અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/વિવેચન – વિવેચક-વિચાર

From Ekatra Wiki
Revision as of 01:01, 25 April 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૩. વિવેચક-વિવેચન-વિચાર
પ્રા. જશવંત શેખડીવાળા

ગુજરાતીમાં પ્રચલિત ‘વિવેચક’ અને ‘વિવેચન’ અર્વાચીન સંજ્ઞાઓ છે. તેમનું રૂપ સંસ્કૃત તત્સમ શબ્દોનું છે; પરંતુ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં, વર્તમાનકાલીન પ્રચલિત અર્થમાં, તેમનો ભાગ્યે જ ક્યાંય ઉપયોગ થયો છે. અભિનવગુપ્ત-વિરચિત ध्वन्यावलोकामोचन, કુન્તક-કૃત वक्रक्तिजीवितम् આદિ ગ્રંથોમાં જ્યાં ‘વિવેચક' અને ‘વિવેચન’ જેવા શબ્દ જોવા મળે છે, ત્યાં તે ‘વિવેકી’ (સારા-નરસાનો ભેદ કરી શકતી વ્યક્તિ) અને ‘ચર્ચાવિચારણા'ના અર્થમાં યોજાયા છે. વિવેચક એટલે સાહિત્યનું વર્ણન–અર્થઘટન- મૂલ્યાંકન કરતો વિદ્વાન અને વિવેચન એટલે સાહિત્યનું વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકન કરતું શાસ્ત્ર, એવા અર્થમાં આ સંજ્ઞાઓ સંસ્કૃતમાં યોજાઈ નથી (સંસ્કૃતમાં વિવેચન માટે ‘અલંકારશાસ્ત્ર', ‘કાવ્યશાસ્ત્ર', ‘કાવ્યમીમાંસા' જેવી સંજ્ઞાઓ યોજાતી હતી.) ગુજરાતીમાં પ્રચલિત ‘વિવેચક' અને ‘વિવેચન' સંજ્ઞાઓ અંગ્રેજી critic અનેcriticism શબ્દોના પર્યાય રૂપે યોજાઈ છે. (અંગ્રેજી critic શબ્દનું મૂળ ગ્રીક kritikos પરથી વ્યુત્પન્ન લૅટિન criticusમાં રહ્યું છે. તેનો મૂળ અર્થ છે : સારાસારનો વિવેક કરવો; ન્યાય કરવો.) તેથી અંગ્રેજીમાં criticism અને criticના જે અર્થ રૂઢ અને માન્ય છે, તે જ અર્થનું ગુજરાતી ‘વિવેચન' અને ‘વિવેચક' સંજ્ઞાઓમાં આરોપણ થયું છે. અર્થાત્ સાહિત્યનું વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકન કરતું શાસ્ત્ર તે વિવેચન; અને આવા વિવેચનની કામગીરીમાં પ્રવૃત્ત વિદ્વાન તે વિવેચક. વિવેચકના પર્યાય તરીકે ગુજરાતીમાં ‘આલોચક' ‘સમાલોચક' ‘સમીક્ષક’ જેવી સંસ્કૃત તત્સમ સંજ્ઞાઓ પણ પ્રસંગોપાત્ત યોજાતી રહે છે. (હિંદીમાં ‘વિવેચક'ને સ્થાને આલોચક' અને ‘વિવેચન' માટે ‘આલોચના' શબ્દ જ યોજાય છે.) આ બધી સંજ્ઞાઓ વ્યુત્પત્તિની દૃષ્ટિએ સમાનાર્થી છે. ‘આલોચના’ અને ‘સમાલોચના' શબ્દના મૂળમાં રહેલ लुच् ધાતુનો અર્થ છે ‘જોવું'. ‘આલોચના’–‘સમાલોચના' એટલે ‘બરાબર જોવું'. 'આલોચક’-‘સમાલોચક’ એટલે બરાબર જોનાર'. તે જ રીતે, ‘સમીક્ષા' એટલે सम्यक् ईक्षा યા ईक्षणम्. તેનો પણ અર્થ છે : બરાબર જોવું'. ‘સમીક્ષક' એટલે ‘બરાબર જોનાર’. તેથી ‘વિવેચક,' ‘આલોચક', ‘સમાલોચક’-‘સમીક્ષક’નો લાક્ષણિક રૂઢ અર્થ થાય છે : સાહિત્યકૃતિને સૂક્ષ્મતાપૂર્વક જોઈ-તપાસી, તેમાંના ગુણદોષ યા સુંદરતા-કદરૂપતાનું બરાબર દર્શન કરી, તદનુસાર તેનું સમ્યગ્ વર્ણન અને સમુચિત મૂલ્યાંકન કરનાર વિદ્વાન. વિવેચકની સાહિત્યલક્ષી વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકનની પ્રવૃત્તિ વિવેચન યા આલોચના કહેવાય છે. વિવેચનનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે. તેમાં સાહિત્યના ઉપલક્ષમાં થતી તાત્ત્વિક યા સૈદ્ધાંતિક ચર્ચાવિચારણાનો સમાવેશ થાય છે; તેમ કૃતિવિશેષને અનુલક્ષી થતી વિચારણાનો સમાવેશ થાય છે. સાહિત્યકારો, સાહિત્યકૃતિઓ, સાહિત્યસ્વરૂપો, સાહિત્યિક આંદોલનો અને પ્રવાહો વગેરેનું (તેમનાં જન્મ, પ્રેરક બળ, લક્ષણ, વિકાસ, પ્રભાવ આદિ દર્શાવતું) નિરૂપણ કરતા સાહિત્યના ઇતિહાસો તેમ જ સર્જકો-વિવેચકોના સાહિત્યસર્જનસાપેક્ષ ચરિત્રગ્રંથો પણ વિવેચનના ક્ષેત્રમાં સ્થાન પામે છે. પ્રાચીન-અર્વાચીન કૃતિઓનાં અધિકૃત સંપાદનો સાથે રજૂ થતાં તદ્વિષયક પ્રસ્તાવના, ટીકા-ટિપ્પણ આદિનો સમાવેશ પણ વિવેચનમાં થાય છે. સામયિકો અને વર્તમાનપત્રોની સાહિત્યિક કટારોમાં લખાતાં પુસ્તકાવલોકનો, ગ્રંથસમીક્ષાઓ, કાવ્યકૃતિઓનાં રસદર્શન પણ વિવેચન કહેવાય છે. ટૂંકમાં, સાહિત્યવિષયક તાત્ત્વિક વિચારણા કરતાં તેમ જ સાહિત્યકૃતિઓનાં પરિચય, સમજૂતી, અર્થ-ભાવઘટન, પૃથક્કરણ, તુલના, રસદર્શન, મૂલ્યાંકન આપતાં લખાણ વિવેચનને નામે ઓળખાય છે.

