અહો બત કિમ્ આશ્ચર્યમ્/મરણની નિકટતા

Revision as of 06:07, 7 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મરણની નિકટતા| સુરેશ જોષી}} {{Poem2Open}} શરીરનું મરણ તો ગમે ત્યારે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મરણની નિકટતા

સુરેશ જોષી

શરીરનું મરણ તો ગમે ત્યારે થાય પણ તે પહેલાં શું આપણને મરણનો અનુભવ નથી થવા માંડતો? એની એ મિત્રોની મંડળી જામી હોય, આપણેય એમાં હંમેશની જેમ બેઠા હોઈએ, વાતો અને ટોળ-ટિખ્ખળ ચાલતાં હોય અને એકાએક ખબર પડે કે આપણી ઉપસ્થિતિ પોકળ બની ગઈ છે, આપણું ‘હોવું’, એની જે નક્કર સભરતા – તેને કોઈએ કોતરી ખાધી છે. એ હવે માત્ર ખોખું જ છે. ઉપસ્થિતિનાં ખોખાંની અંદરની સામગ્રી તે તો અનુપસ્થિતિ પોતે જ છે. બસ, એ પળથી મરણ ભ્રાન્તિ, પડછાયો, દુ:સ્વપ્ન મટીને નક્કર વાસ્તવિકતા પામવા માંડે છે. ત્યારે એકાએક કદી ન અનુભવેલા ભયનો કમ્પ શરીરમાં દોડી જાય છે, શરીર મરણના એ પ્રથમ પગલાને અંકિત કરી રાખે છે.

પછી મરણ ધીમે ધીમે નિકટ આવવા માંડે છે. જે સૌથી નિકટ છે તેની ને આપણી વચ્ચે એ પોતાને વિસ્તારતું જાય છે. આપણા શબ્દો (જે પહેલાં વિદ્યુત્ જેવા હતા) હવાના ફીણ જેવા, પૂરો ધ્વનિનો આકાર પણ ધારણ કર્યા વિનાના વિખરાઈ જાય છે. એમાં જે વજન હતું, એને નક્કર બનાવનારું જે તત્ત્વ હતું તે કોઈએ કોતરી ખાધું છે, એને કારણે શબ્દોના ખોખામાં હવે કશી સામગ્રી રહી નથી. ભાવને બદલે અભાવ જ એનો અર્થ બની ગયો છે. આથી આપણે લાગણીભર્યા(ને તેય ઉત્કટ, ઉગ્ર) શબ્દો ઉચ્ચારીએ, જે શબ્દોમાં ગાઢ આલંગિનની ઉષ્મા હોય, વિશ્રમ્ભાલાપની મધુર આસ્વાદ્યતા હોય, મહુવરના નાદની જેમ બધીય ઇન્દ્રિયોને ડોલાવવાની સમ્મોહન શક્તિ હોય તે શબ્દો રેખાપાત કર્યા વિના, ચિહ્ન સરખું આંક્યા વિના, લુપ્ત થઈ ગયાની એંધાણી સરખી આપ્યા વિના, આપણને પોતાને જ ‘આવજો’ એવી વદાયવાણી કહ્યા વિના, સરી જાય છે. એના શમી જતા બુદ્બુદ્નો અવાજ પણ આપણને સંભળાતો નથી.

પછી છવાતી જાય છે શાન્તિ. જાણું છું કે અહીં ‘શાન્તિ’ શબ્દ હું સાવ ખોટો વાપરું છું. એમાં કશું શમી જતું નથી, વિલય પામતું નથી. કશુંક ઉતરડાઈ જાય છે, અને એ ઉતરડાઈ ગયાના આંકા પડી રહે છે. કોઈ ઘા ખાલી નથી હોતો, એની કિનાર સુધી દર્દ છલકાતું હોય છે, ત્યાં જ લોહી ધસી આવે છે, એના લબકારા પીડે છે. પણ આ અ-ભાવ એ એવો ઘા પણ નથી. ઘા હોય તો રૂઝાય. દરેક ઘા કાંઈ મૃત્યુનું મુખ નથી. પણ આ પોકળતા કશાંથી ભરાતી નથી.

વૈશાખની ધૂલિધૂસર ચાંદની પાસેના મેદાનમાં છવાયેલી છે. બે ટિટોડી કકળતી કકળતી ઊડ્યા કરે છે. એને જંપ નથી. કહે છે કે ટિટોડી તો અવગતે ગયેલા આત્માઓ છે. એ પોતાના દેહને શોધવાને ચિત્કાર કરે છે. દિવસ પૂરો થાય છે, રાત ઢળે છે. બધું જંપી જતું હોય છે ત્યારે આવી જ રીતે અશરીરી બની ગયેલી છતાં શૂન્ય ન બની શકેલી કેટલીય લાગણીઓ ટોળે વળીને નિદ્રાના ઉમ્બર પર ઝઝૂમ્યા કરે છે. આમ જીવતે જીવ મોક્ષ પામ્યા વિનાની કેટલીય લાગણીઓ, પ્રતિભાવ પામ્યા વિનાની કેટલીય ઇચ્છાઓ, રઝળતી થઈ જાય છે; આપણે જીવવા છતાં એટલો આપણો અંશ પ્રેતયોનિમાં ચાલ્યો જાય છે. એની સાથે આપણો સંવાદ શક્ય નથી. આપણે શબ્દો બોલતા નથી કારણ કે એવા પ્રેત-સંકેતવાળા શબ્દો આપણી પાસે નથી. શબ્દો જીવનની નીપજ છે, એ મરણને આવરી લઈ શકતા નથી. એટલે અંશે ભાષાનું એ બીજું અડધિયું આપણી પકડની બહાર જ રહી જાય છે. મરણની વાત રોમેન્ટિક બનીને કરવી ફાવે છે, પણ એ તો મરણની વાત કરીને એ બહાને જીવનનું મમત્વ બતાવવાનો ઢોંગ છે.

આ ઇન્દ્રિયો કેટલી તો ઉદ્યમશીલ હોય છે! ખંતીલી કીડીની જેમ એ એક એક કણ લાવે છે – વિચાર, સંવેદન, વૃત્તિ, સ્મૃતિ. આપણું મન એક રાફડો બની રહે છે. એ અર્થમાં તો આપણે બધા જ વાલ્મીકિ છીએ, પણ દરેક વાલ્મીકિ પાસેથી મહાકાવ્ય મળતું નથી. આ ઇન્દ્રિયોનેય ડંખ હોય છે. એ ડંખે છે, એનું વિષ ચઢે છે ને એ વિષથી આપણે ટેવાઈ જઈએ છીએ. એ વિષ ધીમે ધીમે આપણને જડ બનાવે છે. પછી ગમે તેવી વેદના આપણે સ્થિતપ્રજ્ઞની જેમ સહી લઈને મોઢું ફેરવી લઈએ છીએ. આ અર્થમાં જે જડ વધુ બની જાણે એ વધારે સહેલાઈથી મરી શકે. ધીમે ધીમે મરણ એટલું વ્યાપી જાય કે પછી મરણની ઘડી ક્યારે આવી તેની ખબર પણ ન રહે. આ મરણની સામે ઝૂઝનારા ક્યાં છે?

10-5-69