પશ્યન્તી/એન્થની બર્જેસની કથાસૃષ્ટિ
સુરેશ જોષી
એન્થની બર્જેસ આમ તો ઈંગ્લેંડના સુવિખ્યાત ભાષાવિજ્ઞાની છે, પણ એમણે થોડી નોંધપાત્ર નવલકથાઓ પણ લખી છે. સર્જક, સમાજમાં જે બને છે તેનો, અહેવાલ આપનાર નોંધણી કારકુન નથી, એ જે બને છે તેનું અર્થઘટન પણ કરી આપે છે અને ભવિષ્યમાં પણ અવગાહન કરે છે. નવલકથા કદી કેવળ દસ્તાવેજી આલેખન કરીને અટકી જઈ શકે નહિ. આપણે ત્યાં બનાવોની સ્થૂળ વિગતો, તાળો મેળવી શકાય એવી રીતે, આપી છૂટનાર નવલકથાકાર વાસ્તવવાદી લેખાય છે. સૂક્ષ્મતા અને વ્યંજના કેળવવા પ્રત્યે આપણું ધ્યાન નથી. આપણી મર્યાદાઓને પ્રામાણિકપણે ઓળખવાને બદલે આપણે જે નથી કરી શકતા તે કરવા જેવું જ નથી એવું આપણે અપ્રામાણિકપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
બર્જેસની, ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ ભાવિમાં જીવન કેવો વળાંક લેશે, એમાં હિંસા શો ભાગ ભજવશે, તેનું નિરૂપણ કરે છે. એથી રહીસહી આધ્યાત્મિકતા નષ્ટ થશે એવી એમને ભીતિ છે. આ કૃતિમાં સર્જકની પ્રખર મેધાનું દર્શન થાય છે. સાથેસાથે એમાં ભાવિ વિશે ભારે નિરાશા પ્રગટ કરવામાં આવી છે.
કથાના પ્રસંગો બને છે એક ગંદા શહેરમાં, એ ‘મેટ્રોપોલિસ’ નથી, પણ ‘મેગાલોપોલિસ’ છે, એ પાષાણનો જ સમુદ્ર છે. સમય અનિદિર્ષ્ટ એવા ભવિષ્યનો છે. હમણાંની ઘણી નવલકથાઓની જેમ વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં લખાઈ છે. વાર્તા કહેનારની નૈતિક બોધની શક્તિ કુણ્ઠિત થઈ ગઈ છે, પણ એની માનસિક શક્તિઓ તો ખીલેલી છે જ. આ કથા એક પ્રકારની અપભાષા (સ્લેન્ગ)માં લખાયેલી છે. એમાં મોટા ભાગના શબ્દો રશિયન મૂળના છે. આ ભાષાની ઘૂસણખોરીની પાછળ રહેલી સામાજિક કે રાજકીય ઘટનાઓનો અહીં ખાસ ઉલ્લેખ નથી, પણ બર્જેસ હમણાં શિષ્ટ અંગ્રેજી ભાષા પર અમેરિકી અપભાષાનાં થયેલાં આક્રમણ પર કટાક્ષ કરવા માગતા હોય એમ બને. આપણે ત્યાં તો નૈતિક મૂલ્યોની પકડ સાહિત્ય પર એટલી બધી છે કે ભાષાનાં ઘણાંબધાં સ્તરને સાહિત્યકૃતિમાંથી છોડી જ દેવાં પડે. એને કારણે મૃત અને નરી શિષ્ટ એવી ભાષા જ સાહિત્યમાં સ્થાન પામતી દેખાય છે. આવી એક બનાવટી ભાષા રચી કાઢવામાં બર્જેસે ભારે કુશળતા દાખવી છે. શરૂઆતમાં આ કૃત્રિમ ભાષાથી ટેવાઈ જવાનું આપણે માટે અઘરું થઈ પડે છે. પાછળ આ ભાષાનો નાનકડો શબ્દકોશ પણ આપવામાં આવ્યો છે!