સાહિત્યનું સામાન્ય વિવેચન ગમે તેવી વ્યક્તિ કરી શકે છે; પરંતુ ઉત્તમ વિવેચન માટે વિવેચક પાસે ઘણાંબધાં ગુણો-લક્ષણોની અપેક્ષા રહે છે. તેનામાં પર્યાપ્ત સાહિત્યિક સૂઝ-સમજ ઉપરાંત તીક્ષ્ણ બુદ્ધિ, ઉત્કટ સંવેદના, પ્રબળ કલ્પનાશક્તિ અને કેળવાયેલ સૌંદર્યદૃષ્ટિ હોવી જોઈએ. તે બહુશ્રુત વાચક હોવો જોઈએ. પોતાની ભાષાના પ્રાચીન-મધ્યકાલીન-અર્વાચીન સાહિત્ય ઉપરાંત અન્ય અનેક ભાષાઓના સર્જનાત્મક અને વિવેચનાત્મક ઉત્તમ સાહિત્યથી તે સુપરિચિત હોવો જોઈએ. તે મનનશીલ અધ્યયનશીલ, સન્નિષ્ઠ, પ્રામાણિક પરિશ્રમી હોવો જોઈએ. તે કૃતિ-કર્તા પ્રતિના કોઈ પણ જાતના પૂર્વગ્રહથી મુક્ત પણ સમભાવશીલ હોવાની સાથે તદ્વિષયક પોતાના વિવેચનમાં નિષ્પક્ષ, નિર્ભીક, સ્પષ્ટવક્તા હોવો જોઈએ. તેનામાં કૃતિ-કર્તાવિષયક પોતાના ખ્યાલોને વ્યવસ્થિત રીતે, તર્કબદ્ધ રૂપમાં, સમર્થક દલીલ-દૃષ્ટાંત-અવતરણ સહિત, પ્રતીતિકર બની રહે તે રીતે, વિશદ ભાષામાં, સચોટ શૈલીમાં રજૂ કરવાની પર્યાપ્ત ક્ષમતા હોવી જોઈએ. સારા સાહિત્યિક વિવેચન માટે વિવેચકમાં આવા ગુણો, લક્ષણો, શક્તિઓ આવશ્યક લેખાય. પરંતુ વિવેચક માટે વિવેચનશાસ્ત્રનો ગંભીર અભ્યાસ તો અનિવાર્ય જ ગણાય. ભારતીય (સંસ્કૃત) ઉપરાંત પાશ્ચાત્ય વિવેચનસાહિત્યનું તેને પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ. ‘સાહિત્ય' એટલે શું, લલિત અને લલિતેતર સાહિત્ય વચ્ચેનો ભેદ, સાહિત્યનું માધ્યમ અને તેનું સ્વરૂપ તથા ક્ષમતા, તેનાં પ્રેરક બળ, સાહિત્યકૃતિના સર્જનનાં હેતુ અને પ્રયોજન, તેનાં સાધન અને સાધ્ય, કૃતિને કલાકૃતિ બનાવતાં કે રોકતાં તત્ત્વો અને તેમનું સંયોજન, કૃતિનાં વસ્તુ શૈલી નિરૂપણ સ્વરૂપ આદિની વિશેષતાઓ યા મર્યાદાઓ, કલાકૃતિજન્ય રસ યા આનંદ, સાહિત્યિક આનંદનું સ્વરૂપ, તેમાં ઉપકારક કે અવરોધક થતાં કારણ, કૃતિને ઉચ્ચાવચ બનાવતાં લક્ષણ, વિવિધ સાહિત્યસ્વરૂપોની નિજી લાક્ષણિકતાઓ, તેમની વચ્ચેનાં સામ્ય-વૈષમ્ય વગેરેની સૂક્ષ્મ-સમજ વિવેચકમાં હોવી જોઈએ. આવી સાહિત્યકલાકીય સમજ કેળવવા માટે વિવેચકે ભારતીય (સંસ્કૃત) અને પાશ્ચાત્ય બેઉ પરંપરાના વિવેચન-સાહિત્યનું વ્યાપક તેમ તલસ્પર્શી અધ્યયન-પરિશીલન કરવું જોઈએ. અર્વાચીન ગુજરાતી સાહિત્ય પાશ્ચાત્ય સાહિત્યપ્રેરિત હોવાથી, તેના વિવેચન માટે પાશ્ચાત્ય વિવેચનશાસ્ત્રનો અભ્યાસ પર્યાપ્ત લેખાય, એવું માનવું-કહેવું ઉચિત નથી, સાચું નથી. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ દ્વારા વિવિધ દૃષ્ટિકોણથી થયેલ ભારતીય સાહિત્યમીમાંસા દળ, ઇયત્તા, વૈવિધ્યમાં સમૃદ્ધ છે; અને તે અર્વાચીન કૃતિઓનાં અર્થઘટન, રસદર્શન, પૃથક્કરણ, મૂલ્યાંકનમાં પણ ઉપયોગી થઈ શકે તેવી છે. ભરત, અભિનવગુપ્ત, મમ્મટ દ્વારા થયેલ रस रीति ध्वनि औचित्य મીમાંસા, ભામહ, દંડિન્, રુદ્રટ દ્વારા થયેલ अलंकारચર્ચા, વામન દ્વારા થયેલ ઐતિવિચારણા, કુન્તક દ્વારા થયેલ वक्रोक्तिવિચારણા, આનંદવર્ધન અને અભિનવગુપ્ત દ્વારા થયેલ ધ્વનિવિચારણા અને ક્ષેમેન્દ્ર દ્વારા થયેલ સૌનિત્યવિચારણામાંના બધા નહીં તોપણ ઘણા સિદ્ધાંતો – આદર્શો – ઘણા સિદ્ધાંતો મુદ્દાના ઉપલક્ષમાં અર્વાચીન કૃતિઓનું પણ નિરીક્ષણ-પરીક્ષણ-મૂલ્યાંકન થઈ શકે તેમ છે. દા.ત., આનંદવર્ધનની ધ્વનિમીમાંસા આજનાં વ્યંજનાત્મક-કલાત્મક કાવ્યોના વિવેચનમાં, ક્ષેમેન્દ્રની ઔચિત્યવિચારણા તેમાંના ‘નૈતિક’ ઔચિત્યને લગતા થોડા મુદ્દાઓને બાદ કરતાં – પદ્યગદ્ય લલિતકૃતિઓના વિવેચનમાં, મમ્મટની કાવ્ય-‘ગુણદોષ' વિષયક વિચારણા અર્વાચીન-આધુનિક કાવ્યોના વિવેચનમાં સહાયરૂપ બની શકે તેવી છે. કુન્તક-કૃત वक्रोक्तिजीवितमा૨જૂ થયેલ બહુવિધ વિચારણાનો સહયોગ આધુનિક રૂપરચનાલક્ષી તેમ જ સંરચનાત્મક વિવેચનમાં ઉપકારક બની રહે તેમ છે. વસ્તુતઃ, સંસ્કૃત વિવેચનામાં સાહિત્યકૃતિને જાણવા-માણવા-નાણવા માટે ખપ લાગે તેવી સર્વદેશીય અને સર્વકાલીન કહેવાય તેવી, સર્જક કૃતિ ભાવક તમામને લક્ષમાં લેતી, ઠીક ઠીક વિચારણા થઈ છે. દા.ત., કુન્તક સાહિત્યકૃતિને સર્જકની વિશિષ્ટ પ્રતિભામાંથી સર્જાયેલ કલાકૃતિ તરીકે, સર્જકના દૃષ્ટિબિંદુ તપાસે છે. વામન સાહિત્યકૃતિને શબ્દસિદ્ધ સ્વાયત્ત કલાકૃતિ તરીકે, વસ્તુલક્ષી દૃષ્ટિએ, જુએ છે અને વર્ણવે છે. આનંદવર્ધન, મમ્મટ વગેરે સાહિત્યકૃતિનું આસ્વાદ્ય કલાકૃતિ તરીકે, ભાવકની દૃષ્ટિએ, વિવેચન કરે છે. એટલે, સંસ્કૃત વિવેચના અર્વાચીન સાહિત્યના વિવેચન માટે અતીતકાલીન અને અપ્રસ્તુત બની ગઈ છે, અને તેથી તેના અભ્યાસની કશી આવશ્યકતા નથી, એવો ખ્યાલ દુરસ્ત નથી. સારા વિવેચક થવા માટે સંસ્કૃત વિવેચનાનું ગંભીર અધ્યયન-પરિશીલન ઘણું આવશ્યક છે. સારા વિવેચક થવા માટે પાશ્ચાત્ય વિવેચનશાસ્ત્રનું પણ સમ્યગ્ જ્ઞાન હોવું જરૂરી છે. તેની પરંપરા, અતિ પ્રાચીન અને સમૃદ્ધ હોવાની સાથે, જીવંત રૂપમાં સતત વિકસતી આજ સુધી ચાલુ રહી છે. પાશ્ચાત્ય સાહિત્યમાંથી પ્રેરણા લઈ, તેના અનુકરણ રૂપે, સર્જાયેલ અર્વાચીન ગુજરાતી સાહિત્યના નાટક, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ વગેરેના સમુચિત વિવેચન માટે પાશ્ચાત્ય વિવેચના (તાત્ત્વિક વિચારણા તેમ કૃતિલક્ષી વ્યાવહારિક વિચારણા) સ્વાભાવિક રીતે જ અધિક ઉપયોગી બની રહે તેવી છે. તેથી, સાહિત્યકૃતિનાં સર્જન, હેતુ અને પ્રયોજન, માધ્યમ, સ્વરૂપ, ભાષા-શૈલી-નિરૂપણ, સાહિત્યકલા અને અન્ય કલાઓ વચ્ચેનાં સામ્ય-વૈષમ્ય, બાહ્ય જગતનું કલાકૃતિમાં થતું અનુકરણ કે નવસર્જન, પ્રશિષ્ટ કૃતિઓ અને રંગદર્શી કૃતિઓ, આદર્શપ્રધાન અને વાસ્તવિક કૃતિઓ, કૃતિને કલાકૃતિ કે કારીગરી બનાવતાં-દર્શાવતાં લક્ષણ, કવિતા-નાટક-વાર્તા-નવલકથાનાં વિભિન્ન સાહિત્યસ્વરૂપ, તેમને જોવા-તપાસવા- માણવા-મૂલવવાના વિવિધ માપદંડ અને અભિગમ, વિભિન્ન સાહિત્યિક સમસ્યાઓ- આંદોલનો-સંપ્રદાયો વગેરે વિશે વિચારણા કરતી ગ્રીક, લૅટિન, અંગ્રેજી (અને તેના દ્વારા સમગ્ર પાશ્ચાત્ય) વિવેચનાનો અભ્યાસ સંન્નિષ્ઠ વિવેચકે કરવો જોઈએ. બધા વિવેચકોની બધી કૃતિઓનો યા મોટા ભાગની કૃતિઓનો અભ્યાસ શક્ય ન બને, તો કમસે કમ પ્લૅટો. એરિસ્ટોટલ, લૉન્જાઈનસ, હૉરેસ, એડિસન, મૅથ્યુ આર્નોલ્ડ, સેઇન્ટ્સબરી, બેનેડિક્ટ ક્રોચે, વિલિયમ એમ્પ્સન, આઈ. એ. રિચાર્ડ્ઝ, એલિયટ, સુઝાન લૅંગર, જ્હૉન ફ્લેચર જેવા વિદ્વાનોના સાહિત્યિક વિવેચનના ગ્રંથોનો તેમ જ માલ્કમ બ્રેડબરી, ફ્રેન્ક બ્રેડી આદિ દ્વારા સંપાદિત સમકાલીન વિવેચન અને સાહિત્યિક સિદ્ધાંત તથા સંરચના વિષયક ગ્રંથોનો અભ્યાસ તેણે અવશ્ય કરવો જોઈએ. તે ઉપરાંત, મનોવૈજ્ઞાનિક, રૂપ-રચનાવાદી, શૈલીવિજ્ઞાનીય, સંરચનાલક્ષી, માર્ક્સવાદી અભિગમ ધરાવતી વિવેચનધારાઓનો સુપરિચય પણ તેણે કેળવવો જોઈએ. ઐતિહાસિક, ચરિત્રાત્મક, સમાજશાસ્ત્રીય, પ્રભાવાત્મક આદિ વિવેચન-અભિગમોની વિશેષતાઓ અને મર્યાદાઓની જાણકારી પણ તેને હોવી જોઈએ. વિવેચક જો આવી-આટલી સજ્જતા કેળવી શક્યો હોય, તો તે કર્તા અને કૃતિનું મહદંશે સમુચિત અને શ્રદ્ધેય વિવેચન જરૂર કરી શકે. પરંતુ ઉત્તમ વિવેચન માટે ભારતીય અને પાશ્ચાત્ય વિવેચનશાસ્ત્રનો ગંભીર અભ્યાસ પણ પર્યાપ્ત નથી.

તેનું વિવેચન સમતોલ, સર્વગ્રાહી, સ્વીકાર્ય બની રહે તે માટે વિવેચક અનેક શાસ્ત્રો અને વિદ્યાઓના જ્ઞાનથી સંપન્ન હોવો જોઈએ. સુશ્રુત સારા વૈદ્ય માટે જે કહે છે તે વિવેચક માટે પણ સાચું છે :

एकं शास्त्रमधीयानो न विद्याच्छास्त्र निश्चयम् ।
तस्माद् बहुश्रुतः शास्त्रं विजानीयात् चिकित्सकः ॥

