પશ્યન્તી/ગદ્ય અને પદ્ય : 1

From Ekatra Wiki
Revision as of 05:53, 6 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગદ્ય અને પદ્ય : 1| સુરેશ જોષી}} {{Poem2Open}} મારી ભાષા બોલાતી પ્રજાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગદ્ય અને પદ્ય : 1

સુરેશ જોષી

મારી ભાષા બોલાતી પ્રજાના ભાવોચ્છ્વાસનો સુદીર્ઘ ઇતિહાસ, એના બદલાતા રહેતા સંકેતોનો ઇતિહાસ, વિસ્તરતી જતી અર્થચ્છાયાઓ – આ બધું મારામાં જગતને સારવી લેવા માટે મને શબ્દો ઘડી આપે છે. એમાં મારા વ્યક્તિત્વની વિશિષ્ટતા ભળી હોય છે. એ મારી અંદર લુપ્ત થઈને રહે છે. એને ફરીથી સજીવન કરીને અનુપ્રાણિત કરવા માટે મારાથી ઇતર એવા બીજા કોઈકની જરૂર રહે છે. એ ભાષાને મારામાં મૂર્ત કરી ત્યારે મારા જ વ્યક્તિત્વના ઇતર અંશ આગળ ચિત્તના નેપથ્યમાં એ બન્યું હતું. આ બીજા ઇતરની સ્થાપના મારામાં રહેલા એ ઇતરને પણ જાણે ફરીથી સજીવન કરી આપે છે. મારી લખેલી કોઈક ભૂતકાળની વાર્તા કે કવિતા હું વાંચતો હોઉં છું ત્યારે તે સમયનો ભાવપુરુષ ફરીથી સજીવન થઈ ઊઠે છે. એ મારો મારી સાથેનો એક નવો પરિચય હોય છે. આવા મારી સાથેના મારા અનેક પરિચયોની શક્યતા પણ ભાષા જ પ્રગટ કરતી હોય છે.

સાર્ત્ર કહે છે કે ગદ્યમાં આવી પારસ્પરિકતા (રેસિપ્રોસિટી) રહેલી છે. કવિતાની વાત જુદી છે. એમાં બીજી વ્યક્તિ કેવળ આપણા આવિષ્કારનું, આપણી અભિવ્યક્તિનું નિમિત્ત બની રહે છે. નેગેટિવને ડેવલપ કરનારા રાસાયણિક દ્રવ્યનું કામ એ બજાવે છે. સાર્ત્રને મતે કવિતામાં પ્રત્યાયનનો આશય એટલો બલવત્તર હોતો નથી. હું જે અર્થને મારા ઊંડાણમાંથી ખેંચીને બહાર લાવવા મથી રહ્યો હોઉં છું તેનો વાચક તો માત્ર સાક્ષી જ હોય છે.

આથી આપણે એમ કહીશું કે કવિતામાં આત્મરતિની માત્રા વિશેષ પ્રમાણમાં હોય છે? અમુક અંશે એ સાચું છે પણ એ આત્મરતિ બીજા કોઈકની પડછે જ ઊપસી આવતી હોય છે. ગદ્યમાંય આત્મરતિ નથી હોતી એમ નહિ, પણ એમાં પ્રત્યાયનની આવશ્યકતા એક નિયામક તત્ત્વ બની રહે છે. ઇતર તરફની ગતિ કરવા જતાં જ આપણે એ આત્મરતિને ઉલ્લંઘી જતા હોઈએ છીએ. એ ઇતરમાં પણ આપણે એની આગવી આત્મરતિને જગાડતા હોઈએ છીએ. આપણા શબ્દ એને પ્રસન્ન કરે છે, કારણ કે એ નિમિત્તે એ પોતાનામાં વળતો હોય છે. બે વ્યક્તિનાં વ્યક્તિત્વ સમ્પર્કમાં આવતાં એમાંથી સમાન ઝંકૃતિ ઊઠે છે. એવા બિન્દુ આગળ આ રણકારથી વશીભૂત થઈને ઘણા વાચકો અટકી જતા હોય છે. સર્જક તો એને સ્પ્રિન્ગ બોર્ડ તરીકે કદાચ વાપરવા ઇચ્છતો હોય છે પણ પેલો રણકાર વાચકને આત્મરતિમાં લુબ્ધ કરી દે છે. વાચક આમ પાછળ રહી જાય છે. અહીં પણ સમગ્ર કૃતિ દ્વારા કરવા ધારેલું પ્રત્યાયન સિદ્ધ થતું નથી આમ છતાં આ ઝંકૃતિ કે રણકાર અન્તરાયરૂપે છે કે અનાવશ્યક છે એવું પણ નથી અલબત્ત એના પર સર્જક અને વાચકનો કંઈક અંકુશ હોવો જોઈએ.

