ચાંદરણાં/પ્રકીર્ણ

From Ekatra Wiki
Revision as of 17:01, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


34. પ્રકીર્ણ


  • એકવાર નક્કી કર્યા પછી વ્યસન સરનામું બદલતું નથી.
  • નિંદાને પગ વાળીને બેસવાની ટેવ જ નથી.
  • પહાડ પણ બેઠાડું અને પથ્થર પણ બેઠાડું!
  • કોઈ દીવાનગી સાંકળ પહેરે છે, કોઈ દીવાનગી સાંકળ તોડે છે!
  • અસમાન ઘરો સમાન ઈંટથી જ ચણાય છે.
  • આંખ ક્યારેક કોરાં પરબીડિયાં જેવી પણ હોય છે.
  • જ્વાળામુખી તેના ગુસ્સા જેટલો જ શાંત પણ હોય છે.
  • જીવન એક યાત્રા હતું તે ‘બાધાદોડ’ થઈ ગયું!
  • પથ્થર ગબડે તોય પહાડ તો અણનમ જ રહે છે.
  • ઊંચામાં ઊંચો પહાડ પણ તળેટી પર જ ઊભો છે.
  • પહાડ પર જઈને આકાશ જોશો કે મેદાન?
  • સ્વસ્થતા કોઈ દેવની આરતી નથી ઉતારતી.
  • આળસને પણ એક મરોડ હોય છે.
  • સ્વપ્ન સિવાય ઊંઘમાં કોઈ ભાગીદાર નથી હોતું.
  • સ્વાવલંબી શિયાળ પોતે જ શરીરે વાઘના પટા ચીતરે છે.
  • મરઘાની ઉષ્મા ઈંડું સેવી શકે નહીં.
  • એક દિવસની કબર પર અખબારી કાળું ઘાસ ઊગી નીકળ્યું છે!
  • એક હાથની બચત કરવા માગનારા પ્રણામ નહીં, સલામ કરે છે!
  • અશાંતિનો ઉજાસ નહીં, ભડકા જ હોય.
  • જિંદગીનો છેલ્લો શો અઢી કલાકમાં પૂરો થતો નથી.
  • લોકપ્રિયતાના આશ્રિતો સૌથી વધારે કંગાળ હોય છે.
  • ‘થશે’ કહેવાય ત્યારે ‘કદાચ’ સાંભળો!
  • વીજળીએ ચીરી નાખેલા આકાશના હૈયા પર એકાદ ઉઝરડો તો બતાવો!
  • ઝાકળને ભેજ કહેનારો વળી કવિતા શું કરવાનો?
  • દુષ્યન્ત શિકારે ગયો તો પ્રેમી થઈ ગયો. વાલિયો શિકારે ગયો તો વાલ્મીકિ થઈ ગયો!
  • લાગણી માપવા માટે નહીં, માણવા માટે હોય છે.
  • બે આંખવાળી ગાય તો પણ સુરદાસનું ભજન કહેવાય!
  • મોસમનું પંખી કંઈ બારમાસી ગીત ન ગાય.
  • લીક થાય તે પબ્લિક થઈ જાય છે.
  • ઝાંખી ઇચ્છા જેવી ધૂંધળી સાંજ...
  • વિખેરાઈને ભેગા થવાનું પાણીને જ આવડે!
  • પાણીને પોતામાં તરવાનું મન થયું ને બરફ બન્યું!
  • આગિયાનું આકાશ જમીન પર જ હોય છે.
  • બીજ એટલે ભૂતકાળ અને ભવિષ્ય સહિતનો વર્તમાન.
  • સાગરનું પંખી સાગરમાં માળો બાંધી શકતું નથી.
  • પુષ્પને અક્ષુણ્ણ રાખીને પતંગિયું રસ ચૂસે છે, માણસ ક્યારે શીખશે ધરતીને અક્ષુણ્ણ રાખીને જીવનને પામવાનું?
  • તળેટી સામે શિખર હોય, ક્ષિતિજ નહીં.
  • દેવની બેઠ્ઠી આવક તે બેઠાડુ શ્રદ્ધા.
  • નમણી નાર ન હોય તો પુરુષ બરડ થઈ જાય!
  • જિજીવિષાની પાલખી એક જ ભોઈ ઊંચકે છે!
  • હરણની દિશા તે જ પારધીની દિશા.
  • આતુરતા સંકોચાય પણ છે અને વિસ્તરે પણ છે!
  • સલાહકારને અક્કલ ભલે ન હોય, પણ જીભ તો હોય જ છે!
  • નશાબંધી હોય ત્યાં પોલીસ ભૂખે ન મરે!
  • નિર્ગંધ માત્ર દુઆ જ મળે છે!
  • સાથ આપનાર જ એકાંત પણ આપે છે.
  • ઊંઘ પણ ઘણીવાર દિવસપાળી કરે!
  • આકાશી હોનારત પડે તો પૃથ્વી પર જ!
  • સાથે હોય તેણે દંપતી હોવું જરૂરી નથી.
  • ગુસ્સો એવું ગાંડપણ છે, જે પથ્થરને પણ ઠોકર મારે છે.
