સિગ્નેચર પોયમ્સ/પ્રાર્થના ગીત : તું તારા દિલનો – ભોગીલાલ ગાંધી

From Ekatra Wiki
Revision as of 02:41, 20 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રાર્થનાગીત

ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’


તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા

રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
નાની સળી અડી ન અડી પરગટશે રંગમાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

આભના સૂરજ ચન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.