અમાસના તારા/માતામાંથી મિત્ર

From Ekatra Wiki
Revision as of 00:42, 25 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માતામાંથી મિત્ર

શ્રાવણ મહિનો હતો. સોળસત્તર વરસની ઉંમર હશે. બાનો હુકમ મળ્યો કે મારે રોજ રણમુક્તેશ્વર મહાદેવના દર્શને જવું. આમ હું નાસ્તિક નહીં. પણ ધામિર્કતા અપ્રિય. ક્રિયાકાંડમાં કદી જ શ્રદ્ધા નહીં. છતાં કુટુંબના ઉછેરમાં જ ધર્મની ભાવના લોહીમાં મળી ગયેલી. એટલે ધર્મ અને ધામિર્કતા વચ્ચે અંતરમાં સંઘર્ષ ઊભો થયો. પરંતુ બાની આજ્ઞા છે એ પાયાની વાત ઉપર બુદ્ધિ અને લાગણી બન્નેએ સમાધાન અનુભવ્યું.

હું રોજ સાંજે પહેલાં રણમુક્તેશ્વરનાં દર્શને જાઉં અને ત્યાંથી સીધો અખાડામાં. દર્શનનો ક્રમ પણ વ્યાયામમંદિરમાંજવા જેટલો જ અચૂક. કોઈ પણ નિયમ કે નિયમનનું અચૂક પાલન પોતે જ મોટી બુનિયાદી તાલીમ છે. સંયમ સહજ બને છે ત્યારે એ સ્વભાવ થઈ જાય છે. શરૂઆતમાં અંત:કરણે બાની આજ્ઞાનું સમાધાન સ્વીકાર્યું હતું. ધીરે ધીરે એમાંથી સાંત્વના મળવા માંડી અને પછી એમાંથી આનંદનો ઉદય થયો.

દર્શને જવાનો રસ્તો ટૂંકો હતો. બરાનપુરાથી વળાંક લઈને જે રસ્તો ગોયાગેટના રાજમાર્ગ ઉપર નીકળતો ત્યાં આગળ એક લીમડો હતો. એ વળાંકને પશ્ચિમે શહેરસુધરાઈના છંટકાવનાં ગાડાં છૂટતાં અને પછી ગંદવાડ આવતો. એ લીમડાના ઝાડ નીચે તૂટેલી ઝૂંપડી જેવી જગ્યામાં એક સાંજે એક વૃદ્ધ સ્ત્રીને સૂતેલી જોઈ. સામાન્ય રીતે કોઈ ભિખારણ હશે એ માનીને સ્વાભાવિક માનવી બેપરવાઈથી હું તો ચાલ્યો ગયો. બીજે દિવસે સાંજે પણ એ ડોશીને એ જ રીતે સૂતેલી જોઈ. એ સાંજે પગ જરા ખંચાયા પણ રોકાયા નહીં. ત્રીજે દિવસે સાંજે એ ડોશી આગળ ઝાડ નીચે પગ થંભી ગયા.

ડોશીની પાસે બેસીને જોયું તો ફાટલું એક લૂગડું અડધું પહેરીને અડધું ઓઢ્યું હતું. શરીરે બીજું વસ્ત્ર નહોતું. એ જીર્ણ વસ્ત્રની અંદર લપેટાયલી કાયા શ્વાસ લેતી હતી. એ શરીરને ઢંઢોળીને બોલાવવા પ્રયત્ન કર્યો. કાયા હાલી પણ અંતરપંખી બોલ્યું નહીં. શું કરવું એ એકદમ સૂઝ્યું નહીં. જરાક મૂંઝપણ થઈ. પણ હું વિચાર કરીને તરત પાછો ઘેર ગયો. ખભે એક કાથીની નાની ખાટલી લીધી. એક ગોદડી, એક ઓઢવાનું, ખિસ્સામાં એક નાનું પવાલું લઈ લીધું. બાને થોડી વાત કરી ન કરી ને હું પેલા લીમડા નીચે આવી પહોંચ્યો. ખાટલી પર ગોદડી નાંખીને ઉપર ડોશીને સુવાડી ઓઢાડીને જરાક દૂર કુંભારવાડેથી એક ઘડો લઈ આવ્યો. પાણી ભર્યું, એમાંથી થોડુંક પાણી ડોશીને પાયું. અંધારું થવા આવ્યું હતું. ગયો રણમુક્તેશ્વરનાં દર્શને. તે સાંજે અખાડે ન જઈ શકાયું. રાત પડવા આવી હતી. પણ મને જંપ ન વળે. બાને વાત કરી. બાએ જમીને સાથે આવવાની હા પાડી. થોડુંક ખાવાનું લઈને અમે બન્ને પહોંચ્યા પેલા લીમડા નીચે. બાએ ડોશીનું શરીર જોયું. તાવ તો ધખધખે. અમે બન્ને ગયાં છોટાલાલ વૈદ્યને ત્યાં. છોટાકાકા જમતા હતા. બાએ વાત કરીને દવા માગી, મેં રૂબરૂ તપાસવાનો આગ્રહ કર્યો. વૈદ્યકાકા અમારી જોડે આવ્યા, ડોશીને તપાસીને એમણે દવા આપી. સવારસાંજ મધમાં પડીકાં આપવાનાં. ત્રીજે દિવસે ડોશીમાં કંઈક હોશ આવ્યા. આઠદસ દિવસ અમે નિયમિત દવા આપી. ડોશીમા સાજાં થવા માંડ્યાં. બપોરે બા માસીને ત્યાં જાય ત્યારે લીમડા નીચે ખાવાનું પહોંચાડીને જ જાય. ચૌદમેપંદરમે દિવસે ડોશી વાત કરતી થઈ.

