જાળિયું/ધ્વજભંગ (દસમો દાયકો : જાન્યુ. -માર્ચ 1991)

From Ekatra Wiki
Revision as of 01:58, 15 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ધ્વજભંગ

સોસાયટીની મિટિંગમાંથી આવ્યા કે તરત રસિકલાલ પોટલાની જેમ સોફામાં ફસડાયા. મનોહરને કહ્યું – ‘પંખો ઓન કર્ય!’ રસિકલાલે ટોપી ઉતારીને બાજુમાં નાંખી પગ ટિપાઈ ઉપર લંબાવ્યા. ધોતિયાનો છેડો ઊંચો કર્યો ને માથું નીચું નમાવ્યું. પણ, અત્યારે એ એવા મૂડમાં હતા કે આ રીતે માથું નમાવવું ગમ્યું નહીં. પોતે ટટ્ટાર બેઠા ને છેડો વધારે ઊંચો થયો. માથા ઉપરનો પરસેવો ઘસી-ઘસીને લૂછ્યો કે તરત જ ટાલ ઉપર પડતું પંખાનું પ્રતિબિંબ ગાયબ! ધોતિયાના છેડાનો ગોટો વાળીને ઘસવામાં એમને મજા પડી. એમણે આંખો બંધ કરીને સહેજ ભાર દઈને ઘસવાનું શરૂ કર્યું. એમનાં પત્ની કાન્તાબહેન રસોડામાં ક્યાંક વંદો જોઈ ગયાં હશે તે એને પૂરો કરવા ઓસરીમાં પડેલી સાવરણી લેવા નીકળ્યાં. એમની નજર રસિકલાલ ઉપર પડી ને તરત છણકો કર્યો. ‘શું તમેય તે ભૈશા’બ! કહું છું કે ધોતિયાનો છેડો હેઠો મેલો, હેઠો! જરાય રૂડા નથી લાગતા, તમને તો બળ્યું શરમ જેવુંય નથી!’ ઝાડની ડાળી તૂટી પડે એમ રસિકલાલનો હાથ ભોંઠો પડીને છેડાસોંતો સોફા પર પડ્યો. ટિપાઈ પરથી બેય પગ નીચે ઊતરી ગયા, થોડી વારે ઠપ્...એવો અવાજ બેવડાયો ને કાન્તાબહેન સાવરણી ઉપર ચડાવી વંદાને ફેંકવા બહાર નીકળ્યાં. રસિકલાલ લગભગ કોકડું વળી ગયા. થયું કે બાઈ ખરી માથાની મળી છે, જ્યારે ને ત્યારે બસ તણખલાનો જ કરી મૂકે છે! એમની નજર આગળ આખેઆખી મિટિંગ તરી આવી. બધા આવી ગયા હતા. ફક્ત રસિકલાલ જ બાકી. એ પહોંચ્યા ત્યારે બધાએ કીધું કે, ‘રસિકલાલ તમે બહુ મોડું કર્યું, તમારા વિના મિટિંગ સ્ટાર્ટ જ નો થાય. ભલા માણહ! તમે તો ગામ પેલાં આવવા જોઈ’ ત્યારે રસિકલાલનેય થયું કે ‘ક્યો ન ક્યો પણ આપડેય કાંક છી’ એટલું નક્કી!’ પણ એમનો રાજીપો લાંબો ન ચાલ્યો. વચ્ચે જ કો’ક ધીમા અવાજે બોલ્યું, ‘ઈ તો કાન્તાકાકીને હાથ ફેરવ્વા રોકાણા હશે, બાકી મોડા નો પડે!’ રસિકલાલ સાંભળ્યું ન સાંભળ્યું કરે ત્યાર પહેલાં દબાતે અવાજે નવીન બોલ્યો, ‘પચ્ચી વરહ પે’લાં નથ્ય દીધો ઈ હવે હાથ ફેરવ્વા દેતી હશે? તુંય તે હાળા હાવ બોડથલ જ રિયો!’ રસિકલાલે સરવા કાન કરીને આ વાત સાંભળી. નવીન ઉપર બરાબરની ખાઈ ગઈ પણ એમનો જીવ…બચ્ચારાનો જીવ થોથવાઈ ગયો. કંઈ બોલ્યા નહીં, ઊંડો શ્વાસ લીધો ને પછી કહે ‘થાવા દો મિટિંગનું કામકાજ શરૂ...’ એ મિટિંગમાં પ્રતાપભાઈનું રાજીનામું મંજૂર થઈ ગયું ને બધાએ સર્વાનુમતે રસિકલાલને પ્રમુખ બનાવ્યા. શરૂઆતમાં એમણે આનાકાની કરી પણ પછી સ્વભાવવશ ઝૂકી પડ્યા પાછું મનને મનાવ્યુંય ખરું કે – ‘જો મેં હા નો પાડી હોત તો ચોક્કસ આ નવીન પ્રમુખ બની બેસત!’ આખી સોસાયટીને ચોવીશેય કલાક પાણી મળી રહે એ માટે વધારે હોર્સપાવરની નવી મોટર તાત્કાલિક લાવવાનું ને વરાડે ખર્ચ વહેંચી લેવાનું ઠરાવ્યું. જયજયકાર થયાનો સંતોષ લઈને ઘેર આવ્યા. ‘પણ આ કાન્તા…’ એ બબડી ઊઠ્યા, ‘આ નખેતરને આપડી કોઈ દિ’ કદર નો થઈ...’ આમ તો નવીન એમનો ભાઈબંધ. બંને એક જ મિલમાં ને એક જ ચાલમાં. ત્યારે તો નવીન પાસે ફૂટી કોડીય નહોતી, એ તો રસિકલાલ હોય નહીં ને એને કોઈ હિંમત આપે નહીં. બેય જણે સાહસ કર્યું ને સોસાયટીમાં પડ્યા તે ઘરવાળા થયા. અચાનક મિલ બંધ થઈ ગઈ. રસિકલાલ તો હિસાબકિતાબનું જ કરતા એટલે એમને વાંધો ન આવે. બે-પાંચ પ્રાઇવેટ પેઢીનું નામું લખે તોય પંદરસો બે હજારમાંથી જાય નહીં. આવે તોય વાંધો નવીનને આવે, પણ નસીબનો પાકો તે કડિયાકામ શીખી ગયો ને હવે તો કંતરાટી થઈ ગયો છે. પાંચ-સાત વરસમાં ભારે જામી ગયો. ઘણી વાર રસિકલાલને એય ખૂંચતું – ‘મારું હાળું ઈની વહુ મીઠું-મરચુંય મારે ન્યાંથી લઈ જાતી, બેય માણહ ઊછી-ઉધારાંમાંથી ઊંચાં નહોતાં આવતાં. આપડે તો હજીય વગા વગા કરવાનાં ને ઈ તો રૂપિયે રમી રિયો છે!’ એમના મનમાં નવીન માટે હતી એટલી નફરત બહાર ફૂટી આવી. બાવડા ઉપર બેઠેલી માખીને જોઈ ને એમણે થપાટ લગાવી. માખી તો છટકી ગઈ પણ ચચરાટ એમને ગમ્યો. રસિકલાલનું ચાલ્યું હોત તો નવીન સાથેનો સંબંધ ક્યારનો પૂરો થઈ ગયો હોત, પણ મનોહરની બાની ડોકે ઘંટ બાંધવો અઘરો હતો. સળંગોસળંગ એનો કક્કો ખરો ને રસિકલાલને તો વાતવાતમાં પાણીથીય પાતળા કરી મૂકે! વાત બદલવા માટે રસિકલાલે મિટિંગમાં પોતે પ્રમુખ થયા એની ને હવે કેવાં કેવાં કામો પોતાને હાથે થશે એની વાત કાઢી. પણ, કાન્તા સાંભળે તો ને! એ તો કહે, ‘રાખો તમારું ઘેલસાગરાપણું તમારી પાંહે! આ બધા ભેગા થઈને તમને ઊંડા કૂવામાં નો ઉતારે તો મારી છાતી વચ્ચે ડામ દઉં!’ રસિકલાલને થયું કે આને ક્યાં વાત કરી? આખો ઓધવાડો જ એવો કે કોઈનું કંઈ સાંભળે જ નહીં. એમને લગ્ન પછીના એ દિવસો યાદ આવી ગયા. કાન્તા પરણીને આવી ત્યારે શરૂશરૂમાં તો બધું બરાબર ચાલ્યું, પણ પછી એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો… ન બોલે ન ઢૂંકવા દે! રસિકલાલ કેટલાંયે કાલાંબોબડાં કરે ત્યારે કોઈક વાર એનું મને પલળે, પણ એના વલણમાં નર્યો નનૈયો. ઘણી વાર તો કાન્તાને ઊંઘ ચટકા ભરતી હોય. જાત આખી વલોવાતી હોય, છેક મૂળમાંથી જીવ લબલબ થતો હોય ને આ રસિકલાલ નસકોરાં બોલાવતા શ્વાસધમણ ધમતા હોય. એ રાત આખી પગને આંટી મારી, અંદર અંદર વલખાં મારતી, છત સામે આંખો ફાડીને સૂકા લાકડાની જેમ પડી રહે. આખા શરીરે ખાલી ચડી જાય ત્યારે એનાથી ન રહેવાય. રસિકલાલની છાતીના બધા વાળ ખેંચી કાઢવાનું એને મન થઈ જતું. પણ પછી એ વહાલથી એમના જમણા પગના અંગૂઠા સાથે રમત કર્યા કરતી... એક વખત તો એ નવીનની હાજરીમાં જ બોલી ગયેલી, ‘શેઠનું તો એવું કે ભમરડા ફરતી જાળી બરોબર કચકચાવીને વીંટાળે. આપણને થાયે ખરું કે હમણાં ઘમઘમાવશે ને હંમમમ્ કરતો ભમરડો જમીન ઉપર થિર! પણ એ તો ભમરડા ભેળી જાળીયે નાંખી દે ઈ માંયલા!’ એ બીજાની હાજરીમાં, ખાસ તો નવીનની હાજરીમાં રસિકલાલને શેઠ કહેતી. મોટા ફુગ્ગામાંથી અચાનક હવા નીકળી જાય ને લબડી પડે એમ રસિકલાલ લબડી પડેલા! એ એકલા પડે ત્યારે મનમાં ઘણુંય થાય કે, ‘માળું આ ખરું કે’વાય! અંદર ઘોડાપૂર ઊમટતાં હોય ને પંડ્ય આખો ઘૂઘવાટા દેતો હોય, પણ ઉંદરડી મૂતરે એટલુંય આઘું ન જવાય ઈ તે કેવું?’ મનોહરને લશ્કરમાં ભરતી થવાનો ભારે શોખ. વરદી પહેરીને એક વાર ગામમાં રોલો પાડી દેવાની ઉમેદમાં ને ઉમેદમાં આખો દહાડો કસરતના દાવ કર્યા કરે ને જમવા બેસે ત્યારે ગળા સુધી ઠાંસીને ભરે! પ્રતાપભાઈનો જગો સમાચાર લાવ્યો કે આવતી કાલે ભરતીમેળો છે. મનોહર ને જગો બેય પહોંચી ગયા. પણ ત્યાં દંગલ કરવાને લીધે બેમાંથી એકેયનો ગજ ન વાગ્યો. મનોહરે ભરતી મેળામાં જ જગાને અધમૂવો કરી મૂકેલો. કાન્તાએ એને બોલાવીને પૂછ્યું કે – ‘તેં જગાને મારેલો?’ ‘હા.’ ‘તનેય તારા બાપની જેમ અધ્યારી વહોરવાનો હેવા પડ્યો કે?’ પૂછતાંની સાથે જ કાન્તા થોડી સંકોચાઈ. મનોહરને એમ કે બા ગુસ્સો ગળી રહી છે; એટલે બચાવ કરતાં બોલ્યો : ‘પણ બા, ઈ લઠિંગણ એવું બોલ્યો કે મેં ઈનો અડદાવો કાઢી નાંખ્યો નંઈ એટલો પાડ માન!’ મનોહર ભરતીમેળામાં ખોવાઈ ગયો. પોતે આગળ ઊભેલો ને એની પછી તરતનો નંબર જગાનો. મિલિટરીના અફસરે પૂછ્યું – ‘નામ...’ ‘મનોહર…’ ‘બાપકા નામ...?’ બસ એ વખતે જ જગાએ કંઈક ગબકું માર્યું ને એનો હાથ ઊપડ્યો. જગાને ઘુસ્તાવી નાંખ્યો. ભરતીમેળાવાળી ઘટના પછી મનોહર માર્યો-માર્યો ફરતો. ઘરમાં હોય તોય એનું મન ઠેકાણે ન હોય. ઘડીમાં રસિકલાલ સામે જુએ ને ઘડીમાં કાંતા સામે. એક વાર તો એણે મુક્કો મારીને અરીસોય તોડી નાંખેલો! રસિકલાલને એમ કે એ લશ્કરમાં ભરતી ન થઈ શક્યો એટલે ફુંગરાયેલો રહે છે. થોડા દિવસમાં ઠેકાણે આવી જશે. એમને પોતાની નિષ્ફળતાઓ યાદ આવી ગઈ. અરે! મોટી વાત ક્યાં? પોતાની જ મિલમાં રાતપાળીની દિવસપાળી એ કરાવી શક્યા નહોતા. નવીન કહે કે – ‘આપણને તો રાતે બહાર રે’વું પાલવે જ નહીં, જોવે એટલે જોવે જ!’ રસિકલાલે મેનેજર આગળ કેટલી કાકલૂદીઓ કરી પણ બધું નકામું. એક વાર તો રસિકલાલે મનોહરને હૈયાધારણેય આપી, ‘નોકરી ન મળે તો કાંઈ બગડી જવાનું નથી. સ્વાશ્રયીને કોઈની સાડીબાર નંઈ! તું તારે નામું લખીશ તોય પાર ઊતરી જઈશ ને કોઈ કારી નો ફાવે તો નવીન ભેળો કંત્રાટમાં સેટ થઈ જાજે!’ મનોહરનું મન ભડકેલા ધણ જેવું થઈ ગયું. એની સામે નામાના ચોપડા ફરફરવા લાગ્યા. થયું કે જીવતર ખતવી દેવા કરતાં કંત્રાટમાં જવું ખોટું નહીં! કાન્તાએ એનું મન વરતી લીધું ને એણે રસિકલાલ સામે જોઈને જ કહ્યું : ‘સાંભળ્યું? તમે જાવને કંત્રાટી પાસે. ઈમને કે’જો કે ઈની બાયે કેવરાવ્યું છે કે છોકરાને નજરથી અળગો નથી કરવો. આંય હોય તો આંખ્યું ટાઢી રહે...’ રસિકલાલ ગયા અને ફતેહ કરી આવ્યા. આવતાંવેંત બોલ્યા, ‘માળો નવીન! આમ સારો ખરો. મારો બોલ ન ઉથાપ્યો. તરત કહી દીધું કે ભલે!’ રસિકલાલ જરાક પોરસાયા કે તરત કાંતાએ પડતો પાણો મૂક્યો, ‘તે ના ન જ પાડે ને! મારો દીકરો હુશિયાર કેવો છે! ને કંત્રાટીનેય કામની ગરજ હશે તંઈ મનોહરને રાખ્યો હશે. પારકાં પનોતાં થાય ઈ કરતાં ઘરનો જણ શું ખોટો? બાકી તમારું મોઢું જોઈને કોઈ ટીલુંય ન કરે!’ રસિકલાલે ખૂબ દોડધામ કરીને સોસાયટીનાં મોટાભાગનાં કામ શરૂ કરાવી દીધાં. થોડા વખતમાં જ નાકેનાકે ટ્યુબલાઈટો ચાલુ થઈ ગઈ. બધા રસ્તાઓ ઉપર માટીનું પૂરણ થઈ ગયું. કૂવોય પંદર હાથ ઊંડો ઉતરાવ્યો. મોટરેય મુકાઈ ગઈ. ચોવીસ કલાક પાણીનું સુખ. ભલે સોસાયટીવાળા કરે ધુબાકા! રસિકલાલને થયું કે આપણું પ્રમુખપણું સાર્થક થઈ ગયું. કોઈએ આટલી ઝડપથી આવાં કામો આજ લગી કર્યાં નથી. આખી સોસાયટીને રળિયાત કરી દેનાર રસિકલાલ મનોમન ખુશ થતા રહ્યા. એમનો રાજીપો છાપરે ચડે ત્યાં તો જગો દોડતો આવ્યો. એનો શ્વાસ ચડી ગયો હતો. રસિકકાકા, રસિકકાકા! દોડો જલદી! મોટર, પંપ, પટ્ટો ને બધુંય કૂવામાં જઈ પડયું છે!’ રસિકલાલ કૂવા પાસે ગયા. એમનો જીવ બળીને ખાખ થઈ ગયો. બધાંની વચ્ચે બોલ્યા, ‘મેં આ નવીનને કીધેલું કે બરોબર ફિટિંગ કરાવજે...પણ એનાં બધાં કામ એવાં… આ બધું હડુડુડુ હસ્ કરતું અંદર ગ્યું! વળી બે-પાંચ હજારનો ખાડો...બધું જાય નાતરે...!’ ધોતિયાનો એક છેડો હાથમાં ને રસિકલાલ હાંફળાફાંફળા નવીનને ઘેર ગયા. ત્યાંથી જાણ્યું કે એ તો એમના પોતાના ઘર તરફ ગયો છે. હડફડ હડફડ આવ્યા ઘેર. પણ બારણા પાસે જ થીજી ગયા. ફળિયામાં નવીન ઊભો હતો, કાન્તા બારણું પકડીને લટકાં કરતી ઊભી હતી. એ હસતાં હસતાં કે’તી’તી – ‘સારું થયું કંત્રાટી તમે મનોહરને તમારી ભેળો લઈ લીધો તે હવે...પાટે ચડશે...!’ ‘કાંતુડી...તુંય તે શું ભૂંડી! આવી વાત કરાય? ગમે તેમ તોય…’ રસિકલાલે ઘરમાં જવા પગ ઉપાડ્યા પણ એમને ધરતી ફેરફુદરડી ફરતી હોય એવું લાગ્યું. એ કાન્તાના પડખે થોડા ઘસાયા ને બારણાના આગળિયામાં એમનું ધોતિયું ભરાયું...ચરર અવાજ આવ્યો. ‘શેઠ! વાગ્યું તો નથી ને!’ કાન્તા બોલી કે નવીન એ રસિકલાલ નક્કી ન કરી શક્યા પણ જવાબ આપી દીધો, ‘ના...ના...આ તો જરા ખાંપો આવ્યો!’