આ ભાષા પ્રયોજવા પાછળ બર્જેસનો એક હેતુ વાર્તા કહેનાર એલેક્સ જે ભયપ્રદ ઘટનાઓ વર્ણવે છે તેને થોડેક અન્તરે રાખવાનો છે. જો કોઈ આમ કહે કે ‘મેં એના માથામાં એક ઘા કર્યો અને લોહીનો ફુવારો છૂટ્યો,’ તો એ પરિચિત ભાષાના ઉપયોગને કારણે, આપણને વિક્ષુબ્ધ કરે પણ એ જ વાત કૃત્રિમ ભાષામાં કહી હોય તો ઘટનાની અને આપણી વચ્ચે એક વ્યવધાન ઊભું થઈ શકે. એલેક્સ અપરાધોની વાત ભારે ઉત્સાહપૂર્વક અને આનન્દપૂર્વક કરતો હોય છે. ઘરડેરા અને જૂનવાણી વિચારસરણી ધરાવનાઓને એ ખાસ કરીને ખોખરા કરે છે. પુસ્તકોનો એ નાશ કરે છે. છોકરીઓનું મૂલ્ય એ એમની શરીરસમ્પત્તિ પરથી જ આંકે છે. બળાત્કાર એ એને મન પાપ નથી. આવાં વર્તનનાં કારણરૂપે લેખકે, અર્વાચીન મનોવિજ્ઞાની કે સમાજવિજ્ઞાનીએ કર્યું હોત તેમ, આ કૃત્યો બુદ્ધિહીન સમાજવિરોધના વિધિરૂપે થાય છે કે માનવસમાજમાંથી પ્રેમ મરી પરવાર્યો છે તે બતાવવા એ બને છે કે સાંસ્કૃતિક દારિદ્ર્યને કારણે આવું બને છે કે મૂડીવાદી સમાજના એકબીજાથી આપણને છૂટા પાડતા માળખાને કારણે આવું બને છે એવો કશો નિર્દેશ કર્યો નથી. એલેક્સ તો સ્પષ્ટપણે જ કહે છે કે પોતાની એક વ્યક્તિ તરીકેની સ્વતન્ત્રતાને વ્યક્ત કરવા માટે ઇરાદાપૂર્વક એણે અનિષ્ટને સ્વીકાર્યું છે. આપણી આ તત્સમતાપરાયણ અર્ધમાનવોની દુનિયા પ્રત્યે એને ભારે તિરસ્કાર છે. આવી રીતે વર્તતો હોવા છતાં એલેક્સ આપણા મન પર કબજો મેળવી લે છે, અને આ જ આ નવલકથાનું આપણને વિક્ષુબ્ધ કરે એવું એક લક્ષણ છે. એનાં દુસ્સાહસો ઘણી વાર રમૂજ પ્રેરે છે, કાંઈ નહીં તો એ દુસ્સાહસોને વર્ણવવાની એની એ રીત તો એવી હોય છે જ. અત્યાર સુધી ભયાનક અને હાસ્યને આપણે વિરોધી ગણીને છેટા રાખતા આવ્યા છીએ. હવે ભયનું નિરસન હાસ્યાસ્પદથી કરવાનું વલણ નવલકથાકારો અપનાવતા જાય છે. એમાંથી જ અમેરિકાના અભિનવ નવલકથાકારોનું ‘બ્લેક હ્યુમર’નું કથાસાહિત્ય ઊભું થયું છે. ભયાનક અને હાસ્યની સંસૃષ્ટિ હવે સિદ્ધ કરવાની રહેશે.
એલેક્સ દુરાચાર આચરનાર દુષ્ટોના વર્ગમાં મૂકી દઈ શકાય એવો નથી. એક વૃદ્ધ દમ્પતીને મારપીટ કરીને લૂંટી લીધા પછી એ એના મિત્રો સાથે દારૂના પીઠામાં જાય છે, દારૂ ઢીંચે છે અને પીઠામાં બેઠેલી ડોસીઓ માટે વસ્તુઓ ખરીદી એમને ભેટ આપે છે. આમાં દુષ્ટતા નથી, ઉદારતા રહેલી છે. એ પોપસંગીત સર્જે છે અને શાસ્ત્રીય સંગીતનો પણ એ ભારે ચાહક છે, પણ આ સંગીત એને વિલક્ષણ રીતે ઉદ્દીપ્ત કરે છે અને એને પરિણામે એ હિંસા અને બળાત્કાર કરવા પ્રેરાય છે. આ ઉત્તેજના જ એને માટે સંભોગસુખની પરિણતિ બની રહે છે.
