Man’s Search for Meaning

From Ekatra Wiki
Revision as of 02:49, 18 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Man’s Search for Meaning cover.jpg


Man’s Search for Meaning
The harrowing experiences of the author in a concentration camp

Viktor Frankl

જીવનના અર્થની ખોજ

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝી યાતના છાવણીમાં લેખકના ત્રાસદાયક અનુભવો.
વિક્ટર ફ્રેન્કલ


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય:

વિક્ટર ફ્રેન્કલ એક ઓસ્ટ્રીયન ન્યૂરોલોજીસ્ટ અને મનોરોગ ચિકિત્સક છે. તેઓ લોગોથેરાપીના જનક તરીકે સુખ્યાત છે. એ એક વિશિષ્ટ પ્રકારની સાયકોથેરાપી છે. ફ્રેન્કલ, બીજા વિશ્વયુદ્ધમાં નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી બચીને આવ્યા હતા, પછી એમણે જીવનના અર્થની ખોજ ઉપર ઘણાં આંતરદૃષ્ટિપૂર્ણ પુસ્તકો લખ્યાં છે.

વિષયપ્રવેશ :

Man’s Search for Meaning (મનુષ્યની જીવનના અર્થની ખોજ)માં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન, Auschwitz કોન્સન્ટ્રેશન કેમ્પમાં, લેખક અને મનોવિજ્ઞાની એવા વિક્ટર ફ્રેન્કલને નજરકેદમાં થયેલા ભયંકર યાતનાપૂર્ણ અનુભવોનું વર્ણન છે. મનુષ્ય અત્યંત પડકારજનક, ત્રાસદાયક અને ટકી જ ન શકાય તેવી પરિસ્થિતિમાં પણ કેવી રીતે ટકી જાય છે, યંત્રણા અને આંતકનો સામનો કરે છે અને અંતે પોતાના અસ્તિત્વનો કે જીવનનો અર્થ પ્રાપ્ત કરે છે એની સુંદર આંતરદૃષ્ટિપૂર્ણ ગાથા આ પુસ્તકમાં લેખક રજૂ કરે છે.

પ્રસ્તાવના :

બીજા વિશ્વયુદ્ધમાં વિક્ટર ફ્રેન્કલ એક કોન્સન્ટ્રેશન કેમ્પમાં નજરકેદમાં પૂરાયા હતા ત્યારના ત્રાસદાયક અનુભવોની સ્મરણગાથા આ પુસ્તકમાં વર્ણવાઈ છે. પોતે મનોવૈજ્ઞાનિક અને લેખક હોવાથી, એ જુલ્મી અનુભવો કરવામાં, લોગોથેરાપીના મૂળભૂત સિદ્ધાંતો-મનોચિકિત્સા પદ્ધતિ-એમણે શોધી કાઢી. ફ્રેન્કલ અને તેમના પરિવારને વિવિધ યંત્રણા કેમ્પોમાં, સાથી કેદીઓ અને ચોકીદાર સૈનિકોની હેવાનિયત અને ક્રૂરતા ખૂબ સહન કરવી પડી હતી. આ કપરી કસોટીમાંથી પસાર થતાં એમણે, કેદીઓનાં નજરકેદ પ્રત્યેની પ્રતિક્રિયાને ત્રણ તબક્કામાં વહેંચાતી અનુભવી : પહેલાં તો પરિસ્થિતિનો નકાર-અસ્વીકાર, પછી ધીરે ધીરે તેનો સ્વીકાર, હવે છૂટકો જ નથી; અને આખરે મુક્તિ પછી એડજસ્ટમેન્ટ.

અત્યંત હતાશાના સમયમાં પણ ફ્રેન્કલે જોયું કે આવે સમયે પણ કેદીઓએ પરિસ્થિતિ પ્રત્યે પોતાની પ્રતિક્રિયા પસંદ કરવાની શક્તિ ટકાવી રાખી હતી, અને જેમને જીવનનો કંઈક હેતુ જણાતો હતો તેવા કેદીઓની શારીરિક-માનસિક સ્થિતિસ્થાપકતા સૌથી વધુ સારી રહી હતી. વિક્ટર ફ્રેન્કલે, આ કેમ્પ દરમ્યાન પોતાની ખોવાયેલી બુકની હસ્તપ્રત પુનઃ સર્જવાનું નક્કી કર્યું. તેમણે લોગોથેરાપી નામની મનોચિકિત્સા પદ્ધતિ વિકસાવી હતી, જેનો કેન્દ્રવર્તી વિચાર/મુદ્દો એ હતો કે વ્યક્તિ પોતાના અસ્તિત્વના અર્થની શોધ માટે પ્રેરાતો હોય છે, પછી ભલે તે કોઈ ચોક્કસ-વિશિષ્ટ અનુભવો, સંબંધો કે અપરિહાર્ય યાતના-યંત્રણા કેમ ન હોય ! જો મનુષ્ય પાસે આવું અસ્તિત્વનું અર્થશોધક મોટીવેશન ન હોય, અથવા જો તે અર્થખોજમાં નિષ્ફળ જાય તો Noogenic crisis નામની અસ્તિત્વાદી હતાશામાં માણસ દોરવાઈ જાય છે. Logotherapy, માણસના આવા કલ્પિત અથવા વાસ્તવિક ભય-phobias અને ચિંતા-વ્યગ્રતા-Anxieties અંગે આંતરદૃષ્ટિપૂર્ણ સમજ આપે છે. તે વિરોધાભાસી ઈરાદાઓ, કરુણ આશાવાદનું મહત્ત્વ અને વિપત્તિ કે વિપરિતતાની વચ્ચે પણ અર્થની શોધ શી રીતે કરવી તે આપણને શીખવે છે. ભયંકર યાતનાપૂર્ણ કેમ્પમાંથી, જીવના જોખમમાંથી બચીને આવેલા એવા ફ્રેન્કલના પોતાના અનુભવો, માનવ સ્વભાવના અદ્વિતીય પરિપ્રેક્ષ્યને પ્રભાવિત કરનારા રહ્યા છે. તેઓ સ્વાનુભવે સમજાવે છે કે માણસ જીવનમાં પોતાનો હોવાનો અર્થ કઈ રીતે શોધી શકે? નિરાશાની ઊંડી ખાઈમાંથી, જીવન હણી લે તેવા સંજોગોના અજગરભરડામાંથી પણ વિચારશીલ માણસ કયા આંતરિક બળના પ્રેરણથી બહાર આવી શકે છે? લેખકની આંતરદૃષ્ટિ, અકલ્પનીય શારીરિક-માનસિક ક્રૂરતા, પીડા અને જુલમની સામે પણ કેદીઓ કેવી રીતે ટકી ગયા તેને ઉજાગર કરે છે. જેમાંથી આપણને અમૂલ્ય પાઠ શીખવા મળે છે કે ગમે તેવા કપરા કસોટીકાળમાં પણ માણસે કેવી રીતે ટકી રહેવું જોઈએ.

