અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/ગુજરાતી વિવેચનને એક દિશાસૂચન

From Ekatra Wiki
Revision as of 01:05, 25 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૪. ગુજરાતી વિવેચનને એક દિશાસૂચન
પ્રા. જયંત પારેખ

પ્રમુખશ્રી અને મિત્રો, તમે મને આ સ્થાન આપ્યું એ માટે તમારો બધાનો આભાર. અહીંયાં આમ ઊભો ત્યારે મારી જેમ જ આ સ્થાને ઊભા રહેલા પૂર્વસૂરિઓ યાદ આવે છે. આ સ્થાને હું ઊભો રહી શક્યો છું એનું મારે મન મહત્ત્વ નથી, પરંતુ આ સ્થાનની શોભા જાળવવાની મને તક મળી છે એનું મહત્ત્વ છે. આ સ્થાન જેનું પ્રતીક છે એ અધ્યયન-અધ્યાપનનું મારે મન મહત્ત્વ છે, જેના અધ્યયન-અધ્યાપનનું એ પ્રતીક છે એ સાહિત્યનું મારે મન મહત્વ છે. અધ્યયન-અધ્યાપનની, સાહિત્યની સાચી પ્રતિષ્ઠા થાય એ માટે હું પ્રયત્ન કરીશ. આજે તો આવા એક પ્રયત્ન રૂપે હું ગુજરાતી વિવેચનને એક જરૂરી દિશાસૂચન કરીને સંતોષ માનીશ. ૧૯૫૦નું વરસ છે. હું એક્સેલસિયર ટૉકિઝમાં ‘ધ થર્ડ મૅન' નામની ફિલ્મ જોવા જાઉં છું. ‘ધ થર્ડ મૅન' બતાવવાનું શરૂ થાય એ પહેલાં એક નાની ફિલ્મ બતાવવામાં આવે છે. જગતમાં તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓનો એમાં અહેવાલ મળે છે. છેલ્લામાં છેલ્લા એક વૈજ્ઞાનિક પ્રયોગની વાત થાય છે. બાહ્ય અવકાશમાંથી પૃથ્વી કેવી દેખાય છે એના પ્રત્યક્ષ પુરાવા મેળવવા માટે વિજ્ઞાનીઓ એક બલૂનમાં કૅમેરા ગોઠવે છે ને પછી એ બલૂનને છોડે છે. બલૂન લગભગ બસો માઈલ સુધી ઊંચે ઊડે છે. કૅમેરા પચાસેક માઈલ સુધી ફિલ્મ ઉતારે છે. એક દૃશ્યમાં પૃથ્વીની વર્તુળાકાર સપાટીનો એક નાનો સરખો ખંડ દેખાય છે. બીજા ગૃહોની જેમ પૃથ્વીની સપાટી પણ પ્રકાશ ફેલાવે છે. પૃથ્વીની આસપાસના તેજોવલયની ઝાંખી થાય છે ને મને રોમાંચ થાય છે. પછી તો સ્પુતનિક, એપોલો ૮, નીલ આર્મસ્ટ્રોંગનું ચંદ્ર ૫૨ અવતરણ, ચંદ્ર પર પૃથ્વીનો ઉદય, મંગળની તસવીર, ને હમણાં છેલ્લે નેપ્ચ્યુનની તસવીર એમ એક પછી એક રોમાંચની પરંપરા રચાય છે. માત્ર વિજ્ઞાનમાં જ નહીં, જ્ઞાનની અનેક શાખામાં રોમાંચની પરંપરા રચાય છે. જગત કલ્પનાતીત ગતિએ પરિવર્તન પામે છે! એનો તાજો અણસાર મને પાંચ વર્ષની મલ્લિકામાં વરતાય છે. મલ્લિકા એક દિવસ એકાએક infinity, mask જેવા શબ્દ ઉચ્ચારે છે ત્યારે પણ મને રોમાંચ થાય છે. મને ખબર છે કે એને હજી આ શબ્દોના રહસ્યની એવી કોઈ જાણ નથી. પરંતુ જે શબ્દ સુધી, જે વિભાવના સુધી પહોંચતાં મને અનેક વરસો વીત્યાં એ શબ્દ સુધી, એ વિભાવના સુધી મલ્લિકા કેટલી વહેલી, કેટલી આસાનીથી પહોંચી ગઈ છે એ જાણીને રોમાંચ થાય છે. મને ટી.વી. કે વીડિયોની સ્વિચ દબાવતાં સંકોચ થાય છે, ક્યારેક તો કઈ સ્વિચ ક્યારે દબાવવી એની પણ ખબર પડતી નથી, પરંતુ મલ્લિકા તો કોઈ પણ જાતના સંકોચ વિના, કોઈ પણ જાતના ભય વિના પોતાના કૉમ્પ્યુટર પાસે બેસી જાય છે, ને જેટલી આસાનીથી એ પોતાની મમ્મીના હાર્મોનિયમનાં સપ્તક જગાડે છે એટલી જ આસાનીથી એ પોતાના કૉમ્પ્યુટરને રમતું કરી દે છે. અત્યાર સુધી દૂર ને દૂર રહેલું વિશ્વ એકદમ મારા ઘરમાં ધસી આવે છે ને મને રોમાંચ થાય છે. આ બધું જેટલું રોમાંચક છે એટલું જ ભયાવહ પણ છે. જે ગતિએ પરિવર્તન થાય છે એ જ ગતિએ હું એ પરિવર્તનનો પાર પામી શકતો નથી. હજી તો એક પરિવર્તનને સમજું ન સમજું ત્યાં તો વળી બીજું પરિવર્તન થાય છે ને હું બિંધર બની જાઉં છું. દરેક પરિવર્તનની સાથે સાથે મારા સંવેદનનું સ્વરૂપ પરિવર્તન પામે છે, મારા વિચારનું સ્વરૂપ પરિવર્તન પામે છે, પરંતુ એ પરિવર્તનને હું આત્મસાત્ કરી શકતો નથી ને બધિર બની જાઉં છું. બહારના જગતની જેમ જ્ઞાનના જગતમાં પણ કલ્પનાતીત ગતિએ પરિવર્તન થાય છે. એક અભિગમને હું સમજું કે ન સમજું, ત્યાં તો બીજો અભિગમ પ્રગટ થાય છે ને હું બધિર બની જાઉં છું.

આજે ગુજરાતી વિવેચનમાં જે કટોકટી પ્રવર્તે છે એના મૂળમાં પણ આવી જ બધિરતા રહી છે. સાહિત્યવિચારમાં અનેક પરિવર્તન થયાં છે, એનાથી રોમાંચ અનુભવવો એક વાત છે, એને સમજી-પચાવીને પોતાની સ્પષ્ટ નિષ્ઠા કેળવવી એ એક બીજી વાત છે. જ્યાં સુધી આ સમજવા પચાવવાનું બનતું નથી ત્યાં સુધી બધિરતાનો જ અનુભવ થાય છે. વિજ્ઞાન ને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર ને નૃવંશશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ભાષાવિજ્ઞાન ને સૌન્દર્યમીમાંસા એમ જ્ઞાનની જુદી જુદી શાખામાં એક પછી એક અનેક પરિવર્તન થયાં છે. એક પછી એક અનેક અભિગમ પ્રગટ્યા છે, એક પછી એક અનેક સિદ્ધાંત સ્થપાયા છે. પ્રત્યેક પરિવર્તનને, પ્રત્યેક અભિગમને, પ્રત્યેક સિદ્ધાંતને સમજવા પચાવવાનું ખરેખર દુષ્કર છે ને છતાં સમજવા – પચાવવા જેવું તો છે જ, કારણ કે પ્રત્યેક પરિવર્તન, પ્રત્યેક અભિગમ, પ્રત્યેક સિદ્ધાંત કોઈક ને કોઈક નવી સૂઝ તો વ્યક્ત કરે છે, અનુભવની નવી દિશા ઉઘાડી આપે છે. જ્ઞાનની અનેક શાખાએ સૌંદર્યમીમાંસા, કલામીમાંસા, સાહિત્યમીમાંસા પણ કરી છે, ત્યારે કોઈક નવી સૂઝ વ્યક્ત કરી છે. કોઈ પણ અભિગમ, કોઈ પણ સિદ્ધાંત કાં તો પૂરેપૂરો કાર્યક્ષમ નીવડે, કાં તો અંશતઃ કાર્યક્ષમ નીવડે. એ પૂરેપૂરો કાર્યક્ષમ નીવડે ત્યારે પણ એની કાર્યક્ષમતાને અવારનવાર ચકાસવી તો પડે જ છે. અંશતઃ કાર્યક્ષમ નીવડે ત્યારે પણ બંધિયાર પાણી તો મુક્ત કરે જ છે, એકાદ નવી સૂઝ તો વ્યક્ત કરે જ છે. એથી જ સૌંદર્યમીમાંસા, કલામીમાંસા, સાહિત્યમીમાંસાને લક્ષ્ય બનાવતા અભિગમને પૂરેપૂરા તપાસીને નક્કી કરી લેવું જોઈએ કે એની કઈ કઈ સૂઝ વિવેચનને સંગીન ને સમૃદ્ધ, વિશદ ને પ્રભાવક બનાવે એવી છે. નવ્ય વિવેચન, અતિવાસ્તવવાદ, અસ્તિત્વવાદ, સંરચનાવાદ, વિઘટન, પ્રતિભાસ વિજ્ઞાન આ બધા અભિગમોએ સૌન્દર્યમીમાંસા, કલામીમાંસા ને સાહિત્યમીમાંસાને અત્યંત સૂક્ષ્મ બનાવી છે, અત્યંત ચેતનવંતી બનાવી છે. એ બધાની પૂરેપૂરી તપાસ કરવાનું, એની કઈ કઈ સૂઝ સાહિત્યવિચારને, વિવેચનને લાભદાયક નીવડે એવી છે એ નક્કી કરવાનું અનિવાર્ય બની રહે છે. પરંતુ આપણે ત્યાં તો કાંઈક વિચિત્ર જ બન્યું છે. આ બધા અભિગમોને તંતોતંત તપાસી લેવાને બદલે એના નામનો blanker term તરીકે ઉપયોગ થયો છે ને જે ‘વિવેચક' તરીકે જાણીતા થયા છે એમની વિચારણાની ઊણપ ઢાંકવાના જ ખપમાં આવ્યા છે. હા, કોઈકે સંરચનાવાદની વાત કરી છે ને કોઈક કૃતિની સંરચનાવાદી તપાસ પણ કરી છે ને વિઘટનની વાત કરી છે ને છે. કરી છે ને કોઈક કૃતિની બસ, આટલું જ. કોઈએ તપાસ પણ કરી છે; કોઈકે શૈલીવિજ્ઞાનની શૈલીવૈજ્ઞાનિક તપાસ પણ કરી છે, ને કોઈકે કોઈકે કૃતિની વિઘટનવાદી પણ સતત, સુસંગત રીતે કાં તો સંરચનાવાદી, કાં તો શૈલીવૈજ્ઞાનિક, કાં તો વિઘટનવાદી અભિગમ અપનાવ્યો નથી. એટલે એમને અભિગમમાં શ્રદ્ધા છે એની પ્રતીતિ ક્યાંથી થાય? મોટામાં મોટી કરુણતા તો એ છે કે આજે જે કોઈ વિવેચન કરે છે એમની પોતાની કોઈક નિશ્ચિત સૈદ્ધાંતિક ભૂમિકા હોય એવી પ્રતીતિ થતી જ નથી. લગ્ને લગ્ને કુંવારા જેવી હાલત છે એમની. એક મિત્રે કહ્યું છે તેમ સવારે અસ્તિત્વવાદી, બપોરે સંરચનાવાદી ને સાંજે વિઘટનવાદી એવો બહુરૂપી ઘાટ છે એમનો. પરિણામે કયો અભિગમ, એની કઈ સૂઝ સાહિત્યવિચારમાં કાર્યક્ષમ નીવડે એમ છે એ તપાસ કરવાનું હજી પણ બાકી જ રહ્યું છે. વિવેચન જ્યારે કોઈ અભિગમને ન વર્યું હોય, પોતાને જે અભિગમ સ્વીકારવા જેવો લાગ્યો એને પ્રાણાંતે પણ વફાદાર રહેવાની વિવેચનની તૈયારી ન હોય એ વિવેચનમાં શું શું ભળી જાય છે એ કહેવાની કોઈ જરૂર છે ખરી? એ ભેળસેળનાં કેવાં વરવાં સ્વરૂપ રોજેરોજ જોવા મળે છે એ ક્યાં કોઈથી અજાણ્યું છે! એવું તો નથી જ કે કોઈને એક અભિગમ તજીને બીજો અભિગમ અપનાવવાની છૂટ નથી. એક અભિગમ અપનાવવો એ જેમ નિષ્ઠાનું પરિણામ હોવું જોઈએ, સંગીન તાર્કિક વિચારણાનું પરિણામ હોવું જોઈએ, એમ જ એક અભિગમ તજવો એ પણ નિષ્ઠાનું પરિણામ હોવું જોઈએ, સંગીન તાર્કિક વિચારણાનું પરિણામ હોવું જોઈએ. જે અભિગમ અપનાવવામાં આવે એ અભિગમને પ્રાણાંતે પણ વફાદાર રહેવાની વિવેચને તૈયારી તો રાખવી જ જોઈએ ને? પરંતુ જે વિવેચને એક પણ સિદ્ધાંત અપનાવ્યો નથી એની તો વાત જ શું કરવી?

આજની પરિસ્થિતિમાંથી સૌથી પહેલાં આ કરવું અનિવાર્ય બની રહે આજ સુધીમાં જે જે અભિગમો પ્રગટ્યા છે એમાંથી કયા અભિગમની કઈ સૂઝ સાહિત્યવિચારને લાભદાયક નીવડે એવી છે એ પૂરેપૂરું તપાસી લેવું જોઈએ ને એક ચોક્કસ અભિગમની ભૂમિકા તૈયાર કરવી જોઈએ.

સત્તાલોલુપતાએ, કન્ઝ્યુમરિઝમે આમ તો વિજ્ઞાનની સૂઝનો એવો તો દુરુપયોગ કર્યો છે કે અનેકને વિજ્ઞાનનો અણગમો આવવા માંડ્યો છે. સાહિત્યવિચારમાં ઓતપ્રોત એવા અનેકે તો આવો અણગમો પ્રગટ પણ કર્યો છે. દુરુપયોગનો અણગમો સમજી શકાય, પરંતુ ખુદ વિજ્ઞાનનો જ અણગમો કેવી રીતે સમજી શકાય? આજે તો વિજ્ઞાન પોતે પણ સર્જકતા વિશે, ચેતના વિશે વિચાર કરતું થયું છે, કલાકૃતિ પાસેથી પ્રાપ્ત થતી સૂઝ પોતાના કાર્યમાં લેખે લગાડતું થયું છે. હોર્રસ્ટાડટર બોર્નેસની જાણીતી નવલિકા ‘વર્તુળાકાર ખંડિયો’માંથી અવતરણ આપી એ વિશે વૈજ્ઞાનિક નુક્તેચીની કરે છે, બોર્ડેસના નિબંધ ‘બોર્ડેસ અને હું'ના ફલિતાર્થો તપાસે છે ત્યારે વિજ્ઞાન અને ચિંતનની પરંપરામાં રહેલા ચિંતકો સાહિત્યની સર્જકતાને અવગણવાને બદલે એનો મહિમા કરે છે એની ખાતરી થાય છે. માઈકેલ ટાલ્બોટ પણ બોર્ડેસના Other Inquisitions નામના પુસ્તકમાંથી અવતરણ લે છે ને પોતાના પુસ્તકની પ્રસ્તાવનાનો આરંભ કરે છે. એના પુસ્તકનું નામ છે ‘રહસ્યવાદ અને નવું ભૌતિક વિજ્ઞાન'. આ પુસ્તકનું ઉપશીર્ષક જાણવા જેવું છે ઃ ‘અવકાશ સમયની પેલે પાર, ઈશ્વરની પેલે પાર.' બોર્રેસ કહે છે : ‘...ચાલો આપણે અવાસ્તવિકતાની શોધ આરંભીએ.' ભાષા જે રીતે વપરાય છે એ રીતે વપરાયા કરે તો એની સંક્રમણક્ષમતા નહીંવત્ થઈ જાય છે. ને એની પુનઃસ્થાપના કરવાની રહે છે. cybernetics અને information theory એવી પુનઃસ્થાપનાની શરતો, નિયમો અને સિદ્ધાંતો તારવવાની સતત મથામણ કર્યા કરે છે. જેમ કોઈ પણ ક્ષેત્રના ઇતિહાસનું એક પાસું માનવજાતને ઉપયોગી એવા નિયમો, સૂત્રો ને એની આસપાસ રચાયેલાં સાધનો છે એમ એના ઇતિહાસનું બીજું પાસું સંક્રમણક્ષમતાના અભાવને અસંદિગ્ધતાની સપાટીએ લાવવામાં પાયાના સાત્ત્વિક પ્રશ્નોનો સામનો એણે કેવી રીતે કર્યો એ પણ છે. સાહિત્યવિચારને આ જાણકારી ન હોય તો બહુ મોટા પુરુષાર્થના સંપર્કથી એ વંચિત રહી જાય. quantum physicsને ચેતનાનું સ્વરૂપ holographic લાગ્યું છે. એક વાત એને સમજાઈ ગઈ છે કે વાસ્તવિકતા કે બોર્ડેસ કહે છે એવી અવાસ્તવિકતા જો કોઈક અંતિમ હોય તો એનું સ્વરૂપ ભાષામાં વ્યક્ત થઈ શકે એવું નથી. ભાષાના દ્વૈતને એ અતિક્રમી જાય છે, પરંતુ એથી મૌન એનું નિરાકરણ નથી. આર્થર કોસ્ટર કહે છે તેમ true creativity often starts where language ends. વિટગેન્સ્ટાઇન પણ કહે છે કે, that which mirrors itself in language, language cannot represent that which expresses itself in language, we cannot represent.

વિવેચન વિશેની સૌથી મોટી ફરિયાદ છે ‘કૃતિને લક્ષમાં લીધા વિના થતી સિદ્ધાંતચર્ચા.' અસંતોષ એ ‘માત્ર સિદ્ધાંતચર્ચા' છે એટલા માટે નથી, એ અધૂરી સિદ્ધાંતચર્ચા છે એટલા માટે છે. વિવેચનના પ્રશ્નો તત્ત્વજ્ઞાનના પ્રશ્નોના સગોત્ર છે એ સૂઝ વિવેચકને હોતી નથી ત્યારે એની સિદ્ધાંતચર્ચા કાં તો અધૂરી રહી જાય છે, કાં તો અસ્પષ્ટ રહી જાય છે. ગુજરાતી વિવેચનની આ કરુણતા છે.

ફ્રૉઇડે કહ્યું કે ક્લાનો જન્મ ન્યૂરોસિસમાંથી, માનસિક વિષમતામાંથી થાય છે. જ્યાં જ્યાં કલા હોય ત્યાં ત્યાં માનસિક વિષમતા હોય જ. એણે એવું તો નથી જ કહ્યું કે જ્યાં જ્યાં માનસિક વિષમતા હોય ત્યાં ત્યાં કલા હોય જ. કારણ કે કૃતિની કલાત્મકતા નક્કી કરવા માટે એણે orderનું, રૂપરચનાનું ધોરણ અનિવાર્ય ગણ્યું છે. ક્લાનો માનસિક વિષમતા સાથેનો સંબંધ એણે જે રીતે નિરૂપ્યો છે એમાંથી આટલું તો સમજાય જ છે કે કલાકારમાં તીવ્ર સંવેદનશીલતા હોવી જોઈએ. મનોવિજ્ઞાને માનવીમનનું વિશ્લેષણ કર્યું એને અનુસરીને અતિવાસ્તવવાદે વાસ્તવિકતાનો અખંડ સ્વરૂપે સાક્ષાત્કાર કરવા માટે કેટલીક આગવી યુક્તિ ઉપજાવી કાઢી automatic writing, found object, black humour. જે કૃતિમાં આ યુક્તિનો વિનિયોગ થયો એ કૃતિ આપોઆપ ઉત્તમ કલાકૃતિ બને એવું તો નથી જ. અતિવાસ્તવવાદે દેખીતી વાસ્તવિકતાને અધૂરી ગણી ને સંપૂર્ણ વાસ્તવિકતાના સાક્ષાત્કારનો આગ્રહ રાખ્યો એ મહત્ત્વનું છે. found objectની યુક્તિ દ્વારા એ પુરવાર કર્યું કે એકની એક વસ્તુ નવા સંદર્ભમાં મુકાતાં જ નવી અનુભૂતિનું પ્રતીક બની જાય છે. અતિવાસ્તવવાદની યુક્તિ કાર્યક્ષમ નીવડી કે નહીં એ નક્કી કરવા માટે કૃતિની રૂપરચનાની જ તપાસ કરવી પડે છે. અસ્તિત્વવાદે metaphysical anguishની વાત કરી. ‘માણસ વૈશ્વિક અસ્તિત્વની સમગ્રતાને આંબી શકતો નથી માટે આધારરૂપ બની રહે એ જ હેતુથી એને વ્યાપીને રહેનારા કોઈક પરમતત્ત્વની કલ્પના કરવા એ પ્રેરાય છે; પણ અસંગતિ એ છે કે જ્યારે જ્યારે એનો એ આધાર લેવા જાય છે ત્યારે એ છેતરાય છે. આમ માનવી missing god અને indifferent universe વચ્ચે જીવે છે. કશાક દૈવી કે ઈશ્વરી આધાર વિના કે બહારથી કોઈની બાંહેધરી પામ્યા વિના જીવન જીવવું; એટલું જ નહીં, પણ એને અર્થપૂર્ણ બનાવવું આ માનવીની પરિસ્થિતિ છે, ને એમાં જ અસંગતિ રહી છે. આ અસંગતિની વિશદ સંવિત્તિને ભ્રાંતિથી ઢાંકવી તે માનવીનું પાપ. પણ એની નિર્ભ્રાત સંવિત્તિને પરિણામે જે વિષાદ ભોગવવાનો આવે તેને ભોગવવો તે માનવીનો માનવી તરીકેનો સાચો વારસો.’ પ્રત્યેક અંતિમનો, અંતિમમાં અંતિમ ઈશ્વરનો ઇન્કાર કરીને માનવીની સ્વતંત્રતા જાહેર કરી; પરંતુ એ સ્વતંત્રતા તો અન્ય સાથેના સંબંધમાં પળે પળે જોખમાય છે hell is other people. એને કારણે પણ વિષાદ ભોગવવાનો આવ્યો. Existence precedes essence અસ્તિત્વ તે જ essenceનું નિયામક ગણાયું એટલે પોતાના કાર્યમાંથી મૂલ્યો નિષ્પન્ન કરવાનું થયું. પહેલાં કૃતિ ને પછી જ એનું મૂલ્ય. અંતિમ માત્રમાંથી મુક્તિ એ તો સર્જનને માટેની પહેલી અનિવાર્ય શરત. પહેલાં કૃતિ ને પછી જ એનું મૂલ્ય એટલે કે કૃતિ એ જ મૂલ્ય. કૃતિનું કૃતિપણું એની રૂપરચનામાંથી જ પ્રાપ્ત થાય. એની રૂપરચના એ જ મૂલ્ય બની રહે. આધુનિક ભાષાવિજ્ઞાનને અનુસરીને સંરચનાવાદ ‘જે અંતર્ગત નિયમતંત્ર દ્વારા સાહિત્યિક અનુભવ સિદ્ધ થાય છે તે તંત્રને ખુલ્લું કરી' બતાવે છે. ને કાવ્યભાષાને લગતો સિદ્ધાંત સ્થાપવા' માગે છે. સંરચનાવાદ પ્રમાણે તો પોતે જે પ્રણાલીઓનું તંત્ર પચાવ્યું હોય છે તેના સંદર્ભમાં જ આપણે સાહિત્યકૃતિની અર્થવત્તા પાળી શકીએ છીએ. જુદી પ્રણાલીઓ હોય તો તે જ કૃતિમાંથી જુદો અર્થ નિષ્પન્ન થાય. આ પ્રણાલીઓનું ભાન અંતર્ગૂઢ કે અભાન હોય છે અને તે સર્જકને પક્ષે તેમ જ ભાવકને પક્ષે એમ બંને પક્ષે હોય છે. સાહિત્યનું માધ્યમ ભાષા છે એ ખરું, પરંતુ સાહિત્ય ને ભાષા એકરૂપ ગણી શકાય નહીં. સાહિત્યની સંરચના ને ભાષાની સંરચના એકરૂપ ગણી શકાય નહીં. સાહિત્યની પ્રણાલીઓ અને સર્વમાન્ય ધારણાઓની તપાસ કૃતિમાં વ્યક્ત થતી સર્જકતાનો હિસાબ આપી શકે નહીં. નિયમતંત્ર ખુલ્લું કરી બતાવવાનો ઉદ્દેશ રાખે છે એટલે સંરચનાવાદમાં સાહિત્યકૃતિનું અર્થઘટન મહત્ત્વનું ગણાતું નથી. એથી જાણેઅજાણે ‘સંદિગ્ધતાથી સમૃદ્ધ એવી સાહિત્યકૃતિની આગવી વિશિષ્ટતાને તુચ્છવત્ બનાવી દેવી કે એનો સમૂળગો લોપ કરવો એવું જ પરિણામ આવે છે, છતાં સંરચનાવાદે ભાવકના સાહિત્યિક સામર્થ્યની, સર્જકની નૈવ્યકિતકતાની વિભાવના રચી છે એની તપાસ કરવી જરૂરી છે. સંરચનાવાદને કૃતિની રૂપરચના તપાસવાનું દેખીતું જ જરૂરી ન લાગે, તો પણ structure શબ્દમાં જ ઘટકોના પરસ્પર સંબંધની ગૂંથણીનો અર્થ તો રહ્યો જ છે. રૂપરચનાનો આડકતરો સ્વીકાર તો થયો જ છે. પ્રતિભાસવિજ્ઞાન phenomenaનું, things appearનું જ અસ્તિત્વ સ્વીકારે છે. વસ્તુ ને માનવી ચેતના વચ્ચેના સંબંધની આગવી પર્યેષણા કરે છે. વસ્તુનું અસ્તિત્વ માનવી ચેતનામાં જ સિદ્ધ થાય છે. માનવી ચેતનાની બહાર એનું કોઈ અસ્તિત્વ હોય તો એનું કોઈ જ મૂલ્ય નથી. હું ગુલાબ જોતો નથી, મારી ચેતનાને જ ગુલાબ રૂપે જોઉં છું. પ્રતિભાસવિજ્ઞાન ભાવકની ચેતનાને સર્વોપરી ગણે છે. મૂળ કૃતિનું textનું ભાવકથી નિરપેક્ષ કોઈક objective status હોય એમ એ સ્વીકારતું નથી. આથી ભાવકની ચેતનાને નિર્બાધ સ્વતંત્રતા મળે છે. મારી ચેતનાની બહાર કૃતિનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન હોય તો મારી ચેતનાથી જે સાક્ષાત્કાર છે એ કેવી રીતે નક્કી કરી શકાશે? હું કોરો કાગળ જોઉં છું, મારી ચેતના એનો જ સાક્ષાત્કાર કરે છે એને હું મહાન કલાકૃતિ ગણું છું તો કેવી રીતે કહી શકાશે કે મારી ભૂલ થાય છે.' એક જ કૃતિનો જુદા જુદા ભાવકની ચેતના જુદા જુદા રૂપમાં સાક્ષાત્કાર કરે છે ત્યારે એ પરસ્પર વિરોધી છે કે પરસ્પર પૂરક એ કેવી રીતે નક્કી કરી શકાશે? પ્રતિભાસવિજ્ઞાન intersubjectivityની વિભાવના માંડીને subject/ objectના દ્વંદ્રમાંથી ઊગરવા મથે છે, પરંતુ સાવ ઊગરી શકતું નથી. મારે જો મારી ચેતનાની પ્રવૃત્તિનું વર્ણન કરીને જ અટકી જવું હોય તો જુદી વાત છે, પરંતુ ચેતના જે સાક્ષાત્કાર કરે છે એનું મૂલ્યાંકન કરવું હોય તો મારે એક પક્ષે કૃતિ ને બીજે પક્ષે ચેતના એમ બે બિંદુની કલ્પના કરવી જ પડે છે. સ્વયં કૃતિમાં જ કોઈક એવું તત્ત્વ હોય છે કે જે મારી ચેતનાને કાં તો નિયંત્રિત કરે છે, કાં તો દિશાસૂચન કરે છે. મારી ચેતનામાં જે સિદ્ધ થાય છે એ તદ્દન નિરાધાર નથી હોતું, તદ્દન નિરંકુશ નથી હોતું. એની સિદ્ધિ એ બીજું કાંઈ જ નથી, કૃતિમાં જે નિહિત છે એનું જ પ્રગટીકરણ છે, એની રૂપરચનાનો જ સાક્ષાત્કાર છે. જે અળગું હોય છે એ જ એકરૂપ બને છે. આ એકરૂપતા સાર્થક છે કે નહીં એ નક્કી કરવા માટે કોઈક ધોરણની જરૂર પડે છે. આપણે એમ કહીએ કે the structure of the rose is the structure of my consciousness, ત્યારે રૂપરચનાને ધોરણ તરીકે સૂચવી દઈએ છીએ. નવ્ય વિવેચને કૃતિને સર્વોપરી ગણી, પ્રતિભાસવિજ્ઞાને ભાવકની ચેતનાને સર્વોપરી ગણી. અસ્તિત્વવાદે તમામ અંતિમનો ઇન્કાર કર્યો, સંરચનાએ ભાવકની પ્રણાલીઓનો પુરસ્કાર કર્યો. આવા વિરોધોને શમાવવા કેવી રીતે? કૃતિને ખરેખર કૃતિ નક્કી કરનારું તત્ત્વ કયું? કોઈક કૃતિનો મારે આસ્વાદ માણવો હોય, અર્થઘટન કે મૂલ્યાંકન કરવું હોય ત્યારે પહેલી શરત આ કરવી જોઈએ. જ્યાં સુધી હું કૃતિને કૃતિ તરીકે આત્મસાત્ કૃતિને કૃતિ તરીકે આત્મસાત્ કરું નહીં ત્યાં સુધી બીજા બધા પ્રશ્નો કાં તો અવરોધ કાં તો નિરર્થક બની જાય છે. કલામીમાંસામાં અનેક અભિગમો છે. કેટલાક અભિગમ કૃતિનો ઉદ્ભવ ક્યાંથી થયો છે, કૃતિની રચનાનો આશય શું છે એની ભૂમિકા પર રચાયા છે; કેટલાક કૃતિનો ભાવક પર કઈ જાતનો પ્રભાવ પડે છે એની ભૂમિકા પર રચાયા છે; કેટલાક કૃતિમાં કઈ જાતની સર્જનપ્રક્રિયા ચાલે છે એની ભૂમિકા પર રચાયા છે. આમાંથી જે અભિગમ સર્જનપ્રક્રિયા પર નિર્ભર છે એ જ કૃતિની કલાત્મકતાનો નિર્ણાયક બની શકે છે. બીજા અભિગમો કૃતિની કલાત્મકતાનું વર્ણન કરી શકે છે, સમજૂતી આપી શકે છે, એના નિર્ણયનું ધોરણ આપી શકતા નથી. ગુજરાતી વિવેચને ખરેખર સાર્થક થવું હશે તો પહેલાં કૃતિ તરીકે પામવી પડશે, કૃતિની રચનાપ્રક્રિયાનો મહિમા કરવો પડશે, રૂપનિષ્ઠ વલણ અપનાવવું પડશે. ‘કલાનાં સર્વ તત્ત્વોનો મહત્ત્વ-નિર્ણય કલાકૃતિને ઉદ્દેશીને જ કરી શકાય. કલાકૃતિ પાસેથી, તેને કલાકૃતિ તરીકે જ લેતાં, જે વિશિષ્ટ, અનન્ય વસ્તુ પ્રાપ્ત થાય છે, જે આપણને બીજે કશેથી પ્રાપ્ત થતી નથી તે વસ્તુને નિપજાવવામાં કલાકૃતિમાં રહેલાં ભિન્ન ભિન્ન તત્ત્વો, અંગો, ઘટકો કે પાસાંઓનો, એટલે કે રૂપનો શો ફાળો છે કલા દ્વારા પ્રાપ્ત થતો વિશેષ સર્વાંશે કોના ઉપર નિર્ભર છે, તે તપાસીને જ રૂપના કે અન્ય તત્ત્વોના મહત્ત્વનો નિર્ણય થઈ શકે.' કલાકૃતિમાં રૂપના મહત્ત્વનો નિર્ણય કરવો એટલે કલાકૃતિનાં ઘટક તત્ત્વોની ગૂંથણી દ્વારા નિષ્પન્ન થતા રૂપ ઉપર વિશિષ્ટ અનુભૂતિ નિર્ભર છે કે નહીં એનો નિર્ણય કરવો. રૂપરચનાનો મહિમા કરવો એટલે એવું તો નથી જ કે માનવીય સંદર્ભનો, માનવીય લાગણીનો તિરસ્કાર કરવો. એટલું જ કે એ માનવીય સંદર્ભનું, એ માનવીય લાગણીનું જે કાંઈ મૂલ્ય હોય એ કૃતિમાંથી જ, એની રૂપરચનામાંથી જ નિષ્પન્ન થવું જોઈએ. કૃતિની બહાર એનું ભલે ને ગમે તે મૂલ્ય હોય, કૃતિમાંથી એનું એ ને એ જ મૂલ્ય નિષ્પન્ન થવું જોઈએ એવું નથી. ‘કૃતિમાંથી નિષ્પન્ન થતું મૂલ્ય એનું તદ્દન-વિરોધી પણ હોઈ શકે છે. માનવીય સંદર્ભ કૃતિની રૂપરચનામાં આગવું મૂલ્ય પામે છે. રૂપરચનાનો વ્યાપાર જે સિદ્ધ કરે છે તે અમુક કૃતિ પરત્વે અને તે કૃતિ જે સમયમાં થઈ તે પરત્વે જ મહત્ત્વનું હોય છે એવું નથી. એ તત્ત્વ રસપ્રક્રિયામાં ઘટક રૂપે સદા કાળને માટે ઉમેરાઈ જાય છે. કૃતિની કાચી સામગ્રી એવો માનવીય સંદર્ભ, ભાષા, કલ્પન પ્રતીક અલંકાર જેવી રચનાની યુક્તિ આ બધાં રૂપરચનાના જ અંશ છે. એટલે રૂપરચનાના વ્યાપારને આત્મસાત્ કર્યા વિના વિવેચન એક પણ ડગલું આગળ વધે એમાં કલાસૂઝને માટે મોટું જોખમ ઊભું થાય છે. The enlivening and pacifying power of beautiful from over feeling is exercised only when our feelings enter, and are absorbed into, the form we perceive, so that... we participate in the supposed life of the form while in reality lending our life to it. આજ પૂરતું મારે આટલું જ કહેવું છે કે ગુજરાતી વિવેચન રૂપરચનાની તપાસ કેન્દ્રમાં રાખીને જ પોતાની ગુંજાશ પ્રગટ કરી શકશે, જુદા જુદા અભિગમની, રૂપરચનાની પણ, એથી બધી જ વિગતોને માંડીને વાત કરી નથી. મારે માટે આ માત્ર working hypothesis છે, એની વિગતે માંડણી કરવાનું હવે પછી કરવાનું ધાર્યું છે. હું જે વિચારું છું તે તમે પણ વિચારતા હશો તો મને તમારી સંમતિ મેળવવાનું શ્રેય મળશે, તમે અત્યાર સુધી ન વિચાર્યું હોય ને હવે વિચારવાનું મન થાય તો તમને પ્રેરવાનું શ્રેય મળશે, તમે વિચારીને સ્વીકાર્યું ન હોય ને એના વિરોધમાં બીજી કોઈ માંડણી કરવાનું મન થાય તો તમને ઉત્તેજવાનું શ્રેય મળશે.