છોળ/ઓળખ

From Ekatra Wiki
Revision as of 11:42, 28 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઓળખ

‘પંડ સંગ મળ્યા સહજના ક્‌હેણને ઓળખજો ને એ થકી નિજને, નિજી કર્તવ્યને અને સકળ સંસારના કર્તાહર્તા શ્રી કૃષ્ણને. ચાલુ વાદ-વલણો કે આવતાં-જતાં વીતકોનાં ઠાલાં રોદણાંથી પર, નિજી વાટે વધતાં રહેજો.’ હજીયે ગુંજરતાં કળું છું, જે કેવળ જનની જ નહીં, આયુષ્યના આદર્શ થઈ રહ્યાં, એ વહાલસોયાં માનાં વેણને.

સહજની એ શોધમહીં ઊઘડતી, ઘડાતી ગઈ રુચિ-સૂઝના અણસાર દેશે, નાનાવિધ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ બીચ લખાતાં અને છૂટાંછવાયાં છપાતાં રહ્યાં કાવ્યો થકી ચૂંટેલાંનો આ મારો પ્રથમ સંગ્રહ. છેવટનાં થોડાંક સિવાયનાં બીજાં બધાંય ગેય છે, અનાયાસ ચાર વિભાગમાં વહેંચાઈ જતાં. એમની તળપદી લ્હેંક લોહી સંગ વારસામાં મળી!

ઉભય પક્ષના વડવાઓ મૂળ ગોહિલવાડના. ભાવનગર નજીકના અધેવાડા અને અકવાડા ગામના વતની. ગોત્રે ઘોઘારી લોહાણા. ઓગણીસમી સદીના અંતભાગમાં, ઉપાર્જન અર્થે દહાણુ ભણી આવેલા અને નિજી આવડત અને ઉદ્યમ થકી ઘણી સંપદા મેળવી ત્યાં જ ઠરીઠામ થયેલા. આમ મૂળ વતનની રહેણીકરણી અને તળપદી બોલી ભેળાં, પ્રસંગોપાત્ત ગવાતાં ગીતો, ગરબા-ગરબી અને રાસ-ભજનોનાં લય-સંગીત પણ ગુજરાત-મહારાષ્ટ્રને સાંધતા એ સરહદી ગામ લગી આવ્યાં.

બચપણનાં પહેલાં પાંચ વર્ષ દહાણુમાં માતામહને ઘેર વીત્યાં. સંસ્કાર પુષ્ટિમાર્ગી વૈષ્ણવોના, પણ અડ-આભડના એકેય છાલા મલાજા વિનાના. ઘરના દેવમંદિરમાં ઠાકોરજીના દ્વેત સ્વરૂપ–લાલજી અને શ્રીનાથજીની પ્રતિષ્ઠા. લાવજીની લટકાળી પ્રતિમા પંચ ધાતુની, શ્રી-જીની ચાંદીની ‘ફ્રેઇમ’મંડિત છબી, નાથદ્વારાના પારંપરીય ચિતારાએ આળખેલી. રોજે થતી પૂજા-પ્રાર્થનામાં ગવાતાં સ્મૃતિનાં પહેલાં પરભાતિયાં નરસીનાં:

જાગને જાદવા! કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેણ્યમાં કોણ જાશે?

*

જળ-કમળ છાંડી જાને બાળા! સ્વામી અમારો જાગશે,
જાગશે તુંને મારશે, મુંને બાળ-હત્યા લાગશે…

આમ કૃષ્ણ-કાનુડા સંગ શૈશવથી જ સીધો નાતો. જે હજીયે રહ્યો છે, એવો જ અકબંધ. ને એ થકી પ્રેમ-લક્ષણા અને પુરુષ-પ્રકૃતિનાં, પંડે પ્રમાણ્યાં ગુપિત, સંધાનની સુભગ પળોમાં આળેખતો રહું છું, નિજને સહજ શબ્દ-લય અને અર્થાલંકારોના વિન્યાસ દ્વારા!

પણ આજેય વરતું છું એ જ આરંભની અધૂરપ અને દ્વિધા. શબ્દોય જ્યહીં ઓછા પડે એના કેમ અને કેટલા કરવા આળેખ? નિરંતર ચાલ્યા કરે છે એ આનંદ-સ્વરૂપની અદ્ભુત ગોપ્ય-લીલા! જે ઉત્તર છે એ જ પ્રશ્નો થઈ નોતરતો રહે છે એની સંગ ખેલવા, અનેક એંધાણો થકી એને ખોળવા! ને ક્રીડાંગણ પણ કેવું?! છુટ્ટે હાથ, બ્રહ્માંડ ભરીને અછરજ વેર્યાં છે એણે. દિશે દિશે, વાટે-ઘાટે, નેણાં ને મતિ ચકરાવે ચડે એવાં સોહામણાં, લોભામણાં અચરજ! આઘા ક્યાં જવું? પંચ મહાભૂતની બની આ સૃષ્ટિનાં અચરજોને માણતાં-પ્રમાણતાંયે જન્મારા વહી જાય!

આ સૂરજ, ચાંદો ને અગણિત તારા. આ તેજ-છાયાની આવજા અને રંગ-સુગંધ-રસની છાકમછોળ. પોણી પૃથ્વી આવરતાં ને ભીતર વડવાનળ ભરી બેઠાં આ જીવતાં-જાગતાં જળ: સીમાહીન ખારોપાટ ને તોય અનગળ જીવ એ મહીં પળે! આ ગગનચુંબી હિમશિખરો, ઊંડાં કરાડ-કોતરો ને ધીખતાં રણ. આ તળાવ-સરોવરો ને કોટિ કોટિ સરિત સરવાણીઓ થકી સિંચાતી અને ફૂલે-ફળે અને ધાને છલકાતી ધરા. આ ગાઢ અરણ્યો ને પણે સીમ, ખેતર અને પાદરે કોળતી વનરાજિઃ વડ-પીપળ, સાગ-સીસમ, આંબો-આમલી, લીમડો-નાળિયેરી, કેળ-કદંબ, અગર-ચંદન, જાઈ-જૂઈ, ચંપો-ચમેલી, બકુલ-પારિજાત, કમળ-કેસર, ખસ-કેવડો, તુલસી-દાભ… આ ટહુકતાં સૂડા-કુવેલ ને પણે મ્હેકતા મોર; આ ભાંભરતી ધેનુ ને પણે હણહણતા અશ્વ; આ ગુંજરતા મધપૂડા ને પણે ઊભરાતાં કીડિયારાં; આ જાળ ગૂંથતો કરોળિયો અને પણે સરકતી મીન… જેનો અંત જ નથી એની યાદી પણ કેમ કરવી?!

‘નરી મધ્યકાલીન સ્વપ્નશીલ વૃત્તિ!’ કહેશે આધુનિકો. ‘આ તો છે પેટ્રોલ-પ્લાસ્ટિક અને વીજાણુપ્રસારણ-માધ્યમોનો યુગ. આજે તો ચાંપ દાબો ને અવાજની ગતિએ પૃથ્વી બહાર ઊડી નીકળે છે રૉકેટયાનો, અવકાશના સીમાડા શોધવા. હવે વળી વાસંતી ધરા, શ્રાવણી ઘટા, મેળાની મસ્તી કે કાનગોપીનાં ટાહ્યલાં કેવાં?! આજે તો છેડવાં રહ્યાં, માનવે સાધી ઉત્ક્રાંતિનાં વિજયગાન!’

‘તો બધીય છે ઠાલી માયા! આ નશ્વર જગથી વિમુખ થયે જ મળવાની છે સાચી શાંતિ!’ કહી નકારશે ઉદાસીન કે આસ્તિક.

પણ અપરંપાર અચરજો થકી ઊભરાતા આ વિશ્વને ઠાલી માયા કહી નકારવું એ તો એના રચયિતાનો ઉપહાસ કરવા જેવી વાત થઈ. ને ઘડીક માની લઈએ તોય જે નિરંજન છે, પાવક છે, એણે રચી માયા પણ એવી જ પાવક ને મનભાવન છે! ને એ થકી અળગોય ક્યાં છે?! અણુ-પરમાણુમાં એની પુનિત-પુલકિત હસ્તી છે! ઝીણાં મોટાં કે પ્રચંડ, પ્રત્યેક સર્જનનાં આનંદ-અચરજ-માધુર્યનો આસ્વાદ માણવા નોતરતો રહે છે હરદમ, રમતનું નાવીન્ય ને સાતત્ય જાળવતો!

કશુંય સ્થગિત કે સ્થાયી નથી રહેતું આ વિશ્વ મહીં. દિન-રાત, માસ-વર્ષ, ઋતુ-ઋતુ, તેજ-છાયા, સુખ-દુઃખ, જનમ-મરણની એની એ જ ભાસતી, વણથંભ ઘટમાળ પણ પળે પળે નોખી હોય છે, પ્રકૃતિના અબાધ ચૈતન્ય અને ચાંચલ્યને કારણે. પ્રાકટ્ય, પરિવર્તન, વિલોપન અને પુનઃ પ્રાકટ્ય દ્વારા નીપજતી નિરંતનની નવરચના વિના જીવવુંય અસહ્ય થઈ જાય! શું આ અદ્ભુત લીલાને જ નશ્વરતા કહી નકારશું?!

