોંધ્યું તેમ નામાંકિત પત્રકાર ઉપરાંત પ્રતિષ્ઠિત સર્જક તરીકે ખ્યાત કરનારા ઉમદા કથાસાહિત્વનું સર્જન કરે છે અને માત્ર ૩૯ વર્ષની ઉંમરે એવી ઉત્કૃષ્ટ નવલકથા રચે છે જે તેમને પાછળથી નોબેલ પારિતોષિક અપાવે છે.

માર્ક્વેઝની સર્જનયાત્રા અને તેની સર્જકતાને ઘડનારાં પરિબળોના વિવરણની આટલી ભૂમિકા બાદ હવે મૂળ જેની વાત કરવાની છે તે નવલકથાકૃતિ One Hundred Years of Solitude પર આવીએ. આ શીર્ષકનો સાવ સરળ શબ્દશ: અનુવાદ કરીએ તો ‘એકલતાનાં એક સો વર્ષ' એમ થાય આ શીર્ષક જ જાણે ભાવકને એકલતાની ચિરંતન પીડાની ભીંસનો અહેસાસ કરાવે છે. ખરું જોતાં તો આ આખી નવલકથા એક રમૂજકથા (humourous tale) છે. પણ હાસ્યને નિમિત્તે પણ માર્ક્વેઝ લેટિન અમેરિકાની તત્કાલીન પરિસ્થિતિને સાંસ્કૃતિક, સામાજિક, ઐતિહાસિક, રાજકીય અને પૂર્વ પ્રજાના ચૈતસિક વાસ્તવના પરિપ્રેક્ષ્યમાં તપાસે છે, તાગે છે ત્યારે તેમાં હાસ્ય ઉપરાંત વિસ્મય, ભીતિ, પ્રેમ, નિર્વેદ, કરુણ એવા કેટકેટલા ભાવના વાસ્તવ-સંકેતો અનાવૃત થતા આવે છે. માર્ક્વેઝની આલેખનશક્તિનું આ સબળ જમા પાસું છે. આ નવલકથામાં આમ જોવા જઈએ તો ખોસે આર્કાદિયો બુએનદિયાના વંશજોની પેઢીઓમાં માનવસંખ્યા એટલી તો છે કે પેઢીઓની ગીચતા નવલકથાને સંકુલ અને દુર્બોધ બનાવે છે. પણ વંશની ગીચોગીચ વસ્તીમાં પણ - જીવતું એકેએક પાત્ર પોતાની અમર્યાદ એકલતાનો વધસ્તંભ વહીને ફરે છે.... ઉર્સુલા- જે આખા વંશની ચારચાર પેઢી સુધી સાચવણીમાં/જાળવણીમાં જાતને ઓળઘોળ કરી છે તે પુત્ર-પુત્રવધુઓ, પૌત્રો, પ્રપૌત્રો અને તેમની પત્નીઓથી ભરચક ઘરમાં પણ પતિ/સંતાનોની બેહદ પીડા એકલી સહે છે. અંતે પ્રપૌત્રો અને તેમની પાત્નીઓની ઉપેક્ષા અને તેમનાં સંતાનોની ઉપહાસભરી પજવણીમાં મોતને ઘાટ ઉત્તરે છે. આમારાન્તા - જેની એકલતા એનાથી તદ્દન ભિન્ન છે. પિએત્રો કેસ્પીને ચાહવા છતાં, ને પામી શકવાના કારણરૂપ રૅબેકા પ્રત્યે અમાપ ધૃણા, વેર અને દ્વેષથી સળગતી આ કાળઝાળ છોકરી તેની ભાભી મેરેદિયોસની હત્યાનું નિમિત્ત બને છે અને જીવનભર એ અપરાધભાવ વેઠે છે. આ અપરાધભાવ જ તેની નિતાંત એકલતાનું કારણ બને છે જે તેના એકતરફી પ્રેમપાત્ર પિએત્રોને આજીવન રાહ જોવા છતાં ઇનકારે છે ને તેને આત્મહત્યા તરફ દોરે છે. તો તેને ચાહનાર જનરલ ખેરિનેલ્દા માર્ક્વેઝના પ્રેમનો પણ અસ્વીકાર કરે છે, એના દ્વારા સ્વીકારની રાહ જોતો હેરિનેલ્દા પણ મરણને શરણ થાય છે અને અંતે આ બધાં મૃત્યુનું નિમિત્ત પોતાને માનતી આમારાન્તા પણ જીવનનાં અંતિમ ચાર વર્ષ પોતાનું કફન વણતાં વણતાં એકલતાનો નિર્વાહ્ય બોજ ઉપાડે છે. ખોસે આર્કાદિયો બુએનદિયાનું પણ પોતાની અમર્ત્ય શક્તિઓ, નગર માટે તેણે ઉઠાવેલી જહેમતો, નગરવિકાસ અને રક્ષા માટે તેના જાત પર કરેલા જીવલેણ અખતરા અને અંતે આ બધાની અતિશયતા ન જીરવાતાં તેનું પાગલ બનવું – આ આખી દયનીય સ્થિતિમાં સૌથી કરુણાજનક