પ્રથમ પુરુષ એકવચન/સંસ્કારોનાં અડાબીડ અરણ્યો
સુરેશ જોષી
આ ઋતુ સાથે હજી પૂરો મેળ બેસતો નથી. કશુંક ન હોવું જોઈએ તે છે, પણ તે પરખાતું નથી. આથી શરીર અને મન મુંઝાયા કરે છે. આને નિમિત્તે માત્ર પ્રમાદને માણતો હું બેસી રહું છું. કેમ જાણે હું અખૂટ સમયનો સ્વામી હોઉં! કામકાજનો પ્રપંચ તો ખાસ્સો વિસ્તરેલો છે. તેમ કરવું ગમે પણ છે. લાદેલી ફરજ તરીકે અમુક સમયમર્યાદામાં રહીને કશું કરવાનું મને અનુકૂળ નથી. કામ કરવાથી સારું લાગે, કશું ન કર્યાનો પશ્ચાત્તાપ બાળે નહિ. આમ છતાં વચ્ચે વચ્ચે એવા તબક્કા આવી જાય છે જ્યારે ગમ્ભીરતાનો ભાર સહ્યો જાય નહિ, જેનો કશો ખાસ અર્થ નહિ હોય એવું જ કરવું ગમે. એવે વખતે મારી નજર હું પંચાંગ પરથી ફેરવી લઉં છું. દિવસો કેટલા ગયા, કયો મહિનો ચાલે છે, આવતી કાલે શું પૂરું કરવાનું છે : આ બધાંની ચિન્તા છોડી દઉં છું અને નૈષ્કર્મ્યનું સુખ પૂરેપૂરું ભોગવું છું.
હવે મધરાત પછી થોડી ઠંડીની આંચ વર્તાય છે. પણ રજાઈ ઓઢવા જતાં ગરમી લાગવા માંડે છે. સારામાં સારી નિદ્રા શિયાળાની રાતની. તે હજી માણી શકાતી નથી. મોડી રાતે ઊગમણી બારીમાંથી ચાંદનીનો રેલો ઘરમાં પ્રવેશે છે. ચીબરી ને ટિટોડી બોલતી સંભળાય છે. શહેરથી તો દૂર છું, પણ ‘રાજમાર્ગ’ પાસે હોવાને કારણે વાહનોનો ઘરઘરાટ તો સંભળાય જ છે. આ નિદ્રાનું પોત જરા ફિસ્સું પડી ગયું છે પણ એની ખાસ ચિન્તા નથી.
બાળપણમાં કંઈક એવા સંસ્કાર પડેલા કે પોતાના દોષો જોઈને પશ્ચાત્તાપ કરીએ તો ભગવાન ખુશ થાય. આથી ખૂબ જ પાપભીરુ બનીને જીવવાની ટેવ પડેલી. આને પરિણામે કશું નિશ્ચિતપણે ઉમળકાથી થાય નહિ. એ બધું છોડતાં ઘણો સમય વીત્યો. હજી એ સંસ્કારો પૂરા લુપ્ત થયા છે એમ પણ કહી શકું નહિ. પણ વાંચવાનો શોખ કેળવાતો ગયો તેથી એકાન્ત પણ સહ્યા લાગવા માંડ્યું. સર્જકોની સૃષ્ટિમાં વિહાર કરતાં નવી નવી ક્ષિતિજો ઊઘડતી ગઈ. મનની કૃપણતા, ભીરુતા ધીમે ધીમે દૂર સરતી ગઈ.
આમ છતાં વિચાર કરું છું તો લાગે છે કે આપણે સંસ્કારોનાં કેવાં અડાબીડ અરણ્યોમાંથી રસ્તો કરવાનો રહે છે! ત્યારે પાપી તો ઠીક, આપણે આપણા પોતાનાથીય કેટલા ગભરાઈ જતા હોઈએ છીએ! કેટલોક સમય તો મારાથી જ થોડું અન્તર રાખીને જીવવામાં ગયો. પછી ભૂલોનું પણ મહત્ત્વ સમજાયું. પૂર્ણપુરુષોત્તમ બનવાની મહત્ત્વાકાંક્ષા છૂટતી ગઈ. હળવા થવું એનો શો આનન્દ તે પણ સુખદ રીતે સમજાતું ગયું. જીવનને અટપટું બનાવવામાં જ આનન્દ છે એમ કેટલાક માને છે. પણ આપણી ઇચ્છા નથી હોતી છતાંય કેટલી બધી ગૂંચો ઊભી થતી હોય છે!
