સિગ્નેચર પોયમ્સ/પ્રારંભિક
(કવિની ઓળખમુદ્રા-કવિતા)
સંપાદન
મણિલાલ હ. પટેલ
ગિરીશ ચૌધરી
એકત્ર ફાઉન્ડેશન (USA)
(ડિજિટલ પ્રકાશન)
Signature Poems (Gujarati)
૨૦૨૧; August
Edited by : Manilal H. Patel
Girish Chaudhari
EKઘ્A FOUNDATION (USA)
ISBN :
ટ્ટ સંપાદન : સંપાદકોના
કવિતા : કવિઓના
ડિજિટલ પ્રકાશન
પ્રથમ આવૃત્તિ : ૨૦૨૧
હાર્ડકોપી પ્રકાશન :
નકલ :
કિંમત :
ટાઇપસેટિંગ : મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, ચાવડા નિવાસ, મુ.પો. વાસણા(બો), તા. બોરસદ, જિ. આણંદ ૩૮૮ ૫૪૦. મો. ૯૧૦૬૬ ૩૫૩૩૭
મુદ્રક :
|| સમ્પાદકીય ||
‘સિગ્નેચર પોયમ્સ’ એટલે શું? કદાચ કોઈને પ્રશ્ન થાય! કવિની ‘ઓળખ-મુદ્રા’ બનીને કવિને ઓળખાવતી કવિતા! ‘પુરી એક અંધેરી ને ગંડુ રાજા’ – પંક્તિ સાંભળતાં જ શ્રોતા બોલી ઊઠે કે, અરે! આ તો દલપતરામની રચના છે. એ જ રીતે ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ – એ પંક્તિ વાંચતાં જ વાચક બોલી પડે કે, આ તો આપણા કવિવર ઉમાશંકર જોશીનું ગીત! ઓછું ભણેલા માણસને પણ ‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો’ – પંક્તિ કાને પડે ને એ સાનંદ કહી દે : વાહ! આ તો આપણા રાજવી કવિ કલાપીની પંક્તિ – કવિતા છે! કદી રાવજી પટેલને વાંચ્યા નથી, પણ ઘરમાં નવી પેઢીનાં બાળકોને વાંચતાં/વાત કરતાં સાંભળ્યાં હોવાથી, એલ.આઈ.સી.માંથી નિવૃત્ત થયેલા મારા મિત્ર મને ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’-ના કવિ રાવજી પટેલ વિશે વધુ જાણવા માટે પ્રશ્નો પૂછે છે!
‘સિગ્નેચર પોયમ્સ’ની જેમ એવી વાર્તાઓ પણ હોય છે – દા.ત. પોસ્ટઑફિસ/ મુકુન્દરાય/ વાત્રકને કાંઠે/ થીગડું/ આ ઘેર પેલે ઘેર/ લોહીનું ટીપું/ લોહીની સગાઈ/ બાયું/ પીટીસી થયેલી વહુ વગેરે : એના લેખકનું નામ તરત હોઠે આવે. એક કાવ્યરચના જે કવિની ઓળખ બની જાય ને બધાં એને જાણતાં હોય એવી કવિતા એટલે ‘સિગ્નેચર પોયમ’. ઘણા કવિઓની એક કરતાં વધારે રચનાઓ જાણીતી હોય છે. એમાંથી પણ ‘સિગ્નેચર પોયમ’ બતાવી શકાય. પરંતુ કોઈ એક રચના એવી ને એટલી ક્ષમતાવાળી અને છેક માથે બેઠેલી હોય એને તો માનવી જ પડે – સ્વીકારવી જ પડે. ઉમાશંકરની ‘રહ્યાં વર્ષો–’ સૉનેટ રચના કે ‘બોલે બુલ બુલ’, ‘પંચમી આવી વસંતની’ જેવી ગીત રચનાઓ પણ ઓળખ-મુદ્રા બનેલી છે. પણ સહુમાં ઉપર છે : ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’! તો આનું નામ છે ‘સિગ્નેચર પોયમ’!
સિગ્નેચર પોયમ જરૂરી નથી કે કવિની ઉત્તમ કે એકમાત્ર જાણીતી રચના હોય! હા, ‘સિગ્નેચર પોયમ’ કાવ્યગુણે સમૃદ્ધ હોય છે. કવિની સર્ગશક્તિનો એમાં સંકેત હોવાનો જ! કેટલાક કવિઓ ઉત્તમ કવિઓ હોવા છતાં એમની રચનાઓ ઓછી લોકભોગ્ય હોવાથી એટલી લોકપ્રિય પણ ન હોય એમ બને! કોઈ કવિ એટલા જાણીતા ન પણ હોય, છતાં એમની એક-બે કાવ્યકૃતિઓ સુખ્યાત હોય છે. દા.ત. હરિહર ભટ્ટની ‘એક જ દે ચિનગારી’ કે ભોગીલાલ ગાંધીની ‘તું તારા દિલનો દીવો થાને રે...’ જેવી ગેયરચનાઓ પ્રાર્થનારૂપે વર્ષોથી શાળા-મહાશાળાઓમાં ગવાતી આવે છે. મકરંદ દવે જેવા ઊર્મિ અને અધ્યાત્મના કવિની તો ચાર-છ રચનાઓ ‘સિગ્નેચર પોયમ’ બનીને ઊભી છે. પણ અનિલ જોશીની ‘કન્યાવિદાય’ની તોલે એમની બીજી સારી ગીત રચનાઓ ન પણ આવે – ખાસ તો ‘જાણીતી’ હોવાની બાબતે! વિનોદ જોશીનાં અનેક ગીતો લોકપ્રિય થયાં છે ને વારેવારે ગવાતાં-વધાવતાં રહે છે પરંતુ ‘કૂંચી આપો, બાઈજી!’-નું સ્થાન તો અચળ છે. એવું જ મણિલાલ દેસાઈના ગીત – ‘બોલ વાલમાના’ –નું છે.