ચાવીરૂપ મુદ્દાઓ :

૧. કોન્સન્ટ્રેશન કેમ્પમાં આવતા કેદીઓની પ્રતિક્રિયા ત્રણ જુદા જુદા તબક્કામાં જોવા મળે છે : શરૂઆતમાં તેઓ નજરકેદની સ્થિતિનો ભારે વિરોધ અને નકાર કરે છે, પછી એના પ્રત્યે ધીરે ધીરે ભાવશૂન્ય બનતા જાય, અને વળી મુક્તિ પછી સામાન્ય જીવનક્રમમાં ગૂંથાતાં નિર્વૈયક્તિકરણ depersonalizationમાંથી પસાર થાય છે :

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝી કેન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલાતા કેદીઓ, ત્યાંના ભયાનક અને ગમગીન વાતાવરણમાં મૂકાતાં જ પહેલાં તો જબરો આઘાત અનુભવે છે કે અરે રે, હવે તો ગયા કામ સે, અહીંથી છૂટાશે કે યાતનાપૂર્ણ મોતને જ ભેટવું પડશે? અમારું શું થશે? લગરીક આશા અને લાખો નિરાશા વચ્ચે તેમનું મન ઝોલાં ખાય છે. કતલખાને લઈ જવાતાં પશુઓની જેમ, તેમને પોતાના જીવ પર ઝળુંબી રહેલા મોતનો અણસાર આવી જાય છે. આ પ્રારંભિક પ્રવેશ ઘડી ઘણી જ ડરામણી અને દર્દભરી હોય છે. નાઝી નજરકેદ છાવણીમાં પુરાયા એટલે ખલાસ, એવું જાણતા જ હોવા છતાં, મોટા ભાગના કેદીઓની પ્રતિક્રિયા ત્રણ જુદા જુદા તબક્કામાં જોવા મળતી હોય છે : પહેલો તબક્કો, તેમને લશ્કરી વાહનોમાં ત્યાં લાવવામાં આવે છે ત્યારથી શરૂ થાય છે. એમની ફાંસી-મોકૂફી થશે એવી ભ્રમણાને જોરથી વળગી રહેવાનો તેઓ મરણિયો પ્રયાસ કરે છે. છાવણીનું વાતાવરણ જ એવું ભયપ્રેરક અને આઘાતજનક હોય છે કે કદાચ, કોઈક સંજોગોમાં એમની રાહ જોઈ રહેલા મોતથી છૂટકારો મળી જાય એવું તેઓ સતત વિચારતા રહે છે, એટલે કે વર્તમાન પરિસ્થિતિનો નકાર, અસ્વીકારભાવ તેઓ સેવતા હોય છે. Auschwitz કેમ્પમાં લાવનારી ટ્રેનમાંથી ઊતરતાં ડાબી બાજુ કે જમણી બાજુ પડનારી લાઈન પ્રમાણે તેમને જીવતા રખાશે કે મારી નંખાશે તે નક્કી થતું હતું. આથી બિચ્ચારા બદનસીબ કેદીઓ ઊંડે ઊંડે જીવનની આશાને વળગીને વાગોળ્યા કરતા.....આ તબક્કામાં, બીજા નવા ઉમેરાતા કેદીઓને, છાવણીની અંદરની યાતનાઓનો ખ્યાલ નથી હોતો, તેઓ નાના ક્ષુલ્લક નિયમભંગની પણ ક્રૂર સજા થશે એવા ભયથી કાંપતા રહેતા. સૈનિકોની વિચિત્ર બર્બરતા એમની નજર સામે થતી જોવાતી ત્યારે ઘણા નવા કેદીઓ તો—‘આના કરતાં તો એક ઝાટકે મોત આવી જાય તો છૂટી જવાય’ એવું વિચારતા થઈ જતા...અરે, આના કરતાં તો વીજકરંટયુક્ત તારની વાડને ભેટી જઈએ કે આપઘાત કરી લઈએ તો સારું થાય એમ તેઓ માનવા લાગતા..... પરંતુ નકારનો આ તબક્કો, અહીં પૂરો થતો નથી. એમનો નકારભાવ આગળ વધીને ઉદાસીનતા કે ભાવશૂન્યતામાં પ્રવેશે છે. તેઓ છાવણીનું ક્રૂર અને બર્બર સ્થાન જોતાં જોતાં જાણે ‘પોતે માણસ છે જ નહિ’ એવું અનુભવવા લાગે છે. ઉપરછલ્લી દૃષ્ટિએ બધું સારું દેખાય, પણ અંદર સજાનો ડર, મોતની છાયા તેમને હરપલ કોરી ખાય છે. તોયે થોડા સ્વસ્થ કેદીઓ હળવી મજાકમસ્તી કે જોક્સ કહીને સ્થિતિને સામાન્ય રાખવાની કોશિશ કરતા હોય છે. પણ સમય જતાં, તેઓ સાંવેગિક દૃષ્ટિએ, દૈનિક ડર પ્રત્યે જડ બની જાય અને ઉદાસીનતા કે નિઃસ્પૃહતામાં સરી જાય છે. હવે, બચી ગયા પછી, ત્યાંથી છૂટકારો થતાં, તેઓ બહારની દુનિયામાં આવે છે, પેલી depersonalizationની છાયા લઈને, અને નોર્મલ લાઇફમાં પાછા ગોઠવાવાનો પ્રયાસ કરે છે. અહીં નોંધનીય એ છે કે લેખક ફ્રેન્કલનું અવલોકન, શોક કે દુઃખના જાણીતાં પાંચ સ્તરોથી જુદું પડે છે. પેલામાં પહેલાં ગુસ્સાને બાયપાસ કરવો, બાર્ગેઈનીંગ કરવું પછી ડીપ્રેશન આવે અને પછી પરિસ્થિતિના સ્વીકાર કે શરણાગતિ તરફ માણસ ઝડપથી સરકી જાય છે...આવી માનસિક મુસાફરી માત્ર કેદીઓમાં જ જોવા મળી તેવું નથી. કેટલાક શિબિર સંત્રીઓ, ચોકીદારો, સૈનિકો પણ આવાં જ લક્ષણો અને સ્તરોમાંથી પસાર થયા છે. યાતના છાવણીઓની કટુ અને ક્રૂર વાસ્તવિકતાએ તેમને આ ભૂમિકામાંથી પસાર થવા મજબૂર કર્યા-પહેલાં આઘાત-ઝાટકો, પછી એડજસ્ટમેન્ટ, સ્વીકાર-સમાયોજન અને આખરે આમ ન કરો તો મોત ! બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી, આમાંના કેટલાક બચેલા કેદીઓએ સમાજમાં પાછા ફરવાનો અને આંતરિક શાંતિ શોધવાનો પ્રયાસ કર્યો અને એમાંથી લેખકને લોગોથેરાપીના સિદ્ધાંતો જડ્યા.

૨. દુર્ગમ જણાતી મુસીબતો હોવા છતાં, એવી કપરી પરિસ્થિતિઓમાં વ્યક્તિને હંમેશા યાતના-ત્રાસદી પ્રત્યેની પોતાની પ્રતિક્રિયા નક્કી કરવાની સ્વતંત્રતા તો મળતી જ હોય છે. થોડા દિવસો આવી છાવણીમાં રહ્યા પછી, કેદીઓ ઉદાસીન થઈ જાય છે અને બસ, હવે તો બચવાના અનિવાર્ય ઉપાયો પર જ ધ્યાન કેંદ્રિત કરવાનું છે એમ માનવા લાગે છે.