તુચ્છ કે મહાનનો પ્રશ્ન મહત્ત્વનો નથી, રસ માણવાની શક્તિ હોવી એ જ મહત્ત્વનું છે. દુ:ખની કે કષ્ટની ક્ષણોને પણ ભયથી દૂર રાખવાને બદલે એને પણ કશાક રસનું કારણ બનાવી શકાય. બાળપણના ભય અને મોટપણના ભયમાં ઘણો ભેદ છે. બાળપણમાં ભય ક્રીડાની સામગ્રી બની રહે છે, મોટપણનો ભય એક ગ્રન્થિ બની રહે છે, એમાંથી જલદી છૂટી શકાતું નથી. એ ભયને દૂર રાખવા માટે જ કેટલીક વાર મોટો શબ્દપ્રપંચ રચવો નથી પડતો?
કેન્દ્રોત્સારી ગતિનો તબક્કો પૂરો થયો લાગે છે, હવે કેન્દ્રાનુગામી ગતિ શરૂ થઈ છે. પણ બહાર વિહાર કરીને પાછા વળીએ છીએ ત્યારે કોરાકટ તો નથી આવતા, સાથે કેટલું બધું જગત લેતા આવીએ છીએ. તર્કની આંટીઘૂંટી, જ્ઞાનનાં ચોસલાં – આ બધું એટલું બધું રુચતું નથી. જે અનુભૂતિને માર્ગે થઈને આવે છે તે જ પોતીકું લાગે છે. સંચિત કરેલી મૂડી પર જીવવાનો લોભ હજી નથી. સ્મરણના પર પણ વધારે જુલમ કરવો સારો નહિ. આકાશમાંથી પંખી જાય તેમ જગતને પોતાનામાંથી સહજ રીતે સરવા દેવું સારું.
ઘણાં એવાં સ્થાનો પણ આવ્યાં જ્યાં વધારે વખત ટકી રહેવાનો મનને લોભ થયો. ઘણી જગ્યાએ જઈ ચઢ્યા પછી તરત જ ભાગી છૂટવાનું પણ મન થયું. એમાંનું કશું નિરર્થક હતું એમ તો કહી શકતો નથી. ઓછીવત્તી શક્તિ પ્રમાણે બધું ઝીલ્યું. ઉત્તમ પરિણામો જ હમેશાં લાધ્યાં એમ પણ કહેતો નથી. પણ સરવૈયું કાઢીકાઢીને જીવવાનો મારો સ્વભાવ નથી. ક્ષતિપૂતિર્ના આંકડા માંડવામાં હું નિષ્ણાત થઈ શક્યો નથી. હિસાબ આપવાની જવાબદારી મને હંમેશાં આકરી લાગે છે, પણ એનો અર્થ એ નથી કે કશી જવાબદારી સ્વીકારતાં હું ડર્યો છું.
એક તૃણાંકુરને જોઈ રહેવાથી બ્રહ્માનન્દ થાય એ વાત મને સાચી લાગી છે. ઘણાં કષ્ટ મારે ભોગવવાનાં નથી આવ્યાં તે બદલ હું જગતના જે કોઈ નિયન્તા હોય તેનો ઋણી છું. આ જોઈ રહેવાનો અદ્ભુત આનન્દ મને સુલભ છે એ જેવી તેવી વાત નથી. હર્ષથી પુલકિત થવાની ક્ષમતા એ કેટલી મોટી બક્ષિસ છે તે પણ હું સમજું છું.
એવા તબક્કા જરૂર આવે છે જ્યારે હૃદય વેદનાના ભેજને જ શોધ્યા કરે છે. વેદનાના પાસ વગરનો કોઈ આનન્દ પણ ત્યારે રુચતો નથી. એ કદાચ મનોરુગ્ણતાની જ સ્થિતિ હશે, પણ હું એને વેઠી લઉં છું. એમાંથી પણ મને કશુંક એવું પ્રાપ્ત થાય છે જે કદાચ બીજી રીતે પ્રાપ્ત નહિ થઈ શક્યું હોત. આથી જ કોઈ અનુભવની કિંમત આંકવાની પ્રવૃત્તિ હું તરત હાથ ધરતો નથી. બહારથી જે કાંઈ આવે તેનું રૂપાન્તર કરી લેવાની શક્તિ કેળવાતી જાય તો એ એક મોટો લાભ છે.