  • પૂનમનો ચંદ્ર ડાયેટિંગ કર્યા વિના બીજરેખા બને છે.
  • એકતા અને અલગતા ધરતી પર જોડાજોડ જ રહે છે.
  • પનોતી અને શ્રદ્ધા બેઠાડુ હોય છે.
  • માટીનું વાસણ પછડાય પણ એને ગોબો ન પડે!
  • અવાજને ચહેરો નથી હોતો, છતાં ઓળખાય છે!
  • ફુગ્ગાને હવામાં છોડો છો પણ ફુગ્ગો જ હવાને છોડી દેશે!
  • પોતાનો પગરવ પણ ક્યારેક પરાયો લાગે!
  • વૃદ્ધો, માત્ર ઘરના માણસોએ જ જોવા પડે એવાં ખંડિયેરો!
  • પોતીકાને અશબ્દ થઈને જ મળી શકાય!
  • જીવ ઓલવાય છે ત્યારે પોતીકા માણસો દીવો પ્રગટાવે છે!
  • કરમાયેલું ફૂલ નહીં પણ કરમાયેલું હૃદય ફરી મહોરી ઊઠે છે!
  • કબર એ ફરીથી નહીં ઊઘડતું ઢાંકણ છે!
  • છેતરવાની શરૂઆત પોતાની જાતથી જ થાય!
  • પાણીને પાર્સલ થવાનું મન થયું ને બરફ થયો!
  • માણસ અંગત અને ઈશ્વર સાર્વજનિક હોય છે!
  • શિયાળો : સૂકી ત્વચા પર તડકો મસળવાની મોસમ.
  • પ્રેમ અને અથાણું સ્વાદ માટે સમય માગે છે.
  • કોડિયાં તેલનાં તરસ્યાં છે કે તેજના એ જ નથી સમજાતું.
  • પેટમાં ભૂખ ઊગે છે એટલે ખેતરમાં અન્ન ઊગે છે.
  • ઉનાળાના તાપને પરીક્ષા આપ્યા વિના જ રોજ તાજી ડિગ્રી મળે છે!
  • પીડાને ફરી ફરીને માણસમાં જીવવાનું મન થાય છે!
  • પ્રાર્થના કરો પણ મોઢાને ભિક્ષાપાત્ર ન બનાવો!
  • શાહુડીને થતો રોમાંચ તો બાળક પણ જોઈ શકે!
  • વિચારોનું ટોળું તો માણસના એકાંતમાં જ ભેળું થાય છે.
  • ગોદડી વિકાસ કરે છે અને ગાભો થાય છે.
  • વિસ્મય મરી ગયા પછી કોઈ ચમત્કાર નથી થતો.
  • કાચના બારણે ટકોરા મારવા પડે તે સૂચવે છે કે અંદર આંધળા બેઠા છે.
  • પોતાની છાતી કૂટવા કરતાં બીજાનો વાંસો થાબડવો વધારે સારો છે.
  • બાળપણ ગયું ને મારા માટે હું ઐતિહાસિક થઈ ગયો!
  • રાત મરે એનું શબ જ દિવસને જોવા મળે.
  • સ્વમાનથી જીવો અને અભિમાની તરીકે પંકાઓ.
  • ગુસ્સે થવું એટલે પોતા પર આત્મઘાતી હુમલો કરવો.
  • અરીસામાં જુએ તે અરીસામાં હોય તેને જ જુએ.
  • વાસ્તવિકતા રોકે છે, સ્વપ્નો લટકાવે છે.
  • સાચું બોલનારા આત્મકથા નથી લખતા.
  • થીજેલો બરફ સ્થિર બુદ્ધિનો હોય છે.
  • જેને દર ન હોય તેને દરવાજો હોય!
  • પાંજરાના પોપટને જમરૂખનો ખર્ચ નહીં.
  • ગાંધારીની આંખે બાંધવાના પાટાનું કપડું પોતાને ન વણવું પડે એટલે કબીર કળિયુગમાં જન્મ્યા.
  • પોતે શા માટે ભસ્યો તે જાણવાની ચિંતા કૂતરાને ન હોય!
  • ઘરનો અને બહારનો – બે જીવવાળો પુરુષ!
  • લોભિયાનું ધન વારસદાર ખાય.
  • એક દશેરે મરે તે રાવણ નહીં, લાખ પથરે મરે તો શેતાન નહીં!
  • લાકડું કંઈ મોક્ષ પામવા મસાણે ન જાય.
  • કાન છે એટલે જ શાંતિ અને ઘોંઘાટ છે!
  • શ્વાસ છે એટલે નિઃશ્વાસની શક્યતા ખરી!
  • અપૂર્ણતા સૂચવે છે કે ભવિષ્ય છે!
  • પહાડ તેની ખીણને જુએ કે શિખરને!
  • જેનું સરનામું માત્ર તમે જ જાણો છો તે અંગતતા!
  • અખબારની જેમ વંચાયા તે પસ્તી થઈ ગયા.
  • ગમે તેટલાં હોર્ન વગાડો, રસ્તો ખસતો જ નથી.
