પ્રથમ પુરુષ એકવચન/હું અને અન્ધકાર
સુરેશ જોષી
દિવાળી સાથે મારા મનમાં હમેશાં દિવેલનું કોડિયું જોડાઈ ગયેલું છે. દિવાળીમાં બીજું બધું ઘણું બને છે, પણ બાળપણની સ્મૃતિમાં આ દીવેલનું કોડિયું જ એકાએક ઉદ્ભાસિત થઈ ઊઠે છે. રજાઓમાં બોડિર્ંગ આખી ખાલી થઈ જાય ત્યારે તો એ આખું કમ્પાઉણ્ડ ખૂબ મોટું લાગતું. એના બે ભાગ હતા : નવો ભાગ અને જૂનો ભાગ. અમારું ઘર જૂના ભાગમાં. પાસે જ લીમડા અને બહેડાનાં ઝાડ, મોગરાની વેલ અને ચન્દનનું ઝાડ. શરદપૂનમ ગઈ છે. ચાંદની ઓસરતી જાય છે. સાંજ પડે છે, અંધારું ઢળે છે ને હૃદયમાં ભયની ફડક પેસી જાય છે. હજી રામજી ઓરડાઓમાંના દિવેલનાં કોડિયાંઓમાં દિવેલ પૂરવા આવ્યો નથી. હિંચકો બહાર છે. ઘેરાતા અન્ધકારમાં બાળકલ્પના ચારે બાજુ કેટલાય આકારોને કલ્પે છે. આથી ઘરની અંદર આવીને આશ્રય લીધો છે. મોટેરાં કોઈ છે નહિ, કોઈ દેવદર્શને ગયું છે, કોઈ ગામમાં ગયું છે. ઘરમાં જાઉં છું ખરો, પણ ત્યાં અન્ધકાર જ મને આવકારે છે. પશ્ચિમમાં કિલ્લો ઊભો છે. એ જ તો ભયાનકનું આદિસ્થાન છે! હમણાં વાઘની ત્રાડ સંભળાશે. ત્યારે એકાન્તનું શું કરવું તે સમજાતું નહોતું.
એવામાં રામજી આવે છે ને દિવેલ પૂરીને ઓરડામાંનું કોડિયું સળગાવે છે. આશ્વસ્ત અને રોમાંચિત થઈને એના પ્રકાશને ઓરડામાં પ્રસરતો જોઉં છું. પ્રકાશ જ મારું રક્ષાકવચ છે. એ દિવેલના કોડિયાની સ્નિગ્ધ દૃષ્ટિમાં જ માતાની દૃષ્ટિનું વાત્સલ્ય છે. માતા તો ખૂબ દૂર દૂર છે. એ પ્રકાશને ખોળે હું બેસું છું. પછી ધીમે ધીમે બહાર ગયેલાં મોટેરાં આવે છે. રસોડામાં ચૂલો સળગે છે. ઘર જીવતું થાય છે. બાળપણમાં વિષાદ શું તેની વ્યાખ્યા બાંધવાનું આવડતું નહોતું. પણ મન પર કશાકનો ભાર વર્તાતો. બધાંને જ ભયનો પાસ બેઠો હોય તેવું લાગતું.
દિવાળીમાં આ કોડિયાંની સંખ્યા વધી જતી. મારે મન તો જાણે એટલાં આપ્તજન વધ્યાં હોય એવું લાગતું. આથી જ તો દિવાળીના દિવસોનો અન્ધકાર ઝાઝો પીડતો નહિ. વાંસની ફાંટમાં ફટાકડાની લૂમ ભેરવીને ફોડવી, હાથમાં પોટાશ ભરેલી ખાંડણી ઝાલીને એના પર લોખંડનો દાંડો મૂકી જમીન પર જોરથી પછાડવી – આ બધું ભયને ભગાડી મૂકનાર શસ્ત્રો જેવું લાગતું. દિવસમાં જેની છાયામાં બેસીને દિવાસ્વપ્નો જોતાં તે વૃક્ષો રાતે કેવાં બિહામણાં લાગતાં!
દિવાળી આવે છે ત્યારે મને એ દિવેલનું કોડિયું યાદ આવે છે. અહીં તો એવો ખુલ્લો વિસ્તાર નથી, મોટું આંગણું નથી. થોડી ઘણી જગ્યા હોય ત્યાં દીવા મૂકીએ છીએ. પણ એ દીવાઓ ઉપેક્ષિત જ થતા હોય છે. બાળપણમાં એ દીવાને અજવાળે દાદાનું મોઢું ને વાતો કહેતી એમની મુદ્રાને જોઈ રહેતો. એમના મુખની કરચલીનો આખો નકશો પ્રગટ થતો. દીવાને અજવાળે એ બધાં મોઢાં જુદાં જ લાગતાં. દિવસના અજવાળામાં તો એ બધાં મોઢાં એટલાં તો પરિચિત લાગતાં કે એને ધારી ધારીને જોવાની કશી જરૂર જ લાગતી નહિ. પણ દીવાનો પ્રકાશ જે રીતે મુખની રેખાઓને આંકી આપતો તેમાં કશુંક અદ્ભુત જાણે ઉમેરાઈ જતું હોય એવો અનુભવ થતો.
