અહો બત કિમ્ આશ્ચર્યમ્/જ્યાકોમેત્તીનાં શિલ્પો

From Ekatra Wiki
Revision as of 06:10, 7 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જ્યાકોમેત્તીનાં શિલ્પો| સુરેશ જોષી}} {{Poem2Open}} આમ તો શિશિર ગઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જ્યાકોમેત્તીનાં શિલ્પો

સુરેશ જોષી

આમ તો શિશિર ગઈ ગણાય, વસન્ત બેઠી કહેવાય, કેસૂડાં ખીલેલાં પણ જોયા. છતાં હજી સવાર શિશિરની જ ઊગે છે, હજી વાતાવરણમાં દૂરતાનો સંકેત છે. આપણી આજુબાજુનો અવકાશ હંમેશાં એવો ને એવો રહેતો નથી. ઋતુએ ઋતુએ એ બદલાય છે. શિશિરમાં એ વસ્તુ વસ્તુ વચ્ચે વિસ્તરે છે. શિશિરમાં કોઈ ખાસ ફૂલ ખીલતાં નથી. પણ દૂરતા જ ફૂલની જેમ ખીલે છે. અવકાશ અત્યારે નીતર્યો નીતર્યો લાગે છે. વૈશાખ-જેઠના ધૂલીધૂસર દિવસો હજી દૂર છે. આ દૂરતામાં જ એક અકથ્ય અતાગ વિષાદ રહ્યો હોય છે, જે આપણને અજાણપણે સ્પર્શી જાય છે. શરદ, વર્ષા અને વસન્ત કવિઓને હાથે લાડ પામ્યાં છે. પણ શિશિરના કવિ તો બોદલેર અને જીવનાનન્દ દાસ.

આ દૂરતાની વાત સાથે મને જ્યાકોમેત્તીએ એક વાર જે કહ્યું હતું તે યાદ આવે છે, ‘મારી ઓરડીના પાછલા ભાગમાં હું બેસીને જોતો હતો ત્યારે મને ઘણી નગ્ન સ્ત્રીઓ નજરે પડી. અમને બંનેને જુદા પાડનારું અન્તર (ચળકતી લાકડાની ફરસબંધી પરથી મેં ચાલવાનો પ્રયત્ન કર્યો, તો એ દુર્ગમ લાગી), અમારી વચ્ચે રહેલી દૂરતા, એણે પણ પેલી સ્ત્રીઓ જેટલો જ મારા પર પ્રભાવ પાડ્યો.’ આ રીતે આપણે દૂરતા કે નિકટતાને જોતા નથી. કોઈ વસ્તુ દૂર છે કે નિકટ છે એમ આપણે કહીએ છીએ, પણ વસ્તુ અને આપણી વચ્ચે રહેલી દૂરતાને આપણે વસ્તુથી નિરપેક્ષપણે અનુભવની સામગ્રી બનાવતા નથી. આથી જ તો મને લાગે છે કે રવીન્દ્રનાથની કવિની વ્યાખ્યા ઘણી જ ઉચિત છે. એમણે કવિને અવકાશરસનો રસિયો કહ્યો છે, અને સ્પૅનિશ કવિ યેમેનેઝે કવિને અવકાશનો મોટો મિત્ર કહ્યો છે. રિલ્કેએ તો કવિનું મુખ્ય કર્તવ્ય જ આ વસ્તુજગતના અડાબીડ ગીચ અરણ્યમાં હૃદયાવકાશને વિસ્તારવાનું કહ્યું છે. શબ્દને એવો શૂન્યમય કરવો કે ઘણો બધો હૃદયાવકાશ એમાં વિસ્તરી શકે. આથી જ માલાર્મેએ બે શબ્દ વચ્ચે જે નિ:શબ્દ છે તેને પણ શબ્દ જેટલું જ મહત્ત્વ આપ્યું છે. હમણાં જ્યાકોમેત્તી વિશે સાર્ત્રનો નિબન્ધ વાંચ્યો, એણે આ બધા વિચાર પ્રેર્યા. શિલ્પ કે ચિત્ર વિશે કોઈ શબ્દશિલ્પી લખે તો પરિણામ કેવું સુખદ આવે તેનું આ દૃષ્ટાન્ત છે, સાર્ત્ર તો ફિલસૂફ પણ છે. આથી પોતાના વિચારોને વ્યવસ્થિત કરીને મૂકવાની શિસ્ત પણ એનામાં છે, સાથે નવા નવા ચમકારાઓ દેખાયા કરે છે. આથી આપણને નવી સૃષ્ટિ મળે છે. જ્યાકોમેત્તીનાં શિલ્પોના તથા ચિત્રોના ફોટોગ્રાફ જ મેં જોયા છે, પણ આ લેખ વાંચ્યા પછી એને માણવાની જાણે ચાવી મળી ગઈ છે. જ્યાકોમેત્તીના ચહેરા પર અભિમાનની સખતાઈભરી રેખાઓ છે. એનો આ અહંકાર એને પોતાને સમયના પ્રારમ્ભ પહેલાં સ્થાપવાનો અહંકાર છે. એને કશાં વિકાસ, પ્રગતિમાં શ્રદ્ધા નથી. ફ્રાન્સના સૌથી જૂના ગુફાચિત્ર દોરનારા આલ્તામિરાના ચિત્રકારો જેટલો જ એ ‘પ્રગતિશીલ’ છે એમ એ માને છે. માનવી અને પ્રકૃતિના એ પ્રારમ્ભકાળમાં નહોતી સુન્દરતા, કે નહોતું કદરૂપાપણું; નહોતી વિદગ્ધ રુચિ કે નહોતું વિવેચન. જેણે સૌ પ્રથમ પથ્થરના ખડકમાંથી માનવીને કંડારવાનું બીડું ઝડપ્યું તેણે શૂન્યથી જ શરૂઆત કરી.