  • અતિ પ્રશંસા કરનારો અભદ્ર અને દરિદ્ર દેખાય છે!
  • ઘર કરતાં કબર સિનિયર હોય છે!
  • લાંબી ચૂપકીદી સૌથી મોટી ચીસ બની શકે છે.
  • પ્રશ્ન એ નથી કે ઈશ્વર આળસુ છે, પ્રશ્ન એ છે કે શેતાન કામ પર લાગેલ છે!
  • દુઃખ એટલું મોટું હોય કે ડાયરીના પાને ન સમાય.
  • અફીણની ગોળી જેવો વહેમ બંદૂકની ગોળી બની જાય છે.
  • કંટાળો કાચબાની પીઠ પર બેસીને પસાર થાય છે.
  • ભદ્રતાના રબરથી દંભને ભૂંસી શકાતો નથી.
  • જેલ એક એવી ભઠ્ઠી છે જ્યાં કાચા કેદીઓ પાકા થાય છે.
  • મોટા ભાગના માણસ નકશા લઈને પ્રવાસ કરે છે, કોઈક માણસ પ્રવાસ કરે તેના નકશા બને છે.
  • રસ્તા પહોળા થાય છે તો યે ટ્રાફિક સાંકડો નથી થતો.
  • મારા કેટલાક અસ્વીકારે મારા હાથ ચોખ્ખા રાખ્યા છે.
  • નાના થવાનો લાભ એ છે કે તારાને ગ્રહણ લાગતું નથી.
  • કોરડો માલિકના વાંસાને ઓળખતો નથી!
  • પડઘો અવાજનો જોડિયો ભાઈ છે!
  • ઈંટની સ્વતંત્રતા એ ભીંતનું મોત છે.
  • જીવન જેટલું બિનસત્તાવાર એટલું સલામત!
  • જુદા પડવું એટલે પોતપોતાના અંધકારમાં પાછા ફરવું.
  • સ્ત્રીને નહીં વાંચવા જેટલો કોઈ પુરુષ અભણ નથી હોતો.
  • શિયાળે માણસો અને ઉનાળે ગોદડાં તડકો ખાય.
  • કણ્વનો આશ્રમ પ્રેમ, દુષ્યંતનો મહેલ અપમાન ઉછેરે છે.
  • નિર્વાસિત થવા માટે હવે ઘર છોડવું પડતું નથી.
  • બે ચાંચ મળે છે એટલી વાર બે મોઢાં મળતાં નથી.
  • ફરેલાં પીંછાં પર સંબંધ છૂટ્યાનો વિષાદ દેખાતો નથી.
  • બધા જ વખાણે એ સામૂહિક કાવતરું પણ હોય!
  • મર્યા પછીનો બધો સમય સૌ માટે હું વસિયતમાં લખી જવાનો છું.
  • દરેક પક્ષીને પોતાનું પીંછું વધારે સુંવાળું લાગે છે.
  • શેતાન ઈશ્વરનું નામ ન લે તો આગળ વધી શકે નહીં.
  • શહેરમાં વસંત તો આવે છે પણ વૃક્ષોના અભાવે પાછી ફરે છે.
  • પગરજ માગે તેને પગરખાં ન અપાય!
  • તેલતરસ્યાં કોડિયાં દીવેટને જ ભૂખી રાખે છે.
  • તડકાથી ભરેલી હોય તોય કહેવાય પાણીની ઠીબ!
  • આંખ તો અંતરના પાણીથી જ ભીની થઈ શકે.
  • બીજો માણસ છે ત્યાં સુધી પ્રેમ પણ છે અને ભય પણ છે.
  • પ્રશંસા પાછલી દિશાએથી આવે તો બરડો ઠોકે.
  • પૂર્ણવિરામની હાંસી ઉડાવી નવું વાક્ય આગળ વધે છે.
  • તુષાર અને કપૂર ધવલ હોવાથી જ ઊડી જતાં હશે!
  • કાજળ ઊડીને બીજે જાય તો પણ તે કાજળ જ રહે છે!
  • જાજમની પાછલી બાજુ શોધે તે પત્રકાર થાય!
  • નિશાળ ઊઘડે નહીં ત્યાં સુધી જ્ઞાનને સંતાડી રાખે તે શિક્ષક!
  • ધીરજ બરફને ઓળગવા દે છે, અધીરાઈ ભાંગીને કટકા કરે છે.
  • મંચના વિસ્તાર કરતાં નેપથ્યનું પોલાણ વધારે હોય છે.
  • મંકોડો મરે તો કીડીની સહકારી મંડળી રચાય.
  • દિશાને ઓવારણાં લેવાં હોય ત્યારે વૃક્ષો ધૂણે છે.
  • ભવિષ્ય પાસે આપણાં હાસ્ય જ નહીં, આંસુ પણ હોય છે.
  • ઊંટડીનું દૂધ પીવા માટે કોઈ રણનો પ્રવાસ કરતું નથી!
  • હૂંફ ન મળે તો પાપનું ઈંડું પણ સેવાતું નથી.
