પ્રથમ પુરુષ એકવચન/શુદ્ધ કવિતાનો મહાલય

From Ekatra Wiki
Revision as of 12:24, 6 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શુદ્ધ કવિતાનો મહાલય| સુરેશ જોષી}} {{Poem2Open}} જિન્દગીમાં જુદે જુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શુદ્ધ કવિતાનો મહાલય

સુરેશ જોષી

જિન્દગીમાં જુદે જુદે તબક્કે, અમુક શબ્દો મહત્ત્વના બની રહ્યા છે. ઠપકો, આશ્વાસન અને પ્રોત્સાહન – આ ત્રણ એ પૈકીના શબ્દો છે. બાળપણમાં કોઈ ને કોઈ કારણે મોટેરાંઓનો ઠપકો દરરોજ સાંભળવો પડતો. દાદાની નજર ચૂકવીને ‘બાલમિત્ર’માં આઠ વર્ષની વયે તોટક છન્દમાં એક ‘કવિતા’ છપાવી નાખી હતી. ત્યારે દાદા કંઈક વધારે પડતા ગુસ્સે થઈ ગયેલા અને મને તમાચો મારેલો. જીવનમાં કવિતાની એ પ્રથમ ભેટ. પછી સાહિત્યને નિમિત્તે આવા તમાચા ઘણા ખાધા. ઠપકો સાંભળતો રહ્યો. મને બાળપણમાં એમ હતું કે મોટા થતાં તો બીજાને ઠપકો આપવાની વય હશે. પણ હજી મારી તો એ વય આવી જ નહિ. હજી હું તો ઠપકો ખાતો જ રહ્યો. કદાચ મારું બાળપણ ગયું જ નહિ!

આ મળ્યું ને આ ન મળ્યું એવી ચિન્તા યુવાનીના પ્રારમ્ભમાં થોડીઘણી કરી હશે. કાંઠે આવેલું વહાણ ડૂબ્યા જેવું ઘણી વાર લાગ્યું. પણ મેં જોયું કે આશ્વાસન આપનારનોય તોટો નહોતો. દાદાની તો શિખામણ એ જ હતી કે સામાન્ય જ બની રહેવું. આજે એ યાદ કરું છું ત્યારે એમની મમતા હ્યદયને સ્પર્શી જાય છે. કોઈનુંય ધ્યાન ન ખેંચવું, જાહેર જીવનના ક્ષેત્રમાં પ્રવેશ ન કરવો. એમ નથી કરી શકતા તો દુ:ખને નોતરવા જેવું થાય. પણ આપણી સામાન્યતા રખેને અસામાન્યતા બની જાય એની ચિન્તા રાખનારા શુભેચ્છકો ઘણા મળી રહ્યા.

પણ મુરબ્બીઓ તો પ્રોત્સાહન આપનારા વર્ગમાં દેખાયા. એમનું પ્રોત્સાહન જ કેટલીક વાર અસહ્ય થઈ પડે. ‘આમ તો તમારા લખાણમાં કચાશ છે થોડીઘણી, પણ તમેતમારે લખવાનું ચાલુ જ રાખજો. તો ક્યારેક કોઈક દિવસ સારું લખાશે.’ કોઈ વળી કહેશે, ‘આ તમે નવું કરવાની લપ પડતી મૂકો ને! જો તમે રમણલાલ, ધૂમકેતુ જેવું કે પન્નાલાલ પેટલીકર જેવું લખતા હોત તો આજે તમે બધું જ પામી શક્યા હોત. હજુ કશું મોડું થયું નથી. રસ્તો ભૂલી ગયા હોઈએ તો સાચે રસ્તે ચઢતા આબરૂ જતી નથી.’ હું કહેવા જાઉં. ‘ગીતામાં કહ્યું છે તેમ સ્વધર્મે નિધન પામવું તે જ શ્રેયસ્કર –’ પણ મારું કોઈ સાંભળે તો ને? હજી પણ મારી પ્રત્યે સદ્ભાવ રાખી પ્રોત્સાહન આપનારા ઘણા છે.

એક હંગેરિયન કવિએ પોતાના હતાશ દુ:ખી કવિમિત્રને ઉદ્દેશીને કાવ્ય લખેલું તે યાદ આવે છે : મિત્ર, તું તો એકલે હાથે અનેક સામે ઝૂઝતો રહ્યો. ચૈતન્યનો ઉદ્રેક અને સત્ય તારાં શસ્ત્રો, તારા હૃદયમાં સદા પ્રકાશની શીળી જ્યોત. જગતે તો તને પ્રશંસાને નામે, સ્વીકૃતિને નામે કારાગારમાં પૂરી દીધો. એ બંધ બારીબારણાંને તોડીને તેં ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો. એ લોકોના મોંઘા માઇક્રોસ્કોપ, ઝળહળતા વીજળીના દીવા – આ બધું તો લોકો કશાક સૂક્ષ્મ, આપણને દૃષ્ટિગોચર નહિ એવાં, કિરણોની શોધ માટે કરી રહ્યા છે. એ લોકો પાસે આટલાં બધાં સાધનો છે અને તારી કારાગારની કાળી કોટડીમાં તો કાજળકાળું અન્ધારું છે. છતાં એમને ભય છે કે તું કશોક જાદુ કરશે (કવિને એ લોકો જાદુગર સિવાય બીજું કશું સમજ્યા છે ખરા?) ને તારી કોટડી એવાં તો ઉજ્જ્વળ પ્રકાશથી દ્યુતિમય બની જશે કે લોકો પછીથી એ કારાગારને તીર્થસ્થાન ગણીને દર્શનાર્થે ઊમટશે.

પ્રકાશ જ આ જગતમાં મોટો અપરાધી છે. શાસકોએ એનું નામ એમની ગુનેગારોની કાળી યાદીમાં મૂકી દીધું છે. છતાં પ્રકાશને એઓ ઝાંખો પાડી શક્યા નથી. એથી જ તો હે કવિમિત્ર, તું જગતભરની સેંકડો ભાષાઓમાં જીવન્ત રહેશે. તારી કવિતા બીજી અનેક સમયની કવિતાઓમાં સદા મહોરી ઊઠશે. માનવીની ચેતનામાં તારી કવિતાની પાંખડી વેરાતી રહેશે અને સદા મહેકતી રહેશે. ભૂગર્ભમાં રહીને તને ઉથલાવી મૂકનારા તો ક્યારના ભૂમિસાત્ થઈ ગયા. એ લોકોએ ડાયરી સિવાય બીજું કશું લખ્યું નથી. એ લોકો સંતાઈને ચોરની જેમ મહોરાં પાછળ મોઢું સંતાડતા રહ્યા.

કવિતા માટે જ જીવનારા રિલ્કે જેવા કવિને એના જીવનકાળ દરમિયાન ઝાઝું માન મળ્યું નહોતું. એના ચાહકો હતા. પણ સમાજ કે સરકાર તરફથી માન મેળવવા માટે, સરકારમાન્ય આ કે તે સમિતિમાં ઊંચું સ્થાન પામવા માટે, જાહેર સમારમ્ભોમાં પ્રતિષ્ઠિત ઉચ્ચાસને બેસવા માટે એની પાસે સમય નહોતો, જે સર્જક એકાન્ત છોડીને મેળાવડાઓનો જીવ બની જાય છે તે કવિતાથી જ વિખૂટો પડી જાય છે.

કાફકા, ક્યિર્કેગાર્દ, સાર્ત્ર, રિલ્કે સાથે વધારે પાકી દોસ્તી જામતી જાય છે. દોસ્તોએવ્સ્કીને ગુજરાતીમાં ઉતારવામાં સાથ આપે એવા મિત્રો શોધું છું. કોલેજના અભ્યાસકાળ દરમિયાન જ ગુજરાતી સાહિત્યનો ઉમ્બર ઓળંગાવનારની શોધમાં હતો. હવે આજે વિશ્વસાહિત્યની આબોહવામાં જ શ્વાસ લેવાનું પરવડે છે. મોરિશ બ્લાંશો, મેર્લો-પોંતિ, પોલ દ મેન, દેરિદા – સાંજ પડે છે ને ડાયરો જામે છે. નજીકનું જ જોઈ શકનારી આંખને એક પ્રકારનો અન્ધાપો આવી જાય છે, એ અન્ધાપો મારે વેઠવો નથી. છતાં હું છું ગુજરાતમાં તેનું મને વિસ્મરણ થતું નથી. કોણી મારીને ધસી જનારાની ટોળીમાં હું ભળ્યો નથી. મારે શુદ્ધ કવિતાના મહાલયમાં પ્રવેશવું છે.

14-5-78