(ચિકિત્સક માટે તેના એક જ શાસ્ત્રનું અધ્યયન પૂરતું નથી. જો તે સાચું નિદાન કરવા ઇચ્છતો હોય, તો તેણે ઘણી વિદ્યાઓના જ્ઞાતા - બહુશ્રુત થવું જોઈએ.) એટલે, વિવેચનશાસ્ત્ર ઉપરાંત સૌંદર્યશાસ્ત્રનું જ્ઞાન પણ વિવેચકમાં હોવું જોઈએ. વિવેચનશાસ્ત્ર સાથે તેને નિક્ટનો સંબંધ છે. સાહિત્યકૃતિ સુંદર હોય તો હૃદયંગમ અને આનંદપ્રદ બને. સૌંદર્ય શું છે? તે કૃતિનિષ્ઠ હોય છે કે ભાવકનિષ્ઠ? તેનાં લક્ષણો કયાં? કૃતિનું સૌંદર્ય સપ્રમાણ, સુગઠિત, સુરેખ, સૌષ્ઠવયુક્ત, કોમળ, અનુનેય, જીવંત અંગ-ઉપાંગની સંઘટ્ટનાથી યુક્ત અખંડ, એકરૂપ કલેવરમાં હોય છે, કે તેની કોઈ આંતરિક ગુણસમૃદ્ધિની દીપ્તિમાં? કઈ ક્ષતિ કે ઊણપ તેના સૌંદર્યના પૂર્ણ પ્રકાશનમાં બાધારૂપ બને છે? તેનું સૌંદર્ય સહજ-સ્વાભાવિક છે કે કૃત્રિમ છે?... સાહિત્યકૃતિના નિરીક્ષણ-પરીક્ષણમાં ઊઠતા આવા અનેક પ્રશ્નોના ઉત્તર માટે સૌંદર્યશાસ્ત્રનો આશ્રય લેવો પડે. તેનું જ્ઞાન વ્યક્તિ કે વસ્તુની જેમ, કૃતિનું આંતર-બાહ્ય સૌંદર્ય જોવા, પ્રમાણવા અને પ્રતીતિકર લાગે તે રીતે વર્ણવવા માટે વિવેચકને સહાયરૂપ થઈ શકે. સાહિત્યવિષયક તાત્ત્વિક વિચારણામાં પણ તેનો સહયોગ ઉપકારક બની રહે. વિવેચક માટે માનસશાસ્ત્રનું જ્ઞાન પણ જરૂરી ગણાય. સાહિત્યકૃતિમાં માનવીનું, વ્યવહારજગત સાથેના તેના સંબંધો અને સંઘર્ષોનું, તજ્જન્ય સંવેદનાઓ-કલ્પનાઓ-વિચારોનું તદનુસાર તેના દ્વારા થતી સૂક્ષ્મ અને સ્ફુટ પ્રવૃત્તિઓનું, તેમનાં પ્રક્રિયા અને પરિણામોનું નિરૂપણ થાય છે. આ નિરૂપણ સાચું, સુંદર, સંવેદ્ય, વેધક બન્યું છે કે કેમ, તે વિવેચક યથોચિત રૂપમાં તો જ કહી શકે, જો તેનામાં માનવમનની ગતિવિધિનું અનુભવ-નિરીક્ષણજન્ય, વાચન-શ્રવણજન્ય, ઉપરાંત માનસશાસ્ત્રપ્રાપ્ત જ્ઞાન હોય. સર્જકે તેની કૃતિમાં નિરૂપેલ પાત્રો યા ચરિત્રો જીવંત માનવીઓ જેવાં હૃદ્ય છે કે પૂતળાં સમાં નિર્જીવ છે, તેની પ્રતીતિ તેણે કરેલ યા ન કરેલ માનસશાસ્ત્રીય પાત્રાલેખન પરથી થાય છે. પાત્રોમાં જણાતાં સામાન્ય કે અસામાન્ય, વિલક્ષણ કે વિકૃત, આકર્ષક કે આઘાતક વિચાર-વાણી-વ્યવહાર તેમના ચેતન અને અવચેતન મનમાં સળવળતી કોઈક ચોક્કસ વૃત્તિઓ-વાસનાઓ-સંવેદનાઓનાં ઘોતક હોય છે. ‘ઍબ્સર્ડ' નાટકો કે ‘સર્‌રિયાલિસ્ટ' કાવ્યોમાં યા ‘ફેન્ટસી' કથાઓમાં નિરૂપિત પાત્રોનો વિલક્ષણ-વિચિત્ર સૂક્ષ્મ-ફ્રુટ સમગ્ર વ્યવહાર તેમના કંઈક ચેતન પણ ઝાઝા અવચેતન મનનો પરિપાક હોય છે. કલ્પનપ્રધાન કવિતા યા વાર્તામાં પણ કેટલીક વાર બ્લ્યૂનો અને પ્રતીકો અવચેતન મનની કોઈ વૃત્તિનાં ઘોતક હોય છે. આ બધું વાસ્તવિક રૂપમાં સમજવા – માણવા માટે અને પ્રતીતિકર રૂપમાં સમજાવવા માટે વિવેચકને માનસશાસ્ત્રની સહાય લેવી જ પડે. માનસશાસ્ત્રથી સાવ અનભિજ્ઞ વિવેચક પ્રાચીન કે આધુનિક સંકુલ કલાકૃતિઓનું સમ્યગ્ વિવેચન ભાગ્યે જ કરી શકે. વિવેચકને તેના વિવેચનમાં સમાજશાસ્ત્રનું જ્ઞાન પણ ઉપયોગી થઈ શકે. કથાશ્રિત કૃતિઓમાં – વાર્તા, નવલકથા, નાટક, કથાકાવ્ય આદિમાં – માનવીના અંગત જીવન ઉપરાંત તેના પારિવારિક અને સામાજિક જીવનનું પણ નિરૂપણ થતું હોય છે. આ ત્રણેય પ્રકારનું જીવન કલાત્મક તેમ વાસ્તવિક આલેખાયું હોય, તો જ કૃતિમાં નિરૂપિત પાત્ર, વસ્તુ અને વાતાવરણ સાચું, સજીવ, હૃઘ, વેધક બને, અન્યથા નહીં. ધૂમકેતુ, ૨. વ. દેસાઈ જેવાની ગ્રામજીવનવિષયક અનેક વાર્તાઓ-નવલકથાઓને પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, જયંત ખત્રી કે ચુનીલાલ મડિયાની તેવી કૃતિઓની પડખે મૂકી જોતાં, આ વસ્તુસ્થિતિનો ખ્યાલ આવે છે. વિવેચક જો પરિવાર-સમાજ-લોકવ્યવહારની વાસ્તવિક સ્થિતિથી અનભિજ્ઞ હોય, તો તેમના કૃતિગત નિરૂપણની સત્યાસત્યતા વિશે અસંદિગ્ધ રૂપમાં કહી શકે નહીં. તેથી લોકવ્યવહારનું પર્યાપ્ત જ્ઞાન સર્જકની જેમ વિવેચક માટે પણ જરૂરી છે. આવું જ્ઞાન તેને તેના પોતાના અનુભવમાંથી અને સમાજજીવનના નિરીક્ષણમાંથી મળી શકે તેમ સમાજશાસ્ત્રના અધ્યયનમાંથી પણ મળી શકે. સાહિત્યિક કલાકૃતિમાં નિરૂપિત જગત સ્વતંત્ર અને સ્વાયત્ત હોય છે, તેને જોવા-પરખવા-મૂલવવા બાહ્ય જગતના કોઈ માપદંડની જરૂર નથી, આવું કેટલીક વાર ભારપૂર્વક કહેવાતું હોવા છતાં તે સાચું નથી. કલાકૃતિમાં નિરૂપિત જગતનો બાહ્ય જગત સાથે પ્રત્યક્ષ કે પ્રચ્છન્ન સંબંધ અવશ્ય હોય છે. તેથી બાહ્ય જગતનું વસ્તુલક્ષી વાસ્તવિક આલેખન કરતાં સમાજશાસ્ત્ર જેવાં શાસ્ત્રોનો અભ્યાસ સાહિત્યકૃતિમાં નિરૂપિત માનવી, પરિવાર, સમાજના નિરીક્ષણ-પરીક્ષણ-મૂલ્યાંકનમાં વિવેચકને જરૂર ઉપયોગી થઈ પડે. વિવેચકને તેના વિવેચનમાં ક્યારેક ઇતિહાસ-ભૂગોળનું કેટલુંક જ્ઞાન પણ ઉપયોગી થઈ પડે છે, વિશેષતઃ ઐતિહાસિક વાર્તા-નવલકથા-નાટકના વિવેચનમાં. ઐતિહાસિક સાહિત્યકૃતિ આમ તો કાલ્પનિક હોય છે; પરંતુ તેમાં નિરૂપિત કેટલાંક પ્રમુખ પાત્રો, ઘટના, સ્થળો સાચાં-વાસ્તવિક હોય છે. લેખક આવાં વાસ્તવિક પાત્રો-કાર્યો-સ્થળોનું જો અવાસ્તવિક યા ખોટું કાલ્પનિક નિરૂપણ કરે, તો તે તેની મર્યાદા અને કૃતિમાંની ક્ષતિ જ ગણાય; કેમ કે સુશ વાચકને તે અસત્ય અને અપ્રતીતિકર લાગે, અને તેમાંથી તેનો રસ ઊડી જાય. આવી ક્ષતિઓ ક. મા. મુનશી, ધૂમકેતુ, દર્શક જેવા મોટા લેખાતા લેખકોએ તેમની કેટલીક સારી ગણાતી કૃતિઓમાં કરી છે પરંતુ ઇતિહાસ-ભૂગોળના જ્ઞાનથી વિમુખ એવા મોટા ભાગના ગુજરાતી વિવેચકોને તે દેખાઈ નથી. દા.ત., મુનશી કૃત ‘ગુજરાતનો નાથ' નવલકથામાં આરંભમાં જ એવું નિરૂપણ થયું છે કે દક્ષિણ ગુજરાતમાંથી આવેલ કાક અને સૌરાષ્ટ્રમાંથી આવેલ કૃષ્ણદેવ (રા'ખેંગાર), સરસ્વતી નદી બે કાંઠે વહેતી હોવાથી તેમ જ શત્રુઓના આક્રમણના ભયથી નદીમાં રાતે હોડી ચલાવવા માટે નિષેધ ફરમાવાયો હોવાથી, પાટણમાં પ્રવેશી શકતા નથી; અને રાતભર નદીકિનારા પર જ શાસકો પર બળાપો કાઢતાં પડી રહે છે! કથામાં વાચક માટે રહસ્ય, રોમાંચ, જિજ્ઞાસા પેદા કરવા માટે તેમ જ કાકના પાત્રને નિર્ભીક, સાહસિક, વીર પુરુષ તરીકે રજૂ કરવા માટે લેખકે આવું નિરૂપણ કર્યું છે; પરંતુ આ નિરૂપણ પાટણ સરસ્વતી નદીના ઉત્તર કિનારે વસ્યું છે તે મૂળમાં જ ખોટું યા અસત્ય છે. પાટણ સરસ્વતીના ઉત્તર કાંઠે નહિ પણ દક્ષિણ કાંઠે વસેલું છે. તેથી દક્ષિણ ગુજરાતમાંથી આવેલ કાક અને સૌરાષ્ટ્રમાંથી આવેલ કૃષ્ણદેવ (નદી ઓળંગ્યા વિના) જમીનમાર્ગે જ સીધા પાટણમાં પ્રવેશી શકે છે! બિનપાયેદાર વસ્તુસ્થિતિ પર ખડાં કરાયેલ રહસ્ય-રોમાંચમય વાતાવરણ અને નિર્ભીક-સાહસિક-વીર-પુરુષ કાક બેઉ સુજ્ઞ વાચક-વિવેચક માટે રોમાંચક નહીં પણ રમૂજી બની રહે છે! આવું અ-સત્ય નિરૂપણ દર્શક-કૃત ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથામાં પણ જોવા મળે છે. તેમાં નાયિકા રોહિણી આબુ પરના રઘુનાથજીના મંદિરની એક ઓરડીમાંથી દૂર દૂરનો અચલગઢ જોતી આલેખાઈ છે; જુલાઈ-૧૯૩૬માં આરંભાયેલ સ્પેનિશ આંતરવિગ્રહ ઈ. સ. ૧૯૩૬ પૂર્વે જ સમાપ્ત થઈ જતો વર્ણવાયો છે; અને ગાંધીજીના આશ્રમ અને સત્યાગ્રહને ગાંધીજી પોતે શરૂ કરે તે પહેલાં જ લેખક દ્વારા શરૂ થઈ જતા દર્શાવાયા છે! આવું પાયા વગરનું, અવાસ્તવિક અને તેથી અપ્રતીતિકર અને નીરસ નિરૂપણ જોઈ ચી.ના. પટેલ જેવા સૌમ્ય ગાંધીવાદી વિવેચકે પણ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'ની સમીક્ષા (‘સંસ્કૃતિ'-જૂન, ૧૯૬૯) કરતાં સ્પષ્ટ લખ્યું હતું કે દર્શક નથી ઇતિહાસને ન્યાય કરી શક્યા, નથી કલાત્મક ઐતિહાસિક નવલકથા લખી શક્યા. વિવેચક જો ઇતિહાસ-ભૂગોળનું કંઈક જ્ઞાન ધરાવતો હોય, તો આવી ક્ષતિગ્રસ્ત કૃતિઓનું બરાબર વિવેચન કરી શકે.

ધર્મ-દર્શન-ભક્તિના રંગોથી રંગાયેલ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કૃતિઓના યથાર્થ વિવેચન માટે ધર્મ, દર્શન, ભક્તિ-વિષયક જ્ઞાનની પણ અપેક્ષા રહે છે. તત્કાલીન ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્યિક પરંપરાઓ, દાર્શનિક વિચારધારાઓ, જૈન-બ્રાહ્મણ પૌરાણિક સાહિત્ય અને દંતકથાઓ વગેરેનું કેટલુંક જ્ઞાન વિવેચક માટે જરૂરી ગણાય. નરસિંહ મહેતા અને અખા જેવા કવિઓની કેટલીક તત્ત્વ-ચિંતનપ્રધાન કાવ્યકૃતિઓને સમજવા-માણવા-સમજાવવા માટે વેદાન્તદર્શન અને તેની પરિભાષાની, તો દયારામ જેવા કવિનાં કેટલાંક અતિશ્રૃંગા૨ી જણાતાં પદો-ગરબીઓની સમુચિત સમજૂતી યા રસદર્શન માટે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવદર્શન અને તેની પરિભાષાની જાણકારી હોવી આવશ્યક છે. ‘ભરતેશ્વરબાહુબલિરાસ' જેવી કેટલીક કાવ્યકૃતિઓનું વિવેચન જૈન ધર્મની અમુક આખ્યાયિકાઓ અને દંતકથાઓની જાણકારી વિના અસ્પષ્ટ કે અપૂર્ણ રહી જાય. તે જ રીતે, મધ્યકાલીન લોકસંતોનાં ખાસ કરીને જ્ઞાનમાર્ગી, રહસ્યમાર્ગી, નિજારપંથી સંતોનાં પદો-ભજનોનાં અવબોધ-આસ્વાદ-વિવેચન તેમની પરંપરા, ફિલસૂફી, પરિભાષા વગેરેની સમજણ વિના ભાગ્યે જ કરી શકાય. કબીર, ગોરખ, ત્રિકમસાહેબ, ભીમસાહેબ, દાસી જીવણ વગેરેનાં પદો-ભજનોમાં ‘વાયક', ‘મંડપ', ‘પાટ', ‘પરમોદ', ‘અજપાજપ’, ‘અનહદ નાદ', ‘અનહદ નૂરા’, ‘પિયાલો', ‘ઓહંગ સોહંગ’, ‘મોતી’, ‘ઇંગલા-પિંગલા-સુષુમણા', ‘જતિ-સતી', ‘જ્યોત', ‘જામૈયો', ‘નૂરીજન' જેવા પારિભાષિક શબ્દો વારંવાર યોજાય છે. તેમના અસલ લાક્ષણિક અર્થ-ભાવ ન સમજનાર વિવેચક આ પદો-ભજનોનું વિવેચન કરવામાં કાં ઊણો ઊતરે, કાં નિષ્ફળ જાય. મધ્યકાલીન પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓનાં અવબોધ – આસ્વાદ – આલોચનમાં તેની અમુક પરંપરાઓ વિશેનું જ્ઞાન ઉપકારક થઈ શકે. તત્કાલીન સાહિત્યિક પરિસ્થિતિ, ગતિવિધિ અને પરંપરાથી અજાણ વિવેચક કોઈ વાર અજ્ઞાન યા અતિઉત્સાહવશ ખોટું યા ભળતું જ નહીં, હાસ્યાસ્પદ વિવેચન પણ કરી બેસે. દા.ત., મધ્યકાળમાં શિષ્ટ સાહિત્યિક ગદ્ય નહીંવત્ ખેડાયું હતું. લલિત તેમ લલિતેતર કૃતિઓનું એક માત્ર નહીં તોપણ મુખ્ય માધ્યમ પદ્ય હતું. વ્યાકરણ કે વૈદકના ગ્રંથ પણ પદ્યમાં રચાતા હતા. આવી સ્થિતિમાં રામાયણ, મહાભારત, ભાગવત કે બાણભટ્ટની કાદંબરી જેવી સંસ્કૃત કૃતિઓ પરથી જો કોઈ મધ્યકાલીન કવિ ગુજરાતીમાં કોઈ કૃતિ રચે, તો તે પઘમાં જ હોઈ શકે. તેથી ભાલણે તેનું કાદંબરી આખ્યાન ગુજરાતીમાં પદ્યમાં રચ્યું છે. તેમ કરવું તેને માટે અનિવાર્ય હતું. આમ છતાં, ઘણાબધા ગુજરાતી વિવેચકો ભાલણની કાદંબરીનું પદ્યરૂપ જોઈ મુગ્ધ બની ગયા છે. કેશવ હર્ષદ ધ્રુવ [1] થી માંડી અનંતરાય રાવળ[2] , ધીરુભાઈ ઠાકર[3], મનસુખલાલ ઝવેરી અને રમણલાલ શાહ[4] , તારાબહેન શાહ [5], દિલાવરસિંહ જાડેજા [6] સુધીના વિવેચકોએ ગુજરાતી સાહિત્યના તેમના નાના-મોટા ઇતિહાસોમાં કાદંબરીના પદ્યસ્વરૂપની ઘટનાને બહુ અહોભાવપૂર્વક નોંધી છે! બાણભટ્ટની કાદંબરીનો ‘કોઈ પણ ભાષામાં ‘જગતની ભાષાઓમાં' ‘ભારતભરમાં' પ્રથમ અનુવાદ ભાલણ દ્વારા ગુજરાતીમાં જ થયો હોવાની ઘટના વિશે પણ [7], અનંતરાય રાવળ [8], ભોગીલાલ સાંડેસરા[9] , તારાબહેન શાહ [10] આદિએ મુગ્ધભાવે લખ્યું છે; પરંતુ તેય ખરું નથી. ભાલણે બાણબટ્ટની સંસ્કૃત કાદંબરીને ગુજરાતીમાં ઉતારી તેની લગભગ ચાર સદી પૂર્વે નાગવર્મ-પ્રથમ નામના કવિએ તેને કન્નડ ભાષામાં ‘કર્ણાટક કાદંબરી'ને નામે ઉતારી હતી. [11] આપણા વિવેચકોએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું જો થોડી વધુ ગંભીરતાથી તેમ સમજપૂર્વક અધ્યયન કર્યું હોત, તો તેને વિશે આવી ચિંત્ય અને રમૂજપ્રેરક વિવેચના ન કરી હોત. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના વિવેચનમાં, તેની પરંપરાઓને લક્ષમાં ન લેતાં, ઘણા ગુજરાતી વિવેચકોએ અન્યત્ર પણ કેટલાંક સંદિગ્ધ યા ખોટાં વિધાનો કર્યાં છે. દા.ત., તત્કાલીન કથાશ્રિત દીર્ઘ કાવ્યકૃતિઓમાં નગર, મહેલ, યુદ્ધ, વન વગેરેનાં વર્ણન (નામ બાદ કરતાં) હંમેશાં એકસરખાં બીબાંઢાળ જ થતાં હતાં. નગરવિશેષના વર્ણનમાં માત્ર એક જ નવી વાત ઉમેરાતી, અને તે તેને પ્રસિદ્ધિ અપાવનાર કોઈ દેવમંદિર, પવિત્ર નદી યા સમ્રાટ કે અવતારનો ઉલ્લેખ. કાશી યા વારાણસીના વર્ણનમાં ગંગા નદી અને કાશીવિશ્વેશ્વર મહાદેવનો વિશેષ ઉલ્લેખ થાય, તો દ્વારિકાના વર્ણનમાં શ્રીકૃષ્ણ ભગવાન યા તેમના મંદિરનો અને ગોમતી નદી કે સાગરનો વિશેષ ઉલ્લેખ થાય. નગરની સમૃદ્ધિ, સુંદરતા વગેરેનાં વર્ણન એકસમાન થાય. તેથી, જો કોઈ કાવ્યકૃતિમાં નિરૂપિત સુપ્રસિદ્ધ નગરના વર્ણનમાં તેને અન્ય નગરોથી ભિન્ન તારવનાર અને પ્રસિદ્ધિ અપાવનાર, આવી કશી વિશિષ્ટ બાબતનો ઉલ્લેખ ન થયો હોય, તો તે નગરના નામ વિશે કંઈક શંકા જરૂર જાગે. દા.ત. અપભ્રંશ યા જૂની ગુજરાતીના એક કાવ્ય ‘સંદેશક રાસ' (અબ્દુર રહેમાન)માં થયેલું નગરવર્ણન. આ વર્ણન ખંભાત શહેરનું છે, એવું વિજયરાય વૈઘર ૧[12] , કે. કા. શાસ્ત્રી[13] , મનસુખલાલ ઝવેરી અને રમણલાલ શાહ [14] અનંતરાય રાવળ [15] , મંજુલાલ મજમુદાર [16] , દિલાવરસિંહ જાડેજા [17]. વગેરે વિવેચકોએ તેમના સાહિત્ય-ઇતિહાસોમાં નોંધ્યું છે; પરંતુ ‘સંદેશક રાસ'માં આ કહેવાતા ખંભાત-વર્ણનમાં સાગર કે સરિત્સાગરસંગમનો ક્યાંય અછડતો ઉલ્લેખ પણ થયો નથી. આ લેખક(જશવંત શેખડીવાળા)ને તેથી આશ્ચર્ય થયેલું, અને ખંભાતનું કહેવાતું વર્ણન ખંભાતનું હોવા અંગે તેના મનમાં શંકા જાગેલી. મૂળ કૃતિનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં આ શંકા સાચી પુરવાર થયેલી. તેમાં ખંભાતનું નહિ પણ મુલતાન નગરનું વર્ણન થયું છે! નગરવર્ણન કરતું પાત્ર પથિક સ્વમુખે પોતાના નગર વિશે કહે છે : મૂલથાણુ સુપસિધ્ધઉ મહિયલિ જાણિયાઇ' (મુલતાન સુપ્રસિદ્ધ છે, ધરતી પર તે જાણીતું છે). તે સિવાય, સામાન્ય બુદ્ધિથી વિચારતાં પણ તુરત જ સમજાય તેમ છે કે, આ નગરવર્ણન ખંભાતનું હોઈ શકે નહિ; કારણ કે મુલતાનથી નીકળી ખંભાત જઈ રહેલ પથિક માર્ગમાં આવતા વિજયનગર નામના એક શહેરમાં તેની કોઈ સ્ત્રી સમક્ષ – તેની પૃચ્છાના ઉત્તરમાં – પોતાના નગરનું વર્ણન કરે છે. તે વર્ણન ખંભાતનું શી રીતે હોઈ શકે? ખંભાત તો તે હવે પછી જવાનો છે!

મધ્યકાલીન પ્રશિષ્ટ સાહિત્યની જેમ કંઠસ્થ લોકસાહિત્યના વિવેચનમાં પણ તેની આગવી પરંપરાઓનો ખ્યાલ વિવેચકપક્ષે હોવો જરૂરી છે. લોકસાહિત્યમાં ગ્રામજનોના મનોભાવો અને ગ્રામીણ કુટુંબજીવન તથા લોકજીવન, તેમનાં વિવિધ રૂપો અને સારી-નરસી પરંપરાઓ ઉપરાંત પ્રાકૃતિક પરિવેશ સહિત, તળપદી લોકબોલીમાં, સ્વાભાવિક રૂપમાં આલેખાય છે. જે તે પ્રદેશના લોકજીવનથી, તેની પરંપરાઓથી, તેની તળપદી બોલી અને રૂઢિપ્રયોગોથી, તેના પ્રાકૃતિક પરિવેશથી અનભિજ્ઞ વિવેચક તે પ્રદેશના લોકસાહિત્યનું યથાર્થ વિવેચન કરી શકે નહીં. આ લેખક(જશવંત શેખડીવાળા)ને પણ, કચ્છ પ્રદેશ અને કચ્છી બોલીના અલ્પજ્ઞાનને લઈ, ‘કચ્છનું લોકસાહિત્ય' (લોકગુર્જરી-૧૨, માર્ચ-૧૯૮૫) નામના લેખમાં, આ કઠોર સત્યનો અનુભવ થયેલો. તેમાં તેણે કચ્છી પ્રકૃતિ અને માનવીઓની વિશેષતાઓનો ઘોતક આવો એક દુહો ટાંક્યો હતો :

ખેરી બેરીં ને બાવરી, ફૂલ કંઢા ને કખ્ખ;
હોથલ હલો કચ્છડે, જિતે માડુ સવા લખ્યું.

(હે હોથલ! જ્યાં ખેર, બોરડી, બાવળ, ફૂલ, કંઢા અને કખ્ખ છે, જ્યાં સવા લાખના મૂલ્યનાં માનવી છે, તે કચ્છમાં ચાલો.) આ દુહામાં ‘ખેરી બેરીં ને બાવરીં' શબ્દો પર અનુસ્વાર મૂક્યાં હતાં તેમ જ ‘કંઢા' ને ‘કખ્ખ'ની સાથે ‘ફૂલ'નો પ્રયોગ કર્યો હતો. લેખક કચ્છી બોલી અને પ્રકૃતિથી અજાણ, તેથી તેણે ક્યાંકથી મળેલ કચ્છી દુહો એવા રૂપમાં લખ્યો હતો. અશોક હર્ષ જેવા કચ્છી બોલી-પ્રકૃતિ-પરંપરાથી સુપરિચિત કચ્છી વિદ્વાને તેમાં રહેલી ક્ષતિ જોઈ, તેમના એક લેખમાં તેની આવી ટીકા કરી હતી : ‘‘લોકગુર્જરી' વાર્ષિકના ૧૧મા અંકમાં પ્રો. શેખડીવાળાએ એક કચ્છી દુહો ટાંક્યો છે... આ દુહામાં ખેરી (ખેર), બેરી (બોરડી) ને બાવી (બાવળ) ઉપર અંત્યાક્ષરે અનુસ્વાર બિનજરૂરી છે. વળી, મૂળ દુહામાં ‘ફૂલ કંઢા ને કખ્ખ' નહીં પરંતુ બ્યા (બીજાં) કંઢા ને કખ્ખ' છે. ‘ફૂલ'ને કચ્છીમાં ‘ફુલ' અથવા ‘ગુલ' કહેવામાં આવે છે, જેની વિપુલતા કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં કલ્પવી પણ મુશ્કેલ છે. [18] (લોકગુર્જરી-અંક : ૧૨, ૧૯૮૮; પૃ. ૨૧૫)
જશવંત શેખડીવાળાનો લેખ “ ‘સંદેશક રાસ'માં ખંભાતવર્ણન! ‘કચ્છનું લોકસાહિત્ય' નામના એ લેખમાં આ લેખકે બીજી પણ એક મોટી ભૂલ કરેલી. તેમાં ઋતુઓના વર્તારા દર્શાવતું એક ‘કચ્છી ભડલીસૂત્ર’ તેણે ટાંકેલું :

ડીંની વઝુર ને રાત જા તારા,
ચોંધલ ચંતા ઈ ડુકારજા ચારા.
તેનું ગુજરાતી ભાષાંતર આવું કરેલું :
દિવસે વાદળ ને રાતે તારા;
ચોંધલ કહે એ દુકાળના ચાળા.

સોનલ, આણલ, દેવલ જેવાં નામોના સાદૃશ્યે કરી, આ લેખકે ‘ચોધલ'ને કોઈ સ્ત્રીનું વિશેષ નામ સમજી લખ્યું હતું : ‘ચોંધલ કહે એ દુકાળના ચાળા.' અશોક હર્ષે તેને અનુલક્ષી તેમના ઉપર્યુક્ત લેખમાં આવી ટીકા કરી હતી : ‘આમાં ચોંધલ'નો અર્થ એમણે વ્યક્તિવિશેષ તરીકે ઘટાવેલ છે. કચ્છીમાં ‘ચોંધલ'નો અર્થ થાય 'કહેનાર'. એમાંના ચેં'નાં ક્રિયાપદ બહુવચનસૂચક હોઈને એનો અર્થ થાય ‘કહેનારા’.’’ (એજન, પૃ. ૨૧૫) આ લેખકે (જશવંત શેખડીવાળાએ) તેના એ લેખમાં આવી બીજી અનેક ભૂલો કરી હતી. તેમને અનુલક્ષી અશોક હર્ષે તેમના લેખમાં જે ટીકા કરેલી તે બિલકુલ સાચી હતી. વિવેચ્ય વિષય માટે જરૂરી જ્ઞાન મેળવ્યા વિના વિવેચક વિવેચન કરે, તો તેનું પરિણામ વિષમ જ આવે. નર્મદે સૈકા પૂર્વે ટીકાકાર યા વિવેચકને અનુલક્ષી જે લખેલું તે આજે પણ પ્રસ્તુત છે : ‘જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારું-નરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા (વિવેચન) કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં : જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકાકારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ. (જૂનું નર્મગદ્ય-ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ-૧.
આ. રજી, ૧૯૧૨; પૃ. ૩૫૬)


લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકબોલીનું પર્યાપ્ત જ્ઞાન યા સમજ ન હોય તો બીજી રીતે સક્ષમ અને સુસજ્જ એવો વિદ્વાન વિવેચક પણ લોકસાહિત્ય પરના તેના વિવેચનમાં ઘણી ગંભીર-મોટી ભૂલો કરી બેસે. લોકસાહિત્યવિષયક તેનું વિવેચન અસત્ય અને અશ્રદ્ધેય જ બની રહે. ચંદ્રકાન્ત દ્વારા થયેલું ‘સોનલ ગરાસણી' નામની એક સોરઠી ગીતકથાનું વિવેચન (મધ્યમાલા, પ્ર. આ. ૧૯૮૨; ‘લોકસાહિત્ય : પ્રજાનાં આંતરસંવેદનનો આલેખ' નામનો લેખ) તેનું ઉદાહરણ છે. તેમણે વિવેચેલી સોરઠી ગીતકથા આવી છે :

સોનલ રમતી રે ગઢડાની ગોખે જો,
ગઢડાની ગોખે જો;
રમતાં ઝલાણી સોનલ ગરાસણી.

‘રમતાં' ઝલાયેલી સોનલને છોડાવવા માટે દાદા ‘ધોળુડાં ધણ', કાકા ‘કાળુડું ખાડું', વીરો ધમરાળા વછેરા', મામા ‘વેલડું ને માફી આપવા' તૈયાર થાય છે, ‘તોય ન છૂટી સોનલ ગરાસણી.' અંતે સોનલનો સ્વામી ‘માથા કેરી મોળ્યું' આપે છે, ત્યારે દમકે છૂટી રે સોનલ ગરાસણી.’ ચંદ્રકાન્ત ટોપીવાળા, આ ગીતકથાનું વિવેચન કરતાં, તેને પ્રેમની એક સરસ અનુભૂતિ'ને સ્થાનિક રંગો સાથે અને સ્થાનિક અસબાબ સાથે પ્રગટ’ કરતી કૃતિ કહે છે! તેઓ તે વિશે લખે છે : “રમતાં ઝલાણી સોનલ ગરાસણી.' રમતની પરિભાષામાં અત્યંત સરલતાથી પ્રેમમાં બંધાઈ જવાની વાતને સહજ પ્રગટાવી છે.... આ ગઢડાના કલ્પન દ્વારા અને એના ગોખના કલ્પન દ્વારા પ્રેમની કોઈ વિશેષ ઊંચાઈ સંવેદવાની છે? શરૂઆતની આ પંક્તિઓમાં સોનલ તો ઝલાણી, પણ આપણેય ઝલાણા હવે? આડે આવ્યા કરશે કાકા, મામા, વીરાના દેશ. જેટલા માનવસંબંધોને, સ્નેહીસંબંધોને ઉમેરવા હોય, ઉમેર્યા કરો; કાઢવા હોય, કાઢ્યા કરો. એક સંબંધ છે, જેને છેલ્લે લાવીને મૂકવાનો છે અને જબરી ચોટ રજૂ કરવાની છે. (મધ્યમાલા, પૃ. ૧૦)... વેલ અને માફા પછી લગ્ન. પછી સ્વામી, કસબી ફેંટાવાળો સ્વામી. માથાની મોળ્યું મળી ને પછી? ‘ધબકે છૂટી રે સોનલ ગરાસણી.' ‘ધબક' જેવો આ એક શબ્દ અહીં કેવો અણઊકલ્યો રહે છે ને તોય અનેક રીતે ઉકેલવાની કેવી તેમાં શક્યતા પડેલી છે! એક ધબકે, એક ક્ષણમાં તરત જ છૂટી એવો પહેલો અર્થ તો મળે જ મળે, પણ પ્રેમને અને ધબકને, ધબકને અને હૃદયને, અને હૃદયને ધબકની સાથે કેવો સંબંધ છે! અંદરના સૂક્ષ્મ અનુભવથી માંડી બહારના આલિંગન દૃશ્ય સુધીનો વિસ્તાર છે અહીં. આ છે લોકગીતનો પરચો. (એજન, પૃ. ૧૨)
પરંતુ વિવેચક ટોપીવાળા આ ‘લોકગીતનો પરચો' જરાય પામી શક્યા નથી. આ ‘લોકગીત' વિશેની તેમની ચર્ચામાંનો એક પણ મુદ્દો સાચો નથી. તેમાં નથી ‘પ્રેમની એક સરસ અનુભૂતિ', નથી ‘પ્રેમમાં બંધાઈ જવાની વાત.' તેમાં ‘લગ્ન', હૃદયની ‘ધબક' કે ‘બહારના આલિંગન'નું દૃશ્ય કશું જ નથી! તેમાં તો કોઈ ક્રૂર દુરાચારી અપહરણકર્તાના કઠોર-ભીષણ પંજામાં ફસાઈ ગયેલ ગભરુ યુવતીની લાચારી અને કરુણતાની તેમ જ તેને છોડાવવા માટે એ દુષ્ટ અપહરણકર્તા સામે લડતાં ઝૂઝતાં પોતાનું માથું દઈ દેતા પતિની વીરતાની કથા રજૂ થઈ છે. લોકગીત, તળપદી બોલી, લોકજીવન, લોકસંસ્કૃતિ વિશે બેખબર ટોપીવાળા આ વસ્તુ સમજવામાં નિષ્ફળ ગયા છે. તેથી ઊલટું, લોકગીત-લોકબોલી-લોકજીવન-લોકસંસ્કૃતિના જ્ઞાતા ઝવેરચંદ મેઘાણી આ લોકગીતનું સરસ તેમ સાચું વિવેચન કરી શક્યા છે : ‘કોઈ ઠાકોરના રાજગઢને ઊંચે ગોખે રમતી – એટલે જ બાળકુંવારી (સગાઈ થઈ હોય પણ લગ્ન ન થયું હોય તેવી લેખક) રજપૂત કન્યાનું અપહરણ થાય છે. ગોખ પરથી ઉતારનારા તો સાંઢ્યોના સવારો – સિંધીઓ સુમરા જેવા જ કોઈ હશે. ‘સ્વામી કશી માલ-મૂડી ન લાવ્યો; પણ તલવાર ખેંચીને લડ્યો. એના માથા સાટે સોનલને મુક્તિ મળી... ‘સંપૂર્ણ આત્મસમર્પણ વગર સ્રીરક્ષા, ગ્રામરક્ષા, રાષ્ટ્રરક્ષા, ટૂંકમાં સ્વમાનરક્ષા થતી નથી. પીડિતોને હાથ પડેલું સ્વમાન સોદા-સાટાની કે દલાલાં-મસલતોની વસ નથી. આવું કંઈક લોકકવિને કહેવું હશે કે નહીં તે તો કોણ જાણે, પણ બનેલો અથવા કલ્પેલો પ્રસંગ લોકકવિએ થોડામાં થોડા શબ્દોને ખરચે ક્રિયા દ્વારા જ કહી નાખ્યો છે.' (લોકસાહિત્ય : ધરતીનું ધાવણ – ખંડ ૨,
બીજી સંવર્ધિત આવૃત્તિ ૧૯૭૨; પૃ. ૬૨-૬૩)


સોનલ રમતી રે ગઢડાને ગોખ જો' એ ગુજરાતી કથાગીત આપણા પૌરુષને રોમાંચિત કરે છે, કારણ કે એમાં પોતાની સ્ત્રીને છોડાવવા માટે ‘માથાની મોળ્યું' (પોતાનું મસ્તક) આપવા તલવારભેર નીકળતા પુરુષનો, પડકારનો ધમકે વિજય થાય છે.” (એજન, પૃ. ૨૯૭)
વિવેચ્ય વિષયનું પૂરતું જ્ઞાન વિવેચકમાં શા માટે હોવું જોઈએ તે આ ઉદાહરણ પરથી સમજી શકાશે.

