જાળિયું/નિયતિ (પરબ : ફેબ્રુ. 1994)

From Ekatra Wiki
Revision as of 02:17, 15 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિયતિ

બધાં કહે છે હું બેભાન છું, છેલ્લા છ માસથી ડૉક્ટરોની કોઈ કારી ફાવતી નથી, ને ખબરકાઢુઓનાં ટોળેટોળાં ઊતરી આવે છે મારી પથારીની આસપાસ ગીધડાંની જેમ. એક પછી એક આવીને પાંખો પસારે, લાંબી ડોક ઊંચી કરે, કર્કશ કર્કશ અવાજો કરે અને પછી કશુંક દૂરનું જોઈ લીધું હોય એમ તાનમાં આવીને નાચવા લાગે. આગળ, છેક મારા શરીર સુધી આવવા એકબીજાને ધકાધકી કરે. સલાહોની સ્પર્ધા...કોઈ કહે છે આને તો નખમાંય રોગ નહોતો ને હવે કેવો બિચારો પરવશ થઈ ગયો છે! આધુનિકમાં આધુનિક દવાઓથી શરૂ કરીને દોરા-ધાગા, બાધા-આખડી સુધીની ચાંચોના ઘચ્ચકારા...વિશાખા સહુને એકચિત્તે સાંભળે છે ને સલાહ આપનાર ઊડી જાય એટલે બધું ભૂલી જાય છે. હમણાં જ કોઈકે મીરાંદાતાર લઈ જવાનું કહ્યું. મને ન લઈ જવાય તો વિશાખા એકલી જઈ આવે તોય ચાલે! હવે વિશાખાને કદાચ એવાં બધાંમાં શ્રદ્ધા બેસે પણ ખરી. પણ, એ કલાકેય કોઈના ભરોસે મને મૂકીને જાય એવી નથી. જોકે એનોય વાંક નથી. આજકાલ કરતાં છ મહિના વીતી ગયા ને કૅલેન્ડર તો થંભી ગયું છે! ખબર લેનારાઓમાં કેટલાક વધુ પડતા સેન્સેટિવ પણ છે. એ મારી દયા ખાવાને બદલે વિશાખાની દયા ખાવા લાગ્યાં છે. બધાં એને મોઢામોઢ કહે છે, કશાય સંકોચ વિના : ‘વિશાખા! તું તારો તો વિચાર જ કરવાનું ભૂલી ગઈ છે. જોને સાવ કેવી થઈ ગઈ છે! એની માંદગીનો તો કોઈ વિકલ્પ જ નથી. મેડિકલ સાયન્સે હાથ ધોઈ નાંખ્યા ત્યાં આપણે શું કરવાના? તું દિવસ ને રાત અહીં પડી રહીશ તોય એ કંઈ ભાનમાં થોડો જ આવી જશે? તારે પણ જિંદગી જીવવાની છે ને? કંઈ નહીં તો બે-ચાર દિવસ ઘેર જઈ આવ! ઘર તો કોણ જાણે કેવું થઈ ગયું હશે? ઘેર નહીં તો પપ્પાને ત્યાં…થોડી હળવી થઈશ!’ બહાર નીકળતાં નીકળતાં પ્રાર્થનાય કરતાં જાય, ‘બિચારાને ભગવાન…’ પણ, આ કંઈ દોરો થોડો છે કે તોડી નંખાય? એકાદ મહિનાથી ઘસારો ઓછો થયો છે. આવનાર એક વાર આવે, બે વાર આવે, પછી? વિશાખા ક્યારની બેઠી બેઠી મૅગેઝિનનાં પાનાં ઉથલાવ્યાં કરે છે. ક્યારેક બારીમાંથી બહાર જોયા કરે છે. અચાનક એક પંખીએ લાં...બી સીટી મારી. વિશાખાના કાન ચમક્યા. એ ઊભી થઈ ગઈ. બારી બહાર જોવા લાગી. બહાર આસોપાલવ ઝૂલે છે, પવનમાં આમતેમ. ક્ષણ વાર એની આંખો પેલા પંખીને શોધવાનું ભૂલી ગઈને આસોપાલવમાં ખોવાઈ ગઈ. હું એને કહેવા માટે વ્યાકુળ થઈ જાઉં છું, ‘અરે! આ તો દૈયડ…ભૂલી ગઈ? એ દિવસે સાંજે મેં તને બતાવેલી...’ પણ મારા હોઠ મારા કહ્યામાં નથી. મને હતું કે વિશાખા હમણાં પૂછી બેસશે, ‘હેં! આ કોનો અવાજ?’ પણ એવી ભૂલ કરવાની સ્થિતિ તો એ ક્યારનીય વટાવી ચૂકી છે. એના રૂંવે-રૂંવે ખાતરી થઈ ગઈ છે કે જવાબ નહીં મળે! મારા પલંગની બાજુમાં, ટેબલ પર પડેલા થરમોસ ઉપર માખીઓ બણબણે છે. ‘વિશાખા સાંભળે છે? જો ને આ કેટલું ગોબરું લાગે છે…’ વિશાખા ક્યાંથી સાંભળે? શરૂઆતનો એક મહિનો, વાત જુદી હતી. હવે તો એને એય યાદ નહીં હોય કે મને શું ગમે ને શું ન ગમે! હમણાં નર્સ આવીને કહીં ગઈ. ‘જ્યુસ આપી દીધું?’ વિશાખા ધીમે પગલે ઊભી થઈ, એક બગાસું ખાધું, આળસ મરડી. મને થયું મારે માથે હાથ ફેરવીને જાય તો સારું. પણ એ તો સીધી જ ગઈ ટેબલ પાસે. એની નજર થરમોસ પર પડી. લથડતી ચાલે વૉશબેઝિન તરફ ગઈ. નળનો પાઈપ ધ્રુજાવી દેતો અવાજ. એણે નળ ધીમો કર્યો. થરમોસ ધોવા લાગી. નળ ચાલુ રાખીને જ હાથમાં થરમોસ સાથે બારી પાસે ગઈ. પાઉડરની ભૂકી લીધી ને ફરી નળ પાસે. નીચે, લાદી પર કેટલાં બધાં ટીપાં પડ્યાં! જાણે એ વિશાખા જ નહીં! હવે તો હું એને ટોકીશ એવો ભય પણ નહીં રહ્યો હોય. થરમોસ સાફ કરીને ઊંધું વાળ્યું, ટેબલ પર હજાર વાર સમજાયું છે કે આ રીતે ઊંધું ન વળાય! સહેજ ત્રાંસું દીવાલને ટેકે રાખવું જોઈએ, નહીંતર વૅક્યૂમ થાય ને અંદરની કાચની શીશી તડાક્ દઈને ભૂકો થઈ જાય! વૅક્યૂમ તો મારામાંય થઈ ગયું છે પણ… બાજુના રૂમમાં ફ્રિજ છે, એમાંથી એ જ્યુસ લઈ આવી. ડૉક્ટરે એકદમ ઠંડું આપવાની ના કહી છે, એટલે થોડી વાર ટેબલ પર રહેવા દેશે. પણ મારી ધારણા તદ્દન ખોટી પડી. એણે તો આ ઉઠાવી સિરિંજ. ધીમે ધીમે પિચકારી જેવું મોટું ઇન્જેક્શન ભરશે ને પછી નાકમાં મૂકેલી નળી વાટે મારા દેહમાં ધીરે… ધીરે... હંઅ. હવે કંઈક રાહત લાગી. હું જ્યૂસના સ્વાદની કલ્પના કરું છું પણ ગળામાં કફ બાઝી ગયો છે. જ્યૂસ કંઈ ખારું ખારું તો ન હોય! હમણાં તો મારી માંદગીએ વિશાખાને સાવ મૂઢ બનાવી દીધી છે. સંભવ છે કે દળેલી ખાંડને બદલે મીઠુંય ફટકારી દીધું હોય! પણ મને ક્યાં ડૉક્ટરે મીઠાની ના પાડી છે તે ચિંતા કરવાની હોય? પ્રેશર આપવાને લીધે વિશાખાના જમણા હાથનો અંગૂઠો ને આંગળીઓ લાલઘૂમ થઈ ગયાં છે. સહેજ કંટાળા સાથે એણે સિરિંજ ઠેકાણે મૂકી, મૂકતાં મૂકતાં મારી સામે જોયું. શી ખબર શું થયું તે અચાનક આવીને માથા પાસે બેસી ગઈ ને ધીમે ધીમે મારા વાળની લટ અલગ તારવીને વળ લગાવવા શરૂ કર્યા. એની સાથળનો ભાગ મારા ખભાને અડકે છે. એની આંગળીઓ મારા વાળમાં જે રીતે ફરે છે...છેલ્લા છ-સાત મહિનામાં આવું ક્યારેય બન્યું નથી. વિશાખા તારી ઇચ્છાઓ મારા મન સુધી પહોંચે છે પણ લાચાર છું. શું કરું? જોકે એ તો એય ક્યાં નથી જાણતી? કહું છું છોડી દે મને, વિશાખા! આ હૉસ્પિટલને હવાલે ને જતી રહે ઘેર...ક્યાં સુધી ઘડિયાળના લોલકની જેમ…એને આલિંગનમાં લઈ ભીંસી દેવાની ઇચ્છા થઈ, પણ એ પોતે જ અત્યારે એની ઇચ્છાઓ દબાવવામાં પડી છે એમાં મારી ઇચ્છાઓ વળી એના સુધી કેવી રીતે પહોંચે? વિશાખા ઊભી થઈ. કદાચ એને ઠંડી જેવું લાગ્યું હશે, પંખો ધીમો કર્યો. મને ચાદર ઓઢાડી. મોટું ખુલ્લું રાખ્યું. એને એટલું તો યાદ છે કે હું કદી મોઢે ઓઢીને નથી સૂતો. પણ, આજે નહીં તો કાલે એણે જ મને ચાદર ઓઢાડવી પડશે; મોઢું ઢંકાય એ રીતે…! હા, એણે જ. હજી તો કાલે જ ડૉક્ટર કહેતા હતા કે અવયવો ઉપર કંટ્રોલ્સ નથી, પણ ચેતના જાગ્રત છે. પૂરતું પોષણ અને દવા છે ત્યાં સુધી બીજાં કોઈ કોમ્પ્લીકેશન્સ થવાનાં નથી...