એ દીવાની થરકતી જ્યોતને અજવાળે પાટીમાં દાખલા ગણવા બેસતો ત્યારે સંખ્યાના આંકડાઓ નાચવા લાગતા. ચોપડીમાંની બારાખડી જાણે ભાગંભાગ કરી મૂકીને પકડદાવ રમવા લાગતી. ઓરડાની ભીંતો જાણે પવનમાં હાલતાં પાંદડાંની જેમ હાલતી દેખાતી. એના અજવાળામાં પદાર્થો વચ્ચેના સમ્બન્ધો કશી જુદી જ ભૂમિકા પર જોડાતા. આથી દીવાનું પ્રગટવું એ મારે મન સૂની સાંજની એક અદ્ભુત ઘટના હતી. એને અજવાળે એક નવો જ કલ્પનાલોક ઊભો થતો હતો, આજે હું એને કલ્પનાલોક કહું છું પણ ત્યારે તો મારે મન એ વાસ્તવિકતા જ હતી.
ધીમે ધીમે અદ્ભુતની બધી સામગ્રી રેઢિયાળના ખાનામાં પડતી ગઈ. દિવાળીના દિવસોમાં જોયેલો એ અન્ધકાર આ શહેરમાં તો જોવા જ ન મળે. ડુમ્મસમાં વીજળીના દીવા નહોતા ત્યારે ત્યાં ખરો અન્ધકાર જોયેલો. તારાનું પણ અજવાળું પડે છે તે ત્યારે જોયેલું. વળી અન્ધકારમાં સમુદ્રનાં મોજાંનાં ફીણને ચળકતાં જોવાં એ પણ એક અનોખો અનુભવ છે. એ અન્ધકારમાં પણ વળી વધારે ગાઢા, અન્ધકારના ડાઘા જેવા, વૃક્ષો દેખાતાં. હવે ડુમ્મસમાં વીજળી થઈ છે ને સમુદ્ર દૂર સરી ગયો છે આથી ત્યાં જવાનું ગમતું નથી. પણ ત્યાંનો સૂસવાતો પવન લોહીમાં ઉન્માદ જગાડે છે એ અનુભવવા ક્યારેક ત્યાં જવાનું મન થાય છે ખરું.
વૃક્ષો સાથેનો સમ્બન્ધ પણ હવે બદલાઈ ગયેલો લાગે છે. ત્યારે વૃક્ષની છાયામાં વિશ્રમ્ભપૂર્વક બેસવાની મજા આવતી. હવે તો વૃક્ષ પાસે પાનનો ગલ્લો છે, પાસેથી ડીઝલનો ધુમાડો કાઢતી બસ દોડી જાય છે. કોઈએ વૃક્ષના થડ પર જ જાહેરખબરનું પાટિયુ જડી દીધું છે. ત્યારે વૃક્ષની અને મારી વચ્ચે સેલારા મારવા માટેના મુક્ત અવકાશનો અનુભવ થતો હતો. આજે એ અવકાશ સંકોચાઈ ગયો છે. છાપાંની હેડલાઇનોનો ઘોંઘાટ, ફેરિયાઓની બૂમ, વાહનોનો કર્ણકર્કશ અવાજ અને આજુબાજુના સંસારની ગીચોગીચ એવી દખલગીરી – આ બધું જ મારી અને વૃક્ષની વચ્ચે વ્યાપી જાય છે.
ઘરનું ઘરપણું હવે બદલાઈ ગયું છે. હવે ભાડાના ઘરમાં રહેતો નથી. ઘર મારું છે, છતાં મમત્વ થતું નથી. એની ભૂમિતિ મારા હૃદયની ભૂમિતિ સામે બરાબર ગોઠવાઈ જતી નથી. અગાશીમાં જાઉં છું તોય શહેરનો એ ઘોંઘાટ મારો પીછો છોડતો નથી. નાનકડો આકાશનો ટુકડો ભાગે આવે છે. એક પીપળો હઠ કરીને ઊગી નીકળ્યો છે. ઊંચા પપૈયા પર પપૈયાં પાકે છે પણ એ એટલાં બધાં ઊંચાં છે કે પાડી શકાતાં નથી. આથી કોયલ કાગડો ભેગાં થઈને ઉજાણી કરે છે. એમનો આનન્દ અને કલહ હું કુતૂહલથી જોયા કરું છું.