એ બાબત છે કે ખોસે આર્કાદિયોના પાગલ બનવા પૂર્વે પોતાના પરિવાર, વંશ અને નગરને સમૃદ્ધ, સુરક્ષિત અને વિકસિત રાખવાની તેની ગજબની ચાહના અને તે માટેના અવિરત, અસંખ્ય પ્રયાસોમાં તે સાવ એકલો છે અને આવી નિતાંત એકલતા અને અમાપ ચાહનાઓનાં ચિત્તમાં ઊછળતાં ઘોડાપૂરથી ગાંડો બનતો નાયક પત્ની, પરિવાર, ગામની અસહનીય ઉપેક્ષા વેઠતો, લગભગ જીવનના અંત લગી બેડીઓમાં જકડાયેલો, બદામના વૃક્ષ પાસે છાપરાની બનાવેલી કોટડીમાં પડ્યો રહે છે. તેના હૃદયમાં સળગતી ભાવનાઓ અને એમાંથી જન્મતી અસહ્ય પીડાની અભેદ લોખંડી દીવાલોને પાર કરી તેના મનને સ્પર્શવા કોઈ સમર્થ નથી. તેની આ આજીવન એકલતા ક્ષણપૂરતીય કોઈના સમસંવેદન/સહાનુભૂતિ જન્માવવા પૂરતી વંધ્ય છે. કર્નલ ઓરેલિયાનો બુએનદિયા - બત્રીસ વખત યુદ્ધ કરતો અને યુદ્ધમાં પરાજિત થતો, એના સ્વભાવગત્ વિશિષ્ટ ગુણો, ઉદારવાદી મત વિશેની પણ તેની માન્યતાઓ અને નિર્ણવોને લીધે સતત હતાશા, નિષ્ફળતા અને તેની પીડામાં નિ:સીમ એકાકીપણાનો અનુભવ કરે છે. આ એકાકીપણાની અસહ્ય વાતના જ રેમેદિયોસ મોસ્કાતે જેવી પ્રેમાળ પત્ની હોવા છતાં યુવાનીમાં પિલાર તર્નેરા સાથે અને કિશોરાવસ્થાથી લઈ યુવાની સુધી સગી ફોઈ સાથે શારીરિક સંબંધની ગર્તામાં ધકેલાય છે. આમારાન્તાના તિરસ્કારથી વધારે નિ:સહાય બનતો ઓરેલિયાનો બુએનદિવા અંતે યુદ્ધમાં સમાધાન શોધે છે. - ઓરેલિયાનો બુએનદિયાના ભિન્ન ભિન્ન સ્ત્રીઓથી થયેલા ૧૭ પુત્રો પણ યુદ્ધના વારસા સિવાય પિતા પાસેથી કંઈ જ પામતા નથી અને પિતાના વંશની ઓળખ વિના જ એક રાત્રે તેમની હત્યા કરવામાં આવે છે. પિતૃવંશના સ્વીકાર, ઓળખ અને વારસા વિનાના આ પુત્રો પણ તેમની માતાઓ માફક જ એકલતાનો બોજો વેઠતા જીવે છે. એકમાત્ર ઓરેલિયાનો આમાદોર જીવતો બચે છે પણ તેની જિંદગી તો ઓળખવિહીન, સ્વીકારવિહીન અને ધ્યેયવિહીન અસ્તિત્વમાં ભારેખમ બોજથી અસહ્ય બની છે. તેની એકલતા પણ અંતહીન છે. માર્ક્વેઝ લખે છે : ‘એને જીવતો રાખનારી ગુપ્ત શક્તિ આત્મરક્ષણની માનવસહજ વૃત્તિ નહીં પણ ભવનો મહાવરો હતી... જે (તેના) પોતાના દીર્ઘ અને જોખમભર્યા. નાસતા ફરતા જીવનમાં થોડીક શાંતિની ક્ષણો શોધતો ત્યાં આવ્યો હતો, પોતાનો પરિચય આપી એણે વિનંતી કરી કે એને એ ઘરમાં આશ્રય અપાય જે ઘરને એણે પોતાના નિર્વાસન સમય દરમ્યાન બધી જ રાત્રીઓના પોતાના આશ્રય સ્થાન તરીકે યાદ કર્યું હતું.' ઓરેલિયાનો બીજો અને ખોસે આર્કાદિયોત્રીનો બેઉ પોતાની મહત્તા, અભિમાન અને યૌદ્ધાઓનાં સંતાન હોવાના વાસ્તવિકતાજન્ય વૈશિષ્ટયને લીધે એકાકીપણાનો ભોગ બન્યા છે. બીજું કે એક જ સ્ત્રી (પિલાર તર્નેરા)થી અવતરેલા હોવા છતાં જુદા પિતાને કારણે પરસ્પર માટેનો છૂપો દ્વેષ તેમને વધુ વિખૂટા કરે છે અને એકાકીપણાનો ભાવ ક્રમશઃ તીવ્રત્તર બને છે. રેમિદિયોસ - જે અત્યંત સ્વરૂપવાન છે તેને અલૌકિક ગણી સદાય માણસોથી દૂર રાખી તેનો