આજકાલ સવાર બહુ સારી જતી નથી, જોકે વાતાવરણ હવે ખુશનુમા થતું જાય છે, બારીમાંથી આવતા તડકાનો સ્પર્શ ગમવા લાગ્યો છે. બારી પાસેનો ચંપો ખીલ્યો છે. મનને ખીલી ઊઠવાને અનુકૂળ વાતાવરણ છે, પણ હઠીલું શરીર અન્તરાય ઊભા કર્યે જાય છે. આથી સાંજ ઢળે તેની રાહ જોઉં છું. એક લાંબી ‘થ્રીલર’ લઈને બેસી જાઉં છું, કોઈ વાર ‘સ્પાઇન ચીલર’ હોય તો વળી ઓર મજા આવે છે. પછી રાત આગળ વધે ને આંખ સુખદ રીતે ઘેરાવા લાગે ને રજાઈની હૂંફમાં અર્ધી નિદ્રા ને અર્ધી તન્દ્રાની સ્થિતિને માણતા પડ્યા રહેવાની મજા આવે. રાતે બારીમાંથી નિ:સ્તબ્ધ ચાંદનીના વિસ્તારને જોઈ રહું. દિવસ દરમિયાન કોઈ સરસ કાવ્યપંક્તિ વાંચી હોય તે રાતે મનમાં ખીલવા લાગે, અન્તર મઘમઘી ઊઠે. આથી જ હું નવા નવા કવિની શોધમાં રહું છું. લગભગ દરરોજ અદ્ભુત નવી નવી પંક્તિઓ મળી રહે. એ આનન્દના જગતને ખોલી આપનારી સોનાની ચાવી; બસ, પછી બીજા કશા પરવાનાની જરૂર નહિ પડે. જગતમાં અનિષ્ટ છે તે જાણું છું. એની સામે સક્રિય બનવું જરૂરી છે તે પણ સમજું છું. મારી રીતે થોડું કરવા મથ્યા કરું છું. પણ જગતના ક્રમમાં ક્યાં શું અનિવાર્ય હશે તેની મને ખબર નથી. કદાચ એટલા વિશાળ પરિપ્રેક્ષ્યમાં હજી હું બધું જોઈ શક્યો નથી. આથી જ તો કશાનો ઉકેલ શોધી કાઢ્યાનો મારો દાવો નથી. નિષ્ફળતાનો આલેખ આંકી જવો એ પણ કાંઈ નાનીસૂની વાત નથી. પણ નિષ્ક્રિયતાને એક મૂલ્ય તરીકે સ્થાપવાની વંચનાના ભોગ બનવું ન જોઈએ.
ઘણા દિવસો એવા આવે છે કે જે વીતતા જ નથી, નવું પાનું ઝટ ફેરવી દઈ શકાતું નથી. જીવ અધીરો બને છે, દિવસો કદાચ એટલા અસહ્ય નથી હોતા, પણ મારી આ અધીરાઈ જ સહ્યો જવાતી નથી. પણ અધીરાઈ ટળે એ માટેની અધીરાઈથી પણ શો લાભ! આવી કોઈ આફત આખરે ટળે છે ત્યારે મન ઉત્સવ ઊજવવાને રાજી થઈ જાય છે ત્યારે ગઈ કાલનાં દુ:ખ આજના ઉત્સવમાં ધજાપતાકા બનીને લહેરાઈ ઊઠે છે.
શરદ, હેમન્ત કે શિશિર કરતાં મને ગ્રીષ્મ વધારે રુચે. એની સાથે મારો નાડીગત સમ્બન્ધ. અત્યારથી જ હું ગ્રીષ્મની રાહ જોઉં છું. ત્યારે જળની શીતળતા આપણને કેવી તૃપ્ત કરી દે! ખાવા કરતાં પીવાનું વધારે ગમે. રાતે મહોરેલા લીમડાની સુગન્ધ લઈને વાતો પવન કેવો સુખદ લાગે! પણ શરદ, હેમન્ત કે શિશિર નકામી છે એમ હું કહેતો નથી. મારી પ્રકૃતિને જે વધુ રુચે છે તેની જ હું તો વાત કરું છું.
વેદનાને વશ થઈને જે લખી કાઢ્યું હોય તે પછીના દિવસોમાં રુચતું નથી. આથી વેદનાને એકાન્તમાં ભોગવી લેવી તે જ ઠીક. એ વિશે ઝાઝું બોલવાનો કશો લાભ નહિ. આમ જાણવા છતાં એ પણ સમજું છું કે કેટલાક સમ્બન્ધો વેદનાને સૂત્રે જ બંધાયેલા હોય છે અને એ સમ્બન્ધોનો તાંતણો કાચો હોતો નથી તેની પણ મને ખબર છે. ઘણી વાર વેઠવા અને માણવા વચ્ચે ઝાઝો ફેર રહેતો નથી. ઘણી વાર વેદનાની પાદપીઠ પર ઊભા રહીને જોવાથી જ કેટલુંક જોઈ શકાય છે. આથી તિતિક્ષા મને હંમેશાં કેળવવા જેવી લાગી છે.
એક પર્વ પૂરું થયું અને બીજું શરૂ થયું એની હંમેશાં સ્પષ્ટ સમજ આપણને હોતી નથી. કદાચ બધું જ એકબીજામાં અભિન્નભાવે ભળી ગયેલું જ હોય છે. આથી સુખદુ:ખના જુદા સાજ રાખવાની જરૂર નથી. જીવનને એક અખણ્ડ સેતુરૂપે જોનારી દૃષ્ટિ જ સાચી છે. પણ આપણે દૂર સુધીનો છેડો જોઈ શકતા નથી. આથી જેટલું જોઈ શકાય છે તેને આધારે જ બધી ગણતરી કરતા હોઈએ છીએ. આથી પ્રમાણભાન જળવાતું નથી. પણ આખાય જીવનપટને જોઈ શકવાની તો કોઈ સમ્ભવિતતા જ નથી. આથી બીજું થાય પણ શું!
એમ તો દરરોજ કશાક નૂતનનો આવિર્ભાવ થતો જ રહે છે. તડકામાં એકાએક ચળકી ઊઠતો કરોળિયાની જાળનો તાર પણ ચકિત કરી દે છે. શિરીષ પર આ વર્ષે હુદહુદ દેખાયું તે જોઈને પણ હું ચકિત થઈ ગયો. વચમાં થોડાં વર્ષો સુધી એ દેખાતું જ નહોતું. દિવાળીઘોડા આવી લાગ્યા છે. મેદાનમાં ફરતી વેળાએ એમની ચટુલ ગતિને જોઈ રહેવાનો આનન્દ આવે છે. ટુકટુકિયાએ શિરીષ પર માળો બાંધવાનો પ્રયત્ન કરી જોયો, પણ કદાચ વાંદરાઓના ત્રાસથી એણે એ વિચાર પડતો મૂક્યો. કોઈ વાર આવી ચઢતું પીળક કે લક્કડખોદ સાશ્ચર્ય આનન્દ આપે છે. કદાચ આપણને જોઈને પંખીઓને એટલો આનન્દ નહિ થતો હોય.
મર્યાદાઓથી ઘણી વાર ખૂબ જ અકળાઈ જવાય છે. છતાં ઘણી વાર મર્યાદાઓ આપણને બચાવી લે છે તે પણ સમજું છું. મર્યાદા આપણું કલંક નથી તેમ ગૌરવ પણ નથી. એ આપણો સ્વભાવ છે. મર્યાદાને ઉલ્લંઘી જવાનું સાહસ ફરી ફરી કરવા આપણે લલચાયા કરીએ છીએ. એમાં લાભ-નુક્સાનનો કોઈ પ્રશ્ન નથી હોતો, પણ જાતને વારેવારે કસોટીએ ચઢાવીને ચકાસી જોયા વિના આપણે રહી શકતા નથી. આપણે પોતાને આપણી જ આગળ અનેક રીતે પ્રમાણિત કરતા રહીએ છીએ. આપણે આપણને પણ કશી શ્રદ્ધાથી સ્વીકારી લઈ શકીએ નહિ. આવી અખણ્ડ સદોદ્યતતા વિના આપણે કદાચ કરમાઈ જ જઈએ.
8-12-80