આવી યાતના છાવણીઓનું કડક અને ક્રૂર વાતાવરણ અને નિયંત્રણ, કેદીઓની પોતાની ઈચ્છા-અરમાન મુજબનું જીવન ઘડવાની ક્ષમતાને હણી નાખે છે. ચોકીદારો અને સૈનિકોની આજ્ઞાનું ઉલ્લંઘન એટલે કેદીનું મોત જ ! કેદી પોતાની મરજી મુજબ કંઈ જ ન કરી શકે. જડબેસલાક લશ્કરી શિસ્ત પાળવી પડે. આવા વાતાવરણમાં, ફ્રેન્કલે પોતાની લેખન-પ્રવૃત્તિ-હસ્તપ્રત ખૂબ ગુપ્ત રીતે લખવી પડતી. ઉપલક દૃષ્ટિએ જોતાં લાગે છે કે દરેક કેદીની પસંદગી સરખી જ છે, બધાંનું ભાગ્ય સરખું જ છે. અને જે બચી ગયા છે તેમણે તેમની ઇચ્છા અને સ્વાયત્તતા ત્યાગી દીધી હોય એવું લાગે છે. તેમ છતાંયે, કેદીઓ, છાવણીની અતિ કઠોર પરિસ્થિતિમાંયે ટકી રહેવાની-બચી જવાની તીવ્ર ઇચ્છા ધરાવતા જોવા મળ્યા છે. એમનામાં પરિસ્થિતિ જોડે અનુકૂલન સાધવાની પ્રયુક્તિ વિકસી હતી, જેનાં મૂળ તેમની એકમાત્ર મુક્તિની આશામાં હતાં. અહીં સિદ્ધાંત એ રહેલો છે કે—‘આપણી ગમે તેવી કપરી પરિસ્થિતિ કે યાતનાઓ પ્રત્યે આપણે કેવો પ્રતિભાવ આપવો કે વલણ રાખવું તે પસંદ કરવાની શક્તિ તો આપણી પાસે છે.’ આવો ઊંડો પદાર્થપાઠ, એકસરખા લાગતા વિકલ્પોવાળી પરિસ્થિતિમાં રહેલા લોકોને લાગુ પડતો જણાય છે. ત્યાં જે પસંદગી તેઓ કરે છે તેમાં તેમના અનોખા વ્યક્તિત્વનાં દર્શન થાય છે. દા.ત. સ્ટીફન હૉકિંગનું Lou Gehrig રોગનું નિદાન થયું ત્યારે એમણે ભૌતિકશાસ્ત્રી બનવાની કારકિર્દી છોડી દેવાનું વિચાર્યું હોત કે ‘હવે મારી શારીરિક મર્યાદાઓ મને પાંગળો બનાવી દેશે, હું આગળ નહિ વધી શકું..’ બીજું કોઈ હોત તો એણે તેની શૈક્ષણિક સાધના છોડી દીધી હોત કે ‘હવે ભણવું બેકાર અને વ્યર્થ છે, મારી મોબીલીટી ઘટતી જાય છે, અને હું લકવાગ્રસ્ત થવાની દિશામાં આગળ વધી રહ્યો છું..’ આવું જ સામાન્ય માનવી વિચારે, પરંતુ હૉકિંગે જુદો જ માર્ગ લીધો—એણે ભૌતિકશાસ્ત્રનું પોતાનું સંશોધન ચાલુ જ રાખ્યું અને જેવી એમની સ્થિતિ વણસતી ગઈ તેવી એમણે સંલગ્ન સાધનો વિકસાવવાની પ્રક્રિયા પણ ચાલુ જ રાખી. તેમણે પોતાની સ્પીચ ડીવાઈસ(બોલવાનું સાધન) બનાવી જે એક ગાલના સ્નાયુથી નિયંત્રિત થતી હતી. સાથોસાથ, તેઓ આધુનિક કાળના ઊભરતા ભૌતિકવિજ્ઞાની તરીકે, પોપ્યુલર કલ્ચરમાં સ્થાન-માન પામતા ગયા. અને ૭૩ વર્ષની ઉંમરે પણ, વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રદાન કરતા રહ્યા, તેનો પુરાવો, એમણે હાલમાં બ્રહ્માંડના બ્લેક હોલમાં રહેલા વિરોધાભાસોની માહિતી આપતું રીસર્ચ કર્યું તે છે. જો હૉકિન્સ, તેમને થયેલી પીડાદાયક બીમારીથી હારી-થાકી ગયા હોત તો? પણ ના, એમણે એ પીડા પ્રત્યે કેવો પ્રતિભાવ આપવો તે પોઝીટીવ રીતે પસંદ કર્યું—એમણે અર્થપૂર્ણ અને સફળ જીવન જીવવાના વિકલ્પને પસંદ કર્યો અને શારીરિક તકલીફોની વચ્ચે પણ પ્રેરણાત્મક કાર્ય કરતા રહી પોતાના અસ્તિત્વને સાર્થક કર્યું.

૩. કોન્સન્ટ્રેશન છાવણીઓમાં, પોતાના જીવનને હજી વધુ અર્થપૂર્ણ રીતે જીવી શકાશે અને અધૂરાં અરમાન પૂરાં કરી શકાશે એવી તીવ્ર ઝંખના સેવનારા કેદીઓમાં આપઘાતનું વલણ બહુ નહિવત જોવા મળ્યું.

ફ્રેન્કલની Auschwitz નજરકેદ દરમ્યાન તેમની લેખનની હસ્તપ્રસ્ત જપ્ત કરી લેવામાં આવી ત્યારથી તેમની જીવનના અર્થની ખોજનાં બીજ રોપાયાં. એમણે છૂપી રીતે પોતાનાં વિચારો-અવલોકનો-તારણોનું પુનઃલેખન કરવાનું નક્કી કર્યું અને એવા ભવિષ્યની કલ્પના કરી કે જેમાં તેઓ પોતાના એ લેખન દ્વારા, છાવણીના કેદીઓ-ચોકીદારોની માનસિકતાને, મનોવૈજ્ઞાનિક દશાને વાચકો સુધી સફળતાથી પાઠવી રહ્યા હોય ! અને એમના એ મક્કમ પ્રયત્નનું પરિણામ તે આ પુસ્તક ! જે તમે વાંચી રહ્યા છો, જે વિશ્વમાં લોકપ્રિય બન્યું. એમણે કદી હતાશ થઈને—‘હવે શું કરું, મારી હસ્તપ્રત તો જપ્ત થઈ ગઈ, જીવનનો કોઈ અર્થ રહ્યો નથી’ એમ માની આપઘાતનો વિચાર કર્યો નહિ. બીજા એમના કેદી સાથીઓને આપઘાતનો પ્રયાસ કરતા જોયા તો પણ ફ્રેન્કલ મક્કમ મનના માનવી હોવાથી ટકી રહ્યા. એટલું જ નહિ, ઉલટાનું એમણે અન્ય આપઘાતગામી કેદીઓને તેમ ન કરવા સમજાવ્યા અને આશાવાદી ભવિષ્ય તરફ નજર રાખવા પ્રેર્યા. તેમનો સમજાવટનો સ્પષ્ટ સૂર સરળ હતો કે, “ભાઈઓ, તમે જરૂર બચી જવાના છો, આશા અમર રાખો. તમે તમારા પરિવાર જોડેના મિલનની કલ્પના કરો. તમારા બચવાનું બહુ મોટું મૂલ્ય તમને ફળવાનું છે, અહીં આટલી યાતના ભોગવી લો, એની જોડે મનથી મસલત કરી લો ને મક્કમ બનો, આપઘાતના વિચારને જ તમે મારી નાખો. પછી જુઓ ચમત્કાર !” પોતાના ઉપર આવનારાં યાતના/જુલ્મોને નજર સામે જોનારા કેદીઓનું એવા ભયંકર સંજોગોમાં નોર્મલ કે એબનોર્મલ કહેવાનું કામ ખૂબ જટિલ છે. તેમને થતું જ હોય કે આમાંથી છૂટવાનો એકમાત્ર શાંતિપૂર્ણ ઉપાય આપઘાત જ છે. સૈનિકોની જંગલિયત ભોગવતાં, રિબાઈ રિબાઈને મરવા કરતાં આપઘાતના એકીઝટકે ઉપર પહોંચી જવું જ સારું છે, એ જ ‘ડીગ્નીફાઈડ ડેથ’ ગણાશે. સાથે જ એમને વિરોધાભાસી વિચાર પણ આવે કે, ના, યાર, આમ જાતે કરીને શરીરને શા માટે યમરાજને શરણે કરવું? Logotherapy આવી વિરોધાભાસી માનસિક હાલતની ચર્ચા કરે છે. ઘણા માણસોને આવી ગડમથલ, દ્વન્દ્વ-દ્વિધા અવસ્થાની ક્ષણિક બિમારી ક્યારેક ઘેરી લે છે, તેમને આપઘાત એ dying with dignityનો માર્ગ જણાય છે. આણી વૈશ્વિક ચર્ચાઓ ચાલે છે કે અમુક દેશોમાં દર્દીના આવા ઈચ્છા-મૃત્યુને તબીબી સહાય આપવામાં આવે છે, જયારે બીજા કેટલાક દેશોમાં તેને કાનૂની રીતે કરેલું ખૂન-હત્યા ગણવામાં આવે છે. લોગોથેરાપીને માર્ગદર્શક સિદ્ધાંત ગણીને કહેવાય કે, કોઈના જીવનના અંતિમ તબક્કામાં, મરણોન્મુખ વ્યક્તિને અત્યંત અસહ્ય દર્દ હોય, તેના અસ્તિત્વનો અર્થ ભ્રાંતિપૂર્ણ જણાતો હોય, તેવા સંજોગોમાં મૃત્યુગૌરવ બક્ષી શકાય. આ સંદર્ભે, આપઘાત એ વ્યક્તિની જીવનયાત્રાને અકાળે અટકાવી દેનારો નિર્ણય કહેવાય, એના અસ્તિત્વના અર્થથી અજાણ એ કમનસીબ વ્યક્તિ જીવનને પૂર્ણપણે સમજવા રહેતો પણ નથી.