એક દિવસે સાંજે હું રોજના નિયમ પ્રમાણે રણમુક્તેશ્વર દર્શને જતો હતો. રાબેતા મુજબ લીમડા નીચે રોકાયો. આજે ડોશીની જીભમાં શબ્દે દેખા દીધી. પહેલી વખત એના મુખમાંથી શબ્દ પડ્યો : “બેટા,” …થોડી વાર શ્વાસ ખાઈને એણે બીજો શબ્દ કહ્યો : “જિવાડી…” મેં કહ્યું કે માજી એ તો ઈશ્વરની દયાનું પરિણામ છે. ડોશીની આંખમાં જાણે તેજ ફૂટ્યું. બોલી : “ઈશ્વરે પણ એ દયા કોઈની મારફત જ પહોંચાડવાની ને! એ કંઈ ઓછો નીચે ઊતરે છે!” બોલીને મારે માથે હાથ મૂક્યો. હું તો પછી મહાદેવ દર્શન કરવા ચાલ્યો ગયો.

બીજે દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર હતો. રણમુક્તેશ્વર મહાદેવના મંદિરમાં ઘીના કમળનાં દર્શન હતાં. તે સાંજે મારી સાથે બા પણ હતી. રસ્તામાં ડોશીને ખાવાનું પહોંચાડીને અમે ગયાં દર્શન કરવાં. અમારા મનમાં હતું કે પાછા વળતાં ડોશી પાસે બેસીશું. પાછાં આવ્યાં ત્યારે લગભગ નવેક વાગ્યા હશે. ડોશીમા ખાટલામાં નિરાંતે બેઠી હતી. અમને બન્નેને જોઈને એને ઘણો આનંદ થયો. અમને ખાટલી પર જ બેસાડ્યાં. મેં કહ્યું કે બા, આ ખાટલી ત્રણ જણાનો ભાર નહીં ઝીલે. અને તરત જ ડોશીના મુખમાંથી શબ્દો સરી પડ્યા : “ત્રણનો શું, તેરનો ઝીલશે. ધરતી જેવી છે આ ખાટલી.”

પછી બાને ખભે હાથ મૂકીને ડોશીએ કહ્યું : “બહેન, મારે તમને બેયને એક વાત કહેવી છે ને કહેવાતી નથી. પણ લ્યો, કહું છું. તમે મને જિવાડી છે તે હવે એ વાત કહેવી જ પડશે ને! અમે આ પાછળના ગામ ગાજરાવાડીમાં રહેતાં હતાં. મારે દીકરીની દીકરી હતી. હું તો બહેન, વરસોથી વિધવા છું. અમારા એક સગાનો દીકરો અમારે ઘેર જતો-આવતો. વારતહેવારે બે પૈસાની મદદ કરતો. દીકરી જુવાન હતી. છઠ્ઠી ચોપડી ભણીને પછી માસ્તર થઈ. ધીરે ધીરે પેલા છોકરાએ અમારે ઘેર રહેવા માંડ્યું. બહેન, એ તો પરણેલો હતો. ઘેર છોકરાં હતાં. છતાં મારી જુવાન દીકરી ઉપર એની આંખ ચોંટી. હું આખો ખેલ પામી ગઈ. દીકરીને ચેતવી દીધી. પણ પેલો માને નહીં. હું જરાક બહાર જાઉં કે દર્શને જાઉં ત્યાં એ ઘરમાં આવ્યો જ હોય. પછી તો મને ચઢ્યો ગુસ્સો. પણ હું ગરીબ વિધવાબાઈ શું કરું! લાચારી તો એવી કે વાત ના પૂછો. આખરે એકદિવસ કંઈક ખવડાવીને મને અહીં નાંખી ગયો અને દીકરીને ઉપાડી ગયો છે. હવે પાછી મળે એવું કંઈક કરો.” ડોશીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. અમે બન્ને ઘર ભણી ચાલી નીકળ્યાં.