એલેક્સ, કોઈ મનોવિજ્ઞાની દર્શાવે છે તે રીતે, આજકાલના યુવાનોની સમસ્યાઓ વિશેની સમજ ધરાવતો નથી. બર્જેસ એમ માનતા લાગે છે કે માનવીમાં દુરિતનાં મૂળ, આપણે ધારીએ છીએ તેનાથી, વધારે ઊંડા છે. માનવી સ્વેચ્છાએ દુરિત આચરવાનું પસંદ કરે છે. સામાજિક પરિસ્થિતિને કારણે તેઓ અનિચ્છાએ અને લાચારીથી એવું કરવા પ્રેરાય છે, એવું નથી. હર્બર્ટ માર્ક્યુઝે ‘એક પરિમાણવાળા’ માનવીઓની વાત કરી છે. એમનામાં ખેતરના ચાડિયા જેવું વ્યક્તિત્વ કે કાર્યસાધકતા પણ હોતાં નથી. આધ્યાત્મિક દૃષ્ટિએ મૃત કે જડ બની ગયેલો સમૂહ અને મહાપ્રયત્ને જીવન્ત રહેવા મથતા સર્જક કળાકાર વચ્ચેનો ગજગ્રાહ બોદ્લેર અને એલિયટે પણ નિરૂપ્યો છે. એલેક્સ વધારે જીવન્ત છે. એ સાઇકલની ચેઇન વાપરનાર ટોળકીનો પ્રતિનિધિ છે.
આખરે પોલીસ એલેક્સની ધરપકડ કરે છે, એને સારી પેઠે ટીપે છે ને કેદમાં નાખે છે. એની માનસિક ચિકિત્સાનો નવો ઉપાય શોધવામાં આવે છે. આજકાલ તો રાજકારણવાળાઓ કેદખાનાં એવાં તો ભરી દે છે કે અપરાધીઓ, હત્યારાઓ માટે એમાં જગ્યા જ રહેતી નથી! એલેક્સને અમુક દવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે. પાશવી હિંસાભર્યા આચરણનું નિરૂપણ કરતી ફિલ્મો બતાવવામાં આવે છે. સાથે શાસ્ત્રીય સંગીત પણ સંભળાવવામાં આવે છે. આખરે એ ત્રણેય પ્રત્યે એને અણગમો થઈ જાય છે. આમ ‘એવર્ઝન થેરપી’થી એને ‘સુધારવા’માં આવે છે. એથી એ જીવનાભિમુખ બની શકે ખરો? કારાગારના અધિકારીઓને મન સંગીતનું રસકીય મૂલ્ય કશું જ નથી, એઓ એને માત્ર લાગણીઓને ઉશ્કેરવાનું સાધન જ ગણે છે!
કારાગારમાંથી છૂટીને એલેક્સ એક ભદ્ર નાગરિકમાં ગણાય છે, પણ વિકલ્પોમાંથી પસંદગી કરવાની માનવીની મૂળભૂત સ્વતન્ત્રતા એ ખોઈ બેઠો છે. બર્જેસે આ સમસ્યા તરફ આંગળી ચીંધી છે. અહીં નવલકથામાં દાર્શનિક પરિમાણ ઉમેરાય છે. મૂળ પ્રશ્ન આ છે : જેને પરાણે અસદાચાર આચરવાની ફરજ પાડવામાં આવી છે તે, જે પોતાનાં માનવ્યને ઇરાદાપૂર્વક અનિષ્ટની પસંદગી દ્વારા નિદશિર્ત કરે છે તેનાથી કેટલે અંશે વધુ સારો કહી શકાય?
21-1-78