આપણો પ્રયત્ન એ છે કે...બેઈન વહેલામાં વહેલી તકે...એમ કહીને મારા પગના તળિયામાં બોલપેન ઘસી. મારો પગ ધ્રૂજ્યો પણ ખેંચાયો નહીં. ડૉક્ટરે હોઠ દબાવ્યા. વિશાખા એકીટશે મને જોઈ રહી. કદાચ પહેલી વાર અનુકંપાને બદલે ભવિષ્યની ચિંતા એની આંખોમાં દેખાઈ. વખત છે ને મને કંઈ થઈ જાય તોય એને આર્થિક ઉપાધી નહીં રહે. ઘરનું ઘર છે. ભલે વીમા કંપનીની લોન પર! મારા મૃત્યુની સાથે જ હપતા બંધ, મકાન આખેઆખું એનું ને ઉપરથી નાંખી દેતાંય બે-અઢી લાખ તો મળવાના જ. અને હા, ફંડ-ગ્રેજ્યુઈટીના ઓછામાં ઓછા ગણો તોય દોઢેક થાય ને દર મહિને બે-એક હજાર પેન્શન. જરાય વાંધો નહીં આવે. આમ તો આ છ મહિનામાંય એની કમર તૂટી ગઈ હોત પણ હૉસ્પિટલનો ને દવાનો ખર્ચ સરકાર આપે છે. બિલ પાસ થવામાં વહેલું-મોડું થાય, પણ કાલે શું કરીશ? એવી સ્થિતિમાં તો એ નથી જ. અત્યારે થાય છે કે વિશાખાએ પાંચ વર્ષ સુધી ‘એન્જોય’ કરવાની જીદ પકડી ન હોત ને એકાદ બાળક હોત તો સારું હતું. એના આધારેય એ ટકી જાત, પણ…પણ શું? એક રીતે સારું છે બાળક નથી એ. નહીંતર રાત-દિવસ જોયા વિના મારી પાછળ રહી શકી ન હોત. બાળકને સ્કૂલે મોકલવાથી માંડીને હજાર જાતની ચિંતા…પણ, હજી હું ક્યાં મરી ગયો છું કે આટલું બધું વિચારું છું! દુનિયામાં કશું જ અસંભવ નથી, કાલે ઊઠીને કોઈ દવા અસર કરેય ખરી. પણ ના ડૉક્ટર કહે છે એવી કોઈ શક્યતા જણાતી નથી. પાંચ-દસ વરસ પણ આ રીતે પેશન્ટ બેભાન રહી શકે ને કંઈ ન થાય...કંઈ ન થાય એટલે મૃત્યુ ન આવે, બાકી તો ડૉક્ટર જ સાચા છે કે ‘કંઈ ન થાય!’ તો શું મારી નિયતિ આ જ છે? વિશાખા, હજી તો તને પાંત્રીશ થવા જાય છે. તારા ભવિષ્ય ઉપર કૂચડો ન ફેરવ, કોઈક સારો માણસ જોઈને…મને છોડી દે મારી નિયતિ પર! આટલું કહેવા પૂરતો જ ભાનમાં આવું તોય ઘણું! એક વાર મેં સાવ કાન પાસે જઈને કહેલું, ‘વિશાખા તારા વિના એક શ્વાસ પણ…’ એ એક વાતને લઈને તો નહીં જીવતી હોય? બે વર્ષ પહેલાં હું સરકારી કામે ત્રણ દિવસ બહાર ગયેલો, ત્યારે એ કેવી બહાવરી બની ગઈ હતી? ત્રણ દિવસ તો માંડ કાઢ્યા એવું કહેતી હતી. અને એ રીતે વરસતા વરસાદની સાથે અમે પણ કેવાં વરસી પડેલાં! આ એ જ વિશાખા છે? છ મહિનામાં તો એની સિકલ જ બદલાઈ ગઈ…અત્યારે એ ઘસઘસાટ ઊંઘે છે. કોઈ સ્વપ્ન તો નહીં જોતી હોય? અચાનક ચીસ પાડી ઊઠે તો જાણવું કે એને કંઈ સારું સ્વપ્ન આવ્યું! એ સ્વપ્ન પછી તો એણે હંમેશા આમ ચીસો જ પાડ્યા કરવાની ને? એ કરતાં આ સારું... શું સારું ડૂમો? નીકળેય નહીં ને મૂંઝવ્યા કરે... એક ક્ષણ હું ભૂલી જાઉં છું કે આ હૉસ્પિટલની બારી છે. એમ જ લાગે છે જાણે હું મારા ઘરની બારી પાસે ખુરશી નાંખીને બેઠો છું. બારી બહાર મોટા બે આસોપાલવ ઝૂલ્યા કરે છે. એક ફૂલચૂહી ક્યારનીય એમાં જાય છે ને થોડી વારમાં બહાર આવી હવામાં વલયો કરતી ઊડી જાય છે. કદાચ આસોપાલવમાં એનો માળો હોવો જોઈએ. વિશાખા પણ આમ જ ઊડાઊડ કરતી. આજે ખમણ તો કાલે ખાંડવી. કંઈ ને કંઈ નવું ચાલ્યા કરે…હું વારેઘડીએ ખાંડવીનું નામ ભૂલી જાઉં, એટલે કહે : ‘આને હાંડવાની વહુ કહેવાય! ખાંડવી...’ હું ખાંડવીનો એક રોલ મોંમાં મૂકું ને એની ગરદન પરથી ધીમે ધીમે હાથ લસરાવું! અત્યારે મારો હાથ બહેરો-બોબડો થઈને પડ્યો છે. હાથ શું હું આખો જ બહેરો-બોબડો...ઠૂંઠા વૃક્ષને કોઈ ડાળખી ફૂટે એની રાહ જોઈ રહ્યો છું, પછી ભલે ને એ ડાળખીનાં પાંદડે પાંદડે મૃત્યુનો સંદેશો હોય. વિશાખા પણ ઠૂંઠા સાથે ઠૂંઠૂં થઈ ગઈ છે. છ મહિનાથી આનંદ શું છે એનીય એને ખબર નથી. હવે તો એને સમયનું પણ ભાન રહ્યું નથી. કલાકો મારી પાસે બેઠી રહે છે. અચાનક તડકો નીકળી આવ્યો. સીધો જ મારા મોઢા પર! નાક-કાનમાં સળવળ થાય તો મજા પડે. વિશાખા જાગી ન જાય તો સારું. નહીંતર, આ તડકો જોઈને તરત બારી બંધ કરી દેશે. કોણ એને કહે કે તારા ‘એ’ને તડકો ગમે છે, ભલે રહી બારી ખુલ્લી... પણ હવે એને કશું કહેવાની જરૂર જ ક્યાં રહી? તડકાને વાદળો ખાઈ ગયાં. એય ક્યારનાં ખેલ કરે છે. ઘડીમાં એમ લાગે છે કે હમણાં વરસાદ પડશે પોટલા-મોઢે ને અચાનક ચચરી ઊઠે એવો તડકો! મારા હાથ-પગ ખેંચાવા કેમ લાગ્યા? ખૂબ જ તાણ આવે છે. જીવ ચૂંથાય છે, કદાચ ઊલટી ભેગા જ પ્રાણ નીકળી જશે... પણ આવું અચાનક કેમ? હંઅ...જ્યુસનો ટાઈમ થઈ ગયો. જલદીથી મને કોઈ…હું જાણે આખેઆખો ઊછળું છું. હાથ-પગ પછડાય છે. કહું છું મને કોઈ….વિશાખા ક્યાં ગઈ? ઊંઘવાનું છોડ...જલદી આપ મને...હું લાચાર ન હોત તો ક્યાં કશું માગતો હતો? મારા ગળામાં થતી ઘરરાટી સાંભળીને એક વૉર્ડબોય દોડતો આવ્યો, મારા પર નજર નાંખી ન નાંખી ને દોડી ગયો. વિશાખા તો બાજુના રૂમમાં ગઈ હતી. એ એને બોલાવી આવ્યો... વિશાખા શાંત ચિત્તે આવી. વૉર્ડબોયને કહે, ‘જા...વ, ફ્રિજમાં મેં જ્યૂસ રાખ્યો છે લઈ આવો ને!…’ બાજુમાં એક બાઈને લાવ્યા છે. આમની જેમ જ પડી છે, પણ એ તો પેરેલેટિક છે. હું વળી એને ક્યાં જોવા ગઈ! વૉર્ડબોય આવે એ પહેલાં ફટાફટ સિરિંજ સાફ થઈ ગઈ... બધું ફટાફટ ઊતરી ગયું. જાણે બધી નદીઓના પૂર ઓસરી ગયાં. થોડી વારમાં ડૉક્ટર આવ્યા. મને તપાસ્યો પછી, વિશાખાને કહે – ‘દર બે કલાકે જ્યૂસ ભૂલવાનું નહીં… હું દવા મોકલું છું એ નાક વાટે...’ હાથનો ઇશારો કર્યો ને ઉમેર્યું : ‘હમણાં સૂઈ જશે!’ મારા મોઢામાં જીભના લોચા વળવા લાગ્યા. હું અચાનક જાણે રાડ પાડીને ડૉક્ટરને કહી ઊઠું છું કે કાયમને માટે સૂઈ જાઉં એવી દવા આપી દો ને ભૈશાબ!

***

આજે દેસાઈ ખબર પૂછવા આવ્યો ને મને ઉઝરડો કરી ગયો. મારું ને એનું ટેબલ પાસપાસે. લગ્ન થયાં ને તરત મેં રાજીનામું મૂકી દીધું. દેસાઈ કહે, વિશાખાબહેન! ભવિષ્યનો તો વિચાર કરો. આજે કોઈને નોકરી મળતી નથી ને તમે ચાલુ રોટલાને લાત મારો છો? બે-ચાર વરસમાં બધું રોમૅન્ટિસિઝમ ઓગળી જશે ને વળી, કાલની કોને ખબર છે? હું ચિડાઈ ગયેલી, પણ કશું બોલી નહોતી. એ વખતે મગજમાં એક જ ભૂત હતું કે મારે મારા પતિને જીવનથી ભરી દેવો છે. એકેએક ક્ષણને ઉત્સવનું નામ આપવું છે. નોકરી કરતાં કરતાં એ બધું બને નહીં. ઉપરાંત એમનો પગારેય સારો એટલે બીજો વિચાર કરવાનો તો હતો જ નહીં. જોકે દેસાઈની વાત સાચી હતી. કાલની કોને ખબર છે? ધારો કે એમને કંઈ થઈ જાય... ના, ના. તો હું સહન નહીં કરી શકું. વળી વિચાર આવ્યો કે એ તો વાત કરવાનીય સ્થિતિમાં નથી ત્યારે? એમના હોવા ન હોવાથી શો ફેર પડવાનો? આમ ને આમ હોસ્પિટલમાં ક્યાં સુધી શ્વાસો ગણવાના? અત્યારે એમના શ્વાસોચ્છ્વાસ સંભળાય છે એને હું મારું ભાગ્ય ગણું? શું કરું? હમણાં દાખલ કરી એ બાઈ! ઓહ્…માંડ મારા જેવડી હશે. બિચારી પેરેલિટિક થઈ ગઈ! બે-ત્રણ દિવસ તાવ આવ્યો ને ડૉક્ટરે દવા આપી. કહે છે કે દવાની આડઅસરમાં આવું થઈ ગયું. આ ડૉક્ટરોય ઘણી વખત બાફી મારતા હોય છે. મેં છાપામાં એક કિસ્સો વાંચેલો કે એક દર્દીને દર્દ મટાડવા અપાતી દવા જ એનું દર્દ વધારતી હતી, દર્દી ગુજરી ગયો ત્યારે એનો ખ્યાલ આવ્યો! એમના કિસ્સામાં આવું તો નહીં થતું હોય? કરોડરજ્જુ પર સોપારી જેવડી ગાંઠ નીકળેલી. નાનું અમથું ઑપરેશન…ડૉક્ટર કહે કશું જ ચિંતા જેવું નથી, આ તો સામાન્ય કહેવાય…પણ તો હું પૂછું છું કે એ ભાનમાં કેમ નથી આવતા? આના કરતાં ગાંઠ શું ખોટી હતી? મેં તો ચોખ્ખી જ ના પાડેલી. પણ એમને ન પહોંચાય…કહે કે ભવિષ્યમાં વધે ને હેરાન થવું પડે એ કરતાં એમને કદાચ કૅન્સરનો ભય પણ હોય...તો પછી ડૉક્ટરે કેમ મને ન જણાવ્યું? આ બાઈ તો પૂરા ભાનમાં છે. શું નહીં વીતતું હોય એના ઉપર! આમ જુઓ તો હુંય એની જેમ પેરેલિટિક જ છું ને? છ મહિના થયા... આ દવાખાના બહારની દુનિયા જોઈ છે જ કોણે? એક પછી એક, માણસોનો હલ્લો. જાતજાતની સૂચનાઓ… બિચારો ને બાપડો… એવું બધું સાંભળવાનું. આમાં હું ક્યાં શોધું મારી જિંદગી? દેસાઈ કદાચ સાચું બોલ્યો હતો! આ બાઈએય કેટલાં સપનાં જોયાં હશે? બધું કડડભૂસ થઈ ગયું...