આમ કવિતામાં કવિ આત્મરતિનો ચેપ ભાવકને પણ લગાડે છે. એથી ભાવકને પક્ષે પણ કવિતાની રચના દ્વારા ક્રમશ: કવિએ સિદ્ધ કરેલી આત્માવિષ્કારની પ્રક્રિયા પ્રગટ થતી આવે એમ બને. આ અર્થમાં કોઈ પણ સાચી કવિતા ભાવકને નર્યો નિષ્ક્રિય રહેવા દેતી નથી. ભાવક પણ પોતાની રીતે સર્જકતાને માણતો આવે છે. જો આ જાતની આત્મતૃપ્તિ જ લક્ષ્ય હોય તો સંક્રમણ કે પ્રત્યાયનની વાત અહીં અપ્રસ્તુત નથી બની રહેતી? રોમેન્ટિસિઝમના પ્રાદુર્ભાવ પછી કવિતા મહદ્ અંશે આ જ કરતી આવી છે.

તો આ માટે આપણે કવિતાની નિન્દા કરીને એમ કહીશું કે એ આત્મરતિને બહેકાવી મૂકે છે? કવિતા વિશે આપણે ન્યાય ચૂકવવા બેઠા નથી. કવિતા શું કરે છે તે વર્ણવવાનો જ આપણે તો પ્રયત્ન કરીએ છીએ. તો કવિતાનો મોક્ષ શેમાં એમ મોક્ષધર્મી વિવેચકો પૂછવાના જ. ગદ્ય અને કવિતા બંને પ્રતિસ્પર્ધી નથી, એકબીજાનાં પૂરક છે. જો એમ લેખીએ તો બંને એકબીજાને ઉગારી લેવામાં મદદ કરે. કવિતાની પડછે ગદ્ય હંમેશાં પોતાને પ્રમાણિત કરવાને મથી રહ્યું હોય છે, એ રીતે એ પોતાનો પુનરાવિષ્કાર કરતું રહે છે. એને ઉલ્લંઘીને જે રહ્યું છે તે કાવ્ય. કાવ્યમાં શબ્દોની આન્તરિક સંરચના આપણને આપણી યાતનાની રચના તરફ અભિમુખ કરે છે. એ નિમિત્તે આપણે ઇતિહાસ અને આત્મરતિના ક્ષેત્ર પર પણ ઘૂમી વળીએ છીએ. કાવ્યમાં આપણી જાત સાથેના એકાન્તની ક્ષણને આપણે પુનર્જીવિત કરી ફરીથી પામતા હોઈએ છીએ, એને આપણે વટાવી જઈ શકીએ પણ ત્યાં જ આપણે ફરી ફરી પાછા આવવાનું રહે. શબ્દો એકાન્તના આપણા ભયાવહ સ્વરૂપને પ્રતિબિમ્બિત કરે (અલબત્ત, એ ભારે કોમળતાથી કરે) કે તરત આપણે એને વટાવી જવાનો પ્રયત્ન કરીએ. વાચકને પણ આ જ કરવું પડે છે. આમ કવિતામાં થતું પ્રત્યાયન આત્મરતિના માધ્યમ દ્વારા થતું હોય છે એમ કહી શકાય. વાચક દ્વારા સર્જકમાં રહેલી એના અસ્તિત્વની ઊંડામાં ઊંડી ગુણવત્તાનો પુનરુદ્ધાર થતો હોય છે. ભાવક પોતાને સર્જકને સ્થાને મૂકીને આત્મરતિ કેળવીને જ આ કરી શકે.