૪. સમગ્ર માનવજાતિની દોડની પ્રેરણાનું હાર્દ, મહત્તમ આનંદ કે સર્વોચ્ચ સત્તા પાછળની અવિરત દોડ નહિ, પણ પોતાના અસ્તિત્વના અર્થની શોધનું હોવું જોઈએ.

લોગોથેરાપીના પદાર્થપાઠનો સાર, યાતના છાવણીના કેદીઓના અનુભવોને અતિક્રમી જાય છે. અને દરેક વ્યક્તિની પોતાના જીવનના અર્થની શોધ સુધી વિસ્તરે છે. પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિકો—ફ્રોઈડ અને એડ્લરની સાયકોથેરાપી માનવીની મૂળભૂત/પ્રારંભિક પ્રેરણા તરીકે આનંદ કે સત્તા મેળવવાની ઝંખનાને લેખાવે છે, પરંતુ એ તો સામાન્ય સંજોગોમાં, સામાન્ય માનવીની જનરલ પ્રેરણા હોઈ શકે, જયારે યાતના છાવણી જેવી ખાસ ભયજનક-મૃત્યુ અભિમુખ દશામાં કેદીની મનોદશા શી હોય તેનો ખ્યાલ આપતી નથી. આનાથી ઊલટું, ‘will to meaning’ (જીવનઅર્થની ઇચ્છા) બધા માનવીને સાર્વત્રિકરૂપે લાગું પડે છે. તે પછી રાજા હોય કે રંક ! સર્વ વાતે સુખી-સમૃદ્ધ હોય કે બધી રીતે દુઃખી અને દરિદ્ર ! દરેક મનુષ્યના મનમાં પોતે ધરતી પર શા માટે આવ્યો છે, તેણે શું કરવું જોઈએ, જેથી જીવન સાર્થક થાય એવો વિચારબોજ જાણ્યે-અજાણ્યે રહેતો જ હોય છે. કેટલાક કિસ્સામાં તે ભ્રમણામાં રહેતો હોય, તો કેટલાક એને અગમ્ય-અગોચર માનતા હોય, જેવો જેનો ઉછેર અને ધર્મશ્રદ્ધાનો સ્પર્શ ! લોગોથેરાપી, આ ‘pursuit of meaning’ માણસનું એકમાત્ર-અંતિમ ચાલકબળ હોવાનો દાવો નથી કરતી. જયારે ફ્રોઈડ જેવા અન્ય મનોવિજ્ઞાનીઓ તો આનંદ-સિદ્ધાંતને જ દરેક માનવીના ચાલકબળ તરીકે આગળ કરે છે, કે માણસનું એ જન્મજાત વલણ છે. એ જ રીતે ‘will to Power’ થીયરી કહે છે કે સંસ્કૃતિઓનો ઇતિહાસ તપાસતાં જણાશે કે માણસ સત્તાપ્રિય કે આધિપત્યપ્રિય પ્રાણી છે. નિત્શેનાં લખાણોનો પણ આ જ સૂર હોવાનું નાઝીઓએ પ્રમાણ્યું છે. તેમ છતાં, આ અર્થઘટન મોટેભાગે જય-પરાજયોવાળી સત્તા-અધિકારીતા કરતાં સર્જનાત્મક પ્રયાસોવાળી સત્તાને પણ લાગુ પડાય છે. અરે, નિત્શે તો ત્યાં સુધી કહે છે કે ‘પુરુષનો એકમાત્ર હેતુ યુદ્ધનો અને સ્ત્રીનો એકમાત્ર હેતુ યુદ્ધખોર સૈનિકોને ઉછેરવાનો છે.’ જીવનના/અસ્તિત્વના અર્થને શોધવાની અને તેને સમજવાની ક્ષમતા મનુષ્યની જ વિશિષ્ટ શક્તિ છે, અને ખાસ કરીને સભ્ય-સંસ્કૃત-આધુનિક માનવીની જ ! બાકી આદિમાનવ, ગુફાવાસી માનવ તો આવું ક્યાંથી વિચારતો હોય? આધુનિક માનવી તેની મર્ત્યતા ઉપર ચિંતન કરી શકે, ભૂતકાળમાં લેવાયેલા ખોટા નિર્ણયો અંગે પસ્તાવો કરી શકે, ‘શું’ અને ‘શા માટે’ ‘આવું કેમ’ જેવા પ્રશ્નો કરી શકે એવી નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. માનવજાતના આવાં અસાધારણ પાસાં ઉપર લોગોથેરાપી કેન્દ્રિત થયેલી છે. આ ‘will to power’ અને ‘will to pleasure’ (સત્તા કે આનંદની ઇચ્છા)ની થીયરીઝ માણસને અલ્પબુદ્ધિ પ્રાણી જેવો ગણીને રચેલી અથવા તેને નજીક જતી જણાય છે. એનો અર્થ એ થયો કે માનવજીવન અર્થોનું તુલનાત્મક સ્તર ધરાવે છે. એનાથી વિપરિત, લોગોથેરાપી, માનવીને પશુથી જુદો પાડનારાં લક્ષણો ઉપર ભાર મૂકી, દરેક માણસની વ્યક્તિગતતાનો, અદ્વિતીયતાનો સ્વીકાર કરે છે અને કહે છે કે કોઈપણ માણસ અન્ય કોઈપણ માણસના ‘અર્થ’ને પ્રભાવિત કે dictate-સંચાલિત ન કરી શકે. will to power અને pleasure થીયરી માને છે કે બધા માણસો એકસરખું પ્રેરણ ધરાવતા હોય છે. આથી એની પ્રાપ્તિમાં એકના દ્વારા બીજાને અવરોધ નડે ત્યારે સંઘર્ષ જન્મે છે. લોગોથેરાપી will to meaning ઉપર વધુ સહયોગી એવો દૃષ્ટિકોણ આપણને સૂચવે છે. જીવન-અર્થ શોધનના પ્રેરણથી સંચાલિત થતાં જગતમાં, કોઈ સાથે સંઘર્ષમાં આવ્યા વિના, માનવી પોતપોતાના વિશિષ્ટ જીવન-અર્થની શોધ કરી શકે છે. વળી અહીં એ પણ નોંધવું રસપ્રદ છે કે લોકો વિરોધાભાસી અર્થો પણ પસંદ કરી શકે છે, જે ઉમદા અને સારા અર્થો જ હોય એવું જરૂરી નથી; પણ તે માટે સંઘર્ષયુક્ત માનસિકતામાંથી જન્મેલા હોય છે. જુઓને, હિટલરનું યુદ્ધખોર માનસ તેને સત્તા મેળવવા યુદ્ધો જીતવા દેશના શાસક બનવા સતત દોડાવતું રહે છે. એને આ બધામાં જ જીવનના અર્થનું સાર્થક્ય લાગે છે.