  • પાપના ભાગીદારો સજાના ભાગીદારો થવાની ના પાડે છે!
  • મારી બહાર ‘હું’ હોવાનો ભ્રમ ફેલાવે તે તસવીર!
  • અમાસની કાળી ઉપજાઉ માટીમાં સૌથી વધારે સિતારા ઊગે છે!
  • હવાને કાવડમાં બેસાડીને ફરે તેના સ્કંધ વળી શેના દુઃખે!
  • ઠૂંઠો માણસ હલેસાને નમસ્કાર ન કરે તો શું કરે?
  • હાસ્યાસ્પદ ઘણું છે એટલે કરુણતાએ ઘણી છે!
  • જૂઠું બોલવા માટે તો મુત્સદી થવું પડે!
  • આગળ વધવા માટે ઘાસને પગની જરૂર પડતી નથી.
  • કોઈપણ સુથાર પોતાની ઇચ્છાથી લાકડાનો વધસ્તંભ ઘડતો નથી.
  • વળ ચઢાવો ત્યારે તમે દીવાની દીવેટ વણો છો એ ભૂલશો નહીં!
  • જિંદગીનાં વર્ષો લૂણો લાગેલી ભીંતના પોપડાની જેમ ખરતાં જાય છે.
  • આ શબ્દકોશ, લાખો માણસોની જીભોએ અનેકવાર એંઠી કરેલી વાનગીઓનો અન્નકૂટ છે.
  • મારાં કેટલાંક સપનાં મારી નિદ્રાની બહાર પણ છે!
  • ચક્કર ચલાવવું હોય તો કુંભાર જેવું ચલાવો, કંઈક નવસર્જન થાય.
  • દેશને જ નહીં, કૂતરાને પણ પોતાની સરહદ હોય છે.
  • કોલસા લાલ આંખ કરે તો જ રસોઈ પાકે.
  • ચગડોળને ગતિ હોય છે, પ્રગતિ નહીં.
  • કોઈપણ સૂત્રોચ્ચારની લંબાઈ સરઘસ જેટલી નથી હોતી!
  • બાળક ગેરસમજથી કોકડું ગૂંચવે છે, આગેવાન સમજપૂર્વક.
  • બધા જ આઘાતનો કંઈ ગોબો પડે!?!?
  • ‘હું’નો વિકલ્પે ‘હું’ જ છું.
  • વચ્ચે રહીને બે છેડા ભેગા કરે તે મધ્યમવર્ગી.
  • એકાંતમાં ખોવાય તેને કોઈ ન જાણે, મેળામાં ખોવાય તેને બધા જાણે.
  • એક સપનું આંખમાં, પાંપણોની બાથમાં.
  • તમારી પાસે કોઈ વફાદારી માંગે તો તેને કૂતરો આપી દો.
  • પાપની ઉંમર વધે છે પણ તે ઘરડું થતું નથી.
  • ગૌરવ એ દરજ્જો નથી, દરજ્જો ગૌરવ છે.
  • બુદ્ધિની સાથે શસ્ત્ર પણ ધારદાર થાય છે.
  • પ્રતીક્ષા પાસે એક જ દિશા છે.
  • સરવાળા કરતાં બાદબાકી ઓછી જગ્યા બગાડે છે.
  • આજકાલ તો લંચ કરતાં લાંચથી વધારે સારી રીતે પેટ ભરાય છે.
  • પેટ તો સૂર્યવંશીને પણ રાતપાળી કરાવે.
  • ચિંતા મનને ખોતરે છે, પ્રસન્નતા કોતરે છે.
  • કંઈ જ કરતો નથી તે કશું ખોટું કરતો નથી.
  • સ્વપ્ન એ અંધકારના અરીસામાં પડતું પ્રતિબિંબ છે.
  • યૌવન તો કેસૂડાનું વન હોય!
  • ગધેડા કરતાં ઘોડો અવશ્ય સારો પણ સારાની લાત વધારે ખરાબ હોય છે.
  • પાછી ફરેલી ટપાલ ખરેખર પોતીકી હોય છે.
  • ઘણીખરી ખુલ્લી આંખો બંધ જેવી હોય છે.
  • તમે દર્શન કરવા જાઓ છો, તે વાસ્તવમાં પ્રદર્શન હોય છે.
  • ઢોળાવે ગબડતો પથ્થર ‘સ્વાવલંબી’ હોય છે.
  • મોટા ભાગની ભૂલો પેન વગર જ સુધારી શકાય છે.
  • વાંચો ત્યારે પોતાને શબ્દોથી નહીં, અર્થથી ભરો!
  • દરેક ચાલતો માણસ કશાકમાં રોકાયેલો, અટકેલો હોય છે.
  • રસ્તા પરના પથરાને આગળ વધવાનું ભવિષ્ય હોય છે.
  • પડતા પર પાટું ન મરાય, માંદા પાસે રાજીનામું ન મંગાય.
  • પ્રતિષ્ઠા એ બરફનું બનેલું સિંહાસન છે.
  • ક્રાંતિ એટલે અવ્યવસ્થા દ્વારા વ્યવસ્થા સ્થાપવાનો ઉત્પાત.