અસાધારણ ઉછેર કરવામાં આવે છે. પ્રેમથી વંચિતા આ કન્યાનું એકાકીપણું આખરે સ્વર્ગગમનમાં પરિણમે છે. ઓરેલિયાનો સેગુન્દો - અય્યાશ, બેપરવાહ અને મોજીલો- ઉડાઉ માણસ છે. પોતાના અસાધારણ પરિવાર, તેની પોતાની વિશિષ્ટ મનોવૃત્તિ અને આદતોને કારણે પત્ની સાથેની સંવાદિતા સ્થાપવાને બદલે વેશ્યાગામી બને છે અને રૂપજીવિની પેત્રા કોતેસ સાથે આજીવન સંબંધ રાખે છે. જીવલેણ વરસાદના દિવસોમાં બે બે સ્ત્રીઓ/પત્ની અને પ્રેયસીના સહવાસ છતાં એકાકી ઓરેલિયાનો સેગુન્ધ અંતે કમોતે મરે છે. ખોસે આાર્કાદિયો પાંચમો- જેને અવૈધ સંતાન માની શાળામાં પણ પ્રવેશ નથી અપાતો. તેને માર્ક્વેઝે ‘એકાકી ભયભીત બાળક’ તરીકે આલેખે છે. પેત્રા કોતેસ - બે બે પ્રેમીઓ (બેઉ સેગુન્દાભાઈઓ) છતાં નિતાંત એકલી છે. જીવનનો છેલ્લાં વર્ષો અસહ્ય એકલતાની યાતનામાં ગાળતી પેત્રા કોતેસ પોતાના પ્રેમી ઓરેલિયાનોને અંતિમ વિદાય પણ આપવા જેટલો હક નથી પામતી. દફનવિધિ વખતે મૃત ઓરેલિયાનો સંગુન્દાને ચામડાનાં જૂતાં પહેરાવવા જતી પેત્રા કોતેર્સને ફેર્નાન્દા દ્વારા થયેલું અપમાન તેની એકલતાની પરાકાષ્ઠાએ પહોંચાડે છે. પિલાર તર્નેરા - એની પણ આવી જ અવસ્થા છે. ગામ આખાને પોતાનો જાદુઈ પત્તાં દ્વારા તેમનાં દુઃખના ઉપાયો કહેતી પિલાર તર્નેરાની પીડા નિરૂપાય છે. બે બે પુરુષનાં પડખાં સેવ્યા છતાં, બેઉ પુરુષને તેમના વારસપુત્રો આપ્યા છતાંય બદનામ, બહિષ્કૃત અને એકાકી જીવન જીવતી પિલાર પોતાની એકલતાના ઘાને રૂઝવવા પ્રેમભીરુ યુગલોને તેમની વાસનાતૃપ્તિ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. જીવનઆખું રંગરાગમાં વિતાવનારી પિલાર તર્નેરાના મૃત્યુને માર્ક્વેઝ આ રીતે આલેખે છે : 'પિલાર તર્નેરા પોતાની વાંસની આરામખુરશીમાં ઉત્સવની એક રાત્રે પોતાના સ્વર્ગદ્વારની પહેરેદારી કરતાં જ મૃત્યુને ભેટી.’ અને ઓરેલિયાનો ચોથો જે રેનાતા રેમેદિયોસનો પુત્ર છે તે પણ અવૈધ સંતાન તરીકે જ પરિવારમાં સ્થાન પામે છે; પણ તે અતિ સંવેદનશીલ હોઈ બધાથી અળગો રહી પોતાના જન્મના અને કુળના રહસ્ય શોધવાની મથામણમાં પુસ્તકોમાં રચ્યો- પચ્યો રહે છે અને તેની આ અસીમ એકલતાને કારણે જ અમારાન્તા ઉર્સુલા જે તેની માસી છે તેની સાથે પ્રેમસંબંધથી જોડાય છે અને પોતાની માસીના સંતાનનો પિતા બને છે. આમ એકલતાનાં સો વર્ષ એ મનુષ્યની સર્વસામાન્ય એકલતાની કથા છે જે તેને આયુષ્યપર્યંત જીરવવાની છે અને એ દુર્ગમ એકલતાને ભેઠી મનુષ્યની એ ચિરંતન પીડામાં સહભાગી થવા નથી કોઈ સક્ષમ કે ના તો એ એકલતાનું કોઈ નિવારણ છે. આ એક સદીની એકલતા વિશ્વ સમસ્તને આવરીને રહી છે અને માનવમાત્રની તે અનિવાર્ય નિયતિ છે. અને આ નિયંતિને માર્ક્વેઝ આ રીતે વર્ણવે છે ‘…એકલતાની એક સદીથી જે શાપિત છે તેવા વંશવૃક્ષની શાખાઓને આ ધરતી પર બીજો એકેય અવસર મળે તેમ નહોતું.’


(પૂ. ૭૪-૮૪, એતદ્, ઓક્ટો. ડિસે. ૨૦૧૩)