પ્રવાલદ્વીપ/ઍક્વેરિયમમાં

From Ekatra Wiki
Revision as of 00:19, 27 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઍક્વેરિયમમાં

તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી?

અહીં પ્રકાશ,
કિંતુ સૂર્યનો નહીં, નિયૉન-પાશ;
ને સમુદ્રનું જ જલ
પરંતુ અહીં તરંગનું ન બલ.

નેત્રરાંકડી છતાંય પુચ્છવાંકડી,
ન જાણતી કે સૃષ્ટિ સાંકડી
અહીં કઠોર, કાંકરેટ કાચની,
નઠોર, જૂઠ, સૃષ્ટિ આ ન સાચની.

વેંતવેંતમાં જ ગાઉ ગાઉ માપવા
અને ન ક્યાંય પ્હોંચવું,
સદાય વેગમાં જ પંથ કાપવા,
ન થોભવું, ન શોચવું.

મનુષ્ય (કાચ પાર હું સમાં ઘણાં અહીં ફરે
ન કોઈ જેમનાં પ્રદર્શનો ભરે!)
કને જ આ કલા ભણી,
અગમ્ય શી ગણી.

તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી!