ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/૧

From Ekatra Wiki
Revision as of 04:20, 24 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧:

‘કહું છું, આજ તો મારી વર્ષગાંઠ… ‘ કહેતા હસમુખલાલ રસોડામાં પહોંચ્યા. એમની બૅન્કના એજન્ટ પાસેથી ખાસ ચતુરાઈ વાપરી લઈ આવેલા ૧૯૭૦ના નવા વર્ષના કેલેન્ડરમાંથી એક સાથે તેર-ચૌદ તારીખિયાં ફાડતાં એમને યાદ આવ્યું કે, ‘આજ તો મારી વર્ષગાંઠ…’ એમનાં પત્ની શારદાબહેનને એમણે દીઠાં નહિ, એટલે એ પાછા આગળના રૂમમાં આવ્યા ને અસલ ટીમરૂની બીડી લઈ તપકીરિયા રંગના એમના કોટના ગજવામાંથી ‘માચીસ’ ખોળવા લાગ્યા. દર વર્ષે તો શારદાબહેન બે-ચાર દિવસ આગળથી હસમુખલાલની વર્ષગાંઠ ગોખ્યા કરતાં-એમને ગમતું–ને એ કહેતા, ‘શું તું ય તે... હું કંઈ હવે જુવાનિયો થોડો છું, મારી બઈ, તે આમ વર્ષગાંઠ યાદ દેવડાવે છે...’ કહી એમની ટાલ ઉપર થોડી વ્યથાથી હાથ ફેરવતા ને દર વર્ષે આ વિષે કંઇક ચર્ચા નીકળે ત્યારે કહી લેતા : ‘ને જે, કાંઈ ગળ્યો લોટ બાફીશ નહિ-આ આપણાં છોકરાંની વર્ષગાંઠ ઊજવજે... તું તારે...’ પણ વર્ષોવર્ષ લોટ ગોળના પાણીમાં બફાતો ને મોં ગળ્યું થતું. ને એમને એ ય ગમતું. એટલે જ આ વર્ષની એક સવારે એમણે જાણ્યું કે એમનાં અડતાળીસ ઊડી ગયાં ને ઓગણપચાસમું પાંખ ફફડાવે છે, ત્યારે એ સહેજ હાંફળા ફાંફળા બની ગયા-કદાચ એટલા માટે પણ હોય કે વર્ષો વર્ષ એમની વર્ષગાંઠને લાડ લડાવતી શારદા આ ૧૯૭૦ના વર્ષે કેમ ચૂપ રહી? બીડી ફૂંકતા પાછા એ રસેડામાં ગયા ને એમની વર્ષગાંઠની વાત કહેવા લાગ્યા ત્યારે શારદાબહેને કશું બોલ્યા વગર ડબ્બામાંથી થાળીમાં કાઢેલાં ગોળ, ઘી ને લોટ તરફ આંગળી ચીંધી. એ જરા મલક્યા ને બહાર ગેલેરીમાં આવીને હીંચકા ઉપર બેઠા. ‘પેલા ડૉ. ભટ્ટને પૂછ્યું તે સારું જ કર્યું ને? બબડવાની ટેવ ખોટી નથી.’ એમણે છેલ્લાં કેટલાંક વર્ષોથી બબડવાની ટેવની શરૂઆત કરી દીધી હતી. થોડાંએક વર્ષો પહેલાંની જ વાત... શારદાએ એમની ટીકા કરી : ‘આ શું તે? હરતાં ફરતાં બબડ્યા કરો છો?’ ને એ સાંજે જ ઊપડ્યા એળખીતા ડૉક્ટરને ત્યાં. આ ટેવ સંપૂર્ણ નિર્દોષ છે એમ તો જાણી લીધું. જાણ્યા છતાં... ‘કશી જ ચિંતાનું કારણ નથી ને ડૉક્ટરસાહેબ?’ એમણે જરા સચિંત બનીને પૂછેલું. ‘ના, ખાસ નહિ.’ જતાં જતાં ‘નથી જ પૂછવું’ના નિશ્ચયથી દાબી રાખેલો એક પ્રશ્ન, એમના મનના તળિયે બેઠેલી એક મૂંઝવણ પણ પૂછ્યા સિવાય રહી ના શક્યા : ‘ડૉક્ટરસાહેબ, એક્સક્યુઝ... આવી બબડવાની ટેવને કારણે કંઇ ગાંડા બની જવાય એવો કશે ભો...’ ને ત્યારથી હસમુખલાલ ચિંતામુક્ત બની બબડતા રહેતા. ડૉક્ટરનાં પગથિયાં ઊતરતાં જ એમણે મુક્ત મને શરૂઆત કરી દીધી હતી : ડૉક્ટર છે માળો હોંશિયાર ને કોઠાની સૂઝવાળો. પાછું સમજાવવા માંડ્યું મને : ‘તમે બબડો છો... એકલા એકલા... એનો અર્થ એટલો જ કે તમને મોટેથી વિચારવાની ટેવ પડી ગઈ છે.’ ને ઘડીક પગથિયે સહેજ અટકી ગયા હતા ને વળી ઝડપભેર પગથિયાં માપતાં વિચારવા માંડ્યા હતા : ‘હવે એ દાક્તરને હું કેમ કરીને સમજાવું કે અહીં કોણ એવું કશું ગંભીર વિચારે છે. ના…ના, એમ નહિ….વિચારીએ તો ખરા, પણ એમ કે…’ હસમુખલાલની આ ઉદાર કબૂલાતને સાચી માનીએ તોય એ વિચારતા ને ખાસ્સું એવું વિચારતા રહેતા. ગંભીર કહેવું હોય તો કહી શકાય એવું ય વિચારતા, ને આટલી ઉંમર સુધીમાં ઘણું બધું વિચારવાનું ભેગું થઈ ગયું હતું. પથારીમાંથી ઊઠતાંવેંત એ ખૂબ ચેતનવંતા ને શક્તિથી ભર્યા ભર્યા છે એવી છાપ પાડતા. કશું ન સૂઝે તો આગળના ઓરડામાંથી રસોડામાં ને રસોડામાંથી આગળના ઓરડામાં એમ ત્રણ-ચાર વાર બીડી પીતાં પીતાં આંટા લગાવી દેતા. એ પછી ય બીજું ખાસ ન સૂઝે તો આગલા રૂમમાં મૂકેલા ફોટાઓ, ફર્નિચર કે જે નજરે પડે એને, જૂનો ફાટી ગયેલો નેપકીન લઈ ધૂળ સાફ કરતા. ને વર્ષના શરૂઆતના મહિનાઓમાં ટીંગાડેલાં નવાં કેલેન્ડરો તરફ, એનાં ચિત્રો તરફ, જરા મુગ્ધતાથી ને ગૌરવથી જોતા.

*

ઓગણપચાસમી વર્ષગાંઠની નોંધ મૂંગી મૂંગી પણ લેવાઈ છે એના કંઈક સંતોષ સાથે હસમુખલાલ ગેલેરીના હીંચકા ઉપર ગોઠવાઈને બેઠા. જાન્યુઆરીની ટાઢની ચમક હતી એટલે માથે ગરમ, ઊનની સફેદ જૂની બાવા ટોપી, એનાં કરતાં ય વધારે વર્ષોજૂની ગરમ બંડી ને એમની ભાષામાં જેને ‘થેપાડું’ કહેતા એવું જાડું-ટૂંકું ધોતિયું એમણે પહેર્યું હતું. હીંચકા ઉપર રવિવારનું એક છાપું, બૅન્કની સરક્યુલેટીંગ લાયબ્રેરીમાંથી આણેલાં ત્રણ મેગેઝીનો-ઇલસ્ટ્રેટેડ વિકલી, લાઈફ, અખંડઆનંદ, બીડીનો ઝૂડો ને લાઈટર પડ્યાં હતાં. યુવાન વયની એમની ગોરી ને રતુમડી ચામડી ઉપર હવે વર્ષોના થોડા લસરકા ને સળ પડ્યા હતા. ગાલ હજુ લગભગ ગોરા હતા, પણ રતાશ ચાલી ગઈ હતી. એકવડિયો ઊંચો દેહ, માથે થોડી ગૌરવશાળી ટાલ ને પાછળના ભાગમાં લગભગ સફેદ થઈ ગયેલા વાળ એમના શબ્દોમાં એમની ‘જગવીતી’ની ચાડી ખાતાં હતાં. બૅન્કમાં એકાઉન્ટંટની બઢતી મળવાની હતી ત્યારથી એમણે ટાઈ પહેરવા માંડી હતી. ને એમને ટાઈમાં સજ્જ થયેલા જોઈ કોઈને પણ મોટા મેનેજર હોવાની છાપ પાડતા. પણ લાઈટર વડે બીડી સળગાવતાં, એ પોતે જ કહી દેતા, ‘આ દેહમાં જીવ એશઆરામી છે...ને ભાઈ, મારાં હાડકાં થોડાં હરામ ખરાં. બૅન્કમાં એકાઉન્ટંટ સુધી પહોંચ્યો છું એ ઓછું છે ભાઈલા?’ ને વર્ષોની બૅન્કની એકધારી કામગીરીને થાક એમના ચહેરા ઉપર પથરાઈ જતો. બૅન્કની નેાકરીને કારણે એમના સ્વભાવમાં ચોકસાઈને ગુણો આવી ગયા હતા. એમની આ ચોકસાઈ આંકડાઓ પૂરતી મર્યાદિત હતી એ વાત તેઓ સ્વીકારે કે કેમ એની શંકા હતી. સ્વચ્છતાને એમને આગ્રહ પણ જાણીતો હતો. ‘સંસ્કારી’ હોવાનો ખાસ્સો ગર્વ પણ અનુભવતા ને ક્યારેક પ્રગટ કરતા. લેટ્રીને જવાની હજુ ઈચ્છા થઈ નો’તી. એટલે આંતરડાને લગીર ઉશ્કેરાટ જન્માવે એવા સહેજ અમસ્તા સમાચાર ખોળવાની કે વિચાર પરપોટાને જન્મ આપવાની ઇચ્છાથી આવું થોડું રાચરચીલું લઈને બેઠા હતા. આવાં મૅગેઝીનો દ્વારા કલ્પના પ્રદેશમાં ઊડવાનું એમને ગમતું, પણ બહુ ફાવતું નહિ. છાપું ઉઘાડી, મુખ્ય સમાચારોનાં મથાળાં જોઈ લઈ, ઝડપથી એમણે સાપ્તાહિક ભવિષ્યના પાનામાં માથું ઢાળી દીધું, ને કર્કરાશિના લખાણને વાંચવા લાગ્યા : કશો વિશેષ ઉશ્કેરાટ અનુભવાયો નહિ. ગુરુ ને શનિ શુકનવંતા ને નસીબદાર હતા. કુટુંબકબીલા તરફથી શાંતિ હતી ને પૈસાની ખેંચની વાત ભારપૂર્વક લખાઈ હતી. ‘સાળાઓ જેમ ફાવે એમ લખ્યે રાખે છે, એનું એ જ. કોઈ દા’ડે કંઈક સાચું લખતા હોય તો...’ એ બબડી રહ્યા. આમેય, છાપું વાંચવામાં એ ઝાઝો સમય ગાળતા નહિ. છતાં વાચકોના પત્રોમાં એમને રસ પડતો. ખાસ કરીને એમનું એક ચર્ચાપત્ર છપાયું ત્યારથી. છાપામાં એમની બૅન્કની-યુનિયન બૅન્ક ઑફ ઈન્ડિયા–ની જાહેર ખબર હોય ત્યારે એને આંખથી થોડી વાર પંપાળ્યા કરતા. ‘ઈલસ્ટ્રેટેડ’ પાછું એમણે હાથમાં લીધું. એમનું અંગ્રેજી સારું કહી શકાય એવું હતું. પણ હવે એમાંના લેખ વાંચવાનો ઉત્સાહ ઓગળી ગયો હતો. કોઈ વાર સરિતા કે સ્વાતિને એમાંથી ‘પંચતંત્ર’ની ‘ફેન્ટમ’, કે ‘ફ્લેશગોર્ડન’ની વાતો સમજાવતા. વર્ષો પહેલાં એ ‘ક્વોટ્સ’ની ચાવીઓ ઉકેલવા મથતા : ‘ફાગ’– ‘લૉગ’... પણ એકાદ વાર એક ભૂલથી ખરામાં ઇનામ મળ્યા સિવાય એ નિરાશ જ થતા. હવે મુખ્યત્વે જાહેરખબર ઉપર જ નજર ઠરતી : ‘હૅલો શૅમ્પૂ’ની યુવતી કે ‘પેરેગોન’માં રજૂ થતાં પતિ પત્ની ને બાળકોમાં વધારે રસ પડતો. એ બબડી રહ્યા : ‘મારા બેટાઓ શું જાહેરખબર આપે છે...પાણી-પાણી કરી નાંખે એવી...ને પાછા રૂપાળાં બૈરાંઓના ફોટાઓ તો એવી ખૂબીથી આપશે ! આ જમાનો જ જાહેરખબરનો છે. આ જુઓ- નવા રેડિયોની જાહેરાત... ન્યૂટ્રૉન-નેપ્ચ્યુન.. ઑલ વેવ-કાઈવ બેન્ડ્સ...’ ને અચાનક એમને એમનો રેડિયો રીપેર કરાવવાનું યાદ આવ્યું. ‘ચાર વખત તો રીપેર કરાવ્યો. હવે તો નવો જ લેવો...’ જેવું બબડતાં પાસે પડેલા બીડીના ઝૂડામાંથી બીડી ખેંચી સળગાવવા જતા હતા ત્યાં એમનાં વૃદ્ધ બા રસોડામાંથી ગેલેરીમાં આવી પહોંચ્યાં. હસમુખલાલે ત્વરાથી બીડી ફેંકી દીધી ને બીડીનો ઝૂડો ને લાઈટર બંડીના ખિસ્સામાં સેરવી દીધાં. દાંત સંપૂર્ણ પડી ગયા હોવાને કારણે એમનાં ચંચળબાની વૃદ્ધ, ગોરી ને કરચલીયાળી હડપચી, કશુંક મમળાવ્યા કરતાં હોય એમ હાલ્યા કરતી. કેડથી થોડાં વળી ગયાં હતાં ને થોડી બહેરાશ પણ આવી ગઈ હતી. છતાંય એમની ઉંમરે હસમુખલાલ કરતાં પૂરાં સશક્ત હતાં. છાપામાંથી ‘ચાર-ધામ-જાત્રા’ની જાહેરાત શોધી કાઢતાં ને હસમુખલાલને ઘણી વાર કહેતાં કે, ‘ભઈલા, મરતાં પહેલાં મને આ જાત્રા કરાવજે ! ચંચળબા હસમુખલાલની પાસે આવ્યાં, ને કહ્યું: ‘આ શારદાએ કહ્યું ત્યારે મેં જાણ્યું, આજ તે, હસમુખ, ભઈલા તારી વર્ષગાંઠ...’ હસમુખલાલ જરા ખિસિયાણા પડી ગયા ને ઊઠીને વાંકા વળી એમની બાને પગે લાગ્યા. ‘સુખી રહો, બેટા’ કહેતાં ચંચળબાનો અવાજ ઘડીભરમાં ગળગળો થઈ ગયો ને આંખમાં પાણી આવી ગયાં. ‘તમારા પેટમાં દુઃખવાનું હવે કેમ છે? ડૉક્ટરને ત્યાં જવું છે?’ મોટો ઘાંટો પાડી હસમુખલાલે એમના કાનની છેક નજીક જઈને પૂછ્યું. ‘કંઈક નરમ છે, ભઈ... હારું છે. મેં તો રાતના જ સૂતી વખતે પાણીમાં હીંગ મસળી પેટે ચોળી દીધી હતી...કંઈક હારું છે...’ સંતોષભરી મુખમુદ્રા સાથે હડપચી હલાવતાં એ ઘરમાં ગયાં એટલે હસમુખલાલે રવિવારની નિરાંતથી બીડી ફરી સળગાવી પીવા માંડી. ‘આજ તો મારી વર્ષગાંઠ…’ એ વાતે ફરી એક વાર સભાન બનતાં લગીર ઉશ્કેરાટ થયો ને થયો એવો જ શમી ગયો. દરેક વર્ષનો જાન્યુઆરી મહિનો એમના જીવનમાં કંઈક ચમકભર્યો રહેતો. આ મહિનાના એકએક દિવસને એ હૂંફથી પંપાળતા. પહોળી છતાં હવે કોડિયું બની જવા આવેલી એમની છાતી આ દિવસોમાં જરા ફૂલતી ને ટટ્ટાર રહેતી એવી લાગણી એ અનુભવતા. આ જાન્યુઆરી મહિનામાં હસમુખલાલ મનની ને તનની શાંતિ અનુભવતા, ને સાચવીને જાણે એની પોટલી બાંધી લેતા અને બાકીના મહિનાઓમાં ઊભાં થતાં આધિ વ્યાધિ ને ઉપાધિ સામે એનો યથોચિત ઉપયોગ કરતા. ને એમાંય આવા પ્રિય મહિનાનો રવિવાર જેવો દિવસ હોય, ત્યારે તે જાણે સુખની અવધિ આવતી. સુખ વિષે હસમુખલાલ, એમની રીતે જ વિચારતા. આવું બધું વિચારવાનો મોકો રવિવારની સવારે એકલા ફરવા જતા ત્યારે કે શનિવારની સાંજે મળતો. અમદાવાદ આવ્યાને દસકો થયો. આ દસકામાં અમદાવાદને એમણે ‘પગ તળે વાટી કાઢ્યું...’ ફરતાં ફરતાં સાબરમતી સાથે એક અજબની આત્મીયતા કેળવાઈ. ને છેલ્લા એક વર્ષથી તો મુખ્યત્વે એ સાબરમતીના રેતાળ પટ ઉપર જ ઘૂમતા ને ઘડીક બેસતા. ઘૂમતાં ને ફરતાં આ રેતી ઉપરની જીવંત એવી ને દૂધેશ્વરના પટ ઉપર આવેલી સ્મશાનભૂમિ ગમી ગઈ. અવારનવાર હવે શનિની સાંજે કે કોઈ રજાના દિવસે ત્યાં જઈને બેસતા. આ વાત એમણે કોઈને કહી નો’તી, કહેવા જેવી લાગતી પણ નો’તી. અહીં જ એમણે શોધી કાઢ્યું હતું કે સુખ તો અંધારામાં ફરતા વીંછી જેવું છે. સુખની પળો જો મનના પ્રકાશમાં સભાન બને તો એને ચીપિયાથી પકડવાનું મન થાય ને ચીપિયાથી પકડો એટલે સુખનો વીંછી અચૂક ડંખ દેવાનો. આ વાત એમણે થોડા દિવસો પહેલાં સ્મશાનભૂમિના એમના એક જુવાન મિત્રને કહી ત્યારે એ ઘડીભર હસમુખલાલ સામે જોઈ રહ્યો ને કહેવા લાગ્યો, “સાહેબ, તમે જીવનનું ઝેર પચાવી જાણનારા લાગો છો.” ફિલસૂફી સાથે એમ. એ નો અભ્યાસ કરતા એ યુવાનને હસમુખલાલ ગમી ગયા હતા—ચોકકસ કયા કારણસર ગમી ગયા એ હજુ એને કે હસમુખલાલને સ્પષ્ટ ન હતું. દૂધેશ્વર હવે હસમુખલાલનું આત્મીય સ્થળ બની ગયું હતું. અહીં આવીને, ક્ષીણ સાબરમતીના કાંઠે એ નિ..રાં...તે, રીતસર પલાંઠી વાળીને બેસી જતા. ઘણુંખરું સાંજરે ત્યાં જતા. પણ પૂછવું ભલું... કશીક મનની ‘શાંતિ’ શોધવાની તાત્કાલિક જરૂર પડી જાય તો દિવસના ચોવીસ કલાકમાંથી ઊંઘવાના કલાકો સિવાય એ ગમે ત્યારે આવી જતા. કહેવાય છે કે વૈશાખની એક આખી રાત હસમુખલાલે અહીં-દુધેશ્વરને આરે-ગાળી હતી ! હીંચકા ઉપર ટહેલતાં ને જાન્યુઆરીનો કુમળો તડકો લેતાં, અત્યારે એ બાજુમાં રહેવા આવેલા નવા પાડોશીના વિચારમાં ગરકી ગયા. પરમ દિવસે નવા પાડોશી સાથે એમની પહેલી મુલાકાત યોજાઈ હતી. ને એ થોડો પરિચય કરી આવ્યા હતા. ‘બધી વાતમાં એ પૂછવાનું તો હું ભૂલી જ ગયો કે એ વિદ્યુત કુમાર શાના પ્રોફેસર છે? શું શીખવે છે? નીતાએ હોમ-સાયન્સ લીધું છે ને આ એના છેલ્લા વર્ષમાં કાંઈક ક્લાસ જેવું આવે તો નોકરીવાળું ઝટ થઈ જાય... ને.. એ... પેલા મુંબઈવાળા મધુભાઈના એન્જીનિયર દીકરા માટે પૂછાવી જોવાય,’ ના વિચારથી એ ઉમળકાની લાગણી અનુભવી રહ્યા : પ્રા.ના ઘરમાં રાચરચીલું જે રીતે ગોઠવાયું છે... કેવું રૂપાળું દેખાય છે... આ મારી નીતા મને એ રીતે ગોઠવી આપે તો ઘર કંઇક સંસ્કારી ઘર દેખાય. બાકી, આને તો હું કહી કહીને થાક્યો. અને એવું ઘર થતું હોય તો પાંચપચ્ચીસ ખર્ચી નાંખવામાંય કશો બાધ નહિ, કોઈક સારું મોભાદાર માણસ ઘડીક ભૂલમાંય આવી ચઢે તો એને લાગે કે આ સંસ્કારી માણસનું ઘર છે. પૈસાદાર ન હોઈએ, પણ જરા સંસ્કારીપણાની છાપ તો...’ હૉસ્ટેલમાં રહેતી નીતા રવિવારે ઘણુંખરું અચૂક એના ‘મોટાભાઈ’ અને ‘બા’ ને મળવા આવતી. હસમુખલાલ નીતાના વિચારે ઊભા થયા ને બીજી બે દીકરીઓ સાથે રસોડાની સાફસૂફી કરવામાં પડેલાં શારદાબહેનને પૂછ્યું : “નીતા હજુ કેમ નહીં આવી હોય?” શારદાબહેન ચૂપ જ રહ્યાં. એટલે હસમુખલાલે એમની બીજી દીકરી સરિતાને ઉદ્દેશીને કહ્યું: ‘સરિતા બેટા, તારી મોટીબહેન જો અડધા કલાકમાં ના આવે તો તું બેલાવી આવીશ? જે...સાયકલ ઉપર જવું હોય...’ ...એટલામાં જ ‘મોટાભાઈ આજ તો તમારી વર્ષગાંઠને...બા, તલસાંકળી કરી હોય તો લાવ’ કહેતાં નીતા આવી ગઈ. ‘મારી વર્ષગાંઠ તને ભલી યાદ રહી.’ જેવું કંઈક હસમુખલાલ બોલવા જતા હતા, ત્યાં જ નીતાએ કહ્યું; ‘મોટાભાઈ, તમારી વર્ષગાંઠ તો હું ભૂલું જ નહીં...ને...વાસી ઉતરાણ’ કહેતાં અટકી ગઈ. ‘વાસી’ શબ્દ મોટાભાઈને નહિ ગમે એ વિચારે અટકી ગઈ. ને હસમુખલાલ બબડ્યા ય ખરા, ‘વાસી ઉતરાણની મારી વર્ષગાંઠ પણ હવે વાસી થતી જાય છે.’ નીતાએ તલસાંકળી બનાવી ને હસમુખલાલ માટે લઈ આવી ત્યારે એ રાતનું થેપાડું બદલી નવું ધોતિયું પહેરતા હતા, ને એમની નજર રૂમની ભીંતો ઉપર, સિલિંગ ઉપર, રીપેર કરાવવાના રેડિયો ઉપર ફર્યા કરતી હતી. ‘કશે બહાર જાઓ છો, મોટાભાઈ?’ ‘અહીં પડોશમાં જ. નીતા, તને એક નવી ઓળખાણ કરાવું. ને જો...’ કહીને છેલ્લાં પાંચ વર્ષથી અહીં રહેવા આવ્યા ત્યારથી આ બધા રાચરચીલાની એકસરખી, એક ઢબની ગોઠવણી એમને કેવી ખૂંચ્યા કરે છે ને હવે આ રૂમમાં કેવા ફેરફાર કરવા છે એની ચર્ચા નીતા સાથે કરવા લાગ્યા. “મને મારી રીતે આ રૂમને ગોઠવવા દો તો હું આ નવું એક જ કેલેન્ડર રહેવા દઉં. ‘જવાન’ ના લશ્કરી વેશમાં બેઠેલા કિશોર ને બંદૂકવાળું. રામ-સીતા-લક્ષ્મણવાળું ને આ ચીકણું થયેલું અફઘાન સ્નોવાળું ને આ તમારો બાળપણનો ફોટો... છેક નાનપણથી હું સતત જોતી આવી છું. એને ય હવે પટારામાં મૂકી દેવા જેવો થયો છે.” નીતા એ ફોટાની વાત કરતી હતી જેમાં આઠ વર્ષના હસમુખલાલ મોટી મૂછવાળા ને ગૌરવશાળી દાદાની આંગળી પકડી બેઠા હતા. એમના દાદાની બાજુમાં બેઠાં હતાં દાદીમા. ગોળ મોટો ચાંલ્લો, સ્થૂળ શરીર...ને ભક્તિભાવથી ઊભરાતું ગોળમટોળ મોં...ગમી જાય એવાં ઉદાર ને નિખાલસ હતાં દાદીમા...ને બાજુમાં બેઠાં હતાં એમનાં ફોઈ... વિધવા ફોઈ...પંચ્યાશી વર્ષની ઉંમરે હજુ ય એક ગામડામાં એકલાં રહેતાં હતાં...ને જીવનભર શિક્ષિકાની નોકરી કરીને એકાવન રૂપિયાના પેન્શનમાં ખીચડીછાશથી પેટિયું ભરતાં હતાં...હવે આરે પહોંચ્યાં હતાં ને ક્યારે ધબી જાય...વર્ષ પહેલાં જ હસમુખલાલ એમની ખબર કાઢવા ગયા હતા. એમની ચિંતા માથા ઉપર જ હતી. પાછળ ઊભા હતા હસમુખલાલના પિતા ભાઈલાલભાઈ ને એમની બા ચંચળબા ને પિતાની બાજુમાં ઊભેલા એમના કાકા. એમના કાકા ગરીબ વધારે હતા કે કંજૂસ વધારે હતા એ કોયડો એમના મૃત્યુ પછી અણઊકલ્યો જ રહ્યો હતો. એમનો ભાઈ શિવશંકર નાલાયક જેવું મીઠું હસતો ચંચળબાના હાથમાં હતો. સગા ભાઈ શિવશંકર સાથેનું હાડવેર હવે તો જ્ઞાતિમાં એક રસિક ચર્ચાનો વિષય બની ગયું હતું... ‘...તો પછી તું આપણા કુટુંબનો પેલો ફોટો પણ પટારામાં મૂકવાનું જ કહીશ, ખરું ને બેટા?’ પાછળ ભીંત ઉપર સહેજ ઊંચે લટકાવેલા ફોટા પાછળ આંગળી ચીંધતાં હસમુખલાલે કહ્યું. બાર વર્ષ’ની નીતા, સાત વર્ષની સરિતા, ને એક વર્ષની ત્યારની ‘ઝીણકી,’ સાથે હસમુખલાલ-શારદાબહેને પડાવેલા ફોટાની હસમુખલાલ વાત કરતા હતા. તલસાંકળીનો છેલ્લો ટુકડો મોંમાં મૂકતાં હસમુખલાલે ઘરગોઠવણીની ચર્ચા હાલ પૂરતી આટોપી લીધી ને નીતાને કહ્યું : ‘આપણે એક વાર બાજુમાં તો જઈ આવીએ. એમનું નામ છે. વિદ્યુતકુમાર. એ કોઈ કૉલેજમાં પ્રોફેસર છે ને હમણાં ત્રણેક અઠવાડિયાંથી અહીં બાજુમાં રહેવા આવ્યા છે. એ કયો વિષય ભણાવે છે એ ખબર નથી, પણ ઓળખાણ રાખી હોય….તારું છેલ્લું વર્ષ છે તે મન થયું કે કંઈક કામ લાગે. ને આમ જો, એમના ઘરની ગોઠવણ તું બરોબર નોંધી લેજે. બીજું તો કશું નહિ, નીતા, પણ એમના ઘરમાં બેઠા હોઈએ ત્યારે લગીર શાંતિ ને સુખનો અનુભવ થાય એવું છે.’

*

રવિવારની થોડાએક કલાકોની રકઝક અને પછી બીજા કેટલાક કલાકોની અવળસવળને અંતે ઘરનું જૂનું રાચરચીલું નવેસરથી, નવી વ્યવસ્થા પ્રમાણે સજાવટ પામ્યું. એક રૂમ ને એક રસોડું ને ધાબે (અગાશીએ) જતાં આવતો ચોક ને ધાબે જતાં દાદરાની નીચે-રસોડાના અધિકારની ભોંયતળિયા જેવી ત્રણ ફૂટ જગ્યા ને દસ-બાય-બારના આગળના રૂમની માલિકીની ગેલેરી...હસમુખલાલની વર્ષગાંઠે... ઓગણ પચાસમી વર્ષગાંઠે નવો અવતાર પામ્યાં. થોડી વર્ષોજૂની ધૂળનો પણ મોક્ષ થયો. નીતાની જીત થઈ હતી અને કેટલાય દાયકાઓથી ભીંતે લટકતો પેલો કુટુંબ સાથેનો બાળ-હસમુખવાળો ફોટો મોટા અંધારિયા પટારામાં સચવાઈને મુકાઈ ગયો. ચંચળબાને ખોટું લાગશે એવી દલીલ હસમુખલાલે કરવા માંડી ત્યારે બાએ જાતે જ કહ્યું કે... ‘હસમુખ, તું ભઈલા આ જમાનાને તો ઓળખ.’ આમે ય, બાળ-હસમુખની ઝાઝી યાદ હવે આટલાં બધાં વર્ષો પછી હસમુખલાલ ભાઈલાલભાઈ વ્યાસને આવતી ન હતી. જેટલી આવતી હતી એ કંઈ ખાસ વાગોળવા જેવી નો’તી. ભાઈલાલભાઈ વલ્લભરામ...વલ્લભરામ રૂપરામ...રૂપરામ નથ્થુરામ. બાળપણમાં એ વંશાવળી ગોખતા. વલ્લભરામ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા....વડોદરે... ને ભેટી ભવ્ય મૂછો રાખતા...ને એમની જેમ જ વરાળ નીકળતાં ગરમાગરમ દાળભાત જમી, હાંફતા હાંફતા, મૂઠવાળી લાકડી લઈ ચોખંડીએ શાળા નં. ૧૧માં પહોંચતા. ઘણી વાર હસમુખને પણ આંગળીએ વળગાડીને ઢસરડી જતા... ને રવિવારે વહેલી સવારે ઉઠાડી મૂકી, મોટી પોણી વાડકી એરંડિયું પાઈ દેતા...બધું અંધારિયા પટારામાં પહોંચી ગયું હતું. એકાદ રૂમ તો વધારે જોઈએ જ, એ વિષે સહુએ ભારપૂર્વક હસમુખલાલને કહ્યું, પરંતુ હસમુખલાલે બે રૂમ-એક રસોડાનું ભાડું ગણાવ્યું ને એવી ધરપત આપી કે એના કરતાં થોડાં વર્ષોમાં આપણે જ એક બંગલો થાય...ને એક વાત ખાસ પુરવાર કરી કે આ પલંગવાળા આગલા રૂમનો ઉપયોગ એ કવચિત્ દાઢી કરવા, કે કોઈક મહેમાન આવે ત્યારે એમને કંપની આપવા, પલંગ ઉપર ઘડીક બેસવા કે રસોડામાં જવા આવવાના ‘થરો ફેર’ રૂપે જ કરતા હતા. બાકી મુખ્યત્વે અઠવાડિયાના સોમ-શનિની સવાર-સાંજ કેવી રીતે એ ભલા ને એમની ગેલેરી ને હીંચકો ભલો એ બધું વિગતવાર કહ્યું, ત્યારે સૌની જીભ સીવાઈ ગઈ. ઘરની એકેએક ચીજ ઉપર ‘જૂનવાણી’ ‘જૂનું-જૂનું’ કે ‘લીલામ માટે’નો સિક્કો લાગી ગયો છે ને કોઈપણ વસ્તુમાં નવીનતા ને ચમક નથી, એની નોંધ સૌએ લીધી— પણ આડકતરા, આંખ-મીચાંમણા ઉલ્લેખ કરીને જ. હસમુખલાલ સહિત કોઇની આ વિષે લાંબી રકઝક કરવાની હિંમત ચાલી નહિ. ગમે એવા પ્રયત્ન છતાં ય ‘મેલિયું’, ‘ચીકણું’, ‘ધૂળિયું’ ને ‘ભંગાર’ હોય એ ઘરની ગમે એવી કુશળ ગોઠવણ થાય છતાં ય સંસ્કારી ગોઠવણ નહિ લાગે એ સત્ય હસમુખલાલે આખરે સ્વીકારી લીધું. વચમાં સરિતાએ નેતરની એક ખુરશી માટે ‘ગંધાતી’ શબ્દ વાપર્યો ત્યારે નીતાએ નાક ઉપર આંગળી મૂકી એને ચૂપ કરી દીધી હતી. ને કેટલોક જૂનો સામાન હસમુખલાલ રસોડામાં સેરવી દેવાની પેરવી કરતા હતા ત્યારે શારદાબહેનના મકકમ અને ઉગ્ર વિરોધથી એને આગળના રૂમમાં પલંગ નીચે જ યથાવત્ સ્થાન મળ્યું હતું. પલંગની દિશા બદલાઈ ને નીતાના સૂચન પ્રમાણે આગલા રૂમમાં પડતી બારી પાસે તે પૂર્વ-પશ્ચિમ ગોઠવાયો. પહેલાં હસમુખલાલની માલિકીનું, એ પછી નીતાનું ને હવે સરિતા સ્વાતિનું સહિયારું એક ટેબલ બે દીવાલને અઢેલીને એક ખૂણાને ઢાંકી રહ્યું. બન્નેએ વારાફરતી લેસન કરવા ક્યારે બેસવું એના કલાકો નક્કી થયા. એક અરીસો તૂટી ગયો. જૂનું બ્રશ ‘રાખવું કે ફેંકી દેવું’ની રકઝકમાં ઘરમાં જ રખાયું, ભીંતના કબાટમાં ગોઠવેલાં બહુ જૂનાં પરચુરણ પુસ્તકો પસ્તીવાળા માટે બહાર કાઢવામાં આવ્યાં. એ જગ્યાને બોટી લેવા સરિતા-સ્વાતિ સંસ્કારી ઘરને ના શોભે એ રીતે થોડું ઝઘડ્યાં. નવા પડદા લાવવા (વિદ્યતભાઈને ત્યાં છે તેવા ) હસમુખલાલે નીતાને તુર્તાતુર્ત પાંચની નોટ આપી એ વાતમાં શારદાબહેને વિરોધ કર્યો. અસફળ રહ્યાં. પંખો નહિ, પણ ‘પંખી’ કહેવાય એવો ઈલેકિટ્રક પંખો (ને ત્યારે ચંચળબા સહિત બધાં મલક્યાં હતાં) જૂના લાકડાના સ્ટેન્ડ ઉપર પલંગ પાસે ગોઠવાયો. તૂટી ગયેલી મોટી ટ્રન્ક, કાણું પડેલી માટલી, ગોબા પડેલો તાંબાનો લોટો, ઇત્યાદિ પ્રશ્નાર્થ થઈ રહ્યાં. ‘રેડિયો અઠવાડિયામાં રીપેર કરાવવો’ એવી નોંધ સાચવીને હસમુખલાલે ૧૯૭૦ની આવેલી નાની ડાયરીમાં સ્વચ્છ રૂપાળા અક્ષરે કરી, પણ ‘સરિતા–સ્વાતિ ત્યાં જ ચોંટી રહેશે’ની ભવિષ્યવાણી સાંભળી ‘કેન્સલ’ કરી. કપડાં મૂકવા સ્ટીલનું કબાટ ન પોસાય એમાં સૌ સંમત થઇ પેટી પટારામાં કોના કપડાં ક્યાં ગોઠવવાં એ માટે સૌએ સરખો રસ લીધો. રોજિંદાં રૂપડાં ગોઠવવા એકાદ સ્ટેન્ડ હસમુખલાલે રવિવારની ગુજરીમાંથી લઈ આવવું એવો આદેશ શારદાબહેને આપ્યો. ત્રણ દીકરીઓએ ટેકો આપ્યો. એની નોંધ હસમુખલાલે ફરી ડાયરી ઉઘાડી કરી નાંખી, ને ઉમેર્યું–(પૈસાની સગવડ થાય તો) ને આ નોંધ સાથે શારદાબહેને બીજી યાદી આપી. કોઈ સારા મહેમાન આવે તો એમને શોભે એવાં થોડાં કપરકાબી, થોડા ડાલ્ડાના ખાલી ડબ્બાઓ, ધૂપેલની પડી, શિકકાઈ સાબુ, શિયાળો ઊતરશે એટલે બે ના’વાના સાબુ...