લખવા બેસીએ તો ઘણું લખાય – ‘સિગ્નેચર પોયમ’ વિશે. પણ એક-બે મહત્ત્વની બાબતો ઉમેરીને અંત તરફ આગળ વધીએ. સિગ્નેચર પોયમ ભજન હોય, ગીત, ગઝલ, સૉનેટ અને અછાંદસ પણ હોય છે. આ સંચયમાં આ બધાં જ સ્વરૂપો છે. ખાસ તો એ કહેવું છે કે સિગ્નેચર પોયમ જે તે સ્વરૂપનાં પૂરતાં લક્ષણો ધરાવતી હોય અને એની એવી સંરચના-સિદ્ધિ એમાં પ્રતીત થતી હોવી જોઈએ. ઉશનસ્નું સૉનેટ ‘વળાવી બા આવી’ અને બાલમુકુન્દ દવેનું સૉનેટ ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ લેખે પણ ઉત્તમ છે. રમેશ પારેખ અને હરીશ મીનાશ્રુ જેવા આપણા મોટા કવિઓએ એક કરતાં વધારે સ્વરૂપોમાં ઉત્કૃષ્ટ સર્જન કર્યું છે. એમની સિગ્નેચર પોયમ તો ગીત, ગઝલ, પદ-અછાંદસ – બધાં સ્વરૂપોમાં મળે છે. પણ અહીં તો એવા સૌની ક્ષમાયાચના સાથે એક એક રચનાથી જ સંતોષ માન્યો છે.
આ નાનકડો કાવ્યગ્રંથ માત્ર આનંદ-કાવ્યાનંદના ઉમદા હેતુથી કર્યો છે. વર્ષોથી મનમાં હતું કે આવી સરસ કાવ્યકૃતિઓ એકઠી કરીને પુસ્તક રૂપે ઘેર ઘેર પહોંચાડીએ. જોકે એ એટલું સરળ કામ નથી. પણ હવે ડિજિટલ માધ્યમ દ્વારા, આ બધી સિગ્નેચર પોયમ્સ, અનેક અનેક વાચકો સુધી પહોંચાડવાની સુવિધા પ્રાપ્ત થઈ છે. પછીથી આ ડિજિટલ આવૃત્તિને હાર્ડકોપી-પુસ્તક રૂપે મૂકવાનું આયોજન છે. આ કાવ્યો – ખાસ તો બેત્રણચાર દાયકા પૂર્વેનાં – મેળવવા માટે મહેનત કરવી પડી છે. ‘ગૂગલ મહારાજ’-ની મદદ મળી છે ને ઘરની લાઈબ્રેરી પણ ખૂબ કામ આવી છે. જેમની સંમતિ મેળવવી જરૂરી છે એવા કવિમિત્રો-વડીલોને ફોનથી વાત કરી છે. આવા ઉમદા હેતુ વાસ્તે કોઈ કવિ ના પાડે જ નહિ – એવો વિશ્વાસ પણ છે. સૌ કવિજનો ને પરિવારજનોને વંદન!
એકત્ર ફાઉન્ડેશન, અમેરિકા : ના નિયામક અને સાહિત્યકલાના રસિક શ્રી અતુલ રાવલ સાથે વાત થઈ હતી કે ‘સિગ્નેચર પોયમ્સ’ કરવા વિચારીએ છીએ. એમણે એ કાર્ય ‘એકત્ર’ કરી આપશે એમ કહીને, આ કાર્યને ગતિ આપેલી. હવે ‘એકત્ર ફાઉન્ડેશન’ દ્વારા આ ગ્રંથ વાચકો સુધી પહોંચી રહ્યો છે એનો આનંદ છે. અતુલ રાવલનો ખૂબ આભાર.
આ ડિજિટલ ગ્રંથની હાર્ડ કોપી લઈને આવીશું ત્યારે થોડી વધુ વાત કરીશું... અને હા! આ સંપાદન અપૂર્ણ છે – કેમકે એવી બધી રચનાઓ અહીં જ સમાવી લેવી એવો અમારો સંકલ્પ ન્હોતો. હા! ગુજરાતને જાણીતા કવિઓની ‘સિગ્નેચર પોયમ્સ’માંથી ઘણી બધી અહીં લઈ શક્યા છીએ એનો આનંદ છે. આભાર.
રથયાત્રા, ૨૦૭૭ – મણિલાલ હ. પટેલ
૧૨.૭.૨૦૨૧ – ગિરીશ ડી. ચૌધરી
વલ્લભવિદ્યાનગર