ત્યારે બાળવાર્તા અને પરીકથાના જગતમાં રહેતા, ભીમની ગદા અને અર્જુનનું ગાંડીવ યુદ્ધનાં શસ્ત્ર કરતાં ક્રીડાનાં ઉપકરણો જ વધારે લાગતાં, પછી તો યુદ્ધની વાસ્તવિકતાનો પરિચય થયો. આ યુદ્ધોનું શાન્તિપર્વ તો કદિ આવશે જ નહિ એવું લાગે છે. ચારે બાજુ વિસંવાદ અને સંઘર્ષની આબોહવા છે. એ બધાં વચ્ચે શાન્તિનો દ્વીપ રચીને રહેવાનું શક્ય નથી. સંસાર હજાર બાહુ ફેલાવીને આપણને ખેંચ્યા કરે છે. અનેક પ્રકારનાં નવાં નવાં દુ:ખ જોડે પરિચય થતા રહે છે. માનવસમ્બન્ધોની ઉષ્માનું લોભી હૃદય ઘણી જગ્યાએથી ઠગાઈને પાછું આવે છે. સોનગઢના કિલ્લાના પડછાયા કરતાં વધારે મોટો પડછાયો સદા મારા પર ઝળુમ્બી રહ્યો હોય એવું લાગ્યા કરે છે. પાસે આવેલા સુખનો ચહેરો પણ એવો દયામણો લાગે છે કે એને પકડી રાખવાનું મન થતું નથી.
વીજળીના દીવાઓ વચ્ચે રાંકડાં લાગતાં દિવેલનાં કોડિયાંને જોઉં છું ને મને વિષાદ ઘેરી વળે છે. આજનો અન્ધકાર પણ દૂષિત છે. એમાં ફેક્ટરીનો ધુમાડો છે, રાસાયણિક દ્રવ્યોના વિષનો એને પાસ બેઠેલો છે, આ અન્ધકાર આંખમાં સ્નિગ્ધ અંજનની જેમ અંજાઈ જતો નથી, ચચરે છે. એ મારા શ્વાસને પણ રૂંધે છે. પણ જાણું છું કે મારી જેમ કેટલાય જીવ આ અન્ધકારમાં ધરબાયેલા છે. આ કલુષિત અન્ધકારની આસુરી જીભ આપણી આંખોને ચાટે છે. અહીં વૃક્ષોની શાખા પવનમાં વિલાપ કરે છે.
શહેરની શેરીઓમાં રૂંધાયેલી હવા હીબકાં ભરે છે. દિવસ શહેરના જુદાજુદા ભાગોમાં વધેરાઈને વિખરાઈ ગયો છે. શહેરના કેટલાક ભાગના નસીબે તો દિવસ આવ્યો જ નથી. કેટલાંય સૂનાં ઘરનાં બંધ બારણાં ધુમાડો હડસેલ્યા કરે છે. હવામાં વીલાઈ ગયેલાં સ્મિત અને તરડાઈ ગયેલી ચીસ તર્યા કરે છે. બાગનાં વૃક્ષોનાં પાંદડાંની આડશે ક્લોરિન અને એમોનિયાનો ગૅસ લપાઈને બેઠાં છે.
શહેરના ફુવારાઓ યાન્ત્રિક માપ જાળવીને ઊડે છે. એમાં આકાશની ભૂરાશ પ્રતિબિમ્બિત થતી નથી પણ રંગીન કાચનો કૃત્રિમ પ્રકાશ એને આવરી લે છે. પશુઓને માટે કશું આશ્રયસ્થાન રહ્યું નથી. એમને પાણી પીવાના હવાડા પુરાઈ ગયા છે. જળાશયો શોભાસ્થાન તરીકે માનવીએ સુરક્ષિત રાખ્યાં છે. શહેરની શોભા ડબલડેકર બસથી કે આવા ફુવારાઓથી નથી વધતી. વીજળીના તારને કારણે ઠેકાણે ઠેકાણે વૃક્ષોને છેદવામાં આવે છે. માનવી ધીમે ધીમે વૃક્ષોના પર્ણમર્મર અને એની છાયાના અભાવથી ટેવાઈ જશે. આપણે સહુ એક પ્રાચીન અને ભવ્ય સંસ્કૃતિની અન્તિમ ક્ષણોએ એની સ્મશાનયાત્રાના ડાઘુઓ બનીને આવ્યા છીએ. તો હવે સૂરજને કાળા વાઘા પહેરાવો, પડછાયાઓના સરઘસ કાઢો, મન્દિરોમાં ઇલેક્ટ્રોનિક્સના જાદુ કરો, છાપાંની મદદથી નવી વાસ્તવિકતાનો ઉકરડો ઊભો કરો. મતગણતરીથી નવા ઈશ્વરને સ્થાપો, દરરોજ નરમેધ રચવાનાં નવાં નવાં નિમિત્તો શોધતાં રહો, જીવનપ્રવાહથી છૂટા પડીને બંધ બારી-બારણાંવાળાં કબર જેવાં ઘરમાં દટાતા રહો, લક્ષ્મીના તાપથી અનુકમ્પાના સ્રોતને સૂકવી નાખો – આટલું થશે પછી ભગવાનને પણ નવું નરક રચવાનો શ્રમ ઉઠાવવો નહિ પડે.
21-10-81