  • ઝૂંપડીમાં રહેનારને માથાં પછાડવાનાં હોવાથી ભીંત બાંધતાં નથી.
  • અરીસો તોડો તો એક જ દૃશ્ય અખંડ રહી અનેકમાં વહેંચાય છે.
  • ઉગામેલી મુઠ્ઠી યુદ્ધને નોતરું દેતી કંકોતરી થઈ જાય!
  • ભૂખ કરગરે તે સાંભળો, નહિતર તે હુમલો કરશે!
  • પુસ્તકનાં વળેલાં પાનાં ફરી વાંચવાં જેવાં હોય છે.
  • આંસુનું સરોવર નથી હોતું, પણ આહોનું આકાશ તો હોય છે ને!
  • સરિતાને શી ખબર, કોઈવાર પાંપણની પાળ પણ તૂટે છે.
  • આંગળાં પોતાને પકડી રાખવા માટે અસમર્થ હોય છે.
  • પરબના માટલાને ખાલી થતાં વાર ન લાગે!
  • પોતાનામાં રહીને બહાર જવું તે પણ એક જીવનકળા છે.
  • ગરબાના કૂંડાળામાં પગ પડે તેનો ઇલાજ ભૂવા પાસે નહીં હોય.
  • છાપરામાં છિદ્રો ન હોય તો ઘરમાં ચાંદરણાં ન પડે!
  • મળવા જેવા ન મળે ત્યારેય ખાલીપો તો મળે જ છે.
  • કહે છે કે પાનખર એ પાંદડાની સ્વતંત્રતાની ઋતુ છે.
  • વિચારવાનું કામ નહીં કરનારા બોલવાની મજૂરી કરે છે.
  • શહેરમાં વસંત તો આવે છે, પણ વૃક્ષોના અભાવે ખબર નથી પડતી.
  • પારધી શિકાર કર્યા વિના ખાલી હાથે પાછો આવે ત્યારે ઘવાય છે.
  • લાત મારવી પણ લંગડા ન થવું એ પહેલી શરત છે.
  • ક્યારેક ક્ષણો બગડવાથી જીવન બગડે છે.
  • સમભાવ હોય ત્યાં એકલતા નથી હોતી!
  • નિયમિતતા છૂટવી એટલે શ્વાસ છૂટવો!
  • કાળી દુનિયામાં પણ સોનેરી સૂત્રો હોય!
  • થાકેલી આંખોમાં પણ કોઈ માળો બાંધે છે.
  • પીડા અને વાજિંત્ર પાસે શબ્દો નહીં, સ્વર હોય છે.
  • સાંસ્કૃતિક બેચેની ક્યારેક કવિતા થઈને બોલે છે.
  • મિત્રોમાં બેઠક હોય છે, આસન નહીં.
  • સિગારેટને હાથ નથી છતાંય તે ઠૂંઠું બને છે.
  • ગોળનો ગાંગડો હોય છે ત્યારે મંકોડામાં સર્વસંમતિ હોય છે.
  • વાંદરાનું રિસર્ચ સેન્ટર બીજા વાંદરાના માથામાં હોય છે.
  • પિરામિડ મળે તો કોઈ કબરમાં સૂવા માંગતું નથી.
  • કચરો કહે છે, ‘‘મારો ભૂતકાળ બહુ ‘ભવ્ય’ હતો.’’
  • તેલના દીવાની મેશ કહે છે, ‘‘મારો ભૂતકાળ બહુ ‘ઉજ્જવળ’ હતો.’’
  • ખાટલો ઊભો થાય તો જ આરામ કરે.
  • હથોડા માટે તો માથાંના કર્યા માથાંમાં જ વાગે.
  • જૂનું વાહન ના બદલે તે દેવ કે દેવી કહેવાય.
  • હું દેશમાં છું અને દેશ નકશામાં છે.
  • ઓછું આવે છે ત્યારે પુરાંતમાં આંસું આવે છે.
  • પાકિસ્તાનના નકશાની રેખાઓ તો ભારતના હૈયા પર પડેલા ઉઝરડા છે.
  • સાહેબની સહી જ નહીં, તેઓ પણ ‘અવાચ્ય’ હોય છે.
  • ઘંટને પોતાને બહાર જવાની ઇચ્છા થઈ ને તે રણક્યો.
  • ડાબા હાથને અન્યાય કરવા માટે કોઈ સાથે હાથ મેળવવો પડે છે.
  • માત્ર બંધારણે જ હજી લોકશાહીમાં શ્રદ્ધા ગુમાવી નથી.
  • તારીખો ભેગી થાય છે પણ હવે તવારીખ બનતી નથી.
  • ન્યાય વાયદો કરતો નથી, નવી તારીખ આપે છે.
  • બરફનો અજંપો જ એને પીગળાવી પાણી પાણી કરી નાંખે છે!
  • પીંછાંને આંખ હોવા છતાં મોર પોતાની આંખે જ જુએ છે.
  • ગામનું ‘ગોરજટાણું’ શહેરમાં ‘મિલનટાણું’ થઈ જાય છે.
