સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/દુષ્ટતાનો નાશ કરવા —
આફ્રિકાના જંગલમાં એક મિશનરી ધર્મપ્રચાર માટે ગયો. એ જંગલના લોકો બધા નરભક્ષક, તો પણ એણે એ જ સ્થાન પસંદ કર્યું. લોકોને મળી એ તેમને ચર્ચમાં બોલાવવા લાગ્યો. થોડા લોકો આવવા લાગ્યા. એમની સમક્ષ એ પ્રવચનો કરતો. એક દંપતી રોજ પ્રવચન સાંભળવા આવતું. એક દિવસ એમાંની સ્ત્રી આવી નહિ; કેવળ પુરુષ જ આવ્યો. એને મિશનરીએ પૂછ્યું : “આજે પત્ની કેમ આવી નહિ? ક્યાં છે એ?” પેલાએ ઉત્તર દીધો : “મારા પેટમાં.” મિશનરીને કાંઈ સમજાયું નહિ. એણે ફરીથી પૂછ્યું : “બીમાર છે?” એણે જવાબ આપ્યો : “ખાઈ લીધી.” મિશનરીથી સહન થયું નહિ. પણ શાંત રહ્યો. એણે પેલાની નિંદા કરી નહિ. એને પાપી કહ્યો નહિ. ધર્મબોધ કરતો રહ્યો. ઘણા દિવસો પછી મિશનરીના પ્રેમે એ માણસને પ્રભાવિત કર્યો. એને પોતાની ભૂલ સમજાઈ. એ મિશનરી પાસે આવી રડવા લાગ્યો. કહે : “મેં મોટું પાપ કર્યું. હવે શું કરું?” મિશનરીએ કહ્યું : “ઈશ્વર દયાળુ છે. યેશૂની પ્રાર્થના કર; એ તારા વતી ભગવાન પાસે ક્ષમાયાચના કરશે.” આવા લોકો ઉપેક્ષાને વટાવી ગયેલા શ્રેષ્ઠ સંત છે. તેઓ માંસ ખાય છે, તેથી તમે શું તેમને પામર માનશો?
આફ્રિકાના પ્રવાસમાં મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો : “તમે માંસાહાર કેમ નથી કરતા?” મેં એ લોકોને પૂછ્યું : “તમે સોએક વરસ પહેલાં તો મનુષ્યમાંસ ખાતા હતા. તે છોડયું શા માટે? મનુષ્યનું માંસ રુચિકર હોય છે, હાનિકારક નથી, સહેલાઈથી પચે છે. તો પછી તમે એ છોડી શા માટે દીધું? આનો જવાબ તમારે એમ જ દેવો પડે કે, મનુષ્યમાંસ ખાવું યોગ્ય નથી માટે છોડયું. તે જ આધારે આગળ જતાં બીજું માંસ ખાવાનું પણ છોડી દેવું જોઈએ એમ અમે કહીએ છીએ, એટલું જ. મનુષ્ય-માંસ ખાનાર કરતાં ફક્ત મનુષ્યેતરનું જ માંસ ખાનારો સારો. એના કરતાંય વધારે સારો માંસમાત્રા ન ખાનારો.” શાકાહાર-માંસાહારના સવાલ પર જૈન લોકો સાથે ચર્ચા કરતી વખતે હું એમને કહેતો હોઉં છું કે, જે માંસ નથી ખાતાં તેમણે ન જ ખાવું. પણ જે ખાય છે એમને હીન ન માનવાં. દુનિયામાં અધિકાંશ લોકો માંસાહારી છે. એમાં મોટા મોટા ધર્માત્માઓ પણ છે. માંસાહારી લોકોને હીન માનવા અને એમનો બહિષ્કાર કરવો, એ અધિકાંશ માનવજાતિને બહિષ્કૃત કરવા જેવું છે. માંસાહારી લોકોનો બહિષ્કાર કરીને એમનામાં શાકાહારનો પ્રચાર શી રીતે કરી શકાશે? શાકાહાર જેવો, સાંસ્કૃતિક દૃષ્ટિએ બહુ પુરોગામી એવો વિચાર રૂઢિવાદી લોકોના સાણસામાં સપડાઈને મરવો ન જોઈએ. માંસાહારી લોકોને અપનાવીને હું ખરેખર શાકાહારનો પુરસ્કાર જ કરું છું. શાકાહારી અને માંસાહારી લોકોનું સહજીવન આપણે બુદ્ધિપૂર્વક શરૂ કરવું જોઈએ. હું પૂર્ણ શાકાહારી છું. મને માંસ, માછલી, ઈંડાં, કશું ખપતું નથી. પણ જમવા માટે મને બે આમંત્રાણ મળે, એક માંસાહારી કુટુંબનું અને બીજું શાકાહારી કુટુંબનું, અને માંસાહારી કુટુંબના લોકો મારી સાથે બેસીને પોતે માંસ ખાય પણ મને શુદ્ધ શાકાહારી ભોજન આપવાનું કબૂલ કરે, તો હું આગ્રહપૂર્વક એમનું જ આમંત્રાણ સ્વીકારીશ. એટલી ઉદારતા રાખ્યા વગર સહજીવન શી રીતે શક્ય બને? મૈત્રી, મુદિતા, કરુણા અને ઉપેક્ષા — આ ચાર આર્ય સદ્ગુણોમાં આપણી સંસ્કૃતિનો સંપૂર્ણ સાર આવી જાય છે. બધા વિશે સદ્ભાવ હોવો, એ મૈત્રી; બીજાની સુસ્થિતિ જોઈ આનંદિત થવું, તે મુદિતા; દુખી લોકો પ્રત્યે કરુણા, અને દુષ્ટો પ્રત્યે ઉપેક્ષા : આ ચાર આર્ય સદ્ગુણો તરીકે ઓળખાય છે. પણ એમાં જે છેવટનો સદ્ગુણ ઉપેક્ષા છે, તેનાથી આગળ આપણે હવે જવું જોઈએ. દુષ્ટો વિશે ઉપેક્ષા રાખ્યે જ હવે નહીં ચાલે. દુષ્ટોની દુષ્ટતાનો સેવા દ્વારા નાશ થાય, તે માટે આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ખ્રિસ્તી મિશનરીઓમાં એવા કેટલાક સત્પુરુષો થઈ ગયા કે જેમણે પ્રેમભરી સેવા દ્વારા દુષ્ટોની દુષ્ટતાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ માનવજાતિના અત્યંત શ્રેષ્ઠ પુરુષોમાંના છે. [‘કાકા કાલેલકર સાથે વિવિધ વાર્તાલાપ’ નામના પુસ્તકમાંથી ઉપરનો લેખ સંકલિત કરેલો છે. ૧૯૭૧માં પ્રગટ થયેલા એ પુસ્તકમાં કાકાસાહેબ અને એમના અંતેવાસી તથા કોંકણી-મરાઠીના લેખક રવીન્દ્ર કેળેકર વચ્ચેના વાર્તાલાપો શબ્દબદ્ધ થયેલા છે. એ પુસ્તકની પ્રસ્તાવનામાં ઉમાશંકર જોશીએ એક વાત એ પણ કહી છે કે, “કાકાસાહેબ ક્રાંતિકારી વિચારો ધરાવનારા છે એનો ખ્યાલ એમના બીજા કોઈ પુસ્તક કરતાં આ પુસ્તક ઉપરથી વધુ આવશે.”]