વાલેરીએ ગદ્યને પગે ચાલનારું કહ્યું છે, જ્યારે કવિતા તો ઉડ્ડયન કરે છે. સાર્ત્રને પણ આવો કશોક ભેદ વિવક્ષિત છે. આમ તો ગદ્ય અને કવિતા મૂળભૂત રીતે પ્રત્યાયન જોડે અમુક સમ્બન્ધ ધરાવતા હોય છે, એટલે કે એને ઇતર જોડે સમ્બન્ધ હોય છે, પણ બંનેનો આ સમ્બન્ધ એકબીજાથી સાવ વ્યસ્ત સ્વરૂપનો હોય છે. આ બંને સર્જનપ્રવૃત્તિ પ્રત્યાયનથી સર્વથા નિરપેક્ષ તો હોતી નથી, પણ કવિતા સંક્રમણના પ્રવાહની સામી દિશાએ જવા મથે છે (જેથી એ પોતાનું ઊંડાણ પામી શકે.). જ્યારે ગદ્ય સંક્રમણ સિદ્ધ કરીને આ અળગાપણું ટાળવા મથે છે. હકીકતોના રેઢિયાળ સંક્રમણથી સાવ જુદા જ પ્રકારની આ પ્રવૃત્તિ હોય છે. આ જુદાપણું શેમાં રહેલું છે? ગદ્ય એક હકીકત કહીને થંભી જાય છે એમ કહેવું કેટલે અંશે સાચું છે? ‘હું કઈ શેરીમાં છું?’ એમ કોઈ પૂછે અને એના જવાબમાં આપણે એ શેરીનું નામ દઈએ તો એટલા માત્રથી પણ સૂચિતાર્થોનો કેટલો બધો વિસ્તાર થતો હોય છે! એના વ્યાપમાં તો આખા જગતને સમેટી લઈ શકાય. શબ્દ આપણને જે ગતિ આપે છે તેના જેવી ગતિ બીજી શી હોઈ શકે? આપણે પોતે મર્યાદા નક્કી કરીને એમાં સ્થિર થઈ જઈએ છીએ. પણ ભાષાએ જો ખરેખર સંક્રમણ સિદ્ધ કરવું હોય તો એણે પ્રત્યેક ક્ષણે આપણી જગતમાંની સ્થિતિને પ્રતિબિમ્બિત કરવી જોઈએ – અનુક્રમમાં અને તુલનાત્મક પરિપ્રેક્ષ્યમાં ગદ્ય બોલાય છે ત્યારે નહિ, પણ લખાય છે ત્યારે આવું બનતું હોય છે. કવિતા તો આપણે જેમાં શ્વસી શકીએ છીએ તેવો મુક્ત અવકાશ છે – એમાં આપણે આપણી જાતને પુન:પ્રાપ્ત કરતા રહીએ છીએ. કાવ્યની આ પુન:પ્રાપ્તિની ક્ષણો આપણે માટે અનિવાર્ય છે. નહિ તો રોજ-બ-રોજનો વ્યવહાર આપણને ભૂંસતો જ જાય છે. વિસ્તાર અને સંકોચ – આ બંને પ્રક્રિયાઓ ક્રમશ: ચાલ્યા જ કરે છે. આમ ગદ્ય અને કવિતા દ્વારા બે ભિન્ન પ્રકારનાં પ્રત્યાયન થતાં હોય છે. ગદ્યને ઇતિહાસકાર્ય સાથે સમ્બન્ધ છે – એટલે કે ‘કમિટમેન્ટ’ સાથે સમ્બન્ધ છે. કવિતા મૂળ સંરચનામાં સ્થિર થવાની ક્રિયા છે, જેને ઉલ્લંઘી શકાતી નથી. આથી એ કશાકમાં જઈને ઠરે છે. એક સાથે બંને પ્રક્રિયાઓ ચાલ્યા કરતી હોય છે : એકમાં જે બહિર્ગત છે તેને અન્તર્ગત બનાવાય છે, બીજામાં જે અન્તર્ગત છે તેને બહિર્ગત બનાવાય છે. એકમાં ગતિ છે, બીજામાં સ્થિતિ. પણ આ સ્થિતિ આપણે માટે બિલકુલ અનિવાર્ય છે. એમાં વિરામ લઈને આપણે બહિર્ગતને અન્તર્ગત કરવા તરફ પાછા વળીએ છીએ.