શું થતું હશે એની ઇચ્છાઓનું? એને તો શરીરનો સાથ નથી, જ્યારે અહીં તો શરીરની દોટ જ ઇચ્છાવિરુદ્ધ! કાલે એમના વાળની લટ રમાડતાં કેટકેટલું ફરી આવી! રોમરોમે થતું કળતર ક્યાં સુધી શાંત પાડ્યા કરું એમને દવાઓ અને જ્યૂસ આપીને? એમના હાથ-પગ ખેંચાય એટલે ડૉક્ટર ઊંઘની દવા આપીને ચાલ્યા જાય. ક્યારેક તો મન થાય છે કે કહી દઉં કે એકસાથે પંદર-વીસ ડોજ આપી દો મને કાં એમને! પછી તરત જ જાતને ટપારું છું. આવા સંજોગોમાં આટલી બધી ઉત્તેજના…એ તો જાતે હલી પણ શકતા નથી! આખો દિવસ જોયા કરું છું – પેલી બાઈનો વર અડધો-પોણો કલાક અંદર પલંગ પાસે બેસે છે ને કલાક દોઢ કલાક બહાર લૉબીમાં બાંકડા ઉપર. બેઠો-બેઠો કાં તો છાપું વાંચતો હોય અથવા કંઈ ગણગણતો હોય. એય મારી જેમ વિહવળ હશે? દર્દી તો હોય છે જ દર્દી પણ એની સાથે રહેનારનું દર્દ તો…એની કોઈ દવા નહીં શોધાઈ હોય? આટલા લાંબા સમયથી અહીં છું, હરીફરીને લૉબીમાં જાઉં. ક્યારેક કોઈ નર્સ સાથે વાતે વળું, એમ કરતાંય જો મન હળવું થાય. પણ કાલે રાત્રે રમાબહેન નર્સે તો મને હળવી કરવાને બદલે ભડકાવી મૂકી! ટેલિફોનની ઘંટડી ક્યાંય સુધી વાગ્યા કરી, કોઈએ ફોન ઉપાડ્યો નહીં. હું દોડીને બહાર ગઈ. રિસીવર ઉપાડું એ પહેલાં ફોન શાંત થઈ ગયો. રમાબહેન ક્યાં ગયાં હશે? ક્યાંય સુધી હું એના ટેબલ સામેના બાંકડે બેઠી રહી. કોઈ ધીમે ધીમે ગુસપુસ કરતું હોય એવું લાગ્યું. ચોક્કસપણે અવાજ ક્યાંથી આવતો હતો એની ઝટ ખબર ન પડી. અચાનક નજર પડી તો ખ્યાલ આવ્યો કે જે રૂમના બારણે સાંજ સુધી તાળું હતું એ રૂમ અંદરથી બંધ હતો! હું બેઠી જ રહી. દસેક મિનિટ પછી બારણું અધૂકડું ખૂલ્યું, એક પુરુષ નીકળ્યો ને સડસડાટ ચાલ્યો ગયો. ટેબલ પરના કાગળ ક્યારનાય ફરફરતા હતા. મેં ઊઠીને એના પર આડી ફૂટપટ્ટી ને પેપરવેટ રાખી દીધાં. ક્યાંકથી કૂતરાંનો અવાજ આવ્યો. મને એક ક્ષણ દહેશત થઈ આવી પણ એ જ બારણેથી તરત રમાબહેન બહાર આવ્યાં. ખુરશીમાં બેઠાં. મને જોઈને કહે, ‘કંઈ કામ હતું?’ હું કશું બોલી નહીં ને એમની સામે જોઈ રહી. એ ઓઝપાઈ ગયાં, નજર ચોરવા જેવું કર્યું. પછી કહે – ‘મારા મિસ્ટર હતા, શું કરીએ? મારે કાયમની નાઈટ…’ હું ઊભી થઈને અંદર આવી. હૉસ્પિટલ છોડીને ઘેર જતાં રહીએ એવું થઈ આવ્યું. ડૉક્ટર કહે છે એમને તાણ આવવાનું બંધ થઈ જાય તો રજા આપવામાં વાંધો નથી. પછી તો ઘેર પણ દવા-જ્યુસ વગેરે આપી શકાય. આજે જો હું નોકરી કરતી હોત તો? આટલી બધી રજાઓ કેવી રીતે મળત? જોકે નોકરીને બહાને થોડી હળવાશ તો મળી જ હોત! અહીં આવ્યા પછી મેડિકલ સ્ટોરથી આગળ જવાનું તો બન્યું જ નથી. દિવસમાં ત્રણ વાર કપડાં બદલવાવાળી હું આમની માંદગીને લીધે ત્રણ જોડી કપડાં છ મહિનાથી, વારાફરતી પહેર્યાં કરું