  • શાહજહાં તાજમહાલ બંધાવે છે, ઔરંગઝેબ મકબરો!
  • અજાણ્યા માર્ગનો ધૂંધળો નકશો, તે સ્વપ્ન.
  • ગરીબ લોકો તકને જ અવસર માને છે.
  • પથ્થરો કંઈ શાંતિયાત્રા કરવા નથી નીકળતા.
  • ઘરમાં પણ ક્યારેક કરફ્યુનો સન્નાટો હોય છે.
  • લીલાં પાંદડાં તોરણમાં ગુંથાઈને પણ ફરકે છે.
  • કળીનું મોઢું ખૂલે તો યે જીભ દેખાય નહીં!
  • દીવાની જ્યોત કરતાં ધુમાડો વધારે ઊર્ધ્વગામી હોય છે.
  • જ્વાળામુખી થાકીને શાંત થાય છે, પશ્ચાતાપથી નહીં.
  • સાગર વળી પોતાના સિવાય કોનાથી ભીંજાય છે?
  • સાગર વળી પોતાના સિવાય કોને સાંભળે છે?
  • માશૂકનું ગોત્ર ગઝલનું અને પ્રેમિકાનું પિયર કવિતા.
  • હવે તો રંગમંચ નથી હોતો ત્યાં પણ પરદો હોય છે.
  • આંખ બુરખામાંથી જુએ પણ ખરી અને દેખાય પણ ખરી.
  • લાકડાના ઘોડા પર સવારી કરે છે, તેને ઘાસનો દુકાળ નડતો નથી.
  • કબ્રસ્તાનના ક્રોસ પર તો ચકલી પણ ચઢે!
  • સગપણ વિનાનાં સગાં તે મિત્રો!
  • હીંચકો અને કરવત બે જ દિશા જાણે છે.
  • સતત બકતો માણસ જ પ્રવક્તા બને છે.
  • મુત્સદી તો વાયરો ચાલે ત્યારે જ વઘાર કરે!
  • આપણો માણસ ‘બત્રીસલક્ષણો’ જ હોય.
  • પોતાના માથે હાથ મૂકીએ તે અફસોસ અને બીજાના માથે હાથ મૂકીએ તે આશીર્વાદ.
  • સૂકાં પાંદડાં ખોવાયેલી વસંતને શોધવાની રખડપટ્ટીમાં જ ધૂળમાં મળી જાય છે.
  • જોડા બદલાય પણ લાત બદલાતી નથી.
  • જ્યોત તો પ્રગટે છે પણ જડ દૃષ્ટિ કહે છે : એ સળગે છે!
  • આકાશ પણ કોઈ કોઈ વાર પડદો પાળે છે!
  • તારીખ છૂટક અને તવારીખ હોલસેલ હોય છે!
  • પડોશમાં કૉલબેલ વાગે અને આપણી જિજ્ઞાસાનું બારણું ઊઘડે!
  • ડુંગરને શી ખબર કે દૂરના દીવા પણ રળિયામણા હોય છે!
  • પતંગિયાના ગામમાં રંગરેજ ભૂખે મરે!
  • કાચની દીવાલો એવો ભ્રમ ફેલાવે છે કે તમે સ્વતંત્ર છો!
  • આતુરતા સંકોચાય પણ છે અને વિસ્તરે પણ છે.
  • ફોરાં જ્યારે ફૂલની જેમ ઝરે છે ત્યારે આકાશ મહાવૃક્ષ લાગે છે.
  • ઘડિયાળ ગુમાવીને ટાણું સાચવનારા પણ હોય છે.
  • દર્પણ તો રાતે પણ આંખ ખુલ્લી રાખે છે.
  • વફાદાર કહેવડાવવા માટે સાંકળે બંધાવું જરૂરી નથી.
  • જેઠ તો સૂર્ય પાસે પણ વેઠ કરાવે છે.
  • ગરીબીમાં ચાદર જ પગનું માપ નક્કી કરે છે!
  • અઠ્ઠે દ્વારિકા કરવાનું તળાવને પાલવે, નદીને નહીં.
  • ભીંતો બોલતી નથી એટલે બહેરી છે એમ ન કહેવાય.
  • સુખના ભાગીદારો મળે, ભૂખના નહીં.
  • ભાષા તો સૂકાં પાંદડાં પાસે પણ હોય છે.
  • દીવાને સૂર્ય થવાનું કહેવાય, સૂર્યને દીવો થવાનું ન કહેવાય!
  • કહેવાય ઘડપણ પણ આવે હરણફાળે!
  • પોતાની ઇચ્છાને સ્વપ્નરૂપે જોવા માટે ઊંઘવું પડે છે.
  • આશ્ચર્ય એ બગાસું નથી તોયે મોઢું ખોલાવે છે.
  • ગરમ લોહીને જ હૂંફની તરસ હોય છે!
  • કેટલાક લોકો અહંકારનો બોજ ઉપાડવાની મજૂરી કરે છે.
  • દૃષ્ટિકોણ આકાશમાં પણ ખૂણો રચે છે.