જ્યાકોમેત્તીની સામે પણ ‘મોડેલ’ છે માનવ. પણ એ માનવ કોઈ સરમુખત્યાર કે સિપાહસાલાર કે અખાડાબાજ નથી. શિલ્પીને લલચાવે એવું કશુંય એ આદિમ માનવમાં નથી. એ તો હતો માત્ર અવિશિષ્ટ એવો પડછાયો – ક્ષિતિજની પડછે ચાલનારો. પણ વસ્તુ અને પદાર્થોની ગતિ કરતાં એની ગતિ વિશિષ્ટ હતી. પ્રથમ પ્રારમ્ભની જેમ એ ગતિ એનામાંથી પ્રગટતી હતી અને વાયવી ભવિષ્યની રેખાઓ એ હવામાં આંકી દેતી હતી, એ ગતિને એના લક્ષ્યના સન્દર્ભમાં સમજવી જોઈએ. એ માનવ ક્યાં તો કોઈક ફળ ચૂંટવા જતો હતો, અથવા તો વળગેલા ઝાંખરાને દૂર કરવા વાંકો વળતો હતો, એ ગતિને એના ઉદ્ગમસ્થાને જોવાની નહોતી. એ ગતિને અમુક દૃઢસ્થાને કે અળગી પાડીને જોઈ શકાય એમ હતું જ નહીં. વૃક્ષની ઝૂકેલી શાખાને વૃક્ષથી છૂટી પાડીને ન બતાડી શકાય, ઊંચા કરેલા હાથને કે વાળેલી મુઠ્ઠીને માનવીથી છૂટા પાડીને ન બતાડી શકાય. માનવી એનો હાથ ઊંચો કરે છે, માનવી મુઠ્ઠી વાળે છે. હાથ માનવીનું એક અવિભાજ્ય અંગ છે અને એની બધી જ ગતિનું એકમાત્ર ઉદ્ગમસ્થાન છે. વળી એ અનેક મુદ્રાઓનો જાદુ કરનારો છે. એ મુદ્રા એના વાળને વળગેલી હોય છે, એની આંખમાં ચમકતી હોય છે, એના બે હોઠ વચ્ચે નાચતી હોય છે, એની આંગળીને ટેરવે બેઠી હોય છે. એ બોલે છે ત્યારે એના આખા શરીર દ્વારા બોલે છે. એ દોડતો હોય છે તે પણ એની એક પ્રકારની વાચા છે; એ વાત કરે છે પણ એવી જ રીતે બોલતો હોય છે; અને જ્યારે એ નિદ્રાધીન થાય છે ત્યારે એની નિદ્રા જ એની વાણી હોય છે.