છું! તૈયાર થવાનું તો જાણે યાદ જ નથી. આખો દિવસ આ હૉસ્પિટલની ગંધ, એ જ દવાઓ, એ જ ફિનાઈલ ને એ જ વાતાવરણ! મારા પોતાના ઘેર જઈશ ત્યારે કદાચ થોડી વાર તો મન માનશેય નહીં! કોણ જાણે ક્યારે ઘેર જવાનું થશે? ઘેર એકલી જ જઈશ કે પછી? હમણાંથી એક પણ વિચાર સારો આવતો નથી. ઘડિયાળ તરફ નજર ગઈ. રાત્રિના અગિયાર થશે. ગઈ કાલની અડધી રાત ને આજનો આખો દિવસ રમાબહેનના જ વિચારો આવ્યા. લાવ જરા લૉબીમાં આંટો મારું. પેલી સ્ત્રીનો પતિ બેઠો બેઠો બગાસાં ખાય છે. મને જોઈને એણે બાંકડા પર જગ્યા કરી આપી. પછી ધીમેથી બોલ્યો, ‘કેમ છે ભાઈને?’ શું જવાબ આપું? કહ્યું કે ‘એમનું એમ જ.’ એ મારી સામે તાકી રહ્યો. ‘બહેનને સારું છે?’ એવું પૂછવાનો વિચાર આવ્યો પણ ન પૂછ્યું. મારા વિચારને એ જાણી ગયો હોય કે ગમે તેમ પણ એણે જ શરૂ કર્યું : ‘અમારે એને ભાન બધું છે, એ જ પીડા છે ને? અડધું અંગ સાવ જુઠ્ઠું. મહિનાથી આમ ચાલે છે. એનેય ઊંઘની દવા આપે છે. અમે તો બધું ઈશ્વર આશરે છોડી દીધું છે.’ મને ઊઠીને અંદર જવાની ઇચ્છા થઈ, પણ બહાર સારું લાગ્યું એટલે ન ગઈ. ‘લૉબીમાં સરસરાટ હવા આવે છે નહીં? અંદર તો…’ અચાનક જ હું બોલી પડી. પેલો કહે : ‘તમે તો છ મહિનાથી અહીં છો ખરું ને? કંટાળી ગયાં હશો નહીં?’ હું શું બોલું? પળવાર મૂંગી રહીને એમ જ બોલી, ‘તમે બે દિવસમાં જ કંટાળી ગયા?’ ‘કંટાળો તો નહીં, પણ એક મહિનાથી આમ ચાલે છે, દોડધામ ને ટેન્શન. અહીં આવ્યા પહેલા સિવિલમાં હતાં, ત્યાં કોઈ ફેર ન જણાયો એટલે અહીં લાવ્યાં. અહીં ડૉક્ટરેય હોશિયાર ને સ્ટાફેય પ્રેમાળ!’ મારી નજર સામે રમાબહેનનો ચહેરો તરી રહ્યો. તરત આ બાઈનો વિચાર આવ્યો ને સહજ રીતે જ બોલી પડી, ‘બહેનની તો ઉમ્મરેય શું છે! અત્યારથી આવો રોગ…’ મને થયું મારી અકળામણ આ રીતે પ્રગટ કરવા જેવી નહોતી... ‘તમારે તો જિંદગી જેવું કશું રહ્યું જ નહીં હોય ને? છ મહિના કોને કહેવાય…’ એણે એક નજર મારા પર ઠેરવી-ફેરવી લીધી. મેં સાડીનો છેડો સરખો કર્યો. રૂમમાંથી એની પત્નીનો ઊંહકાર સંભળાયો ને એ ઊઠીને અંદર ગયો. હું બાંકડા પરથી ઊઠીને લૉબીમાં આંટા મારવા લાગી. એક આંટો… બીજો આંટો…હું જાણે એની રાહ જોવા લાગી. થોડી વારે એ બહાર આવ્યો. મારા જીવને હાશ થઈ... ‘પાણી પીવડાવી આવ્યો!’ એમ બોલતાં એ મારી સામે ઊભો રહ્યો. હું એકદમ જ સભાન થઈ ગઈ… ‘એમને જ્યુસ આપવાનો ટાઈમ થઈ ગયો’ બોલીને અંદર ગઈ. એ મારી પાછળ પગલાં દબાવતો આવ્યો. એક રીતે એ મારી ધારણા મુજબનું હતું. હું નક્કી ન કરી શકી ધારણા કે અપેક્ષા? સિરિંજ તૈયાર કરીને જ્યુસ લેવા જવા પગ ઉપાડ્યા. એ મને કહે, ‘લે તો આવું છું…’ એણે ડગ માંડ્યાં ને મેં કહ્યું, ‘ફ્રિજમાં નીચેના ખાનામાં ડાબી બાજુએ.’ મને એની મદદ લેવામાં સંકોચ ન થયો એ તો ઠીક, પણ આટલી બધી સ્વાભાવિકતા ક્યાંથી આવી ગઈ મારા બોલવામાં? નળીમાં સિરિંજ ખાલી કરતી વખતે ખાસ્સું દબાણ આપવું પડતું હતું. એણે મારા હાથમાંથી સિરિંજ લઈ લીધી. હાથનો સ્પર્શ તો એમ જ થયો હશે ને? સિરિંજ પાછી લેતાં ફરી એક વાર રોમાંચ ફરી વળ્યો. ખબર નહીં. આવું કેમ ગમે છે મને! ચાદર સરખી કરીને હું બહાર નીકળવા જતી હતી ને એ ઊભો થયો. મેં માંડ કાબૂ રાખ્યો, જાણે હું હમણાં એના હાથમાં મારો હાથ પરોવી દઈશ, પણ હું જાણીબૂઝીને બે ડગલાં પાછળ રહી. લૉબીમાં અમારાં બે સિવાય કોઈ નહોતું. પંખાનો ફરફરાટ સંભળાયો...એક કૂતરાંએ ઊભા થઈ આળસ મરડી. મેં પણ શરીર થોડું ખેંચ્યું. હાથ ઊંચા કર્યા ને જોરદાર રીતે શ્વાસ છોડ્યો, બાંકડે બેસી ગઈ. ફરી એણે મારી સામે જોયું. હું વિહ્વળ થઈ ગઈ. સીધી જ રૂમમાં દોડી આવી. પથારીમાં પડી, શરીર જાણે કહ્યામાં નથી...હું અવળી કરીને પગને આંટી મારું છું. આંખો મીંચી જાઉં છું. પવનનો સુસવાટો બારીનું બારણું ખખડાવે છે. પેલો હજી બાંકડા પર અદબ વાળીને જ બેઠો હશે? અચાનક આ શું? એ પલંગમાંથી ઊભા થયા ને મારા પડખામાં આવી ભરાયા. એમનો હાથ મારા દેહ પર પાણીમાં તરાપો સરે એમ સરી રહ્યો છે. હું બંધ આંખે જ એમની વધુ નજીક જાઉં છું. આખેઆખી ભીંસી નાંખી. મારી જાતને ખુલ્લીફટાસ બારીની જેમ ખુલ્લી મૂકી દઉં છું. ને હવાની અવરજવર થયા કરે છે...એમના શ્વાસોચ્છ્વાસ ઊંહકારામાં કેમ ફેરવાઈ ગય? હવે તો ઊંહકારાય નહીં તીવ્ર પીડાના બૂમ-બરાડા! બરાડાય નહીં આ તો મરણચીસ! આ ચીસ એમની તો નહીં? બસ, આટલી જ વાર? હું સફાળી જાગી ઊઠું છું. એમનો રબ્બરદેહ કોઈ ક્ષણની રાહ જોતો પડ્યો છે. શ્વાસ બરાબર ચાલે છે. તો પછી? મને ભ્રમ થયો? કોઈની દોડાદોડીનો અવાજ સંભળાય છે. શું હશે? હું સાડીનો છેડો ખભા પર નાંખતીકને દોડી લૉબીમાં. જોયું તો બાંકડો ખાલી હતો. સીધી જ પેલી બાઈના રૂમમાં ગઈ. બાઈ ડચકાં ખાય છે...એના નાક અને મોઢામાંથી સુસવાટા ઉપર સુસવાટા ને ફુત્કાર છૂટે છે. છાતી એકદમ ઊંચી-નીચી થાય છે. એનો આખો દેહ હવામાં બે-ચાર વાર ઊછળ્યો. મોઢામાં ફીણ અને ધીમે-ધીમે બધું શાંત થઈ ગયું. પતિએ પકડેલો એનો હાથ છોડી દીધો... હું ચાદર ઓઢાડું છું, ગળા સુધી આવીને સહેજ અટકી ને પછી એનું મોઢું ઢાંકી દીધું…તરત દોડી આવી રૂમમાં…એમના કપાળે હાથ ફેરવું છું ને ધ્રુસકે... ધ્રુસકે…