  • અજાણ્યા માણસો ભરોસાપાત્ર હોય છે!
  • બીજા ન જાણે ત્યાં સુધી બધું જ ખાનગી હોય છે.
  • પરોપકાર કરનાર માટે અભિમાની થવાની તક રહે છે.
  • ઓસરતાં મોજાં સાથે સરી જતી રેતી કહે છે, હું કાંઠાની નહીં, સાગરની છું!
  • કેળનું વિશાળ લીલું પાન હોય કે નાનું બીલીપત્ર, ઝાકળ સૌને ભીંજવે છે.
  • ખાલી છીપ ખોવાયેલા મોતીનું સરનામું જાણતી નથી.
  • ગયેલી જણસના ખાલી દાબડા જેવું તલાક પછીનું એકાંત.
  • કોઈને શું, પોતાને મળવા માટે પણ નીરવ એકાંત જોઈએ!
  • હૃદય જે દાન આપી શકે છે, તે હાથ આપી શકતા નથી.
  • દૃષ્ટિની ભાષાને કોઈ વ્યાકરણ નથી હોતું.
  • ખડક સાથે અફળાયેલું મોજું, ઘાયલ થયા વિના ફરી ફરી અફળાય છે!
  • પરીની સ્થિતિ ન બદલાય એ વાર્તાનું સત્ય છે.
  • ગધેડાને કાચબાની પીઠ મળે એ વરદાન કહેવાય.
  • નીતર્યું પાણી દર્પણ બને, એ પરિણામ છે એની ઇચ્છા નથી.
  • મ્યાનનું અંતર જાણે છે કે મારે તલવારની ધાર સાથે પનારો પડ્યો છે.
  • કવિતા એ નકશા વગરનો દેશ છે.
  • લોહીમાં ઊગે છે તે ખેતરમાં નથી ઊગતું.
  • ભૂખ માત્ર પોતાને (ભૂખને) જ ખાઈ નથી શકતી.
  • ગધેડો જાણે છે કે કુંભાર શા માટે મારી પીઠ થાબડે છે.
  • પગથિયાં પોતે ઊંચે જતાં નથી ને નીચેય ઊતરતાં નથી.
  • બુદ્ધિનો વાંક ન કાઢી શકો ત્યારે સંજોગનો વાંક તો કાઢી જ શકો!
  • શ્રદ્ધા બેઠી હોય ત્યારે શંકા ઊભી હોય છે!
  • કેટલાક મળીને છૂટા પડે છે, ઘણાં લડીને છૂટા પડે છે.
  • લોકપ્રિયતાના આશ્રિતો સૌથી વધારે કંગાળ હોય છે.
  • કીડીની પલટણને યુનિફોર્મની જરૂર હોતી નથી.
  • આતુરતા દિશાને લંબાવ્યા કરે છે.
  • આકાશને ધરતી પર બતાવે તે પાણી.
  • પેટનો ખાડો જીવવા માટેનો અખાડો.
  • કયો અરીસો પોતાની પીઠને જોઈ શકે છે!
  • દીવો પણ ક્યાં બંધ આંખે અજવાળું જુએ છે?
  • મહેલની રાણી કરતાં ઝૂંપડાની રાણી વધારે સ્વતંત્ર હોય છે.
  • ઘડપણની શરૂઆત બીજાને શિખામણ આપવાથી થાય છે.
  • પહાડને પણ ઊભા રહેવા માટે જમીન જોઈએ.
  • ક્ષિતિજે પણ મને અલ્પવિરામ જ દેખાય છે.
  • સૌથી વધારે બૂરી હોય છે મજબૂરી.
  • પક્ષીઓના ભાગ્યમાં ઘૂંટણ વાળીને બેસવાનું હોય નહીં!
  • શ્રદ્ધા બેઠાડું હોય ત્યારે આશા ઉભડક હોય છે!
  • જિંદગી એવી ખુલ્લી બારી છે, જેમાંથી રસ્તો દેખાતો નથી.
  • આંખનું એવું છે કે, એ પોતાના સિવાય સૌને જુએ છે.
  • તરંગની રેખા તૂટવા માટે જ વિસ્તરે છે.
  • દોરડીના વળ દોરડીને જ ભીંસે!
  • જિંદગી સુપર ફાસ્ટ હતી, મોડી થઈ ને દીર્ઘાયુષી થયો!
  • બે શિંગડાં પોતાની વચ્ચેના પોલાણને વીંધી શકતાં નથી.
  • મહત્ત્વાકાંક્ષા એક દિશા ખોલીને, બાકીની બધી દિશા બંધ કરી દે છે.
  • રણનો પવન રેતીની ખબર દૂરદૂર પહોંચાડ્યા કરે છે.
  • કેટલીક શ્રીમંતાઈ લીલી હોય છે, પણ શેવાળ જેવી.
  • બંધબારણે મારો પ્રવેશ ન હોય તો મારા પર પ્રતિબંધ શેનો?
  • હું તો મેદાનમાં હતો, શિખર વિભૂતિએ પડખે આવી મને ખીણમાં મૂકી દીધો!