એને ઘડનારું દ્રવ્ય પથ્થરનો ખડક, એટલે કે અવકાશનો એક ખંડ. નર્યા અવકાશમાંથી જ્યાકોમેત્તીને માનવી ઘડવાનો હતો. નરી ગતિહીનતામાં ગતિની રેખાઓને આંકવાની હતી, અનેકવિધતામાં એકતાને પ્રગટ કરવાની હતી, નરી સાપેક્ષતામાં શુદ્ધ અવિકારી નિરપેક્ષતા સૂચવવાની હતી, શાશ્વત વર્તમાનમાં ભવિષ્યનું ઇંગિત રજૂ કરવાનું હતું, વસ્તુઓમાં રહેલી તંગ નિ:સ્તબ્ધતામાં મુદ્રાઓને વાચાળ બનાવવાની હતી. દ્રવ્ય અને ‘મોડેલ’ રૂપ માનવ વચ્ચે ન પૂરી શકાય એવો અવકાશ રહેલો લાગે છે, પણ એ અવકાશ જે એનું કારણ એ છે કે જ્યાકોમેત્તીએ એનું પરિમાણ માપી લીધું છે. જ્યાકોમેત્તી કદાચ અવકાશને માનવીય મુદ્રાથી અંકિત કરવા માંગે છે અથવા તો પથ્થરના ખડકમાં એ માનવી થવાના સ્વપ્નનો સંચાર કરવા ઇચ્છે છે, અથવા આ બંને કરવાની એની ઇચ્છા છે અને એ બંને વચ્ચે મધ્યસ્થીનું કામ બજાવી રહે છે.

શિલ્પીની ઉત્કટ ઇચ્છા પોતાને લંબાઈમાં ફેરવી નાખવાની છે જેથી એની પૂર્ણતામાંથી જ માનવની મૂતિર્ છલકાઈ ઊઠે. એને પથ્થરના જ વિચારો પજવતા હોય છે. જ્યાકોમેત્તીને એક વખત શૂન્યનો ભારે ભય લાગ્યો હતો, મહિનાઓ સુધી એ કેવળ શૂન્યની સાથે આંટા મારતો રહ્યો. એની નિર્જનતાભરી વન્ધ્યતાની અભિજ્ઞતા કેળવવાની પ્રતિજ્ઞા દરમિયાન એણે પોતામાં અનુભવેલી એ શૂન્યતા હતી. એક વખત એને એવું લાગ્યું હતું કે પ્રાણ વગરના મૃત પદાર્થો પૃથ્વીને સ્પર્શતા નહોતા. એ સદા બદલાતા રહેતા વિશ્વમાં વસતો હતો. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કે ઊંડાઈ છે નહીં અને પદાર્થો વચ્ચે કશો સમ્બન્ધ નથી એનું ઉગ્ર ભાન એને શરીરના અણુએ અણુમાં થતું હતું, પણ સાથે સાથે એને એનું પણ ભાન હતું કે શિલ્પીએ આમાંથી જ એક મુખ કંડારવાનું હોય છે – એવું મુખ જે એકલું જ આ બધા પદાર્થોને સ્પર્શી શકે.

મુખ અને મુખ ઉપરની મુદ્રાઓ એને અત્યન્ત ઉત્કટ રીતે સ્પર્શી જાય છે. એ આ મુદ્રાઓને આ ઉત્કટ ઈર્ષ્યાપૂર્વક જોઈ રહે છે. કેમ જાણે એ બીજા સામ્રાજ્યની નહીં હોય! એણે ધાતુમાં પોતાની તુલ્યગુણ મૂતિર્ઓ ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. એની તરફ આંધળું બનીને ધસી આવતું ટોળું ઊભું કર્યું છે. ભૂમિપાતમાં ખડકો ગબડે તેમ એના તરફ એણે પથ્થરોને રૂપે ગબડી આવતું જોયું છે. આમ એના દરેક વળગણમાં એક આગવી અનુભૂતિ હતી, એ અવકાશને અનુભવવાના સાધનરૂપ હતું.

લોકો તો કહેવાના : ‘એ તરંગી છે, ત્રણ હજાર વર્ષથી શિલ્પીઓ મૂતિર્ કંડારતા આવ્યા છે – અને તેય કેવી સુન્દર મૂતિર્ઓ! એમને આવા ચેનચાળા સૂઝતા નથી. એના પૂર્વજોને ઉખેડવાનો દમ્ભ કરવાને બદલે એમના જેવી અનવદ્ય મૂતિર્ઓ એ કંડારતો હોય તો!’ પણ સાચી વાત એ છે કે ત્રણ હજાર વર્ષથી શિલ્પીઓ કેવળ મડદાં કંડારતા હતા. કેટલીક વાર એ કબરને અઢેલીને સૂતેલાં દેખાય છે, કેટલીક વાર એઓ ઘોડા પરથી ઝૂકતાં હોય છે. પણ મરેલા ઘોડા પરનો મરેલો માણસ સહેજેય જીવન્ત લાગતો નથી. બાઘાની જેમ જોનારા ભોમિયા લોકો મ્યુઝિયમમાં આવું બધા જોઈને છેતરાય છે. એના હાથ હાલતા લાગે છે, પણ ખભે એ લોખંડના સાંધાથી સંધાયેલા છે તે ક્યાંથી હાલે? એની જડ રૂપરેખા એનામાં રહેલી અનન્ત વ્યાપ્તિને શી રીતે સમાવી લઈ શકે? ઉપર ઉપરથી સ્થૂળ સ્વરૂપની સરખામણી સામાન્ય પ્રેક્ષકને આંજી નાખે છે.