ને ત્યાંથી હસમુખલાલ વિફર્યા. ‘આનો કશો કોઈ અંત આવશે ખરો કે?’ કહી બીડી ફૂંકતા ફૂંકતા ‘ચાલ, નીતાબેટા’ કહી પેલાં જૂનાં પુસ્તકો કિલો વજને કોઈ અમદાવાદી ધૂતારાને વેચી કાઢતાં પહેલાં, છેલ્લી મમતાભરી નજર નાંખવા એના ઢગલા આગળ બેસી પડ્યા. જૂના, બહુ જૂના ભાઈલાલભાઈ કે કદાચ વલ્લભરામની મૂડી સમા કલ્યાણના અંકો, ટૉલ્સટોયનું એક અનુવાદ કરેલું ને ધૂપેલ ઢળેલું પુસ્તક, રા રા. હસમુખલાલ વિષે જેમાં અવારનવાર ઉલ્લેખો થયા હતા એ જ્ઞાતિ પત્રિકાઓ, ભાઈલાલભાઈએ શોખથી વસાવેલી પણ કદાચ નહિ વાંચેલી ટૉમસ હાર્ડીની ઊધઈએ ચારણી કરેલી એક નવલકથા, અતીતની વાસ આપતું, ઊધઈ ને ઉંદરની લીંડીઓવાવાળું તુલસીકૃત રામાયણ, શારદાબહેનના વિરોધ છતાં હસમુખલાલે મુંબઈથી આણેલાં ને દસકા સુધી જગ્યા રોકી રહેલાં ઇલસ્ટ્રેટેડ વિકલી ને કુમારના અંકો, નીતાની બે વર્ષ જૂની હોમ સાયન્સની ટેક્સ્ટબુક ને નોટબુકો....ને એમ જોતાં જોતાં, ઘડીક મમતાથી વાંચી લઈ, ન વેચવા માટે એમણે ઢગલામાંથી ગાંધીજીની આત્મકથા ને ચંચળબાના આગ્રહથી તુલસીકૃત રામાયણ બાજુએ ગોઠવી દીધાં. શારદાબહેન વચમાં કશુંક બોલવા ગયાં ત્યાં જ એમને ‘તું ના સમજે, તારું કામ કર.’ કહી મોકલી દીધાં. રસોડામાંથી થોડા વાંદાઓ ને ઉંદરની લીંડીઓ ને કાનફૂટેલા પ્યાલાઓ ને ‘એકલા ધડ’થી શ્વાસ લેતી બરણીઓ સાચવીને ઘરના પાછળના ભાગમાં ફંગોળાઈ ગયાં. ચંચળબા ત્યાં એક વાર એમની ઝીણી નજર ફેરવી આવેલા.

*

નવી સ્થિતિમાં, નવી દિશામાં ગોઠવાયેલા પલંગને કારણે હસમુખલાલને રવિવારની રાત્રે પૂરતી ઊંઘ ના આવી. પૂરતી ઊંઘ એટલે પૂરતા પાંચ કલાકની પણ નહિ. નીતા એની લેડિઝ હોસ્ટેલમાં પહોંચી ગઈ. હસમુખલાલ હરવખતની જેમ નીતા સાથે રેલવે-ક્રોસિંગ સુધી જઈ આવ્યા હતા. બાજુના પ્રા. વિદ્યુતકુમાર અંગ્રેજીના લેક્ચરર નીકળ્યા. ને હોમ સાયન્સના બધા વિષયોમાં અંગ્રેજીને કોઈ ઠેકાણે સ્થાન ન હતું. પણ એમનાં પત્ની અલકાબહેને હોમસાયન્સની જ ડીગ્રી લીધી હતી. એમણે વિવેક બતાવતાં કહ્યું હતું: ‘કોઈ વિષયમાં મુશ્કેલી હોય તો કહેજે.’ જે પ્રકારની મદદ હસમુખલાલ લેવાનું વિચારતા હતા એ પ્રકારની મદદ આ અંગ્રેજીના પ્રા. આપી શકે એમ નો’તા. અને એમનો સ્વભાવ જોતાં આવી કોઈ મદદ કે ઉપકાર કરવાનું ઝાઝું મૂલ્ય એ સમજતા હોય એમ લાગ્યું નહિ. પ્રા. વિદ્યુતને ત્યાંથી પાછા આવ્યા ત્યારે હસમુખલાલ જરા ઢીલા થઈ ગયા હતા. પેલો એન્જનિયર ઉમેદવાર નજરથી જાણે દૂર દૂર ચાલ્યો જતો એમને દેખાયો. નીતાને હોમ-સાયન્સ ભણવાનું સૂચન કરીને જ કદાચ એમણે ભૂલ કરી હતી. સંતોષ એક વાતે થયો કે ‘અંગ્રેજીમાં વાત કરવાની પ્રા. ની ઢબ ગમી જાય એવી છે.’

*

શનિવાર સાંજથી મનના સ્થિર પ્રવાહમાં હેઠે બેઠેલો હસમુખલાલનો જીવ સોમવારની સવાર થતાં જ ઊંચકાઈ જતો ને ગઈ કાલે સાંજે સૌ. લક્ષ્મીબાઇ કન્યા છાત્રાલયમાં નીતાને મૂકવા જતાં, નીતા સાથે જે વાતો થઈ હતી એમાં નીતાએ એમની કડવી ને લોલુપ જીભની હળવી ને સહેજ આડકતરી ટીકા કરી લીધી હતી. એ વિચારે રાતના જ એ થોડા ખિન્ન થઈ ગયા હતા. ‘બાપુજી, બા વાતવાતમાં કહેતાં હતાં કે તમારો સ્વભાવ બહુ આકળો ને ઝાંઝી થતો જાય છે.’ નીતાએ કહેલું એ ક્ષણે એ વાતને ગળી ગયા હતા. પણ જે કડવી ગોળીઓ ગળી ગયા હતા એ પચી તો ગઈ પણ સાથે રગેરગમાં પ્રસરી પણ ગઈ હતી. એમણે તો વાતને બહુ સિફતપૂર્વક બીજા પાટા ઉપર ગોઠવી દીધી હતી. ‘તને, બેટા, પૈસાની કોઈ મુશ્કેલી પડતી તો નથી ને? કહેજે હં...અને તારાં ભણવાનાં બધાં પુસ્તકો આવી ગયાં છે ને?’ ‘બાપુજી, હું સમજું છું-તમે મને હૉસ્ટેલમાં મૂકી છે એનો ખર્ચ તમારે કેટલે બધે વેઠવો પડે છે એ. પણ હવે જુઓને, આ જાન્યુઆરી પૂરો થવા આવ્યો છે ને ત્રણ ચાર મહિના બાકી રહ્યા છે...કદાચ ક્લાસ નહિ આવે તો ય હું પાસ તો થઈ જઈશ, ને પછી તમારી બધી ચિંતા ટળી જશે. ઘરમાલિકને કહી બાજુને ખાલી રૂમ પણ ભાડે લઈ લઈશું, એટલે ઘરમાં જગ્યાની સંકડાશ ન લાગે ને મારે પગાર આવશે એટલે તમને ખાસ્સી એવી મદદ રહેશે. અમારી હોસ્ટેલમાં આપણા જેવી સ્થિતિ ભાગ્યે જ કોઈની હશે...’ હસમુખલાલે નીતા સામે જોયું. એ નજરમાં એક પિતાના હૈયાની વાત્સલ્યભરી લાગણીની કુમાશ હતી. નીતા પાસેથી એ મનોમન કેવી અપેક્ષા રાખે છે એ વાત આજે નીતાએ જ છતી કરી દીધી હતી. બીડી પીવાની તલપ એમને ક્યારની લાગી હતી ને નેહેરુબ્રિજનો આશ્રમ રોડ તરફનો છેડો પસાર થઈ ચૂક્યો હતો. નીતા હૉસ્ટેલમાં રહેતી એની બીજી બેનપણીઓ ને એ સિવાય જેની ઈર્ષ્યા થયા કરતી એવી પૈસાદાર આછકલી છોકરીઓની વાત કર્યે જતી હતી. બાપના પૈસે કેવી મોજમજાહ ને ફેશનમાં મહાલે છે, કેવાં કેવાં તોફાન કરે છે...ને કેટલીક આગળ પડતી ને નફ્ફટ છોકરીઓ કૉલેજના છોકરાઓ સાથે સિનેમા જોવા ઊપડી જાય છે... ને... હસમુખલાલ સહેજ વિચારમાં પડી ગયા ને ઘડી પછી બબડતા અવાજે નીતાને કહ્યું : ‘તારે ય કોઈક વાર બેનપણીઓ સાથે સિનેમા જોવા જવું, બેટા. આ તારી ઉંમર છે...લે આ દસ રૂપિયા રાખ.’ ‘સિનેમા...ના, હમણાં સિનેમાબિનેમા જોવો નથી...હું કમાઇશ ત્યારે વાત, પણ બાપુજી સાન્તાક્રુઝમાં પેલી શીલા આચાર્ય નો’તી? એનાં ચાર દિવસ પછી લગ્ન છે... મારી ઉપર કંકોત્રી આવી છે. એને કશીક ભેટ મેકલવાનું મન છે. એટલે આ દસ રૂપિયામાંથી એને માટે હું કશીક ભેટ લઈશ.’ નીતાની બેનપણીઓએ હવે ઝડપથી લગ્ન કરવા માંડ્યાં હતાં... નીતા માટે પેલો એન્જિનિયર કે પછી... વાત કરતાં કરતાં બાપ-દીકરી બન્ને રેલવે ક્રોસિંગ આગળ આવી પહોંચ્યાં હતાં. ફાટક બંધ હતો. હસમુખલાલે અહીંથી વિદાય લેવી એ ધારો હતો. બાપ-દીકરી થોડી પળો મૌન ઊભાં રહ્યાં ને પછી ‘આવજો’ ‘આવજો’ કહી છૂટાં પડ્યાં. નીતા ક્રોસિંગ પસાર કરી ગઈ. હસમુખલાલ એકલા પડ્યા હતા. એમણે બીડી કાઢીને સળગાવી, મા. જે. લાયબ્રેરી તરફ પગ વળ્યા. પણ તુર્ત કશોક વિચાર આવવાથી એ પાલડી તરફ જતા બસ-સ્ટેન્ડ આગળ ઊભા રહ્યા. બસ તુર્ત જ આવી. એ બેસી ગયા. એમના નજીકના સગા, એમના કરતાં પાંચ વર્ષે મોટા ને જ્ઞાતિમાં પ્રતિષ્ઠિત ગણાતા પ્રેમશંકરને ત્યાં ગયા. પ્રેમશંકર અમદાવાદમાં ચાલતા એમના જ્ઞાતિમંડળના પ્રમુખ હતા, ને હસમુખલાલ ઉપપ્રમુખ. ચા પીધી. ન્યાતજાતની થોડી વાતો થઈ. નાનકડી ન્યાતમાં ચાલતા રાજકારણમાં પ્રેમશંકર બહુ પાવરધા હતા. ન્યાતનો ઉધ્ધાર કરવાને બહાને એ અમદાવાદના મિલમાલિકો પાસેથી ફંડફાળો ઉઘરાવતા. હસમુખલાલને પણ આ ફંડફાળા ઝુંબેશમાં જોડાવું પડતું. ન્યાતના જુવાનિયાઓએ સાંકડી ને સ્વાર્થી એવી મુરબ્બીઓની મનોવૃત્તિ સામે આકરા પ્રહારો કર્યા હતા ને પ્રેમશંકર એમનો ઊધડો લેવા માંગતા હતા. ને એ માટે આવતા ગુરુવારે મિટિંગ ગોઠવી છે એની વાત હસમુખલાલને કરી. કોણ જાણે કેમ હસમુખલાલને પહેલી વાર લાગ્યું કે હવે આ ન્યાતજાતમાં રસ લેવાનો એમને કેાઈ ઉમળકો રહ્યો નો’તો. પાછાં વળતાં એ આ નિર્ણય ઉપર આવી ગયાઃ ‘આ ગુરુવારની મિટિંગમાં જવું નથી ને રાજીનામું આપી છૂટો થઈ જાઉં. બધા ય સાલા સ્વાર્થનાં સગાં છે.’ ઘરે પહોંચતાં જરા મોડું થયું હતું ને ઠંડીનો ચમકારો વધી ગયો હતો. ઘરમાં પગ મૂકતાં વાર સગડી સળગાવવાનું કહી, ગળે શાલ વીંટાળી લીધી હતી. મનમાં બે કડવાશભરી વાતો તરતી હતી. એક નીતાએ કરેલી એમની ટીકા ને બીજું ‘સાલી ન્યાત.’ ખોટી ભૂખ જણાતાં, શારદાબહેન ને ચંચળબાની ઉપરવટ થઈ, એમણે લસણ નાંખેલા બે પૂડા ખાધા. ને સગડી પાસે બેસી ઘડીક હુંફ લેવા બેઠા ત્યાં જ શારદાબહેને પેલી વાત કાઢી: નીતાનાં લગ્નની. એમાં ચંચળબા ભળ્યાં. સાસુ વહુને થોડી ટપાટપી થઈ. હસમુખલાલ જરા ઉગ્ર બની ગયા. સરિતા સ્વાતિ લેસન કરતાં દોડી આવ્યાં હતાં. ‘શારદા આ ઘરનાં કોઈને સમજવા માંગતી જ નથી. એને પોતાના માણસનું ય માન જાળવતાં આવડતું નથી. બસ, એની અક્કલ ને સમજ પ્રમાણે વર્તે છે... ને...’ આવા વિચારોના ભાર તળે હસમુખલાલે રવિવારની રાત ખેંચી કાઢી હતી. દર સેમવારે ઊંચકાય છે એના કરતાં આજે એમને જીવ વધારે ઊંચકાઈ ગયો હતો... ‘ને આ કબજિયાત સાળી જીવ લેવા બેઠી છે.’ બબડતાં ને ભ્રમરો ખેંચતાં-તમે ઝડપથી વૃદ્ધ બનતા જાઓ છો?’ ની એક ‘કવીઝ’ કાઢીને બેઠા. ને પૂછેલા પ્રશ્નોના જવાબો મનોમન ઝડપથી ‘હોવે’ ‘ના’ ‘નો-સર’ કહી આપવા માંડ્યા ને પરિણામ જોયું. ભડક્યા. ઓગણપચાસ પુરવાર થતાં હતાં ! જમવા બેસવાથી માંડીને બૅન્ક પહોંચે ત્યાં સુધીમાં એમની વાણી વૈખરી રૂપ ધારણ કરી લેતીઃ મુંબઈના દસકામાં એ ઉભડક જમવાનું શીખી ગયા હતા. પંદર મિનિટથી પાંચ મિનિટ ને ક્યારેક ત્રણ મિનિટમાં સવારનું ભોજન પતાવી લઈ શકતા. એ ટેવ અમદાવાદ આવ્યા પછી કાયમ રહી. રવિવાર સિવાય પલાંઠી વાળવાનું એમને ફાવતું નહિ. સ્વાતિ લેસન કરી રહી હોય ને મોટી સરિતા રસેડામાં મદદ કરવા આવી પહોંચી હોય. ચંચળબા રસોડાના એક ખૂણામાં ગૌમુખીની માળા લઈ બેઠાં હોય ને એમની ચૂંચલી આંખોથી બધું જોયા કરતાં હોય ને કાનમાં થોડા અસ્પષ્ટ અવાજો ને શબ્દો પડ્યા કરતા હોય. એમની હાલ્યા કરતી હડપચી અટકે એટલે સમજવાનું કે કંઈક અણગમતું બન્યાની ગંધ આવી ગઈ છે. પણ ઘડી મન મનાવી કરચલીયાળી હડપચી એની ઘરેડમાં ચાલ્યા કરતી. શારદાબહેન ‘દાળ મૂકું?’ ‘શાક મૂકું?’ પૂછતાં હોય ને હસમુખલાલ જો બોલવા ઉપર ને બબડવાના ઢાળમાં ઢળી ગયા તો... ‘હેં...હા, થોડી દાળ લાવજે. તો ડાકોરની વાતો સાંજે વાળુ કર્યાં પછી નિરાંતે કરીશું. ફ્રક્કડ પ્રોગ્રામ ઘડી કાઢીશું. કેમ, હું કૈં મશ્કરી કરું છું..લે...એ, એમાં બાળકને સમજાવતા હોઈએ એવું શું કહ્યું? અતારના કંઈ એવો માંડી માંડીને વાત કરવાનો સમો છે. આ જોને... ઉભડક બેઠો ખઉ છું... હત્તારીની-પાછો દાળમાં રાઈનો છમકારો કર્યો ને મરચાં તો આ છ-સાત તરે છે. તમે મારી જીભ બાળવા ને પેર બાળવા બેઠાં છો...ને પછી કો’છો ‘તંઈ અડધો કલાકનું ધ્યાન શેના ધરો છે-બીડી પીતા પીતા?’... રોજ તને કહું કે તું રાઈને બદલે જીરાને વઘાર કર-લગીર ઘી લઈને એમાં જીરું ને સ્હેજ હીંગ નાખીને વઘાર કર્યો હોય તો દાળ આખી મઘમઘી ઊઠે, ને આટલાં બધાં મરચાં તો મારાં આંતરડામાં અગન પેદા કરશે.’ ‘આંતરડે લાગી લાય ને હસમુખરાય...અલ્યા, ઘડીક ગમ્મત કરું છું એમાં આમ મોઢું શાનું કૂંગરાવે છે...હા... હા શાક ઠીક છે. ઠીક છે એટલે સવાદુ છે. દહીંનો છંટકારો સરસ થયો છે. પાપડ ના શેક્યો...સાંભળે છે? કહું છું પાપડ ના શેક્યો? આ રોજની તમારી ભૂલભૂલામણી. સ્વાતિ...ઈ. બેટા, મારું પેન્ટ ધેબીને ત્યાંથી લઈ આવજે, ઝડપ કરજે હાં-૯.૨૦ થઈ. હોવે, જમી રહ્યા, રહેવા દે. બાપજન્મારામાં ત્રીજી રોટલી ખાધી છે તે આજે આગ્રહ કરવા બેઠી? પાપડ તમે જ ખાજો, હવે. વરિયાળી? ...... ખલાસ થઈ ગઈ? આ પાંચ દહાડામાં પૂરી થઈ ! પણ હું ક્યાં એવું કહું છું કે તું બુકાટા ભરી ગઈ? અડધો કિલો પાંચ દિવસમાં સફાચટ. આ ઘરમાં તો વરિયાળી એટલે ધાણી- ચણા જ જોઈ લ્યો.— અલ્યા...ધૂપેલ... તો ભલે ટોપી ચીકણી થાય. આ સૂકા ઘાસ જેવા વાળ થઈ ગયા છે એ જોતી નથી? લાઈશું લાઈશું’...આ મેલીદાટ ટોપીને હોળીમાં પધરાઈશું ને દિવાળીએ નઈ લાઈશું. ઑફિસ જતી વખતે મારો છાલ છેદો મૂક ને ધૂપેલ લાય— જો...યું? આ કરકસર તે આનું નામ. દસકો થયો આ સૂટને... તપકીરિયા કોટ-પેન્ટની એ જ ખૂબી છે ! ને પાંચકો થયો આ મારા બૂટને...જોતાં નથી? આ ઘેર થોપાડાં પહેરીને ફરું છું. એ હારુ છે ને કે બૅન્કથી આટલે દૂર પડ્યાં છીએ—કોઈ જુનિયર ક્લાર્ક કે પટાવાળો મને ઘરમાં જુએ તો બીજે દા’ડે આબરૂ જેવી ચીજની રેવડી દાણાદાણ થઈ જાય. રહેવા દે સ્વાતિ ...ટાઈ નથી પહેરવી આજે. હારુ...લાય. વીંટાળી દઉં... છત્રી ઉનાળામાં ને ચોમાસામાં... અત્યારે ના હોય હં—બેટા. ક્યાં બધું સાંજ સુધી વેંઢાર્યા કરું? ને કદીકને ભૂલી ગયા તો તારી મા મારો... મારો પોર્ટફોલિયો લાય બેટા... શું કે છે તારી મા? એમાંથી બટાટાવડાની વાસ આવે છે? આવે તમને વાસ, અને જુઓ કહી દઉં... આ શબ્દ–’ગંધાતો’—મારા પોર્ટફોલિયો માટે વાપરવાની જરૂર નથી. આ એ જ ‘ગંધાતા’ને મારી સજ્જામાં મૂકજો... બોલાઈશ નહિ તું મને! રોજ ઑફિસ જતાં કકળાટ...કકળાટ...કકળાટ— એક બાજુથી તારાં મરચાં ને દાળ ને ચોખા પેટમાં કૂદાકૂદ કરતાં હોય ને બીજી બાજુથી તું મારી મગજની નસો તાણવા બેસી જાય છે. ...... છેક છેલ્લી ઘડીએ રજીસ્ટરમાં સહી કરાવવા આવવાનું હોય, બેટા? આખી સવાર ના સૂઝ્યું...લાયય.... ...અલ્યાં, મારી પેન ક્યાં ગઈ? પણ ‘દઈ જાણે’ તે શોધી કાઢોને...એ... મારી નવચાળીસની બસ ઊપડી જશે એટલું ન... મારી ફાઉન્ટન ક્યાં? સરિતા... સ્વાતિ... મારી પેન ક્યાં? . ઓ... ઉ, ત્રાહિ મામ્. બેટા, તમે કેાઈએ મારી પેન લખવા લીધી’તી? ત્યારે મારી પેન ક્યાં ગઈ? આ લાલ પેન્સીલ કોટમાં અકબંધ છે ને મારી પેન…..મારી પેન...મારી પેન… તું ય મારે જીવ ખાય છે ને? લાલ પેન્સીલથી સહી ન થાય- પણ મારી પેન ખોળી કાઢો ને— હાં...મેં જ કાલે પેલા પલંગનાં બે ગોદડાઓ વચ્ચે મૂકી દીધી છે. મારી ડાયરી પણ ત્યાં જ છે. સહી ક્યાં કરવાની છે? આ ઈતિહાસમાં કેમ આવો ભમરડો... હારુ લે. હા — — આવજો. આઈશું સમયસર. બારોબાર કેદારનાથ નહીં ચાલ્યા જઈએ—’


* * *