  • કેલેન્ડરની સીઝનમાં દીવાનખાનું આર્ટગૅલરી થઈ જાય છે.
  • નકશાની કાળી નસોમાં લોહી વહેતું નથી!
  • મોજાંના મોઢે ફીણ તો હોય છે પણ હાંફ નથી હોતી.
  • મક્કાઈના દાંત માણસના દાંતને ઉશ્કેરે છે.
  • નિંદા એવું માનપત્ર છે, જેમાં મૌલિક વિશેષણો હોય છે!
  • મદારી માત્ર એક જ બંદરનો વેપારી હોય છે.
  • સપાટીનો ભય શિખરે પહોંચે તે ભયસપાટી!
  • દરેક સ્વપ્ન ઊંઘમાં જ સાકાર થાય છે!
  • આપણું સૌથી વધારે રોકાણ ઊંઘમાં હોય છે.
  • ન્યાયને વળ ચઢે છે, ક્યારેક ફાંસીનું દોરડું થાય છે.
  • તમરાંનો કોન્સર્ટ જલસો તો આખી રાત ચાલે!
  • ઘરડા અરીસાને કરચલી નહીં, તિરાડ પડે છે.
  • સૌથી વધારે ઊંડાણ પાણી વગરના કૂવામાં હોય છે!
  • એક વાત સાચી છે : સાચી વાત સાંભળવા મળતી નથી!
  • દરેક સુખની એક જ દવા છે – દુઃખ!
  • આરતી ગાવા માટે ખરાબમાં ખરાબ ગળું પણ લાયક હોય છે.
  • જીવનમાં તક તો છે, પણ સરનામા વગરની છે!
  • પ્રેમ અને શત્રુતા – માણસને આળસુ રહેવા દેતાં નથી!
  • જ્યોત કરતાં તેની ધુમ્રસેર વધારે ઊંચે જાય છે.
  • અવસાદ એવો સાદ છે જે પોતે મૂંગો છે.
  • રિવાજ તો કાયદાને શું, અક્કલને પણ ડિંગો બતાવે છે.
  • કિનારો આઘો પાછો થાય તો યે કિનારો જ કહેવાય!
  • સંવાદ તો ધૂળના રજકણોમાં હોય છે.
  • દરેકની સામે જિંદગી પડી છે – કોઈક જ તેને ‘ઊભી’ કરે છે.
  • સિક્કાની શોધ થઈ તે પહેલાં માણસ ગરીબ નહોતો.
  • પક્ષીઓ અશ્લીલ થઈ શકતાં નથી એટલે કપડાં પહેરતાં નથી!
  • ધીમા વરસાદમાં કોઈનો ભીનો અવસાદ પણ હોય...
  • હું મારા શબ્દોની બહાર પણ છું.
  • જીવન કરતાં જીવનની ફરિયાદો વધારે દીર્ઘાયુ હોય છે.
  • મજૂરો પેટ ભરવા માટે રોજ ભરે છે.
  • કોઈ રંગરેજ વ્હાઈટ કોલર હોતો નથી.
  • સદાબહાર, ઘરની બહાર જ હોય છે!
  • હવે તો આ મોબાઈલ જ એક કાન થઈ ગયો છે!
  • ઝંખનાને આંખ કરતાં હૃદય સાથે વધારે સંબંધ હોય છે.
  • જે ડુપ્લિકેટ નથી તે ઝેરોક્સ છે!
  • આપણો અવાજ પણ ક્યારેક આપણને ચોંકાવે છે.
  • કરકસર એ કામ વગરની કમાણી છે.
  • વૃક્ષો એકબીજાની છાયામાં ઊભાં રહેતાં નથી!
  • બધી જ આરતી ગોળગોળ હોય છે.
  • હવામાં ખીંટી જુએ તે શ્રદ્ધા!
  • કેળવણી તમને અનુકરણ કરતાં શીખવે છે.
  • આપણે માત્ર ઊંઘમાં જ પોતાના હોઈએ છીએ!
  • ચાહવાના દિવસ ગયાને સંભારવાના દિવસ આવ્યા!
  • સુખને સંતાઈને રહેવામાં મઝા આવતી નથી.
  • અરીસો ચૂપ રહીને જ કહેવા જેવું કહી દે છે.
  • ગરીબી કાચી ઉંમરને પાકી કરે છે!
  • આકાશને ચીંધી શકાય છે, વીંધી શકાતું નથી.
  • જડતા એ નથી જાણતી કે તટસ્થતા શી ચીજ છે!
  • જ્ઞાન ઘણુંખરું પુસ્તકમાં જીવવાનું પસંદ કરે છે.
  • પ્રસિદ્ધિને ભવિષ્ય કરતાં ભૂતકાળમાં વધારે શ્રદ્ધા હોય છે.
  • અપાત્રે જ દાન કરવું હોય તો પોતાને જ આપો!
  • ગોળગોળ ફરનારાઓનો રસ્તો લાંબો નથી હોતો.
  • ઉછીનાં લીધેલાં અજવાળાં અંધ બનાવે છે.
  • મ્યાનનો અંધકાર તલવાર કાયમ ન વેઠે.