બાએ ઘેર આવીને આ વાત બાપુજીને કરી. અને આગ્રહ કર્યો કે અમારા કુટુમ્બના એક ફોજદાર મિત્ર હતા તેમને બાપુજીએ વાત કરવી. બાપુજી બાનો સ્વભાવ જાણે. એટલે બીજે દિવસે બાપુજીએ આખી વાત ફોજદારકાકાને કરી. ચોથે જ દિવસે પેલાં બે જણાં પકડાયાં. છોકરી હજી સગીર હતી. એટલે એ એની માને સોંપવામાં આવી ને પેલાને પૂર્યો જેલમાં. છોકરીને મેળવીને પેલી ડોશીમાને ઘણો આનંદ થયો. એમના ગાજરાવાડીને ઘેર અમે એ ડોશીને લઈ ગયા ત્યારે એનો આનંદ જોવા જેવો હતો.

બીજે વરસે ડોશીએ પોતાની એ જુવાન દીકરીનાં લગ્ન કર્યાં. બાએ એમાં ઘરનું જાણીને ઘણી મદદ કરી.

આ પ્રસંગે મારા અંતરને સેવાની સાચી દીક્ષા આપી. એનાથી મારી બા તરફની દૃષ્ટિ બદલાઈ ગઈ. બાએ ત્યાર પછી ભાવી સેવાકાર્યમાં જે સમભાવ અને સ્નેહ બતાવ્યાં તે એમના મૃત્યુ સુધી અખંડિત રહ્યાં. આ ડોશીના પ્રસંગમાંથી એવું શું બન્યું હતું કે જેણે મારી અને બાની વચ્ચે એક નવો સંબંધ સ્થાપ્યો હતો! વાત્સલ્ય તો એનું અપાર હતું. પરંતુ પછી એને બધાં સેવાકાર્યોમાં ઊંડો રસ પેદા થયો. ક્યારેક સલાહ આપતી, કદીક તટસ્થ રહેતી, વળી ક્યારેક સમભાવપૂર્વક સાથ આપતી બા સદાની સંગાથી બની ગઈ. વાત્સલ્ય ઉપરાંત એની પાસેથી અપૂર્વ હૂંફ અને રક્ષણ મળવા માંડ્યાં. બાના આ વલણથી અનુગૃહીત બનેલું મારું અંત:કરણ એની આશિષની અપેક્ષા રાખવા લાગ્યું. આ અપેક્ષાએ સમર્પણની ભાવનાને એકાગ્ર બનાવી, અને આખરે આ જ પ્રક્રિયાએ મારી અંતરનિષ્ઠાને સુદૃઢ બનાવવામાં મોટી સહાય કરી. મસ્ત યૌવનમાં જો સન્નિષ્ઠા સધ્ધર ન હોય તો અભિમાનનો સૂક્ષ્મ કીડો આખી હસ્તીને લૂણો લગાડે છે. બાની વત્સલ અને વિમળ સાથીદારીએ મરતાં સુધી મારી સન્નિષ્ઠાની ચોકી કર્યા કરી તે કર્યા જ કરી.

એમના છેલ્લા દિવસોમાં એક યાદગાર પ્રસંગ બન્યો. ગાંધીજીની વાત માનીને અમારે ઘેર હું એક હરિજન વિદ્યાર્થીને જમવા લઈ આવ્યો. બા આમ તો ચુસ્ત વૈષ્ણવ. પણ તે દિવસે એણે અમને રસોડામાં બેસાડીને જમાડ્યા. અને જમાડતાં જમાડતાં પેલી ડોશીની વાત કહી. બાએ ગદ્ગદ કંઠે કહ્યું : “ગાંધીજી જે દરિદ્રનારાયણની વાત કહે છે તે સાવ સાચી છે. જે એમની સેવા કરે છે તે જ ઈશ્વરની પૂજા કરે છે.”

ત્યારબાદ અમારા ઘરમાં હરિજન અને વૈષ્ણવજન વચ્ચે કશો જ ભેદભાવ ન રહ્યો.

બા ને હું માદીકરો હતાં, પછી અમે મિત્રો બની ગયાં.