૫. વ્યક્તિ જ્યારે પોતાનો જીવન-અર્થ શોધવા સક્ષમ નથી હોતો, અથવા તો એણે શોધેલો અર્થ અયોગ્ય પૂરવાર થાય છે. ત્યારે તેવી વ્યક્તિ અસ્તિત્વવાદી હતાશામાં અથવા noogenic ન્યૂરોસીસમાં સરી જાય છે, જોકે એને મેન્ટલ ડીસોર્ડર કહી શકાય. જે વ્યક્તિના પોતાના વલણ-એટીટ્યૂડમાંથી જ જન્મે છે.

લોગોથેરાપીની અંદર જીવનના અર્થની શોધ એ માનસિક સ્વાસ્થ્યની આધારશિલા ગણાય છે. જ્યારે વ્યક્તિ પોતાના અસ્તિત્વનો અર્થ/હેતુ શોધવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેને ધ્યેયહીનતા, અપૂર્ણતા-અસંતોષ અને ઈવન ડીપ્રેશનની લાગણીનો અનુભવ થવા માંડે છે. વ્યક્તિએ જો અર્થ નક્કી કરી નાખ્યો હોય તો પણ આવાં જ લક્ષણો કદાચ દેખાઈ શકે છે, પણ તે એને પ્રેરવામાં અધૂરાં કે નિષ્ફળ જતાં જણાય છે. જેમકે જ્યારે કોઈક કારણ હોય તો તેમાં એ ખરેખર શ્રધ્ધા રાખતો નથી અથવા જ્યારે તેને કારણ સમજાવા માંડે છે, ત્યારે લાગે છે કે આવું તો મેં ધાર્યું જ નહોતું. વ્યક્તિની મનોભૂમિમાં આવી અનિશ્ચિતતા, અનિર્ણયાત્મકતા હોય તો એને માનસિક બીમારી તરફ દોરી જાય છે. Noogenic ન્યૂરોસીસ ઊંડી હતાશા, અનિર્ણયાત્મકતા, ઉદાસીનતાને જન્મ આપે છે જેને આપણે ભૂલથી ન્યૂરૉલોજીકલ ઓરીજીનથી થયેલી માનીએ છીએ. તેમ છતાં, જો વ્યક્તિ તેનો એટીટ્યૂડ, વલણ કે અભિગમ બદલી શકે તો એનો આખો પરિપ્રેક્ષ્ય, વિચારણાની તરાહ બદલાઈ શકે છે અને પેલાં ડીપ્રેશનનાં લક્ષણો નબળાં પડી શકે છે. અસ્તિત્વવાદી કટોકટીના કારણરૂપ ઘણી થીયરી મનોવિજ્ઞાનીઓએ આપી છે જે એ પણ સમજાવે છે કે આવું જીવનની મધ્ય-વયમાં જ કેમ થાય છે. તે કહે છે કે મધ્યવયને ઊંબરે ઊભેલી વ્યક્તિ પોતાના ભૂતકાળની સફળતાઓ-નિષ્ફળતાઓ, જય-પરાજયો ઉપર અને સાથોસાથ ભવિષ્યની શક્યતાઓ તરફ નજર નાખે છે, તેની તુલના-મૂલવણી કરે છે. પોતાનાં નિર્ણયો કે કાર્યો એને ક્યારેક (મોટેભાગે) અસંતોષકારક જણાય છે કે આના કરતાં આમ કર્યું હોત-તેમ કર્યું હોત તો કેવું સારું થાત? આવું તો મારા મનમાં ત્યારે કેમ ન સૂઝ્યું? વગેરે. જોકે આ મધ્યવય કટોકટી, આનંદપ્રાપ્તિની આસપાસ મંડરાતી નથી હોતી, પણ વ્યક્તિને એવું તો જરૂર થાય છે કે આટલી પક્વ ઉંમરે પહોંચ્યો છતાં હજી જીવનનો અર્થ જડ્યો નથી અથવા તો પસંદ કરેલો કે જડેલો અર્થ ટૂંકો, અપૂરતો લાગે છે. દા. ત. મધ્યવય સુધીમાં, વ્યક્તિને કુટુંબના પાલનપોષણ અને બાળસંવર્ધનમાં જીવન-અર્થ લાગતો હતો, પણ બાળકો યુવાન અને સ્વનિર્ભર બની જતાં પેલો પહેલાંવાળો અર્થ, વ્યર્થ લાગવા માંડે છે. અથવા અપૂરતો જણાય છે. અરે, માનો કે જેમને પારિવારિક જવાબદારીઓ નહોતી, તેઓ લાંબા સમયથી માનતા હતા કે ધનસંચય કરવો, કમાવું એ જ જીવનનો હેતુ છે, પૈસો ભેગો કરો, સાધન-સંપત્તિ વસાવો વગેરે.. પણ સમય જતાં, આખરે એમને પણ સમજાય છે કે ભાઈ, બેંક બેલેન્સ કે ગાડી-બંગલા, સુખ સગવડનાં વસાવેલાં સાધનો પણ જેવો ધારેલો તેવો આનંદ-સંતોષ કે પૂર્ણતાની લાગણી આપી શક્યાં નથી. તો બંને પ્રકારની કટોકટીનું સમાધાન શું? પરિવારસહાય-સંતાન ઉછેર કર્યો તેમાં મધ્યવયે અર્થ ન જડ્યો, ધન સંપત્તિ કમાયા તેમાંયે અર્થ ન જણાયો, તો હવે જીવનનો સાચો-સ્થાયી-પૂર્ણ અર્થ કયો છે? તે ક્યાં મળે? કેવી રીતે? અને તે મળે પણ ખરો?—કોઈક નવું કારણ, પ્રયોજન શોધો-પસંદ કરો, તેને માટે સમય-શક્તિ ફાળવો અને પછી તેની કોઈ અર્થપૂર્ણ અસર ઊભી કરો.. (શ્રીમદ્ રાજચંદ્રે ગાયું છે ને?— “હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણ છે, રાખું કે એ પરહરું?” “બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો, તોયે અરે ભવચક્રનો આંટો નહિ એકે ટળ્યો!”) આવી અર્થશોધન જિજ્ઞાસા ભાગ્યે જ જીવને જાગતી હોય છે. જેઓ જીવનભર બહુ ધર્મભાવનાવાળા, શ્રદ્ધાળુ રહ્યા હોય, જેમણે શાસ્ત્રો અને સંતવચનો ઉપર જીવન-અર્થનો આધાર માન્યો હોય, જપ-તપ-સાધના-આરાધના-તીર્થાટન કર્યાં હોય તેમના જીવનમાં પણ અચાનક નિકટના સ્વજનનું અવસાન કે પોતાને જીવલેણ અણધારી માંદગી આવી પડે તો તેઓ પણ પોતાની ચાલી આવેલી ધર્મભાવના અને ભક્તિમાં મળી ગયેલા લાગતા જીવનઅર્થ ઉપર પુનર્વિચાર કે શંકા કરવા લાગશે કે ભાઈ, મેં તો આખી જિંદગી આટલી સાદગી ને વ્રત-તપમાં વિતાવી, કોઈનું ખોટું કર્યું નથી તોયે મારી સાથે આવું કેમ થયું? તીર્થમાં દેવદર્શને ગયો ને બસને અકસ્માત થતાં પગ ગુમાવવો પડ્યો, ભગવાને આવું કેમ કર્યું? આવી crisis of faith- શ્રદ્ધાની કટોકટી અને કસોટી એ ખૂબ પડકારજનક અનુભવ છે, ડગાવી-ડગમગાવી-ડરાવી દેનારો અનુભવ છે. જે માણસને પોતાની શ્રદ્ધાનો રીવ્યૂ કરવા, શાસ્ત્રોનું પુનઃ પઠન કરવા અથવા શ્રદ્ધાનો બીજો કોઈ પ્રકાર શોધવા-ગુરુ બદલવા કે બીજા દેવને ભજવા પ્રેરવા લાગે છે.