અભ્યાસીઓ કેટલીક વાર લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ, લોકબોલીના જ્ઞાતા – દ્વારા પણ, મનની વિચારહીન અવસ્થામાં યા મુગ્ધતા કે લાગણીવેડામાં, લોકસાહિત્યનું સંદિગ્ધ કે ખોટું વિવેચન થતું જોવા મળે છે. કે. કા. શાસ્ત્રી અને પુષ્કર ચંદરવાકર જેવા વિવેચકોના કેટલાક લોકસાહિત્યવિષયક લેખોમાં આવું બન્યું છે. શાસ્ત્રીજીએ ‘પથિક' માસિકના એક ખાસ લોકસાહિત્ય અંક'માં પ્રકાશિત એક લેખમાં એવું પ્રતિપાદિત કરેલું કે (૧) લોકસાહિત્ય પદ્યસાહિત્ય હોય છે, (૨) મહાભારત, વિવિધ પુરાણો વગેરે લોકસાહિત્યના ક્ષેત્રમાં નહીં તો છેવટે લોકસાહિત્યના પ્રકારમાં તો આવે જ; (૩) ‘જે પદ્યરચનાના સર્જકનો પત્તો ન લાગે તે લોકસાહિત્ય.' શાસ્ત્રીજીનાં આ બધાં મંતવ્યો ખોટાં છે. લોકસાહિત્ય પદ્યમાં હોય છે, તેમ ગદ્યમાં પણ હોય છે. સેંકડો કહેવતો, ટુચકા, લોકવાર્તાઓ, દંતકથાઓ વગેરે ગદ્યમાં રચાયાં છે અને ચોતરફ ફેલાયાં છે. મહાભારત, પુરાણો વગેરે લોકસાહિત્ય યા ‘લોકસાહિત્યના પ્રકાર' નહીં પણ પ્રશિષ્ટ સાહિત્ય છે. જેમના સર્જકનો પત્તો ન લાગે તેવી બધી પદ્યકૃતિઓ લોકસાહિત્યની હોય નહીં. વસંતવિલાસ ફાગુના સર્જકનો પત્તો લાગતો નથી; તેમ છતાં તે લોકસાહિત્યની નહીં પણ શિષ્ટસાહિત્યની કૃતિ છે. ‘પથિક'ના એ ખાસ ‘લોકસાહિત્ય અંક'માં પ્રકાશિત એક લેખ ‘ગુજરાતનો લોકકવિ'માં પુષ્કર ચંદરવાકરે પણ લોકકવિ, લોકગીત વગેરે વિશે મુગ્ધભાવે ચર્ચા કરતાં આવી જ ગરબડ કરી હતી. તેમણે લોકપ્રિય કવિ અને લોકકવિ વચ્ચે તેમ જ લોકપ્રિય સાહિત્યકૃતિ અને લોકસાહિત્ય વચ્ચે અભેદ સ્થાપી દીધો હતો! પરિણામે તેમની નજરે નરસિંહ મહેતા ‘ગુજરાતીનો પહેલો લોકકવિ' ઠર્યા હતા. તેમને ‘લોકકવિ' પુરવાર કરવા માટે ચંદરવાકરે આવાં અનોખાં કારણો આપ્યાં હતાં : (૧) ‘તેનાં ભજનો અને પદો ગુજરાતમાં ગામડે ગામડે આજે ઘૂમી રહ્યાં છે.' (૨) વૈષ્ણવજન તો તેને કહીએ' જેવી ‘આંતરરાષ્ટ્રીય વ્યાપ્તિને પામેલી કૃતિ' તેણે રચી છે. (૩) તેનાં પદો ‘રેડિયો પર શુક્રવારે સવારે' ગવાય છે. (૪) તે સાંપ્રદાયિકતાથી પર છે, અને ‘સર્વજનહિતાય સાહિત્યનું ગાન' કરે છે. (૫) ‘તે સમન્વયનો કવિ બની રહ્યો છે.' આવાં અનેક કારણસર નરસિંહ મહેતા ‘ગુજરાતીનો પહેલો લોકકવિ' છે; અને તેનાં રચેલાં પદો ‘લોકગીતો' છે. ચંદરવાકર આ જ લેખમાં આગળ ઉપર મીરાં, પ્રેમાનંદ, શામળ, દયારામ વગેરેને પણ – નરસિંહ મહેતાની તોલે આવે તેવાં, ‘લોકકવિ' ન હોવા છતાં ઓછેવત્તે અંશે લોકકવિપદની નજીક પહોંચી શક્યાં હોવાનું કહે છે તેનું કારણ પણ એ છે કે તેમણે પણ ઠીક ઠીક પ્રમાણમાં લોકપ્રિય કાવ્યકૃતિઓ રચી છે! ચંદરવાકર, પરોક્ષ રૂપમાં, દલપતરામને પણ ઉપલોકકવિ તરીકે સ્થાપે છે; કારણ કે (૧) તેઓ ‘જનમનરંજન'નો આદર્શ ધરાવે છે; (૨) ‘ઉપદેશ' આપે છે; (૩) ‘સાઠ વરસથી ગુજરાતીઓ'ને કવિતાનું સતત ‘રસપાન’ કરાવતા રહ્યા છે. તેમના પુત્ર કવિ ન્હાનાલાલ ‘ગુજરાતનો સાચો લોકકવિ' બન્યા છે; કારણ કે તેમણે મારા કેસરભીના કંથ', ‘પ્રભો અંતર્યામી' ચંદ્રીએ અમૃત મોકલ્યાં', ‘મારાં નયણાંની આળસ રે' વગેરે જેવી ગુજરાતમાં ‘આબાલવૃદ્ધ' સૌના કંઠમાં વસી ગયેલી રચનાઓ આપી છે. તેથી, લોકસાહિત્યના ક્ષેત્રમાં નરસિંહ મહેતા પછી કવિ ન્હાનાલાલનું સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું છે. તેમના નિશ્ચિત સ્થાનને સુનિશ્ચિત કરવા માટે, સમર્થ રૂપે, તેમનાં બે ગીતો મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે' અને ‘મહીડાંની રીત'ને ચંદરવાકરે લેખમાં પૂરેપૂરાં ઉદ્ધૃત કરી દીધાં છે અને અંતમાં તારસ્વરે જાહેર કર્યું છે કે ‘સ્વ. કવિ શ્રી ન્હાનાલાલ ગુજરાતનો લોકકવિ છે તેની કોઈથી ના પાડી શકાય તેમ નથી.' લોકકવિ, લોકસાહિત્ય વગેરે સંજ્ઞાઓના સ્વૈર અર્થ કરી, ચંદરવાકરે ગુજરાતીના મધ્યકાલીન અર્વાચીન શિષ્ટ કવિઓને લોકકવિઓ તરીકે અને તેમના શિષ્ટ સાહિત્યને લોકસાહિત્ય તરીકે ઠોકી બેસાડ્યાં છે, તે સાવ અયુક્ત છે. અભ્યાસી વિવેચક પણ જો જાગૃત બુદ્ધિ વિના, અને મુગ્ધભાવે યા ઊર્મિલ બની, વિવેચન કરે, તો આવું અનપેક્ષિત અને અનિષ્ટ પરિણામ આવે. વિવેચકે તો હંમેશાં સ્વસ્થ, વિચારશીલ, તર્કયુક્ત રહેવું જોઈએ.

વિવેચકમાં, વિવિધ શાસ્ત્રો અને વિદ્યાઓના જ્ઞાન ઉપરાંત, માનવમનનું અને તેના બહુવિધ સંસારવ્યવહારનું અનુભવજન્ય તેમ નિરીક્ષણ અને શ્રવણજન્ય પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ. તેનામાં સામાન્યબુદ્ધિજન્ય કોઠાસૂઝ હોવી જોઈએ. આવાં જ્ઞાન અને સૂઝ-સમજ પણ તેને વિવેચનમાં કોઈ વાર સહાયરૂપ બની શકે; તો તદ્વિષયક તેનું અજ્ઞાન સારું વિવેચન કરવામાં ઊણું ઊતરે. તેના ઉપલક્ષમાં કોઈ વિવેચ્ય કૃતિને મૂકીને ક્યારેક તેની વાસ્તવિકતા યા અવાસ્તવિકતાની તપાસ કરી શકાય. દા.ત., પન્નાલાલ પટેલકૃત ‘મળેલા જીવ'માં નિરૂપિત ઝેરયુક્ત રોટલાની ઘટના. નાયિકા જીવી પ્રિયતમ કાનજીના તીવ્ર વિયોગદુઃખ અને ઝઘડાખોર-ઈર્ષ્યાળુ પતિ ધૂળાના ભયાનક ત્રાસની ભીંસમાં પીડાતી-મૂંઝાતી-રૂંધાતી આપઘાત કરવાનો નિશ્ચય કરે છે. પોતાને ખાવા માટેના રોટલામાં તે ઝેર ભેળવે છે. આ ઝેરી રોટલો અજાણ્યે જ જીવીનો પતિ ધૂળો ખાઈ જાય છે, અને કમોતે મરે છે. તેના મોત માટે જીવી જવાબદાર નથી. તે સાવ નિર્દોષ છે. તેમ છતાં, સૌ કોઈ તેને પતિહત્યારી ગણે છે અને તિરસ્કારે છે. જીવી-કાનજીના પરમ મિત્ર ભગતનાં મનમાં પણ એક વાર તો જીવી અંગે કંઈક શંકા જાગે છે. જીવીને મનમાં આટલી હદે હલકટ માનતો થાય છે : કાનજી પણ મને પતિહત્યારી હશે શું? કાનજી આગળ તે સાચી હકીકત શું છે, તે અંગે ખુલાસો કરવા ઝંખે છે. પરંતુ તે તો ગામ છોડી શહેરમાં જતો રહ્યો છે. મનમાં જાત જાતની અસહ્ય શંકા-ભીતિથી પીડાતી જીવી અંતે બાવરી-ગાંડી બની જાય છે. નવલકથાના કથાનકમાં અને નાયિકાના જીવનમાં આ ઘટનાથી એક અણધાર્યો અને આઘાતક વળાંક આવે છે; અને તે એક ગમગીન ‘ટ્રેજેડી’માં પરિણમે છે. આમ, આ ઘટના નવલકથામાં ઘણું મહત્ત્વ ધરાવે છે. જો તે અવાસ્તવિક યા અસંભવિત હોય, તો તેના પર આધારિત નવલકથાનો સમગ્ર ઉત્તરાર્ધ (વસ્તુ, પરિસ્થિતિ, પાત્ર, વાતાવરણ બધું) ગોઠવી કાઢેલ, અપ્રતીતિકર અને તેથી રસહીન બની રહે. આ લેખક (જશવંત શેખડીવાળા) દૃઢપણે માને છે અને કહે છે કે ‘મળેલા જીવ’ નવલકથામાં નિરૂપિત ઝેરી રોટલાની ઘટના બિલકુલ અવાસ્તવિક છે. આપઘાત કરનાર વ્યક્તિ ક્યારેય પોતાના ખાન-પાનની વસ્તુમાં ઝેર ભેળવી, તે દ્વારા મરે નહીં. ઝેર ખાવાની કે પીવાની ક્રિયા તે પળવારમાં જ પતાવી દે. (કોઈ કારણસર જો આ પળ વીતી જાય યા વિતાવી દેવાય, તો આપઘાત માટે તત્પર વ્યક્તિ જીવી પણ જાય.) ખાવાની કે પીવાની વસ્તુમાં ઝેર ભેળવવામાં આવે, તે બીજાને છેતરીને મારવા માટે, આપઘાત કરવા ઝંખતી વ્યક્તિના મનમાં મરવાની વૃત્તિનું બીજ તો લાંબા સમયથી વવાઈ ચૂક્યું હોય છે; પરંતુ આપઘાતની ક્રિયા તો અચાનક જ, એકદમ, ક્ષણ વારમાં જ થાય છે ઝેર ખાઈને કે પી જઈને. આપઘાત કરવા ઇચ્છતી વ્યક્તિ ઝેરવાળો રોટલો ક્યારે ખાઈ રહે? બટકું બટકું ખાતાં તે કેટલા કોળિયા સુધી મોતની અનુભૂતિ કર્યા કરે? આ વસ્તુ શક્ય નથી. લેખકે જીવીને નિર્દોષ દર્શાવવા અને વાચકોનો સમભાવ તેના તરફ ટકાવી રાખવા માટે, ધૂળાના હવે અનાવશ્યક બનેલ પાત્રને કથાપટમાંથી દૂર કરી દેવા માટે, જીવીને ગાંડી બનાવી દઈ નવલકથાને ગમગીન ‘ટ્રેજેડી’નું રૂપ આપવા માટે, ઝેરયુક્ત રોટલાનો આ કૃત્રિમ પ્રપંચ રચ્યો. (આ કૃત્રિમતા, જીવીથી ત્રાસેલ ધૂળો જાતે જ ઝેર પી આપઘાત કરી મરી જાય તેવું નિરૂપી, લેખક દૂર કરી શક્યા હોત.) પરંતુ મેઘાણીથી માંડી મેઘનાદ ભટ્ટ સુધીના ‘મળેલા જીવ'ના સમીક્ષકોને તે દેખાયો નથી. મધુ રાય કૃત કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો' નાટકના કથા-વસ્તુમાં પણ આવી એક ઘણી મહત્ત્વની યા નિર્ણાયક કહેવાય તેવી પણ કેવળ અવાસ્તવિક અશક્ય અને ખેંચીતાણી ગોઠવી દેવાયેલી ઘટના નિરૂપાઈ છે; પરંતુ (સામાન્ય સૂઝ-સમજ : common sense ન દાખવતા) આપણા કોઈ વિવેચકનું લક્ષ તેના તરફ ગયું નથી. જો તેમ થયું હોત, તો કેવળ અવાસ્તવિક, અશક્ય, કૃતક ઘટના પર આધારિત આ નાટકનાં અવબોધ-મૂલ્યાંકનમાં ફેર પડી ગયો હોત. આ ઘટના છે કામિની દ્વારા પિસ્તોલની ગોળીથી ઠાર થતા શેખર ખોસલાના ખૂનની નાટકના વસ્તુમાંનાં રહસ્ય-રોમાંચ, નાયિકા કામિનીની કરુણતા અને નાટકનો અણધાર્યો આઘાતક અંત તમામ આ ઘટના પર આધારિત છે. એ રીતે તેનું ઘણું મહત્ત્વ છે. પરંતુ આ કેન્દ્રવર્તી ઘટના જ જો અવાસ્તવિક, અશક્ય, કૃતક, તાલમેલિયા હોય તો? તો સમગ્ર નાટક પણ કૃતક જ બની રહે! વસ્તુતઃ, આ ઘટના અશક્ય અને કૃતક જ છે. કામિનીના હાથમાંની પિસ્તોલ ખાસ ‘નાટકો માટે' જ ખરીદાયેલ હતી. (‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો', પ્ર. આ. ૧૯૭૪; પૃ. ૮૪) એટલે કે તે એક ‘રમકડા-પિસ્તોલ' હતી. તે અવાજ કરે; પરંતુ સાચી ગોળી છોડી કોઈનું ખૂન કરી શકે નહીં! કામિનીનો શંકાશીલ પ્રેમી પાઠક આ રમકડા-પિસ્તોલમાં સાચી ગોળીઓ' ભરી દે છે. (એજન, પૃ. ૮૪) આ પિસ્તોલ ફોડી, કામિની શેખર ખોસલાનું ખૂન કરી, જેલમાં જાય છે; પરંતુ હકીકત એ છે કે રમકડા-પિસ્તોલમાં સાચી ગોળીઓ ભરી શકાય નહીં. તેમ કરવામાં આવે, તો તે ફૂટે નહીં, તેમાંથી ગોળી છૂટે નહીં, તેનાથી કોઈ મરે નહીં. આમ છતાં, લેખક કામિની દ્વારા આવી રમકડા-પિસ્તોલમાંથી સાચી ગોળીઓ છોડાવી, શેખર ખોસલાનું ખૂન કરાવે છે; અને તેમ કરી, નાટકને મારી-મચડી રહસ્ય-રોમાંચ-સનસનાટીયુક્ત બનાવવાનો દાખડો કરે છે! ('નાટકો માટે'ની જ્યાં ત્યાં મળી શકતી સસ્તી પિસ્તોલોમાં ‘સાચી ગોળીઓ’ ભરી જો તેમનાથી ખૂન કરી શકાતાં હોય, તો મોંઘીદાટ અને દુર્લભ સાચી પિસ્તોલોની તેમ જ તેમના માટેના અતિમુશ્કેલ સરકારી પરવાનાની કોઈને જરૂર જ શા માટે રહે?) નાટકની ઇમારતના પાયામાં પડેલી આ અશક્યતા અને કૃતકતા વિશે કોઈ ગુજરાતી વિવેચકે ક્યારેય ક્યાંય કશું લખ્યું નથી.

લલિત કૃતિઓની જેમ વિવેચનની કૃતિઓનું પણ આલોચન થવું જોઈએ. જાગ્રત, સક્ષમ, સન્નિષ્ઠ વિવેચક જો, વિવેચ્ય કૃતિઓ સર્વાંગસુંદર, કલાત્મક, રસપ્રદ હોય તેવી અપેક્ષા સેવતો હોય, તો તેણે વિવેચન પણ વિવેચ્ય કૃતિઓ – વિષયોનું સર્વાશ્લેષી, તલસ્પર્શી, વિશદ, પ્રતીતિકર, વિચારપ્રેરક સચોટ નિરૂપણ કરતું હોય તેવી અપેક્ષા સેવવી જોઈએ. પૂર્વકાલીન યા સમકાલીન વિવેચકોની વિચારણામાં જે કંઈ સંદિગ્ધતા, અસ્પષ્ટતા, ઊણપો, દોષો રહી ગયાં હોય તે તેણે ઉદ્દંડ કે આક્રમક બન્યા વિના નિર્ભીકતાપૂર્વક બતાવવાં જોઈએ. ગુરુજનો તરફનો વ્યક્તિગત ભક્તિભાવ યા સમકાલીનો તરફનો મૈત્રીભાવ કે નવોદિત તીખા તરુણોના પ્રતિ-આઘાતની ભીતિ વિવેચનમાં આડે ન આવવાં જોઈએ. એક સંસ્કૃત સૂક્તિમાં કહ્યું છે તેમ –

शत्रोरपि गुणा वाच्या दोषा वाच्या गुरोरपि ।
पुरुषं प्रतिबोधाय तत्र दोषो न विद्यते ॥

(માણસને સાચી વસ્તુનો ખ્યાલ આપવા માટે શત્રુના પણ જે ગુણો હોય તે કહી દેવા; અને ગુરુજનોના દોષો હોય, તો તે પણ કહી દેવા. તેમ કરવામાં કશો દોષ નથી.) આ દૃષ્ટિએ જોતાં સંજાણા, નરસિંહરાવ દિવેટિયા, બ. ક. ઠાકોર, સુન્દરમ્, વિ. મ. ભટ્ટ, સુરેશ જોષી આદિનાં કેટલાંક વિવેચનો વિવેચકો માટે ધ્યાનાર્હ બની રહેવાં ઘટે. મોટા લેખાતા સુપ્રતિષ્ઠ લેખકોની નબળી કૃતિઓની કે સંદિગ્ધ યા ભ્રામક વિચારણાની બરાબર આલોચના થવી જોઈએ. તમામ સર્જકો-વિવેચકોની સારી-નરસી બધી જ કૃતિઓનું કેવળ ગુણદર્શી વિવેચન કરી, ‘અજાતશત્રુ' વિવેચકનું બિરુદ મેળવવા માટે લાલાયિત બની રહેવું, એ વિવેચકની સિદ્ધિનું નહિ પણ શરમનું ઘૌતક ગણાય. ગુજરાતીના આદ્ય વિવેચક નવલરામ પંડ્યાએ સૈકા પૂર્વે આપણા વિવેચકોને જે સલાહ આપેલી તે આજેય વિચારણીય અને અનુકરણ કરવા જોગ છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂ૨ નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.'’ (નવલગ્રંથાવલિ સંપા. નરહિર પરીખ, નવજીવન, ૧૯૬૬; પૃ. ૫૫) ઉમાશંકર જોશીનું અપવાદરૂપ છતાં અમલમાં મૂકવા યોગ્ય સૂચન પણ વિવેચકોએ લક્ષમાં લેવા જેવું છે : “ગુજરાતી કવિતામાં છીછરાપણું, અધકચરાપણું હોય, તો તે આપણા કહેવાતા વિવેચનને આભારી છે. આપણા વિવેચકો ગુણદર્શન માટે ખડે પગે હોય છે એ જાણવા છતાં મારાથી આમ કહેવાઈ જાય છે, કારણ કે જેની જરૂર છે તે ગુણદર્શન નહીં પણ યથાર્થદર્શન છે. જાણ્યા વગર વખાણ કરવાં તે જાણીજોઈને ગાળ દેવા કરતાં કોઈ પણ રીતે સારી વાત નથી. અને ઘણી વખત તો મગનું નામ જ કોઈ પાડતું નથી.'’ (શૈલી અને સ્વરૂપ, ૫. આ., ‘આજની ગુજરાતી કવિતા (૧૯૩૪)' નામનો લેખ, પૃ. ૨૦૯)

લલિત સાહિત્યકૃતિની જેમ, જોકે જુદી રીતે, વિવેચનમાં પણ વસ્તુ સાથે શૈલી-નિરૂપણનું મહત્ત્વ છે, એ સત્ય વિવેચકે સમજવું અને સ્વીકારવું જોઈએ. વિવેચનની ભાષા શિષ્ટ, ગંભીર, અર્થવાહી હોવાની સાથે શક્ય તેટલી સીધી, સરલ, વિશદ હોવી જોઈએ. દુર્બોધ, સંસ્કૃતમયતાથી અને ગ્રામ્ય તળપદાપણાથી તે મુક્ત રહેવી જોઈએ. તે શબ્દાળુતા, સંદિગ્ધતા, અસ્પષ્ટતા, ક્લિષ્ટતા, કૃત્રિમતાથી ઉપરાંત અનાવશ્યક વ્યંગ-વિનોદ, અલંકારોના ઘટાટોપ અને કૃતક કવિતાવેડાથી રહિત હોવી જોઈએ. કેવળ પાંડિત્યપ્રદર્શન માટે જ તેમાં જ્યાં ત્યાં સંસ્કૃત યા અંગ્રેજીમાંથી અવતરણો અને પાશ્ચાત્ય લેખકો-કૃતિઓની નામાવલિ ન રજૂ થવાં જોઈએ. સાહિત્યેતર અંગત બાબતોના ઉલ્લેખો તેમાં ન થવા જોઈએ. વાચકો કે લેખકોના મોટાભા કે મુરબ્બી થવાનો પ્રત્યક્ષ કે પરોક્ષ દાખડો વિવેચકે તેના વિવેચનમાં ન કરવો જોઈએ. વિવેચ્ય વિષયની પર્યાપ્ત સમજ આપવાને બદલે તેને અંગે અસ્પષ્ટતા યા ગૂંચવાડો સર્જે એવું કશું તેમ જ વિષયાંતર વિવેચનમાં ન થવું જોઈએ. આમ છતાં, કેટલાક ગુજરાતી કવિ-વિવેચકો તેમના વિવેચનમાં આવું બધું (જે ન થવું જોઈએ તે) પ્રસંગોપાત્ત કરતા રહે છે. દા.ત., ઉમાશંકર જોશી પ્રિયકાન્ત મણિયારની કવિતાનું વિવેચન કરતાં તેને ‘વાયુનાં શિલ્પ’ કહે છે (અભિરુચિ, પ્ર. આ., પૃ. ૧૪૨); અને નિરંજન ભગતની ‘છંદોલય' આદિની કવિતાની ઓળખ ‘સ્વપ્નનો સુરમો' તરીકે આપે છે (એજન, પૃ. ૧૫૪). સુરેશ દલાલ મકરંદ દવેના એક સૉનેટ ‘અશ્વો'નું આવું વિચિત્ર વિવેચન કરે છે : જળમાં નહીં પણ જાણે રેતીમાં કાંકરી નાખીએ ને સૂક્ષ્મ આંદોલનો રચાતાં હોય એમ સૉનેટનું સ્વરૂપ સિદ્ધ થતું જાય છે. કેવળ વાણીની છટા ન લાગે તો એમ પણ કહેવાનું મન થાય કે સૉનેટ રચવું એટલે વમળનું કમળમાં રૂપાંતર કરવું. જોકે હવાને એક ઝોકે શિર ઢાળી દે એવું આ કમળ હોતું નથી, પણ A sonnet is a marble flower એમ કહેવું પડે એવું એ સઘન હોય છે. સઘનતા પૂરતી જ સૉનેટની સરખામણી આરસના પુષ્પ સાથે કરી છે. હકીકતમાં સૉનેટ ફૂલ નહીં પણ વૃક્ષ છે. A sonnet is a minitree (bonsai). (પ્રક્રિયા, પ્ર. આ. ૧૯૮૧; ‘સમન્વય’ નામનો લેખ, પૃ. ૫૯-૬૦) નલિન રાવળ કવિતાના ‘લય’ વિશે આવું વિલક્ષણ વિવેચન કરે છે : લય કવિના રક્તમાં ફરતું તત્ત્વ છે. એના આત્મામાં પ્રકાશતું સત્ય છે અને જે ક્ષણે કવિ આંતર-બાહ્ય વિશ્વના સંપર્કમાં મુકાય છે તે જ ક્ષણે તે વૈશ્વિક લયસંચલનને અનુભવે છે... કાવ્યલય મનુષ્યમાત્રનો આત્મલય છે અને ઉત્તમ કવિતા આપણને આત્મલયની ઊંડી પ્રતીતિ કરાવે છે. આમ કવિતા માત્ર કવિની જ નહીં, મનુષ્યમાત્રની લયાત્મક આત્માકથા છે... કવિતામાં લય એટલે સ્મૃતિ અને સ્મૃતિ... (અનુભાવ, ‘કવિતામાં પ્રતીક' લેખ, પૃ. ૨૨૦)
રાધેશ્યામ શર્મા સિતાંશુ યશશ્ચંદ્રના ‘ઓડિસ્યૂસનું હલેસું' કાવ્યસંગ્રહનો પરિચય કરાવતાં લખે છે : આયનાઓમાં સ્વકીય સંકેતોની સુરંગો. આ બધાં અને આવાં બીજાં વિવેચનોના વિવેચન માટે વાચકે ક્યાં જવું? સુમન શાહ આપણા એક વિશિષ્ટ શૈલીકાર વિવેચક છે. સાહિત્યસ્વરૂપો- વિષયક એક ગ્રંથશ્રેણીના સંપાદક તરીકે તેઓ વિવિધ પુસ્તકોના લેખકોનો એવો અનોખો પરિચય કરાવે છે કે તેમાંથી કર્તા કે કૃતિની કશી સાહિત્યિક લાક્ષણિકતાઓનો વિશદ ખ્યાલ મળવાને બદલે કર્તાની કેટલીક વ્યક્તિગત વિચિત્રતાઓનો જ ખ્યાલ મળે છે. દા.ત., ‘ખંડકાવ્ય' પુસ્તકના લેખક જયદેવ શુક્લનો તેમણે આવો પરિચય આપ્યો છે : “...પોચકો બ્રાહ્મણ છે... બાકી નામ-રૂપે કવિ છે : દાઢી રાખે છે. બૂટ-મોજાં નથી પહેરતો. બગલથેલો વગર ભૂલ્યે લટકાવે છે. સંગીતમાં એને ખાસી સમજ પડે છે. ‘જીવનકથા’ પુસ્તકના લેખક મણિલાલ પટેલનો આવો પરિચય અપાયો છે : ‘છ માસ દાઢી સાથે રજૂ થાય છે, છ માસ તે વિના. બાળકોને તેમનો ચહેરો કપિલદેવ જેવો લાગે છે તે સાભિપ્રાય. અવાજ સારો છે, છતાં ગાતા નથી. સુમન શાહને મતે ‘આત્મકથા' પુસ્તકના લેખક સતીશ વ્યાસ “સુંદર અભિનય કરી શકે, એવું જોતાં સૌને લાગે. આમેય ચહેરો સંજીવકુમારનું સ્મરણ કરાવે એવો છે... ‘નવલકથા' પુસ્તકના લેખક શિરીષ પંચાલનાં “પત્ની ચંદ્રિકાને ઉનાળામાં ઘણું ન્હાવાનો શોખ, તે સ્વાભાવિક કર્તવ્ય લેખે શિરીષનો પણ શોખ. ક્યારેક તો ઘર ખુલ્લું હોય અને બંને બાથરૂમમાં હોય...'’ ‘ટૂંકી વાર્તા' પુસ્તકના લેખક વિજય શાસ્ત્રી “આપણા નીવડેલા સાહિત્યકારોનાં ઘણાં લક્ષણો ધરાવે છે : હમ્મેશની શરદી મોટે ભાગે તાવમાં પરિણમનારી. જાત જાતનાં ઔષધોનું સેવન... એઓશ્રી રોજ સવારે નોટબુકમાં જાંબલી શાહીથી ગાયત્રી-મન્ત્રના પંદર વીસ મિનિટ લગી જાપ લખે છે...' વિવેચક-સંપાદક દ્વારા અપાતો લેખકોનો આવો પરિચય અનોખો તો લાગે છે; પરંતુ તે કર્તા-કૃતિની કોઈ સાહિત્યિક બાજુ પર પ્રત્યક્ષ કે પરોક્ષ કશો જ પ્રકાશ પાડતો નથી; તેથી, તે નિરર્થક બની રહે છે. વિવેચકો આ પ્રકારનાં રીતિ-લટકાંથી અને શૈલીવેડાથી તેમના વિવેચનને મુક્ત રાખે, તે જ ઇષ્ટ લેખાય.

૧૦

વિવેચક અને વિવેચન ઇષ્ટ ગુણો-લક્ષણોને આત્મસાત્ કરી શકે, અને અનિષ્ટ વલણો-પ્રવૃત્તિઓને ટાળી શકે, તો સાહિત્યિક ઉત્કર્ષ તેમના લક્ષ્યમાં અવશ્ય સફળ થાય. તે માટે વિવેચકે વાચન, ચિંતન, મનન, ચર્ચા, લેખન વગેરે દ્વારા આવશ્યક તમામ ગુણો કેળવવા જોઈએ અને ઊણપોને નિષ્ઠાપૂર્વક દૂર કરવી જોઈએ. પોતાના વિવેચનમાંથી તેણે ચર્વિતચર્વણ, ગતાનુગતિકતા, અનુકરણ જેવા દોષો નિવારવા જોઈએ, અને પોતાની આગવી મૌલિકતા દાખવવી જોઈએ. પોતાનું વિવેચન વ્યાપક અને તલસ્પર્શી બને, નવીનતા તાજગી વિચારોત્તેજકતાથી સભર બની રહે, તેમ જ સાચું અને શ્રદ્ધેય લાગે, તે માટે તેણે સતત જાગ્રત અને પ્રયત્નશીલ રહેવું જોઈએ. સાહિત્યેતર લાભાલાભની ગણતરીથી પર રહી, તેણે પોતાની વિવેચનપ્રવૃત્તિ જારી રાખવી જોઈએ. વિવેચક જો આમ કરી શકે, તો વિવેચન અને સમગ્ર સાહિત્યનો ઉત્કર્ષ થઈ શકે.


  1. કાંદબરી-પૂર્વ ભાગ, પ્રસ્તાવના.
  2. ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન), પ્ર. આ. ૧૯૫૪; પૃ. ૧૦૫
  3. ગુજરાતી સાહિ ત્યની વિ કાસરેખા ખંડ-૧ મધ્યકાળ, દ્વિ. આ., પૃ. ૩૫.
  4. ગુજરાતી સાહિ ત્યનું રેખાદર્શ ન, પ્ર. આ. ૧૯૫૩; પૃ. ૨૭.
  5. સાહિત્ય, છંદ અને અલંકાર ખંડ-૧.
  6. મધ્યકાલીન ગુજરાતી સાહિ ત્યનું રેખાદર્શ ન, પંચમ મુદ્રણ, ૧૯૬૮; પૃ. ૪૪.
  7. કે. હ. ધ્રુવ કાદંબરી-પૂર્વ ભાગ, પ્રસ્તાવના.
  8. ગુજરાતી સાહિ ત્ય (મધ્યકાલીન), પ્ર.આ. ૧૯૫૪, પૃ. ૧૦૬.
  9. 'મનીષા' : વર્ષ-૧, અંક-૨ : ૧૫ જુલાઈ, ૧૯૫૪; ‘ભાલણકૃત કાદંબરી' નામનો લેખ, પૃ. ૧૨.
  10. સાહિત્ય, છંદ અને અલંકાર ખંડ-૧.
  11. હિન્દી સાહિત્યજોશ પ્ર. સં. વિ . સં. ૨૦૭૪, સંપા. ધીરેન્દ્ર વર્મા આદિ , પૃ. ૧૮૯.
  12. ૬. ગુજરાતી સાહિ ત્યનાં સ્વ રૂપો (પઘ વિ ભાગ), પ્ર. આ. ૧૯૫૪; પૃ. ૩૫૨-૫૩.
  13. ૧૭. મધ્યકાલીન ગુજરાતી સાહિ ત્યનું રેખાદર્શ ન, બી. આ., પૃ. ૧૭.
  14. ગુજરાતી સાહિ ત્યની રૂપરેખા, બી. આ., પૃ. ૨૭.
  15. કવિ ચરિ ત ભા. ૧, ૨, બી. આ., પૃ. ૮.
  16. ગુજરાતી સાહિ ત્યનું રેખાદર્શ ન, પ્ર. આ. ૧૯૫૩; પૃ. ૧૮.
  17. ગુજરાતી સાહિ ત્ય (મધ્યકાલીન), પ્ર. આ. ૧૯૫૪; પૃ. ૭૪
  18. આ અંગેની વધુ ચર્ચા -વિ ચારણા માટે જુઓ 'ક્ષિતિજ ' ઑક્ટોબ ર-૧૯૬૨;