આથી છેક શૂન્યથી નવેસરથી શરૂ કરવાનું જરૂરી બની રહે છે. ત્રણ હજાર વર્ષો પછી આજે જ્યાકોમેત્તી અને બીજા શિલ્પીઓનું કામ કળાનાં સંગ્રહાલયોમાં નવાં પૂતળાં ખડકી દેવાનું નથી, પણ કંડારવાથી શિલ્પ શક્ય બને છે તે નવેસરથી પુરવાર કરવાનું છે. છેક છેલ્લી સીમા સુધી જઈને શું થઈ શકે છે તે જોવું જરૂરી છે. જો એ પ્રયત્ન નિષ્ફળતામાં પરિણમે તો ગમે તેવા સંજોગોમાં એ નિષ્ફળતા શિલ્પીની હતી કે શિલ્પકળાની હતી તે નક્કી કરવાનું ખૂબ અઘરું થઈ પડે. પણ એની પછી બીજા શિલ્પીઓ આવવાના, અને એમને નવેસરથી જ શરૂઆત કરવી પડવાની. જ્યાકોમેત્તી પોતે હંમેશાં નવેસરથી શરૂઆત કરે છે. અમુક નિયત બિન્દુએ એને પહોંચવાનું છે, કશીક અદ્વિતીય સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. એ સમસ્યા આ છે : માનવીને અશ્મીભૂત બનવા દીધા વિના પથ્થરમાંથી કંડારવો શી રીતે? જો આ સમસ્યાનો ઉકેલ આવે તો પછી પૂતળાંઓની સંખ્યાગણતરી નિરર્થક બની રહે.

‘જો મને એક શિલ્પ બનાવતાં આવડે તો હું અસંખ્ય બનાવી શકું.’ જ્યાકોમેત્તી એમ કહે છે. એનો પ્રયત્ન સફળ થાય નહીં ત્યાં સુધી એક પણ શિલ્પ હશે નહીં. હશે માત્ર ખરબચડી કોતરામણી – એ જેટલે અંશે એને એના મૂળ ધ્યેયની નજીક લઈ જાય છે તેટલે જ અંશે એને માટે રસપ્રદ બની રહે છે. બાકીનાનો એ નાશ કરે છે. આ નાશમાંથી કેટલીક વાર મિત્રો એકાદ યુવતીને કે વયસન્ધિએ પહોંચેલા યુવકને બચાવી લે છે. એનો એ વાંધો લેતો નથી અને ફરીથી પોતાનું કામ આરમ્ભે છે. છેલ્લાં પંદર વર્ષોમાં એણે પોતાની કૃતિઓનું એકાદ જ પ્રદર્શન યોજ્યું હતું.

આજીવિકા મેળવવા માટે જ એણે પ્રદર્શન યોજવામાં સંમતિ દર્શાવી હતી. આમ છતાં એ આખી પ્રવૃત્તિ વિશે શંકા તો હતી જ. બહાનું કાઢતાં એણે આમ કહ્યું હતું : ‘હું ગરીબાઈના ભયથી હેરાન થતો હતો તેથી આ શિલ્પો જે સ્થિતિમાં છે (કાંસામાં કે ફોટોગ્રાફ રૂપે) તે રીતે પ્રદશિર્ત કર્યાં છે. પણ એમણે વિશે હું નિ:શંક નથી. એ બધાં હું જેવા ચાહતો હતો તેવાં જ લગભગ બની શક્યાં છે.’

આ શિલ્પો હવેથી એનું આગવું અસ્તિત્વ શરૂ કરી દે છે અને એ વાત જ એને ખાસ કરીને મૂંઝવે છે. શિલ્પીને કે કળાકારને તરંગી કે ધૂની કહી દેતાં પહેલાં, એને અલગારી અને અભિમાની કહી દેતાં પહેલાં, આ બધી હકીકતોનો ખ્યાલ રાખવો જરૂરી છે.

12-2-71