૬. વ્યક્તિના જીવનમાં, એક અથવા ત્રણથી વધુ માધ્યમોથી જીવનનો અર્થ પ્રાપ્ત થતો હોય છે: માણસો કંઈક મહત્વપૂર્ણ સર્જવાનું પસંદ કરે છે, એના અનોખા અનુભવો મેળવે છે, કેટલાક ખાસ સંબંધો વિકસાવે છે, અથવા અનિવાર્ય એવાં દુઃખ સહન કરવામાં ગૌરવ દાખવે છે.

ટૂંકમાં જોઈએ તો, જીવનનો અર્થ મૂળભૂત રીતે ત્રણ સ્રોતમાંથી મળે છે: વ્યક્તિની જીવનની સિદ્ધિઓ-પ્રાપ્તિઓ, અનેરા જીવન અનુભવો અને વિપરીતતાઓ/દુઃખો પ્રત્યેક વ્યક્તિની પ્રતિક્રિયામાંથી.. ફ્રેન્કલનો દાખલો લઈએ, એમણે પોતાની ખોવાયેલી કે છીનવાઈ ગયેલી હસ્તપ્રતના પુનઃલેખનમાં, યાતના છાવણીમાં-જીવનું જોખમ હોવા છતાં, જીવનનો અર્થ શોધ્યો. બીજા કેદીઓએ પણ તેમના અસામાન્ય સંબંધોમાં પ્રેરક અર્થ ભાળ્યો- જેમને પોતાનાં પ્રિય સ્વજનોની વચ્ચે પાછા ફરવાની આશામાં જીવનઅર્થ લાગ્યો. જુલ્મોની વચ્ચે ટકી રહેવામાં અને ગૌરવપૂર્ણ અંતનો સામનો કરવામાં પણ તેમને ઊંડો અર્થ મળતો લાગ્યો. ખૂબ જ દેખીતું પ્રેરણાનું ઝરણું ઘણીવાર કોઈક ચોક્કસ પ્રોજેક્ટ કે સર્જન કરવામાં જણાતું હોય છે. લેખકને નવું નવું લખતા રહેવામાં પોતાના અસ્તિત્વનો અર્થ સરતો જણાય, અને જ્યાં સુધી એનું લેખન-પુસ્તકો-કાવ્યો અર્થપૂર્ણ રીતે વાચકો દ્વારા સ્વીકારતાં-વંચાતાં રહે ત્યાં સુધી લેખકને પ્રેરણા મળવી ચાલુ રહેતી હોય છે. એનું પ્રેરણા-ઝરણું એટલે ‘સ્વાન્ત:સુખાય અને બહુજન હિતાય’ એવી પ્રવૃત્તિ.. જરૂરી નથી કે લેખકનું જ આવું હોય. એક વૈજ્ઞાનિક, એક કલાકાર, એક ડૉક્ટર, કોઈપણ હોય તેને પોતાના કાર્યમાં, સંશોધનમાં જીવનનો અર્થ રહેલો હોવાનું લાગતું હોય છે અને તે જ એનું ચાલક-સંચાલક બળ બની રહેતું હોય છે. બીજું આટલું જ સક્ષમ છતાં ઓછું ધ્યાનમાં આવતું પરિબળ છે- ‘અવનવા અદ્વિતીય અનુભવો મેળવવાની ઝંખના’- એમાં પણ ઘણાને પોતાના અસ્તિત્વનો અર્થ અને આનંદ મળતાં હોય છે. જેમકે કોઈને બાગકામમાં-ખેતીમાં, તો કોઈને ફરવામાં-નવું નવું જોવા-જાણવામાં, કોઈક શોખને પોષવામાં, તો કોઈકને પરિવારમાં રહેવામાં પણ જીવન-સાર્થક્ય લાગતું હોય છે. તેમને એવું કરવામાં કોઈ ફોર્સ નથી કરતું, ફરજ નથી પાડતું પણ અંતરના ઉમળકાથી જ તેઓ એ કાર્ય કરે છે. તો આ જે ‘અંતરનો ઉમળકો’ છે એ જ એનું ચાલક બળ બને છે, પોતે કંઈક ઉપયોગી, સારું કરી રહ્યાનો ભાવ અને જીવનને સમૃદ્ધ કરનારા અનુભવો લઈ રહ્યાની સરસ લાગણી તેમને સરસ સતત પ્રવૃત્ત રાખે છે. આ ઉપરાંત, પારિવારિક સંગઠન-પ્રેમ વધે તેમાં તેઓ પોતાનાં સમય-શક્તિ-સામર્થ્યનું રોકાણ કરે છે, નવા નવા લોકોને મળવાનું, દોસ્તી કરવાનું, પૌત્ર-પૌત્રીઓ, તેમનાં એકસાથે સંતાનોને ઉછેરવાનું તેમને ખૂબ ગમે છે. સેવાનિવૃત્ત થનારાં યુગલોને પણ તેમના સંબંધોમાં નવું ઊંડાણ, સાથે મળીને સંવાદિતાપૂર્ણ જીવવામાં, અનુભવો શેર કરવામાં, મળતું જણાય છે. તેમની નોકરીની કારકિર્દી સંતોષપૂર્ણ રહી હોય કે ન રહી હોય, તોયે તેમની સહ-નિવૃત્તિ અને હવેનાં સહજીવનનાં બાકીનાં વર્ષો તેમને જીવન સાર્થક કરવાની ઢગલાબંધ તકો આપનારાં જણાય છે.. જોકે બધાના જીવનમાં આવું જ બને છે એવું નથી.. ખાસ કરીને, જેઓ નિયંત્રણ બહારની પરિસ્થિતિમાં જીવતા હોય, બેકાબુ અને બેરહેમ સંજોગોના કરુણ શિકાર બનતા હોય તેમને જીવનનો સુખદ અર્થ ક્યાંથી મળવાનો? પથારીવશ માંદગી હોય, અંગભંગ કે પરિવાર ભંગ થયો હોય તો તે ક્યાં ને કેવી રીતે નવા પ્રસન્નકર અનુભવો લેવા જશે? પણ ના, આવી દારુણ દુર્દશામાં પણ જો તે હિંમત, સાહસ, સ્થિતિસ્થાપકતા અને ગૌરવથી તેનો સામનો કરવાનું રાખશે તો તેની ખૂબ સારી ને પ્રલંબ પ્રભાવક અસર તે અનુભવી શકશે. આવા અસાધારણ સંજોગોમાં સફળતાને કિનારે પાર ઊતરેલાઓનાં જીવન અન્યને માટે અનુકરણીય અને પ્રેરણાદાયક બની રહેશે. તેઓ બીજા લોકોને તેમનાં દુઃખ કેમ દૂર કરવાં અથવા દુઃખોની વચ્ચે કેવી રીતે સંતુલિત જીવન જીવવું અને દુનિયામાં હકારાત્મક પરિવર્તન લાવવાનું શીખવનાર બનવું તેનું ઉદાહરણ બની રહેશે.