કવિતા જે આત્મસંજ્ઞા સિદ્ધ કરી આપે છે તે વિભાવનાના સ્વરૂપની હોતી નથી. એમાં આપણી કામનાની અને ઇતિહાસની અભિજ્ઞતા – આ બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં હોય છે. કામનાની અભિજ્ઞતાની વાત કરીએ તો એમાં આવશ્યકતાના બળનો વિનિયોગ થયો હોય છે. આવશ્યકતા એ સાદીસીધી જરૂરિયાત છે – ખાવું જરૂરી છે, ખાઈ શકાય એવું આપણે ભૂખથી પીડાતા હોઈએ ત્યારે ખાઈએ – પણ કામનામાં મારી પસંદગી હોય છે, એ નરી બુભુક્ષા નથી. એમાં ક્ષુધાથી વિશેષ બીજું કશુંક તૃપ્ત થતું હોય છે. એ પસંદગી કેવળ ખાદ્યપદાર્થના પર જ અવલમ્બિત નથી. એમાં જીવન સાથેના અમુક સમ્બન્ધો અને બીજી અનેક વસ્તુ સાથેના સમ્બન્ધો ભાગ ભજવતા હોય છે. જે આપણા નિર્દેશ કરવા સાથે સમસ્ત વિશ્વને પણ ચીંધતા હોય છે, તે સાચું છે. મારી ભાષા મારામાં ઊંડે ઊંડે રહેલી કામનાને પ્રગટ કરી શકતી નથી. આથી જ તો કેટલાક એમ કહે છે કે તમે પૂરેપૂરી અભિવ્યક્તિ તો સિદ્ધ કરી જ ન શકો. સાર્ત્ર કહે છે કે વ્યવહારમાં એવું ન બને, પણ કવિતામાં તો એ બની શકે. કવિતામાં શબ્દો જે સમ્બન્ધો સિદ્ધ કરીને સન્દર્ભ રચે છે તે ઘણુંબધું વ્યંજિત કરવાની શક્તિ ધરાવે છે. આ રીતે કવિતા નિશ્ચિત અર્થને ઉલ્લંઘી જઈ શકે છે. કવિતામાં ‘આ ઇચ્છા પ્રગટ કરવી છે’ એવો મર્યાદિત નિશ્ચિત આશય હોતો નથી. જે અભિવ્યક્તિ થાય છે તેનાં ઘણાં સ્તર કવિતામાં ઊઘડતાં આવે છે. આથી કવિતા, એરિસ્ટોટલે કહ્યું છે તે અર્થમાં, નર્યું વિમોચન બનીને અટકી જતી નથી. ગદ્ય જેને પ્રગટ કરે છે તેને કવિતા ગુહ્યા રાખીને વધારે ગૌરવ અર્પે છે. કવિ કાંઈ સ્વપ્ન સેવનાર માનવી જેવો નથી, એથી કશુંક વિશેષ કવિ તાકતો હોય છે.

8-6-81