અંતર્મુખ તો સતત વરતે છે પ્રકૃતિનાં અપાર ઐશ્વર્યને અને પામતો રહે છે પુષ્ટિ એના સાંનિધ્ય મહીં. સાંભરી આવે છે, નરસીનું પેલું સરળ, વેધક પદ:

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે!

જ્યારે એથી વિમુખ રહેતાં અન્ય સહુ, લાલસા-સંચાલિત છળ-કપટના હીણા, ઘાતક દાવ માંડી, ઝગડતાં રહે છે આપસમાં અને ઉદ્વિગ્ન થઈ ભાંડતા રહે છે ભાગ્યને!

પણ ‘ઉત્ક્રાંત’ માનવે સર્જી સૃષ્ટિનાં વાદ-ધારા કે મૂલ્યો જોડે પ્રકૃતિને કશી લેવાદેવા નથી! સુભાગ્યે, એણે હજીયે બદલ્યું નથી નિજી વલણ કે નિજી ચલણ! સતત શોધનરત મહાભૂતો હજીય નિવારતા રહે છે, માનવે ફેલાવ્યાં અનેકવિધ દૂધણોને. બૈરુત-બગદાદ કે બેલગ્રેડના ભીષણ બમ્બમારા આડેય, અહીંતહીં બચ્યાં વૃક્ષ-વેલીઓ વસંત વેળા ખીલવાનું વીસર્યાં નથી! પંખીઓ ટહુક્યાં છે! આવાસોનાં ખંડેરો બીચ શિશુઓની રમણ રીડ થતી રહી છે! માનવના વાધતા જતાં દૂષિત હસ્ત-ક્ષેપ છતાંય, એની ઓથમાં હજી સર્વ કાંઈ કોળતું, કિલ્લોલતું રહે છે! પળમાં, દારુણ વિનાશ સર્જે એવી સર્વશક્તિમાન પ્રકૃતિ, આદિ ગુણે સદા પ્રસન્ન મંગલ અને કરુણામયી છે! અદિતિ, મહાલક્ષ્મી, સરસ્વતી, અન્નપૂર્ણા, મહાકાલી, દુર્ગા, ભૈરવી શાં નામો એ આદ્યશક્તિના મુદિત અને ભયાનક સ્વરૂપોનાં દ્યોતક છે! એના સીધા સંપર્કમાં રહેતા તળભૂમિનાં અનેક ભોળાં ગ્રામજનો, નાનાવિધ ઉત્સવો દ્વારા નિજી આસ્થા અને આમન્યા વ્યક્ત કરતાં એ જીવનદાત્રીને બિરદાવતાં રહે છે.

માનું છું કે જાણ્યે-અજાણ્યે, શૈશવકાળથી જ પ્રકૃતિના અઢળક રૂપ-કામણને ઝીલતો રહ્યો છું. યુવાકાળમાં (મુંબઈની કલા-શાળાના અભ્યાસ દરમિયાન) સ્હેજ પગભર થતાં જ, દેશની તળભૂમિને ખૂંદવાનો આરંભ કરી દીધેલો. મર્યાદિત વાટ-ખર્ચીને કારણે પ્રવાસમાં અનેકવિધ હાડમારીઓ સહેવી પડતી. લોકલ-ટ્રેનોના ત્રીજા વર્ગની હકડેઠઠ ભીડ વચ્ચે, ખખડધજ બસો મહીં, બળદગાડામાં ને પગપાળોય ઠેર ઠેર રખડ્યો છું! ઘણી વાર આવા આકરા પરિશ્રમથી વણટેવાઈ કાયા, ઘેર પાછા ફરતા સુધીમાં તો સાવ નંખાઈ ગઈ હોય. ત્યારે, સહુ કુટુંબીઓ બળાપો કરી ઊઠતાં કે શીદને કરતો હોઈશ આવો ઠાલો રઝળપાટ?!

પણ ઋતુ-ઋતુએ નવલાં રૂપ દાખતી પ્રકૃતિ અને ગોકુળ શાં રૂડાં ગ્રામોની એવી ખેંચ કે સ્વસ્થ થતાં ફરી નીકળી પડતો અને આજેય નીકળી પડું અવસર મળતાં. આરંભે, કંઈ કેટલું દોરી લાવતો કાગળ પરે, પછી કૅમેરાની છબીમાં મઢતો થયો ને એમાંય ઝિલાતું, મનગમતું બધુંય ભરી લાવતો ભીતર મહીં! હર મોસમનાં રૂપ પ્રમાણ્યાં છે, પણ સમયનેય ધારણ ચડાવતી અલસભરી બપોરનું જીવને એક અદમ્ય આકર્ષણ છે! આંખોય માંડ ઊઘડે એવા ઝળાઝળા તડકા અને ઢળતી શીળી છાંય બીચ વિસ્તરતી તૃપ્ત, મનભર તૃપ્તિના ઘણા આળેખ કર્યા છે, નિજને સહજ વેણ વાટે! તળભૂમિની આ રઢ આડે, રોજિંદા શહેરી જીવનનાં નાનાવિધ અન્યાયો અને વિટંબણાઓથી વિમુખ હતો એવુંય નથી! પણ એ થકી ઊભરતાં વિષાદનો બળાપો કે આક્રોશ, નિજી કાવ્યો મહીં વ્યક્ત કરતાં ક્યારેય ફાવ્યું નથી. સંભવ છે કે ગળથૂથીમાં મળ્યા સંસ્કારો એના કારણભૂત હોય!

ફરી વરતું છું માનાં વેણ: ‘જેવી દૃષ્ટિ, એવી સૃષ્ટિ! આંખોનાં અચરજને જાળવજો! આકરું, અળખામણું બધુંય સહ્ય થશે એ થકી. આપણા સૂક્ષ્મ મહીં પ્રાધાન્ય હો પ્રેમનું ને ઉપાસના આનંદની…’

ને જાણે મારો તાગ લેતી હોય એમ વિધિની અકળ ગતિ ખેંચી લાવી છે માભોમથી જોજનો દૂર આંહીં ઇટાલીમાં! સ્વપ્નેય કલ્પ્યું નહોતું કે મળ્યા-ઘડાયા સંસ્કારોનાં મૂલ પુનઃ પ્રમાણવાનો હતો વિદેશી ભાર્યાના સંગમાં! અમે ક્યારે ક્યાં અને કેમ મળ્યા એની વિગતોની અહીં અગત્ય નથી, પણ પાંત્રીસ વર્ષના સાહચર્ય દરમિયાન સ્થળ-કાળ, દેશ-વિદેશ, રહેણી-કહેણી, ધર્મ અને ભાષાની ભિન્નતાનેય સાંકળતી પ્રેમની પરિભાષા થકી, ઝાંખી કરી છે પુરુષ-પ્રકૃતિની અવર્ણ્ય સર્જનલીલાની. મીનમેખ બદલ ના થાય એવાં અદ્ભુત ક્રમ-નિયમોની, ગદ્ગદ્ કરી દેતાં માધુર્ય અને આર્દ્રતાની! આજ વણકીધ્યે વહાલ કરી જતાં ત્રણ સંતાનો થકી પિછાણું છું મા-બાપુના અઢળક પ્રેમને. પેઢીપેઢીનાં સ્નેહસંબંધોને, એક થકી અનેક અને અનેક મહીં એકના અજોડ સમન્વયને!

શૈશવથી પૂછતો આવ્યો છું: ‘જેની સંગ જીવ હળ્યો એને કેમ અને કેટલું જકડી રખાય?!’ ને કાયમ જવાબ વળ્યો છે, ‘જેટલાં આપણાં અંજળ, જેટલી આપણી લેણદેણ!’ તો થાય છે કે પતાવવી જ શાને આ લેણદેણ?! જેણે છુટ્ટે હાથે દીધું, એનું લેણું ચૂકવીએ તો થાય ને આપણાંથી છૂટાં? નિજી મૂડીની તો દેનારને ચિંતા, આપણે કેવી? છો કરતાં સતત આપણો પીછો, દીધી મૂડીને પુનઃ પામવા!

કશુંય રહ્યું નથી પૂર્વવત્. વિલીન થતું રહે છે સ્થૂલ સર્વ કાંઈ, કાળની અકળ ઘટમાળ બીચ. રહે છે કેવળ માણી-પ્રમાણી ભીતર ભરી લીધા હરકશાના, એથી પણ એવી ઝીણા-મોટા સૂક્ષ્મ આળેખ! આપણે માત્ર સંભારવાની જ ખોટી ને પલકમાં ચાહ્યું બધુંય, એવું ને એવું ઝળકતું, પ્રથમ સું પ્રકટી રહે છે ભીડી આંખો બીચ! ખરે જ, આત્મસાત્ એ ભવોભવ આપણો સાથ કરે ને પાંગરે નિતનવે રૂપ! એ જ આપણી અક્ષર-કમાઈ…

કોમો-ઇટાલી
મકરસંક્રાતિ: ૧૪-૧-૨૦૦૦પ્રદ્યુમ્ન તન્ના

PRADUMNA TANNA
Via Tomaso Grossi-36
22100-Como-Italy
Tel: 0039-031-305009