૭. અસંખ્ય લોકોને માટે પ્રેમ એ પાવરફૂલ મોટીવેટર સાબિત થતો હોય છે. યાતના છાવણીમાં-જુલ્મોના ભયની સામે પણ તેમને ટકાવી રાખતો હોય છે. સ્વાર્થી બનવા કરતાં પરમાર્થી, નિઃસ્વાર્થ બનીને, પોતાના કરતાં પારકાના-અન્યના કલ્યાણને અગ્રિમતા આપીને માણસ પોતાની વ્યથા-ચિંતા-ભય-હતાશાને ખાળી શકે છે.

માનવ અસ્તિત્વનાં વિવિધ ચાલક બળોમાં પ્રેમનું સ્થાન શિરમોર અને અતિ શક્તિશાળી છે. તેનાં ઘણાં સ્વરૂપો છે. યાતના છાવણીમાં પણ તે વિવિધરૂપે પ્રગટે છે. અતિવિકટ અને યાતનાપૂર્ણ સંજોગોમાં પણ, કેદીઓ ઘણીવાર નિઃસ્વાર્થ કૃત્યો કરતા જોવા મળે છે, એકબીજાનાં દુઃખ હળવાં કરવા રમૂજ કરવામાં પોતાની પાસેની થોડી વસ્તુ પણ બીજા જોડે વહેંચીને ખાવા કે વાપરવામાં તેમને આનંદ આવે છે.. બદલાની આશા વિના, નિખાલસતાથી એકબીજા પ્રત્યે ભલાઈનો વહેવાર કરે છે.. મોતને ગૌરવથી ભેટવાનું જ છે તો હેવાન બનીને શું કામ, હેતાળ બનીને ન ભેટીએ? સ્વકેન્દ્રી વ્યગ્રતા, હતાશા, ઉદ્વેગ વિવિધ ફોબિયા(કાલ્પનિક ભયો)ને જન્માવશે, પણ જો માણસ પોતાનું ફોકસ બીજા ઉપર ખસેડશે, સ્વ કરતાં સર્વ ઉપર કેંદ્રિત કરશે તો ફોબિયા ઢીલા પડીને ઊખડી જશે.. હતાશામાં ડૂબેલાને પણ પ્રેમ નામનો મરજીવો દુઃખના દરિયામાંથી બહાર લઈ આવશે. તમે સમગ્ર માનવ સંસ્કૃતિનો ઇતિહાસ તપાસો, માનવ અભિવ્યક્તિનાં અંગો અવલોકો—સાહિત્ય, ફિલ્મ, પુરાણકથાઓ, ધર્મકથાઓ—બધામાં પ્રેમનું મોહક સ્વરૂપ પ્રવર્તમાન જણાશે, જાદુઈ જણાશે. પ્રેમ શું શું ન કરાવી શકે? હીર-રાંઝા, લૈલા-મજનૂ અમસ્તા યાદગાર બની રહ્યાં છે? એ જ શા માટે, મા-બાપનો સંતાનપ્રેમ કે સંતાનનો મા-બાપ માટેનો પ્રેમ હકારાત્મક અર્થમાં કેવાં ત્યાગ-બલિદાન કરાવે છે, સાહસ-શૌર્ય-સહનશીલતાનાં ઉદાહરણ બની રહે છે.. કારના કાટમાળમાં દબાયેલી-દટાયેલી પોતાની હસ્તપ્રત શોધવા લેખક કાર તો ન ઊંચકી શકે કદાચ, પણ એ જ કાર નીચે પોતાની પત્ની-પ્રિયા કે બાળક દબાયું હશે તો? લેખક જરૂરથી કારને ઉથલાવી નાંખશે.. પ્રેમની આ તાકાત છે! લોગોથેરાપી, લોકો વચ્ચે પ્રેમના આવા સશક્ત બંધનનાં કારણો સમજાવતી નથી, કારણ કે એ એનો વિષય નથી. તેમ છતાં, ફ્રેન્કલે જોયું કે, કપરા કાળમાં, માણસ તેના મિત્રો કે પરિચિત સાથીઓની ફેવર કરવાનું વલણ ધરાવે છે. આ યાતના છવાણીઓમાં પણ એવું જોવા મળ્યું, કે જેની સાથે કેદીને થોડો પણ સંબંધ કે લગાવ હોય તેવા કેદી-સાથી પ્રત્યે તે પસંદગી કે પ્રેમ રાખતો હોય છે, એ દ્વારા તેને આંતરિક શાંતિ, જાણે જીવવાનું બળ કે આશ્વાસન મળતું હોય છે. જોકે આમાં કાંઈ ખૂબ જ નૈતિક રીતની પસંદગી ન પણ હોય, તોયે કેદીઓ અજાણી વ્યક્તિને કંઈક ફેવર કરવા કરતાં, જાણીતા-જરા પ્રેમાળ સ્વભાવના પરિચિત કેદીનું રક્ષણ કે ફેવર કરવાનું વધુ પસંદ કરતા જણાયા હતા.

૮. જ્યારે વ્યક્તિ ભયજનક પરિસ્થિતિનો સભાનપણે સામનો કરતી હોય ત્યારે, એ ભયના કારણરૂપ ફોબિયાનો paradoxical intention (વિરોધાભાસી ઈરાદા) નામની ટેકનિક/થેરાપીની મદદથી અસરકારક ઉપાય કરી શકાય છે :

કેટલાક ફોબિયા (કલ્પિત ડર)નાં મૂળ —જે તે ‘આત્યંતિક પરિસ્થિતિમાં આપોઆપ જ જે તે પ્રતિક્રિયા અપાઈ જાય’ તેમાં રહેલાં હોય છે. જેમકે ખૂબ થાકેલા હો, શરીર આરામ માગતું હોય, ઊંઘવાની જરૂર હોય તો બગાસાં આવી આપણને સુવડાવી દે તેવી સ્થિતિ. આવા ફોબિયાનો સામનો કરવા લોગોથેરાપી કંઈક સોલ્યુશન આપે છે —જેમકે દર્દીએ કે કેદીએ હવે મરવાનું જ છે, સામે મોત દેખાઈ રહ્યું છે ત્યારે પણ એનું ‘રીવર્સ ઇન્ટેશન એક્ટ’ (વિપરીત ઈરાદાની પ્રતિક્રિયા)-પ્રબળ જિજીવિષા- જીવવાની ઇચ્છા ત્યારે જ જાગે છે, અને થાય છે કે મરવાનો પ્રસંગ ક્યારેય ન આવે તો સારું. આવી પ્રતિક્રિયા સ્વાભાવિક જ જન્મે છે, તેને જાણી જોઈને જન્માવી શકાતી નથી. તે જ રીતે જેઓ થાકીને ઊંઘવાને આતુર હોય તેમને તેની વિપરીત પ્રતિક્રિયા- ઊંઘ ન આવે, જાગતા રહેવાય તો સારું- એવી ચિંતા જ ઊંઘને અવરોધે છે. પણ પછી તેઓ કુદરતી રીતે જ ઊંઘી જતા હોય છે. આવું જ કંઈક hiccups (હેડકી, અટકડી)ની સારવારમાં બનતું જોવા મળે છે. શરીર કુદરતી રીતે જ, તેના શ્વાસનો લય પાછો મેળવવાનો પ્રયાસ કરતું હોય છે, છાતીના સ્નાયુઓનું સંતુલન સધાય ને હેડકી બંધ થાય છે. તેમ છતાં, જેને હેડકી આવી રહી છે તે વ્યક્તિ, જો તે સભાનતાપૂર્વક બંધ કરવાની કોશિષ કરે તો તે જેટલો પ્રયાસ વધુ કરશે તેટલી તેની ઓટોમેટીક નર્વસ સીસ્ટમને સ્વાભાવિક થવામાં વિલંબ થશે. જેટલું જેનું સભાન ચિંતન ને પ્રયાસ હોય, તેટલું તે દૂર જતું જાય, ઊલટું થાય એમ બને છે. આવે વખતે, જે દવા કે ઉપાય કરવામાં આવે છે તે શ્વાસ-પ્રક્રિયા ઉપરથી તેનું ધ્યાન બીજે કશે દોરવા માટે જ હોય છે. બાકી હેડકી તો આપોઆપ જ બંધ થવાની હોય છે. બસ, તે વ્યક્તિનું મન/ધ્યાન ત્યારે અન્યત્ર જાય તો નોર્મલ થવાની ક્રિયા ઝડપી બને છે, એનું મન બીજે પરોવાય, હાર્ટબીટ વધે, હાંફવાનું થાય તેવું કાંઈક કરાય, કંઈક તદ્દન જુદી સ્થિતિમાં વ્યક્તિને મૂકી દો તો હેડકી બાજુ પર રહી જશે અને તે નોર્મલ થઈ જશે. જોકે એ નોંધનીય છે કે, અન્ય ફોબિયાનો (દા.ત. સામાજિક ડર) ઉપાય કરવામાં આ પદ્ધતિ એવી કારગત ન પણ નીવડે.. બધી જગ્યાએ ‘વિરોધી ઈરાદાવાળી’ થેરાપી કામ ન આવે. દા. ત. કોઈકને એવો સામાજિક ડર હોય કે તે મિત્રો બનાવી શકતો નથી, અતડો રહે છે, ભળી શકતો નથી, તેને એનાથી વિપરીત પરિસ્થતિમાં મૂકવાથી – એનું ધ્યાન બીજે દોરવાથી, તેનામાં કોઈ ફરક પડવાનો નથી.. એ જ રીતે, પોતાની વાત મૂર્ખાઈભરી કે અસ્વીકાર્ય, હાસ્યાસ્પદ લાગશે એમ ડર રાખીને કોઈ વ્યક્તિ મીટિંગમાં પોતાનો મત વ્યક્ત કરતો નથી, બોલતો નથી, તે જો તેનાથી વિપરીત વસ્તુ/ક્રિયા (જાણી જોઈને ગમે તે લવારા કરવા માંડે) તો તેનાં ઊલટાં પરિણામ આવશે, નોકરી પણ જશે.

૯. યાતના, અપરાધભાવ અને મરવાના ડર જેવા પડકારોનો સામનો કરનાર વ્યક્તિ માટે Tragic Optimism (કરૂણ આશાવાદ) જેવી થેરાપી કે માઈન્ડસેટ ખૂબ લાભકારક નીવડશે.

વિપરીતતા કે મુશ્કેલીના સંજોગોમાં કરૂણ આશાવાદ, કેવળ હકારાત્મકતા કરતાં ઘણું વધારે સારું ફળ આપે છે. એ જે તે મુશ્કેલ સંજોગો કે યાતના સહન કરવાની પરિસ્થિતિને, પોતાના વ્યક્તિગત વિકાસની અને જીવનના ઊંડા અર્થની શોધની તક માનવાના ઉદ્દીપક તરીકે લેવાનું શીખવે છે. જેમકે બેકારી, ગરીબી, અભાવ, વ્યસન જેવા પડકારોથી ઘેરાયેલો વ્યક્તિ આ સંઘર્ષોથી પાર જવામાં જીવનનો હેતુ/અર્થ જુએ તો અવશ્ય તે વિજેતા થાય છે. પડકારોને તાબે ન થાવ, હતાશ ન થાવ, સામનો કરો. જ્યારે તમે અપરાધભાવ (ગીલ્ટ) અનુભવ્યા કરો છો ત્યારે તેનું ચિંતન બંધ કરો, ભૂતકાળને ભૂલી જાવ અને નૈતિક બળ વધારો. દરેક માનવીને અનિવાર્ય રીતે જવાનું જ છે, તેવા મૃત્યુના પડછાયામાં, હિંમતપૂર્વક જીવવા બળ કેળવો, જીવન ક્ષણભંગુર છે એ તો ખરું જ, પણ તમારાં કાર્યોની-નિર્ણયોની જવાબદારી સ્વીકારો. જે લોકો અસાધારણ દર્દનાક પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેઓ તેમનાં દુઃખ-દર્દ માટે બાહ્ય પરિબળોને કારણભૂત ગણે છે, પણ તેમ કરવામાં, જીવનનો અર્થ શોધવાનું તેમણે છોડી દીધું છે તે જોતા નથી. તેમ છતાંયે બહુ પ્રેરણાદાયક વીરગાથાઓ, જેઓ ભયાનક અવરોધોની સામે પણ ટકી ગયા છે તેમના જીવનની આસપાસ ગૂંથાયેલી જોવા મળે છે. વીરનાયકોની જીવનયાત્રાનું આ જ તો મૂળતત્ત્વ છે. જોસેફ કેમ્પબેલ તેમની યશદા કૃતિ —‘The Hero with a Thousand Faces’માં લખે છે કે વિવિધ સંસ્કૃતિઓની પારંપારિક વાર્તાકથન શૈલીમાં જોવા મળ્યું છે કે, આઆ ખોજના ભયાવહ સ્વરૂપને લીધે શરૂઆતમાં તો વીરપુરુષો પણ જરા ખંચકાય છે. પણ એના ડર ઉપર એ કાબૂ મેળવી લે છે, ક્યારેક કોઈક રહસ્યાત્મક હસ્તક્ષેપ દ્વારા, વીરોની યાત્રા આગળ વધે છે, વચ્ચે વચ્ચે હતાશ કરનારા સંઘર્ષો ને પ્રલોભનો પણ આવતાં જાય છે તોયે તે આગળ વધે છે. દા.ત. મહાકવિ હોમરના Odysseyમાં ઓડીસી અને તેના માણસો, મોહક પ્રાણીઓની વચ્ચેથી એમનું જહાજ હંકારી રહ્યા હોય છે ત્યારે, સીરેનના આકર્ષણમાં ફસાય છે. આ પહેલાં, એમણે ટાપુ ઉપર લાંબો આરામદાયક નિવાસ માણ્યો હોય છે. તેમ છતાં, ઓડીસી એ જાણતો હતો કે તે સમયસર પરત ફરે તેમાં જ તેના પરિવારનું ભાવિ ટકેલું છે, કારણ કે પરિવારે-પત્નીએ તો એને મૃત જ માની લીધેલો છે, ને તેથી પત્ની બીજાં લગ્ન તેના ધારેલા પ્રેમી જોડે કરી લેવાની વેતરણમાં છે. પત્ની-પરિવાર અને પ્રેમના સ્રોત તરફ પાછા ફરવાનું પ્રચંડ પ્રેરણ તેને જાતજાતનાં વિઘ્નોને વીંધવાનું, અવરોધોને અફાળવાનું અને Circe અને Sirenનાં પ્રલોભનોને ખાળવાનું બળ પૂરું પાડે છે.

ઉપસંહાર :

આ પુસ્તકનો ચાવીરૂપ સંદેશો છે :- આપણી સફળતા અને ક્યારેક તો આપણું અસ્તિત્વ(જીવતા હોવું, બચી જવું) પણ, આપણી જીવન-અર્થશોધન-ક્ષમતા ઉપર અવલંબે છે. એ ક્ષમતા કોઈ બહુ ભવ્ય કે અસ્તિત્વવાદી-તાત્ત્વિક હોય એ જરૂરી નથી. તમારા પ્રવર્તમાન સંજોગો ઉપર રચાયેલો તમારો પોતાનો નાનકડો પણ જીવનહેતુ તમને જીવાડી જવા પૂરતો હોય છે.